Included in the UGC-CARE list (Group B Sr. No 172)
Special Issue on Feminism
ગુજરાતી સાહિત્યમાં નારીઓનું પ્રારંભકાલીન આત્મકથન
ભારતીય સાહિત્યમા શરૂઆતથી જ એટલે કે વૈદિકયુગથી જ જોવા જઇએ તો સ્ત્રીલેખન પરંપરાનો એક યા બીજી રીતે ક્રમિક વિકાસ થતો જોવા મળે છે. અલબત્ત દરેક યુગમાં સ્ત્રીઓની રાજકીય, સામાજીક કે આર્થિક સ્થિતિ સંદર્ભે મૂળગામી તફાવત તો રહેવાનો જ. પરંતુ પુરુષપ્રધાન સમાજવ્યવસ્થામાં સ્ત્રીઓના આવા અદકેરા પ્રદાનની નોંધ લેવાવી જોઈએ..

પ્રાચીનકાળથી પિતૃ સત્તાક સંસ્કૃતિ પુરુષ કેન્દ્રી રહી છે અને તેની નિર્ણાયક ભૂમિકાનો સ્વીકાર થતો રહ્યો છે. સમગ્ર સમાજ જીવનમાં પુરુષ પ્રભાવાક્તાના મુલ્યને જ સ્વીકારવામાં આવે છે. પુરુષ પ્રભુત્વ યુગોથી વિચારસરણી ,સત્તા ,કાયદો ધર્મ ,વિજ્ઞાન અને તત્વ જ્ઞાન દ્વારા રક્ષિત રહ્યુ છે. અને તેથી પિતૃસત્તાક સમાજ સ્ત્રીનું ગૌણ મહત્વ આંકે છે. એટલું જ નહિ પણ નિષેધક મુલ્ય પણ સ્વીકારે છે. જેનાં કેટલાક ઉદાહરણો જોઈએ :
પાયથાગોરસ –“શુભ સિદ્ધાંતે ક્રમ, પ્રકાશ અને માનવનું સર્જન કર્યું છે જયારે અશુભ સિદ્ધાંતે અરાજકતા, અંધકાર અને સ્ત્રીનું સર્જન કર્યું છે.”
એરીસ્ટોટલ-- “કેટલાક ગુણોની ઓછપને લીધે સ્ત્રી એ સ્ત્રી છે. પ્રકૃતિથી જ દુ:ખી કે પીડામય છે. આ સ્ત્રીની કુદરતી ખામી છે.
સંત પોલ –“ઈશ્વરને જેમ સમર્પિત છો તેમ પતિને પોતાની જાત સમર્પિત કરો કારણ પતિ એ સ્ત્રીનું મસ્તક છે.”
બહેંડા – “પુરુષનું શરીર સ્વયંમાં અર્થપૂર્ણ છે, જયારે સ્ત્રીનું શરીર સ્વયંમાં પૂર્ણ નથી.પુરુષનો વિચાર સ્ત્રીના સંદર્ભ વગર થઇ શકે છે, જયારે સ્ત્રીનો વિચાર પુરુષના સંદર્ભ વગર થઇ શકતો નથી.”
મનુસ્મૃતિ –“બલ્યાવસ્થામાં પિતાના, યુવાવસ્થામાં પતિના અને પતિના મૃત્યુ પછી પુત્રોના શાસનમાં સ્ત્રીએ રહેવાનું છે.”
આ વિધાનો સ્પષ્ટ કરે છે કે, સમાજમા સ્ત્રી, પુરુષના વટહુકમને આધીન રહી છે. અને કદાચ આવા લાંબા સમયથી ચાલ્યા આવતા નિષેધાત્મક મૂલ્યોને કારણે જ સાહિત્યક્ષેત્રે પણ સ્ત્રીઓનું પ્રદાન પુરુષો કરતા અલ્પ પ્રમાણમાં જોવા મળે છે. તેમાય અન્ય સાહિત્ય સ્વરૂપમાં તો હજુય સ્ત્રીઓનું પ્રદાન જોવા મળ્યુ છે પણ, આત્મકથા લેખન સંદર્ભે તો સાવ નહીવત કહી શકાય તેટલી માત્રામાં જોવા મળે છે.

ગુજરાતી સાહિત્યમાં નિર્ભેળ આત્મકથાઓ સ્ત્રીઓ પાસેથી ખુબજ અલ્પ પ્રમાણમાં પ્રાપ્ત થાય છે. પરંતુ શૈશવકથા, સ્મૃતિકથા, પત્ર સાહિત્ય, ડાયરી લેખન, ઈન્ટરવ્યુ, મુલાકાત તેમજ કેફિયત જેવા આત્મકથનાત્મક સાહિત્ય સ્વરૂપો વિશેષ માત્રામાં મળે છે.

અઢારમા સૌકાથી આપણે ત્યાં સાહિત્યસર્જન ક્ષેત્રે મીરાબાઈ પછી પણ કેટલીક કવિયત્રીઓ પ્રમાણમાં સારું સર્જન કાર્ય કરતી સાંપડે છે. જેમાં દિવાળી બાઈ, ગૌરી બાઈ, કૃષ્ણા બાઈ રાધાબાઈ, પાનબાઈ અને ગંગા સતી જેવી ગણનાપાત્ર કવિયત્રીઓ છે. અલબત્ત આ બધી જ કવિયત્રીઓએ મોટાભાગે ભક્તિરસ ગાયો છે, પરંતુ એ નોંધપાત્ર છે કે, દિવાળી બાઈ જેવી સર્જકે પોતાના પદ્યોમાં સ્ત્રી સ્વભાવગત લાક્ષણિકતા ખુબ સુંદર રીતે નિરૂપી છે જેમકે, દશરથ ની ગર્ભવતી સ્ત્રીને માટી કે નળીયુ ખાવાની ઈચ્છા કરતી દર્શાવી છે તો સીતાને ગુલાબી સાડી પસંદ કરતી દર્શાવી છે. તેવી સૂક્ષ્મ ખાસિયતોનું સુંદર વર્ણન કર્યું છે. આમ, પૌરાણિક પાત્રોમાં પોતાની લાગણીઓનું આરોપણ કરીને સ્ત્રીસહજ ભાવો વ્યક્ત કર્યા છે. આ સિવાય એમના સમયગાળાની કવિયત્રી ઓના સર્જનને જોતા એમ કહી શકાય કે મધ્યકાળમાં સ્ત્રીએ 'સ્વ'ને આલેખવાનું મોકૂફ રાખ્યું છે. એટલું જ નહીં પણ સ્વની સર્જનમાં અવગણના જ જોવા મળે છે. મીરાબાઈના સર્જનમાં ક્યાંક ક્યાંક આત્મકથનાત્મક અંશો જોવા મળે છે ખરા.

સુધારકયુગમાં પ્રવેશતા સ્ત્રીઓની રૂગ્ણ દશાનો ખ્યાલ આપણને સાહિત્યના માધ્યમથી આવ્યો છે જરૂર પણ તે પુરુષોની લેખિની દ્વારા. ખાસ તો તે સમયે સ્ત્રીઓ માટેના સામયિકોએ પણ જોર પકડ્યું હતું. જેમાં, 'સુંદરી બોધ', 'પ્રિયંવદા', 'સ્ત્રીબોધ' વગેરેનો સમાવેશ થાય છે પરંતુ કોઈ ચોક્કસ સ્ત્રી ની આત્મકથા પ્રાપ્ત થતી નથી. લેખીકા શિરીન બાનુ પાસેથી 'શિરીન મેડમ' ઈ.સ. ૧૮૯૦માં પ્રાપ્ત થાય છે, પરંતુ તે આત્મકથનાત્મક નવલકથા છે.

સાક્ષરયુગમાં સ્ત્રીઓના પ્રશ્નો બદલાય છે અને સ્ત્રી સાક્ષરતા તરફ પણ વળે છે. પરિણામે, સ્ત્રી પોતાની જાત વિશે વિચારતી થાય છે અને શિક્ષિત પરિવારમાંથી આવતી લેખિકાઓને કેટલીકવાર પિતા અને પતિ તરફથી સર્જન કાર્ય માટે ટેકો પણ મળે છે જેમકે શારદાબેન સુમંત મહેતા અને સૌદામિની મહેતા જેવી લેખિકાઓ સાક્ષર પરિવારમાંથી આવતી હોવાથી અનુક્રમે "જીવન સંભારણા" અને "સ્મરણોની સુવાસ" જેવી ઉત્તમ આત્મકથાઓ આપી શકે છે. શારદાબેનની સાથે સાથે જ કનુબેન દવેનુ નામ પણ લેવું ઘટે. તો કનુબેન દવે પાસેથી "મારી જીવનસ્મૃતિ તથા નોંધપોથી" નામે ઉત્તમ આત્મકથા પ્રાપ્ત થાય છે.

ત્યાર બાદ, કૃષ્ણાગૌરી હિરાલાલ રાવળ (૧૯૭૧) પાસેથી છૂટક રૂપે આત્મવૃતાંત પ્રાપ્ત થાય છે. ઈ.સ.૧૮૯૯ માં પ્રકાશિત થયેલી તેમની વાતાૅ ‘સદગુણી હેમંતકુમારી’ની પ્રસ્તાવનામાં તેમનું આત્મકથન પ્રાપ્ત થાય છે.

ઇતિહાસકાર શિરીન મહેતાના જણાવ્યા મુજબ – ‘‘આ આત્મવૃતાંત ગુજરાતી ભાષામાં રચાયેલી સ્ત્રીઓની આત્મકથામાં સૌપ્રથમ છે.’’ [૧]

આ ઉપરાંત લેખિકા વિજ્યા લક્ષ્મી ત્રિવેદીના આત્મનિવેદનો તેમના પત્રો અને કાવ્યોમાંથી પ્રાપ્ત થાય છે. ‘‘સુંદરી સુબોધ’’ના તંત્રી રામમોહનરાય દેસાઈને લખેલા એક પત્રમાંથી તેમનું આત્મકથન પ્રાપ્ત થાય છે. આ પ્રાપ્ત પત્રને યથાતથ અહી ઉતારેલ છે.
‘‘હું તમને મુરબ્બી તરીકે ગણીને વગર સંકોચે જાણવું છું કે……… બાળલગ્નને લઈને શ્વસુર તેમજ પિતાના ઉભય પક્ષની સંયુક્ત કુટુંબની સંસ્થામાં મારા તન અને મન એવા તો તવાણા કે મને નિવૃત્તિ કે આનંદ તો ક્વચીત જ મળે છે. કુદરતને લઈને મને વાંચવા પ્રતિ ઘણી રૂચી હતી અને હું છાની રીતે નીરવ રાત્રીનો સમય લઈને, ઉજાગરા કરીને આનંદ મેળવતી. મારી એકાંત રાત્રીઓ એવી સહેલાઈથી પસાર થતી....મ્હારા સ્વામી સ્વતંત્ર નથી, હજુ વિદ્યાર્થી છે. અને મુંબઈમાં સોલીસીટરનો અભ્યાસ કરે છે. તેમના પોતાના અભ્યાસમાં તે એટલા મગ્ન છે કે, કદી મને તેઓ મદદરૂપ થયા નથી ને થશે પણ નહિ. વળી તેમને મળતી નિવૃતિમાં હું આનંદ આપવાને બદલે અભ્યાસ કરવા બેસું તો તે કંટાળે છે. સમય અને સાધનાની ન્યુનતાને લઈને મારે મારી ઉન્નતિના સર્વ વિચારોને અરમાનો ત્યજવા પડે છે.... પ્રભુ ભલે મારા જીવન પુષ્યને અરણ્યના જેવું કરે કે જેની પ્રસંશા કે કિંમત કોઈ ન કરે, તે ખરી જતાં ભલે કોઈ ન ઝૂરે. હું બાળક છું, અજ્ઞાન છું, વધુ ઓછું લખાણ માટે ક્ષમા માંગું છું.’’ [૨]
આમ, અહી જોવા મળતી વિજ્યા લક્ષ્મીની વેદના અને મનોસંઘર્ષ તેના આંતર જગત વિશે ઘણું બધું સૂચવી જાય છે. આ ઉપરાંત પણ તેમની પાસેથી ‘‘પતિ પ્રત્યેનો પ્રેમ’’ શીર્ષક તળે કાવ્ય પ્રાપ્ત થાય છે. જેમાં તેઓએ પોતાના મનની વ્યથા ઠાલવી છે.

એ પછી ઈ.સ.૧૮૬૬માં પ્રગટ થયેલી નર્મદની આત્મકથા “મારી હકીકત” માં પત્ની ડાહીગૌરીનું આત્મનિવેદન, પત્રો, લખાણો કે બંને વચ્ચે થયેલા સંવાદોમાં સાંપડે છે. તેમાં નર્મદના સવિતા અને સુભદ્રાગૌરી સાથેના સબંધોની જાણ ડાહીગૌરીને થતા દુઃખી થયેલી ડાહીગૌરીએ પતિ પાસે પોતાનો અધિકાર આક્રોશ પૂર્વક માંગ્યો છે.:-
“ઘરમાં સગવડ નથી ને તમે તેની સાથે શયન કરી તે મારા જાણવામાં છત્તે ને પાસે ને પાસે છતે તે મારાથી સહન થાય જ નહિ.” [૩]
આવું સ્પષ્ટ કહેનાર સ્ત્રી પતિની આવી ગેરવર્તણુકથી એટલી વ્યથિત થઇ ગઈ છે કે તે નશાની બંધાણી થઇ જાય છે. અને તેમ છતાં નર્મદ પોતાની ભૂલ સ્વીકારવાને બદલે ઉલટા ડાહીગૌરી પર ક્રોધ વર્શાવે છે. આ વાક્યો એક સ્ત્રીની વેદનાસભર સ્થિતિની ચાડી ખાય છે.

આ ઉપરાંત વિદ્યાગૌરી નીલકંઠના પુસ્તક ‘ફોરમ’ના પ્રથમ પ્રકરણ “મારું બાળપણ”માં પણ તેમનું આત્મકથન મળે છે. તેમજ વૈતાલીકમાં મૃદુલાબેન સારાભાઇનું આત્મવૃતાંત સાંપડે છે. સ્વરૂપ ધ્રુવે “સળગતી હવાઓ”ની પ્રસ્તાવનામાં આત્મવૃતાંત આપ્યું છે. નંદીની ત્રિવેદીએ સંપાદિત કરેલા પુસ્તક “માતૃતીર્થ”(૨૦૦૦)માં અનેક સ્ત્રીઓએ પોતાની માતા પ્રત્યેનો પ્રેમ-ભાવ વ્યક્ત કર્યો છે. આ સાથે હિમાંશીબેન શેલત સંપાદિત “પહેલો અક્ષર”(૨૦૦૫)માં પણ લેખીકાઓએ માં-દિકરી વચ્ચેના વાત્સલ્ય પ્રેમને વાચા આપતા આત્મકથાનો મૂકી આપ્યા છે. ઉષા ઉપાધ્યાય સંપાદિત “ગુજરાતી લેખીકાઓના પ્રતિનિધિ આત્મકથ્ય” નામના પુસ્તકમાં લાભુબહેન મહેતા, સુશીલાબેન ઝવેરી, વસુબેન ભટ્ટ, મંજુબેન ઝવેરી, પદમા કડિયા,આશા વીરેન્દ્ર તેમજ જશુમતી પરમારના અનેક આત્મનિવેદનો પ્રાપ્ત થાય છે.

આ ઉપરાંત ઉમાશંકર જોશી સંપાદિત “સર્જકની આંતરકથા”માં પણ ધીરુબહેનનું ‘વિસ્મય સાથે ગુઢ સંબંધ’ અને વિનોદીની નીલકંઠ પાસેથી ‘રસદ્વારંથી ‘હાશ’એ શીર્ષક તળે આત્મવૃતાંત પ્રાપ્ત થાય છે. વિનોદીની બહેને સર્જક તરીકેનો ભાવ આ રીતે વ્યક્ત કાર્યો છે.:
“અચાનક શ્રી ઉમાશંકરભાઈ અમદાવાદના એરપોર્ટ ઉપર મળી ગયા. તેમણે મને મારી એક સર્જક તરીકેની આંતરકથા લખવાનું કહ્યું. લખવાનો આદેશ આપ્યો. આવું કોઈ સુચન કરે ત્યારે હું ઉત્સાહના આવેશમાં આવીને કબૂલ કરી દઉં છું, અને પછીથી અચૂક પસ્તાઉં છું.” [૪]
ઉપરોક્ત તમામ કૃતિઓના અવલોકન બાદ એમ કહી શકાય કે, ગુજરાતી સાહિત્યમાં સ્ત્રીઓ શરૂઆતથી જ પોતાના ‘સ્ત્રીત્વ’ અંગે અને ‘હોવાપણા’ અંગે સભાન રહી છે. તેમજ લોકો સમક્ષ પોતાની લાગણીઓ, સંવેદનો. એષણાઓ અને માન્યતાઓ રજુ કરવાને કલમ ચલાવી છે. વર્તમાન સંદર્ભે ઉભા રહીને નારીના આત્મવૃતાંત પર દ્રષ્ટિપાત કરતા એ જાણવું રસપ્રદ બની રહ્યું છે કે, દીર્ઘકાળથી દબાયેલા સાહિત્યિક અતને સામાજીક પરિવેશ, કેવી કેવી ભૂમિકાએ સ્ત્રી લેખીનીમાં જોવા મળે છે. તત્કાલીન જીવનધોરણો કે મુલ્યો કેવા-કેવા સંદર્ભે વ્યક્તિમત્તાને ઘડતા હોય છે. વગેરે જેવા અનેક પાસાઓ ઉપરોક્ત અભ્યાસ પરથી ઊઘડી આવ્યા છે.

સંદર્ભ
  1. ગુજરાતી નારીચેતના, લે. શિરીન મહેતા, પૃષ્ઠ-૨૬૩
  2. કુમાર, ગઈ સદીમાં ગૃહજીવન સાથે સાથે સમાજ જીવનમાં સુધારક દ્રષ્ટિ દાખવનાર ‘તવાણા તનમનની વાત’ કરનાર વિસ્મૃત પદ્યકાર, લે. મકરંદ મહેતા અને ડૉ.શિરીન મહેતા,જુલાઈ-૧૯૯૬,પૃષ્ઠ-૩૪૪-૪૫
  3. મારી હકીકત, લે. નર્મદાશંકર લાલશંકર દવે, પૃષ્ઠ-૧૧૭
  4. સર્જકની આંતરકથા, લે. ઉમાશંકર જોશી, આવૃત્તિ ૧૯૮૪, પૃષ્ઠ-૨૨૪
ડૉ.મિતલ જી.ચૌહાણ, અધ્યાપક સહાયક, આટર્સ કોલેજ, ફતેપુરા, જી-દાહોદ