Included in the UGC-CARE list (Group B Sr. No 172)
Special Issue on Feminism
ગુજરાતી ટૂંકીવાર્તામાં નારીચેતનાનાં સંદર્ભે નોંધપાત્ર વાર્તાસંગ્રહ - ‘ગુજરાતણ ટાઈપિસ્ટ અને બીજી વાર્તાઓ’
ગુજરાતી સાહિત્યમાં જેને આપણે ટૂંકીવાર્તા અથવા નવલિકા તરીકે ઓળખીએ છીએ તેનો આરંભ નવલકથા જેવાં અન્ય સાહિત્ય સ્વરૂપોની તુલનામાં કંઈક મોડો થયેલો કહી શકાય. કંચનલાલ વાસુદેવ મહેતા ‘મલયાનિલ’ની ‘ગોવાલણી’ વાર્તા ઈ.સ. ૧૯૧૮ માં પ્રગટ થાય છે તે અગાઉ વાર્તા લખવા અંગેના ઘણાં પ્રયત્નો થયાં હતાં પરંતુ ગુજરાતી ભાષાની આદ્ય નવલિકા તો ‘ગોવાલણી’ જ સર્વગ્રાહી રીતે સ્વીકારાઈ છે. નવલિકા સ્વરૂપનો આરંભ થયા બાદ કનૈયાલાલ મુનશી, રા.વિ.પાઠક, ધૂમકેતુ, ઝવેરચંદ મેધાણી અને ઉમાશંકર - સુંદરમ સુધી આવતા સુધી ગુજરાતી ટૂંકીવાર્તામાં ઘણા પરિવર્તન આવે છે. ટૂંકીવાર્તાની શરૂઆતથી સ્વતંત્રતા સુધીનાં સમયગાળામાં ટૂંકીવાર્તા એક થી વધારે કરવટ બદલે છે, વિવિધ સર્જકોના હાથે ખેડાય છે અને ભારતીય સાહિત્યમાં અન્ય ભાષાઓની વાર્તાઓ સાથે ઊભી રહી શકવા જેટલી સમૃધ્ધ બને છે. તેમ છતાં સ્વતંત્રતા પૂર્વે સ્ત્રી લેખકો દ્વારા લખાયેલી વાર્તાઓ બહુ જૂજ પ્રમાણમાં મળે છે.

આ સમયગાળામાં લીલાવતી શેઠ-મુનશી, હંસાબહેન મહેતા, લાભુબહેન, વિનોદિની નિલકંઠ વિગેરે લેખિકાઓ દ્વારા ટૂંકીવાર્તાના ક્ષેત્રમાં પ્રદાન કરવામાં આવ્યું છે. આ જ અરસામાં સમાજ સેવિકા અને લેખિકા ગંગાબહેન પટેલ દ્વારા ‘ગુજરાતણ ટાઈપિસ્ટ અને બીજી વાર્તાઓ’ (૧૯૩૪) ની વાર્તાઓ મળે છે. ટૂંકીવાર્તાનાં સ્વરૂપને ધ્યાનમાં લેતાં સ્વતંત્રતા પૂર્વેનાં સ્ત્રી લેખિકાઓ દ્વારા કરવામાં આવેલ વાર્તાલેખનમાં ગંગાબહેન પટેલની વાર્તાઓ નોંધપાત્ર ગણી શકાય એવી છે છતાં ટૂંકીવાર્તાના સાહિત્ય સ્વરૂપની વિકાસરેખામાં ગંગાબહેન પટેલની આ વાર્તાઓની ઉચિત નોંધ લેવાઈ નથી તેમ જણાય છે.

ગુજરાતી સાહિત્યમાં ઉમાશંકર જોશી પાસેથી પાત્રોનાં મનોવૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ ધરાવતી વાર્તાઓ મળી તે જ અરસામાં ગંગાબહેન પટેલનો વાર્તાસંગ્રહ ‘ગુજરાતણ ટાઈપીસ્ટ અને બીજી વાતો’ પ્રકાશિત થાય છે. આ સંગ્રહમાં કુલ ૧૬ વાર્તાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ સોળ વાર્તાઓમાં – (૧) સામાજિક રૂઢિઓ તથા સમાજ જિવન- ગૃહજિવનને સ્પર્શતી – ‘મુક્તિ’ ‘ પશ્ચાતાપ’ ‘ન્યાય’ ‘યોગિનીનો આશ્રમ’ અને ‘ પાપી કે પવિત્ર’ (૨) ગ્રામ જિવનને લગતી – ‘ પ્રોફેસર સાહેબ’ ‘દિવાળી બાકી’ ‘હોળી’ ‘ નિર્દોષ ગુનેગાર’ (૩) ઔધોગિકરણ, કારખાનાં અને શહેરી જિવનને સ્પર્શતી – ‘ચંપામિલનો મેનેજર’ ‘સોમા’ ‘સૌભાગ્ય કંકણ’ તથા (૪) અસ્પૃશ્યતાની સામાજિક સમસ્યાને લગતી વાર્તાઓ – ‘સાડી પર પડછાયો’ ‘અછૂતોદ્ધારક’ નામની વાર્તાઓ મળે છે. આમ આ સંગ્રહનું વિષય વૈવિધ્ય ધ્યાન ખેંચે તેવું છે. ગાંધીયુગનાં સાહિત્યમાં વિષય વૈવિધ્ય એક મહત્વનું લક્ષણ છે જે ત્યાર પછીનાં સમયમાં ઉત્તરોત્તર ક્ષીણ થઈ ગયેલું જણાય છે. સાંપ્રત સમયમાં મોટાભાગની નવલકથાઓ અને નવલિકાઓનું કથાવસ્તુ સ્ત્રી-પુરુષનાં સંબંધોની આજુબાજુ જ ચકરાવા લેતું જણાય છે.

‘ગુજરાતણ ટાઈપિસ્ટ અને બીજી વાતો’ ની વાર્તાઓનાં લેખિકા પોતે સમાજસેવિકા તથા સ્વતંત્રતા સેનાની છે. આ વાર્તાઓ લખવા પાછળની ભૂમિકા સમજાવતાં કહે છે કે : “ વાર્તાઓ લખવાનું સૂઝ્યૂં જેલમાં. કારણ ત્યાં અનેક પ્રકારનાં દુ:ખથી પીડાતી બહેનો પાસેથી ઘણું સાંભળવાનું મળ્યું. ઉચ્ચ ગણાતાં પણ કેટલે અંશે ઉચ્ચ ગણાય અને નીચ ગણાતાં કેટલે અંશે નીચ છે’ એવું પૃથક્કરણ કરવાનું મને ત્યાં મળ્યું. અને અંતરનાં ભંડારમાં ભરાતી તે વસ્તુઓએ પ્રગટ સ્વરૂપ લીધું..’ જેનાં પરથી આ સંગ્રહનું નામ આપ્યું છે તે ‘ગુજરાતણ ટાઈપિસ્ટ’ એ આ સંગ્રહની મહત્વની વાર્તા છે. તત્કાલિન સમયમાં કન્યાવિક્રય, અનેકપત્નીત્વ, વિધવાઓનાં પુન: વિવાહ વિગેરે ઉકેલ માગતા સામાજિક પ્રશ્નોનું અસરકારક નિરુપણ આ વાર્તામાં કરવામાં આવ્યું છે. ભવાની નામની યુવતિ કે જેની ઉંમર હજી અગિયાર વર્ષની થઈ નહોતી ત્યારે મુંબઈનાં એક લાખોપતિ વિધૂરની સાથે વીસ હજાર જેટલી રકમ લઈને પરણાવી દેવામાં આવે છે. જેની સાથે ભવાનીનાં લગ્ન કરવામાં આવ્યા છે એ ભુદરદાસની આ ચોથી પત્ની છે. આ સંજોગોમાં યુવાન ભવાની પડોશમાં રહેતા એક યુવક સાથે પ્રેમમાં પડે છે. ભવાની વીસ વર્ષની થાય છે ત્યારે ભુદરદાસનું અવસાન થાય છે. ભવાની એક દિવસ રોકડ અને ઘરેણાં લઈને પેલાં પ્રેમી યુવાન સાથે ભાગી જાય છે. આ યુવાન પણ રૂપિયા પુરા થઈ ગયા પછી ભવાનીને છેહ દે છે. થનાર બાળકનો નાશ કરવા જણાવે છે અને એક દિવસ ભવાનીને એકલી મૂકીને છોડી જાય છે.

એકલી પડેલી ભવાની આ સંજોગોમાં હિંમતથી કામ લે છે. પિયરમાં ભાઈ-ભાભીઓ ‘પાપી’ બહેનને આશરો આપતાં નથી. આખરે ગામને પાદર વાવ પાસે બેઠી હોય છે ત્યારે જુગલ નામનો યુવક બાળકી સહિત તેને મુંબઈ લઈ આવે છે. મુંબઈમાં પણ તેનો વિરોધ થાય છે. પણ શેઠની પત્નીનાં ભાઈનો સંબંધ નીકળતાં તેને મદદ કરવામાં આવે છે. અહીં ભવાની ટાઈપીંગ શીખીને કેશવલાલ સોલીસીટરની ઓફિસમાં ટાઈપીસ્ટ તરીકે પોતાનો નિર્વાહ સુંદર રીતે ચલાવે છે. વાર્તાના અંતે ભવાનીએ પૂછેલાં પ્રશ્નો તત્કાલિન સમાજને દર્પણ દેખાડવાનું કાર્ય કરે છે.
‘બહેન, મને દોષિત કહેનાર ને કહેજો કે મને મારા દોષને માર્ગે દોરનાર પતિ દોષિત ખરો કે નહિ ? સાઠ વર્ષનાં શક્તિહીન પતિને પરણાવનાર મારા પિતા દોષિત ખરા કે નહીં ? અને મારી વય અને ઉર્મિઓનો લાભ લેનાર, મને છેતરનાર, નીતિમા ગણાવા માટે ત્યાગ કરનાર યુવાન દોષિત ખરો કે નહી ?
અહીં વાર્તા નાયિકા ભવાની કુરુસભામાં પાંડવોનાં કૃત્ય સામે પ્રશ્ન પૂછનાર દ્રોપદી જેવી ઓજસ્વી છાપ અંકિત કરે છે. સંજોગો અને સમાજ બન્ને સામે ઝઝૂમતી અને અંતે ટાઈપીંગ શીખી આપબળે, આત્મગૌરવથી પોતાનો અને બાળકીનો નિર્વાહ કરતી આ ગુજરાતણ ટાઈપીસ્ટ યાદગાર નાયિકાઓની હરોળમાં પોતાનું સ્થાન જમાવતી હોય તેવું પ્રતિત થાય છે. ‘ગુજરાતણ ટાઈપિસ્ટ’ તેની ગુણવત્તાની દ્રષ્ટિએ સંગ્રહની મહત્વની વાર્તા બની રહે છે.

‘મુક્તિ’ વાર્તામાં પુરુષ પ્રધાન સમાજમાં સ્ત્રીનું – ખાસ કરીને પરિણિત સ્ત્રીનું સ્થાનની બાબત વાર્તાવિષય બનીને આવે છે. ‘વહુએ વગોવ્યાં મોટાં ખોરડા’ જેવાં લોકગીતોમાં વર્ણવાયેલી કરૂણતાઓ સમાજમાં હજી જોવા મળે છે તેનો નિર્દેશ કર્યા પછી ‘ દેશની આઝાદી માટે લડત કરનાર પુરૂષો પણ પોતાનાં ઘરમાં પત્નીને ગુલામ જ બનાવી રાખવા માંગે છે’ તેવો મર્મવેધક કટાક્ષ કર્યો છે.

‘પશ્ચાતાપ’ અને ‘ન્યાય’ વાર્તામાં પણ લેખિકાએ તત્કાલિન સ્થિતી પરત્વે કટાક્ષ કર્યો છે. ‘ન્યાય’ વાર્તામાં દહેજનાં નામે પૈસા ભેગાં કરી સમાજમાં ઉંચું સ્થાન બતાવતાં, કુલીનતાના નામે રળી ખાનારને ‘ક્રૂર’ શબ્દથી લેખિકા નવાજે છે. આખા જગતનો ન્યાય કરનાર ન્યાયાધીશ સસરા પોતાનાં ઘરની વહુ પરત્વે ન્યાયોચિત વ્યવહાર કરી શકતા નથી. ‘ન્યાય’’ અને ‘ન્યાયાધીશ’નો વિરોધ ઉપસાવીને વાર્તાને ધાર્યું પરિણામ આપ્યું છે જે ભાવકનાં ચિત્તમાં એક છાપ છોડી જાય છે.

‘યોગિનીનો આશ્રમ’ વાર્તામાં બાળ વિધવાઓ માટેનું આશ્રયસ્થાન બની રહે એવી ભવ્ય અને આદર્શ કલ્પના લેખિકા દ્વારા કરવામાં આવી છે. આ વાર્તા વાંચતા સરસ્વતીન્દ્ર નવલકથામાં આવતો મધુરીમૈયાનો આશ્રમ કે અનુઆધુનિક વાર્તાકાર હિમાંશી શેલતની ‘અંધારી ગલીમાં સફેદ ટપકાં’ વાર્તાનું સહેજે સ્મરણ થઈ જાય છે. બાળવયમાં ‘ગંગાસ્વરૂપ’ બનેલી વિધવાઓનાં ઉદ્ધાર માટે આવાં આશ્રમો ગામેગામ સ્થપાય એવો ક્રાંતિકારી વિચાર લેખિકા આ વાર્તાનાં માધ્યમથી વ્યક્ત કરે છે.

‘પાપી કે પવિત્ર’ વાર્તામાં વયનાં કજોડાંનો ભોગ બનેલી યુવતિ પોતાનાં મનગમતાં યુવાનને ભૂલી શકતી નથી અને પરિણામે પોતે ‘પાપી કે પવિત્ર’ એવી માનસિક યંત્રણાનો ભોગ બને છે. અહીં આવતું વાર્તાનાયિકાનું મનોચૈતસિક આલેખન પણ ગુજરાતી ટૂંકી વાર્તાનાં વિકાસમાં નોંધપાત્ર ગણી શકાય એવું છે.

ગ્રામ જિવનનું નિરૂપણ કરતી ત્રણ વાર્તાઓ – પ્રોફેસર સાહેબ’ ‘ દિવાળી બાકી’ અને ‘નિર્દોષ ગુનેગાર’ આ વાર્તાસંગ્રહમાં છે. ઉચ્ચ કક્ષાનું શિક્ષણ મેળવેલ યુવાન ગ્રામ જિવન સાથે પોતાનો મેળ સાધી શકતો નથી પરિણામે ગામડામાં જન્મેલો અને ખેતીવાડીનું ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરેલ ‘પ્રોફેસર સાહેબ’ સમાજને કોઈ રીતે ઉપયોગી થઈ શકતો નથી.

‘દિવાળી બાકી’ વાર્તા વાંચતા પન્નાલાલ પટેલની સ્વતંત્રતાપૂર્વેનાં ગ્રામ જિવનને આલેખતી વાર્તાઓ યાદ આવી જાય છે. સ્વતંત્રતા પૂર્વેનાં ગ્રામ વહીવટનાં એકમ એવાં મુખીનું ગૃહજિવન, ખેડૂતો, શાહુકાર વાણિયા અને તલાટી જેવાં અધિકારીઓ વચ્ચેનાં સંબંધોનો ચિતાર આપી તત્કાલિન ગ્રામ જિવનનું દ્રશ્યાત્મક ચિત્ર ઊભું કર્યું છે. તલાટી વિગેરે અધિકારીઓનાં વહેવારને સાચવતાં ચાચવતાં મુખીની પોતાની જમીન, ઘર અને પશુઓ વિગેરે મિલકત દેવામાં ડૂબી જાય છે. આ બધું જોઈને મુખીનો દીકરો અણીનાં સમયે ચેતી જાય છે અને વાણિયાનાં દેવામાંથી કુટુંબને મુક્ત કરાવે છે. આખી વાર્તા કળાત્મક રીતે કહેવાઈ છે. ગ્રામજિવનનું આબેહૂબ નિરૂપણ આ વાર્તાને સંગ્રહની શ્રેષ્ઠ વાર્તાઓ પૈકીની એક બનાવે છે.

‘હોળી’ વાર્તામાં ગરીબ ખેડૂતો અને અમીર જમીનદારો વચ્ચેનો વર્ગભેદ જોવા મળે છે. એક તરફ ‘જગતનો તાત’ ગણાતો ખેડૂત અત્યંત કઠિન શ્રમ કરે છે તે છતાં જમીનદારો તરફથી થતાં તોછડા વહેવારથી દયાને પાત્ર બની જાય છે તેનો વિરોધ લેખિકાએ આ વાર્તામાં ઉપસાવ્યો છે. વાર્તાના અંતે શેરીમાં પ્રગટેલી હોળીનાં તણખાથી બધુંયે બળીને ખાક થઈ જાય છે. ગરીબો, શ્રમજીવીઓનાં હૈયાની હોળીની કરૂણ અસર અને વર્ગભેગનું ચિત્ર ઉપસાવવામાં લેખિકાને સફળતા મળી છે.

‘નિર્દોષ ગુનેગાર’ માં પોલીસ અને ન્યાયતંત્ર સાથે મળીને નિર્દોષ પાર્વતિનાં માથે તેનાં વરનાં ખૂનનો આરોપ લગાવી દે છે. નિર્દોષ છતાં ગુનેગાર એ વાતનો વિરોધ દર્શાવવા અહીં વાર્તાને કળાત્મક એવું ‘નિર્દોષ ગુનેગાર’ શિર્ષક આપવામાં આવ્યું છે.

ગાંધીજી કહેતાં હતાં કે સાચું ભારત એનાં ગામડાઓમાં વસે છે. અને આથી જ મોટા ઉદ્યોગોનાં સ્થાને ગામડાનાં નાનાં ઉદ્યોગોનાં વિકાસ તરફ તેમનો ઝોક વધુ હતો. ઔદ્યોગિકરણનાં પરિણામે તૂટેલાં ગામડા અને શહેરીકરણની બહારથી દેખાતી ઝાકઝમાળ વચ્ચે નિયતિનો ભોગ બનતાં, ભીંસાતા માનવીની વેદના ખૂબ અસરકારક રીતે ‘ચંપા મીલનો મેનેજર’ ‘સોમા’ અને ‘સૌભાગ્યકંકણ’ જેવી વાર્તાઓમાં નિરૂપિત થાય છે.

મિલમાં કામ કરતાં મજૂરોની દશાને વર્ણવતી ‘ચંપા મિલનો મેનેજર’ વાર્તામાં વાર્તાનાયિકા મજૂરણ જમનાની સ્મૃતિઓ નિમિત્તે ભૂતકાળનાં સ્વાવલંબી અને સંતોષી ગ્રામજીવનને તાદ્રશ કર્યું છે. શહેરનાં વધુ પડતા સંસર્ગને કારણે ગામડા તૂટતા ગયા, નવી નવી વસ્તુઓ ગામડામાં આવતી થઈ પણ તેનાં પરિણામે જમીન, અનાજ, ઢોર વિગેરે વેચાવા લાગ્યું અને બધું વેચાઈ ગયા પછી શહેરમાં જઈ મિલની મજૂરી શોધવાનો સમય આવ્યો. વાર્તાના અંતે જમનાએ જેને ઊછેર્યો હતો તે વાણિયાનો દિકરો મિલનો મેનેજર થતાં જમનાને તેની વૃધ્ધાવસ્થાને કારણે મિલની નોકરીમાંથી કાઢી મૂકે છે. શહેરીકરણની પેદાશ સમા શ્રમજીવીઓની કરૂણ પરિસ્થિતી અને ‘સ્વાવલંબી’ વ્યવસ્થા કેવી રીતે ‘પરાવલંબી’ માં પરિણમી તેનો ચિતાર આ વાર્તાને ઔધ્યોગિકરણના કારણે બદલાતી જતી તત્કાલિન આર્થિક અને સામજિક પરિસ્થિતીનાં અભ્યાસાર્થે મહત્વની બનાવે છે.

‘સૌભાગ્યકંકણ’ વાર્તામાં ધૂમકેતૂ શૈલીની કરૂણતા ભાવકોને સ્પર્શ્યા વિના રહેતી નથી. શહેરનાં ભભકાને લીધે જિવનને કંઈક બહેતર બનાવવાની આશાએ શહેરમાં આવી ચડેલાં શ્રમજીવીઓની બિમારી, ભૂખમરાને કારણે કેવી સ્થિતી થાય છે તેનું હ્રદયદ્રાવક ચિત્રણ લેખિકાએ કર્યું છે. શ્રમજીવીઓ શહેરમાં આવીને માંદગીનો ભોગ બને છે. બીમારીનાં કારણે મિલમજૂરીમાંથી પણ કાઢી મૂકવામાં આવે છે. ભૂખમરાનાં કારણે વાર્તા નાયિકા જનાનાં દિકરાનું મૃત્યુ થાય છે. નાયિકાનો પતિ પણ મરણ પથારીએ પડ્યો છે. પુત્રનાં મૃત્યુનાં શોકમય સ્થિતીમાં પુત્રનાં મૃતદેહને બાજુમાં મૂકી બીમાર પતિ માટે સૌભાગ્યકંકણ એવી બંગડીઓ વેચી ચા અને પાંઉ ખરીદવા નીકળે છે. અહીં પ્રેમચંદની ‘ઠાકુર કા કુંઆ’ વાર્તાની નાયિકા યાદ આવી જાય છે. છ - છ દિવસની ભૂખને કારણે બહાર નીકળેલી જનાનું મૃત્યુ થાય છે. આ તરફ જનાને આવતાં મોડું થવાથી જનાને શોધવા નીકળેલો બિમાર અને અસહ્ય ભૂખમરાનો સામનો કરી રહેલા ત્રિભુ ઉપર અગ્નિશામકનો બંબો ફરી વળે છે. અહીં અગ્નિશામકનો બંબો ત્રિભુની ભૂખની આગનું શમન કરતો ગયો એવું સૂચક રીતે કહેવાયું છે. દવાખાનામાં જના અને ત્રિભુ બન્નેનાં મૃતદેહ એક જ ખાડામાં રાખવામાં આવે છે. નિયતિની આ વક્રતા ભાવકને હચમચાવી દે છે. આ વાર્તાસંગ્રહનાં સંપાદક યોગ્ય જ કહે છે કે - ‘મજૂર જિવનની આ કારમી કથા ભલભલાનાં હ્રદયને ઉથલાવી નાખવા સમર્થ છે.’

આ એ સમયગાળાની વાર્તાઓ છે જ્યારે મહાત્મા ગાંધીનાં વિચારો અને રચનાત્મક કાર્યોની અસર વધતા-ઓછા અંશે સમગ્ર દેશમાં પહોંચી ચૂકી હતી. ‘સોમા’ વાર્તાની નાયિકા અભણ કે મજૂરણ ભલે રહી પણ ગાંધી વિચારોની દેશવ્યાપી અસરનાં પરિણામે તેની ચેતના પણ ઉર્ધ્વ થયેલી છે. મિલ માલિકો પાસે મજૂરોનાં, કામદારોનાં હક્કની માગણી કરી શકવાનું સામર્થ્ય તેનામાં છે. ‘અમારા મતો લઈને ધારાસભામાં જાય, જીનીવા જાય, મ્યુનિસિપાલિટીમાં જાય : પણ અમારું દર્દ એ ન ત્યાં ટાળે કે ન અહીંયે ટાળે ! પાપ જેને શરમાવી શકે એવા શ્રીમંતો અમારે આગેવાન ન જોઈએ’ એવું કહેતી સોમાનું હક્ક માટે લડી લેવાની તૈયારી બતાવતું સ્વરૂપ આપણાં ચિત્તમાં અંકિત થઈ જાય છે. હડતાળનું નેતૃત્વ લીધા પછી સોમા સત્યાગ્રહને વ્યવહારીક રીતે અજમાવે છે. એ બધા મજૂરોને સૂચના આપે છે કે પોતપોતાની જગ્યાએ બેસી જવાનું પણ કંઈ કામ નહીં કરવાનું.’ સોમલીનાં આ પ્રયોગથી હડતાળ અસરકારક બની અને મજૂરોની જે માગણીઓ હતી તે સ્વીકારવી પડી. મીલનાં મૂડીવાદી શેઠ સામે મજૂરનેતા સોમાએ રજૂ કરેલ માગણીઓ પણ નોંધપાત્ર છે. ‘શેઠિયાઓએ ચતુર મજૂરણને માથાથી પગ સુધી નિહાળી અને મજૂર વર્ગમાં આનું સર્જન કરનારને શાપ આપ્યા’ એવાં લેખિકાનાં વિધાનથી વાર્તાનાયિકા સોમાનું ચિત્રણ વધુ યાદગાર બને છે.

વાર્તાસંગ્રહની ‘અછૂતોદ્ધારક’ અને ‘સાડી પર પડછાયો’ વાર્તાઓમાં અસ્પૃશ્યતાની સામાજિક સમસ્યાનું નિરૂપણ કળાત્મક રીતે કર્યુ છે. આપણે જાણીએ છીએ કે ગાંધીજીનાં રચનાત્મક કાર્યોમાં અસ્પૃશ્યતા નિવારણ એક મહત્વનું કાર્ય હતું અને દેશની આઝાદી જેટલું અથવા એનાંથી પણ વધારે મહત્વ ગાંધીજીએ આ કાર્યને આપ્યું હતું. આ સમયે પણ કેટલાક લોકો દ્વારા અસ્પૃશ્યતા નિવારણનાં કાર્યનો દેખાવ કરી તેનાં થકી રાજકીય, સામાજિક લાભ લેવાની તત્કાલિન વૃત્તિનો લેખિકાએ પર્દાફાશ કર્યો છે. ‘પ્રભુ દ્વારનો કાદવ કંઈ સર્વનાં નસીબમાં હોય ‘ એવું વાર્તાનાં આરંભે આવતું વિધાન સૂચક છે. માધવજી શેઠ દ્વારા અંત્યજો માટે ખુલ્લું મૂકવામાં આવેલ મંદિરમાં દૂરથી દર્શન કરતો ચંદુ શેઠાણીની પવિત્ર નજરે ચડે છે. શેઠાણીની ના છતાં ચંદુ દૂરથી દર્શન કરવા જાય છે ત્યારે તેને મંદિરનાં ચોગાનમાં જ માર મારીને લોહીલુહાણ સ્થિતીમાં ફેંકી દેવામાં આવે છે. અછૂતોદ્ધારક સમિતી દ્વારા યોજવામાં આવેલ હરિકિર્તનમાં લોહીલુહાણ ચંદુને લાવવામાં આવે છે ત્યારે કિર્તન કરાવનારને પણ કશી અસર થતી નથી અને કિર્તનકારને ‘ પ્રભુ તું એ મંદિરમાં તો નહિ જ હોય’ એવી પ્રાર્થના કરતો બતાવી અછૂતોધ્ધારના નામે થતા દંભને ખૂલ્લો પાડ્યો છે.

‘સાડી પર પડછાયો’ વાર્તા એની કળાત્મકતાને કારણે પ્રભાવક બની છે. મણીબાની સાડી પર નોકર એવી શામલીનો પડછાયો પડે છે અને જાણે ભૂકંપ સર્જાય છે. એક રૂપિયાની પગારદાર શામલીનાં પગારમાંથી સાડીનાં પાંચ રૂપિયા વસૂલ કરવાનાં મણીબાનાં ફરમાન સાથે શામલીને કામ પરથી પણ કાઢી મૂકવામાં આવે છે. શામલીને સાડી સાથે આવેલી જોઈને તેની સાસુ પહેલાં તો ખુશ થઈ જાય છે પણ પછી શામલી પાસેથી સાચી વાતની જાણ થતાં ‘સોના જેવી નોકરી’ ગુમાવ્યા બદલ ગાળો અને મારનો વરસાદ વરસાવે છે. સાસુ અને પતિ ભેગાં મળી શામલીને મારી મારીને અધમૂઈ કરી દે છે. લેખિકાની અન્ય નાયિકાઓની જેમ શામલી પણ આ સામે વિદ્રોહ કરે છે અને ત્રીજા દિવસની સવારે ઘર છોડીને ભાગી જાય છે. વાવ, કૂવા વગેરે સ્થળોએ તપાસ કર્યા પછી પણ શામલી ન મળી ત્યારે એ મરી ગઈ હશે એવું તેની સાસુ જીવલી અને પતિએ માની લીધું. અહીં આવતું ‘ અને સાથે પેલી સાડીયે ગઈ’ એ વિધાન ચોટદાર અને વાર્તાનાં વિકાસમાં મહત્વની કડીરૂપ બને છે.

વાર્તાનાં ઉત્તરાર્ધમાં મણીબાની પુત્રી શારદા જીવલેણ ટાઈફોઈડ તાવનાં કારણે મરણપથારીએ હોય છે. તેની જીવવાની આશા બધાએ મૂકી દીધી છે તેવા સંજોગોમાં કામા હોસ્પિટલની નર્સ ‘શાંતા’ની દસ દિવસની સેવા-ચાકરીથી શારદાનો તાવ ઊતરે છે. મૃત્યુનાં મુખમાંથી શારદા પાછી વળી તે નિમિત્તે મણીબા એક જલસાનું આયોજન કરે છે અને સગાસબંધીઓને તેડાવે છે. નર્સ શાંતાને પણ આગ્રહ કરી રોકે છે. શાંતાનાં ગુણોથી મુગ્ધ થયેલાં મણીબા તેને પોતાની પાસે બેસાડી જમાડે છે. શાંતાએ કાઢેલો મોસંબીનો રસ ઠાકોરજીને ધરાવે છે. જલસામાં મણીબા શાંતાનાં ગળામાં ફૂલહાર પહેરાવી સોનાની સાંકળી અને ચાર બંગડી ભેટમાં આપે છે. નર્સ શાંતા આ માટે મણીબાનો ઉપકાર માની પોતાની આ ઉન્નતિમાં મણીબા જ સહાયક બન્યાં છે તેવું કહે ત્યારે વાર્તાનું રહસ્ય કળાત્મક રીતે વ્યંજિત થાય છે. શાંતા આગળ કહે છે કે ‘શેઠાણી ન હોત તો શાંતાબાઈનાં નામથી મારી ખ્યાતિ વધી ન હોત.’ અને અંતે ‘ હું એક ગરીબ નર્સ નજીવી ભેટ આપું છું તે મણીબા સ્વીકારી મને આભારી કરશે તો મારી સેવા સફળ થયેલી માનીશ તેમ કહી એક બંડલ શેઠાણીનાં હાથમાં મૂક્યું. શેઠાણી એ સહર્ષ તે બંડલ છોડ્યું તો તેમાં પેલી પાંચરૂપિયાની સાડી હતી !

આગળ કશાય કથન વિના કળાત્મક અંત સાથે વાર્તા પૂર્ણ થાય છે પણ અહીંથી આગળ ભાવકનાં ચિત્તમાં લંબાય છે. સમાજની સ્થાપિત વ્યવસ્થાને અને તે નિમિત્તે થતાં શોષણને નિયતિ માનીને સ્વીકારી લેવાનાં બદલે તેનો પ્રતિકાર કરતી અને પોતાના બળે આગળ આવી કંઈ પણ પૂર્વગ્રહ રાખ્યા વિના શેઠાણીની પુત્રી શારદાને મૃત્યુનાં મુખમાંથી ઉગારતી શામલી – શાંતા વાર્તાનાં ભાવક માટે યાદગાર બની રહે છે.

વાર્તાસંગ્રહનાં આરંભે લેખિકા ભલે એવું કહે કે વર્ણનલીલાનાં શોખીન વાચકો મને ‘લુખ્ખી’ ની ઉપમા આવે તો મારાથી ના ન કહેવાય’ પણ આ વાર્તાઓ વાંચતા તેની ભાષાશૈલીની તાસીર નીચે જણાવેલ થોડાંક ઉદાહરણોથી પામી શકાશે. અહીં આપેલ ઉદ્ધરણોમાં શબ્દોની જોડણી મૂળ વાર્તામાં છે તે જ પ્રમાણે આપી છે. જેનાથી ગુજરાતી ભાષામાં જોડણી અંગેની તત્કાલિન પરિસ્થિતીનો ખ્યાલ આવે છે.
  1. મંદિરનાં ચોગાનમાં ભાવિકોની ભીડ વધતી જતી હતી. મોટરો અંદર પેસતી ત્યારે પગે ચાલતા ભક્તો ઉપર સારી રીતે પીલાયેલો કાદવ ઊડતો. એ તેમનાં સદભાગ્ય નહીં તો બીજું શું કહેવાય ! (અછૂતોદ્ધારક)
  2. વરસાદ મૂસળધાર વરસતો હતો. પાછલો પહોર હોવાથી વાદળોમાં ઢંકાયેલા સોર્ય વડે સર્વત્ર ઘનઘટાની અંધારી છાયા છવાઈ રહી હતી, છતાં દિવસની ઝાંખી પ્રતિભા પડતી હતી. (સૌભાગ્યકંકણ)
  3. પોતાની ઉન્નતિમાં મણીબા જ સહાયભૂત થયાં છે ! (સાડી પર પડછાયો)
  4. સાંજનો સમય હતો. ગાય ભેંસનાં ટોળાં લઈ ગોવાળો ઘેર આવતાં હતા. ભાગોળે છોકરાં ગેડી દડો રમતાં હતા. થાકેલાં બળદ હળ ખેંચતા છતાં ઘર ભણી જવાનું જાણીને હોંશથી ચાલતાં હતા. (પ્રોફેસર સાહેબ)
  5. ‘રાતનાં ત્રણ થઈ ગયા હતા. શાન્તિનું સામ્રાજ્ય ન સહેવાતું હોય તેમ થોડી થોડી વારે ઘુવડ ઘુ..ઘુ..ઘુ.. કરતો હતો.’ (ન્યાય)
  6. ‘ગામની અતિ નજીક વહેતી નર્મદા મૈયા આજે પૂર્ણ ધનવાન થઈ હોય તેમ બન્ને કાંઠે છલકાતી વહી જતી હતી. જાણે મનુષ્યોની મૂઢતાને ટાળવા સંજ્ઞા આપતી હોય કે વહી જવા દેશો તો નવું આવશે; તેમ પોતાને મળેલું અઢળક જળરૂપી ધન પૂરપટે સમુદ્રને અર્પ્યે જતી હતી.’ (યોગિનીનો આશ્રમ)
  7. ધીમે ધીમે ઊષા પોતાનાં કેસરી વસ્ત્રોમાં સજ્જ થઈ, રાત્રિનાં ભયથી વ્યથીત થયેલાં પ્રાણી માત્રને જાણે શૂરાતન અર્પતી હોય તેમ પૂર્વ દીશામાંથી ડોકિયાં કરવા લાગી. ઉડુગણ ઊષાનાં પ્રતાપને માન આપતાં હોય તેમ એક પછી એક ખસી જવા લાગ્યા. છેવટે શુક્રનો તારો જાણે સર્વનો નેતા હોય તેમ જરા મોડેથી વિદાય થયો.’ (યોગિનીનો આશ્રમ)
આ વાર્તાસંગ્રહનાં પ્રસ્તાવનાકાર મંજુલાલ ર.મજમુદાર લેખિકાની વર્ણનશક્તિની ઉચિત નોંધ કરીને ભાષાશૈલી વિશે યોગ્ય જ કહે છે કે – ‘ લેખિકાની શૈલીની બીજી વિશિષ્ટતા- તે તેમની વાણીમાં ભરેલો કટાક્ષ અને મર્મવચન ઉચ્ચારવાની તેમની કુશળ શક્તિ છે.’

‘ગુજરાતણ ટાઈપિસ્ટ અને બીજી વાતો’ વાર્તાસંગ્રહની લગભગ તમામ વાર્તાઓમાં કેન્દ્ર સ્થાને નારી છે. જેથી ગુજરાતી ટૂંકીવાર્તા સાહિત્યમાં નારીચેતનાનાં અભ્યાસ સંદર્ભે તેમજ આ સમયગળાનાં ઉમાશંકર જોશી, પન્નાલાલ પટેલ વિગેરેની વાર્તાઓની પૂર્વભૂમિકાનાં અભ્યાસ માટે પણ આ સંગ્રહની વાર્તાઓ મહત્વની ગણી શકાય તેમ છે. ઉપરાંત તત્કલિન યુગપરિબળો, સામાજિક-આર્થિક પરિસ્થિતી, ઔદ્યોગિકીકરણનાં કારણે બદલાતું, સ્વાવલંબી એકમમાંથી પરાવલંબી થતું અને પોતાની સ્વકીય ઓળખ ગુમાવતું ગામડું, સમાજ, સમસ્યાઓ અને સામાજિક ચેતનાનાં અભ્યાસ માટે તત્કાલિન સમયની છાપ અંકિત કરતી દસ્તાવેજરૂપ વાર્તાઓ ઘણી મહત્વની જણાય છે.

સંદર્ભ
  1. ‘ગુજરાતણ ટાઈપિસ્ટ અને બીજી વાતો’ - લે.ગંગાબેન પટેલ, પ્રથમ આવૃત્તિ ૧૯૩૪, આર્ય સુધારક પ્રેસ, વડોદરા.
નગીન વણકર, રાજપીપળા, જિ.નર્મદા. મો. નં. ૮૧૪૧૨૧૦૯૯૯