Included in the UGC-CARE list (Group B Sr. No 172)
Special Issue on Feminism
સ્ત્રીઓની જનજાગૃતિમાં સ્ત્રી સામયિકોનો ફાળો
આ લેખના માધ્યમથી ૧૯સદીના ઉતરાર્ધ અને ૨૦મી સદીના પૂર્વાર્ધમાં શરુ થયેલા સ્ત્રી સામયિકોએ અભ્યાસ કરીને આ સામયિકોએ સ્ત્રીઓના પ્રશ્નોને કેવી વાંચા આપી, સ્ત્રીઓને પોતાના અધિકારો પત્યે જાગૃત કરવામાં શું ભૂમિકા ભજવી તેનું આલેખન કરવાનો છે.

૧૯મી સદીના ઉત્તરાર્ધમાં સમાજ સુધારાની પ્રવૃત્તિમાં પ્રચલિત કુરિવાજો સામે બંડ પોકારવામાં આવ્યું. બ્રિટીશ શાસનકાળમાં ગુજરાતમાં શિક્ષણનો વિકાસ થતા કેળવણી પામેલો વર્ગ સ્ત્રી શિક્ષણ માટેનો હિમાયતી બન્યો. કેળવણી થકી સુધારા કરવા પ્રયત્નશીલ બન્યો.આમ સમાજ સુધારકોના સમાજ સુધારણાના પ્રયત્નો અને આધુનિક કેળવણીના વિકાસને પરિણામે પરંપરાગત કુરિવાજો અને સ્ત્રી કેળવણી પત્યે જાગૃતિ આવી પરિણામે સ્ત્રી કેળવણી માટે શાળાઓ અને સ્ત્રીઓના પ્રશ્નોને વાંચા આપવા અને સ્ત્રીઓના ઉત્કર્ષ માટે ૨૦ સદીના પૂર્વાર્ધમાં સ્ત્રીઓને માટે મંડળો કે સંસ્થાઓની સ્થાપના થઇ. આ સંસ્થાઓ દ્રારા શિક્ષિત સ્ત્રીઓને વાંચન સાહિત્ય પૂરું પાડવા, સ્ત્રીઓના પ્રશ્નોને વાંચા આપવા,સ્ત્રીઓને પોતાના અધિકારો પત્યે જાગૃત કરવા તથા દેશ અને વિદેશમાં બનતી સ્ત્રીઓને સબંધિત બનાવોથી માહિતગાર કરવા ગુજરાતી ભાષામાં ૧૯મી અને ૨૦મી સદીમાં અનેક સ્ત્રી સામયિકો શરુ થયા. આમાંથી ઘણા માસિકો અવિરત ચાલુ રહ્યા,જયારે ઘણા માસિકો સમયના પ્રવાહ સાથે બંધ પણ થયા.

વીસમી સદીના બીજા દાયકા ગાંધીજીના નેતૃત્વમાં રાષ્ટ્રીય આંદોલન અને રચનાત્મક પ્રવૃતિમાં સ્ત્રીઓની ભાગીદારીથી સ્ત્રી ઉત્કર્ષની પ્રવૃત્તિને વધારે વેગ મળ્યો જે અંગેનું પ્રતિબિંબ આ સમયના પ્રગટ થતા સ્ત્રી સામાયિકમાં પ્રતિબિંબિત થાય છે. સ્ત્રીઓ પોતાની જાહેર જીવનની પ્રવૃત્તિઓને પોતાની જ કલમેં વડે આ સામયિકોમાં પ્રગટ કરવા લાગી. આમ આ સામયિકો કેવા સંજોગોમાં, કેવા હેતુથી અને સ્ત્રીઓની જનજાગૃતિમાં શું ભૂમિકા ભજવી, તેનું આલેખન કરવા થોડાક લોકપ્રિય સ્ત્રી સામયિકોની અભ્યાસ અહી રજુ કરવામાં આવ્યો છે.

સ્ત્રી બોધ :

કોઈ ઘટના ઘટવુંએ તત્કાલીન સમયના પરિબળોની દેન હોય છે તેમ ‘સ્ત્રીબોધ’એ ઈ.સ.૧૮૫૭માં ગુજરાતી ભાષામાં શરૂ થવું અને ભારતના પ્રથમ સ્ત્રી માસિક તરીકેનો દરજ્જો પાપ્ત કરવો એ સમયની જ દેન ગણાય. તત્કાલીન સમયનો અભ્યાસ કરતા ખ્યાલ આવે છે કે એક બાજી આધુનિક શિક્ષણ અને બીજું બાજુ અંગ્રેજોના સંપર્કના પરિણામ પારસીઓમાં સામાજિક પરિવર્તન બીજ વવાયા. જેના પરિણામ સ્વરૂપે સમાજમાં રૂઢ થયેલી માન્યતાઓ કે વહેમો નડતર રૂપ બનવા લાગી. પશ્વિમની કેળવણી પામેલા પારસી પુરુષો સારી રીતે જાણતા હતા કે આ માન્યતાઓ કે વહેમો દુર કરવામાં સ્ત્રીને કેળવવી જરૂરી છે કારણ કે સ્ત્રીએ સમાજનો અભિન્ન અંગ છે.તેથી પોતાના પરંપરાગત જીવનમાં રહેલા વહેમો કે માન્યતાઓ નાબુદ કરવા માટે તેની શરૂઆત પોતાના કુટુંબની સ્ત્રીઓથી કરવા માંગતા હતા. તેના પરિણામ સ્વરૂપે પારસીઓએ સમાજ સુધારણા ભાગ રૂપે સ્ત્રી કેળવણીને ઉત્તેજન આપ્યું. કેળવણી પાપ્ત કન્યાઓ માટે શિક્ષણની સાથે ઈતર વાચન સાહિત્ય ઉપલબ્ધ કરાવવા અને તેના દ્રારા ગૃહજીવન અને સ્ત્રીને સબંધિત જ્ઞાન આપવાના હેતુને ધ્યાનમાં રાખીને કેટલાક પારસી ગૃહસ્થોએ જાન્યુઆરી ઈ.સ.૧૮૫૭માં ‘સ્ત્રી બોધ’ માસિક શરૂ કર્યું.

આ સમયે હજી ભારતમાં મૃદ્રણકલાના વિકાસની શરૂઆત હતી, તો બીજી બાજુ આ સમયે વાંચતી-લખતી સ્ત્રીઓની સંખ્યા બહુ જ જુજ હતી,આમ એક બાજુ ખર્ચાળ મૃદ્રણકળા તો બીજી બાજુ ગ્રાહકનો અભાવ એવા સમયે આ સામાયિક શરુ કરવાનું કામ ઘણું કપરું હતું. તેમ છતાં પારસીઓએ જેમ બીજા ક્ષેત્રોમાં જે પહેલ કરી હતી તેમ આ ક્ષેત્રમાં પણ અનેક મુશ્કેલીઓ વચ્ચે આ સામાયિક શરુ કરવાની પહેલ કરી. આ સામાયિકના પ્રારંભિક હેતુઓ અંગે આ સામાયિકના પ્રથમ અંકમાં નોધ મુજબ,
“મુંબઈ શહેરના એક પરોપકારી પારસી ગૃહસ્થનો વિચાર છે કે ગુજરાતી જાણનારી અને મુખ્ય કરીને પારસી બાનુઓને વાંચવા લાયક થોડા જ એવાં પુસ્તકો છે કે જે ઉપર ધ્યાન આપવાથી તેઓ ઊંચી જાતની ગમ્મત સાથે ઉપયોગી જ્ઞાન મેળવી શકે; વાસ્તે જો દર માસે એક એવું ચોપાનિયું પ્રગટ કરવામાં આવે કે જેથી એ મતલબ પાર પડે, એટલે તે વાંચવાથી આપણી જુવાન તથા ઉમરે પુગેલી બાનુઓ જ્ઞાન તથા ગમત મેળવી શકે” (સ્ત્રી બોધ.૧:૧ )
સ્ત્રીઓ માટે સાહિત્ય ઉપલબ્ધ કરાવવા અને તેના દ્રારા મનોરજન સાથે વિવિધ વિષયો જ્ઞાન મેળવવા કેટલાક શિક્ષિત પારસી ગૃહસ્થોએ આ ચોપાનિયું શરુ કરવા માટે ‘સ્ત્રીબોધ સભા’ નામની એક મંડળીની સ્થાપના કરી. જેના સભ્યો ડોસાભાઈ ફરામજી કામાજી, ખુરશેદજી નસરવાનજી કામજી, સોરાબજી શાપુરજી અને બેહરામજી ગાંધી વગેરે હતા આ મંડળીની બેઠકમાં એક ઠરાવ કરવામાં આવ્યો કે ચોપાનીયા નમુના આકારનું સામાયિક દર મહીને પ્રગટ કરવું અને તેની ૧૦૦૦ થી ૧૧૦૦ નકલ શિક્ષિત પરિવારમાં મફતમાં વહેચવી. આ સમયે આ સામાયિક પ્રગટ કરવાનો વાર્ષિક ખર્ચ અંદાજીત રૂ.૨૦૦૦/- નક્કી કરાયો હતો. શરૂઆતમાં આ મંડળી પાસે કોઈ ફંડ ન હતું. તેથી શેઠ ડોસાભાઈ ફરામજી કામાએ દર વર્ષે એમ બે વર્ષ સુધી સામાયિક પ્રગટ કરવા માટે રૂ.૧૨૦૦ /- દાન આપવાનું વચન આપ્યું. પરંતુ બાકીના ખર્ચને પહોંચી વળવા માટે આ સામાયિકનું વાર્ષિક લવાજમ રૂ.૧ અને તેનું કદ ૧૮ પૃષ્ઠ રાખવામાં આવ્યું. આ સામાયિકની જાહેરાત માટે પ્રથમ અંકમાં મફતમાં વહેંચવામાં આવ્યો,પરિણામ સ્વરૂપે આ સામાયિકના શરૂઆતમાં ૧૧૯૭ ગ્રાહકો નોધાયા. આ માસિકનો હેતુ નફો કરવાનો ન હતો પણ સામાયિક પ્રગટ કરવા માટે જે ખર્ચ થતો હતો તેટલું જ લવાજમ રાખીને કેળવણી પામેલી સ્ત્રીઓ સુધી આ સામાયિકનો ફેલાવો કરવાનો હતો. આ સામાયિકના મુખપૃષ્ઠમાં “કહે નેપોલિયન દેશને કરવા આબાદાન; સરસ રીત છે એજ કે, દો માતાને જ્ઞાન”નું વાકય અને પારસી કુટુંબનું ચિત્ર જેમાં સ્ત્રી મંડળ પુસ્તકો વાંચતા નજરે પડે છે.

સમાજ સુધારણા કે સ્ત્રી કેળવણીના હિમાયતી એવા બેહરામજી ખરશેદજી ગાંધી,સોરાબજી શાપુરજી બંગાળી, જાગીરજી બરજોરજી વાચ્છા, નાનાભાઈ હરિદાસ અને કરશનદાસજી મુળજી વગેરે શરૂઆતના વર્ષોમાં આ સામાયિકના તંત્રી રહ્યા હતા. તેઓ એ આ સામાયિકને લોકપ્રિય બનાવવામાં મહત્વનો ફાળો આપ્યો હતો.

સ્ત્રીબોધના શરૂઆતના પાંચ વર્ષના લેખો અભ્યાસ કરતા શરૂઆતના તેના સ્વરૂપ વિષે ખ્યાલ આવે છે. જેમાં ‘લાએકીવાલી ઓરત’(લાયકાતવાળી ઓરત) અને ‘વખાએલી ઓરત’ (પ્રસિદ્ધ સ્ત્રી)ના મથાળા હેઠળ સ્ત્રીઓના ઉદાહરણ આપવા માટે હારમાળા રૂપી ભારત અને વિદેશની પ્રખ્યાત સ્ત્રીના જીવન ચરિત્રોનું ટૂંકમાં ચિત્રો સાથે આલેખન કરવામાં આવતું હતું. સ્ત્રીઓને બહારનું દુનિયા જ્ઞાન વધે તે માટે વિવિધ દેશનો ઈતિહાસ અને ભૂગોળ વિષયક માહિતી આપવામાં આવતી જેમાં ‘ઈરાન દેશની મુખ્તેસર હકીકત’, ‘મહારાણી વિક્ટોરીઆનું જાહેરનામું’, ‘ચીનનો શહેનશાહ’, ‘રશિયા દેશ’, ‘ભૂગોળવિદ્યા,’દરિયાઈ ઘોડા’ વેગેરે લેખો સ્ત્રી વાચવા માટે પ્રેરાય તેથી વાર્તા રૂપે આપવામાં આવતા હતો. સામાજિક લેખોમાં ‘સુધરેલી ઓરત’, ‘છોકરાઓની કેળવણી વિષે માતાઓને બે શબ્દ, ‘શાદીની શિખામણ’, ‘જુવાન પુરુષોને શિખામણ’, ‘સાસુ વહુના કજીયા- દુખી દીકરીની ફરિયાદ’, ‘સંસારિક દુખ’, ‘એક ખરા દોસ્તની વફાદારી’, ‘ઘરેણા વના બાએડી કાઈ શોભે કે’(ઘરેણા વિના પત્ની થોડી શોભે), ‘જો કોઈ ભૂતથી બિહે તેહને ભૂત વળગે’ (જો કોઈ ભૂતથી ડરે તેને ભૂત વળગે), ‘એક ઓરતનો અજાએબ જેવા હેવાલ-ભૂત ડાકણનો વહેમ’ (એક ઓરતનો અજાયબી જેવો અહેવાલ-ભૂત ડાકણનો વહેમ), ‘લગ્નમાં ફટાણા ન ગાવા વિશેનું ગીત’ વગેરે આ વાર્તારૂપી લેખો દ્વારા તત્કાલીન સમાજમાં પ્રચલિત રૂઢ પરંપરા કે વહેમો દુર કરવાની સાથે પ્રવર્તમાન સામાજિક પ્રશ્નોનું નિરાકરણ કરવાના પ્રયત્ન કરવામાં આવ્યા હતા. સ્ત્રીઓમાં નાટકના જ્ઞાનનો ફેલાવો કરવાના હેતુથી શેક્સપિયરના નાટકોનો અનુવાદ કરી ‘ઈરાની સોદાગર’, ‘ભુલચૂકની હસાહસ’ના મથાળે હેઠળ નાટકો આપવામાં આવતા હતા. તે સમયએ સ્ત્રીઓમાં વિજ્ઞાન વિષયનું જ્ઞાન કેળવવા માટે ‘દીવાદાંડી’, ‘સુક્ષ્મદર્શક યંત્ર’, ‘વરાળ યંત્ર’, ટેલીગ્રાફ‘, ચિત્રો સાથે માહિતી આપવામાં આવતી હતી. આ સમયે અજાયબી જેવી ગણાતી આ બાબતો પ્રત્યે સ્ત્રીઓને સામાન્ય માહિતી આપીને દુનિયામાં થયેલ નવી-નવી શોધોથી પરિચિત કરવામાં આવતી હતી. આ ઉપરાંત નવરાશના સમયમાં સ્ત્રીઓને વિવિધ હુન્નર (કળા-કૌશલ્ય) શીખડાવવા માટે ‘કાપડ વણવાનો હુન્નર’, ‘સ્ત્રી જાતને લાએક(લાયક) સંસારી ધંધા’, ‘ભરત શીખવાની ગરબી’, ‘વખત કેમ ગુજારવો-મોતી પરવાળાનો હાર’, ‘સાબુ કેમ બનાવો’ વગેરે હુન્નર વિશે ચિત્રો સાથે સમજવામાં આપવામાં આવતી. સ્ત્રીને લગતા આરોગ્ય વિષયક માહિતી પણ આપવામાં આવતી હતી. ઉપરોક્ત લેખોનો અભ્યાસ કરતા ખ્યાલ આવે છે કે આમ પ્રારંભમાં ઉચ્ચ અને મધ્યમ વર્ગની શિક્ષિત સ્ત્રીઓને કેન્દ્રમાં રાખીને લખાણો લખવામાં આવતા હતા. સ્ત્રીઓની તે સમયની સ્થિતિ પ્રમાણે મનોરંજન અને જ્ઞાનની સાથે સ્ત્રીના સમાજમાં વિવિધ કર્તવ્યો, ગૃહ વ્યવસ્થા જ્ઞાન અને વિચારોને ઉન્નત કરવાનું હતું. પ્રારંભમાં વિવિધ વિષયના જ્ઞાનની સાથે સમાજમાં પ્રવર્તતી માન્યઓ અને વહેમો દુર થાય તેને ધ્યાનમાં રાખીને બોધરૂપ વાર્તાઓ પણ આપવામાં આવતી હતી.માસિકના અંતે મનોરંજન માટે સામાન્ય જ્ઞાન અને દલપતરામની ગરબી આપવામાં આવતી હતી. આ સામાયિકની શરૂઆતમાં માત્ર પારસી લેખકો જ લખતા હતા.

આમ સમયના વહેણ સાથે આ સામાયિક આશરે ૯૫ વર્ષ સુધી લાંબી સફર કાપીને ૧૦૦૦થી પણ વધારે સળગ અંકો આપીને વાર્તાઓ, નવલકથા, કાવ્યો, ગીતો, ગરબા, ગૃહકાર્ય, સમસામયિક બનાવો, સામાજિક પ્રશ્નો વગેરે અનેક લેખો દ્રારા સ્ત્રી વાંચન સાહિત્ય સાથે મનોરંજન, કન્યા કેળવણી ઉત્તેજન,સામાજિક વહેમો અને રૂઢિઓને તિલાંજલિ કે સ્ત્રીઓને ગૃહકાર્યના જ્ઞાનની સાથે સ્ત્રીઓનીના ઘડતરમાં કે આરોગ્ય વિષયક અને સ્ત્રી અધિકારો પત્યે જાગૃતિ લાલવામાં મહત્વની ભૂમિકા ભજવી. તો બીજી બાજુ આ સામયિકીએ સ્ત્રીઓને લખવા માટેનું પોત્સાહન આપીને એક મંચ પૂરું પાડયું હતું. આમ સ્ત્રીને બોધ આપવાના હેતુથી શરુ થયેલું આ સામાયિક સમયની સાથે જરૂરિયાત મુજબ પોતાના ફલકને વિસ્તારતું રહ્યું.

સ્ત્રી મિત્ર :

મુબઈમાં સ્ત્રી કેળવણીમાં વધારો થતા સ્ત્રી બોધ ઉપરાંત સ્ત્રીઓને પારિવારિક અને સમાજલક્ષી શિક્ષણ મળે તે માટે સાહિત્ય ઉપલબ્ધ કરવાના હેતુથી ગુજરાતી ભાષામાં મુંબઈથી ઈ.સ.૧૮૮૯માં ‘કયસરે હિન્દ’ સાપ્તાહિકના માલિક ફરામજી કાવસજી મેહેતાએ ‘સ્ત્રી મિત્ર’ સામાયિક શરુ કર્યું. આ સામાયિક કુલ સાઈડ પૃષ્ઠોમાં ચિત્રો સાથે પ્રગટ થતું હતું. જેનું વાર્ષિક લવાજમ કુલ ચાર રૂપિયા હતા. શિક્ષિત સ્ત્રીઓને બોધપ્રદ વાંચન સાહિત્યની સાથે સમાજમાં સ્ત્રીઓની ફરજો,ગૃહકાર્ય, આરોગ્ય અને સ્ત્રીઓને હુન્નરની જ્ઞાન આપવા આ સામાયિક શરુ કરવામાં આવ્યું. આ સામાયિકના પ્રથમ અંકમાં તેના હેતુઓ સ્પષ્ટ કરતા આ માસિકના અધિપતિ ફરામજી કાવસજી મેહેતા નોધે છે કે,
“આજ કાલ પારસી સ્ત્રીઓમાં કેળવણીનો વધારો થવાથી ખુદરતી રીતે તેઓમાં વાંચવાનો શોખ વધ્યો છે. આપણી અંગ્રેજી કેળવણી લીધેલી બાનુંઓ આ શોખ સહેલાઇથી પુરો પાડી શકે છે, કારણ કે અંગેજી વાંચવા લાયક નીતિવાન ચોપડીઓ અને ચોપાનીયાઓ ઘણી જ થોડી કીમતે પુશકલ મલી આવે છે, કે જેટલાં તે ભાષાથી કમનસીબ રહેનારી બાનુઓને ગુજરાતી ભાષામાં મલી શકતા નથી અને જે કાઈ છે તેનો મુખ્ય ભાગ સ્ત્રીઓને બરનો નથી, માટે આ અમારૂ સ્ત્રીઓને અનુસરતું અને તદ્દન સ્ત્રીઓથી લખાયેલું નાનકડું ચોપાન્યું જાહેર સન્મુખ મુક્તાં એટલું જ કહી શકીએ કે આ ચોપાન્યું દરેક સ્ત્રી અને ઉછરતી છોકરીઓને વાંચવા લાયક અને ઉપયોગી થઇ પડે તેવું બનાવવાને અમો અમારાથી બનતી કોશેશ કરીશું” (સ્ત્રી મિત્ર, ૧:૧,પૃ.૧)
આ સામાયિક સ્ત્રીબોધથી એટલા માટે અલગ પડતું હતું કે આમાં માત્ર સ્ત્રી દ્રારા લખાયેલ લેખો જ પ્રગટ કરવામાં આવતા હતા. આ માસિકના પ્રથમ અંકમાં નોંધ કરવામાં આવી છે કે ‘ આ ‘સ્ત્રી મિત્ર’ માં મરદ લખનારાઓના લખાણ નહી લેતા, સ્ત્રીઓથી જ લખાય એવી ગોઠવણ કરી છે. આમ શરૂઆતથી જ આ સામાયિકને લેખો લખવાનું કાર્ય સ્ત્રીઓને સોપી દેવામાં આવ્યું હતું અન્ય સ્ત્રીઓને પણ આ સામાયિકમાં લેખો મોકલવા અનુરોધ કરવામાં આવ્યો છે.આ માસિકમાં પારસી અને હિંદુ એમ બંને સ્ત્રીઓ લખતી હતી. આ માસિકના પ્રથમ વર્ષના લેખોનો અભ્યાસ કરતા ખ્યાલ આવે છે કે જે સ્ત્રીઓએ પોતાના નામ ન જાહેર કરવાની શરતે લેખો પ્રગટ કરવાની શરત મૂકી હતી જે આ માસિકના સંચાલકે સ્પષ્ટ ના પાડી હતી. કારણ કે આ માસિકમાં પ્રગટ થતા લેખો સ્ત્રીઓ દ્રારા લખાય છે તેવો વિશ્વાસ સંપાદન કરવા માટે લેખો સાથે લેખિકાઓના નામ પણ પ્રગટ કરવામાં આવતા હતા. શરૂઆતના અંકોમાં શીરીન ફ. પાટક, બાનુંબાઈ પેસતનજી નવરોજજી, જરબાનું પેસ્તનજી, મેહેરબાઈ ન. પટેલ, હીરાબાઈ ન. પટેલ, જાઈજી કોહલા, ગુલબાઈ રાણીના, આલીબી શાપુરજી, પ્રેમકોર મોદી, નવાજબાઈ પાદશાહ, મહેરબાનું દાવર, રતનબાઈ ઘડીઆલી, શીરીન નાણાવટી, ધનબાઇ શેઠના વગેરે સ્ત્રીઓ લખતી હતી. આ માસિકમાં માત્ર સ્ત્રીઓ જ લખતી હોવાથી સ્ત્રીઓના પ્રશ્નો કે સમસ્યાઓને અહી બરાબર રજુ કરવામાં આવતા હતા.

પ્રથમ વર્ષના અંકોના અભ્યાસ પરથી ખ્યાલ આવે છે કે બોધ અને રમુજ માટે દરેક અંકમાં વાર્તાઓ આપવામાં આવતી. સૌથી વધારે લેખો સમાજમાં સ્ત્રીઓની ફરજો અને સ્ત્રી કેળવણીની હિમાયત કરતા જોવા મળે છે જેમાં ‘કુટુંબમાં સંપ’, ‘પારસીઓમાં ઉંચી સ્ત્રી કેળવણી’, ‘કેળવણી એક શાખા તરીકે’, ‘સ્ત્રી એક માતા તરીકે’, ‘છોકરીમાંથી સ્ત્રી’, ‘સ્ત્રીની પોતાના ધણી અને ઘરની ફરજો’, ‘મારી બેનપણીઓને શિખામણ’,નેક પત્ની,‘આબરૂ પામવાના છ પગથીયા’,’સ્ત્રી જાતિનો ખરો સરગાણ શું?’, ‘સ્ત્રી માતા તરીકે’, ‘જુવાનોને શિખામણ, ‘છોકરીઓએ શું શીખવું જોઈએ’ વગેરે ફરજો વિશે સ્ત્રીઓને વાકેફ કરવામાં આવતી હતી. સ્ત્રીઓને લગતા વિવિધ પ્રકારના હુન્નર શીખવા માટે રસોઈની વિવિધ વાનગીઓ, સીવવા અને ભરત-ગુંથણ વિશેનું જ્ઞાન દરેક અંકમાં ચિત્ર સાથે આપવામાં આવતું હતું.. નામચી સ્ત્રીઓના જન્મ ચરિત્રો’ના મથાળા હેઠળ દર અંકમાં વિદેશી અને ભારતીય સ્ત્રીઓના જીવન ચરિત્રો તેના ફોટા સાથે આપવામાં આવતા હતા.

આમ આ માસિકનું સ્વરૂપ સ્ત્રીઓની સમાજમાં વિવિધ ભૂમિકા,મનોરજન અને વિવિધ પ્રકારના હુન્નર શીખવા ઉપરાંત સ્ત્રી કેળવણીના વિકાસથી આવેલા પરિવર્તનને અહી વિવિધ લેખો દ્રારા રજુ કરવામાં આવ્યું છે. આ સામયિકેએ માત્ર સ્ત્રી લેખિકાઓ દ્રારા જ ચાલતું હોવાથી સ્ત્રીઓ પોતાના પ્રશ્નો,સમસ્યાઓ અને પોતાની સ્થિતિ અંગેની મનોદશાઓનું વર્ણન પોતાના શબ્દોમાં રજુ કરવાની તક પૂરી પાડી હતી.

સુંદરી સુબોધ :

ઈ.સ. ૧૯૦૪માં અમદાવાદના બંધુ સમાજે ‘સુંદરી સુબોધ’ સામાયિકને જન્મ આપ્યો.આ સમયે સ્ત્રી બોધ માસિક મુબઈથી પ્રગટ થતું હોવાથી અમદાવાદમાં સેવાકીય પ્રવૃત્તિ સાથે જોડાયેલ બંધુ સમાજને એક સ્ત્રી માસિકની આવશ્યકતા ઉભી થઇ જેના પરિપાક રૂપે આ સામાયિક શરુ થયું. ‘સ્ત્રીઓની સંસારિક, માનસિક,નૈતિક, ધાર્મિક અને શારીરિક ઉન્નતિ કરવી’ એ આ પત્રનો મુખ્ય હેતુ હતો. આમ બંધુસમાજે સ્ત્રી કેળવણી અને સંસાર સુધારણાની પ્રગતિ માટે આ સામાયિક શરુ કર્યું હોવાથી દરેકને પરવડે તેમ આ સામાયિકનું વાર્ષિક લવાજમ રૂ.૧ રાખ્યું હતું. તેના કદ ૩૨ પૃષ્ટનું હતું.આ સામાયિકના મુખપૃષ્ઠ પર સાક્ષર કવિ ગોવર્ધનરામની ઉક્તિ ‘સ્ત્રી વિના ગૃહ નથી, ગૃહ વિના પ્રજા નથી, અને પ્રજા વિના રાજ્ય નથી..સ્ત્રીની ઉન્નતિ વિના દેશની ઉન્નતિ અશક્ય છે.’ એ અંકિત હતી.

સામાયિકના ત્રણ વર્ષના અંકોના અભ્યાસ પરથી ખ્યાલ આવે છે કે સ્ત્રી ઉપયોગી દરેક વિષયોની ચર્ચા કરવા માટે સામયિકમાં અલગ-અલગ વિભાગ પાડવામાં આવ્યા હતા જેમ કે વિદ્યાકળામાં સ્ત્રીઓના આરોગ્ય વિષક અને વિવિધ હુન્નર અને કલા-કૌશલ્ય સબંધિત લેખો આપવામાં આવતા. સાહિત્યના વિભાગમાં કાવ્ય કુંજ અને વાર્તાલહરી અંતર્ગત કાવ્યો અને વાર્તાઓ આપવામાં આવતી.રમણીમણિમાળા અંતર્ગત પ્રેરણારૂપ સ્ત્રીઓના જીવન ચરિત્રો આપવામાં આવતા. ગૃહધર્મમાં સ્ત્રીઓ દ્રારા સમાજમાં બજાવવામાં આવતી ફરજોનું ચિત્રણ કરવામાં આવતું હતું. વર્તમાનરંગમાં વિવિધ સંસ્થાઓ દ્રારા સ્ત્રી ઉન્નતિ માટે થયેલી પ્રવૃત્તિ અને સમયતરંગમાં સ્ત્રી વિષયક સમાચાર આપવામાં આવતા હતા.

આ સામાયિકના દરેક અંકમાં કાવ્યકુંજ અને વાર્તાલહરીના શીર્ષક હેઠળ કાવ્યો અને ટૂંકી વાર્તાઓ સ્ત્રીઓના સમાજ જીવન અને કેળવણીને કેન્દ્રમાં રાખી લખવામાં આવતા હતા. કાવ્યકુંજમાં ‘સ્ત્રીબોધનું કાવ્ય’, ‘સ્ત્રીની પરીક્ષા’,‘સ્ત્રી ગીતાવલી’, ’સખી પત્યે શિખામણ’ વગેરે કાવ્યો પ્રગટ કરવામાં આવતા હતા, જયારે વાર્તાલહરીની વાર્તાઓમાં ‘અનિલા’, ’ઉર્મિલા’, ’ઓરમાન છોકરા’, ’રતનનો સુધરેલો સંસાર’, ’રાજપૂત વીરાંગના’, ‘ખુશકારક ભૂલવની’, ’સ્ત્રીનું હૃદય’ તથા ‘પતિ-પત્ની જેવી વાર્તાઓ સામાજિક પ્રશ્નોને વણી લઇ બોધપ્રદ વાર્તા આપવામાં આવતી હતી.

ગૃહ ધર્મના મથાળા હેઠળ હેઠળ ‘આપણો ગૃહ સંસાર : પુત્રી’, ‘વિદ્ર્વાન પત્ની’, ‘વહુના ધર્મ વિષે નિબંધ’, ‘સ્ત્રીઓને સમજવા જેવી વાતો’, ‘ભણેલી અને અભણ સ્ત્રીથી તેના કુટુંબ ઉપર થતી અસર’, ‘અભણ માતાથી છોકરા પર થતી અસર’, ‘હિંદુ સ્ત્રીઓનું જીવન’, ‘પત્ની તરીકે સ્ત્રીની લાયકાત’, ‘વિદ્ર્વાન પત્ની’, ‘રોગ નિવારક ગૃહ, ‘બાળ લગ્ન વિશે સંવાદ’ વગેરે લેખો દ્રારા સમાજમાં સ્ત્રીની ભૂમિકા અને કેળવણી પાપ્ત કરેલી સ્ત્રીથી સમાજમાં થતા ફાયદા અને પ્રચલિત કુરિવાજોના દોષોને ઉજાગર કરવામાં આવતા હતા.

રમણીમણિમાલાના મથાળા હેઠળ ભારતની મહાન સ્ત્રીઓના જન્મ ચરિત્રો જેવા કે ‘દમયંતી’, ‘અહલ્યાબાઈ હોલકર’, ‘પ્રાચીન ભારતના સ્ત્રી રત્નો’, ‘જાપાનની મહારાણી’, ‘હિદુસ્તાનની વિરાગનાઓ’ વગેરે લેખો દ્રારા સ્ત્રીઓને પ્રેરણા પૂરી પાડવામાં આવતી. વિદ્યાકળાના મથાળા હેઠળ સ્ત્રીઓના પરંપરાગત કાર્યો ભરત-ગુંથણ, રસોઈની વિવિધ વાનગીઓ અને આરોગ્ય વિષયક લેખો આપવામાં આવતા જેમાં ‘સ્ત્રીઓના નબળા શરીરના કારણો’, ‘રસોઈના તમાશા’, ‘માએ છોકરા ઉછેરતી વખતે રાખવી જોઈતી સાવચેતી’, છોકરાઓની માવજત’, ‘સ્ત્રીઓના નબળા શરીરના કારણો’, ‘સુવાવડ’, ‘શરીરવિજ્ઞાન’, ‘સ્ત્રી બાળકોના બાંધા’, ‘બાળકોની કુટેવ ટાળવાના ઉપાય’ વગેરે જેમાં આરોગ્ય વિષય લેખો ડોક્ટર કે વૈધ દ્રારા જ લખવામાં આવતા હતા.

આ સામયિકમાં સ્ત્રીઓને દેશ-વિદેશના બનાવોથી માહિતગાર કરવા બંધુ સમાજના સંપાદન હેઠળ ‘વર્તમાનરંગ’ અને ‘સમય તરંગ’ના વિભાગો હતા. ‘વર્તમાનરંગ’માં સમાચાર પત્રો કે સામયિકોમાં પ્રગટ થતા સ્ત્રી ઉપયોગી લેખોનો સાર અને વિવિધ સંસ્થાઓ, મંડળો કે પ્રસંગઓએ કરેલા સ્ત્રી વિષયક ભાષાનો પણ અહી આપવામાં આવતા હતા. સ્ત્રી વિષયક સંસ્થાઓના અહેવાલો અને સ્ત્રી વિષયક પ્રવૃત્તિઓ, જેવી ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ, સંસાર સુધારા સમાજ,ભારત મહિલા પરિષદ વગેરેમાં આપેલા ભાષાણોનો અને ઠરાવો પણ અહી પ્રગટ કરવામાં આવતા હતા. ૧૯૦૪માં ડીસેમ્બર માસમાં મુંબઈમાં સંસાર સુધારા સમાજ, ભારત મહિલા પરિષદ યોજાઈ હતી.જેમાં સ્ત્રીની ઉન્નતિ માટે પ્રસાર કરવામાં આવેલા ઠરાવોની સાથે વિદ્યાગોરી નીલકંઠ, શારદાગૌરી અને રમાબાઈ રાનડેનું ભાષણ પ્રગટ કરવામાં આવ્યું હતું. (૨:૫, ૧૦૨-૧૧૭) દેશમાં બનતા રાજકીય બનાવો અને તેમાં સ્ત્રીઓની ભાગીદારી વિશે માહિતગાર કરવામાં આવતી હતી.સમયતરંગમાં દેશ વિદેશના સ્ત્રીઓને સબંધિત સમાચારો પ્રગટ કરવામાં આવતા હતા. સામાજિક દુષણોના બનાવો,સમાજ સુધારણાની પ્રવૃત્તિ, કેળવણીનો વિકાસ અને અન્ય દેશોમાં સ્ત્રીઓની સ્થિતિ અને તેના ઉન્નતિ અંગે સમાચારો પણ અહી પ્રગટ કરવામાં આવતા હતા. ઉદાહરણ રૂપે આ સામાયિકના બીજા વર્ષના બીજા અંકમાં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની પરિષદમાં સ્ત્રી વિભાગનું પ્રદર્શન ગોઠવામાં આવ્યું, જે મહિલાઓના જાહેર જીવનનું ઘોત્તક છે. આ ઉપરાંત અમદાવાદમાં ડૉ. ધનબાઇ વાડિયા દ્રારા ચાલતું સ્ત્રી દવાખાનની સ્થાપના તથા જાપાનમાં કુમારિકાના લગ્નની વય અંગેના કાયદાઓ આ ઉપરાંત વિવિધ અંકોમાં વિવિધ જ્ઞાતિઓ દ્રારા બાળલગ્ન નિષેધ, કન્યા વિક્રેય પ્રતિબંધ અને વિવિધ વિવાહને ઉતેજન કરેલા ઠરાવો પણ અહી વિગતે પ્રગટ કરવામાં આવતા હતા. આ સમાચારો સ્ત્રીઓને દેશ વિદેશમાં બનતી ઘટનાઓથી વાકેફ રાખીને સામાજિક દુષણોને તિલાંજલિ આપવા તથા જાહેર જીવનમાં ભાગ લેતી કરવા પ્રેરણારૂપ હતા.

આ સામાયિક દ્રારા સ્ત્રી લેખનને ઉત્તેજન આપવાના હેતુથી ‘ધનકુંવરબા ઇનામમાળા’ પણ શરુ કરવામાં આવી હતી.જેમાં સ્ત્રીઓને લગતા વિવિધ વિષયો પર નિબંધ મગાવવામાં આવતા હતા. આ ઇનામ માળા અંતર્ગત સૌપ્રથમ ગંગાબાઈ (દિલ્હી)ના નિબંધ ‘ભણેલી અને અભણ સ્ત્રીથી તેના કુટુંબ ઉપર થતી અસર’ વિષય પર પાપ્ત થયું હતું. (૧: ૯ પૃ. ૧૯૬-૨૦૦)આ નિબંધમાં ભણેલી અને અભણ સ્ત્રીની સમાજ પર કેવી અસર થાય છે તેનું ઉદાહરણ સાથે સમજાવી સ્ત્રી શિક્ષણની હિમાયત કરવામાં આવી છે. સ્ત્રી લેખન ઉત્તેજનના પરિણામે આ સામાયિકના પ્રથમ વર્ષમાં ૫ સ્ત્રી લેખકો પાસેથી ૫ લેખ બીજા વર્ષે ૭ સ્ત્રી લેખકો પાસેથી ૭ લેખ અને ત્રીજા વર્ષે ૧૩ સ્ત્રી લેખકો પાસેથી ૨૦ લેખો પ્રકટ થયા હતા સુંદરી સુબોધની વિશેષતાએ હતી કે સ્ત્રીઓના લખાણના ઉતેજનના આપવાના ભાગ રૂપે સ્ત્રીઓ દ્રારા જ લખાયેલા ખાસ અંકો સમયાંતરે કરવામાં પ્રગટ આવતા હતા. જાન્યુઆરી ૧૯૦૫માં અંક પાંચમો અને આવો જ એક પહોળો અંક ડીસેમ્બર- જાન્યુઆરી, ૧૯૧૧-૧૨નો અંક ૪-૫ પ્રગટ કરવામાં આવ્યા હતા. આ ખાસ અંકમાં સ્ત્રીઓ દ્રારા અન્ય વિષયો ઉપરાંત સમાજ સુધારણાનું પ્રેરકબળ સ્ત્રી કેળવણી વિશે પોતાના વિચારો પ્રગટ કર્યા હતા.જેમાં ‘સ્ત્રીઓને શિક્ષણ કેવી રીતે આપવું ?’ (શારદાબેન મેહતા, પૃ. ૧૬૮-૧૭૫), ‘સ્ત્રીઓને કેવી કેળવણી મળવી જોઈએ’ (માણેકબેન, પૃ. ૧૭૫-૧૭૯), ‘સ્ત્રી કેળવણી’ (સુંદરબેન, પૃ. ૧૭૯-૧૮૦), ‘સ્ત્રીઓ માટે લાઈબ્રેરી’ (પ્રમિલાબેન, પૃ. ૧૮૦-૧૮૩), ‘સ્ત્રી પ્રયાસ (શારદાબેન મેહતા, પૃ. ૧૮૩-૧૮૬), ‘સ્ત્રીઓનું કર્તવ્ય’ (સાકરબેન, પૃ.૧૧૦) જેવા ગુજરાત સમાજ સુધારક બહેનો દ્રારા સ્ત્રી કેવા પ્રકારની કેળવણીની આવશ્યકતા છે તે અંગે પોતાના વિચારો રજુ કરવામાં આવ્યા હતા.આ લેખો એ સમયમાં સ્ત્રી અધિકારો પત્યેની જાગૃતિના સૂચક છે. આ ઉપરાંત આ અંકમાં સૌથી ધ્યાન આકર્ષણ બાબત ભુપેન્દ્ર બસુએ વડી ધારાસભામાં હિંદુ લગ્ન સબંધી જે બીલ રજુ કર્યું તે અંગે સ્ત્રીઓએ પોતાના જે વિચારો રજુ કર્યા તે હતું. જેમાં આ બીલની વિરુદ્ધમાં ગુજરાતી હિંદુ સ્ત્રી મંડળના પ્રમુખ જમનાબાઈ સક્કઈનો લેખ (ઓનરેબલ મિ.ભુપેન્દ્ર બસુએ વડી ધારાસભામાં રજુ કીધેલું હિંદુ લગ્નસબંધી બિલ’ તેની વિરુદ્ધમાં આપેલું ભાષણ’ ( પૃ.૨૦૫-૨૧૨) અને આ બીલની તરફેણમાં વિદ્યાબેન નીલકંઠનો ‘બસુ બિલની તરફેણમાં : એક વિદુષી સન્નારીનો અભિપ્રાય’ (પૃ.૨૧૩- ૨૧૬) લેખમાં ખુબ જ વિસ્તાર પૂર્વક આ ખરડાથી લગ્ન અંગેના ફાયદા અને ગેર ફાયદાની ચર્ચા કરવામાં આવી છે. જે ચર્ચા સ્ત્રીઓઓમાં પોતાના પ્રશ્નો પત્યેની જાગૃતિ અને જ્ઞાનના ઉદયનું સૂચક છે.

ઓક્ટોબર ૧૯૧૦ આ સામાયિકનું સંચાલન બંધુ સમાજે રામ મોહનરાય જસવંતરાય દેસાઈને સોપ્યું. રામ મોહનરાય જસવંતરાયના તંત્રીપણા હેઠળ આ સામાયિકના ગ્રાહકો અને લોકપ્રિયતામાં વધારો થતા ઈ.સ.૧૯૧૪માં આ માસિક મૂળ ૩૨ પૃષ્ઠોમાંથી ૧૦૦ પૃષ્ઠોનું કરવામાં આવ્યું. એટલે કે દરે માસે આ માસિકની એક નાની અને એક મોટી એમ બે આવૃત્તિ પ્રગટ થવા લાગી.

આ સામાયિકએ બાળલગ્ન, પરદાપ્રથા, વિધવાપ્રથા, કન્યા વિક્રય, બહુ પત્નીત્વ, મૃત્યુ પાછળ જમણવાર, મૃત્યુ પાછળ રડવા કૂટવાનો રીવાજ વગેરે સમસ્યાઓને સારી રીતે ઉજાગર કરી હતી. નારી પ્રતિષ્ઠાની ઉચ્ચ ભાવના પ્રસ્થાપિત કરવા અને ગુજરાતી સ્ત્રીઓમાં જાગૃતિ લાવવામાં આ સામાયિકએ મહત્વની ભૂમિકા ભજવી હતી.જે અંગે આ સામાયિકના સાત વર્ષ પૂર્ણ થતા સાત વર્ષની તેની સ્ત્રી ઉપયોગી કામગીરીનું સરવૈયું કાઢીને હવે પછી ના અંકોમાં કેવા પ્રકારના વિષયો ચર્ચવા જોઈએ, જેમાં વિધવા વિવાહ ઇષ્ટ છે કે કેમ, દરેક વિધવા સન્યાસીઓનો ધર્મ પાળી શકવા સમર્થ થઇ શકે કેમ, બાળ લગ્ન કેવી રીતે અટકાવવા,કેવા પ્રકારની કેળવણીથી સ્ત્રીને લાભ થાય,રાંધવું અને સંતાન ઉછેર એ જ માત્ર સ્ત્રીઓનું કર્તવ્ય છે કે અન્ય ક્ષેત્રમાં પણ તેમની ઉન્નતિ થઇ શકે જેવા સર્વ પ્રકારના વિચારો ચર્ચવા અને તેના લાભ અને ગેરલાભ પ્રદર્શિત કરવા સંપાદકો તરફથી સ્ત્રી લેખકોને અનુરોધ કરવામાં આવે છે. આ બાબત સામયિકોના સંપાદકો તરફથી સ્ત્રી ઉન્નતિ માટે કરવામાં આવતા પ્રયાસનું ઉત્તમ ઉદાહરણ છે. અંતે અહી દેશમાં સ્ત્રીઓની સ્થિતિને ઉજાગર કરતા શારદાબેનના સ્ત્રી અંગેના વિચારો પ્રદર્શિત જણાવે છે કે,
“આપણા દેશની સ્ત્રીઓ માનસિક કે શારીરિક શક્તિમાં અન્ય દેશ કરતા જરા પણ ઉતરતી નથી.માત્ર પ્રયાસની જરૂર છે.પરાપૂર્વથી ચાલતી આવેલી રૂઢીને લીધે અમે સ્ત્રીઓ એટલા પછાત પડી ગયા છીએ કે, પુરુષોએ અમારી અવગણના કરી છે ને અધમ પંક્તિએ આણી મુક્યા છે, કે તેમાંથી ઉધ્ધાર થવો મુશ્કેલ છે. સ્ત્રીઓએ સ્વાત્મબળથી પ્રયાસ કરવાનો છે, એક નિષ્ઠાથી જો પ્રયાસ થશે, તો સુફળ પાપ્ત થશે એ નિ:સંશય છે. હજી તો સ્ત્રીઓની ફરજો શી છે તેનું જ અજ્ઞાન છે. પતિ સેવા અને કુટુંબ સેવામાં જ સ્ત્રીના કર્તવ્યની પર્યાપ્તિ થઇ મનાય છે. પરંતુ જન સમાજની સેવા એ પણ સ્ત્રીનું મહાન કર્તવ્ય છે.” (૮:૧, પૃ.૭-૮)
આમ સુંદરી સુબોધએ હમેશા સ્ત્રી કેળવણી હિમાયતી રહ્યું હતું. જેનું ઉદાહરણ અમદાવાદની ગુજરાતી સાહિત્ય સભા તરફથી એમના પ્રમુખ રમણભાઈ નીલકંઠએ ‘કન્યાઓ અને સ્ત્રી કેળવણી’ નામની ગુજરાતી વિદ્રવાનો અને સાહિત્યકારને એક પ્રશ્નમાળા મોકલી હતી જે આ સામાયિકના ૧૯૧૬ના ફેબ્રુઆરી માસમાં પ્રગટ કરવામાં આવી હતી.જેના પત્યુત્તરરૂપે વર્તમાન સમયમાં સ્ત્રી શિક્ષણમાં રહેલી ખામીઓ દુર કરવા અને વય પ્રમાણે કેવા પ્રકારનું કેળવણી સ્ત્રીઓને આપવી જોઈએ તે અંગે મહત્મા ગાંધીજી, શારદાબેન મેહતા, કૃષ્ણલાલ ઝવેરી, કેશવપ્રસાદ દેસાઈ, વિશ્વનાથ પાઠક અને પ્રાણશંકર લલ્લુભાઈ અને અન્ય સ્ત્રી સંસ્થાઓએ મોકલેલા ઉત્તરોને એપ્રિલ-મેં ૧૯૧૬ના અંકમાં એંસી પૃષ્ઠોમાં આપવામાં આવ્યા છે. જે સ્ત્રી કેળવણીની હિલચાલને આ માસિક દ્રારા સારી વાંચા આપવામાં આવી હતી.

ગુણ સુંદરી અને સ્ત્રી હિતોપદેશ :

‘ગુણ સુંદરી અને સ્ત્રી હિતોપદેશ’ જયકૃષણ વર્મા અને હીરાલાલ ગણાત્રા સંચાલન હેઠળ સપ્ટેબર ઈ.સ. ૧૯૨૩માં શરુ કરવામાં આવ્યું હતું. આ સામાયિકના પ્રથમ અંકમાં હેતુ સ્પષ્ટ કરતા જણાવે છે કે,
“ગુજરાતમાં આજેકાલ થોકડાબંધ માસિકો નીકળી રહ્યા છે. સ્ત્રી ઉપયોગી માસિકો પણ કેટલાક છે.ત્યારે આ નવીન માસિક શા માટે ? કેટલાક સ્ત્રી ઉપયોગી માસિકો આપણી ભાષામાં લાંબા વખતથી નીકળે છે. પણ અમારા નમ્ર અભિપ્રાય પ્રમાણે સ્ત્રીઓને ઉપયોગી થઇ પડે એવા ઘણા વિષયોને તેમણે ન્યાય આપ્યો નથી,પરિણામે સ્ત્રી વર્ગમાં તે માસિકો જેટલા પ્રિય થવા જોઈતાં હતા તેટલા થયા નથી” (સપ્ટેબર, ૧૯૨૩, ૧(૧), પૃ.૨-૩)
આ માસિકનું નામ ‘ગુણસુંદરી’ એ ‘સરસ્વતીચંદ્ર’નું પ્રખ્યાત પાત્ર ગુણસુંદરી પરથી રાખવામાં આવ્યું. ગુજરાતી હિંદુ સ્ત્રી મંડળ દ્રારા ચાલવામાં આવતું ત્રૈમાસિક ‘સ્ત્રી હિતોપદેશ’ને આ સામાયિક સાથે શરૂઆત જ જોડી દેવામાં આવતા આ માસિકનું નામ ‘ગુણ સુંદરી અને સ્ત્રી હિતોપદેશ’ એવું રાખવામાં આવ્યું. આમ આ સામાયિક શરૂઆતથી જ મુંબઈના ગુજરાતી હિંદુ સ્ત્રી મંડળના મુખપત્ર તરીકે પ્રગટ થવા લાગ્યું. પ્રથમ અંકમાં આ સામયિકમાં કેવા-કેવા વિષયોને સ્થાન આપવામાં આવશે. જે મુજબ સ્ત્રી વિષયક ધાર્મિક,સામાજિક અને રાજકીય પ્રશ્નો, સ્ત્રીઓનું જાહેર જીવન, સ્ત્રીઓના ધર્મ, સમાજસેવા,સ્ત્રીઓનું ગૃહ જીવન, સામાજિક સ્ત્રીઓનું જાહેર જીવન, સ્ત્રી વિષયક સામાજિક,ધાર્મિક અને રાજકીય પ્રશ્નો, સ્ત્રીઓનુંગૃહજીવન, ગૃહવ્યવસ્થા, શિવણ, ભરત, ગુંથણ, સતીઓ અને મહાપુરુષોના જીવન ચરિત્રો, બોધ્ધદાયક રસીલી વાર્તાઓ, સામાન્ય આરોગ્ય જ્ઞાન, નીતિ જ્ઞાન, દેશ પરદેશના સ્ત્રી સમાચાર અને જુદી જુદી ભાષામાં નીકળતા સુંદર માસિકોના જાણવા યોગ્ય લેખો વગેરે. આ માસિકની ભાષા ઓછુ ભણેલી સ્ત્રી વાંચી અન સમજી શકે તે માટે સંચાલકો તરફથી શરૂઆતથી જ સરળ રાખવાના પ્રયત્ન કરવામાં આવ્યા હતા. આ માસિકનું કદ ૬૪ પૃષ્ઠ અને વાર્ષિક લવાજમ રૂ.૩.૮ પૈસા હતું.

આ સામાયિકની વિશેષતાએ હતી કે આ માસિક સ્ત્રીઓના તંત્રીપણા નીચે ચાલે અને સ્ત્રીઓના પ્રશ્નો સ્ત્રીઓ રજુ કરે તે માટે આ સામાયિકના સંપાદકોએ સામયિકના જુદા જુદા અંકો જુદી જુદી બહેનોના તંત્રીપણા હેઠળ પ્રગટ કર્યા હતા. આ સામાયિકના શરૂઆતના અંકોમાં હંસાબેન મેહતા, વિનોદિનીબેન, જ્યોત્સના મેહતા, દીપકબા દેસાઈ, ચૈતન્યબાલા મજમુદારએ પોતાની કલમ દ્રારા સ્ત્રીઓની ઉન્નતિના વિચારો રજુ કર્યા. ભાનુમતિ ત્રિવેદી, પદમાવતીબેન, સરસ્વતીબેન, કુસુમકુમારીબેનએ મનમોહક રસસાહિત્યના દર્શન કરાવ્યા હતા. વસંતલતાબેનનું ગુંથણ સાહિત્ય અંગેના લેખો બહેનો ઉપયોગી થયા હતા. આ સામાયિકમાં તંત્રીએ નોધે છે કે ‘ગુણ સુંદરીઓ પોતાના વિચારોથી ગુજરાતની બીજી ગુણસુંદરીઓને ઘડે અને જાગૃતિ પ્રકટાવે એ મહત્વનું છે. આ માસિકના તંત્રીઓ તરીકે બહેનો હોવાથી આ માસિકમાં સ્ત્રીઓના પ્રશ્નોને ઘણું બળ મળ્યું હતું. આ ઉપરાંત કવિ બોટાદકર, કેશવશેઠ, ન્હનાલાલ પટેલ, રમણીક મેહતા વગેરેના કાવ્યોથી સ્ત્રીઓને સાહિત્યનો રસાસ્વાદ અને પુરુષોત્તમ માવજી,સુમંત મહેતા, કૃષ્ણલાલ ઝવેરી, ગોકુલદાસ રાયચુરા, હરગોવિંદદાસ કાંટાવાળાની કલમએ સ્ત્રીઓના પ્રશ્નો આ સામયિકમાં સારી રીતે ઉજાગર કર્યા હતા.

આ સામાયિકની બીજી વિશેષતા એ વિદેશી સ્ત્રીઓના જીવન વિશેના લેખો હતા જેમાં આલ્બેનિયાની સુંદરીઓ(શ્રીયુત ભાવિક),જાપાનની સ્ત્રીઓ(હંસાબેન મહેતા),ઇંગ્લેન્ડની સ્ત્રીઓ(સરોજિની મેહતા),ચીનની સ્ત્રીઓ વગેરેમાં સ્ત્રીઓનું જીવન, પોશાક, રીતભાત, અધિકારો, સ્વતંત્રતા, સમાજમાં સ્થાન, સ્ત્રીઓનું જાહેર જીવન વગેરે વિષયોને આ લેખમાં આવરી લઈને અહિયાંની સ્ત્રીઓને ભાન કરવા અહિયાંની સ્ત્રીસ્થિતિ સાથે સરખામણી પણ કરવામાં આવી હતી.જેમાં સરોજનીબેન મહેતાએ પોતાના ઇંગ્લેન્ડના રોકાણ દરમ્યાન પોતાને થયેલા સ્વાનુભાવો ‘ઇંગ્લેન્ડની સ્ત્રીઓ’ન લેખમાં પોતાના શબ્દ વ્યક્ત કર્યા છે.

આ સામાયિકની ત્રીજી વિશેષતા તેના સ્ત્રી તંત્રી દ્રારા લખાયેલ ‘તંત્રીનોધ’ અને ‘સ્ત્રી જગત’, ‘વિવિધ વિષયો’અને ‘જ્ઞાન ગોઠડી’ હતું. ‘સ્ત્રી જગત’ના મથાળા હેઠળ પ્રાદેશિક અને દેશ-વિદેશના સ્ત્રી વિષયક સમાચારો ઝીણવટ પૂર્વક આપવામાં આવતા હતા. સ્ત્રી પર થતા અત્યાચારો, કુરિવાજો લગતા બનાવો, સ્ત્રી કેળવણી માટેના પ્રયત્નો વગેરે. ‘વિવિધ વિષયો’માં વિવિધ સમાચાર પત્રો અને સામયિકોમાં સ્ત્રીઓને લગતા લેખોનો સાર આપવામાં આવતા.જેમ કે ‘પ્રાચીન ઈજીપ્તનીમાં સ્ત્રીઓનું સ્થાન’, ‘સ્ત્રીઓની ચળવળ’, ‘હિન્દુસ્તાનમાં બાળ લગ્ન’ વગેરે વિવિધ સામયિકોના સ્ત્રી વિષયક માહિતી અને પ્રશ્નો અહી રજુ કરવામાં આવતા હતા. ‘જ્ઞાન ગોઠડી’ સ્ત્રીઓના સામાન્ય જ્ઞાનમાં વધારો કરવા માટે જાણવા લાયક સામાન્ય જ્ઞાન આપવામાં આવતું. તંત્રી નોધમાં દેશ-પ્રદેશમાં માં બનતી વિશિષ્ટ ઘટનાની માહિતી આપવામાં આવતી.જેમ કે પ્રથમ અંકમાં તંત્રી નોધમાં ‘જોધપુરમાં એક સ્વયંવર’, ‘રશિયાના રાજ્યતંત્રની દોરી ખેચનાર સ્ત્રી’, ‘આપણું ગૃહ જીવન’, ‘રાજકોટમાં બનેલો ભયંકર બનાવ’, ‘ચોમાસામાં શરીર રક્ષણ’ વગેરે નોધો જોવા મળે છે. આ નોધો એ સમયની સ્ત્રી જીવન અને કુરિવાજો પત્યે સ્ત્રીઓને જાગૃત કરવામાં મહત્વનો ફાળો છે જેમ કે આ સામાયિકના ત્રીજા વર્ષના દિવાળી અંકમાં નોધ મુજબ સ્ત્રીઓને પરંપરાગત કુરિવાજોને તિલાંજલિ આપવાનું અહવાન કરતા નોધ્યું છે કે
“પોતાની ઉચ્ચ ભાવનાઓ ને આદર્શોનો ભંગ થાય તો તે માટે પણ હશે કહી જતું કરી સંતોષ માનવાનો તેમનો સ્વભાવ છે જ્યાં આવી સ્થિતિમાં પણ સ્ત્રીઓ સંતોષ માને ત્યાં પ્રગતિની આશા કેવી રીતે રાખી શકાય ? આ કારણને લીધે જ આપની પ્રગતિની ગતિ અતિમંદ છે. ઘણા ખરાબ રીવાજો આપણા સમાજમાં સડારૂપ ચાલ્યા કરે છે. પણ એ રિવાજોનો નાશ કરવાને જોઈએ તેટલો પ્રયાસ થતો નથી. માટે જયારે આપણી બહેનોમાં અસંતોષ ફેલાશે-કાયદામાં તેમજ સમાજમાં પોતાને તથા અન્યાયો સમાજમાં સડારૂપ રહેલા ખરાબ રીવાજો સામે સ્ત્રીઓ અસંતોષ દર્શાવશે તોજ પ્રગતિની ગતિ વધવાનો સંભવ છે.”(૩:૨,પૃ.૧૯૦)
આ સામાયિકનો જન્મ ગાંધીયુગના રાષ્ટ્રીય આંદોલન થતા આ સ્વાતંત્ર સંગ્રામમાં ભાગ લેતી બહેનોના સમાચારો આ સામાયિકની તંત્રી નોધોમાં પ્રગટ થાય છે. જે સત્યાગ્રહમાં ભાગ લેતી બહેનો અને જેલ જીવન વેઠતી સ્ત્રીઓ,દારૂના પીઠાઓનું પીકેટીંગ,વિદેશી વસ્ત્રોનો બહિષ્કાર વિશેની માહિત પ્રગટ કરીને બહેનોનો જુસ્સો વધારવામાં આવતો હતો. ૧૯૩૦માં દાંડીકૂચ પછી ગુજરાત ભરમાં મીઠાના અન્યાયી કાયદા સામે થયેલા સત્યાગ્રહોમાં સ્ત્રીઓઓનું પ્રદાન વિશે આ સામાયિક દ્રારા જુન-૧૯૩૧અંક-૪ને વિશેષાંક તરીકે પ્રગટ કર્યો હતો જેમાં સત્યાગ્રહમાં જોડાયેલી અને જેલવાસ ભોગવેલ બહેનોના અનુભવો તેમની જ કલમ દ્રારા જ લખાયેલ છે.જેનો અભ્યાસ કરતા ખ્યાલ આવે છે કે ગાંધી યુગમાં સ્ત્રીઓ પોતાના અધિકારો પત્યે વધારે જાગૃત બની અને જાહેર જીવનમાં ભાગ લેતી થઇ.

આ સામાયિક દ્રારા જુલાઈ-૧૯૩૦નો ૫મો અંક મહિલા અંક તરીકે પ્રગટ કર્યો હતો જેમાં સ્ત્રી લેખકો દ્રારા લખેલા લેખોમાંથી સ્ત્રી જાગૃતિના દર્શન થાય છે.જેમાં હંસાબેન મેહતાનો ‘નિરક્ષરતા સામે લડત’(પૃ.૨૯૯),લક્ષ્મીબાઈ ‘સ્ત્રીઓ અને દેશ સેવા’(પૃ.૩૦૧-૨), રત્નબાઈ મહેતાનો ‘આજની લડત અને સ્ત્રીઓ’(પૃ.૩૦૩-૧૦), કુમુદ મેહતા નો ‘સ્ત્રીઓઅને વહેમ’ (પૃ.૩૧૧), તારાબાઈ ‘બાળલગ્ન પ્રતિબંધક કાયદો’ (પૃ.૩૧૨-૧૪), ગંગાબેન પટેલ ‘સ્ત્રીઓ શું ન કરી શકે ?’ (૩૧૮-૨૦) કુમારી બચુબેન ‘હિન્દી સ્ત્રીઓ અને સ્વરાજ સંગ્રામ’ (પૃ.૩૨૧-૩૨૩), મોહનદાસ ગાંધી ‘ચોકી કેમ કરવી’ (૩૪૦-૩૪૧) વગેરે લેખોના અભ્યાસ પરથી સ્ત્રીઓનું મુક્તિ સંગ્રામ ફાળો અને જાહેર જીવનમાં તેમની ભાગીદારીનું મહત્વ જાણી શકાય છે.

આ ઉપરાંત પરંપરાગત ચાલ્યા આવતા જ્ઞાતિ બંધો અને કુરિવાજોના દુષણો અને સમાજમાં ઉભા થતા પ્રશ્નોને અહી સારી રીતે ઉજાગર કરવામાં આવ્યા છે જેમ કે ‘કરવેરાના ભાર લાવ્યા’ ( ૩:૨, પૃ.૧૧૯-૨૧) નામના લેખમાં શારદાબેન મેહતા એ જ્ઞાતિના બંધો પ્રમાણે જન્મ,લગ્ન અને મરણ સમયે કરવામાં આવતા ખોટા ખર્ચાની અહી ટીકા કરી છે.ગરીબ માણસ જ્ઞાતિના બંધનોને કારણે આ ખર્ચમાં પીસાય છે. આ લેખમાં લગ્ન થતા ખોટા ખર્ચા અને મરણ પછીનું જમણવારને તિલાંજલિ આપવાનો અનુરોધ કરે છે. ‘ક્યાં છે એ વ્યક્તિ? (બાળ લગ્ન)’ (૩:૨, પૃ.૧૪૩- ૪૪) અંગેનો સુમંત મહેતાનો બાળ લગ્ન અને તેના પરિણામે નાની વયે વિધવા બનતી સ્ત્રીઓની કરુણ સ્થિતિને વર્ણન કરીને બાળ લગ્નથી સર્જાતી અનેક સમસ્યાઓને ઉજાગર કરી છે. આ પ્રથા બંધ કરવા કોણ તૈયાર થશે ?, એવા ઉદગાર કાઢી આ પ્રથાનો અંત કરવા સ્ત્રીઓએ સંગઠિત થઈને કામ કરવાની હાકલ કરે છે. ‘આપણી સ્ત્રી કેળવણી’ના ઈન્દુમતી દિવાનના લેખમાં ૮ ડીસેમ્બર ૧૯૩૦ના રોજ ગુજરાત પ્રાંતિક મહિલા પરિષદ ઈન્દુમતીબેનના પ્રમુખપદે જેમાં તેમણે આપેલા ભાષણ અહી પ્રગટ કરવામાં આવ્યું છે જેમાં તેઓએ સ્ત્રી કેળવણીનું મહત્વ, સ્ત્રી કેળવણીની વર્તમાન સ્થિતિ, સ્ત્રીનું કુટુંબમાં સ્થાન અને આર્થીક સ્થિતિ, સ્ત્રી માનસ, અસમાનતા માટે સ્ત્રીની જવાબદારી, જાહેર જીવનમાં સ્ત્રીઓનું સ્થાન વગેરે મુદ્દાઓ સ્ત્રીઓની સ્થિતિની ચિત્રણ કર્યું હતું. આ પરિષદમાં સરકાર દ્રારા બાળલગ્ન અટકાવવા પસાર થયેલા શારદા બીલની જનમાનસમાં આ કાયદાની માહિતી ફેલાવવા અને બાળ લગ્નની વિરુધ્ધ પ્રજા મત કેળવવા માટે જુદા જુદા સ્થળે પ્રચાર કરવાનો ઠરાવ કરી સ્ત્રીઓને અનુરોધ કરવામાં આવ્યો છે. (૧૩:૫, પૃ.૩૨૬-૩૬) પદમાવતી ગાંધીનો ‘પેટાજ્ઞાતિઓના સાંકડા વાડા અને લગ્ન સંબંધી મુશ્કેલીઓ’નો લેખ જ્ઞાતિબંધોથી એ સમયે લગ્નોમાં ઉભી થતી મુશ્કેલીઓ રજુ કરી છે.

ઈ.સ. ૧૯૦૯માં બાજીગૌરીબેન મુનશીના તંત્રીપદે વનિતા વિશ્રામ-સુરતના મુખપત્ર તરીકે શરુ થયેલું ‘વનિતા વિજ્ઞાન’, ભાવનગરમાંથી ઈ.સ.૧૯૧૮માં શરુ થયેલું ‘સ્ત્રી સુખ દર્પણ’, રુકમણીબેનના તંત્રીપદે ઈ.સ. ૧૯૨૦માં જૈન વનિતા વિશ્રામ-સુરતના પત્ર તરીકે ‘મહિલા ભૂષણ’ તથા ગુજરાત વર્નાક્યુલર સોસાયટી તરફથી ઈ.સ. ૧૯૨૧માં વિદ્યાબેન નીલકંઠ અને શારદાબેન મહેતા તંત્રીપદે પ્રગટ થતું મહિલા મિત્ર(વાર્ષિક) જેવા સામયિકોએ સ્ત્રી કેળવણી, સ્ત્રીઓની સંસારિક અને ધાર્મિક પ્રવૃત્તિઓને સારી વાંચા આપી હતી.

નોંધ : અવતરણોની ભાષા અને જોડણીના મૂળ પ્રમાણે.

સંદર્ભ
  1. Shukla, Sonal. 1991. Cultivating Minds 19th Century Gujarati Women’s Journals. Economic and Political Weekly, 26(43) : 63-66.
  2. માર્શલ, રતન રુસ્તમજી. ૧૯૫૦. ગુજરાતી પત્રકારિત્વનો ઈતિહાસ. સુરત : ગાંડીવ સાહિત્ય મંદિર.
  3. દેસાઈ, કુમારપાળ (સંપા.). ૧૯૮૦/ ૧૯૯૯. સાહિત્ય અને પત્રકારત્વ. અમદાવાદ : ગુજરાતી સાહિત્ય પરિષદ.
  4. સ્ત્રીબોધ. ૧૮૫૭- ૧૮૬૧. (પુસ્તક: ૧-૫). મુબઈ: દફતર આશકારા પ્રેસ.
  5. સ્ત્રી મિત્ર. ૧૯૮૯- ૯૧. (પુ.૧-૩). મુબઈ : કયસરે હિન્દ પ્રેસ.
  6. સુંદરી સુબોધ. ૧૯૦૩- ૦૮(પુ.૧-૫). અમદાવાદ: બંધુ સમાજ.
  7. ગુણ સુંદરી અને સ્ત્રી હિતોપદેશ. ૧૯૨૩- ૧૯૨૭. (પુ.૧-૫). મુબઈ: ગુજરાત હિંદુ સ્ત્રી મંડળ.
  8. દેસાઈ, રામમોહનરાય. ૧૯૨૫. સ્ત્રી ઉપયોગી ગુજરાતી પત્રો. મહિલા મિત્ર (વાર્ષિક). ૩ :૧૬૪-૧૭૨.
ડૉ. રમેશ એમ. ચૌહાણ, મદદનીશ પ્રાધ્યાપક, સમાજવિજ્ઞાન અને સમાજકાર્ય ભવન (ઈતિહાસ), ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી, જુનાગઢ.