Included in the UGC-CARE list (Group B Sr. No 172)
Special Issue on Feminism
ગુજરાતના પ્રથમ નારીવાદી સાહિત્યનું સર્જન : જમનાબાઈ પંડિતાનાં લખાણો
જમનાબાઈ પંડિતાએ ૧૯મી સદીના અંતમાં એક સ્ત્રી તરીકેની ચેતના, સંવેદનશીલતાવાળા એવાં લખાણો લખ્યાં કે ગુજરાતના શાંત, સરળ સમાજ-સુધારણાના પ્રવાહોમાં ઝાંઝાવાત સર્જ્યો. સ્ત્રીઓની અવદશા અંગે જગતની અડધી વસ્તી ધરાવતા પુરુષસમાજ-પિતૃસત્તા ઉપર પ્રહારો કરનારા કદાચ તે ગુજરાતની પ્રથમ નારી હશે. વિધવા તરીકેની તેની અનુભૂતિમાંથી તેના હદયના ઊંડાણમાંથી તેની કૃતિમાં ચિત્કાર તે વ્યક્ત કરી શક્યાં. પરિણામે તેમનાં લખાણો પ્રથમ નારીવાદી સાહિત્ય તરીકે મૂલવી શકાય. પશ્વિમાત્ય નારીવાદી ઉદ્દામ અભિગમોની દ્રષ્ટિએ તોલમોલ કરીએ તો તે સાહિત્ય કદાચ ન પણ 'નારીવાદી' તરીકે મૂલવી શકાય; પરંતુ સ્ત્રીઓની સામાજિક દારુણ સ્થિતિની જડ, તેની દીર્ધદ્રષ્ટિના ઊંડાણમાંથી પકડી પાડી, બિંદાસ થઇ સમાજને પોકારી પોકારી કહેનારા અને લખનાર તે કદાચ પહેલાં બંડખોર સ્ત્રી હશે. જોકે આજ અભિગમ સાથે ગાંધીજીએ છેક ૧૯૪૨ માં Women and Social Injustice લખ્યું; પરંતુ ૧૯મી સદીના ઉત્તરાર્ધમાં સ્ત્રીઓના અધિકારોની તરફેન કરતું સ્ફોટક સાહિત્ય રચનાર જમનાબાઈ પંડિતા ગુજરાતનાં પ્રથમ નારી હતાં. જમનાબાઈની "તે પોતે એક સ્ત્રી છે." સ્ત્રી તરીકેની ઓળખ, અસ્મિતાની સભાનતા કુટુંબ-કબીલાથી બહાર સમાજિક સંદર્ભમાં રહી કરી હતી. એટલે કે પોતે પત્ની, ગૃહિણી, માતાની ચીલાચાલુ ભૂમિકાની બહાર રહી સમાજમાં સ્ત્રીનું ગૌરવ કઈ રીતે જળવાવું જોઈએ તે રીતે તેણે વિચાર્યુ છે.

જમનાબાઈ પંડિતા જામનગરનાં હતાં. તે ક્યારે જન્મ્યાં, કોણ હતાં, તેમના પતિનું શું નામ હતું ? તેમના જીવન અને કવન વિશે કોઇ માહિતી નથી; પણ તે વિદૂષી સ્ત્રી હતાં. તેમની ઉચ્ચકોટિની બુદ્ધિમત્તા, તેમનો બૌદ્ધિક અભિગમ તેમનાં લખાણોમાંથી ટપકે છે. જમનાબાઈ 'પંડિતા'ના હુલામણા નામથી ઓળખાતાં; પરંતુ તેમનાં લખાણો 7પરથી તેમના સ્થળ, કાળ, વ્યવસાય, તેમના પતિનો વ્યવસાય વગેરે માહિતી આપી શકાય છે. શા માટે જમનાબાઈ પોતાના અંગત જીવન અંગે કોઈ પણ માહિતી નથી આપતાં ? એક દ્રષ્ટિએ જોતાં એમ કહી શકાય કે પ્રાચીન સમયથી પંડિતોમાં એક પ્રથા હતી કે વિવેક વિનય ખાતર પોતાનું નામ પોતાનાં લખાણોમાં લખતા નહીં. કેટલીક વાર શિષ્ય આમન્યા ખાતર પોતે તે કૃતિનું સર્જન કર્યુ હોય છતાં પણ ગુરુનું નામ લેખક તરીકે લખતા. જમનાબાઈ પંડિતાએ પણ નમ્રતા ખાતર પોતાના અંગત જીવનની માહિતી આપવાથી વંચિત રહી છે, છતાં પણ અહીં જમનાબાઈને ઐતિહાસિક પરિપ્રેક્ષ્યમાં જોવા પ્રયાસ કર્યો છે.

જમનાબાઈ ખૂબ ભક્તિવાળાં હતાં. સૌરાષ્ટ્રની પ્રણાલિકા અનુસાર ભક્તિમાર્ગ તેમણે ખૂબ ભાવના અને ઉત્સાહથી અપનાવ્યો હતો. તેમણે ભક્તિરસથી તરબોળ ભજનો અને કાવ્યો લખ્યાં. કૃષ્ણભક્તિને તેમણે ખૂબ બિરદાવી. આ ઉપરાંત સૌથી અગત્યના તેમનાં બે પુસ્તકો છે, જે સ્ત્રીચેતનાના પ્રતીક સમા કહી શકાય. સૌપ્રથમ તેમણે સ્ત્રીધર્મ લખ્યું. સ્ત્રીની ફરજ અથવા સ્ત્રીનો સાચો ધર્મ. આ પુસ્તક ૧૮૯૧માં જામનગર તેમના વતનથી પ્રસિદ્ધ થયું. બીજું પુસ્તક સ્ત્રીપોકાર અથવા અર્ધી દુનિયા સામે લડત, જે ૧૯૦૭ માં પ્રસિદ્ધ થયું.

બે પુસ્તકો, તેમના પ્રકાશનનાં વર્ષો, ઉપરાંત બંને પુસ્તકોના વિષયવસ્તુ ઉપરથી જમનાબાઈ પંડિતાની ઐતિહાસિક પાત્રતા ઉપજાવી શકાય છે.

પંડિતા જમનાબાઈ નિ:શંકપણે સાદી, ભક્તિભાવનાવાળાં સ્ત્રી હતાં. તે ઔદિચ્ય બ્રાહ્મણ જ્ઞાતિનાં હતાં અને વૈષ્ણવ ધર્મપંથી હતાં એ તેમનાં કવ્યો અને લખાણો ઉપરથી કહી શકાય છે. તેમણે તેમની દલીલોના સમર્થનમાં ઉપનિષદ, ભાગવત ગીતા, ધર્મશાસ્ત્ર અને સંહિતા ગ્રંથોનો ઉપયોગ કર્યો છે. સ્ત્રીધર્મ પુસ્તકના છેડે મીરાંબાઈ, કર્માબાઈ, ભક્ત વિદુરજી અને તેમના પત્ની પ્રાસવીનીના ઉલ્લેખો છે. જમનાબાઈનો જન્મ આશરે ૧૮૬૦માં જામનગરમાં સૌરાષ્ટ્રમાં થયો હોવો જોઈએ. તેઓ 'જામનગરના જમનાબાઈ પંડિતા'ના હુલામણા નામથી ઓળખાતા. સૌરાષ્ટ્ર એ ગરાસિયા, કાઠી, જાડેજા, ઠકરાતોનો પ્રદેશ, મોટા પ્રમાણમાં રાજારજવાડાને લીધે સામંતશાહી પ્રથા હતી. આર્થિક રીતે પછાતપણું અને સામાજિક રૂઢિચુસ્તતા જોવા મળે. જમનાબાઈના લખાણમાં ૧૯૧૦ પછીના બનાવો જેવા કે સ્વદેશી આંદોલન, હિંદી રાષ્ટ્રીય મહાસભા, દક્ષિણ આફ્રિકાનો સત્યાગ્રહ કે રાષ્ટ્ર્વાદની કોઈ વાત જોવા મળતી નથી. હિંદી રાષ્ટ્રીય મહાસભામાં મવાળવાદી અને ઉદ્દામવાદીઓના ચરમ સીમાએ પહોંચેલા સંઘર્ષનો ઉલ્લેખ આ પંડિતા સ્ત્રી ન કરે તેવું ન બને, કારણ કે સ્ત્રીધર્મ તેમજ સ્ત્રીપોકારમાં સમાજસુધારણાને તેમણે કેન્‍દ્રમાં રાખીને બ્રિટિશ સરકારની પણ ઝાટકણી કાઢી છે કે વિધવાવિવાહનો કાયદો થઈ શકે છે પણ દ્વિસ્ત્રીયા નિષેધનો કાયદો કેમ નથી થતો ?

આમ જમનાબાઈ પંડિતાનો જીવનગાળો (૧૮૬૦-૧૯૦૮) સુધી કહી શકાય. ૧૮૬૦ માં જન્મ અંદાજવાનું કારણ જ્યારે ૧૮૯૧માં સ્ત્રીધર્મ લખ્યું ત્યારે સ્વાભાવિક રીતે સાહિત્યની કૃતિના સર્જન માટે વિચારો પરિપક્વ થયા હોવા જોઈએ. કેળવણી, વાંચન સારા પ્રમાણમાં માંગી લે છે. એટલે સ્વાભાવિક રીતે ૨૫-૩૦ વર્ષની વયે લખાણ લખાયું હોય.

'પંડિતા' એ હુલામણું નામ જમનાબાઈની બુદ્ધિમત્તા અને વિદ્વત્તા જોઈ લોકોએ આપ્યું હતું. તેઓ સંસ્કૃત, ગુજરાતી સાહિત્ય, ફિલસૂફી - દર્શનશાસ્ત્ર, અર્થશાસ્ત્ર, સમાજશાસ્ત્રમાં પારંગત હતા.

તેમનાં બે પુસ્તકો - એક સ્ત્રીધર્મ (૧૮૯૧) અને બીજું સ્ત્રીપોકાર (૧૯૦૭) એ બંને વિચારોની દ્રષ્ટિએ તદ્દન વિરોધાભાસી છે. બંને ઉત્તર, દક્ષિણ દિશા સૂચવે છે. બંનેની મુખ્ય વિચારધારા, ઉદ્દેશો, હેતુઓ, સંપૂર્ણપણે અલગ અલગ છે. સ્ત્રીધર્મ સંપૂર્ણપણે બ્રાહ્મણ સંસ્કૃતિ રજૂ કરે છે. પ્રાચીન ભારતમાં ઋગ્વેદ યુગની 'આર્યનારી', 'આર્યસન્‍નારી', 'સહધર્મચારિણી', 'ગૃહપ્રિય દેવાંગના' ની વિચારશૈલીનો પ્રચાર કરે છે; જ્યારે સ્ત્રીપોકારમાં નારીચેતના રજૂ કરે છે. છોકરીઓને સમાજમાં રહેલા અન્યાય, સ્ત્રીઓની અવદશા અને પુરુષો પ્રત્યેનો આક્રોશ રજૂ કરે છે.

તેઓ સ્ત્રીપોકારમાં લખે છે -
"....બારીકાઈથી જોઉં છું તો હદયમાં અગ્નિની જ્વાળાઓ પ્રગટ થાય છે. આંખોમાંથી અશ્રુનો પ્રવાહ છૂટે છે. ઈન્દ્રિયો શિથિલ થઈ જાય છે. હાથમાંથી કલમ પડી જાય છે. શું કરું ? ક્યાં જાઉં ? કોને કહું ? કોણ હિતકર્તા છે, કોણ અહિતકર્તા છે ? શું કરવું જોઈએ, શું વિચારવું જોઈએ ? દુ:ખિયારી ટીટોડીનો અવાજ કોણ સાંભળે ? બાપડી ! સૌ કહે અને કાપડી ના આપે કોઈ એવું બન્યું છે."
આ તેમની વેદના પતિના મૃત્યુ બાદ હતી. સ્ત્રીધર્મ 'આર્યનારી'નું પ્રતીક સમાન પુસ્તક છે. સ્ત્રીધર્મની લેખનશૈલી ગુજરાતી સાહિત્યમાં ૧૯મી સદીની શરૂઆતમાં પંડિત યુગ હતો; જેમાં સંસ્કૃત ભાષાની પદ્ધતિથી લખાતું, અલંકારો, ઉપમાઓ અને રૂપકોનો બહોળા પ્રમાણમાં ઉપયોગ થયો એ પ્રમાણે લખાયેલી છે. પંડિત શૈલીનો ઉચ્ચ ભાષાનો ઉપયોગ છે. આ પ્રથમ સાહિત્યસર્જનને જમનાબાઈએ તેના પતિને ખૂબ લાગણીસભર રીતે સમર્પિત કર્યુ છે; પરંતુ વૈષ્ણવ પદ્ધતિએ પોતાની જાતને અવગણીને પતિના નામનો ઉલ્લેખ કર્યા વગર 'સ્વામીનાથ' ને સમર્પિત લખ્યું છે. પ્રથમ મુખપૃષ્ઠ ઉપર ભવ્ય અંજલિ પોતાના પતિને આપતા લખ્યું છે.
'સ્વામીનાથને પુષ્પાંજલિ'
"મારા વિદ્યાઅભ્યાસમાં અનાડી વિચારો દૂર કરનાર, અમૂલ્ય પ્રેમ રાખનાર, અર્થશાસ્ત્રના નિયમ પ્રમાણે મારી મહેનતમાં મૂડી અને સાધનોની ખોટ પૂરી પાડનાર પત્ની તરીકે ફરજ બજાવવા એક લઘુ ગ્રંથરૂપ સોળ શૃંગારમય પુષ્પાંજલિ આપવા ચરણસરોજમાં અર્પુ છું.
આગળ ચાલતાં લખે છે,
"મને ઘટતી છૂટ અને વાજબી હક આપી એક સુજ્ઞપતિની ફરજ બજાવી અખંડ પ્રીતિ દર્શાવી છે."
કેળવાયેલી સ્ત્રી ખરેખર ગૃહજીવનમાં થાપણરૂપ છે. આશીર્વાદ સમાન છે એમ ભારપૂર્વક તેઓ કહે છે. આ ઉપરથી લાગે છે કે તેમના પતિ પણ મહાપંડિત, વિદ્વાન હોવા જોઇએ. સમાજસુધારક પણ હોવા જોઈએ. જમનાબાઈની કેળવણી વિશેષ કરીને લગ્ન બાદ થઈ હોવી જોઈએ. આમ બંને પતિ-પત્ની શિક્ષકના વ્યવસાય સાથે સંકળાયેલા હશે. બંને જામનગર સ્થિત હશે.

સ્ત્રીધર્મનો વિષયવસ્તુ જમનાબાઈના સમયના સમાજના પ્રવર્તમાન પ્રવાહોનું પ્રતિબિંબ છે. ૧૮૭૫ પછી ગુજરાતમાં સમાજસુધારણાની ઝુંબેશ શરૂ થઈ ગઈ હતી. આ સમાજસુધારણાના એટલે સ્ત્રીઓના ઉત્થાન અંગેનું આંદોલન, સ્ત્રીઓના પ્રશ્નો કેન્‍દ્રિત આંદોલન હતું. આ સમાજસુધારણાનું કેન્‍દ્રબિંદુ 'સ્ત્રી' હતી. બધા જ સ્ત્રીઓને લગતા પ્રશ્નો હતા. પછી તે સતીપ્રથા, દૂધપીતીની ચાલ હોય કે બાળલગ્નો, કન્યાવિક્રય. દહેજપ્રથા, વિધવાઓની પરિસ્થિતિનું નિર્દેશન કરતા હોય. સ્ત્રીસંબંધી સમાજિક સ્થિતિ પ્રકાશમાં લાવનાર અંગ્રેજો હતા.

અંગેજોની આકરી ટીકાઓની સમાજસુધારકો જેમાં જમનાબાઈ પંડિતાનો પણ સમાવેશ થઈ શકે, તેમનું સ્વમાન ઘવાયું. એક બાજુ બ્રિટિશ રાજ્યના સબળા પાસાં ઔદ્યોગિક ક્રાંતિ, વિજ્ઞાન અને ટેક્‍નોલોજીનો વિકાસ પણ અપનાવવો હતો. બીજી બાજુ ભારતીય સંસ્કૃતિમાં તેમનાં મૂળ હતાં. યુરોપિયન પૂર્વાત્યવાદીઓએ પણ ભારતીય સંસ્કૃતિની પ્રશંસા કરી હતી તેથી તેમને હિંદુ ધર્મ અને પૂર્વાત્ય ભારતીય સંસ્કૃતિ પશ્ચિમની ભૌતિક સંસ્કૃતિ કરતાં ચડિયાતી લાગી. ભારતીય સુધારકોએ એને પશ્ચિમ અને પૂર્વનો સુંદર સમન્‍વય કરવા પ્રયત્ન કર્યો. બાહ્ય જીવનમાં વિજ્ઞાન અને ટેક્‍નોલોજી અપનાવી આંતરિક જીવનમાં તેમની સંસ્કૃતિ, રિવાજો ચાલુ રાખ્યા અને પોતાની સંસ્કૃતિની ભવ્યતાના ખ્યાલો દ્ઢ કર્યા. ઘરમાં બ્રાહ્મણો અને ક્ષત્રિયોએ મૂલ્યનિષ્ઠ જીવન ટકાવી રાખ્યું. સ્ત્રીઓ આ ગૃહજીવનની રક્ષક ગણાઈ. આર્યસંસ્કારો ટકાવી રાખનારી સમાજનું અવિભાજ્ય અંગ ગણાયું. 'આર્યસન્‍નારી', 'ગૃહપ્રિય દેવાંગના'ના ખ્યાલો મજબૂત કરાયા અને આ વિચારોનું પ્રસારણ કરનારી પેઢી દર પેઢી માતાઓ આ ખ્યાલોનું સિંચન પોતાની પુત્રીઓને કરનારી ગણાઇ.

જમનાબાઈ સમાજસુધારકોના ખ્યાલાત્મક માળખાને પુરસ્કૃત કરનારા નીવડ્યા. જમનાબાઈ શિક્ષિકા અને બ્રાહ્મણ હતા. બ્રાહ્મણધર્મ અને મૂલ્યોને પચાવ્યા હતાં. સ્ત્રીઓ માટે ઘડાયેલી આચારસંહિતા માટે તેમને ગૌરવ અને માન હતું. છોકરીનો ઉછેર કેળવણી, સમાજ ઉપયોગી તેનું વ્યક્તિત્વ લગ્નજીવનમાં વિચ્છેદ હોઈ જ ન શકે. તન-મન-વચન-કર્મથી પત્ની પતિને વફાદાર અને પવિત્ર હોવી જોઈએ. તેનું જીવન સતીત્વમય હોવું જોઈએ. આ ખ્યાલો તેમણે સ્ત્રીધર્મમાં રજૂ કર્યા. બાલવિદ્યાર્થિનીઓ ઉપર આ સંસ્કારો વિચારો કેળવવા તેમણે પ્રયાસ કર્યો. 'લજ્જાશીલતા' ઉપર ભાર મૂક્યો. સ્ત્રીધર્મની પ્રસ્તાવનામાં તેઓ લખે છે -
"સ્ત્રીઓ પોતાની ફરજ સમજી સંસારયાત્રા સુખેથી ચલાવે, આર્યસન્‍નારીના ગુણો કેળવે, પોતાનું જીવન સફળ બનાવે, સુખી થાય તે હેતુથી પુસ્તક લખ્યું છે."
વળી શાળાના બાલિકા વર્ગને ઉપદેશ આપતા હોય તે રીતે જમનાબાઈ નોંધે છે -
"કુમારિકાએ હંમેશાં પોતાના વડીલો ઊઠે તે પહેલાં, રાત્રિના પાછલા પ્રહરમાં નિદ્રાનો ત્યાગ કરી જાગૃત થવું. ઇશ્વરનું સમરણ કરવું. અનીતિના આચરણથી અળગા થવું. મા સાથે ઘરનું કામકાજ કરાવવું. રસોઈમાં નિપુણતા પ્રાપ્ત કરવી એ સાચું શિક્ષણ છે."
સાથે સાથે જમનાબાઈએ છોકરીઓ કેળવણી લે, લખે, વાંચે, આગળ આવે, વિચારો ખીલવે, સુધારક બને, સમાજને ઉપયોગી બને એ વિચારો વ્યક્ત કર્યા છે; પણ કેળવણી પામેલી છોકરી સાસરે જાય તેને ભારોભાર શિખામણો પણ આપી છે; જેવી કે "છોકરીનો આદર્શ સાસરામાં દૂધમાં સાકર ભળે તેમ ભળી જવાનો હોવો જોઈએ. વહેલા ઊઠવું, પ્રભુનું સ્મરણ કરવું, પૂજાપાઠ કરવા, લક્ષ્મીપૂજન કરવું, સાથિયા પૂરવા, ગૃહકાર્ય કરવું. વડીલો સાસુ, સસરા, જેઠ, જેઠાણી પ્રત્યે માનભર્યુ વર્તન કરવું. પતિ પ્રત્યે પ્રેમ રાખવો, તે વિદેશ જાય ત્યારે આભુષણોનો ત્યાગ કરી સતીત્વના ખ્યાલો રાખવા."

સ્ત્રીપોકાર : પિતૃસત્તા સામેનો પડકાર

સમાજસુધારકમાંથી જમનાબાઈ લડાયક બન્યાં. બંડખોર બન્યાં અને પુરુષપ્રધાન સમાજ એ સ્ત્રીઓના અન્યાયની જડ છે, એ ભૂમિકા-વલણ સ્ત્રીપોકારમાં લીધું. ખરેખર પ્રતીક રૂપે એ સ્ત્રીનો પોકાર હતો. સ્ત્રીપોકારની પ્રસ્તાવનામાં જ લખે છે -
"સ્ત્રીઓની દશા જન્મટીમ પામેલા કેદી જેવી છે. તે છુટવાના અનેક વિચારો, કલ્પનાઓ કરે પણ સઘળું નિરર્થક છે. જ્યાં સુધી કેદમાં પૂરનાર રાજાના જુલમી વિચારો બદલાઈ શુદ્ધ થતા નથી, સ્ત્રીની આયુષ્યની રેખા સમાપ્ત ન થાય ત્યાં સુધી તેને સબડવાનું રહે છે. સ્ત્રીની સ્વતંત્રતા ઉપર કુહાડો મારનાર પુરુષો જ છે."
આગળ ચાલતાં ઉમેરે છે,
"આ પુસ્તક લખવામાં મને કોઈની નિંદા કે વગોવણી કરવાનો હેતુ નથી; પરંતુ મને વિચારો યોગ્ય લાગ્યા છે તે ખુલ્લે રીતે પ્રમાણિકપણે વ્યક્ત કર્યા છે, કારણ આ સ્ત્રીઓના હકની લડત છે. પોતાને સ્વતંત્ર માનતા કેટલા પુરુષો મારા પર ક્રોધે ભરાશે, પણ સઘળું સહન કરી સત્ય રજૂઆત કરવા પ્રયાસ કર્યો છે."
જમનાબાઈએ કદાચ ૧૯મી સદીના ઉત્તરાર્ધમાં સ્ત્રી તરીકેની ઓળખ, અસ્મિતાની વાત કરનાર પ્રથમ સ્ત્રી હતાં. કુટુંબ અને સગાંવહાલાંના સંદર્ભમાં સ્ત્રીઓની નિશ્ચિત ભૂમિકાના ઢાંચામાં જ સમાજસુધારકો વિચારતા આવ્યા છે. સ્ત્રીને હંમેશાં પિતા-માતા, પતિ, પોતાનાં બાળકોના સંબંધમાં જોવામાં આવી છે, પણ ક્યારેય સ્ત્રીને પોતાનું આગવું સ્વતંત્ર અસ્તિત્વ હોઈ શકે એ બાબત અંગે વિચારાયું નથી. જમનાબાઈ પ્રણાલિકાત જન્મથી સ્ત્રીપુરુષના લિંગભેદને સ્વીકારે છે; પણ પુરુષ અને સ્ત્રીની ભેદરેખા સંસ્કૃતિ, પ્રણાલિકા, ધર્મ, સમાજ, રાજ્ય, ઐતિહાસિક ઘટનાઓ દોરે છે તે સ્વીકાર્ય નથી. તે એમ દ્રઢપણે માને છે કે સ્ત્રીપુરુષ વચ્ચેનાં ભેદ સમાજે નક્કી કર્યા છે. તેથી તે સુંદર રીતે તેના પુસ્તકના પ્રકરણ સ્વતંત્ર વિચારમાં નોંધે છે,
"એ આશ્ચર્યની વાત છે કે સંસાર સુધારો, સ્ત્રી કેળવણીનો ફેલાવો, નાતવરા, બાળવિવાહ વિશેનાં લખાણોનો નિર્દેશ કરતા રોજનાં રોજ પુસ્તકો, ચોપાનિયાં, વર્તમાનપત્રો જથ્થાબંધ બહાર પડે છે."
આગળ ચાલતાં નોંધે છે,
"પરંતુ પ્રશ્ન એ થાય છે કે કેમ કોઈ સ્ત્રીઓની પરાધીનતા હંમેશની પરતંત્રતા અને તેને દૂર કરવાના ઉપાયો વિશે લખતું નથી ? શું સ્ત્રીકેળવણી એ જ માત્ર ઉપાય છે ? કે પુરુષો તેની પરતંત્રતાની જડમાં છે એમ કોઈ નહીં વિચારે ? હવે સ્ત્રીઓની પરાધીનતાની પરાકષ્ઠા આવી ગઈ છે."
જમનાબાઈ બુદ્ધિશાળી સ્ત્રીઓને આગળ આવી પોતાના વિચારો હિંમતભેર રજૂ કરવા આહ્‍વાન આપે છે. તે બહેનોને ઉદ્દેશી સમજાવે છે, એક શિક્ષિકાની અદાથી કહે છે -
"હે બહેનો ! તમે સમજો, સ્ત્રીજાતિને સ્વતંત્રતાના લાભથી વંચિત રાખનાર પુરુષજાતિ જ છે. પુરુષોએ જ સ્ત્રીઓને વંચિત કરી. સ્વાર્થી, લંપટ પુરુષજાતિ સ્ત્રીજાતિની નિંદા કરતા થાકતો નથી. સ્લોકો બોલી દુર્ગુણો ગણાવે છે. કજિયાળી, કુભારજા, સ્ત્રીની બુદ્ધિ પગની પાનીએ વગેરે વાતો સ્ત્રીઓ અંગે કરી સ્ત્રીની અવદશા કરી છે. સ્ત્રી આ અન્યાય કયાં સુધી સહ્શે ?"
જમનાબાઈ અહીં બળવાખોર બને છે. બીજુ બાજુ પુરુષોને કહે છે કે, "તમે લોકો સ્ત્રીમાં રહેલી શક્તિને પહેચાનો, કયાં સુધી અબળા અબળા કહી દબાવી રાખશો ? એને સબળા ક્યારે થવા દેશો ? જો સ્ત્રીની શક્તિઓને બહાર લાવી ઉત્તેજિત કરાય તો ખરેખર કુટુંબ, સમાજ, દેશનો વિકાસ થાય છે." આ મુદ્દાને દોહરાવવા માટે જમનાબાઈએ સ્ત્રીશક્તિનું સુંદર નિરૂપણ કરવા માટે વાણિયો અને ચાર વહુઓ જેમાં નાની વહુ કેટલી ચબરાક હતી તેની વાર્તા લખી છે. એક વાર્તા બાદશાહ કબાદ, બેગમ દિલારામની વાર્તા લખી છે.

લાંબી પ્રસ્તાવના બાદ જમનાબાઈએ સ્ત્રીપોકારના કહેવાના વિષયવસ્તુ માટે નવા માધ્યમનો ઉપયોગ કર્યો. ન તો વાર્તા રૂપે, કાવ્ય દ્વારા, નિબંધ દ્વારા રજૂઆત કરી પણ માધ્યમ તરીકે નાટક અને થિયેટરનો ઉપયોગ કર્યો. તેમનો મુખ્ય હેતુ પુરુષોને સ્ત્રીઓની સમસ્યા અંગે જાગૃત કરવાનો હતો. ત્યારે બીજી બાજુ સ્ત્રીઓને તેમની સામાજિક ચેતના જાગૃત કરવા ઉપર ભાર મૂક્યો. સ્ત્રીઓએ પોતે જ પોતાનો ન્યાય મેળવવા પ્રયત્ન કરવો અને કેળવણી પ્રાપ્ત કરવી. જેથી મુક્તિના દ્વાર ખૂલે છે તેવી હૈયાધારણા આપે છે.

આ ગંભીર વિષય તેમણે નાટ્ય સ્વરૂપે રજૂ કર્યો. જમનાબાઈ ખાસ કરીને હિંદુઓની કાલ્પનિક કથા (mythology) ના પ્રખ્યાત બે પાત્રો પસંદ કરે છે : એક, સરસ્વતી જે જ્ઞાનનાં દેવી છે અને બીજું પાત્ર શુકદેવ (Parrot god), જે વ્યાસમુનિ ઋગ્વેદના રચનારના પુત્ર હતા. શુકદેવ એ મહાન વિદ્વાન હતા અને ભાગવત અને ઉપનિષદના નિષ્ણાત હતા. તે સંસ્કૃત ભાષાના પ્રખર જ્ઞાની હતા અને વાદવિવાદમાં તે ચડિયાતા હતા. હકીકતમાં સરસ્વતી એ સ્ત્રી જગતનુટ પ્રતીક છે અને શુકદેવ એ પિતૃપ્રધાન સમાજ અને પિતૃસત્તાનું પ્રતીક છે. વાસ્તવમાં જમનાબાઈના સ્ત્રીની અસ્મિતા અંગેના વિચારો સરસ્વતી દ્વારા રજૂ કરે છે. સરસ્વતી એ જમનાબાઈનું મુખપાત્ર છે. જમનાબાઈને સ્ત્રીની બુદ્ધિમત્તા ચડિયાતાપણામાં એટલો વિશ્વાસ છે કે સરસ્વતીને શુકદેવ સાથેના વાદવિવાદમાં વિજયી બતાવે છે. સરસ્વતી અને શુકદેવ વચ્ચેનો વાર્તાલાપ સંવાદના સ્વરૂપે છે.

શુકદેવ : પુરુષ પક્ષ તરફથી વાદવિવાદ કરતી સ્ત્રીઓ અંગેનો પ્રચલિત વિચારો ભારપૂર્વક રજૂ કરે છે. તે નીચેની ભૂમિકા લે છે અને દલીલો કરે છે.
  1. સ્ત્રી અબળા છે. તેને તેના જીવનકાળ દરમિયાન પુરુષોના રક્ષણની જરૂર છે. બાલ્યાવસ્થામાં પિતા, યુવાવસ્થામાં પતિ અને વૃદ્ધાવસ્થામાં પુત્રના રક્ષણ હેઠળ તેનું જીવન સમાયેલું છે. તે સ્વતંત્રતા ભોગવવાલાયક નથી, સ્ત્રી ઉપર પુરુષોનો અંકુશ અને નિયંત્રણ હોવું જોઈએ.
  2. સ્ત્રી ચંચળ સ્વભાવની છે. જીવનના ઊંચા ખ્યાલો તેની પાસે નથી. દુન્યવી ચીજવસ્તુ, આભૂષણોના મોહમાંથી છૂટતી નથી. નિંદા, અદેખાઈમાં રાચે છે. શુકદેવ કહે છે : "વિદ્વાન માણસે સ્ત્રી અને મૂર્ખ સાથે વાદવિવાદ ન કરવો જોઈએ. સ્ત્રીનો વાદવિવાદ કેમ ચલાવી શકાય ? એક અબળા સાથે વાદવિવાદ કરી હું મારી પદવીને હલકી પાડવા ઈચ્છતો નથી."
  3. 'ગૃહિણી ગૃહમ્‍ ઉચ્ચતે' સ્ત્રી ઘરમાં જ શોભે. સ્ત્રીની મુખ્ય અદા માતા, પત્ની, પુત્રી તરીકેની છે. તેના જીવનનું કેન્‍દ્ર કુટુંબ અને ઘરસંસાર છે.
  4. સ્ત્રીએ આર્યનારીત્વ ખીલવવાનું છે. ભારતીય સંસ્કૃતિના રક્ષક બનવાનું છે. ધર્મનું આચરણ કરવું, પ્રણાલિકાઓને આગળ ધપાવવાનું કાર્ય સ્ત્રીનું છે.
  5. સ્ત્રીએ બ્રાહ્મણ ક્ષત્રિય મૂલ્યોની આચારસંહિતા અમલમાં મૂકવી જ જોઈએ. પુરુષને તન, મન, કર્મથી વફાદાર રહેવું જોઈએ. તેને માટે પતિવ્રતા ધર્મ જ ઉમદા છે.
સરસ્વતી : શુકદેવે રજૂ કરેલી બધી જ દલીલો સામે તર્કબદ્ધ, ધર્મશાસ્ત્રોનો આશરો લઈ જવાબ આપે છે. સ્ત્રીઓના અધિકારોની વાત રજૂ કરે છે. સ્ત્રીઓ અબળા નહીં પણ શક્તિ સ્વરૂપે છે. શુકદેવની એક એક દલીલનો કરારો જવાબ આપે છે. હકીકતમાં જગત સમક્ષ સરસ્વતી સ્ત્રીઓનો પોકાર કરે છે. સરસ્વતીનો વાદવિવાદ શુકદેવ સાથે એટલો તો સ્વાભાવિક અને સરળ છે કે ગળે વાત કોઈને પણ ઊતરી જાય. તે પડકાર ફેંકે છે કે તેની દલીલોમાં વજૂદ ના હોય તો પુરવાર કરી આપો કે આ બાબતો ખોટી છે. નહિ તો પુરુષોની વિદ્વત્તા માટે કલંક છે. તે નીચે પ્રમાણે રજૂઆત કરે છે,
  1. સ્ત્રી સબળા કે અબળા એવી વ્યાખ્યા પુરુષોએ કરી છે. સ્ત્રીની આચારસંહિતા પુરુષોએ પોતાના લાભાર્થે રચી છે. એ હકીકત છે કે સ્ત્રી અને પુરુષના લિંગભેદ કુદરતી છે; પરંતુ આ કુદરતી ભેદનો પુરુષોએ લાભ લઈ સ્ત્રીને પછાત, નબળી જાહેર કરી એનું જીવન ગૃહકાર્ય પૂરતું સીમિત રાખ્યું. જો સ્ત્રી અશક્તિમાન હોય તો જગતમાં મહાન સ્ત્રીઓ એક એક ક્ષેત્રમાં થઈ છે. સફળ રાજ્યકર્તા રાણીઓ થઈ વહીવટીતંત્ર પણ સુંદર ચલાવી શકે છે, તે યોદ્ધા પણ બની શકે છે. બહાદૂર રાજપૂતાણીઓની રસકથાઓથી ઇતિહાસ ભરપૂર છે.
  2. શુકદેવની શાસ્તાર્થ દલીલોનો વળતો જવાબ આપતા, સ્મૃતિ અને સંહિતા ગ્રંથોની ટીકા કરે છે. આખરે આ સાહિત્ય પુરુષો દ્વારા સર્જાયું છે. સ્ત્રીઓના અધિકારો અને સ્વતંત્રતા ઉપર શીધી તરાપ મારવામાં આવી છે. નારી નરકનું દ્વાર શા માટે ? પુરુષોને જન્મ આપનારી પણ સ્ત્રી છે તો શું પુરુષોને નરકનો સ્પર્શ નહી ?
  3. સ્ત્રી અને પુરુષનું સર્જન ઈશ્વરે કર્યુ છે. સૃષ્ટિ ઈશ્વરે બનાવી છે. બંનેને સમાજ અધિકાર બક્ષ્યા છે. સ્ત્રીપુરુષની ભેદરેખા માનવસર્જિત છે. કાળધર્મ, સમાજ સર્જિત છે. શા માટે પુરુષ અને સ્ત્રીના માપદંડો જુદા જુદા છે. પુરુષે પણ એકપત્નીવ્રત પાળવું જોઈએ, પત્નીને વફાદાર રહેવું જોઈએ અને કુટુંબને ઊંચે લાવવાનો પ્રયાસ કરવો જોઈએ.
  4. સ્ત્રીઓએ કેળવણી લેવી જ જોઈએ. પોતાના વિકાસની ઊજળી તકો તેને પોતે પણ ઊભી કરવાની છે. સમાજ ને દેશ પ્રત્યે તેણે ઋણ ફીટવાનું છે. ગૃહકાર્યથી બહાર નીકળી સમાજ-ઉપયોગી કામો સ્ત્રીઓએ પણ કરવા હતા.
આમ નારીવાદી અભિગમ ધરાવતી ૧૯મી સદીના ઉત્તરાર્ધમાં લખાયેલી આ પ્રથમ પુસ્તિકા છે. જો કે તેનું પ્રકાશન ૨૦મી સદીની શરૂઆતમાં થયેલું છે. જમનાબાઈ બંડખોર હતા, પણ ક્રાંતિકારી ના કહી શકાય. કારણ પ્રાચીન પ્રણાલિકાગત રૂઢિગત સમાજ અને આધુનિક પશ્ચિમાત્ય સંસ્કૃતિની અસર વચ્ચેની તેમની ભૂમિકા હતી. એક Pace Setter હતા. છતાં પણ કહી શકાય કે તેમની ચાલનો ફલક આધુનિકતા તરફી હતો. નારીઓના આર્થિક સ્વાતંત્ર્યની કે સ્ત્રીઓના રાજકીય અધિકારોની વાત નથી કરી. ' સ્ત્રીઓની સ્વાતંત્ર્યતા' એટલે અહીં આચારસંહિતા જે ઠોકી દેવાઈ છે તેમાંથી મુક્તિ - મોકળાશ - ઘરના ઉમરાની અહારનું જીવન, બાહ્ય હવામાં લેવાનો શ્વાસોચ્છ્‍વાસની વાત કરી છે. સ્ત્રી-પુરુષની સમાનતા પણ સ્ત્રીઓને વિકાસ મળવાની તક ઊભી થવી જોઈએ તે તરફ અંગુલિનિર્દેશન છે. જમનાબાઈની ડિકશનરીમાં સમાનતાનો અર્થ ગૃહકાર્યની જંજીરમાંથી મુક્તિ અને જાહેર જીવનમાં સ્ત્રીઓનો પ્રવેશ હોવો એટલો જ મર્યાદિત હતો. સ્ત્રીઓના મતાધિકારનું આંદોલન ભારતમાં ૧૯૧૬ થી હોમરૂલ આંદોલનથી આવ્યું.

જમનાબાઈએ 'આર્યનારી' અને 'આધુનિક નારી'ની વચગાળાની ભૂમિકા નિભાવી. સ્ત્રીઓને તેમની અસ્મિતા ચેતનાનો વિભાવના માટે જાગૃતિ માટેનો ડાંડિયાની માફક હુંકારો કર્યો. વળી જમનાબાઈની વાતોનો સાર પિતૃસત્તા અને પુરુષપ્રધાન સમાજને ઉદાર દ્રષ્ટિબિંદુ કેળવવાની તાતી જરૂરિયાત છે એ બાબત પર ભાર મૂક્યો. પિતૃસત્તાને નરમ બનાવાની દિશા પ્રત્યે અંગુલિનિર્દેશન છે.

સંદર્ભ ગ્રંથસૂચિ
  1. જમનાબાઈ પંડિતા, સ્ત્રીધર્મ (જામનગર, ૧૯૮૧), પાના ૧-૯૦
  2. જમનાબાઈ પંડિતા, સ્ત્રીપોકાર અથવા અર્ધી દુનિયા સામે લડત (ગુજરાત વર્નાક્યુલર સોસાયટી, અમદાવાદ, ૧૯૦૭), પાના ૧-૧૧૮
  3. બુદ્ધિપ્રકાશ (ગુજરાત વર્નાક્યુલર સોસાયટી, અમદાવાદ, માર્ચ ૧૯૦૭), પા. ૭
શાસ્ત્રી ડિમ્પલબહેન વિનોદચંદ્ર, બી/૧૨, મહાલક્ષ્મી નગર સોસાયટી, પાદરા, જી. વડોદરા. પીન નં. ૩૯૧૪૪૦