Included in the UGC-CARE list (Group B Sr. No 172)
Special Issue on Feminism
નારીકેન્દ્રી દૃષ્ટિએ 'ઇંગ્લિશ વિંગ્લિશ' । ભારતીય મધ્યમવર્ગીય મહિલાના 'સ્વ'ને ઉજાળતી ફિલ્મ
"After building a rapport over a cup of tea, I narrated the script to her. As a writer, when you narrate a script, you are attuned to the reactions too, and immediately know when someone actually connects to your story; it’s a different feeling. From her eyes, gestures, and smile, I could see that she got it. There was a different sort of connection between us and we both felt it. And at the end of my narration, she said, "Gauri, I really love it. I don’t know about you, but I want to do it. It’s a 'yes' from me". The moment she said that I was so thrilled!" (Giri)
- ગૌરી શિંદે શ્રીદેવીને ફિલ્મનો પ્રસ્તાવ આપવા મળે છે તે સમયના અનુભવનું વિધાન આ લેખમાં પ્રવેશ માટેની ઉત્તમ ભૂમિકા પૂરી પાડનારું બને છે. ગૌરી શિંદેની ફિલ્મ 'ઇંગ્લિશ વિંગ્લિશ' (૨૦૧૨) નારીવાદી દૃષ્ટિએ તપાસીએ તો ઘણાં રસપ્રદ નિરીક્ષણો મળી રહે.

ફિલ્મમાં મધ્યમવર્ગીય ગોડબોલે મરાઠી પરિવારનું જીવન ચિત્રિત થયું છે. પતિ-પત્ની, બે સંતાનો અને વૃધ્ધ મા. પતિ (સતીશ) કંપનીમાં સારા હોદ્દા પર નોકરી કરે છે. પત્ની - ફિલ્મની નાયિકા - શશી પરિવારનું કેન્દ્ર છે. બંને સંતાનો (પુત્ર સાગર અને પુત્રી સપના) અંગ્રેજી માધ્યમની શાળામાં અભ્યાસ કરે છે. વૃધ્ધ મા સ્વસ્થ છે અને સંસારના અનુભવોથી ઘડાઈને પરિપક્વ બન્યા છે. દેશ (ભારત) – વિદેશ (અમેરિકા) એમ બંને સ્થળોએ ફિલ્મ વિકસે છે. ભૌગોલિક રીતે બદલાતું પરિમાણ ફિલ્મમાં અપેક્ષિત સૂક્ષ્મ પરિવર્તનોને સંચાલિત કરવામાં ઘણું સહાયક બને છે.

ગોડબોલે પરિવારના રોજિંદા જીવનક્રમથી ફિલ્મનો આરંભ થાય છે. શશી કુશળ ગૃહિણી છે અને ખૂબ ભાવથી સૌની કાળજી લેતી જણાય છે. શશીને લાડુ બનાવવાનો શોખ છે. શશીના ગ્રાહકો એના લાડુથી ઘણા ખુશ છે. ઘરમાં સૌ શશીની આ સફળતાને ખાસ મૂલ્ય આપતા નથી. વિશેષ તો એ કે શશીને અંગ્રેજી નથી આવડતું એવી વારંવાર પ્રતીતિ કરાવીને એને હંમેશાં નીચે જોવાનું થાય એવો વર્તાવ કરે છે. શશીને આ વાતનું બહુ દુ:ખ છે. અમેરિકામાં સ્થાયી થયેલ શશીની બહેન મનુની દીકરી મીરાના લગ્ન કેવિન સાથે નિશ્ચિત થાય છે. ગોડબોલે પરિવારને એ લગ્નમાં સામેલ થવાનું નિમંત્રણ મળે છે. શશી લગ્નની તૈયારીમાં મદદરૂપ થવા માટે અમેરિકા જાય છે. અમેરિકામાં ચિત્રવિચિત્ર અનુભવોની વચ્ચે એ અંગ્રેજી ભણવાનું શરૂ કરે છે. શશી પૂરા મનથી અંગ્રેજી શીખે છે, થોડો સંઘર્ષ, થોડી નિરાશા અને વ્યથા વચ્ચે પણ એ અંગ્રેજી સાથેનો સંબંધ જાળવી રાખે છે. પરિવારથી છૂપી રીતે અંગ્રેજી શીખીને શશી, મીરાના લગ્નમાં પ્રાસંગિક વકતવ્ય અંગ્રેજીમાં આપે છે. આ ઘટનાથી સૌ ચકિત થઈ હર્ષ અનુભવે છે. શશી અંગ્રેજી ન આવડવાના મહેણાંમાંથી સ્વને મુક્ત કરી આત્મસમ્માન અને ગૌરવપૂર્ણ જીવનનો આરંભ કરે છે.

શશી કૌટુંબિક જવાબદારીઓ નિભાવવામાં ઘણાં સમાધાનો કરતી રહે છે તેનો આલેખ ફિલ્મમાં મળે છે. વ્યાપક રીતે જોઈએ તો, ભારતીય મધ્યમવર્ગીય પરિવારોમાં મહિલાઓએ કરવાં પડતાં સમાધાનો અને સ્વના ભોગે સતત અનુકૂલન સાધતા રહેવાની જીવનશૈલીનું નિરૂપણ આ ફિલ્મમાં સૌથી વધુ પ્રાધાન્ય ધરાવતું જણાય છે. આ ચિત્રણ એટલું કલાત્મક રીતે કરવામાં આવ્યું છે કે જીવન જીવવાની કથિત શૈલીને કારણે મહિલાઓ કેવી રીતે પળે પળે સ્વને ઓગાળતી ચાલે છે અને પરિણામે કેવી વ્યથા અનુભવે છે તે પ્રેક્ષકોને સીધું સ્પર્શી જાય એટલું માર્મિક છે. આવા સંજોગોમાંથી પસાર થતી મહિલા જ્યારે 'સ્વ'ને ઓગાળીને નામશેષ થવાને બદલે; 'સ્વ'ને ઉજાળવા કટિબધ્ધ બને અને એમાં સફળતા હાંસલ કરે ત્યારે એ નિમિત્તે મહિલાનું અસ્તિત્વ જે રૂપપરિવર્તનની પ્રક્રિયામાંથી પસાર થાય એની ગાથા આ ફિલ્મમાં જોવા મળે છે.

આ લેખમાં ફિલ્મની નાયિકા શશીના જીવનને નારીવાદી ગૃહીતોની ભૂમિકાએથી તપાસવા માટે બે દૃષ્ટિબિંદુઓ લઈને વિશ્લેષણ કર્યું છે. પ્રથમ દૃષ્ટિએ તપાસતી વખતે એ વાત પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે કે નાયિકા સાથે સંકળાયેલાં પાત્રો અને એમનાં વ્યવહાર-વર્તન પરથી શું ફલિત થાય છે. બીજી દૃષ્ટિથી જોતી વખતે સમગ્ર ફિલ્મ દરમિયાન નાયિકાનો સ્વ સાથેનો સંબંધ કેવી રીતે નિરૂપાયો છે, વિકસ્યો છે અને પરિવર્તન પામે છે તે પ્રક્રિયાને પામવી છે.

૧ : શશી અને અન્ય પાત્રોના સંબંધોમાંથી વિકસતું નારીવિશ્વ

શશીના પરિવારના સભ્યો ઉપરાંત ફિલ્મમાં એની બહેન (મનુ) અને પુત્રીઓ (રાધા – મીરા), અંગ્રેજી ક્લાસના શિક્ષક-સહાધ્યાયીઓ અને કેટલાંક અતિથિ પાત્રો ઘનિષ્ઠ રીતે સંકળાયેલાં જોવા મળે છે. કેટલાંક ગૌણ કહી શકાય એવાં પાત્રો ફિલ્મમાં છે પણ અત્રે એમનાં વિશે ચર્ચા કરવી નથી. શશીની આસપાસ જે પાત્રસૃષ્ટિ વિકસે છે તેને બે જૂથમાં વહેંચી શકાય એમ છે.

જૂથ ૧ : શશી પ્રત્યે ટીકાત્મક વલણ રાખતાં પાત્રો

સતીશ (પતિ) અને સપના (પુત્રી)ને આ જૂથમાં મૂકી શકાય.

કેટલાક પ્રસંગોને આધારે આ મુદ્દાને સમજીએ –
  1. ફિલ્મની શરૂઆતમાં એક પ્રસંગ બને છે. સવારે નાસ્તાના ટેબલ ઉપર શશી 'જેઝ ડાન્સ'ના બદલે 'ઝાંસ ડાન્સ' એમ બોલે છે. આ સાંભળીને સપના અને સતીશ એને અપમાન લાગે એવું વર્તન કરે છે. અંગ્રેજી શબ્દના ઉચ્ચારણની જાણકારીના અભાવે શશી ખોટું બોલે છે અને બધાની વચ્ચે નીચું જોવાનું બને છે.
  2. શશીને લાડુ બનાવવાનો શોખ છે. એ લાડુ બનાવીને વેચે છે. લાડુ વહેંચવા જવા માટે સતીશ પાસે ગાડી માંગે છે તો સતીશ એને ગાડીની જરૂર છે એમ કહીને ના પાડી દે છે. શશી રીક્ષામાં જઈને લાડુ વહેંચી આવે છે. લાડુના ગ્રાહકો શશીની ખૂબ પ્રશંસા કરે છે. શશી આ ખુશીને સતીશ સાથે 'શૅર' કરવા ઇચ્છે છે. એને ફોન કરે છે અને સતીશ એની વાત કાપી નાખે છે. શશી નિરાશ થઈ જાય છે. લાડુ બનાવવાની પ્રવૃત્તિને બહારના લોકો ઉત્તેજન આપે છે. પણ ઘરના સભ્યો એનું ખાસ કોઈ મૂલ્ય ગણતા નથી; એટલું જ નહીં પ્રોત્સાહન આપવાને બદલે શશીને શોખની આ પ્રવૃત્તિને બંધ કરી દેવા કહે છે.
  3. સપના મિત્રો સાથે કૉફી પીવા ગઈ છે. સપના ઘરે પાછી આવે છે ત્યારે શશી એને પૂછે છે. સપના એને સીધો જવાબ આપવાને બદલે કહે છે - "तुम पढाओगी मुझे, इंग्लिश लिटरेचर...". સપનાના આ વર્તનને શશી અવગણે છે અને કોઈ પ્રકારની પ્રતિક્રિયા આપતી નથી.
  4. "अगर मैं खाना अच्छा नहीं बनाती तो तुम घर ही नहीं आते ना"? – શશી સતીશને રાત્રિના જમણ સમયે ટેબલ પર આ પ્રશ્ન પૂછે છે. સતીશ કહે છે કામમાં, વાતો કરવામાં મોડુ થઈ જાય છે તો એના ઉત્તરમાં શશી કહે છે - "मेरे साथ बात करना इतना important नहीं है ना? ओह, भूल गई, important बातें तो सिर्फ इंग्लिशमें होती है ना?" શશીના હાથનો લાડુ ખાધા પછી સતીશ કહે છે કે લાડુ બનાવવાનું અને વહેંચવાનું બંધ કરી દે. શશીના હાથના લાડુ પર માત્ર પોતાનો જ અધિકાર છે! શશી કહે છે કે લાડુ બનાવવાનો એક માત્ર શોખ એને છે એ પણ બંધ કરી દે? સતીશ ઉત્તર આપતો નથી અને વાત ઉડાડી દે છે. શયનખંડમાં સતીશ શશીના ખભા પર હાથ મૂકીને કહે છે, "बातों में time क्यों waste करना है"? શશી સાથે શારીરિક સુખ ભોગવવામાં માનતા પતિની લાલસા અહીં છતી થાય છે. સતીશ સાથેના સંબંધમાં ઓછપ અનુભવતી અને લઘુતાના ભાવથી પીડાતી શશીનું વ્યક્તિત્વ અહીં સ્પષ્ટ થાય છે. સતીશની શશી પ્રત્યેની બેફિકરાઈ પણ તરત સમજાય છે.
  5. સપનાની શાળામાં પેરેન્ટ-ટીચર મીટિંગ છે. છેલ્લી ઘડીએ સતીશ એ મીટિંગમાં હાજરી નહીં આપી શકે એમ સપનાને જણાવે છે જેથી સપના ક્રોધે ભરાય છે. શશી સપનાની સાથે આવવાનું કહે છે પણ સપના એનું અપમાન કરે છે કે એને અંગ્રેજી આવડતું નથી તો એ મીટિંગમાં આવીને શું કરશે? શશી સપનાને પહેલીવાર તીવ્ર પ્રતિક્રિયા આપે છે પણ સપના સાથે શાળાએ જાય છે. સપનાની મિત્ર અને એની મા સાથે શશી અંગ્રેજીમાં વાત નથી કરી શકતી એ વાતે સપના નારાજ થાય છે. જો કે, શશી શિક્ષક સાથે ખૂબ સારી રીતે વાતોનું આદાન-પ્રદાન કરે છે. શિક્ષક પણ રાજી થાય છે. બધી વાતો સારી રીતે થઈ હોવા છતાં સપના શશી સાથે ખૂબ ખરાબ વર્તન કરે છે અને એને અપમાનિત કરે છે. શશી નિરાશ થાય છે અને સાસુમાના પૂછવા પર કહે છે કે, "मैंने उसे शर्मिंदा किया..." શશી સાસુમાના ઉત્તરનો પણ એવો જવાબ આપે છે જેમાં એની નિરાશા પ્રગટ થાય છે.
  6. સતીશ સાથે સંવાદ થાય છે. એની સાથે લગ્ન કેમ કર્યા એવો પ્રશ્ન પૂછે છે. સતીશ એનો હળવો જવાબ આપી દે છે. શશી સંતુષ્ટ થતી નથી, કહે છે, "कितनी भी कोशिश क्यों ना करुं; सबको खुश नहीं रख पाती हुँ..." આ બધા પ્રસંગો પરથી શશી વધુને વધુ નિરાશ થતી, લઘુતાગ્રંથિથી પીડાતી અને સ્વ સાથે સંઘર્ષમાં જતી અનુભવાય છે.
  7. ગોડબોલે પરિવારને મનુની દીકરી મીરાના લગ્નનું નિમંત્રણ મળે છે. પરિવારમાં અમેરિકા જવા વિશે ચર્ચા ચાલે છે. સતીશ એની મા સાથે પાસપોર્ટ સંદર્ભે, શશી સાથે અમેરિકા જવા સંદર્ભે તથા દીકરા સાથે સ્કુલે ન જઈને લાડુ બનાવવા વિશે જે કહે છે તેમાં એનું સ્ત્રી પ્રત્યેનું સંકુચિત માનસ તથા એમને ઊતરતા દરજ્જાના ગણવાની વૃત્તિ છતી થાય છે.
  8. શશીની ખૂબ અનિચ્છાએ અમેરિકા જવા માટે એને તૈયાર કરવામાં આવે છે. એકલા વિદેશ જવું, અંગ્રેજી ના આવડવું, પરિવારને – ખાસ કરીને બાળકોને એકલાં મૂકીને જવું – આ બધી મૂંઝવણોની વચ્ચે શશી, સતીશના આગ્રહને વશ થઈ અમેરિકા જવા તૈયાર થાય છે. તૈયારી દરમિયાન એની સાથે જે નાના-મોટા વ્યવહારો થાય છે તેમાં એનું અપમાન થતું રહે છે. વિદેશ યાત્રા એના સ્વ સાથેના સંઘર્ષને પરાકાષ્ઠાએ પહોંચાડે છે. વિદેશ આગમન એનાં જીવનનાં પરિવર્તનનું સૌથી મોટું પરિબળ બને છે. નવાં વાતાવરણ, સંસ્કૃતિ અને પ્રોત્સાહક વ્યક્તિઓ વચ્ચે શશી પહોંચી જાય છે અને ફિલ્મ એક નવા તબક્કામાં પ્રવેશે છે.
  9. શશી જ્યારે સતીશને અમેરિકાથી એમ કહે છે કે સૌ એને 'એન્ટરપ્રેનેઊરે' કહે છે તો સતીશ "वहाँ भी सबको लड्डु खिलाये क्या?" કહીને એને ઊતારી પાડે છે અને શશી હીનતા અનુભવે છે.
  10. શશી અમેરિકામાં હોય છે ત્યારે સપના ફોન કરીને એની સાથે તોછડું વર્તન કરે છે. સપનાને સ્ક્રેપબુક મળતી નથી. શશી એને જગ્યા બતાવે છે અને કહે છે કે એણે સાચવીને મૂકી હતી જેથી કોઈ એને વાંચે નહીં. એણે પોતે પણ વાંચી નથી. આના ઉત્તરમાં સપના કહે છે કે 'अगर पढना आता तो पढती ना?' – આ વાક્ય સાંભળીને શશી ભાંગી પડે છે. ગુસ્સે થઈ જાય છે અને ફિલ્મમાં પ્રથમવાર તમામ અપમાનભર્યા અનુભવો સામે પોતાની તીવ્ર પ્રતિક્રિયા આપે છે. એ કહે છે, 'क्या हक बनता है बच्चों का अपने मा-बाप से इस तरह से बात करने का? इज्जत का मतलब तो जानते ही नहीं... क्या कचरे की पेटी हुँ मैं? जो मनमें आया फेंक दिया... क्या रिश्ता हे? कितनी कोशिश करते है हम, उनको खुश रखने की... और वो, कितनी आसानी से हमारा दिल दुखाते है... बच्चे मासूम होते है... यह कैसी मासूमियत है... जो हर पल हमारी कमझोरी का फायदा ही उठाती है... सब कुछ सिखाया जा सकता है, पर किसी की भावनाओं का ख्याल रखना... कैसे सिखाया जाये?...' આ વિધાનો અનેક મહિલાઓના ભીતરને વાચા આપનારા જણાય છે. બાળકો અને પરિવાર માટે બધું જ કરી છૂટતી મહિલાઓ સાથે જ્યારે દુર્વ્યવહાર થાય છે ત્યારે એમને અનુભવાતી પારાવાર વેદના સમાજનો એક નાદુરસ્ત ચહેરો રજૂ કરી આપે છે.
  11. સતીશ જ્યારે બાળકોને લઈને અમેરિકા આવે છે ત્યારે પ્રથમ મુલાકાતમાં જ શશીને વ્યંગમાં કહે છે કે અહીં લોકોને અંગ્રેજી આવડતું હોય તો પણ હરી-ફરી નથી શકતા જ્યારે તને તો અંગ્રેજી નથી આવડતું પણ સારી રીતે 'manage' કરી રહી છે. આ સાંભળીને શશી કહે છે તમે પણ તો મારા વગર 'manage' કરી શકો છો. સતીશનું શશી પ્રત્યેનું પૂર્વગ્રહોયુક્ત માનસ એમના સંબંધની સૌથી મોટી મર્યાદા બનતું જણાય છે.
  12. સતીશ અને બાળકો અમેરિકામાં ફરવાનું ગોઠવે છે. શશીને અંગ્રેજીના વર્ગમાં જવાનું હોવાથી એ પગ દુખે છે એવું બહાનું કાઢીને એમની સાથે જવાનું ટાળે છે. સાગરને થોડી ઈજા થાય છે. શશી ઘરે મોડી પહોંચે છે તો સતીશ એને જે વાક્યો કહે છે તેમાં બીબાઢાળ અને વર્ચસ્વ દાખવતી પુરુષપ્રધાન એકતરફી માનસિકતા ઘૃણાસ્પદ રીતે રજૂ થાય છે. જાણે કે બાળકો, કુટુંબ ને સંસારની તમામ જવાબદારીઓ શશીની હોય એવી રીતે સતીશ કહે છે, 'पैर का दर्द कैसा है तुम्हारा? हं... बहुत दर्द हुआ होगा ना इसलिए हमारे साथ नहीं आ सकी पर अकेली घूमने चली गई तुम... हमारी कंपनी तुम को अच्छी नहीं लगती है तो बोल दिया होता... हम आते ही नहीं... क्या कैसी बात... क्या हो गया है तुमको शशी? मैं देख रहा हुँ, लगता है तुम अकेली ही खुश थी... थेंक गोड, मैंने सपना और सागर को तुम्हारे साथ पहले नहीं भेजा...' શશી બે વાર ખુલાસા આપવાનો પ્રયત્ન કરે છે પણ સતીશ એને કશું જ બોલવાનો મોકો આપતો નથી. સતીશ શશી વિશે જે માની બેઠો છે, એના વિશે જે વિચારે છે એમાં એટલી બધી એકતરફી દૃષ્ટિ કામ કરી રહી છે કે શશીના વિચાર કે મંતવ્યોને માટે જાણે કે કોઈ સ્થાન જ નથી! પતિ સાથેના સંબંધમાં દુભાવાની શશીની સ્થિતિ આ ભૂમિકાએથી શરૂ થાય છે. સતીશનું આ વર્તન શશીને આત્મપરીક્ષણ દ્વારા સ્વને વખોડવાની દિશામાં ધકેલે છે. ભાવનાત્મક રીતે આત્યંતિક સ્થિતિમાં પહોંચી જતી શશી અંગ્રેજી વર્ગમાં ન જઈને ઘર-પરિવારની જવાબદારી ઉપાડી લેવાનો પીડાદાયક નિર્ણય લે છે. મહિલાઓ દ્વારા કરવામાં આવતાં સમાધાનોની સૂચકરૂપ આ ઘટના ફિલ્મમાં ખૂબ અસરકારક રીતે રજૂ થઈ છે.
  13. ફિલ્મમાં સતીશ મહિલા સહકાર્યકરને 'હગ' કરે છે. શશીની હાજરીમાં બનતી આ ઘટનાથી એને પ્રશ્ન થાય છે કે સતીશ એને કેમ 'હગ' નથી કરતો? અંગ્રેજી ન આવડતું હોવાને કારણે, માત્ર ગૃહિણી તરીકે જીવન જીવતી હોવાને કારણે તથા સતીશની નજરમાં એક સામાન્ય સ્ત્રી હોવાને કારણે કદાચ એ પતિ પાસેથી 'હગ' મેળવવાને હકદાર નથી એવાં તારણો સુધી એ પહોંચે છે. આ પ્રકારની ઘટનાઓ ફિલ્મમાં શશીને વધુને વધુ આત્મવિશ્વાસ ગુમાવતી અને સ્વ વિશે ટીકાત્મક વલણ ધરાવવા માટે ઉત્તેજિત કર્યા કરે છે.
સપના અને સતીશ – ફિલ્મના એવા બે પાત્રો છે કે જે મહિલાઓ પ્રત્યે ઓછા સંવેદનશીલ અને જડતા ધરાવતા માનસનું પ્રતિનિધિત્વ કરે છે. શશીની આત્મખોજની પ્રક્રિયાને ઉત્તેજિત કરનારા આ પાત્રોના શશી પ્રત્યેના અપમાનભર્યા વર્તાવને કારણે ફિલ્મમાં વિશેષ ધ્યાન ખેંચે છે. ફિલ્મમાં તનાવની સ્થિતિનું નિર્માણ આ પાત્રોના સંવાદો અને કાર્યો થકી નિર્દેશક સિધ્ધ કરે છે. પુરુષો અને બાળકો મહિલાઓ પ્રત્યે જે પ્રકારની સંકુચિત અને માલિકીભાવ ધરાવતી માનસિકતાથી દોરવાઈને એમની સાથે વ્યવહાર કરે છે તેનું હૃદયસ્પર્શી અને પ્રતિનિધિરૂપ નિરૂપણ – સપના અને સતીશ – આ બે પાત્રો થકી ફિલ્મમાં અસરકારક રીતે કરવામાં આવ્યું છે. લગ્નસંબંધના પ્રશ્નો, બાળકો સાથેની અથડામણો અને એ થકી રચાતાં ગૂંગળામણભર્યાં વાતાવરણમાં અસ્તિત્વને ધબકતું રાખવાની મથામણ કરતી મધ્યમવર્ગીય ભારતીય મહિલાનું તલસ્પર્શી આલેખન આ ફિલ્મનો વિશેષ બને છે.

જૂથ ૨ : શશીને પ્રોત્સાહિત કરતાં પાત્રો

શશીની આસપાસ ફિલ્મમાં એને પ્રોત્સાહિત કરનારાં જે પાત્રો છે તેમને ત્રણ શ્રેણિઓમાં વર્ગીકૃત કરી શકાય. પ્રથમ શ્રેણિના પાત્રોથી બીજી શ્રેણિના પાત્રો શશીને વધુ પ્રોત્સાહિત કરે છે. ત્રીજી શ્રેણિના પાત્રો શશીની સ્વ-પરિવર્તનની પ્રક્રિયાને વેગ આપનારાં સૌથી મહત્ત્વનાં પાત્રો તરીકે પુરવાર થાય છે.
  1. શ્રીમતી ગોડબોલે (શશીની સાસુ), સાગર (શશીનો પુત્ર) તથા અમેરિકામાં અંગ્રેજી ક્લાસના સહાધ્યાયીઓ, શશીના લાડુના ગ્રાહકો
  2. સપનાના શિક્ષક ફાધર વિન્સેંટ, વિદેશપ્રવાસના સહમુસાફર (અમિતાભ બચ્ચન), મનુ (શશીની બહેન), મનુની પુત્રી અને જમાઈ મીરા-કેવિન તથા અંગ્રેજીના શિક્ષક ડેવિડ
  3. રાધા (મનુની પુત્રી) અને અંગ્રેજી વર્ગનો ફ્રેંચ સહાધ્યાયી લૉહાં
પ્રથમ શ્રેણિના પાત્રો શશી સાથે સમભાવભર્યું વર્તન કરે છે. એની મર્યાદાઓ અને વિશેષતાઓને સ્વીકારીને, એ જેવી છે તેવી જ એને ચાહે છે. આ પાત્રોનું નાની-નાની વાતોમાં શશીને સમર્થન આપવું, પ્રોત્સાહન આપવું અને એને આવકારવાનું વલણ શશી માટે ઘણું બળ આપનારું સિધ્ધ થાય છે. શશી આ પાત્રો સાથે કોઈ મૂંઝવણ વિના, ખુલ્લા મનથી અને હૃદયપૂર્વક સંબંધ જાળવી શકે છે. શશીને અનુભવાતા ભિન્ન ભિન્ન પ્રકારના ભય અને અસુરક્ષિતતાના વાતાવરણમાંથી મુક્ત થઈને આ પાત્રો સાથે એનો વ્યવહાર ફિલ્મને હકારાત્મક પ્રતીતિઓથી સભર કરે છે.

બીજી શ્રેણિના પાત્રો સાથે શશીનો એક વિશિષ્ટ પ્રકારનો અનુબંધ રચાય છે. એક રીતે જોઈએ તો આ શ્રેણિના મોટા ભાગના પાત્રો સાથે શશીને પ્રાસંગિક અને ટૂંકા ગાળાના વ્યવહાર માટે જોડાવાનું થાય છે. આ દરેક પ્રસંગોમાં શશી માટે ઘણી કપરી ક્ષણોનું નિર્માણ થાય છે. એની એક અથવા બીજી મર્યાદા, અંતે તો જેને આત્મવિશ્વાસના અભાવમાંથી ઉત્પન્ન થતી વર્તનની સમસ્યાઓ તરીકે ઓળખાવી શકાય એને ઘેરી વળે છે અને ત્યારે આ શ્રેણિના પાત્રો એની મર્યાદા કે સ્ખલનોને અવગણીને એની સાથે હકારાત્મક અભિગમ રાખીને જે વ્યવહાર કરે છે તે ધ્યાનપાત્ર બને છે. સ્વમાંથી વિશ્વાસ ગુમાવતી શશીને આ પાત્રોનાં વ્યવહાર અને વર્તનથી એક બળ પ્રાપ્ત થાય છે જે એને સ્વ સાથે જોડી રાખે છે. આ શ્રેણિના પાત્રો સાથેના ટૂંકા ગાળાના સંબંધથી પણ શશીને ઘણું ઉત્તેજન મળે છે અને એ હતાશાની ખીણમાં ધકેલાતી અટકે છે.

શશીનો રાધા અને લૉહાં સાથેનો સંબંધ ફિલ્મમાં સૌથી વધુ આકર્ષક બને છે. ત્રીજી શ્રેણિના આ પાત્રો શશીની સ્વપરિવર્તનની પ્રક્રિયાને સંકોરનારા, પોષણ આપનારા અને વિકસાવનારા સાબિત થાય છે. આ એવા પાત્રો છે જે શશીના ભીતરને, માનસને, મૂંઝવણોને તથા પ્રશ્નોને બરાબર સમજે છે અને શશીના કહ્યા વિના એની સાથે માનવીય વર્તન દાખવીને તમામ ગૂંગળાવનારી બાબતોથી મુક્ત થવામાં પથદર્શક તરીકે વર્તે છે. શશીની ભીતર ચાલી રહેલી સ્વપરિવર્તનની પ્રક્રિયા, સ્વને મર્યાદાઓમાંથી મુક્ત કરવાની મથામણ અને વિકાસ સાધવાની ખેવનામાં અનુકંપાથી સહભાગી થનારા આ બંને પાત્રો શશીના સ્વને ઉજાળવાની પ્રક્રિયાના સૌથી અસરકારક પરિબળો બની રહે છે.

કેટલાક પ્રસંગોને આધારે આ મુદ્દાને સમજીએ –
  1. શશી અમેરિકામાં ફરવા નીકળે છે. એક કૉફી શોપમાં જઈને ઑર્ડર આપવાનો પ્રયત્ન કરે છે પણ અંગ્રેજી ન આવડતું હોવાને કારણે ઉપરાંત આત્મવિશ્વાસના અભાવને લીધે અસ્વસ્થ થઈ જાય છે. એના હાથમાંથી વસ્તુઓ પડી જાય છે અને કૉફી શોપમાં અફરાતફરીનું વાતાવરણ રચાઈ જાય છે. એ દોડીને કૉફી શોપમાંથી બહાર નીકળી જાય છે. લૉહાં એ વખતે કૉફી શોપમાં હાજર હોય છે. એ કૉફી લઈને શશી પાસે જાય છે અને એના હાથમાં કૉફી આપે છે, કહે છે "Coffee is nice. Woman is not nice." આ સાંભળીને શશી થોડી સ્વસ્થ થાય છે અને કૉફી હાથમાં લે છે. લૉહાં સાથેની આ એની પહેલી મુલાકાત છે.
  2. બીજી વાર લૉહાં સાથે અંગ્રેજીના ક્લાસની બહાર મુલાકાત થાય છે. બંને વચ્ચે નાનકડો અને ઉષ્માપૂર્ણ સંવાદ થાય છે અને પરિચય કેળવાય છે. તેમની વચ્ચે ધીરે ધીરે મિત્રતા કેળવાય છે. લૉહાં શશીને હંમેશા પ્રોત્સાહન આપે છે. શશીની અંગ્રેજી ભણવાની રીત અને ઉત્સાહ એને ખૂબ ગમે છે અને તે શશીની નિકટ આવવા ચાહે છે. શશી અને લૉહાં વચ્ચેનો સંબંધ અંગ્રેજી ક્લાસની મુલાકાતોને લીધે વિકસે છે. લૉહાં વ્યવસાયે રસોઈયો છે. શશી જાણે છે તો કહે છે કે, 'मर्द खाना बनाये तो कला है, औरत बनाये तो उसका फर्झ है।' લૉહાંને હિન્દી ભાષાની સમજ નથી પણ આ નિમિત્તે શશીનું માનસ અને આપણી સમાજવ્યવસ્થા બંને આપણી સમક્ષ રજૂ થાય છે. સાથે એમ પણ પ્રતીત થાય છે કે હૃદયસંવાદ માટે ભાષાની જાણકારી કરતા અન્યને સમજવાની તત્પરતા મહત્ત્વની સાબિત થાય છે. બંને હળવી વાતો કરે છે અને રમૂજભરી ક્ષણો સાથે ગાળે છે. સપના સાથે થયેલા ખરાબ અનુભવમાં અને આ પ્રકારની અન્ય પરિસ્થિતિઓમાં લૉહાં સતત શશીને હૂંફ અને પ્રોત્સાહન આપી એને સાંભળે છે અને સમજે પણ છે. લૉહાંનો શશી પ્રત્યેનો ભાવનાત્મક લગાવ ક્રમશઃ ફિલ્મમાં છતો થતો જણાય છે. અંગત જીવનમાં પણ લૉહાંનું પાત્ર ભજવનાર અભિનેતા શ્રીદેવી માટે વિશેષ ભાવ ધરાવે છે જે એમનાં આ અવતરણમાં રજૂ થાય છે -
    “First of all I was very new to the Hindi film world. I was just two or three films old, and she was probably 300th film old, but the way she treated me, respected me and had an amazing sort of affection for my work whatever I had done, is very rare. Generally actors of that stature don’t really bother about newcomers, but she had been exceptionally affectionate and respectful,” Adil reminisces." (Lohana)
  3. રાધાને ખબર પડે છે કે શશી અંગ્રેજી ક્લાસમાં ભણવા જાય છે. એ ખૂબ રાજી થઈ જાય છે અને શશીને એનો પૂરો ટેકો જાહેર કરે છે. શશીના સહાધ્યાયીઓને પણ રાધા મળે છે. અંગ્રેજી શીખવાની પ્રક્રિયામાં રાધા શશી માટે માર્ગદર્શક પણ બને છે. શશીને થતા પ્રશ્નો અને મૂંઝવણોને ઉકેલવામાં રાધા સહાયક બને છે. રાધાના સહયોગને કારણે પરિવારની સમસ્યાઓ અને પ્રશ્નોને ઓળંગી જઈને પણ શશી અંગ્રેજીના વર્ગોમાં ભણવા જઈ શકે છે. મીરાના લગ્નને કારણે શશી અંગ્રેજીના વર્ગોમાં જઈ નથી શકતી તો રાધા ફોન દ્વારા એના શિક્ષણને આગળ વધારે છે અને એમ શશીના પ્રયત્નને નિષ્ફળ થતો અટકાવે છે.
શશીના સ્વવિકાસના પ્રયત્નોને રાધા અને લૉહાં ઉત્તેજન આપે છે. કોઈ સ્વાર્થ કે લાલચ વિના આ બંને પાત્રો શશીની ખુશી અને ઉપલબ્ધિ માટે આતુર રહે છે અને પરિણામે જ્યારે જ્યારે શશી મુશ્કેલીમાં મૂકાય છે, મર્યાદિત અનુભવે છે, નિરાશા અનુભવે છે ત્યારે ત્યારે આ બંને પાત્રો ઉદ્દીપક બની શશીની ધગશ અને સ્વપ્નને મૃત થતા અટકાવે છે. શશી ફરીથી સંચારિત થતી રહે છે અને અંતે લક્ષ્યને પ્રાપ્ત કરે છે. સપાટી પરથી એવું દેખાય કે મીરાના લગ્નમાં અંગ્રેજીમાં આપેલું પ્રાસંગિક વકતવ્ય એની ઝળહળતી સફળતા છે. પણ મુખ્ય પ્રાપ્તિ તો સપના અને સતીશ એને માન આપવાનું શરૂ કરે છે એ બને છે. ત્રીજી શ્રેણિના બંને પાત્રોની ગેરહાજરીમાં શશી આ સિધ્ધિ પ્રાપ્ત કરી શકી હોત કે કેમ એ બહુ મોટો પ્રશ્ન છે.

૨ : શશીના પાત્રનિરૂપણમાંથી વિકસતું નારીવિશ્વ

શશી ફિલ્મનું કેન્દ્ર છે. શશીના અન્ય પાત્રો સાથેના સંબંધમાંથી જેમ એક નારીવિશ્વ ઊઘડતું જણાય છે તેમ શશીના ચેતનાપ્રવાહમાંથી, સ્વ-વ્યવહાર તેમજ સ્વ-સંવાદમાંથી પણ એક નારીવિશ્વ ઊઘડે છે જે વધુ રસપ્રદ બનતું જણાય છે. ફિલ્મમાં શશીનું જેમ બાહ્યજગત ખીલે છે તેમ આંતરજગત પણ વિકસતું જાય છે. એની ભીતરનો દ્વંદ્વ એને એક તરફ પડકારે છે તો બીજી તરફ સ્વપરિવર્તનની દિશામાં આંદોલિત કરે છે. શશીના સ્વપરિવર્તનના ઘણાં સૂક્ષ્મ સ્થાનો ફિલ્મમાં વિકસે છે. આ સ્થાનો ફિલ્મના રસબિંદુઓ બને છે.

શશીનું અસ્તિત્વ ચાર બિંદુઓમાંથી વિસ્તરી એક પૂર્ણ આકાર તરીકે વિકસે છે. આ બિંદુઓને એના અસ્તિની લાક્ષણિકતાઓ તરીકે પણ ઓળખાવી શકાય. પ્રથમ લાક્ષણિકતા છે – આત્મસભાનતા. શશીને થતા અનુભવો એને સતત આત્મસભાન રાખે છે. શશી સતત આત્મવિશ્લેષણ અને આત્મમૂલ્યાંકનની માનસિક પ્રક્રિયામાં વ્યસ્ત રહે છે. ફિલ્મમાં આ પ્રક્રિયાના નિરૂપણ થકી જ ખરેખર તો આપણે શશીના ભીતરને પામી શકીએ છીએ. શશી આસપાસના વ્યક્તિઓ સાથે સંઘર્ષમાં ન જવાનો વિકલ્પ મોટા ભાગે પસંદ કરે છે માટે અન્યો સાથેના ઘર્ષણમાંથી તો એ બચી જાય છે પણ સ્વ સાથેની મથામણોને એ અવગણી શકતી નથી. આત્મ-ચર્વણાને પરિણામે શશી મુખ્યત્વે સ્વ સાથે સંઘર્ષની સ્થિતિમાં મૂકાતી જણાય છે. એ લઘુતાગ્રંથિથી પીડાય છે. સ્વની અન્યો સાથે તુલના કરી પોતાને ઘણી અલ્પ સજ્જ માની લે છે અને પરિણામે વેદના અનુભવે છે. શશી આ પ્રકારની અનુભૂતિઓને સ્વીકારી શકતી નથી અને પરિણામે અસહ્ય ભાવનાત્મક સંઘર્ષની સ્થિતિમાં જાતે જ મૂકાય છે. આત્મસંઘર્ષ - શશીની આ બીજી મહત્ત્વની લાક્ષણિકતા બને છે. શશીના સંઘર્ષની સ્થિતિનું શમન મોટા ભાગની પરિસ્થિતિઓમાં હતાશામાં પરિણમે છે. શશીને આ નકારાત્મક સંવેદનને ગળી જવાની ટેવ પડી ગઈ છે અને માટે ફિલ્મના એ તમામ સ્થાનો કે જ્યાં શશી હતાશાને ગળી જતી જોવા મળે છે – આપણા માટે પીડાદાયી બની રહે છે. શશીના પાત્ર થકી આપણને પ્રતીત થાય છે કે કઈ રીતે મહિલાઓ આત્મસમ્માનને ઓગાળીને અસ્વસ્થ કરી મૂકનારાં સમાધાનો કરી બેસે છે અને એમ ભીતરમાં સતત ભારનું વહન કરી જીવન આગળ વધારતી હોય છે. આમ, શશીની હતાશા એ એનું ત્રીજું પ્રમુખ લક્ષણ બને છે. ફિલ્મમાં કેટલાક પ્રસંગો અને સ્થાનો એવા છે જ્યાં એ આત્મમૂલ્યાંકનને પરિણામે સ્વ-સંઘર્ષની સ્થિતિમાં તો મૂકાય છે પણ રસપ્રદ બાબત એ બને છે કે એ હતાશ ન થઈને, આત્મબળથી દોરવાઈને, સ્વને ઉજાગર કરવાના સંનિષ્ઠ પ્રયત્નો કરે છે. આ દરમિયાન એને પડકારો અને અપમાનનો સામનો કરવાનો સમય આવે છે પણ એ તમામને ઓળંગી જઈને, આત્મબળના જોરે એ સફળતા હાંસલ કરે છે. શશીના આત્મબળની આપણને થતી અનુભૂતિ આ ફિલ્મમાં એની ચોથી મહત્ત્વની લાક્ષણિકતા બને છે. આ લાક્ષણિકતા જ શશીના સ્વ-વિકાસ અને સ્વ-પરિવર્તનની પ્રક્રિયાને વેગ આપનાર ઇંધણ તરીકે પુરવાર થાય છે. આ લાક્ષણિકતાઓ વિશે ક્રમશઃ થોડું વિગતે જોઈએ –

લાક્ષણિકતા : ૧ : આત્મસભાનતા

શશીની આત્મસભાનતા એ ફિલ્મમાં સાદ્યંત અને સતત ઉપસ્થિત એવું પરિમાણ છે. શશીની આત્મસભાનતાની પ્રક્રિયા ફિલ્મના પ્લોટને સંચાલિત રાખનારું અત્યંત મહત્ત્વનું પરિબળ છે. ફિલ્મને નારીકેન્દ્રી બનાવવામાં આ પરિબળ સક્રિય સિધ્ધ થાય છે. આત્મસભાન થતી શશી પ્રક્રિયાને અંતે હકારાત્મક અને નકારાત્મક – એમ બંને પ્રકારના સંવેદનો અનુભવતી જણાય છે. હકારાત્મક સંવેદનો શશીને ધબકતી રાખવામાં મોટું યોગદાન આપે છે જ્યારે નકારાત્મક સંવેદનો એક તરફ શશીના સંઘર્ષનો ચિતાર આપે છે તો બીજી તરફ સમાજની રુગ્ણ મનોદશા, પુરુષપ્રધાન સમાજની મર્યાદાઓ અને મહિલાઓની કફોડી સ્થિતિનું ચિત્રણ કરે છે.

ડાઇનિંગ ટેબલ પર અંગ્રેજી ન આવડવાને કારણે થતો લઘુતાનો અનુભવ, શાળાના શિક્ષક સાથે અંગ્રેજીમાં વાત ન કરી શકવાને કારણે અનુભવાતી અલ્પતા, કૉફી શોપમાં આત્મવિશ્વાસના અભાવે રચાતી અરાજકતા, પતિ સાથેના પ્રસંગોમાં અનુભવાતી ઓછપ અને અપમાન, સપના સાથેની ઘટનાઓમાં અનુભવાતો તિરસ્કાર અને અવહેલના ઇ. શશીને સ્વ વિશે સભાન કરનારા પ્રસંગો છે. આત્મ-ચર્વણાને કારણે એ પોતાને અલ્પ અને અકુશળ માની લે છે. જીવન વિશેની આ પ્રતીતિ એને નિરાશ કરી દે છે. લાડુના ગ્રાહકોની પ્રશસ્તિ, મનુને ત્યાં મળતી મોકળાશ અને ખુલ્લું વાતાવરણ, અંગ્રેજી શિક્ષક અને વર્ગના સહાધ્યાયીઓ દ્વારા મળતું ઉત્તેજન, રાધા અને લૉહાંનું પ્રોત્સાહન અને હૂંફ – આ બધી બાબતો શશીને સ્વ વિશે હકારાત્મક રીતે સભાન કરી પોષણ પૂરું પાડે છે.

લાક્ષણિકતા : ૨ : આત્મસંઘર્ષ

આત્મસભાનતામાંથી જન્મતાં સંવેદનો શશીને ઘણી તીવ્ર અને ક્યારેક તો અસહ્ય લાગે તેવી પ્રતીતિઓ તરફ દોરી જાય છે. સમાજ, ઘર, પતિ (પુરુષ), બાળકો – આ બધાથી લપેટાયેલી શશી સતત સ્વ સાથે ગૂંચવાયેલી રહે છે. અસ્તિત્વને વિશે કેટલાક પાયાના અને સંવેદનશીલ પ્રશ્નો એને ઘેરી વળે છે. આ પ્રશ્નોના સંતોષકારક ઉત્તરો ન મળવાને કારણે એ ભાવનાત્મક સંઘર્ષની સ્થિતિમાં મૂકાય છે. શશીનો આ સંઘર્ષ ભિન્ન સ્તરીય અને ભિન્ન રૂપોનો છે. શશીનો ફિલ્મમાં પ્રમુખપણે અનુભવાતો સંઘર્ષ જોઈએ -
  1. શશીને અંગ્રેજીની સમજ નથી. જ્યારે જ્યારે એને અંગ્રેજીમાં વ્યવહાર કરવાનું આવે છે ત્યારે પોતાની અણઆવડતને લીધે એ હીનતા અનુભવે છે અને સ્વ સાથે સંઘર્ષમાં પ્રવેશે છે. આ સંઘર્ષ વિસ્તરે છે માનવીય સંબંધો સુધી. સતીશ અને સપના સાથેના સંબંધોમાં એ ભાવનાત્મક તણાવ અનુભવે છે તેના મૂળ આ સંઘર્ષમાં પડેલાં છે. શશી આ સંઘર્ષને શરણે જવાને બદલે સજ્જ થઈ આ બાબતે સક્ષમ થવા ઇચ્છે છે. એ અંગ્રેજી શીખવાનો નિર્ધાર કરે છે અને કટિબધ્ધ રહીને એમાં સફળતા મેળવે છે. ફિલ્મને અંતે એને અંગ્રેજીમાં સફળતાપૂર્વક વાત કરતી જોઈ સતીશ અને સપના એની સાથે સમ્માનપૂર્વક વર્તે છે. સમગ્ર ફિલ્મ દરમિયાન અનુભવાતા સંઘર્ષમાંથી શશી આ રીતે મુક્ત થાય છે અને વ્યક્તિતાને ઉજાગર કરી એક નવા સોપાન તરફ પ્રયાણ કરે છે.
  2. શશી જ્યારે અમેરિકા જવું જ પડશે અને તે પણ એકલું – એમ સમજે છે ત્યારે અસમંજસની સાથે સંઘર્ષની સ્થિતિમાં મૂકાય છે. અંગ્રેજીની જાણકારીનો અભાવ, નવો દેશ, નવા લોકો અને નવી સંસ્કૃતિમાં એ કેવી રીતે ટકશે – આ પ્રશ્ન એને મૂંઝવે છે. બને છે પણ એવું જ. વિમાનયાત્રાથી જ એના પ્રશ્નો અને અથડામણો શરૂ થાય છે. એરપોર્ટથી શરૂ કરીને કૉફી શોપ સુધીના બનાવો એને સતત ગૂંગળાવ્યા કરે છે. સમાંતરે, એને મનુ અને રાધાનો સહયોગ પ્રાપ્ત થવા લાગે છે. એ પણ થોડી આત્મવિશ્વાસ કેળવીને સ્વને મદદ કરે છે અને પરિણામે ધીમે ધીમે એને ગોઠવા લાગે છે. ફિલ્મના અંત સમયે આપણે જોઈ શકીએ છીએ કે શશી વિદેશી વાતાવરણ અને સંસ્કૃતિમાં બરાબર ગોઠવાઈ ચૂકી છે અને સ્વસ્થતાથી જીવી શકે છે. આમ, એનો સાંસ્કૃતિક અને બાહ્ય કહી શકાય એવો ભાવનાત્મક સંઘર્ષ પણ સુખદાયી રીતે પૂર્ણ થતો જોઈ શકાય છે.
  3. ફિલ્મમાં ભારતીય પરંપરાગત સમાજ અને અમેરિકાનો મુક્ત વિચારસરણી ધરાવતો સમાજ સામસામે મૂકાયા છે. સાંસ્કૃતિક સંન્નિધિકરણની આ સ્થિતિ શશીના સાવ અંગત અને વિશિષ્ટ કહી શકાય એવા સંઘર્ષને યોગ્ય પશ્ચાદભૂ પૂરી પાડે છે. પતિ સાથેના સંબંધમાં જે ઊણપ અને અસંતોષ એ અનુભવે છે તેની તુષ્ટિ લૉહાં સાથેના સંબંધમાં નૈસર્ગિક રીતે થતી એને અનુભવાય છે. લૉહાં સાથે એ જે થોડીક ક્ષણો જીવે છે તેમાં એનું સ્ત્રીત્વ ખીલીને પૂર્ણતમ સ્થિતિમાં આવતું આપણે જોઈ શકીએ છીએ. ફિલ્મની આ ઉત્તમ ક્ષણો છે જ્યારે એ પૂર્ણ સુખનો અનુભવ કરતી જણાય છે. જ્યારે એ લગ્નજીવન અને સતીશના સંદર્ભમાં પાછી પ્રવેશે છે ત્યારે બંને વિરુધ્ધ મનોસ્થિતિ વચ્ચે તણાતી શશી એક વિશિષ્ટ પ્રકારનો સંઘર્ષ અનુભવે છે. અંતે, પરંપરાગત માનસધારાને વશ થતી શશી ભીતરના સાચુકલા અવાજને ઓગાળી દે છે અને પતિ તરફ પુનઃપ્રયાણ કરે છે. ફિલ્મના એક દૃશ્યમાં ભૂંસાતા ચાંદલાનું ફિલ્માંકન ખૂબ જ પ્રતીકાત્મક અને પ્રતીતિકર બને છે.
આમ, ફિલ્મમાં શશીનો આંતરિક, પારિવારિક અને સાંસ્કૃતિક સંઘર્ષ તાણાવાણાની જેમ વણાતો ચાલે છે. આ સંઘર્ષમાંથી પસાર થતી શશીના ભાવનાત્મક ઉતાર-ચઢાવનું નિરૂપણ પ્રેક્ષકોને જકડી રાખે છે.

લાક્ષણિકતા : ૩ : હતાશા

ફિલ્મમાં શશીનું આ પ્રમુખ સંવેદન છે. ફિલ્મમાં ભાગ્યે જ કોઈ એવી ઘટનાઓ બને છે જેના પરિણામે શશી હતાશા નથી અનુભવતી. સપનાના શિક્ષક સાથે સફળ વાતચીતનો નિષ્ઠાપૂર્વકના પ્રયત્નનો આનંદ અંતે દીકરી દ્વારા થતા વર્તાવથી નિરાશામાં પરિણમે છે. સતીશ તરફથી મળતા પ્રતિભાવો પણ શશીને નિરાશ કરે છે. વિદેશ વસેલી બ્હેન મનુને જોઈને એને આનંદ થાય છે પણ બીજી તરફ મનુની સરખામણીમાં પોતાની કુંઠિત સ્થિતિની અનુભૂતિ એને નિરાશ કરે છે. પારિવારિક દબાણો અને પરિસ્થિતિઓને વશ થઈ એણે સેવેલું એક માત્ર સ્વપ્ન – અંગ્રેજીની પરીક્ષા પાસ કરવાનું – એ રોળી નાખવા તૈયાર થઈ જાય છે એ પાછળ પણ એણે સંજોગોવશ અનુભવેલી ઘેરી નિરાશા જ છે. શશીનું નિરાશા પ્રત્યેનું વર્તન ધ્યાનપાત્ર છે. નિરાશાની ક્ષણે પહોંચીને, એનાથી પ્રભાવિત થઈને એ દુઃખ અનુભવે છે અને બીજી જ ક્ષણે એ દુઃખને ઓળંગીને આગળ વધે છે. સ્વાભિમાનને ઠેસ પહોંચે એવા પ્રસંગો બનવા છતાં સ્વગરિમાને જાળવી રાખતી શશી અન્યો સાથે કડવાશ વિના વર્તી શકે છે તે એના ચરિત્રની સૌથી મોટી ખાસિયત છે.

લાક્ષણિકતા : ૪ : આત્મબળ

શશીનું આત્મબળ ફિલ્મમાં સૌથી ધ્યાનાકર્ષક છે. ભારત નિવાસ દરમિયાન નાની નાની કેટલીક બાબતોમાં એનું આત્મબળ પ્રગટ થતું જણાય છે. લાડુ વહેંચવા માટે સતીશે ગાડી ન આપી પણ રિક્ષા કરીને એ લાડુ વહેંચી આવી. સપનાના શિક્ષક સાથે સ્વસ્થતાથી વાત કરવા માટે સંનિષ્ઠ પ્રયત્ન કર્યો. વિદેશ ગયા પછી શશીને એક ઓપન સોસાયટીનો અનુભવ થાય છે. નવા વાતાવરણમાં ઊભા થતા સંઘર્ષોને પહોંચી વળવા એ પ્રતિબધ્ધ બને છે અને એમાં ધીમે ધીમે સફળતા મેળવતી શશી આત્મબળના આધારે વધુને વધુ ખીલતી જાય છે. અંગ્રેજી વર્ગમાં જ્યારે શિક્ષક એને એક આગવી ઓળખ આપે છે તે પળથી એ નવપલ્લવિત થાય છે અને અનેક સમસ્યાઓ પછી પણ એ ઉત્તરોત્તર સ્વવિકાસની પ્રક્રિયામાં આગળ વધે છે. અંગત જીવનના વિશિષ્ટ કહી શકાય એવા આંતરવહેણોને પણ એ પોતાના આત્મબળે સંતુલિત કરી જીવન અને વિચારોને યોગ્ય દિશામાં આગળ ધપાવે છે. ફિલ્મને અંતે ફરીથી લાડુ બનાવવાનો નિર્ણય અને અંગ્રેજીમાં ટૂંકું વકતવ્ય કરવાનો સંકલ્પ સાકાર કરી બતાવતી શશી, એનાં આત્મબળની વિશેષ પ્રતીતિ કરાવી રહે છે.

સમાપન

કૉફી શોપમાં કડકડાટ અંગ્રેજીમાં ઑર્ડર આપવો, અંગ્રેજી વર્ગના સહાધ્યાયીઓ માટે ઇડલી લઈ જવી, મીરાના લગ્નમાં જાતે લાડુ બનાવીને મહેમાનોનું સ્વાગત કરવું, અંગ્રેજી શિક્ષકના ગૅ હોવાની વાતને સંવેદનશીલતાથી સમજવી અને સમજાવવી – આ બધી ઘટનાઓમાં શશી આત્મબળ થકી સ્વને 'Celebrate' કરતી અનુભવાય છે. ફિલ્મમાં લગ્નના અંતે શશી અંગ્રેજીમાં નાનકડી રજૂઆત કરીને સૌ માટે 'Paradigm Shift'નું કારણ બને છે. આ નાના પ્રસંગો થકી શશી સ્વને ઉજાળે છે અને અન્યોને પણ મુક્ત મને ચાહી શકે છે. દૃઢ નિર્ણયશક્તિ, આત્મ-પ્રેમ અને આત્મ-વિશ્વાસ દ્વારા શશી પોતાના અસ્તિત્વનો ઉત્સવ કરે છે. એટલું જ નહીં, આસપાસના વ્યક્તિઓના દૃષ્ટિબિંદુમાં પરિવર્તન લાવવા માટે નિમિત્તરૂપ બની નારીવાદી વિચારસરણીને પુષ્ટ કરનારી મહિલા બની ને આપણી સામે અસરકારક રીતે રજૂ થાય છે. હિંદુસ્તાન ટાઇમ્સમાં પ્રકાશિત થયેલો રિવ્યૂનો એક અંશ આ વાતને સંપૂર્ણ સમર્થન આપે છે -
“Sridevi is the hero of the film, the loving mother, yearning wife, earnest student. Without being too preachy, or overdramatised, the narrative is perfectly balanced. As writer and director Gauri Shinde’s first film, English Vinglish is remarkable, feel critics.” (Times)


Bibliography
  1. Giri, Aditi. Times of India 24 February 2021. English. 31 May 2021.
  2. Lohana, Avinash. Pinkvilla 01 March 2021. English. 31 May 2021.
  3. Times, Hindustan. Hindustan Times 04 October 2012. English. 31 May 2021.
દર્શિની દાદાવાલા