Included in the UGC-CARE list (Group B Sr. No 172)
Special Issue on Feminism
હિમાંશી શેલત કૃત ‘એમનાં જીવન’ વાર્તાસંગ્રહમાં નારીવાદ : અનુઆધુનિકતાના સંદર્ભે
વીસમી સદીના છઠ્ઠા દાયકાથી લઈ આઠમા દાયકાના અંત સુધી ચાલેલું આધુનિકતાનું આંદોલન વિશ્વના પ્રજાજીવન પર ખાસ્સું પ્રભાવક રહ્યું. માનવસમાજ અને સંસ્કૃતિ પર પડેલા એના ઘેરા પ્રત્યાઘાત ચોમેર જોવા મળ્યા. આપણી ભારતીય પ્રજા માટે તો આ ગાળો ખૂબ કપરો રહ્યો. ભારતીય પ્રજાનું જીવન ઘણી બધી રાજકીય, સાંસ્કૃતિક, વૈજ્ઞાનિક પરિસ્થિતિઓને લીધે છિન્નભિન્ન બની ગયું. નૈતિક મૂલ્યોનો હ્રાસ એ સૌથી મોટી ખોટ હતી આ ગાળાની.

સવર્ણો અને દલિતો વચ્ચેનો સંઘર્ષ ૧૯૮૧માં ગુજરાતમાં પ્રથમ અનામતવિરોધી આંદોલન લઈને આવ્યો. એકવીસમી સદીના આરંભમાં કોમવાદે ક્રૂર રીતે માથું ઊંચક્યું. આવી પરિસ્થિતિઓમાં જ વિજ્ઞાને અકલ્પનીય વિકાસ સાધ્યો. નવીન શોધો અને ઉપકરણોનાં ઉપયોગને લીધે આપણા સાહિત્ય અને સંસ્કૃતિ બંને અસર પામ્યાં. આ બધી જ બાબતોની અસર સાહિત્ય અને સાહિત્યકારો પર પડી. માનવસમુદાયના દાયરામાં આવતાં તમામ ક્ષેત્રોમાં વિકાસની ગતિથી આજનો માનવી વિશ્વમાનવી બની રહ્યો.

આમ વીસમી સદીના છઠ્ઠા દાયકાથી છેલ્લા દાયકા સુધી અને એ પછી એકવીસમી સદીના પ્રથમ દાયકા સુધીમાં જે સાહિત્યસર્જન થયું એમાં, આ સમયગાળામાં થયેલાં પરિવર્તનોની અસર હેઠળ આધુનિક અને અનુઆધુનિક એવા બે પ્રવાહો ઝીલાયેલા જોવા મળે છે.

આધુનિક સાહિત્યનાં સર્જનમાં રાવજી પટેલ, લાભશંકર ઠાકર, ચિનુ મોદી, સિતાંશુ મહેતા, ચન્દ્રકાન્ત શેઠ વગેરેએ સંવેદના, સ્વકીય અનુભવ અને પરંપરા વિચ્છેદ, પુરુષાર્થની વ્યર્થતા વગેરે લક્ષણો ધરાવતું આધુનિક સાહિત્ય રચ્યું. સુરેશ જોશી ઘટનાલોપ લઈને આવ્યા. પરંતુ યુરોપમાં ઓસરતો આધુનિકવાદ અને માથું ઊંચકતો અનુઆધુનિકવાદ અહીંના આધુનિકવાદને વીસમી સદીના નવમા દાયકાની શરૂઆત પહેલા જ નરમ પાડી દે છે અને શરૂ થાય છે અનુઆધુનિકતાનો ગાળો, જે આજે પણ ચાલુ જ છે.

આધુનિકતાવાદ અને તેને પડકારતો અનુઆધુનિકતાવાદ – આ બંને યુરોપની સંજ્ઞાઓ છે તે સૌ જાણે છે. દેખીતું છે કે અનુઆધુનિકતાવાદ એ આધુનિકતાવાદના પ્રતિકારરૂપે પ્રવર્તેલો વાદ છે. ગુજરાતી સાહિત્યમાં પણ આ પ્રતિકાર જોવા મળે છે. અનુઆધુનિકતાવાદના મહત્ત્વના લક્ષણોમાં ભોગવિલાસ, મુક્ત જાતીય સહચાર, દલિત જાગૃતિ, નારી ચેતના, ધાર્મિક-કોમી જૂથો વચ્ચેની હિંસા, લોકશાહીનું પતન, ભ્રષ્ટાચાર, મૂલ્યહ્રાસ, સોશિયલ મીડિયાનો પ્રભાવ, માણસની મૂળ વૃત્તિને આધારે થતું વર્તન, વિદ્રોહ દ્વારા નવસર્જન કરવાની તત્પરતા, માનવતાનું પુનઃસ્થાપન વગેરેનો સમાવેશ થાય છે. અનુઆધુનિક સાહિત્યમાં સ્વરૂપને બદલે સામગ્રી પર ભાર મૂકાય છે, જીવનલક્ષી અભિગમ જોવા મળે છે.

ઉપરના લક્ષણોને ધ્યાનથી જોઈએ તો એમાંથી અનુઆધુનિકતાની મુખ્ય ત્રણ ધારાઓ ઉપસી આવતી જણાય છે. ૧. દેશીવાદ ૨. દલિતવાદ ૩. નારીવાદ

નારીવાદ

એક રીતે જોઈએ તો નારીવાદ કે નારીજાગૃતિનો વિષય ગાંધીયુગથી ચાલ્યો આવે છે. પણ અનુઆધુનિક ગાળામાં તે વિદ્રોહી રૂપ પ્રગટ કરે છે. સમાજમાં થતું સ્ત્રીનું શોષણ, પુરુષો દ્વારા થતા જુલમો કે જોહુકમી પરત્વે આક્રોશ વ્યક્ત થતો જોવા મળે છે. આરંભના ગાળામાં સાહિત્યમાં જો સ્ત્રીની વાત થતી તો માત્ર તેની વ્યથા-વેદના આલેખવા જ કે એ માટે વધુ થતી. સંપૂર્ણપણે નારીવાદી કૃતિઓ, જેમાં સ્ત્રીની પોતાની ચેતના પ્રગટતી હોય એવી કૃતિઓ અનુઆધુનિકગાળામાં વધુ જોવા મળે છે. જેમ કે, ‘બત્રીસ પૂતળીની વેદના’(ઈલા આરબ મહેતા), ‘કાદંબરીની મા’(ધીરુબહેન પટેલ), ‘સાત પગલાં આકાશમાં’(કુન્દનિકા કાપડિયા), ‘માટીનું ઘર’(વર્ષા અડાલજા) વગેરે.

નારીવાદી કૃતિ એટલે શું? તેવો પ્રશ્ન થાય તો શરીફા વીજળીવાળાએ ‘શતરૂપા’ની પ્રસ્તાવનામાં એનો સરસ જવાબ આપ્યો છે. તેઓ લખે છે : ‘...સ્ત્રી કે પુરુષ કોઈના પણ હાથે લખાયેલી કૃતિમાં જો નારીનાં આંતરિક વિશ્વમાં ડોકિયું થયું હોય, એના સંવેદનાજગતને સ્પર્શી શકાયું હોય, સ્ત્રી હોવાના કારણે જ એના ભાગે સહન કરવાનું આવ્યું હોય તો એવી કૃતિને આપણે નારીવાદી કૃતિ કહી શકીએ.’ સમજી શકાય છે કે જે કૃતિમાં સ્ત્રીનાં જીવનની, એની રોજબરોજની સામાન્ય ઘટમાળની કે પરંપરાથી ચાલી આવતા એના દરજ્જાની વાત હોય તો એ નારીવાદી કૃતિ નથી બની જતી. વળી, એક સ્ત્રીએ લખેલી હોવાથી પણ કોઈ કૃતિ નારીવાદી નથી બની જતી. નારીવાદી કૃતિમાં સ્ત્રીનું ભાવજગત, ચૈતસિક મથામણ, પુરુષની સત્તાનો પરાણે સ્વીકાર કે પ્રતિકાર, યૌનશોષણ પછી પણ વેઠવી પડતી સામાજિક હાલાકી વગેરેનું આલેખન જોવા મળે છે.

અહીં હિમાંશી શેલતની વાર્તાઓમાંથી એવાં પરિમાણો તારવી શકાય છે જેથી તેને નારીવાદી વાર્તાઓ કહી જ શકાય. હા, શક્ય છે કે આ વાર્તાઓમાંથી જે નારીવાદ પ્રગટ થાય છે એથી વિશેષ બીજી વાર્તાઓમાંથી પ્રગટ થતો હોય. પણ એનો અર્થ એવો નથી કે આ વાર્તાઓનો નારીવાદી કૃતિ તરીકે સ્વીકાર ન કરી શકાય. કારણ કે, આ વાર્તાઓમાંથી પ્રગટ થતો નારીવાદ એ કોઈ એક નારીનો ન રહેતા સમગ્ર નારીસમાજનાં ભાવજગતને સ્પર્શે તેવો જ છે. તો આ વાર્તાઓમાંથી પ્રગટ થતા નારીવાદ વિશે ચર્ચા કરીએ.

હિમાંશી શેલત કૃત ‘એમનાં જીવન’માંની વાર્તાઓમાં નારીવાદ

‘એમનાં જીવન’ એ હિમાંશી શેલતની પંદર વાર્તાઓનો સમાવેશ કરતો વાર્તાસંગ્રહ છે. આ વાર્તાઓ ‘ઘટના પછી’ વાર્તાસંગ્રહમાંથી પસંદ કરીને મૂકાયેલી વાર્તાઓ છે. આમ તો આ પંદરેપંદર વાર્તાઓ અનુઆધુનિકતાનાં લક્ષણો ધરાવતી વાર્તાઓ છે. જેમકે ‘મંગલાચરણ’ અને ‘સંભાવના’માં વિડંબના જોવા મળે છે. ‘સરજત’માં અસ્તિત્વને બળ મળે છે. ‘પ્રવાસને અંતે’માં માનવતાવાદી અભિગમ તો ‘વહેમ’માં માનવ-માનવ વચ્ચેનું સંવેદન જોવા મળે છે.

પણ જેને નારીવાદી વાર્તાઓ કહી શકાય એવી વાર્તાઓમાં ‘મંગલાચરણ’, ‘મેડમ લવબર્ડ’, ‘દહન’, ‘એ સવાર’, ‘જાકારો’, ‘સ્ત્રીઓ’, ‘સંદર્ભ ગ્રંથો’ અને ‘એમનાં જીવન’ જેવી વાર્તાઓનો સમાવેશ થાય છે. આ બધી વાર્તાઓમાંથી ‘મેડમ લવબર્ડ’ એક માત્ર એવી વાર્તા છે જેમાં સ્ત્રીનું પુરુષ દ્વારા થતું શોષણ પ્રમાણમાં ઓછું અને એની પોતાની આંતરિક શક્તિ તથા સમાજ સામે ઊભા રહેવાની હિંમતનું આલેખન વિશેષ જોવા મળે છે. બાકીની વાર્તાઓમાં પુરુષોની વિકૃતિ, જોહુકમી, પાશવીપણાનો ભોગ બનતી સ્ત્રીઓની વાત આલેખાયેલી છે.

‘મંગલાચરણ’ એવી વાર્તા છે જેમાં સ્ત્રી જાતિનું હોવું જ જાણે અભિશાપ છે. પછી એ માણસ હોય કે જનાવર. એમાંય સ્ત્રીનું ગરીબ કે નોંધારા હોવું એ તો જાણે પુરુષો માટે સોને પે સુહાગા ! કોઈ પૂછવાવાળું નહિ, કોઈ કહેવાવાળું નહિ કે શા માટે સ્ત્રીનું શોષણ કરી, ઉપભોગ કર્યો ને ચાલતી પકડી? બીજી બાજુ જે સ્ત્રી સંપન્ન છે, સુખી પરિવારમાં છે તેને ખરેખર બધી છૂટ છે ખરી? પોતાની ઈચ્છાનુસાર માનવતાની રુએ એક બિલાડીને આશરો આપવાની જ્યાં છૂટ ન હોય ત્યાં ગરીબ માગણને તો આશરો આપવાનું વિચારાય જ કેમ ! સુખેથી જીવન જીવવા પતિ-પત્ની બંનેનું કમાવું જરૂરી છે એ સમજ તો સમાજે સ્વીકારી પણ એક સ્ત્રીને - સ્ત્રીજાતને ગર્ભવતી બનાવી દીધા પછીની જવાબદારી બંનેની હોવી જોઈએ એ બાબતે સમાજ કેમ આંખ આડા કાન કરે છે તે પ્રશ્ન વેધક રીતે આ વાર્તામાં રજૂ થયો છે.

‘સરજત’ વાર્તાની નાયિકાને પોતાનામાં કોઈ ખામી ન હોવા છતાં પતિની પિતા બની શકવાની અક્ષમતાને વેંઢારવી પડે છે. પોતાની ખામી છુપાવવા પતિ બાળકની ઉતાવળ કરવાની ના પડે છે અને સત્ય છતું થાય એ પહેલા મૃત્યુ પામે છે. મા બનવાની, વાત્સલ્ય ઢોળવાની નાયિકાની ઈચ્છા મનમાં જ રહી જાય છે. બે વર્ષ બાદ સહેલીઓ સાથે ફરવા નીકળેલી નાયિકાને અનાયાસ જ વાત્સલ્ય ઢોળવાની તક મળે છે. એસી ટ્રેનના ડબ્બામાં બહારની ધૂંધળી દેખાતી દુનિયા સાથે અજાણ્યા યુવાનની મૂલાકાતે નાયિકાનું પૂર્વવિશ્વ પણ ધૂંધળું બની જાય છે. પતિએ ક્યારેક કરેલા અપમાનપૂર્વકના પ્રેમની સામે એક અજાણ્યા યુવાનની નિર્દોષ, નિર્ભેળ કાળજી નાયિકાનું મન ભરી દે છે. વાર્તામાં આવતું એક વાક્ય નાયિકાનાં માતૃહૃદયની સ્થિતિ આબેહૂબ વર્ણવી જાય છે. ‘બળબળતી લાલાશ પર મલમનું સફેદ આવરણ છવાયું.’ જરાક દાઝેલા હાથ પર યુવાન દ્વારા લગાડાતો મલમ માધવીની બધી જૂની પીડાઓને ઠારે છે. વાર્તાને અંતે એ અજાણ્યા યુવાનને પોતાનો પુત્ર બનાવી દીધાની, વાત્સલ્યભાવ છલકાવી શકવાની જે આત્મશાંતિ એને મળે છે એની સામે દુનિયાની બધી જ પીડા સાવ ક્ષુલ્લક બની રહે છે.

‘સંભાવના’ જરા જુદા પ્રકારની વાર્તા છે. સ્ત્રી-પુરુષનાં મૂળભૂત ખ્યાલો અને વર્તનમાં જે ભેદ રહેલો છે તેને આ વાર્તા બખૂબી છતો કરી આપે છે. સત્તર-અઢાર વર્ષની વય દરેક માટે ઊર્મિઓથી ભરેલી હોય છે. પહેલાંના સમયમાં એ વયે લગ્ન થઈ જતા એટલે ઊર્મિઓનો આવેગ બંધ બારણે શમી જતો. પણ આજે માનવ લગ્નમાં ઉતાવળ નથી કરતો. પહેલાં કારકિર્દી બનાવવા - બનાવડાવવામાં સૌને રસ રહેલો છે. પરંતુ વયસહજ વૃત્તિઓનાં કારણ અથવા શમન વિશે સાચી સમજ આપવા કોઈની પાસે સમય નથી. નવાઈની વાત તો એ છે કે જે પુરુષ કિશોરાવસ્થાથી અજાણ નથી, પોતાની કિશોરાવસ્થાની મુગ્ધતામાં રાચી ચૂક્યો છે એ જ પુરુષ વયસ્ક કે પ્રૌઢ થઈ જાય ત્યારે બીજી પેઢીના કિશોરોની મુગ્ધાવસ્થા સમજી શકતો નથી. એ યુવાનો એને ડર્ટી માઈન્ડેડ લાગે છે. પણ જો માતા-પિતા બાળકની કિશોરાવસ્થામાં એની માનસિક સ્થિતિ સમજવાની કે સમજાવવાની તૈયારી બતાવે તો ઘણા બળાત્કાર થતા અટકી જાય. આ વાર્તામાં આ જવાબદારી એક માતા લે છે. લેખિકા વગર કશું કહ્યે કહી જાય છે કે એક સ્ત્રી પુરુષને વધુ સારી રીતે સમજી શકે છે અને સમજાવી પણ શકે છે.

‘દહન’ વાર્તામાં લેખિકાનો પ્રત્યક્ષ અનુભવ ભળેલો છે. દેશ-દુનિયા ગમે તેટલાં પ્રગતિશીલ અને વિકાસશીલ બની જાય, સ્ત્રીનું સ્થાન તો આજે પણ ત્યાનું ત્યાં જ છે. અલબત્ત, એનું પ્રમાણ ઘટ્યું છે. પણ હજી આજેય ભણેલા-ગણેલા પુરુષો ભણેલી-ગણેલી સ્ત્રીને પત્ની બનાવે છતાં પણ એને એક માણસ તરીકે જોઈ શકતો નથી. પુરુષો દ્વારા થતી સ્ત્રીની છેડછાડને એક સ્ત્રી જ અનુભવી શકે છે. રોકવાની તાકાત પણ બતાવી શકે છે. પણ એક પુરુષ માટે એ નગણ્ય ઘટના છે. ન ગણકારવાની પરિસ્થિતિ છે. એમાં પડવું એટલે ખોટા ચક્કરમાં પડવું. છેડછાડ જે સ્ત્રીની થતી હોય એનો એ અંગત મામલો બની જાય છે. એક પુરુષને ન તો એને બચાવવામાં રસ હોય છે, ન કોઈને બચાવવા દેવામાં. વળી પોતાની સ્ત્રી તો એ ‘ઘપલા’માં પડે જ શાની? એય એની પરવાનગી વગર!

બંગાળી દિગ્દર્શક ઋતુપર્ણ ઘોષની સુખ્યાત ફિલ્મ ‘દહન’ પરથી પ્રેરણા લઈ લેખિકાએ આ વાર્તા દ્વારા ઋતુપર્ણ ઘોષને અંજલી તો આપી જ છે સાથે સાથે પુરુષના શાસન હેઠળ ગૂંગળાતી સ્ત્રીનું મનોજગત પણ આલેખ્યું છે. એક ફિલ્મ દરેક સ્ત્રી પોતાની અંદર જીવી રહી છે અને એ ફિલ્મ કદી પૂરી થતી જ નથી.

‘એ સવાર’ અને ‘સંદર્ભગ્રંથો’ આ બંને વાર્તાઓ વેશ્યાઓને કેન્દ્રમાં રાખીને લખાઈ છે. પણ બંનેનાં વિષય-વસ્તુ અને ચોટ જુદાં છે. ‘એ સવાર’માં વેશ્યાઓનો ધંધો કાયદેસર થવાનો છે એ સમાચારમાં કેટલું તથ્ય છે એ જાણવા મથતી વેશ્યાઓની વાતચીતથી વાર્તા શરુ થાય છે. સમાચારપત્રમાં આ સમાચાર શોધતા શોધતા નાની બાળકી પર થયેલાં બળાત્કારના સમાચાર મળી આવે છે. જેટલો આઘાત સામાન્ય જીવન જીવતા મારા-તમારા જેવા લોકોને નથી લાગતો એનાથી અનેક ગણો આઘાત આ સમાચાર વાંચી એ વેશ્યાઓને લાગે છે. ઇજ્જતથી દેહવિક્રયનો ધંધો સરકાર ન કરવા દે તો ચાલશે પણ બળાત્કાર કરનાર પુરુષોને પોતાનો દેહ વેચાતો આપવા તૈયાર થનારીઓ જ્યાં ઉપલબ્ધ છે ત્યાં નાની બાળાઓ પર આવા પાશવી અત્યાચાર કેમ? એવો પ્રશ્ન આ લલનાઓને સતાવે છે. વળી, બળાત્કારનો ભોગ બનનાર જીવિત રહે તો એના માટે સમાજથી ભૂંડું કોઈ નથી એ સત્ય પણ આ સ્ત્રીઓ બરાબર સમજે છે. માટે જ સરકાર એમનો ધંધો કાયદેસર કરે કે ન કરે, એ વડે જો કોઈ નાજૂક-નાદાન બાળા, કિશોરી, સ્ત્રી બળાત્કારનો ભોગ બનતાં અટકતી હોય તો તેઓને આ ધંધો કરવામાં જરાય વાંધો નથી એવી ચોટ વાર્તામાંથી નીપજે છે.

‘સંદર્ભગ્રંથો’માં જે વેશ્યાઓની વાત છે તેઓનું વેશ્યાપણું તો વાર્તાના અંતે પ્રગટ થાય છે. બીજા વિશ્વયુદ્ધમાં થયેલી તારાજી અને સ્ત્રીઓની કફોડી સ્થિતિ જોઈને આજીવન પીડિતોની સેવા કરવાનું પ્રણ લેનાર બે સ્ત્રીઓ પોતાનાં પ્રણને બરાબર નિભાવે છે. આજની યુવાન પેઢી, જેણે વિશ્વયુદ્ધની તારાજી નારી આંખે જોઈ નથી, અનુભવી નથી; માત્ર સાંભળી કે વાંચી છે તેઓ માટે આ સેવાભાવી સ્ત્રીઓનું કાર્ય અકળાવે તેવું બને. પરંતુ વાર્તાને અંતે એવી સ્ત્રીઓ આવે છે જે દૃઢપણે માને છે કે વિશ્વયુદ્ધ દરમિયાન શરીરની સોંપણી કરીને તેઓએ દેશની અનોખી સેવા કરી છે. એવા પુરુષો જેમના નાત-જાત, માનવતા, લાગણીનાં બધા બંધનો તૂટી ગયાં હતાં. સ્ત્રીને લૂંટીને પોતાની કોમના લોકોના મૃત્યુનો બદલો લીધાનું માનતા પુરુષોને પોતાનો દેહ સામેથી ધરી દેનાર આ સ્ત્રીઓએ ખરેખર અન્ય સ્ત્રીઓની રક્ષા કરી આડકતરી રીતે દેશ-સેવા જ કરી કહેવાય. કોઈ પણ દેશ હોય, આંદોલનો ક્યાંય પણ થયા હોય ભોગવવાનું તો સૌથી વધુ સ્ત્રીને ભાગે જ આવ્યું છે. અને પરિસ્થિતિ થાળે પડ્યા પછી પણ એ સ્ત્રીઓ નોંધારી જ બની રહી. એવામાં સ્ત્રીએ જ સ્ત્રીનો હાથ ઝાલીને આ દુનિયાથી તોડી બીજી દુનિયામાં જીવવા પ્રેરણા આપી છે એવો ભાવ આ વાર્તામાંથી પ્રગટ થયો છે.

‘જાકારો’ વાર્તા પણ નારીદેહના ઊપભોગ અને પછી જવાબદારીના ત્યાગને વર્ણવતી વાર્તા છે. અહીં નારીની વય સાથે નહીં પણ એનો ફાયદો ઉઠાવનાર કોણ છે એ તરફ વાર્તાનું કેન્દ્ર છે. મોટેભાગે સ્ત્રીનું જાતીય શોષણ એના પોતાનાઓથી જ થતું આવ્યું છે. જેના પર એ સૌથી વધુ ભરોસો કરતી હોય, જેના ખોળામાં માથું મૂકી એણે સ્વપ્નો સેવ્યાં હોય એવા અંદરના પુરુષો જ એનું શોષણ કરતાં ખચકાતા નથી. નીચી જાતિ અને ગરીબીમાં સબડતો સમાજ પિંખાયેલી દીકરીનું શું કરે? કાં તો એનો ગર્ભપાત કરાવે, કાં બાળક રહેવાની સંભાવનાનો જ નાશ કરી નાખે. સરકારી દવાખાના આ બંને કામ મફત કરી આપે છે માટે વાર્તામાં યુવાન થઈ રહેલી, માનસિક રીતે અસ્વસ્થ દીકરી-બહેનની કોથળી જ કઢાવી નાખવામાં સમજદારી જોવાય છે. કારણ કે, પુરુષની વૃત્તિનો તાગ તો ક્યાં મેળવવા જવો ! કયો પુરુષ, કઈ દિશાએથી, કયા સંબંધે જીવનમાં આવશે ને સ્ત્રીને લૂંટી ચાલતી પકડશે; ખબરેય નહીં પડે. અહીં જાકારો સ્ત્રીનો પોતાનાં સ્ત્રીપણાને છે. ઈશ્વર ભલે બીજા જન્મે હિજડો બનાવે પણ સ્ત્રી તો ન જ બનાવે એવો હૈયાવલોપાત અહીં જોવા મળે છે.

હિમાંશી શેલતની વખણાયેલી વાર્તાઓમાંની એક એટલે ‘સ્ત્રીઓ’ વાર્તા. એક જ સમાજમાંથી આવતી બે સ્ત્રીઓ. એક પીડિતાની મા અને એક ગુનેગારની મા. ગુનેગાર તો ગુનો કરી ફરાર થઈ ગયો, પીડિતા દીકરી હોસ્પિટલમાં સારવારને બિછાને. પણ આ બંને સ્ત્રીઓને ન્યાય કરતા પોતાના વ્યવહારની, ઘરે પાછા રાત પહેલા જલ્દી કેમ પહોચાશે તેની ચિંતા વધુ છે. છોકરાની મા દિલગીર તો છે પણ દીકરાને નિર્દોષ ગણાવવાનો પ્રયત્ન પણ કરે છે. જ્યારે છોકરીની મા તો કશું બોલી જ નથી શકતી. એને જેમ બને તેમ જલ્દી ન્યાય તોળવા બેઠેલાઓની વચ્ચેથી ઊડીને ઘરે પહોંચી જવું છે. બાકી ન્યાય તો વાતોના ચટાકાઓથી થોડો સાંપડે? બંને સ્ત્રીઓ એકબીજાને અડીયે ન જવાય એનું ધ્યાન રાખતી ઘરે જવા નીકળે તો છે પણ અંધારું, વાહનની અસુલભતા અને એકલી સ્ત્રીઓ – છોકરાની મા છોકરીની માને પરાણે પોતાને ઘેર લઈ જાય છે. માણસનું સંવિત્ત અહીં ખૂબ બારીકાઈથી આલેખાયું છે. જે સ્ત્રીઓ એકબીજાનો પડછાયો ઝીલવા પણ તૈયાર નહોતી એ સાથે બેસી પોતપોતાની વીતક કહે, વાતવાતમાં એક જ પડીકામાંથી ગાંઠિયા ખાય અને ખાલી પડીકા પર નવાઈ પામી એકબીજાને તાળી આપી હસી પણ પડે. આવું નિખાલસપણું માત્ર સ્ત્રીઓ જ કેળવી શકે. કારણ કે, પોતાના બાળકને એ ઉછેરે છે, એની રગરગ પારખે છે. છતાં સ્વીકારે છે કે માણસની વૃત્તિનો કોઈ ભરોસો નથી. આ વાર્તા સ્ત્રીઓનું ઉદાત્ત પાસું છતું કરે છે.

નારીવાદી વિભાવનામાં સૌથી દઝાડતું પાસું એટલે સ્ત્રીદેહનો ઉપભોગ. અથવા કહો કે પુરુષમાનસની વિકૃતિ. ‘એમનાં જીવન’ વાર્તા એક એવી વાર્તા છે જેમાં પુરુષની આ વિકૃતિ સામે સ્ત્રી બળવો કરવાને બદલે એનું ઉર્ધ્વગમન સાધે છે. એને છૂટો કરે છે. એટલું જ નહીં, પોતાનું અને દીકરીનું જીવન નિભાવ કરવાની જવાબદારી હસતા મોંએ ઉપાડે છે. ન પોતે કોઈ રંજિશ પતિ પ્રત્યે રાખે છે ન દીકરીને રાખવા દે છે. માને પણ એ સમજાવે છે કે એ પુરુષ એવો છે તો છે. એનું શું કરવાનું? એને સ્ત્રીસમાગમ વધુ પડતો ગમે છે તો કોઈ શું કરી શકે? ખોટી બળજબરી, ઝઘડા થાય અને સંબંધો વધુ વણસે એના કરતા શાંતિથી – સમજદારીથી છૂટા પડવું શું ખોટું? પુરુષ અન્ય કોઈ સ્ત્રી પ્રત્યે આકર્ષાય તો આજની સમજદાર નારી-પત્ની એને આસાનીથી છૂટો કરી જ દેવાની. કારણ કે, જે સ્ત્રીને પતિની દેહલોલુપતા સમજાઈ જાય છે તેની પોતાની વિષયસુખની લાલસા લગભગ મરી જ પરવારે છે. આ વાર્તામાં પણ નાયિકા પતિને અન્ય સ્ત્રી સાથે બાંધી, પોતાનાથી છૂટો કરી ખરેખર તો વધુ શાંતિથી જીવી રહ્યાનું અનુભવે છે અને એ સત્ય પણ છે.

હિમાંશી શેલત કૃત ‘એમનાં જીવન’ ટૂંકીવાર્તાસંગ્રહમાં આપણે ઉપર જોયું એ મુજબ અનુઆધુનિકતાનાં લક્ષણોમાંનું એક ‘નારીવાદ’ ઉડીને આંખે વળગે એ રીતે આલેખાયો છે. હિમાંશી શેલત પોતે પીડિત સ્ત્રીઓ માટે સામાજિક કાર્ય કરનાર સ્ત્રી છે. એમણે સ્ત્રીઓની પીડાને, વેદનાને, મનની અકળ ગતિને અને સમાજની કુરૂઢિઓના પરિણામોને ખૂબ નજીકથી નિહાળ્યાં છે. તેથી તેમની વાર્તાઓમાં આ બધું ખૂબ સચોટ રીતે ઘૂંટાઈને આવે છે.

સ્ત્રીનું સ્ત્રી હોવું એ સમજાવનાર સમાજ હોય છે. કોઈ સમાજ જન્મથી બાળકને એક માણસ – એક વ્યક્તિત્વ તરીકે જોવા-સમજવા તૈયાર નથી. માટે જ સ્ત્રી-પુરુષ બંને માટે ચોક્કસ ચોકઠાં પહેલેથી જ નક્કી કરી દેવામાં આવ્યા છે. જે સ્ત્રીઓ એ ચોકઠાં તોડી બહાર આવી છે તે ક્યાં તો પોતાના સમય સુધી સીમિત રહી ગઈ છે ક્યાં તો ભૂલાવી દેવાઈ છે. બાકી સમાજમાં આજે પણ સ્ત્રી રસોડે, વેશ્યાવાડે અને પથારીએ એક જ સ્થિતિમાં જોવા મળે છે. નારીવાદ આ પરિસ્થિતિને ચીંધી આપે છે પણ એને બદલવાનું કામ તો સ્ત્રીઓ પોતે જ કરી શકે. જે સ્ત્રી એ કામ કરી જાણે છે એ સમાજની ઉપેક્ષા વેઠીને પણ જીવી જાણે છે અને જે સ્ત્રીઓ એ ચોકઠાંમાં પુરાયેલી છે એ કાં તો ચોકઠાંની ટેવ પાડી બેઠી છે કાં તો વિવશતાનો અંચળો ઓઢી બેઠી છે. નારીવાદ એક દીવાદાંડી છે આવી સ્ત્રીઓ માટે. જે સૂચવે છે કે જાગો અને સમજો. પોતાના વ્યક્તિગત માનસને પિછાણો અને પુરુષની સત્તાને પડકારવાની કોશિશ કરવાને બદલે એમની સાથે સત્તા ભોગવો.

સંદર્ભગ્રંથો
  1. અર્વાચીન ગુજરાતી સાહિત્યની વિકાસરેખા – ૫. : ડૉ. ધીરુભાઈ ઠાકર, પ્ર. ગૂર્જર ગ્રન્થરત્ન કાર્યાલય, અમદાવાદ-૧, સંશોધિત-સંવર્ધિત સંસ્કરણ : ૨૦૦૬.
  2. આધુનિકોત્તર સાહિત્ય : સં. સુધા નિરંજન પંડ્યા, પ્ર. ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગર-૩૮૨૦૧૭, પ્ર.આ. ૨૦૦૬.
  3. એમનાં જીવન : હિમાંશી શેલત, પ્ર. ગૂર્જર ગ્રન્થરત્ન કાર્યાલય, અમદાવાદ-૧, પ્ર.આ. ૨૦૧૫.
  4. શતરૂપા : સં. શરીફા વીજળીવાળા, પ્ર. ગૂર્જર ગ્રન્થરત્ન કાર્યાલય, અમદાવાદ-૧, પ્ર.આ. ૨૦૦૫.
અમિતા રામકુમાર પંચાલ, રિસર્ચ સ્કોલર, જી, ૪૨૭, સેન્ટોસા હાઈટ્સ, અલથાણ-ભીમરાડ કૅનાલ રોડ, અલથાણ, સુરત-૧૭ મો.નં. 9825138211 મેઈલ : amitarampanchal3553@gmail.com