Included in the UGC-CARE list (Group B Sr. No 172)
Special Issue on Feminism
અસ્તિત્વને પિછાણતી નવલકથા : કાદંબરીની મા
જીવન તથા સર્જનને સાંગોપાંગ રીતે જીવી અને જાણી લાંબા સમય સુધી સ્મૃતિપટ પર છવાયેલા રહે એવા પાત્રો અને સર્જકો જુજ હોય છે. પણ જે છાપ છોડી જાય છે એ અમીટ હોય છે. આવું જ આપણે ધીરુબહેન પટેલના જીવન કવનમાં ડોકિયું કરતા સમજાય છે. સત્યાગ્રહની લડતમાં ભાગ લઇ સ્વદેશ માટે આહુતિ આપનાર લેખિકાએ પ્રાથમિક તેમજ માધ્યમિક શિક્ષણ મુંબઈમાં લીધું. પ્રકૃતિની નિશ્રામાં કલાકો સુધી વાંચન અને મનન કરનાર ધીરુબહેનને માતા-પિતા પાસેથી વિચારસમૃદ્ધ વારસો મળ્યો.

‘વડવાનલ’, ‘શીમળાના ફૂલ’, ‘વાવંટોળ, વમળ’, ‘ગગનના લગન’, ‘કાદંબરીની મા’, ‘એક ફૂલ ગુલાબી વાત’, ‘એક ડાળ મીઠી’, ‘પેઈગ ગેસ્ટ’ વગેરે જેવી નવલકથા ઉપરાંત લઘુનવલ, વાર્તાસંગ્રહ, હાસ્યકથા, નાટક, ભવાઈ, રેડીયોનાટક, એકાંકી સંગ્રહ, બાળસાહિત્ય, અનુવાદ, સંપાદન જેવા સર્જન ક્ષેત્રોમાં પદાર્પણ કર્યું છે. તેમની નારીવાદી કૃતિ કહેવાય તેવી નવલકથા એ ‘કાદંબરીની મા’.

ગુજરાતી સાહિત્યમાં ઈલા આરબ મહેતા, કુન્દનિકા કાપડિયા, વર્ષા અડાલજા જેવા સ્ત્રી સર્જકોએ પણ નારી સંવેદનાને ઉજાગર તો કર્યું જ છે, પણ પરુષ સર્જકો પણ સ્ત્રીના ભાવજગતને સમજવામાં બાકાત નથી એવું દર્શના ધોળકિયાનું સંપાદિત પુસ્તક ‘નારીની કથા પુરુષની લેખિની’ માંથી પસાર થતા સમજાય છે.

સંબંધમાં ગૂંચવાતી સ્ત્રીનું સ્ત્રીત્વ ક્યાંક ભૂસાઈ જાય છે એને ઉજાગર કરવાનું કામ આ સર્જકોએ કર્યું છે. આ નવલકથામાં નારીની બદલાતી માનસિકતા અને પારિવારિક હાલત તથા ‘સ્વ’ વિશે સભાનતા કેળવતી નાયિકાને ધીરુબહેને દર્શાવી છે.

સંબંધ પરિવાર નામની પરિકલ્પના સાથે ગૂંથાયેલ હોય છે, અને તેમાં જ માનવીનું અસ્તિત્વ રહેલું હોય છે. સામાજિક બંધનમાં અનેક ભૂમિકાએ આપણે મનોમસ્તિષ્ક સાથે કામ ચલાવવાનું અને પાર પાડવાનું હોય છે. બદલાતા સમાજની છબી આપણે સાહિત્યમાંથી અને સમાજમાંથી જોવા મળે છે, માનવીય જીવનમુલ્યોની ઊંડી સમજ સાહિત્યોપાસના દ્વારા જ માનવી મેળવી તેને કેળવતો હોય તેનું તાળું અહી જોવા મળે છે.

કાદંબરીની મા નવલકથા ૧૯૮૮ માં લખાયેલી છે. આ નવલકથા ત્રણ સ્ત્રીના મનોજગતમાં થતા વૈચારિક દ્વંદ્વ ની વાત છે એમ કહી શકાય. અહી સંબંધની ભૂમિકાનો નવો આયામ લેખિકાએ આપણી સમક્ષ ઉજાગર કર્યો છે. નવલકથાની શરૂવાત જ કંઇક વાંચકના મનમાં કૌતુક જન્માવે છે. “ શેતરંજના ખેલાડીની જેમ બંને સ્ત્રીઓ એકબીજીને નજરથી માપતી હતી. તેમના ચહેરા પર એક વાસી સ્મિત વળગી રહેલું હતું. જેનો કોઈ અર્થ નહોતો. કોઈ પણ પળે તેમનામાંની કોઈ પણ એક પોતાના હોઠ ખોલશે અને કંઇક બોલશે, જેનો પણ કોઈ અર્થ નહિ હોય.”

નવલકથાનો આરંભ મધ્યાન્તરથી થાય છે, જેમ જેમ કૃતિ ઉઘડતી જાય છે તેમ તેમ માળખું સમજાય છે. નવલકથાની મૂળ નાયિકા છે કાદંબરી. આ કથાનકનો ઉઘાડ કાદંબરીના પિયરથી જ થાય છે. તે પિયરમાં આવી છે ત્યારે ખંડમાં વેવાણ વચ્ચે આંખથી જ વાત શરુ થાય છે. સાસુ સાથે વાત કરતા ડરતી કાદમ્બરી મા ને જ વાત કરવાનો આગ્રહ કરે છે. કાદંબરીની મા એ તેને પૈસો જોઈ પરણાવી દીધી અને બે શિખામણ ગાંઠે વળાવી વિદાય આપતા કહ્યું હતું, ‘ બે વાત સાંભળાવી પડે, જતું કરવું પડે તો કરવાનું સાસુ સામે બહુ વાર્તાલાપ નહિ. એ તો બધું હડપ કરી નાનાને આપી દે તો! એટલે તારે સાવધાની રાખવાની.’ અંતે સાસુ, સસરા સાથે ઔપચરિક વ્યવહાર રાખતી કાદંબરી પતિના માર, દુખ અને પીડાનું કેન્દ્ર બની રહે છે.

વિરોધ કરવો નાયિકાની નસમાં જ નથી બાળપણથી જયારે વિરોધ દર્શાવ્યો છે ત્યારે તેની મા અરુણાએ એને દબાવીને ચુપ જ કરી દીધી છે. ચોકલેટ આપે અને પછી કહે ‘બોલ તારે કશું કહેવું હતું?’ પણ ઠરેલી રાખમાં શું હોય? અત્યારે પણ સાસુ વિજયા કાદંબરીની જે હાલત છે એમાંથી એને બચાવવા જ તેની પાછળ પાછળ આવી છે. પરંતુ અરુણા મોહાંધ છે પુત્રીના સાસરિયાની સંપતિ પાછળ. એને એમ જ છે કે તેની દીકરી આર્થિક રીતે સદ્ધર છે એટલે બસ પછી શું જોઈએ! અરુણા દીકરીને કહે એમ જ કાદંબરી કરતી આવી છે. પોતાના અંગત કહેવાતા નિર્ણયોમાં તેણે ક્યારેય વિચાર્યું જ નથી કે સાસુ સાથે બેસી એનું વિચારવિમર્શ કર્યું જ નથી પરિણામે એની અવદશા થઇ છે. પતિ ગિરધરલાલની પક્ષાઘાત પછીની સ્થિતિ વણસતી જતી દેખાય છે પણ વિજયા કશું કરી શકતી નથી, છતાંય બંધ ઓરડામાં પતિની ચાકરી કરતા-કરતા બહાર શું ચાલી રહ્યું છે તેની તેને બરાબર ખબર છે.

રતનગૌરીનું એકમાત્ર સંતાન વિજયાને ‘રતનમેનોર’ વારસાઈ સંપતિમાં મળે છે. પણ હવે એ સંપતિ વિજયના ચાર સંતાનમાંથી કોને મળશે એ એક સવાલ છે. વિજયાના ચાર સંતાન અનિલ, સુનીલ, પન્ના અને નીલમ. નીલમ અમેરિકા સ્થાયી થઇ છે, પન્નાનું ગૃહસ્થજીવન ઓસ્ટ્રેલિયામાં વીતે છે. મેડીકલમાં અભ્યાસ કરતા સુનીલને પૈસા ખૂટે ત્યારે ભાઈ પાસે થોડું કરગરી પૈસા લઇ લેવા તેટલી જ ઘર સાથે નિસ્બત છે. સુનીલ વિજયાનો મોટો દીકરો અને કાદંબરીનો પતિ, દારુડીયો, છકી ગયેલો, ઉપપત્નીને ઘરે બોલાવી તેની સામે જ કાદંબરીને માર મારી અપમાનિત કરતો. સમગ્ર નવલકથામાં એની સ્વાર્થવૃતિ અને આધિપત્યની જે વૃતિ છે એ જોવા મળે છે.

જેમ જેમ કથાનક ભાવક સમક્ષ ઉઘડતું જાય છે તેમ જોઈ શકાય છે કે નિર્ણયશકિતની સભાનતા ખોઈ બેઠેલી કાદંબરી માની ખોટી શિખામણ ગાંઠે બાંધી સાસરે આવી ત્યારથી તેણે સાસુને મા ના શબ્દોનાં ત્રાજવે જ તોલી છે. નવલકથાના આરંભે જ જયારે વિજયા કહે છે કે, ‘હવે તેને મુકવા ન આવશો. હું અહી જ મુકવા આવી છું.’ ત્યારે અરુણા અવાચક બની જાય છે કારણ કે તેને કાદંબરીને અહી રાખવી એ મંજુર જ ન હતું. અરુણાને કાદંબરી અન્ના કહે છે પોતાની દીકરીની અવદશા ન સમજતી સગી મા કરતા આજે સાસુ પ્રત્યે કાદંબરીને બહુમાન થાય છે અને તેની સાથે જ તે મામાજી એવા અભેચંદ ને ત્યાં રાત રોકાય છે. એ વાતની અનિલને જાણ થતા જ તે ત્યાં પહોચી આવે છે પણ પરિસ્થિતિનો તાગ મેળવી વિજયા તેને ત્યાંથી રવાનો કરી દે છે, બીજા દિવસે તે સદાશિવ વકીલ પાસે પોતાના દીકરાના ચારિત્ર્યનું ખંડન કરી કુટુંબની વાત કહે છે, વકીલ સદાશિવ પરિસ્થિતિને અનુકુળ રહી ચુપ રહેવાની સલાહ આપે છે પરંતુ વિજયાને કાદંબરીની જ ચિંતા છે તેથી તેને પોતાના જ નફાવટ દીકરાથી દૂર પોતાના ઓરડામાં રાખે છે.

વિજયા પાસે બધું છે પણ લાચારીને લીધે તેનો હક માત્ર મુઠ્ઠી ભરીને આપવા જ લંબાયેલો છે પોતાનો વિરોધ દર્શાવવાની સતા તે વહેલી જ ગુમાવી બેસી છે. પતિ પાછળ પોતાને ઢસડતી વિજયા દીકરાઓ વંઠેલ થઇ જશે એનું ભાન તેને દસકાઓ પછી થાય છે, પણ હવે તેનો વિટોપાવર તે ગુમાવી ચુકી છે.

ઘરની બધી હકીકતોથી હવે બધા જ વાકેફ છે, સુનીલ,પન્ના અને નીલમ. પણ ભાઈની બીકને લીધે આ મામલામાં કોઈ કશું બોલાતું જ નથી. કાદમ્બરી અનિલ ‘ચાલ’ કહે તો ચાલ્યા જવું, સાસુ કહે ઓરડે જા તો ત્યાં જતું રહેવું, કોઈ કહે એમ કરવા લાગી જાય છે. અન્ના થોડા દિવસો પછી કાદંબરીને અનિલના કહેવાથી જ પોતાને ઘેર લઇ આવે છે અને હવે તેનાં સાથે ગેરવર્તન નહિ થાય એની બાંહેધરી આપે છે. અહી પણ સોનાની વીંટી લાવીને અનિલ તેને વશ કરી લે છે. જે વસ્તુ માટે એક વાર કાદમ્બરીને માર પણ પડી હતી. એ આજે એની સામે છે એ પણ અનિલના પ્રેમભર્યા ચહેરે. ઘરે જઈને પણ શકુન્તલાદેવીની વિજયા પાસે અનિલના લગ્નની વાત અને કાદંબરીનું એ સમયે જ આવવું. શકુન્તલાદેવીને અનિલે કહ્યું હતું કે એ તો ગાંડી થઇ ગઈ છે પણ અનુમાન કરવાથી એવું કશું જ શકુન્તલાદેવીને લાગતું નથી. પૈસાના લીધે અનિલ ગમે તે ગમે એટલી હદે જઈ શકે છે એ અહી આપણને તેની પ્રકૃતિમાંથી જોવા મળે છે.

આખી નવલકથામાં કાદમ્બરી સતત ઘેનમાં જ જીવે છે તેનું મન શબ્દોના ઘેનમાં, પતિની સમૃદ્ધિના ઘેનમાં અને પોતાની નિષ્ક્રીયતાના ઘેનમાં. લેખિકાએ અહી બે સબળ સ્ત્રી પાત્રો મુક્યા છે વિજયા અને તેની નાની દીકરી પન્ના જે પણ કાદમ્બરી જેવી જ પરિસ્થિતિમાંથી પસાર થાય છે. દસ વર્ષના પુત્ર શશાંકને લઇ મા પાસે આવે છે અને એસ્મેરલ્ડા તથા વિપીનનાં આડસંબંધની વાત કરે છે. અચાનક એક દિવસ કાદમ્બરી શશાંકને પોતાના રૂમમાં લઇ જાય છે ભાત ભાતના અતરની શીશીઓ બતાવે છે અને ખુદ પણ ભૂતકાળમાં ધસી જઈ આખા શરીરે અતર લગાવી દે છે, બીજી તરફ અનિલનું આવવું અને શશાંકનું મામી આગ ચાંપે છે એ વાતને પામી જવું. અહી ધીરુબહેને કથાનકનો ઘટસ્ફોટ કર્યો છે.

અંતે આ ઘટનાથી જ કાદંબરીનો નિર્ણય અને નિશ્ચય શક્તિમાં જોવા મળતો બદલાવ એ વિજયાની સફળતા છે. જન્મદાત્રી મા થી પણ ચડીયાતું પાત્ર. લેખિકાને બદલાતા સમાજની તાસીરને આ રીતે રજુ કરી છે. અંતે સ્વની શોધ આદરતી કાદમ્બરી અરુણાને કહે છે ‘રાત- દહાડો ફફડાટમાં મારે હવે નથી જીવવું. ઓશિયાળી થઈને નથી રહેવું. મારે જોવું છે. અને પછી તરત પોતાનો નિર્ણય જણાવતા કહે છે. ‘મૂંઝાઈશ નહિ, અન્ના! કોઈક વખત હું જરૂર આવીશ. હમણા તો તું જા!’ લેખિકાને જે કહેવું છે એ આ છે. સર્વસ્વની સાથે સ્વત્વનું ભાન.

નવલકથાની ભાષા વિશે વાત કરીએ તો નરેશ વેદ કહે છે : ‘પાત્રની અનુભવગતિ પાત્રના લાગણી, ને સંવેદનાતંત્રને, એની ચૈતસિક કે ભૌતિક ગતિવિધિઓને ટૂકમાં, પાત્રની મન બુદ્ધિની તમામ અવસ્થાઓને પ્રકટ કરી આપે એવી ભાષા સર્જવી પડે છે.’ આ વાત અહી યથાર્થ રીતે સાબિત થઇ છે.

અનિલની દાદાગીરી અને ધમકીની ભાષા, અન્ન્નાની ભાષામાં છુપી સ્વાર્થવૃત્તિ, કાદંબરીનો દબાયેલો અવાજ, પન્નાની નીડરતામાં સર્જકનું નાવીન્ય ખીલ્યું છે. જેના કારણે સામાજિક પરિપ્રેક્ષ્ય ભાવકચિતમાં ઉપસે છે. સાત પગલા આકાશમાંની વસુધા હોય કે પછી વર્ષા પાઠકની પગલે પગલે રણની એકા હોય સ્ત્રીની વાત વ્યકિતની ન રહેતા પછી એ સંવેદના સમષ્ટિની થઇ જાય છે.

ધીરુબહેને એક નવો જ આયામ આપણી સમક્ષ મુકીને અનેરું સંબંધ વિશ્વ અને ભાવજગત ખડું કરી દીધું છે. એક જ માળખામાં બાંધી રાખેલા વિચારોમાં પણ પરિવર્તન આવી શકે છે એ આ નવલકથાનો સાર છે. એથી જ નિરંજના જોશી કહે છે કે, ‘જ્યાં સુધી વ્યકિત પોતે નિર્ભ્રાંત ન થાય ત્યાં સુધી તેણે અન્ય કોઈ સુખી ન બનાવી શકે.’ આગળ ઉમેરતા તેઓ કહે છે કે, ‘જન્મનું રહસ્ય શોધવાની જીજ્ઞાસાથી કથાનો અંત પણ- કાદમ્બરીનો નૂતન જીવનનો આરંભ સર્જકે બતાવી વાચકને હાશકારાની અનુભૂતિ કરાવી છે.’

સ્ફોટક અંતને રોચક બનાવતી વાત કાવ્ય દ્વારા ધીરુબહેને એક સવાલ આપણને કર્યો છે કે ‘કોશેટો વીંધીને નીકળેલું પતંગિયું નીલગગનમાં પહોચ્યું?’ નારીચેતનાને એક નવ્ય આયામમાં પડકારતી આ નવલકથા દીર્ઘકાલીન કૃતિ છે.

સંદર્ભ
  1. કાદંબરીની મા, લે. ધીરુબહેન પટેલ, પ્રથમ આવૃત્તિ ૧૯૮૮
  2. નવલકથા: શિલ્પ અને સર્જન, લે. નરેશ વેદ
ચાર્વી ભટ્ટ, ભુજ-કચ્છ, મો.9427013372