Included in the UGC-CARE list (Group B Sr. No 172)
Special Issue on Feminism
અધિકાર
પગમાં ચપ્પલ ભરાવ્યા અને ઊંડો શ્વાસ લીધો. છેલ્લે આકરો નિર્ણય લઈ નિયતિ ઘરના પગથિયાં સડસડાટ ઉતરવા લાગી કોણ જાણે આજે ખૂબ જોમ હતું. ઘરના આંગણે ઉબર ઊભી જ હતી એટલે ટેક્સી માં બેસી ડ્રાયવરને ફરી સૂચના આપી રાણીપ બાકી આ ઓનલાઇન બુકિંગ માં આ સારુ કંઈ ખાસ કેવું ના પડે.
નિયતિ કારમાં બેઠી હતી.એની આંખો ફરી ભરાઈ આવી. ફરી એણે ઘર તરફ નજર કરી અને એ ભૂતકાળમાં સરી પડી.
કેટલી ખુશહાલ હતી એની જિંદગી બિઝનેસ મેન ની પત્ની હતી એ. ચારે બાજુ સુખ સાયબી જોઇને પરણાવેલી. એમને એમ કે હવે દીકરીને શું દુ:ખ હશે અને આટલુ ભણેલો ગણેલો છોકરો એનામાં કંઈ ખામી હોય ખરી. પણ નિયતિ સૌમિલની જેમ નજીક આવતી ગઈ તેમ તેને વધુ જાણતી ગઈ. અને અંદરથી વધુ દૂર થતી ગઈ. સૌમિલ ને દારૂ પીવાની આદત અને આ આદત સર્વ બૂરી આદતોની રાજા ગણાય. આ આદત માણસ પાસે બધા જ ખરાબ કામ કરાવવા પૂરતી છે. નિયતિએ શરૂઆતમાં સૌમિલ ને ઘણો સમજાવ્યો પણ કંઈ ફરક ના પડ્યો. સવારે કહે હવે નહી અને રાત્રે કંઇ બોલવાની હાલતમાં જ ન રહે. અને હદ તો ત્યારે વટી ગઈ જ્યારે ગઈ રાત્રે સૌમિલે નિયતિ પર હાથ ઉઠાવ્યો. હવે નિયતિના ધીરજની સીમા પાર થઈ ગઈ. એ રાત નિયતિને એક યુગ જેવી લાગી.
નિયતિએ ‌સેન્ટ ઝેવિયર્સ માંથી એમ.એ સાયકોલોજી સાથે કરેલુ. ભણવામાં પહેલેથી હોશિયાર હતી. કદાચ એક ચાન્સ જો તેણે પોતાની જાતને આપ્યો હોત તો કંઈક બની શકી હોત પણ અફસોસ કે એણે ઘરે રહેવાનું પસંદ કર્યું.
આજે એણે કંઈ કહ્યા વગર પિયરની વાટ પકડી. પપ્પાને જઈને બધુ કહિશ તો તે છાતીએ વડગાળશે. અને તેમના પર શું વિતશે એ વિચારતા ફરી આંખો છલકાઈ અંતે ટેક્સી ઘર આગળ આવી ઊભી રહી. ભાડું ચૂકવી બેગ લઈ નિયતિ ઘરના દરવાજે આવી ઊભી રહી.
મા એને જોતા જ રાજી થઈ ગઈ. માને સાસરેથી દીકરી આવે એટલે જાણે કોઇ ખોવાયેલું સોનું પાછું મળ્યું હોય તેવો હરખ થઈ આવે. માનુ નામ સદગુણા. તેમણે દીકરીને વધાવતા કહ્યું "આવ બેટા બેસ. કેમ અચાનક? ફોન તો કરવો હતો." નિયતિ સદગુણાબેન ને ભેટી પડી. હાથમાં બેગ જોઈ તેમને થોડી ચિંતા થઈ. તેમણે પૂછ્યું “શું થયું બેટા?”
ત્યાં તો એના પપ્પા ડ્રોઈંગ રૂમમાં આવી પહોંચ્યા. એમણે નિયતિને અંદર આવવા કહ્યું. નિયતિ પપ્પાને વળગી ફરી રડવા લાગી.
હરગોવનભાઈ નિયતિના પપ્પા. એમને બે સંતાનો એક દીકરી અને એક દીકરો.
નિયતિ સોફા પર બેઠી એણે રડતા રડતા બધું કહેવાનું શરૂ કર્યું. એની વાત પૂરી થતા એણે ધાર્યું હતું તેથી ઉલ્ટુ થયુ.
હરગોવનભાઈ એ તેને ઘરમાં રાખવાની ધરાર ના કહી.
તને ભણાવી ગણાવી પરણાવી એટલે મારી જવાબદારી પૂરી થઈ તું તારા ઘરે જા. મે તને એટલી લાયક તો બનાવી જ છે કે તું તારા માટે લડી શકે. તારી જિંદગી તારે જાતે જીવવાની છે. તો સંઘર્ષ તારે જ કરવો પડશે.
નિયતિની આંખો પહોળી થઈ ગઈ. તેને તેના કાન પર ભરોસો નહોતો બેસતો.
સદગુણાબેને રડમસ અવાજે કીધુ “આવું નહીં બોલો આપણી દીકરી છે અહીં નહિ આવે તો ક્યા જશે.”
હરગોવનભાઈએ આંખો પહોળી કરી જવાબ આપ્યો "એની મરજી."
નિયતિને તો કાપો તો લોહી ન નીકળે એવી હાલત થઈ.
નિયતિએ થોડી હિંમત ભેગી કરી દબાતા સ્વરે કહ્યું “તમે મને જે ભણાવી એ ભણતર ના સહારે બોલુ તો હું તમારી દીકરી એટલે તમારી સંપત્તિ પર મારો અધિકાર ખરો એ અધિકાર થી જોઇએ તો આ ઘર પર જેટલો બીજા સભ્યો નો અધિકાર છે તેટલો જ મારો પણ છે.
સદગુણાબેન તો આભા બની ગયા તેમને પ્રલય નો આભાસ થયો. એ ચૂપ રહી ગયા.
હરગોવનભાઈએ ગરદન ફેરવી નિયતિ સામે જોયું. નિયતિ હવે વધુ મક્કમ દેખાતી હતી. આંસુઓ વહેવા ના બંધ થઇ ચૂક્યા હતા અને તેણે પણ ગરદન ઊંચી કરી. તેના પિતાની આંખોમાં આંખ પરોવી. જાણે સગળા સંબંધોને તિલાંજલી આપતી હોય તેમ જોયું.
હરગોવનભાઈ એ સ્મિત કર્યુ અને ગદગદ સ્વરે બોલ્યા “બસ વાહ મારી દીકરી. તુ જે રસ્તો પકડીને આવી છે ને એ રસ્તા પર આથીય વિશેષ પડકારોનો સામનો કરવો પડશે અને આમ જ સામે આવનાર બધા તારા પોતાના હશે. જે તને ક્યાંક તે કશું ખોટું કર્યાનો અહેસાસ કરાવવા મથશે.પરંતુ તુ મક્કમ રહીશ તેવી મને ખાતરી છે. કારણ કે જે દિકરી પોતાના પિતાને માત આપી શકે તે આખી દુનિયા જીતી શકે અને હા એક વાત યાદ રાખજે આ ઘર તારું છે તુ આ ઘરની મહેમાન નથી. આ ઘર પર તારો હક સદાય અકબંધ રાખજે.
આટલુ બોલતા જ નિયતિ તેના પપ્પાને વળગી ધ્રુસ્કે ધ્રુસ્કે રડી પડી. હરગોવનભાઈની આંખોમાં પણ આંસુ આવી ગયા.
અંકિતા શામળભાઈ દેસાઈ, C-૩૦૩,સૂર્યાઅમી એપાર્ટમેન્ટ, રાણીપ, અમદાવાદ ૩૮૨૪૮૦ મો - ૬૩૫૧૫૯૫૫૬૩