Included in the UGC-CARE list (Group B Sr. No 172)
Special Issue on Feminism
મધ્ય
“આ શું તાક્યા કરે છે લેપટોપમાં?”
“ચિત્ર જોઉં છું.”
“એમાં જોવાનું શું? સાદું સરળ તો છે!”
“વિચારું છું આના પરથી એક વાર્તા લખી નાખું!.”
“અચ્છા, શું લખીશ આમાં?”
“હજી વિચારવા તો દે. હજી તો ચિત્ર જ સમજાયું નથી ત્યારે…”
“હું મદદ કરું?”
“ઓહોહો! તને આવડે?”
“તારા જેટલું સરસ તો નહીં, પણ..”
“ઓકે, બોલ. શું કહે છે આ ચિત્ર.”
“ ……”
“શું થયું? સંભળાયું કંઈ?”
“શશશ….”
“ …..”
“કહું જો. સાંભળ. આ બધી જ અલગ અલગ આકૃતિઓ છેવટે જઈને એકમાં જ મળી જાય છે. ગમે તે ખૂણેથી શરૂ કર, અંતે તો મધ્યમાં જ પહોંચવાનું છે!”
“આહા હા! શું ડીકોડ કર્યું ચિત્રને! વાહ, કહેવું પડે હો! સ્ટુપીડ, આ તો મને ય દેખાય છે. મારે એના હાર્દને પકડીને પછી વાર્તા લખવાની છે.”
“તમે લેખકો અઘરું સાંભળવા જ સર્જાયા હો નહીં?”
“કટાક્ષ નહીં કર!”
“ઓકે બાબા. ચલ, તારી ભાષામાં કહું?”
“લાસ્ટ ટ્રાય હો!"
“તું ફક્ત આ મધ્ય ભાગ પર ફોકસ કર. પહોંચવાનું છે ત્યાં જ. હરી ફરી બધા ત્યાં જ આવશે, મારા સહિત."
“તારા સહિત? એટલે? તું અઘરું બોલે છે આજે!”
“ના. સાચું બોલું છું. રાહ ભટક્યો હતો, હવે ફરી એક વાર તારી પાસે આવ્યો છું. સ્વીકારશે ને મને ?”
“સંકેત..”
“આજે મને બોલવા દે. તારો પ્રેમ ઓછો પડ્યો એમ નહીં કહું, કયાંક મારી અપેક્ષાઓ વધી ગઈ ને હું બીજે…”
“આ તું હવે કહે છે?”
“ભૂલો પડ્યો હતો. આજે ભાન થયું કે મારું સ્થાન તો તારામાં જ છે.”
“કેટલો સમય થયો ?”
“એક વર્ષ. મને માફ કરીશ?”
“સંકેત, તું, બે બાળકો ને આ ઘર - ચારેય ખૂણામાં પ્રસરી ગઈ હતી હું! મધ્યમાં જ નહી, ચોતરફ ફેલાવી દીધું હતું મેં મારું હોવાપણું. તું ગયો હતો ને પાછો આવ્યો, હું તો ત્યાં જ હતી ને?"
“માનું છું, ભૂલ છે મારી. પણ…”
“તારાથી શરૂ થઇ તારામાં જ પૂરું થતું હતું મારું વર્તુળ. સમય સાથે એ પણ વિસ્તરતું ગયેલું. પણ હવે એ મસમોટા વર્તુળને નાના એવા બિંદુમાં ફેરવવાનો સમય આવી ગયો છે.”
“બિંદુ… પ્લીઝ…. ”
“એ જ ! મારા નામની સાર્થકતા શોધવાનો કદાચ આ જ યોગ્ય સમય છે. મધ્ય સુધી મારે ય પહોંચવું જોઈએ ને?”
શ્રદ્ધા ભટ્ટ