Included in the UGC-CARE list (Group B Sr. No 172)
Special Issue on Feminism
વસુધાના ચેતોવિસ્તારની યાત્રા : સાત પગલા આકાશમાં
સાહિત્ય જગતમાં નવજાગૃતિનો ડંકો એક જગ્યાએ વાગે છે પણ તેનો પડઘો સમગ્ર સાહિત્ય જગત અને માનવીય જીવન પર પડતો જ હોય છે. જીવનમુલ્યોની ભેટ સાહિત્ય થકી સમાજને મળે છે અને એના પોષણથી સુધારક સમાજનું નવનિર્માણ થતું હોય છે.

આધુનિકવાદ, દાદાવાદ, નવ્યઈતિહાસવાદ, કે એબ્સર્ડ જેવી સંજ્ઞા એ વર્ષોના ચિંતન મનન અને પરિશીલનથી મળેલી સાહિત્ય જગતને મળેલી વિચારધારા છે જેના પડઘા જે તે સમયનાં સાહિત્ય જગતમાં જોવા મળ્યા છે. આ વાદ કે સંજ્ઞાના અસ્તિત્વ પાછળ માનવીય જાતનું સ્વત્વ અને સમ્માનનાં મુળિયા પડેલા જોવા મળે છે. રેને વેલેક કે મેથ્યુ આર્નોલ્ડએ જે રીતે સાહિત્યના મર્મને આપણી સમક્ષ મૂકી આપ્યું એ પછી વિવેચનની રીત અને નવી શાખાઓ ખુલી છે તેથી જ આપણે કાળ, કૃતિને કે જે તે સમય સંદર્ભને વિવિધ અભિગમથી તપાસીએ છીએ.

‘નારીવાદ’ સૌ પ્રથમ પાશ્ચાત્ય સાહિત્યમાં આ વાદનો પ્રભાવ જોવા મળ્યો. ‘Feminist’, ‘Female’ વગેરે શબ્દો શબ્દભંડોળમાં ઉમેરાયા. ‘ઢીંગલીઘર’ની નોરાના ઘરના બંધ થતા દરવાજાના અવાજનો પડઘો સમગ્ર સાહિત્ય જગતમાં પડ્યો. વર્જીનીયા વુલ્ફે ‘A Room of One’s Own’ નામનાં છ પ્રકરણવાળા નિબંધમાં સ્ત્રીનાં સ્વત્વ અને પોતાના અંગત જીવનની ઈચ્છાઓને એમાં વર્ણવી છે.

શરીફા વીજળીવાળા નારીવાદને ત્રણ તબકકામા જોવે છે: પ્રથમ તબકકો (૧૯૨૦-૧૯૪૯)અનુકરણ, બીજો તબકકો (૧૯૬૦-૧૯૭૫) વિદ્રોહ અને ત્રીજો તબકકો (૧૯૮૦ પછીથી) આત્મઓળખ. ૧૯૮૦માં ગુજરાતી સાહિત્યમાં નારીવાદનો પ્રવેશ થયો ત્યારથી ગુજરાતની મેધાવી સ્ત્રીઓ, સ્વાભિમાનથી પતિને પણ છોડીને ચાલી જતી. એ સ્ત્રી ‘જનમટીપ’ની ચંદા હોય કે ‘સાત પગલા આકાશ’માં ની વસુધા હોય. આ પાત્રોએ ગુજરાતણની મનોદશાને વાચા આપી છે અને પોતાના ચહેરાનું તેજ પ્રકાશિત કર્યું છે. આ પાત્રો પણ જાણે ચરિત્ર બની પોતાનું ખમીર જાળવવા માટે જે નિર્ણય શકિત ધરાવે છે એ પરથી જ આપણે એ સમયનો સમજ તાદૃશ થઇ જાય છે.

ત્રીજા તબકકામાં લખાયેલી એક નવલકથા જેનાથી ગુજરાતી સાહિત્યમાં નારીવાદને એક નવો વિચાર મળ્યો હોય એમ કહી શકાય. ૧૯૮૪માં પ્રકાશિત થયેલી કુન્દનિકા કાપડીયાની નવલકથા ‘સાત પગલા આકાશમાં.’ નાયિકા વસુધા એક નવા વિચાર અને સમય સંદર્ભ સાથે સમાજજીવન સમક્ષ ખીલી ઉઠે છે. અલબત એ સમયે પણ વિરોધનો વંટોળ પણ ઉડ્યો હતો. પણ શબ્દનું ગાંભીર્ય એની પાસે શમી ગયું.

આ નવલકથાની પ્રસ્તાવના ‘સ્ત્રીની યાત્રા: કારાગારથી કૈલાસ સુધી’ માં જ કુન્દનિકા કાપડીઆ કહે છે કે ‘દુનિયામાં બધા અસામાન છે, પણ સ્ત્રીઓ વધુ અસામાન છે.’ આ દૃષ્ટિકોણને કેન્દ્રમાં રાખી તેમણે રચેલી નવલકથામાં સ્ત્રીની યુવાની, બાલ્યાવસ્થા, ઘડપણમાં સતત કોઈના ઓથમાં રહેલી હોય છે શરૂવાતામાં પિતા પછી પતિ અને પછી બાળકો. પરુષ કહે એમ એટલું થવું જોઈએ એવું નાનપણથી માની લેતી આવી છે પરિણામે વિરોધ કે વિદ્રોહ તેમાં શમી ગયો છે. સ્ત્રીને કુવારીકા, વિધવા, પોષિતભર્તૃકા કહી સંબોધવામાં આવે છે જેના લીધે આપણે એની એક ઓળખ ઉભી કરીએ છીએ. આજે પણ એ શબ્દોની અસર કુરિવાજ અને રૂઢિચુસ્તતા કેન્દ્ર બની ને જ બેસી ગઈ છે. આ પરંપરા કે માનસિકતા આજથી નથી પરંતુ વેદકાલીન પરંપરાથી ચાલી આવે છે. રાજાઓ પણ દાનમાં નગરનો ભાગ અને સ્ત્રી આપતા, તો લગ્નમાં પણ કન્યાદાન અપાય છે. પુરુષના દાન આપાયા હોય એવું તમે જોયું છે?

કુન્દનિકા કાપડીઆ રામાયણની વાત કરતા કહે છે કે રામાયણ કાળમાં રામે સીતાનો ત્યાગ કર્યો પણ સીતાજીએ કહ્યું હતું કે હું તું રામની છાયાની જેમ તેમની સાથે જઈશ, કારણ કે તેના જીવનમાં રામ કરતા વધારે ઊંચું મુલ્ય બીજું નહોતું. સીતા માટે જીવનનું અંતિમ ગંતવ્ય રામ જ છે, રામ માટે અંતિમ ગંતવ્ય સીતા નથી. સીતાએ કહ્યું ભવોભવ તમે જ પતિ તરીકે મળજો. રામે એવી કોઈ પ્રાર્થના કરી નથી. પિતાને માટે રામે રાજ્ય તજી વનવાસ લીધો હતો. પત્ની માટે તે રાજ્ય તજી વનમાં સાથે જઈ શકયાં નહિ.

મહાભારતની વાત જોઈએ. યુધિષ્ઠિર દ્રૌપદીને દ્યુતમાં હારી ગયા ત્યારે દ્રૌપદીએ પૂછ્યું કે ધર્મરાજ પોતાની જાતને હારી ગયા છે તો તે પછી મને હોડમાં મુકવાનો તેમનો અધિકાર છે ખરો? આમ વાત કહી લેખિકાએ પ્રસ્તાવનામાં આજ સુધીની સ્ત્રીના શોષણથી લઈને સ્ત્રીઓની ઉંચાઈ તેની વિશેષતા અને આવડતને આવકારી અને સ્વીકારી છે. અઢળક પત્રોમાં એક જ વાત હતી કે આ તો અમારી જ વાત છે, પોતાની.

સાત પગલા આકાશમાં નવલકથામાં જાણે કે લેખિકા આપણે ઈશાની આંખથી આખું દૃશ્ય બતાવે છે. નવલકથાના ઉઘાડમાં ફૂલઘરનો પરિવેશ આલેખાયો છે જે આનંદગ્રામમાં આવેલ છે. અહી માત્ર ખીલતા ફૂલ જેવી જ નાજુકતા વ્યકિતના હૃદયની જોવા મળે છે. નાયિકા વસુધાની આસપાસ પતિ વ્યોમેશ અને એના વિપુલ, સતીશ, સુધીર, ઈશા, સુમિત્રા વગેરે પાત્રોની સૃષ્ટિ કથારસને વેગ આપે છે. આનંદગ્રામમાં મિત્રો વચ્ચે ગોષ્ઠી થાય છે અને એક વાત પરથી પ્રશ્ન થાય છે કે સ્ત્રી એકલી જીવી શકે ખરી? ત્યારે વસુધા, એની અનુભૂતિ અને વાતને મક્કમપણે દૃઢતા સાથે કહે છે. અને એ વાત પરથી જ ધીમે ધીમે નવલકથા વસુધાના જીવન તરફ વળાંક લે છે.

માતા પિતાના પાંચમાં સંતાનમાનું ત્રીજું સંતાન તે વસુધા. ઈચ્છાઓને સમજવાની ઉમરે, આવેગોને શાંત કરી ઉડવાના ફફડાટને સંકોરી વસુધા વ્યોમેશ સાથે ઘરના દબાણને વશ થઈને અઢાર વર્ષે પરણી ગઈ. મૂકત ગગનનાં દર્શન પણ લગ્ન પછી જાણે દુર્લભ હોય એમ એ ઘરકામમાં જોતરાઈ જાય છે. વસુધા લગ્નની પૂર્વ સંધ્યાએ કહે છે, ‘ કોઈ દિવસ હું આકાશમાં ઉડતા પંખી જેવું જીવન જીવીશ. આજે ભલે હું લગ્ન કરું, સંસાર વસાવું, પણ દુર સુદૂરના કોઈક દિવસે હું મારી ઈચ્છા પ્રમાણે મારા લયમાં જીવીશ. કોઈના દબાણ હેઠળ હું નહિ જીવું. હું મારું પોતાનું એક ગીત રચીશ અને હું પોતે તે ગાઈશ.’ લગ્ન થયા ત્યારથી કામ કામ અને કામમાં ડૂબેલી વસુધાને કામ કરવું ગમતું ન હતું તેમ નહિ પરંતુ ફૈબાના ફરમાનોનું સતત પાલન કરવું પડતું. આ વાત વસુધાને માટે અસહ્ય થઇ પડતી.

રૂઢીવાદી ફૈબાના સ્વભાવ અને વ્યોમેશની આજ્ઞાને આધીન જીવતી વસુધા ત્રણ સંતાનના જન્મ પ્રસંગે પિયર સુવાવડ માટે પણ જઈ શકતી નથી. વ્યોમેશનો ઉછેર બાળપણથી ફૈબાએ જ કર્યો છે અને દીકરા વ્યોમેશને સાચવ્યો છે એટલે લગ્ન પછી ફૈબાનું આધિપત્ય ન ચાલ્યું જાય એ માટે તેનું વલણ બદલાઈ ગયું છે અને સ્ત્રી હોવા છતાં તેનામાં આધિપત્યની બાબતે પૌરૂષત્વ જ જોવા મળે છે.

આખો દિવસ કામમાં વેઢારાવવું વસુધાને જરાય ગમતું નથી પણ તે સંતાનો સાચવે છે, ફૈબાના પડ્યા બોલ જીલે છે. પણ તે પોતાના નિર્ણય લઇ શક્તિ નથી તેના પર વ્યોમેશ કહે તેમ જ વર્તન અને વ્યવહાર કરાવાનું હોય છે એટલે જ રંજના કે મિત્રાને તે કામ આવી શકતી નથી. સતત ગુંગળામણ અનુભવતી વસુધા માટે ભાગી છૂટવાનો પણ કોઈ રસ્તો નથી. અનેક વિરોધ અને પ્રતિકાર સામે તેણે વ્યોમેશનું તોછડાઈભર્યું વર્તન જ જોવા મળે છે અને કાં તો એક તમાચો મળી રહે છે. ફૈબાના મૃત્યુનો તાર ચાલુ પાર્ટીએ વ્યોમેશને મળતા જાણે કશું જ થય ન હોય એમ પોતાની મજા લે છે. આ જ વાતની જયારે વાસુધાને ખબર પડે છે ત્યારે થોડી વાર એ સ્તબ્ધ થઇ વ્યોમેશને પણ ઠપકો આપે છે અને અડગતાથી પોતે આવા સમાચાર સાંભળી શું કરત એની વાત કરે છે.

વ્યોમેશને મનગમતી બધી જ પ્રવૃત્તિ વસુધા કરે છે. શાક વઘારવાથી લઈને પૈસાના હિસાબની વાત હોય કે વ્યોમેશાના જમવાનો સમય આ ઉપરાંત ઘરના બધા જ કામ અને બાળકોના સમય સાથે તાલાબદ્ધ થઇ ચાલે છે ઉપરાંત વ્યોમેશની શારીરિક તૃપ્ત પણ કરવાનો. વ્યોમેશ માત્ર એને બાળકને જન્મ આપવા પુરતો જ સંતોષ આપે છે. શરૂવાતામાં જે વ્યોમેશનું વલણ છે તે ધીમે ધીમે બદલાઈ જાય છે અને અન્ય સ્ત્રીના પ્રેમમાં પણ પાછળથી પડે છે.

માનસિક અસ્વસ્થ થયેલી વસુધાને પોતાના આકાશનું સપનું છે જેમાં એનો આનંદવિહાર છે. સ્વર્ગનું સુખ અને પોતાની દુનિયા છે. આકાશદર્શન એ માત્ર સપનું નથી પણ સપનાને આંબવાનું પગથીયું છે જે આકાશમાં વિશાળ તક છે એમાં ડૂબકી મારી પોતાની આશાની પાંખોને ફૂટવા દેવી છે પણ એ ત્યારે જ થઇ શકે જયારે ઘર કે જવાબદારી કે કોઈનું દબાણ એના પર ન હોય.

વસુધા કંટાળી એક દિવસ એક નિર્ણય પર જરૂર આવશે એવું ભાવકને લાગે અને ખરેખર એવું જ થાય છે વસુધા સઘળું એક જાટકે મૂકી ચાલી નીકળે છે. જેનો આપણે પ્રથમ પ્રકરણમાં જ ખ્યાલ આવી જાય છે. એક દિવસ અચાનક ત્રણ પુત્રો હર્ષ, અશેષ અને દીપંકરની મા બની છે તો પણ લગ્નના પાંત્રીસ વર્ષ બાદ તે ગૃહત્યાગ કરી આનંદગ્રામ ચાલી જાય છે. આ જગ્યા પોતાના જેવી જ વિચારધારા ધરાવનાર, સ્વતંત્ર બુદ્ધિમાનોએ સર્જેલી આ જગ્યા છે. અહી વાસંતી, લલિત, રંજના જેવા સ્ત્રી પાત્રોની સમસ્યાનું આલેખન છે. દરેક સ્ત્રી અનેક તબકકામાંથી પસાર થતી હતી પણ એક કરણ સૌમાં સમાન હતું તે ‘આંતરવેદનાની જ્વાળા’ જે આ આનંદગ્રામ માં શાતા પામતી હતી. અહી બધા જ પ્રકૃતિના સાનિધ્યે મનગમતી પ્રવૃત્તિ કરતા અને આ સ્થળે વસુધાને એના બાળપણનો દોસ્ત આદિત્ય પણ મળે છે જે ક્યાંક એના હદયના ખૂણે બેઠો હતો અને જયારે એ હિમાલયમાં પણ આવી સંસ્થા શરુ કરવા વસુધાના સહકારની માગણી કરે છે ત્યારે તરત જ તે રાજી થઇ તેના સાથે જવા પણ તૈયાર થઇ જાય છે. હવે તેના પાસે પોતાનું આકાશ છે લેખિકા અહી કહે છે, ‘વસુધાએ રેતીથી મુતથી ભરી અને પોલી આંગળીઓમાંથી સરવા દીધી. થોડીક પળોમાં આખું જીવન નજર સામેથી પસર થઇ ગયું...બધું કાળના પ્રવાહોમાં વહી ગયું હતું. હવે સામે હતું હિમાલયનું ઊંચું શિખર અને એની ઉપર તારોથી ઝળહળતું આકાશ.’ અને અંતે વસુધા માટે આનંદગ્રામ વિધાતાએ રચેલું પૂર્ણનું ચિત્ર હતું.

લેખિકાએ અહી વાસુધાને આદર્શ સ્ત્રી નહિ પણ સાચી સ્ત્રી બનાવવા ઈચ્છે છે. ક્યાંક આ પાત્ર આત્મરતિથી પીડાય છે એવું પણ લાગે. વ્યોમેશનું વર્તન અને વ્યવહાર પુરુષ સમાજનું પ્રતિબિંબ અને પોતે કરે એ બરાબર એવું સ્વકેન્દ્રી લાગે છે. ફૈબા સ્ત્રી છે છતાં ઘરમાં પરણીને આવેલી વહુને તિરસ્કારે છે જાણે સ્ત્રી જ સ્ત્રીની દુશ્મન! માટે નવલકથામાંથી પસાર થતા જઈએ તો એવી પ્રતીતિ થાય કે લગ્ન એ એવું બંધન છે જેમાં પગે સાંકળ બંધાયેલી છે છતાં ચાલવાનું છે એના ઘસરકા અને ઉઝરડા પડવાના-મટવાના પણ તેના દાગ કાઢવા માટે એનો ત્યાગ કરવો જ જોઈએ. સ્ત્રીને પોતાની દુનિયા છે. ઘર એ જવાબદારી નહિ પણ હૂફની અગાસી હોવી જોઈએ જેમાં રહી ક્યારેય કોઈ મુંઝારો ન અનુભવી શકે. સૌ મુકતપણે વિચરતા રહે. આ નવલકથામાં પણ વસુધાએ સાંકળ તોડી છે અને પોતાના જમાનામાં એ આગવી રીતે જીવી છે. સ્વઓળખની દુનીયાનમાં આપનું એક સ્થાન અને મન હોય એ પરંપરાના યાત્રીઓ આપણે પણ રહીએ તો જ આ સમાજમાં પરિવર્તનની દિશામાં એક નવી કુંપણ ફૂટશે.

સંદર્ભ
  1. સાત પગલા આકાશમાં. લે. કુન્દનિકા કાપડીઆ. પ્ર.આવૃત્તિ ૧૯૮૪
  2. શતરૂપા. સંપાદક શરીફા વીજળીવાળા પ્ર.આવૃત્તિ ૨૦૦૫
ભીખાભાઈ વી. દેસાઈ, ગૂજરાત વિદ્યાપીઠ, મો.૯૬૮૭૫૪૪૯૫૦ ઈ-મેઈલ- jivrajdesai1710@gmail.com