Included in the UGC-CARE list (Group B Sr. No 172)
Special Issue on Feminism
કોરોના યોદ્ધાઓની પ્રેરણાદાયક સત્ય કથા: મહામારીમાં એ ન હારી
વડોદરા શહેરની મધ્યમાં ટ્રાફિકથી ધમધમતા રેસકોર્સ વિસ્તારના નટુભાઈ સર્કલના ચાર રસ્તા પર તે ફરજ બજાવતી ઊભી હોય. વાને સહેજ શ્યામ, કદમાં ઊંચી, પાતળી માંડ બાવીસેક વર્ષની રમીલા વસાવા સફેદ શર્ટ, કમરપટો અને ભુરા રંગની ઈસ્ત્રી ટાઈટ પેન્ટમાં ખડેપગે ટ્રાફિક-પોલીસની સેવા આપતી નજરે ચઢે તો સમજી જજો કે તે એક કોરોના વોરિયર પણ છે.
હાથમાં સફેદ ડંડો, માથે લોખંડનો સફેદ ટોપો અને પગમાં ભારે ભરખમ કાળા બૂટ એ તેના ગણવેશને વધુ દીપાવે. વળી ગણવેશને ખભે મૂકેલ પટ્ટી પર લખેલું ટ્રાફિક-બ્રિગેડનું પદ કદાચ તેની મોટી આંખોમાં ચમક સાથે એક અલૌકિક ખુમારી આંજી દેતું હશે એવું તેની વાતો પરથી સમજાય.
હું તેને મળી ત્યારે મીઠું મલકતી મારા પ્રશ્નોને વધાવતી હોય તેમ સંપૂર્ણ સહકાર આપતી એ બોલી, “બેન, આ વરદીને ખાટા, મીઠા, કડવા, તીખા બધાં જ અનુભવ થયા છે.”
આવો જવાબ સાંભળી મેં પૂછ્યું, “તમારી આઠ કલાકની ડ્યુટી. તેય ઊભા રહી બજાવવાની. તમે બાથરુમ વગેરે ક્યાં જાઓ? તમે જમો ક્યાં?”
“એ તો સુલભ શૌચાલય નજીકમાં છે. બાકી જમવાનું તો ગમે ત્યારે પતાવી દઈએ.” તેણે સાહજિકતાથી કહ્યું. એટલે કે જમવાનું તેને મન 'પતાવવાનું' કામ માત્ર હતું.
તેના માથે નાનકડું છાપરું હતું જે ટાઢ, તડકો કે ભારે વરસાદથી તેને રક્ષણ આપવા અસક્ષમ હતું. બેસવા માટે નામની નાનકડી બેઠક હતી. જોકે તેણે સતત ઊભા જ રહેવાનું હતું, તેની ગણતરીમાં ન લેવાય તેવી નિષ્ઠાપૂર્વક કરાતી ફરજ બજાવવાસ્તો. તેના શબ્દકોશમાં 'આરામ' નામનો શબ્દ નહોતો.
“રહેવાનું ક્યાં? તમારે ઘરે બીજું કોણ?” મેં તેના અંગે વધુ જાણવા માંગ્યું.
“વાઘોડિયા રહું છું. ઘરે સાસુ અને પતિ છે. મારા એ' પણ પોલીસખાતામાં છે અને નાની આઠ મહિનાની બેબી છે તેને સાસુ સાંચવી લે છે.” તે બોલી.
સવારની કે સાંજની ડ્યુટી પ્રમાણે તે છેક વાઘોડિયાથી અહીં હાજર થઈ જતી અને તેય ઉનાળો, શિયાળો કે ચોમાસાને ગણકાર્યા વગર. મારાથી ઓછું ભણેલી હશે, કોરોના વોરિયર્સનો અર્થ કદાચ નહીં જાણતી હોય પરંતુ કોરોનાના કપરા કાળમાં ઘરે પોતાનું નાનું બાળક મૂકી, રોટલી શાકનો ડબ્બો લઈ તે પોતાની ફરજ બજાવવા માટે ખડે પગે ઊભી હતી. અંગ્રેજીમાં એક ઉક્તિ છે, “સર્વિસ બીફોર સેલ્ફ” તેને એ સંપૂર્ણપણે સાર્થક કરી રહી હતી.
લૉકડાઊન બાદ થયેલા અનલૉક સમયે હું તેને મળવા ગઈ. મારો એ દરરોજનો ઘર પાસેનો રસ્તો. લૉકડાઊન વખતે મારે મારા પિતાશ્રી માટે દવા લેવા જવાનું હતું. હું ગાડી લઈને નીકળેલી. તે વખતે રસ્તાઓ ખાલીખમ. દવાઓ લઈ ઘરે ઝટપટ પહોંચવાની ઊતાવળ અને રસ્તા પર કોઈ વાહન નહીં તેથી હું સર્કલ ફેરવીને ગાડી ફેરવવાને બદલે સીધેસીધું ડાબી તરફ વળી જઈ ગાડી હંકારી જવાની લાલચ ન ટાળી શકી. તે ડંડો લઈ સામી આવી.
“મેડમ, સર્કલ ફેરવીને જાઓ.” અત્યંત નમ્ર અવાજે તેણે મને કહ્યું.
“જરા ઉતાવળ છે. રસ્તા પર બીજાં વાહન નથી માટે...” મારે મારી જાતનો પાંગળો બચાવ કરવો રહ્યો. એ મારી તેની સાથેની પહેલી મુલાકાત.
“કાયદા તમારા રક્ષણ માટે જ છેને મેડમ. અમે મદદ કરવા માટે જ અહીં તહેનાત છીએ.” એ જે બોલી તે સાંભળી મેં કાન પકડ્યા. તે સાચી હતી. તેનો આત્મવિશ્વાસ જોઈ હું ઝળાંહળાં થઈ ગઈ પછી તો, અમારી વચ્ચે હાસ્યની આપલે થતી.
એક બનાવ જે હું કદી ભુલી નહીં શકું, તે સમજણ કહો કે જિંદગીનો પાઠ; મને એ ટ્રાફિક-પોલીસ રમીલા વસાવાએ શિખવાડ્યો. પોલીસફોર્સની છેક નીચેની પાયરી પર સાધારણ ટ્રાફિક-પોલીસની ફરજ બજાવતી રમીલા મારા મનોમસ્તિષ્કમાં સૌથી ઊચ્ચ કક્ષાની પાયરીએ બિરાજમાન થઈ ગઈ.
નટુભાઈ સર્કલ પાસે 'અમુલ'નું આઉટલેટ છે. તે રસ્તા પર હંમેશા ફ્રુટની લારીવાળા, નારિયેળ વેંચનારા અને ફુલ-હાર વેંચનાર ઊભા હોય પરંતુ લૉકડાઊનમાં તે બધાં ઘરભેગાં થઈ ગયાં. હું તે સૌને મોઢે દીઠાં ઓળખું. પેલી ફુલ વેંચનાર આધેડ સ્ત્રી હવે લૉકડાઉનમાં કપડાંનાં ફેસમાસ્ક વેંચવા ઊભી રહેતી. મંદિરોને તાળા લાગી ગયા હોવાથી ફુલ-હાર વેંચનારની રોજીરોટીને પણ તાળા લાગી ગયા હતાં. હું દુધ લેવા જતી હતી ત્યારે મારી નજર એ તરફ પડી. રમીલાએ પેલી માસ્ક વેંચતી સ્ત્રીને બોલાવી, પોતાના ટીફીનમાંથી રોટલી, શાક આપ્યાં. હું એ દ્રશ્ય જોતી રહી. તે દિવસે મારી નજરમાં રમીલાની જાત ખૂબ ઊંચી બની ગઈ.
હું મારી અધીરાઈ રોકી ન શકી. મેં તેને પૂછ્યું, “તું માંડ બે રોટલી લાવે, તેમાંથી તેં પેલીને આપ્યું? અહીં તારી ડ્યુટી પતાવી તું છેક સાંજે ઘરે પહોંચશે. તને ભૂખ નહીં લાગે?”
“તેમાં શું મેડમ? હું તેને મારામાંથી દરરોજ અડધું જમવાનું આપું છું. મારી પાસે આટલુંય છે. નાનકડા પેટને જોઈએ કેટલું? પેલી બીચારી પાસે તેય નથી. કોરોનાએ તેની રોજીરોટી છીનવી લીધી છે, એ શું કરશે? ક્યાં જશે?” તેની વાત સાંભળી હું દંગ રહી ગઈ. મને તેના પ્રત્યે માન થઈ આવ્યું.
“મેડમ, સામે પેલું ઘર જુઓ છોને? ત્યાં ચોર્યાંશી વર્ષના એક માજી એકલા રહે છે. કોરોનાને લીધે તેમની કામવાળી બાઈ નથી આવતી. હું જઈને તેમને દુધ, બ્રેડ, શાક વગેરે લાવી આપું. આવાં વડીલોના આશીર્વાદ મળે તે મોટી વાત છે. જીવનમાં બીજું શું જોઈએ?” તેના બોલવામાં કોઈ જ દંભ નહીં. આવા કામ કરવા બદલ નહોતી તેને માનની ખેવના કે ન કોઈ છાપામાં ફોટો છપાવાની આશા. હું તેને તાકી રહી.
‘આપણી પાસે ઘણુંય છે પરંતુ તેના જેવા ઊચ્ચ વિચારો અને કરુણાસભર દિલ છે? જે મોટી મોટી યુનિવર્સિટીઓ નથી શિખવતી તે આ નાનકડાં કોરોના વોરિયર્સ શિખવી જાય છે.’ હું વિચારતી રહી. મને લાગ્યું કે પોતાની પાસેના લાખો રુપિયામાંથી પાંચ-પચ્ચી હજાર દાન કરનાર મારા જેવા કરતાંય રમીલા વધુ દિલદાર કે મહાન હતી. વપરાયેલી ઘરવખરી, જૂનાં વસ્ત્રો કે વધ્યું-ઘટ્યું ભોજન આપી પોતાની દિલેરીની જાહેરાત કરતા ધનવાન લોકો મને તુચ્છ ભાસવા માંડ્યા.
ક્યારેક તે વડીલોને રસ્તો ક્રોસ કરાવતી દેખાય તો વળી ક્યારેક ફેસમાસ્ક વગર ફરનાર સામે ડંડો ઉગામતી દેખાય તો વળી કોઈ ટ્રાફિક નિયમનો ભંગ કરનારને દંડ કરી, માથાકૂટ કરી નિયમ સમજાવતી દેખાય પરંતુ તમે તેને આ કોવિડ-૧૯ની મહામારી સામે ફરજ પરત્વે ગાફેલ બની પોતાના હાથ હેઠા મૂકતી કે થાકતી નહીં જુઓ. લૉકડાઊન તેને માટે નથી, આપણા જેવા કાચાપોચાં માટે છે કારણ કે તે મહામારી સામે લડીને આપણને રક્ષનાર કોરોના વોરિયર છે, ઝાંસીની રાણીની યાદ અપાવતી વીરાંગના.
“તને એવું નથી થતું કે તને કોવિડનો ચેપ લાગશે તો?” મેં તેને પૂછ્યું.
“મેડમ, એમ ડરીને જીવવામાં અમે નથી માનતા. જુઓ સામે પેલું હોર્ડીંગ. કહે છે, 'ડર કે આગે જીત હૈ.' હા, સાવચેતી રાખું છું પરંતુ મારી ફરજ તો હું બજાવીશ જ. નોકરી કરતાં વધુ, હું માનું છું કે એ સમાજ પરત્વેની મારી જવાબદારી છે. ઘરે જઈને નહાઈ લઊં, બને તેટલી મારી બેબીથી દૂર રહું. બાકી જો અમે લોકોને મદદ નહીં કરીએ તો બોલો કોણ કરશે? અને હા, મેડમ તમે ગાડી આગળ પાર્ક કરો, અહીં નો પાર્કીંગ ઝોન છે.” તે મલકાતી બોલી. બોલો હવે મારે તેને શું કહેવું!
કોરોનાને તે નહોતી ગાંઠતી કે પછી કોરોના તેનાથી હાંફી ગયો હતો? તેના મગજમાં સતત એક ટ્રાફિક પોલીસની ફરજ જ રમતી હતી.
વળી એક દિવસ લૉકડાઊન સમયે જ મારે મારા પંચાણુ વર્ષના પિતાજીને ઇમરજન્સીમાં ડોક્ટર પાસે લઈ જવા પડેલા. મારી ગાડી ઊભી રખાવી તે બોલી, “મેડમ, પ્લીઝ દાદાને પાછળની સીટમાં બેસાડો. આ રીતે આગળ બે જણા નહીં બેસાય. સોશિયલ ડિસટન્સ તો રાખવું જ પડશે.” તેણે મારા પિતાશ્રીનો હાથ પોતાના હાથમોજાવાળા હાથે ઝાલી પાછળ બેસાડ્યા. તેની નિસ્વાર્થ ખાનદાની મને સ્પર્શી ગઈ.
અનલૉક-૧ આવ્યું ત્યારે હું તેને વધુ સમજવા, તેને અંગે જાણવા, અનુભવો સાંભળવા તેની પાસે ગઈ ત્યારે તેની વાત સાંભળી સુખદ આશ્ચર્ય થયું. તે બોલેલી, “મેડમ, બધી વાત કરીશ પરંતુ બે ગજની દૂરી જાળવો. કોરોના હજુ ગયું નથી અને હા, તમે સંપૂર્ણ સ્વસ્થ હશો, તમને કદાચ કંઈ નહીં હોય, પરંતુ જો મને ચેપ લાગ્યો હોય તો? તો મારે સાચવવું પડેને. તમારી સલામતી ખાતર મારાથી દૂર રહો.” એ સાંભળી મારી આંખો છલકાઈ ગઈ.
"તું હંમેશા આવી કડપ દાખવે? તને કોઈ માથાભારે ભટકાઈ જાય તો?" મેં પૂછ્યું.
"હા. એવાય મળે, નાસમજ ગમાર તો ઠીક પણ સમજવા છતાંય ધરાર ન માને. વળી અમુક પૈસા કે પદનો રુઆબ છાંટે. એક રાત્રે કોઈ પૈસાદાર બાપનો નબીરો, મિત્રો સાથે મધરાતે મોજ માણવા ગાડીમાં નીકળેલો. તેને એમ કે તેને કોણ રોકે? પરંતુ તે વખતે મારી ડ્યુટી હતી તેમાં માથાભારે હું જ પેલાને ભટકાઈ."
"મેં તેની ગાડી રોકીને સમજાવ્યો, કે આવા સમયે ઘર બહાર નીકળવાની છૂટ નથી વળી પરિસ્થિતિઓ જોતાં ઘરમાં રહેવું સલામતીભર્યું છે. તો ચોર ઊલટો કોટવાલને ડાંટે તેમ તે મને કહે, "તારા જેવા બહુ જોયા. આ બે ટકાની નોકરી કરે છે, જા તારાથી થાય તે કરી લે."
"મેડમ, મને તેણે ભલે ગમે તે કહ્યું પરંતુ મારી નોકરીને બે ટકાની કહી તે હું કઈ રીતે ચલાવી લઉં? એ ભલે ગમે તેટલા મોટા બાપનો લાડકો હોય તેથી મારે શું? એણે મને જોઈ લેવાની ધમકીઓ આપી, લાંચ આપવાની કોશિશ કરી પરંતુ મેં તેને દંડ ફટકાર્યો અને મામલો પોલીસ સ્ટેશનમાં પહોંચ્યો. છેવટે તેણે કાયદો તોડવાની ભૂલ કબૂલવી જ પડી. મેડમ, અમે રાત દિવસ જનતાની સેવા માટે ખડે પગે રહીએ છીએ ત્યારે આવા લોકો... ખેર જવા દો એ વાત. કેટલાક સુખદ સારા અનુભવો પણ થયા છે. લૉકડાઉન વખતે ઘણા સેવાભાવી લોકો અમને તેમના ઘરેથી ચા તેમજ નાસ્તો આપી જતા. હું બીજું બધું ભૂલી એવી સારી વાતો જ યાદ રાખું."
તેની વાતો સાંભળી મને તેના પ્રત્યે માન થઈ આવ્યું. આવા રીયલ લાઈફ હીરો સામે આપણે કેટલા વામણા છીએ.
તે પોતાનું અંતર ઠાલવી દેવા માગતી હતી. "કાયદો કોઈનો સગો નથી મેડમ. ઘણા લોકો આવા કપરા કાળમાંય, આટલી સૂચનાઓ આપ્યા છતાંય ફેસમાસ્ક વગર નીકળી પડે છે. પકડીએ તો જાતજાતના બહાના બતાવે. તે સમયે લાકડી સાથે લાલ આંખ પણ બતાવતી પડે. અમે અમારી ફરજ બજાવીએ છીએ તેમાં કોઈ ઉપકાર નથી કરતા. વળી જનતાના હિત માટે કામ કરીએ છીએ ત્યારે અમારું સુખ-દુ:ખ વિચારનારા કેટલા?"
અનાયાસ મારાથી તેને એક સલામ મરાઈ ગઈ. મેં તેને કહ્યું, "ભગવાન કરે, તને કોવિડ-૧૯ કદી ન થાય."
"થશે તોય પહોંચી વળીશ. બસ, તમારા આશીર્વાદ જોઈએ, બીજું કંઈ નહીં મેડમ." તે બોલી.
'આવા માણસાઈના દીવા પ્રજ્વલિત રાખનારા અસંખ્ય કોરોના વોરિયર્સને લીધે જ આપણે આનંદના દીપોત્સવ ઊજવી રહ્યા છીએ.' વિચારી મેં ઘર તરફ ડગ માંડ્યા.
સુષમા શેઠ.