Included in the UGC-CARE list (Group B Sr. No 172)
Special Issue on Feminism
ડોક
દીવાનખંડમાં વચ્ચોવચ્ચ ભગવી પછેડીમાં લપેટાયેલા અમરતકાકીને અછડતી નજરે જોઈને પરિતા બાજુમાં માથું ઢાંકેલાં ટોળા સાથે બેસી ગઈ. ત્યાં તો ઓચિંતી વાવાઝોડાની જેમ અમરતકાકીને વળગી પડી ગીરજા. રોકકળ, ચીસાચીસ અને ડૂસકાં પર ડૂસકાં. રુદાલી... રુદાલી.... રુદાલી.....હચમચી જવાયું નખશીખ.
‘ખોટાડી નઇ તો. દીકરી થઈને માની સંભાળ ના લીધી અને હવે મગરના આંસુ સારવા બેઠી છે!’
પરિતાની ધૂંધવાઈ ઊઠી. ગળે ભરાયો ડૂમો અને અમરતકાકીના ચહેરાને જોતાં જ ચોધાર આંસુએ વેગ પકડ્યો. રુદન ની જગા આશ્વાસને લીધી ને ગીરજાની પીઠ પસવારતો હાથ ક્યારે યંત્ર બની ગયો ખબર ના રહી! ડાઘુઓની અવરજવર અને ઘરનાઓની ચહલપહલ વચ્ચે શબ્દો સંભળાયાં,
“એય, ડોક ગબડી પડે છે, જરા સરખી કરોને”
દિવ્યાએ વહાલથી વાળ પંપાળ્યા અને દાદીનું માથું સરખું કર્યું. મને લાગ્યું કે અમરતકાકીના હોઠ સહેજ વંકાયા અને વાંકું મલક્યાં. જાણે બોલ્યાં,
‘બેટા, જરી વાળમાં કાંસકી ફેરવી આપ તો બેટા.’.
‘દાદી કાલે કાલે. આજે મોડું થાય છે.’
પોપચાં તળેની આંખોમાં દેખાયો ભારોભાર ગુસ્સો. દિવ્યા બે ટીપાં સારીને પોતાની જગાએ જઈને બેઠીજ હતી કે દેવયાની વહુએ શિફોનની સાડી વડે નાક લૂછતાં લૂછતાં ઘૂંઘટ ગળા લગી ખેંચતા બાની સોડમાં જઇ દીવો સંકોર્યો. પરિતાને લાગ્યું કે વળી પાછું અમરતકાકી એ મોંઢું વકાસ્યું ને મનોમન બોલ્યા,
‘હજુ ગઈકાલ સુધી તો સંધ્યાકાળના અંધારામાં પાઠ પૂરાં કરાવ્યાં ને હવે સોડમાં દીવા કરવા નિકળ્યા છે!’
મોટીબેનના ગયા પછી અમરતકાકીને સોંપાયેલી જાયદાદ તેઓ ખૂબ નિષ્ઠાપૂર્વક સંભાળતા હતા. અમરતકાકીના પતિના મૃત્યુ પછી તેમનું આખું કુટુંબ મોટીબેને જ સાચવ્યું હતું. મોટો જઘન, નાનો દેવા અને નાનકડી ગીરજા ત્રણેય છેક પરણ્યા ત્યાં લગી મોટીબેન હયાત હતા.
પરિતાને થયું કે આજે સોસાયટીની ગલી સૂની પડી ગઈ. સાંજકના હીંચકે બેઠા હોઈએ ને એક ટહુકો તો થાયજ.
‘હે ય જે માતાજી’
ને અડધી કલાક ઊભા ઊભા પૂરી સોસાયટીના ખબરઅંતર મળી જાય.
‘ગીરજા બચારી ગામડે ગઈ, દિવ્યાને અંગ્રેજી માં મૂકી, જઘન તો ખૂબ કમાય છે ને ગાડું ગબડાવતાં નાનાને પણ એણે ધંધામાં સાથે લીધો છે. વહુઓ સારું રાખે છે. માજીની દયાથી સૌ સારા વાના છે.’
બોલતા અમરતકાકીનાં પોપચાં ભીનાં થતાં જોયાં’તાં પરિતાએ.
“આપણું તો એવું કે એક કોડી માંગીએ નઇ. દઈ દીધું છે છોકરાવને. મારે કેટલું જોઈએ!. બસ આ ડોકની કંઠી સિવાય કાંઇ ના જોઈએ મારે.” અમરતકાકી કહેતા.
ટટ્ટાર ચાલે ચાલતા અમરતકાકીનું વ્યક્તિત્વ જ અલગ હતું. સાલ્લા તળે ઢંકાયેલી એમની ગરદનની કરચલીઓ એમના અનુભવની ચાડી ખાતી હતી.
“અલ્યા કેટલીવાર કીધું કે બાની ડોક સરખી કરો. ઢળી પડે છે તે.”
જઘને રોતા અવાજે બૂમ પાડી અને દેવો દોડી આવ્યો. એના હાથમાં બાએ ભરેલું ઓશીકું હતું. લગભગ છાતી સરસું ચાંપીને હળવેકથી બાની ડોક ઊંચી કરીને એણે ઓશીકું સરકાવ્યું અને ગોઠવ્યું.
દેવાને લાગ્યું કે બા કઈંક બોલી,
'ચંત્યા ના કર, લે દિકરા. સમજ કે અત્યાર લગી તારે હાટુંજ જાણે સચવાઈ હતી!’
કંઠી વીનાની ખાલી ડોકને વળગીને દેવો ધ્રુસકે ધ્રુસકે રોઈ પડ્યો.
પારૂલ પ્રેયસ મહેતા, વડોદરા