Included in the UGC-CARE list (Group B Sr. No 172)
Special Issue on Feminism
‘ધ રામબાઈ’ – દૈવી પરીકથા નિમિત્તે ઝૂઝારુ અને દાર્શનિક નારીની કથા
અગાઉ બે અને આ ત્રીજી નવલકથા લખનાર જીતેશ દોંગાનો લેખક તરીકે પરિચય મને આ ત્રીજી નવલકથાથી જ થયો એટલે કે એમની આગળની બે નવલકથા મે વાંચી નથી પરતું આ ત્રીજી નવલકથા ‘ધ રામબાઈ’ વાંચ્યા પછી થયું કે પહેલી બે નવલકથાઓ પણ વાંચવી જ રહી. આજે જ્યારે નવી પેઢીને કે પછીના કોઈપણ પેઢીને સાહિત્યકાર કોને કહેવાય અને માત્ર લેખક કોને કહેવાય એ બે વચ્ચેની પાતળી ભેદરેખા વિષેની સભાનતા નથી રહી ત્યારે સાહિત્યિક કૃતિની યાદીમાં સામેલ કરી શકાય તેવી આ નવલકથા છે ‘ધ રામબાઈ’. ખેર, નવલકથાકારને પોતાને તો લેખક બનવું હતું પણ તેઓ અનુઆધુનિક સાહિત્યકારની યાદીમાં પણ સ્થાન પામી શકે તો એમાં નવાઈ પામવા જેવુ કાંઈ નથી કેમકે આ નવલકથા એની ઝૂઝારુ રામબાઈને લીધે જ માત્ર નહીં પણ એની ભાષા, ઘણી જગ્યાએ આવતી રોમાંચક ક્ષણો, જીવનનું એક આગવું દર્શન, હવે શું થશે એવા જિજ્ઞાસાપ્રેરક પ્રસંગો, રામબાઈ અને વીરજીનું મજબૂત પાત્રાલેખન, નાનાં નાનાં પ્રકરણોની સાદગી તેમજ તેમાં આવતાં વર્ણનોને લીધે આંખો સામે ખડાં થતાં ચિત્રો અને દૃશ્યાત્મકતા જેવાં ઘણાં કારણોને લીધે સાંપ્રત સમયમાં નોંધપાત્ર બની રહે તેવી છે. નારીવાદી નવલકથા તરીકે પણ ‘ધ રામબાઈ’ નોંધપાત્ર બને છે કેમકે સમગ્ર કથા, પાત્રો, ઘટનાઓ, પ્રસંગો બધામાં રામબાઈ નિમિત્ત પણ બને છે અને પ્રસરી પણ રહે છે.

સ્વતંત્રતા મળ્યાના લગભગ બે વર્ષ પૂર્વેથી ઓગણીસમી સદીનાં શરૂઆતનાં વર્ષોથી શરૂ થયેલી આ કથા એકવીસમી સદીના આરંભિક સુધી વિસ્તરે છે. નરસિંહ હોય કે અખો બ્રહ્મને લટકા કરતાં ભાળી ગયા છે એમ આપણી આસપાસ પણ એવાં કેટલાંય સામાન્ય દેખાતાં પણ અસામાન્ય આંતરિક શક્તિ ધરાવતાં વ્યક્તિત્વ હોય છે જે આ બ્રહ્મના સત્યને ભાળી ગયા છે. જેમાંની એક છે આ રામબાઈ. મારા મતે ‘નીરખને ગગનમાં કોણ ઘૂમી રહ્યો, તે જ હું તે જ હું શબ્દ બોલે..’- આને પામનાર છે રામબાઈ. અને એ રામબાઈ સુધી, એના સત્ય સુધી, એની જીવનયાત્રાની સફર કરાવનાર એના કથક, લેખક – જીતેશ દોંગા. પેલી દેવુડીને જેમ રામબાઈ પોતાની આંગળીએ ઝાલીને લઈ જાય છે ને એમ લેખક આપણી આંગળી ઝાલીને આ રામબાઈના વિશ્વમાં લઈ જાય છે.

અહીં કેટકેટલા સંબંધોના તાણાવાણા ગૂંથેલા છે. અસ્થિર મગજના પતિ અને ઠરેલ પત્ની વચ્ચેનો સંબંધ, ગામ આખું ભલેને ગાંડું કે પણ એ બાપ છે એટલે દીકરી માટે તો સવાયો જ હોયને ! ગીગા પાછળ દોડતી, એને સમજતી, સાંભળતી-સંભાળતી અને એની મા બનીને (દીકરી છે એટલે એ બાપની પુન:જન્મ પામેલી મા જ હોય) એનું ધ્યાન રાખતી રમીલા – જેને એનો બાપ ગીગો વ્હાલથી રામબાઈ કહે છે. લેખક અહીં બાપ-દીકરીના મૂક સ્નેહનું કેવું સંવેદનશીલ દર્શન કરાવે છે - “જે જગતમાં હંમેશાથી બાપ પોતાના બાળકનું મોઢું ધોઈ આપતો હોય અને એની આંખમાં પડેલું કણું- કચરો કાઢી આપતો હોય એ જગતમાં જો બાળક પોતાના બાપનું મોઢું ધોઈ આપે, એની ધૂળભરી આંખો સાફ કરી આપે, એને પંપાળીને, એની આંગળી પકડીને, સમજાવીને ઘરે લઈ આવે એ દૃશ્ય હજાર વંદનને પાત્ર હતું.” એટલે જ કદાચ અસ્થિર અવસ્થામાં પણ બાપનું હ્રદય મોટી દીકરી પાની માટે નહીં પણ વચેટ રમીલા- એની રામબાઈ માટે વીરજી સાથે લગ્ન સંબંધ ગોઠવીને આવ્યું હશે. ગીગો માણસ તરીકે ગાંડો હોઈ શકે બાપ તરીકે નહીં ! અને એની રામબાઈ – માત્ર તેર વર્ષની રામબાઈ એનું સુપરવુમનપણું તો અહીં થી શરૂ થાય છે – બાપ ગીગો મગજની અસ્થિરતાને લીધે ખેતરમાંથી સાંજ પડે ને હાથમાં દાતરડું લઈને આથમતા સૂરજ તરફ ભાગે અને એની લાચાર પત્ની મંગુ નાનાં નાનાં છોકરાં (સોકરાં) સામું જોતી વચેટ દીકરી રમીલાને કહે, “જાને રમુડી.. તારા બાપુને લેતી આવ્યને...” અને અહોહો.. નાનકડી એવી છોકરી સૂરજ બાજુ દોટ મૂકે. ઉઘાડા પગ, બંધ મુઠ્ઠી, ખેતરોના ઢેફાં ભાંગતી એ બાળકી પોતાના બાપુને શોધવા ચાર-પાંચ કિલોમીટર સુધી દોડી જાય ! .. સૂરજ જે ઝડપે ડૂબતો જાય એના કરતાં બમણી ઝડપે રામબાઈ દોડે.

આ જ રામબાઈ કૂવામાં ઉતરીને પોતાના પિતાના શબને ઉપર ખેંચીને આવે ! કેમકે એને વિશ્વાસ છે કે એના બાપુ બીજાના કીધે બા’ર નઈ આવે. અગિયાર વર્ષની રામબાઈ લેખક કહે છે તેમ જિંદગીનું બુદ્ધત્વ ત્યારે જ પામી ગઈ હતી. પોતાની માના હાથમાં વધેલી એક લીલી અને બીજી પીળી એમ બે બંગડીઓ પોતાના હાથમાં પહેરે છે અને પોતાનાં ભંડારડાઓની એમ મા બને છે. બંગડીઓ આ રીતે પ્રતિકાત્મકતા પણ ધારણ કરે છે. એટલે જ જીવન (મૃત્યુ નહીં) આ સોકરાંઓની મા મંગુને પણ એમનાથી દૂર કરે છે. મંગુને કોઈ ઉપાડી ગયું, ભગાડી ગયું, મારી નાંખી એ અકળ પ્રશ્ન આજીવન રામબાઈના મનમાં રહે છે અને ઈશ્વર સાથેની પણ એ જ શરત છે કે મારી માને પાછી મોકલે તો જ એના (મંદિરના) પગથિયે ચડીશ. અને જીવનપર્યંત ‘રામ’ના ઘરથી અળગી રહેનારી રામબાઈના તો નામ અને કામમાં જ જાણે ‘રામ’ વસી ગયા હતા. પોતાનાં આ બાળકુટુંબની રામબાઈ હવે મા હતી. રામબાઈ જ બાપ હતી. પણ આપણા સમાજની જ ઓછપ હોય છે ને જે સીતાને અગ્નિપરીક્ષા અપાવે છે, રામબાઈને વાંઝણી અને છોકરાં ખાઈ જનારી બનાવે છે ! એટલે જ તો બુદ્ધત્વ પામવું કે જીવતેજીવ બ્રહ્મમાં ભળવું એ સૌનું ગજું નથી હોતું !

બાપુના મૃત્યુ પછીની રામબાઈની પીડાનું વર્ણન કરતું એક કલ્પન અહીં સરસ યોજાયું છે. “એ રાત્રે રામબાઈની કોરી આંખડીઓમાં પાણી જન્મ્યાં. આંખોની કીકીઓમાં ચમકતો એ ચાંદો નીચે પાંપણો કાંઠે ભરાયેલા પાણીમાં રેલાઈ ગયો. પાણી જ્યારે પાંપણોની અંદર છલકાઈને બહાર નીકળ્યાં અને ગળા સુધી ભાગી ગયાં એ ક્ષણે પાણી અંદરથી ચાંદો પાછો આંખોની કીકીઓમાં ચોંટી ગયો. આ ચાંદાએ જ બાપુને ભરમાવીને ભોગ લીધો હતો.”

આ જ તેર વરસની રામબાઈને પરણવા એક સવારે ઘોડી લઈને વીરજી આવે છે. એ વીરજી જેના પિતા પાસેથી રામબાઈના પિતાએ પોતાની દીકરીના લગ્ન વીરજી સાથે કરવાનું વચન લીધું હતું. ગીગો દુનિયા માટે ગાંડો હોય પણ રમીલા – રમુડી- રામબાઈનો તો એ પિતા હતો. આ બાજુ કુટુંબવિહોણો પંદરેક વરસનો વીરજી પણ પિતાના વચનનું પાલન કરવા, સંસાર વસાવવા ઘોડી ચડીને આવી ગયો. અને શરૂ થયો રામબાઈ અને વીરજીનો સંસાર ! રામબાઈ અને વીરજીનો પ્રેમ જે જીવનપર્યંત – મૃત્યુપર્યંત અખંડ રહ્યો ! એટલે જ તો ચામડી પર જુદાં જુદાં ત્રાજવા પડાવે છે પણ ધણી વીરજીનું નામ નથી લખાવતી. કેમ ? કેમકે ધણી સામડી ઉપર નથ. અંદર લોહી-લોહીમાં સે ને રગેરગમાં સે. વીરજી અને રામબાઈ જમીન પર ભેગાં થઈને એક થયેલા બેફામ દરિયા હતાં. એનાં ભરતી-ઓટ એક હતાં. .. એ તો એક ચિતામાં મરવાની ઝંખનાઓ ધરનારાં.. અને જ્યારે વીરજી મૃત્યુને ભેટે છે ત્યારે આ ઝૂઝારુ નારી જિજીવિષા વગરનું શરીર લઈને પણ ઊભી થાય છે. શરીરમાં નહીં મન-મસ્તિષ્કમાં ચૈતન્ય છલકતું હતું. આમેય રામબાઈ પોતાના મનમાં ક્યાંક ઊંડી સફર તો પહેલેથી જ ખેડતી હતી. કુદરતના પ્રચંડ અવતારની અનુભૂતિ જાણે તે કરી શકતી ! અને આ સફર જ એને જ્ઞાન-વિજ્ઞાનની સફર ખેડાવે છે. રામબાઈ બને છે – એક આથમતી છતાં ઊગેલી સ્ત્રી ! રામબાઈની તો ઝંખના જ હવે એ છે કે, “આપડે સતનું ખોજી બનવું સે. આ આખું બ્રહ્માંડ કેમ હાલે સે ઈ જાણવું સે. સત જાણવું સે વિજ્ઞાનિકની જેમ.” અને ત્રેપન વર્ષની રામબાઈ ભણે છે. કક્કો શીખે છે, આંકડાઓની માયાજાળ સાધે છે, પોતાના ભાણિયા કાળુના દીકરા જીતેશની (જે લેખક પોતે છે) તેની આંગળી પકડીને ! અને એક દિવસ જીતેશને લઈને આ રામબાઈ અમદાવાદ ઈસરો આવે છે ત્યાંના વૈજ્ઞાનિક શ્રી શંકર સાથે એને પત્રવ્યવહાર થયેલો છે. આ વૈજ્ઞાનિક રામબાઈ અને જીતેશને લઈને પોતાના ઘરે જાય છે અને ટેલિસ્કોપના માધ્યમથી આખું આકાશ- અંતરીક્ષ દર્શન કરાવે છે. રામબાઈનું શરીર વૃદ્ધ થતું હતું પણ જ્ઞાનના આ પ્રકાશ થકી તેનો માંહેલો દિવસે દિવસે વધુ તેજ થતો હતો. જગતને જાણવાની તેની ઈચ્છા તીવ્ર થતી જાય છે.

જીતેશને કલ્પના કરતાં, સર્જતાં તો રામબાઈએ વર્ષો પહેલાં જ શીખવાડી દીધું હતું. ફળિયામાં બેસીને બંને જે પાત્રો બનાવતાં એ જ આ નવલકથાના લેખકના લેખનના પાયામાં બેસે છે.

વીરજી રામબાઈની આંખોમાં દીકરીનું સપનું મૂકે છે પણ કમભાગ્યે આ દંપતી નિ:સંતાન રહે છે. પણ વીરજીએ ઈશ્વરને જે પ્રાર્થના કરેલી હોય છે કે કાં આ બાઈને સંતાન આપ કાં સંતાન દેખી શકે એવી આંખ્ય આપ. એ જાણે ફળે છે અને વીરજીના મૃત્યુ પછી રામબાઈનું આંતરિક ચૈતન્ય તેને દીકરી દેખાડે છે – દેવી – દેવુડી. એ દીકરી જે માત્ર રામબાઈને જ દેખાય છે ! કેમકે તે પેટનું નહીં રામબાઈના આત્માનું સંતાન હતી.

પોતાનાં માતા-પિતાના ગયા પછી પોતાની મોટી બહેન, નાની બહેન અને નાના ભાઈની મા બની હતી, રક્ષક અને પાલક બની હતી આ રામબાઈ- તેર વર્ષની રામબાઈ. પણ આ જ ભાઈ-બહેન પોતાની માતાથી પણ સવાઈ બહેનને વાંઝણી ગણી પોતાના પ્રસંગોમાં આવકારતાં નથી. ગામ આખું ધક્કો મારે, ગાંડી ગણે, છોકરાં ખાનારી ગણે પણ રામબાઈની તો ફિલસૂફી જ જુદી – “જી જીવતું હોય એની હાર્યે સારું ને ખરાબ બધુંય થાય. મરેલાને કાંઈ નો થાય. જીવતા હોયી તયી જી થાય ઈ બધુંય મોજથી દાંત કાઢતાં કાઢતાં ભેટી લેવાનું. સુખ’ય ભેટો. દુ:ખ’ય ભેટો. બધાય રંગમાં રંગાઈ જાય ઈ રામ.” અને આ આપણી રામબાઈ ! અસ્ત તરફ જતાં જતાં મસ્ત બનેલી ફકીર હતી રામબાઈ. પરમમાં ઓગળી ગઈ હતી. ‘ધ રામબાઈ’ આમ એક ઝૂઝારુ, બહાદુર, સંવેદનશીલ, જ્ઞાનપીપાસુ, દાર્શનિક નારીની સત્યકથા છે. જે ક્યાંક આપણી વચ્ચે જીવી ગઈ અને હવે શબ્દોના માધ્યમથી જીવે છે.

આપણી આસપાસ પણ આવાં સંઘર્ષ રૂપી અગ્નિમાંથી સોનું બનનારા ઘણાં વ્યક્તિત્વ છે. પણ જેની આગળ કોઈપણ વિશેષણની જરૂર ના હોય એટલે ‘ધ’ મૂકી શકાય, એવાં બ્રહ્મને પામી જનારાં અને જીવતેજીવ એમાં ભળી જનારાં કેટલાં ? રમીલા કે રમુડીમાંથી ‘ધ રામબાઈ’ની આ યાત્રા પસાર કરનારાં કેટલાં ?? એટલે જ બ્રહ્મ તો બ્રહ્મ પાસે જ લટકાં કરે !

સંદર્ભ
  1. ‘ધ રામબાઈ’ નવલકથા, લેખક – જીતેશ દોંગા
ડૉ. નિયતિ અંતાણી, આસિસ્ટન્ટ પ્રોફેસર, ગુજરાતી વિભાગ, ગુજરાત આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ (સાંજ), અમદાવાદ.