Included in the UGC-CARE list (Group B Sr. No 172)
Special Issue on Feminism
વિદ્યાગૌરી નીલકંઠનાં પુસ્તક ‘ફોરમ’નું પ્રકરણ ‘મારું બાળપણ’ : એક ઐતિહાસિક દસ્તાવેજ
ટૂંકસાર :

ગુજરાતમાં સ્વતંત્રતા પહેલા બ્રિટિશ કાળમાં સ્ત્રીઓ માટે અલગ શાળાઓ હતી. ગાંધીજીના સ્ત્રી વિષયક પુસ્તકમાં પણ કુમાર અને કન્યા માટે અલગ-અલગ અભ્યાસ-શાળાઓની વાતને પુષ્ઠિ મળે છે. આ સમય દરમિયાન કન્યા શાળાઓ પ્રાથમિક અને માધ્યમિક કક્ષા સુધી મોટેભાગે સિમિત (મર્યાદિત) હતી. આ પરિસ્થિતિમાં ગુજરાતના અમદાવાદમાં રહેતા સાક્ષર પરિવારની બે દીકરીઓ મેટ્રિકની પરીક્ષામાં ઉત્તીર્ણ થઈ સ્નાતક કક્ષાનું ભણતર પ્રાપ્ત કરે એ સહજ ન કહેવાય. આ સમયની સામાજિક સ્થિતિમાં કન્યાના લગ્ન તેની ઉંમરના બાર વર્ષ પહેલા થઈ જતાં અને ગૃહસ્થાશ્રમની જવાબદારીથી લદાયેલી સ્ત્રીઓ ભણતર પર ધ્યાન આપી શકતી ન હતી, તેથી અધૂરો અભ્યાસ કે શિક્ષણ મેળવી અડધેથી છોડી દેવાની કે શિક્ષણ ન મેળવવાની વૃત્તિ સ્ત્રીઓમાં સામાન્ય બાબત હતી. આ સમયમાં નાની ઉંમરમાં લગ્ન થઈ ગયા હોવા છતાં વિદ્યાગૌરી નીલકંઠે શિક્ષણ પ્રાપ્ત કર્યું અને ગુજરાતની પ્રથમ મહિલા સ્નાતક પણ બન્યાં. આ જમાનામાં માતા-પિતા અને પતિનો શિક્ષણ પ્રાપ્ત કરવામાં સાથ મળવો એ સૌભાગ્ય હતું, પરંતુ શિક્ષણ મેળવવા માટેના પ્રયત્ન અને મહેનત તો તેમણે જ કરવાની હતી. મેટ્રિક પછી સ્નાતકની પદવી પ્રાપ્ત કરવામાં તેમને આઠ વર્ષ થયાં, પરંતુ તેમણે વિશ્વાસ અને ઉમ્મીદ સાથે જે શિક્ષણ પ્રાપ્ત કરવાની હિંમત દાખવી તે ઘટના ઇતિહાસ બની ગઈ. ઉપરોક્ત વિવરણ દ્વારા તત્કાલીન સામાજિક વ્યવસ્થા અને તેમાં સ્ત્રીઓની સ્થિતિ વિશેનો આછોપાતળો ખ્યાલ આવી જાય છે. જો આ પરિસ્થિતિ તે સમય દરમિયાન સામાન્ય ગણીએ તો સ્ત્રીઓનું લખાણ આપણને પ્રાપ્ત થાય એ સ્વપ્નદર્શન સમાન લેખાય. તેમનો અવાજ સાહિત્ય કે શિક્ષણમાં ગૂંજે એવી કોઈ ભૂમિકાની આશા રાખવી ઠગારી જ નીવડે. આ સમયમાં વિદ્યાગૌરી નીલકંઠ શિક્ષણ પણ પ્રાપ્ત કરે છે અને તેમનું લેખનકાર્યમાં પણ યોગદાન આપવું તે પણ સિદ્ધિદાયક ગણાય. સાક્ષર સ્ત્રીઓ આ રીતે જ્યારે પોતાના જીવનની વાતો લખતી હોય ત્યારે પોતાના જીવન અને ફક્ત ઘર-પરિવાર અંતરંગ ઘટના અને પ્રસંગો ઉપરાંત તત્કાલીન સામાજિક સ્થિતિનો દસ્તાવેજ પણ આપતી હોય છે. અહીં વિદ્યાગૌરી નીલકંઠના પુસ્તક ‘ફોરમ’માં તેઓ તેમના જીવનમાં મહત્ત્વપૂર્ણ સ્થાન ધરાવતા વ્યક્તિઓના ચરિત્ર આપે છે. તેમાં તેઓ તે વ્યક્તિવિષયક લેખો અને સ્મૃતિચિત્રોના માધ્યમે વ્યક્તિ પરિચય કરાવે છે. આ પુસ્તકનું પહેલું પ્રકરણ તેમની બાળપણની સ્મૃતિઓ વિષયક છે, જેમાં ‘મારું બાળપણ’માં તેમના બાળપણ ઉપરાંત તત્કાલીન સમાજ, લોકો અને તેમની જીવનશૈલીનું એક દસ્તાવેજી ચિત્ર આપણને મળે છે. આ અભ્યાસમાં ફક્ત આ ‘મારું બાળપણ’ એકમમાં વિદ્યાગૌરી નીલકંઠની કલમે દોરાયેલ બાળપણ, અમદાવાદનું ભૌગોલિક, સામાજિક, લોકોની રહેણીકરણી વિષયક આલેખનની સમીક્ષા કરવાનો ઉદ્દેશ છે.

ચાવીરૂપ શબ્દો : વિદ્યાગૌરી, નીલકંઠ, ગુજરાત, સ્નાતક, ફોરમ, સમાજ, શિક્ષણ

પ્રસ્તાવના :

ગુજરાતના પ્રથમ મહિલા સ્નાતક અને મહિલા સાક્ષર, સમાજ સેવિકા તથા શિક્ષણક્ષેત્રમાં જેમનું યોગદાન મહત્ત્વનું છે તે વિદ્યાગૌરી નીલકંઠને ગુજરાત વિદ્યાસભા દ્વારા તેમના પ્રકાશિત થયેલા અને લખાયેલા લેખોનાં પ્રકાશન માટે આમંત્રિત કરવામાં આવ્યાં હતાં. આ યોજના અંતર્ગત વિદ્યાગૌરીનું ‘ફોરમ’ નામે પ્રથમ પુસ્તક પ્રકાશિત થયું. તેમના દ્વારા સમયાંતરે લખાયેલાં અને સામાયિકોમાં પ્રકાશિત થયેલા લેખોમાં તેમણે તે સમયના પ્રસિદ્ધ વ્યક્તિઓના શબ્દચિત્ર પ્રસ્તુત કર્યા હતાં, જે નવી પેઢીને તત્કાલીન સમાજથી અને તે સમયના પ્રખ્યાત વ્યક્તિઓનો પરિચય કરવાના ઉદ્દેશ સાથે આ પુસ્તકનું પ્રકાશન થયું. આ પુસ્તકનું પ્રથમ પ્રકરણ જ તેમના બાળપણ વિશે છે. પછીના બધા પ્રકરણમાં તે સમયના પ્રખ્યાત વ્યક્તિઓના લેખ અને સ્મૃતિચિત્રો પોતાનાં દૃષ્ટિકોણથી આલેખ્યાં છે. અહીં આપણે તેમનાં બાળપણના શબ્દચિત્રથી પરિચિત થઈશું.

‘મારું બાળપણ’ - એક પરિચય :

આ પ્રકરણની શરૂઆતમાં જ વિદ્યાગૌરી પોતાનો પરિચય આપતાં કહે છે, ‘મારું નામ વિદ્યાબહેન નીલકંઠ. મારો જન્મ અમદાવાદમાં જ થયેલો એટલે મારા નાનપણના દિવસો અમદાવાદમાં જ વીતેલા.’ (પૃ.૩) અહીં વિદ્યાબહેન પોતાના જન્મ વિશે બીજી કોઈ વિગતો એટલે કે વર્ષ, તિથિ, તારીખ, માતા-પિતા વિશે કંઈ ન કહેતા અમદાવાદની સ્થળ વિષયક ભૂમિકા બાંધી તેને મહત્ત્વ આપે છે. તેમણે તત્કાલીન અમદાવાદનું ચિત્ર આપતાં કહ્યું છે કે, ‘શહેરની વસ્તી માંડ પોણો લાખ હશે. શહેરના કોટ બહાર થોડાં જ મકાનો હસ્તીમાં હતાં. શાહીબાગ અને કાંપ. કાંપમાં તો લશ્કર અને તેના અમલદારો તથા થોડા બીજા ગોરા અમલદારો રહે. શાહીબાગમાં કમિશ્નરનો બંગલો શાહીબાગ જે કહેવાય છે અને જેના પરથી એ વિસ્તારનું નામ છે તે અને જૂજ બીજાં રહેઠાણ હતાં.’ (પૃ.૩) પછી તેઓ નદીપારના આગાખાનના બંગલાની વાત અને વર્ણન કરતાં જણાય છે. અહીં અમદાવાદની ભૌગોલિક સ્થિતિ અને સ્થળ-કાળનો પરિચય મળે છે.

વિદ્યાગૌરીબહેન તે સમયના શ્રીમંતોના ઘરની જીવનશૈલી વાત કરતા કહે છે કે, તે સમયે ગણ્યાગાંઠ્યા શ્રીમંતોને ત્યાં બળદગાડી અને ઘોડાગાડી હતી. તે સમયે અમદાવાદમાં વીજળીના દીવા હતા નહીં. લોકો દિવેલનાં કોડિયાં, કંદીલ-કાચના ગ્લાસ તથા શ્રીમંતોને ત્યાં મીણબત્તી મળતી. એ પછી આજના દિવાસળીના સ્થાને ગંધક લગાડેલા સાંઠા વપરાતા. અહીં શ્રીમંત લોકોથી સામાન્ય લોકો સુધીમાં તે સમયમાં અમદાવાદના ટૅકનૉલૉજી વિકાસની ધીમી ગતિ અનુભવાય છે.

ઐતિહાસિક સાલવારી આપતા ૧૮૯૦માં અમદાવાદમાં પાણીના નળ આવ્યા. તે પહેલા કૂવામાંથી નાહવાનું-ધોવાનું પાણી અને ટાંકામાંથી પીવાનું પાણી વપરાતું. અહીં તો જૂના સમયમાં વપરાતા ટાંકાની બાંધણી, તેમાં પાણીનો થતો ભરાવો, શુદ્ધિકરણ વ્યવસ્થા, વરસાદનું પાણી ભરવાની અને સ્વચ્છ પાણી મેળવવાની પ્રયુક્તિઓનો ઉલ્લેખ કરે છે, સાથે સફાઈ વિશે જાગૃતિ ના હોવાની વાત પણ તેઓ જણાવે છે.

સ્મૃતિના આધારે આ પ્રકરણ લખાયેલું હોવાથી તે સમયમાં ઘરે ઘરે ચાલતા રેંટિયા કપાસની પૂણીઓમાંથી બનાવાતા સૂતર વાત યાદ કરે છે તો બીજી તરફ બરફી પેંડા દ્વારા જલેબી જેવી ઘરેલું બનાવટની મિઠાઈ કંદોઈને ત્યાં મળતી સાથે કે સેવ-ગાંઠિયા-મમરાની જૂજ દુકાનો હોવાની વાત શબ્દબદ્ધ કરે છે. ઋતુના અને કેરી-કેળાં-દાડમ જેવાં ફળફળાદિ વગેરે વસ્તુઓ વેચવા આસપાસના ગામથી બાઈઓ આવતી જે પૈસાના બદલે અનાજ લેતી. આ ઉલ્લેખો દ્વારા વસ્તુ વિનિમયની પ્રથાના પ્રચલનનો શાબ્દિક દસ્તાવેજ મળે છે. તે સમયમાં અમદાવાદમાં મોટેભાગે ગામઠી શાળાઓ હતી, આ સાથે મ્યુનિસિપલ પ્રાથમિક શાળાઓ પણ શરૂ કરવામાં આવી અને ખાનગી નિશાળો બે જ હતી. વિદ્યા મેળવવાની અમદાવાદની સ્થિતિ વિશેનો પરિચય આ આલેખનમાં મળે છે બીજી તરફ અમદાવાદની સોંઘવારીની વાત કરી દૂધમાં પાણીની થતી મિલાવટ પર વ્યંગ પણ કરે છે. ત્યારબાદ અમદાવાદની પોળ સંસ્કૃતિની વાત કરતા કહે છે કે, ‘પોળે પોળે ને ચકલે ચકલે માણભટ્ટની કથાઓ થતી. રામાયણ મહાભારત વગેરે કહેવાતાં. મહાભારત એ રીતે મેં સાંભળેલું. રાત્રે નવથી બાર એક લગી કથાઓ કહેવાતી.’ (પૃ.પ) આમ, અમદાવાદની ભૌગોલિક સ્થળ-કાળ-સમયની માહિતી તથા જનતાની રહેણેકરણીનો પરિચય તે સમયના ચલણમાં વપરાતા શબ્દો દ્વારા આપે છે.

અમદાવાદ વિશેની આ બાહ્ય માહિતીઓ અને જીવનશૈલીનો પરિચય આપ્યાં પછી હવે વિદ્યાબહેન પોતાના જીવન વિશે કહેવાનું શરૂ કરે છે. ‘મારું બાળપણ મારા મોસાળમા ઘણેભાગે વીતેલું. સ્વા.રા.બ. ભોળાનાથ સારાભાઈ તે મારા માતામહ થાય.’ (પૃ.પ) તેમની લાખા પટેલની પોળની સાંકડી શેરીમાં બે હવેલી હતી, ત્યાં દરરોજ ત્રીસ-ચાળીસ માણસ રસોડે જમતા; તેમાં દસ-બાર કે તેથી વધારે બાળકો એકઠાં હતાં. તેમના ઘરના બાળકો અને પાડોશના બાળકો મળી રમતો રમતાં, ઘરે ત્રણ ઘોડા, ત્રણ ગાડીઓ અને ત્રણ ગાડીવાન હોવા છતાં છોકરાઓ બધી ઋતુમાં ચાલતાં જ નિશાળે જવાનું, છતાં એ નાનું શહેર અને ઓછી વસ્તીમાં પણ હર્યુંભર્યું લાગતું. ગાડી તો માતામહ સાજે ફરવા જાય ત્યારે જ નીકળતી ત્યાં સુધી ઘોડા અને ગાડીવાળા ઘરે બંને ઘરે બેસી રહેતા. આ ગાડીઓમાં જ્યારે સ્ત્રી વર્ગ બેસે ત્યારે ગાડીના પડદા ઢાંકી દેવામાં આવતા. આ ઉપરાંત બળદ ગાડી પણ હતી અને વખત જતા હાથે હાંકવાની ડૉગકાર્ટ પણ ઉમેરાય. જેમાં વડીલો ફક્કડ ડૉગકાર્ટો ફડકાવતા. જો કે ઘોડેસવારીનું ચલણ અમદાવાદમાં વધુ નહોતું. આ જાહોજલાલીના વર્ણન બાદ છોકરાઓ નિશાળેથી ઘરે આવતા તો ઢાંકેલું ખાવાનો ચીલો પડ્યો હતો. કન્યાઓ અને સ્ત્રીઓ પોતાના કપડાં જાતે ધોતાં જ્યારે પુરુષ વર્ગના કપડાં સેવક વર્ગ દ્વારા કૂવાના ખારા પાણીમાં નહીં પણ નદીએ ધોવા જતા. ત્યારબાદ લગ્ન, વરઘોડા, જમણવારની કેટલીક બાબતોની નોંધ કરી, ‘લૂગડાં’ એટલે કે કપડાં-વસ્ત્રોની માહિતી આપે છે. આઝાદ ભારત પહેલાંની સ્થિતિ વર્ણવતાં વિદ્યાબહેન કહે છે કે, વિલાયતી કપડાં ચારેબાજુ મળતાં, ખાદી થોડી જ ઉપયોગમાં આવતી હતી. નોકરોને કપડામાં હાથવણાટનાં જાડાં ધોતિયા મળતા; પરંતુ, તેનાથી કમર છોલાય જવાથી તેઓ લેવાનો નકાર દર્શાવતા. ‘જોડા’ એટલે પગરખામાં સીવેલા બૂટ, લાકડાની પાટીના સ્થાને પથ્થરની સ્લેટ, બરુની કલમને સ્થાને હોલ્ડર અને સ્ટીલની પેન વર્તમાનપત્રો અને શિલાછાપના છાપખાનાં જેવાં પરિવર્તનનો ઉલ્લેખ કરે છે.

સ્મૃતિ પર અંકિત બીજા સ્મરણો વાગોળતા વિદ્યાબહેન પિતાની નોકરી બહારગામ હતી તેથી શાળાની રજાઓમાં ત્યાં રેલ્વેની મુસાફરી કરી જતા, મુંબઈ-સુરતની મુસાફરીની સ્મૃતિ સાથે છબી પડાવવાની આછેરી સ્મૃતિને પણ તાજી કરે છે. પુષ્કળ સખ્તતાઈના જમાનામાં છોકરાને થતી રોકટોક અને છોકરાંઓની જિજ્ઞાસા કે કુતૂહલવૃત્તિનું કોઈ મહત્ત્વ ન હતું તથા હોશિયાર બાળક મોટાના ગર્વના સાધન માત્ર રહેતું. પોતાના બાળપણની વાતો યાદ કરતા દિવાળીમાં ફટાકડા ફોડવા, હોળીમાં ગુલાલ ઉડાવવો, ઉતરાયણમાં પતંગ ચગાવવા, ગિલ્લીદંડા, લખોટા, ભમરડા જેવી રમતો દર્શાવે છે જ્યારે છોકરીઓના ગૌરીવ્રત, નવરાત્રિના ગરબા, રાસ, જૂના કવિઓના ગવાતા ગીતો, નાટકના કોઈ કોઈવાર થતા ખેલ મનોરંજનના સાધનો રહેતા. આજના કરતા ઘણા અભાવ સાથે પણ ‘બાળપણના દિવસો તે દહાડે સુખમય લાગતા’ એમ કહ્યા બાદ પણ તેમના સંતાનોનો નવીન દૃષ્ટિકોણ સાથે થયેલા ઉછેરને તેઓ બહેતર ગણે છે.

આ આખા ‘મારું બાળપણ’ પ્રકરણમાં ખરેખર અમદાવાદના જાહેર અને કુટુંબજીવનની ફોરમ શબ્દે શબ્દે મહેકતી અનુભવાય છે. આમ જોવા જઈએ તો, પોતાના કુટુંબજીવન, અભ્યાસ, સ્ત્રીવિષયક પરિસ્થિતિ કે સંઘર્ષને અહીં તેમણે ઝાંઝો વર્ણવ્યો નથી. જાણે કે અમદાવાદની એક શાબ્દિક છબીને અંકિત કરવાનો તેમનો ઉદેશ્ય જ તારસ્વરે જણાય છે. આ આખા પ્રકરણમાં અમદાવાદ અને તેનો વિકાસ તથા પરિવર્તનની ભૂમિકા જ પાત્રરૂપે આવે છે. બાળપણના સ્મરણોને આધારે સ્વાનુભૂતિનો આખો દસ્તાવેજ, પરંપરાની આગેકૂચ તથા બાહ્યજીવનને સ્પર્શતા બિંદુઓનો પરિચય પ્રવાહીશૈલીમાં રજૂ કરવામાં આવ્યો છે. લલિતનિબંધ જેવો સ્વૈરવિહાર તથા પ્રવાસનિબંધ જેવો અનુભવજન્ય વિહાર સાથે દસ્તાવેજી આલેખનનો સંસ્મરણાત્મક નિબંધના છેડાઓને સ્પર્શનું આ આત્મકથન બને છે. તે સમયમાં વપરાતા શબ્દો જેમ કે, ‘લૂગડાં’, ‘બાર એક લગી’, ‘બશેર કે ત્રણ શેર’, ‘સિગરામ’, ‘નિશાળ’, ‘ટાંકો’, ‘છોબંધ પાકી બાંધણીનો ઓરડો’ જોવા મળે છે, જે આજે વ્યાપક રીતે પ્રચલનમાં નથી. ૧૯મી સદીના અમદાવાદનું આ ચિત્ર ખરેખર દસ્તાવેજ સ્વરૂપે પણ મૂલ્યવાન છે.

વિદ્યાગૌરી નીલકંઠનો પરિચય :

વિદ્યાગૌરી નીલકંઠનો જન્મ ૧ જૂન, ૧૮૭૬માં અમદાવાદમાં થયો હતો. તેઓ ગોપીલાલ ધ્રુવ અને બાલાબેનના દીકરી હતાં. તેમના પિતા કાયદા અધિકારી હતા, તેમની નોકરી સ્થાનાંતરિત રહેતી તેથી તેઓ ગુજરાતના વિવિધ નાના શહેરોમાં નોકરી અર્થે રહેતા. તેમની માતા તેમની બે દીકરી વિદ્યાગૌરી અને શારદાના શિક્ષણ માટે અમદાવાદમાં રહ્યાં. તેમનું પ્રાથમિક શિક્ષણ મામા નરસિંહરાવ દિવેટીયા અને માના મોસાળ રા.બ.ભોળાનાથ સારાભાઈને ત્યાં થયું. નરસિંહરાવ દિવેટીયા તે સમયના વિદ્વાવાન સાક્ષર હતા તો ભોળાભાઈ સારાભાઈ પ્રતિષ્ઠિત પરિવારના હતા. વિદ્યાગૌરીને અભ્યાસ અર્થે રા.બા. મગનભાઈ કન્યાશાળામાં મોકલવામાં આવ્યાં, જ્યાં તેમણે સાતમા ધોરણ સુધીનું શિક્ષણ પ્રાપ્ત કર્યું. આ સમયમાં કન્યાઓ માટે સાતમી કક્ષા પછી હાઈસ્કૂલ ન હોવાથી તેમણે અને તેમની નાની બહેન શારદાબહેને મહાલક્ષ્મી ટીચર્સ ટ્રેનિંગ કૉલેજમાંથી એગ્લો-વર્નાક્યુલર ક્લાસ કરવા પડ્યાં.

વિદ્યાગૌરીના લગ્ન ઈ.સ.૧૮૮૯માં તે સમયના સમાજસુધારક અને શિક્ષાવિદ્‌ રમણભાઈ નીલકંઠ સાથે તેર વર્ષની ઉંમરમાં થયાં. તેમના પતિ તેમનાથી નવ વર્ષ ઉંમરમાં મોટા હતા, તેથી તે તેમને પોતાના ગુરુ માનતાં હતાં અને સન્માન આપતાં. તેમણે લેખો એક પુસ્તક અને જ્ઞાનસુધા પત્રિકાનું સંપાદન સંયુક્ત રીતે કર્યું હતું. તેમના પતિના સહયોગ દ્વારા તે મેટ્રિકની પરીક્ષામાં ઈ.સ. ૧૮૯૧માં ઉત્તીર્ણ કરે છે. ઈન્ટરમીડિયમ આર્ટ્‌સની પરીક્ષા તર્કશાસ્ત્ર વિષય સાથે પ્રથમ સાથે પાસ કરી. બી.એ. માટે નૈતિક તત્ત્વજ્ઞાન અને તર્કના વિષય પસંદ કર્યા. આ અભ્યાસ પૂર્ણ કરી સ્નાતકની પદવી મેળવવામાં તેમને આઠ વર્ષનો સમય લાગ્યો. સમગ્ર વિશ્વવિદ્યાલયમાં ઈ.સ.૧૯૦૧માં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યુ અને ગુજરાત કૉલેજની ફેલોશિપ પણ મળી. તેઓ અને શારદા મહેતા બંને બહેનો ગુજરાતનાં પ્રથમ હિંદુ મહિલા સ્નાતક બન્યાં.

વિદ્યાગૌરી નીલકંઠ ગુજરાતના એક મહિલા સમાજ સુધારક, શિક્ષાવિદ્‌, લેખક અને ઉલ્લેખનીય બુદ્ધિમતા, અખંડિતતા તથા સરળતાના ધની હતા. તેમણે ગુજરાતી તેમજ અંગ્રેજી સાહિત્યનો ઘણો અભ્યાસ કર્યો. તેમણે મહિલા ઉત્થાન અને સશક્તિકરણને પોતાનું લક્ષ માન્યું હતું. ભારતની આઝાદી પહેલાના સમય વિદ્યાગૌરી નીલકંઠ અમદાવાદ શરૂ થયેલા મહિલા ક્લબની સક્રિય સદસ્યા બની. આ ક્લબ દ્વારા તેઓ સાર્વજનિક ક્ષેત્રમાં આવ્યાં. તેમણે રાષ્ટ્રીય ભારતીય સહયોગી હેતુ અંતર્ગત ગરીબ મુસ્લિમ મહિલાઓ માટે સિવણની કક્ષાઓ શરૂ કરી. તેમણે પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન યુદ્ધ રાહત કોષ માટે વયસ્ક શિક્ષણના ક્લાસ અને બીજી અન્ય ગતિવિધિઓ પણ કરી. ૧૯ર૬માં તેમને બ્રિટિશ સરકાર તરફથી ‘કેસરે હિન્દ’ પુરસ્કાર પ્રાપ્ત થયો જે તેમણે ‘મીઠા સત્યાગ્રહ’ દરમિયાન સરકારને પાછો આપી દીધો.

વિદ્યાગૌરી નીલકંઠે અખિલ ભારતીય મહિલા સંમેલનની અમદાવાદ શાખાની શરૂઆત કરી. આ શાખામાં તેઓ ઘણા સક્રિય રહ્યાં અને AIWCની લખનઉ સત્રની અધ્યક્ષતા પણ કરી હતી. તેઓ મગનભાઈ કરમચંદ કન્યાશાળા, દિવાળીબાઈ શાળા, રણછોડલાલ છોટાલાલ કન્યાશાળા અને વનિતા વિમ્સ જેવી ઘણી શિક્ષણ સંસ્થાઓ સાથે જોડાયેલાં રહ્યાં છે. તેમણે અમદાવાદમાં લાલશંકર ઉમિયાશંકર મહિલા શાળા પણ શરૂ કરી, જે પાછળથી SNDT (કર્વે) વિશ્વવિદ્યાલયથી સંલગ્ન થઈ ગઈ. તેમણે ગુજરાતી સાહિત્ય પરિષદના પંદરમાં સત્રની અધ્યક્ષતા કરી અને ગુજરાતભરમાં પુસ્તકાલયોની સ્થાપના માટે ઘણા ઉત્સુક રહ્યાં.

વિદ્યાગૌરી સાહિત્યલેખનમાં પણ ઘણા સક્રિય રહ્યાં. તેમણે રોજિંદા જીવનના પ્રસંગોને લઈ હાસ્યનિબંધ લખ્યાં, સુશ્લિષ્ટ ચરિત્રાત્મક લેખસંગ્રહ પણ આપ્યાં. ઈ.સ.૧૯પપમાં પોતાના જીવનમાં માર્ગદર્શક બનેલા વ્યક્તિઓના રેખાચિત્રનો સંગ્રહ ‘ફૉરમ’ આપ્યો. આ પુસ્તકમાં તેમણે પ્રકરણોમાં લેખ-નિબંધ તથા સ્મૃતિચિત્રો પ્રસ્તુત કરી પોતાના ભૂતકાળને જીવંત કરવાનો પ્રયત્ન કર્યો. તેમણે ‘ગૃહદીપિકા’ (૧૯૩૧), ‘નારીકુંજ’ (૧૯પ૬) અને ‘જ્ઞાનસુધા’ (૧૯પ૭) જેવાં લેખસંગ્રહો પ્રકાશિત કર્યા છે. તેમણે ‘પ્રો. ઘોડો કેશવ કર્વે’ (૧૯૧૬)માં ચરિત્ર લખ્યું. ‘હાસ્યમંદિર’માં પણ તેમના લેખ પ્રકાશિત થયાં. તેમણે રમેશ દત્તની વાર્તા ‘લેક ઑવ ધ સામ્સ’નો ‘સુધાહાહાસિ’ની નામે ૧૯૦૭માં અને વડોદરાની મહારાણી લિખિત પુસ્તક ‘પોઝિશન ઑવ વિમેન ઈન ઇન્ડિયા’નો ‘હિન્દુસ્તાનમાં સ્ત્રીઓનું સામાજિક સ્થાન’ નામે ૧૯૧પમાં અનુવાદ પુસ્તક આપ્યાં. આ રીતે આ સમયમાં નિબંધકાર, અનુવાદક અને સમાજ સેવિકા રૂપે ગુજરાતની મહિલા તરીકે ખ્યાતિ પ્રાપ્ત કરી. સાત ડિસેમ્બર ૧૯પ૮માં તેમનું અવસાન થયું. તેમના કાર્યોથી તેમની અપાર નિષ્ઠાનો પરિચય તો મળે છે પરંતુ પોતાની પાછળ સંસ્કારોની જીવંત રાખનાર વિનોદિની નીલકંઠ અને સરોજિની નીલકંઠ એમ બે પુત્રીઓને ઘડતા જાય છે.

સારાંશ :

વિદ્યાગૌરી નીલકંઠ ‘મારું બાળપણ’માં પોતાના વિશે ઘણું ઓછું લખ્યું હોવા છતાં અમદાવાદનું તત્કાલીન રેખાચિત્ર છોડતા જાય છે. એક આખા શહેરનું ચરિત્ર, પ્રજાની જીવનશૈલીનો ગ્રાફ મૂકતા જાય છે. ૧૮૮રની આસપાસનું અમદાવાદનું સમાજચિત્રનું દસ્તાવેજીચિત્રનું બયાન ઐતિહાસિક દૃષ્ટિએ મહત્ત્વનું સાબિત થાય છે.
ડૉ. હેતલ કિરીટકુમાર ગાંધી, આસિસ્ટન્ટ પ્રોફેસર (ગુજરાતી), ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી, અમદાવાદ. મો. 9408637409, ઇ. મેલ : hetall.k.gandhi@gmail.com