Included in the UGC-CARE list (Group B Sr. No 172)
Special Issue on Feminism
ઈલા આરબ મહેતાની નવલકથાઓમાં નારીચેતના
સર્જક સ્વઅનુભવને શબ્દદેહ આપે ત્યારે સર્જનનો આરંભ થાય છે. સાહિત્યનું વસ્તુ અનુભવ છે. અને તેથી જ અનુભૂતિનું આલેખન એ જ સાહિત્યનું પ્રધાનતત્વ હોય છે. સર્જક આ સ્વઅનુભવને સહઅનુભવ રૂપે આસ્વાદ થતો જુએ ત્યારે એના સર્જનની સાર્થકતાનો તેને આનંદ થાય છે. સાહિત્યકારનો ધર્મ એની હૃદયસ્થ અનુભૂતિને શબ્દસ્થ કરવાનો છે. અને તેથી જ જમાને જમાને સર્જકના હૃદયની અનુભતી પોતાનો આગવો આકાર ધારણ કરતી હોય છે. સાહિત્યકાર 'Third Eye' (ત્રીજા નેત્ર) વડે જોયેલા વિશ્વનું આલેખન કરતો હોય છે. સર્જક પોતાના અનુભવને એક એવું રૂપ આપે છે કે એનો આંતરિક અનુભવ અને એની ભીતરી સંવેદના સર્વજન સ્પર્શી અનુભવ તરીકે પ્રત્યેક ભાવકના હૃદયની સમસંવેદ્ય બને એ રીતે દર્શાવે છે. કવિ મનોજ ખંડેરિયાએ કહ્યું છે,
"આંખોમાં સ્વપ્ન ઘાસની લીલાશનું લઇ દોડે છે, ઝંખના હરણ ક્યાંયના ક્યાંય સુધી."
દરેક માનવીના હૃદયમાં એક ઝંખના હોય છે.પ્રત્યેક નારી એક ઝંખનાથી જીવતી હોય છે. એની ઝંખના,એની એ ઈચ્છાને પરિણામે તેને આસપાસના સમાજ સાથે ઘર્ષણમાં આવવું પડે છે. પુરૂષપ્રધાન સમાજમાં તો એને વિશેષ સંઘર્ષો અને મથામણો કરવા જ પડે છે. ક્યાંક પુરૂષનો અહમ એના પર આકરા પ્રહાર કરતો હોય છે, તો ક્યાંક પુરુષ પોતાનુ પ્રભુત્વ દાખવવા માટે નારીના અવાજને ગૂંગળાવતો હોય છે. પુરુષને સઘળા અધિકાર અને નારીને માત્ર એ સઘળું મૂંગે મોઢે સહન કરવાનું.આવી હૃદયવિદારક પરિસ્થિતિને પરિણામે નારી જીવનમાં સમર્પણ કરતી હોય છે. સામાજિક પ્રણાલીઓ પણ નારીની અસહાય સ્થિતિને વધુ લાચાર બનાવતી હોય છે. સમયે સમયે નારી અને પુરુષ વચ્ચે ભેદદ્રષ્ટિને પરિણામે નારીની અવહેલના થઈ છે. એને માત્ર ઘરની ચાર દિવાલમાં પુરાઈ રહેવાનું કે પછી બાળ ઉછેર કરવાનું જ કામ સોંપવામાં આવ્યું છે. જીવનમાં આવી કરુણ વેદના અનુભવતા જુદા જુદા નારીપાત્રોનું એક આકાશ ઈલા આરબ મહેતાના સર્જનમાં જોવા મળે છે.

આઠમા નવમા દાયકામાં લેખિકાઓની સંખ્યા વધવા લાગી‌. સરોજ પાઠક, ધીરુબહેન પટેલ, કુદનિકા કાપડિયા, વર્ષા અડાલજા, ઈલા આરબ મહેતા જેવી લેખિકાઓએ વિષય અને ગુણવત્તાની દ્રષ્ટિએ કેટલીક નોંધપાત્ર નવલકથાઓ આપી છે. ધીરુબહેન પટેલે 'કાદંબરીની મા' માં, કુંદનિકા કાપડિયાએ 'સાત પગલા આકાશમા', મીરા ભટ્ટે 'સાત પગલાં સાથે' માં, તો મીનળ દિક્ષીતે 'અધરાત મધરાત' માં સ્ત્રી પર થતા અન્યાય, અત્યાચાર, અને તેની સામે ખુલ્લો બંડ પોકારતી નાયિકાઓ તેમજ એક નવો ચીલો ચાતરતી કૃતિઓ પણ ગુજરાતી સાહિત્યને આપી છે. ઇ.સ. 1970 ની આસપાસના સમયગાળાને તપાસીએ તો નવલકથા, લઘુનવલ, અને નવલિકા સંગ્રહો એમ ત્રણ સાહિત્યસ્વરૂપોમાં ઇલાબહેને તેમનો નવોન્મેષ લક્ષી અભિગમ સક્રિય રાખીને ખેડાણ કર્યું છે. વિપુલ સાહિત્યસર્જન કરનાર ઈલા આરબ મહેતાના કથાસાહિત્યમાંથી નવલકથાઓ, નવલિકાઓ, અને લઘુનવલના અભ્યાસ બાદ તેમની એક કથાસાહિત્યકાર તરીકેની કેટલીક લાક્ષણિકતાઓ સહજ ધ્યાનમાં આવે. તેમની નારીવાદી કૃતિઓનો અભ્યાસ કરીએ એટલે મંથનશીલ ભાષાકર્મમાં ચૈતસિક ઘટનાઓ આકાર લેતી જણાય.

ઈબ્સન કૃત 'ધ ડૉલ્સ હાઉસ' ની નોરા ઘર બહાર પગ મૂકી પોતાની એક અલગ દુનિયા વસાવે છે. ઘર બહાર પગ મૂકતા જોરથી પછાડેલા બારણા નો અવાજ આખું યુરોપ સાંભળે છે. તેનો પડઘો ગુજરાતી સાહિત્યમાં કુન્દનિકા કાપડિયાની 'સાત પગલાં આકાશમાં' કૃતિમાં સંભળાય છે. સ્ત્રીનો એક અલગ અવાજ, વિચાર, અને રહેણી કરણીમાં સ્વતંત્રતા આઠમા નવમા દાયકાના સાહિત્યમાં ઝીલાય છે. અહીં નારી કેન્દ્ર સ્થાને છે. અને તેને અનુસંગે અનેક પ્રશ્નો ઉલ્લેખાયા છે. સ્ત્રીનું જીવન કેવું સંકુલ, કોયડાઓ અને સમસ્યાઓથી ભરેલું છે એ બાબત ઈલા આરબ મહેતાના સર્જનમાં પણ તારસ્વરે રજૂ થયેલી જોવા મળે છે.

ઈલા આરબ મહેતાના કથાસાહિત્યમાં સમાવિષ્ટ આઠ નવલકથાઓ નારી કેન્દ્રી બની છે. નારી પ્રત્યેની તેમની વિચારધારા નોખી તરી આવે છે. નારીનું પોતીકુ સ્વતંત્ર વ્યક્તિત્વ છે, તે કોઈની દાસી કે ગુલામ નથી એ વાત પર મહોર મારીને સર્જકના સંવિતમા પડેલું નારીનું પ્રતિબિંબ તેમના સર્જનમાં પણ ડોકાવા લાગે છે.

'રાધા', 'આવતીકાલનો સુરજ', 'બત્રીસ પૂતળીની વેદના', 'પરપોટાની આંખ', 'પાંચ પગલા પૃથ્વી પર', 'ધ ન્યુ લાઈફ', 'ઝીલી મેં કૂંપળ હથેળીમાં' - આ સર્વ કૃતિઓમાં ઇલાબહેને સ્ત્રી પાત્રોને મુખ્ય સ્થાને મૂકીને પુરુષપ્રધાન સમાજમાં સ્ત્રીને થતા અન્યાય અને અત્યાચાર સામે અવાજ ઉઠાવ્યો છે.

ગુજરાતી સાહિત્યમાં નવમા દાયકાની શરૂઆતમાં પ્રકાશિત થયેલી ઈલા આરબ મહેતાની 'બત્રીસ પૂતળીની વેદના' નવલકથામાં અનુઆધુનિકતાવાદનું સ્પષ્ટ લક્ષણ જોઈ શકાય છે. તેની નાયિકા અનુરાધા પોતાના વ્યક્તિત્વને ઓગાળી દેવાના વલણ સામે વિરોધ કરે છે. ત્યાં ખુલ્લો પુરુષ વિરોધ પણ નથી. અહીં આલેખાયેલા સ્ત્રીપાત્રો સિંહાસનની શોભા તો વધારે જ છે પણ પુરુષના ગુણગાન ગાવાને બદલે પોતાની વેદનાને વાચા આપે છે. લેખિકાએ કથાને અંતે જીવનના સત્ય કટુ પ્રસંગોને સંવાદમાં મૂકી નાટકને રામાયણના ચાર પાત્રો થકી નવીનતા બક્ષી છે. આમ ગુજરાતી સાહિત્યમાં નારીને તેના હક તેના સ્વતંત્ર વ્યક્તિત્વ તરફ જાગ્રત કરતી આ પહેલી નારીલક્ષી નવલકથા છે..

વર્જિનિયા વુલ્ફે સર્જક સ્ત્રી માટે 'પોતાનો ઓરડો' (Room of one's own) ની અનિવાર્યતા જણાવતા જે સિદ્ધાંત આવ્યા છે, તેને ઇલાબહેને 'પાંચ પગલાં પૃથ્વી પર' નવલકથામાં આબેહુબ ઝીલ્યા છે. પ્રથમ પગલું તે મિહિરના લગ્ન. બીજું પગલું તે કુટુંબ જીવનના ચાર મોભ-સાસુ-સસરા દિયર અને પતિ. જ્યારે ત્રીજા પગલામાં લેખિકાએ અનુપાને ઘર બહાર પગ મૂકી પગભર બનાવવાની કોશિશ કરી છે. તો ચોથા પગલામાં છૂટાછેડાનો નિર્ધાર કરાવ્યો છે. લગ્નજીવનમાં જરૂરી એવું સમાધાનકારી વલણ અપનાવવાને બદલે તેઓ બંને એકબીજાથી અલગ વિખૂટા રહેવામાં જેટલો અજંપો અને ખાલીપો વર્તાય છે, તેનાથી સંપૂર્ણપણે અજાણ હોય તેમ લાગે છે. અહીં સર્જકવિશેષતા એ છે કે કથાને અંતે અનુપા ‘Point of no return’ ની જેમ છુટાછેડાનો લગ્નજીવનના ‘Dead-end’ વાળો રસ્તો પસંદ કરે છે. અનુપાનું પાંચમું પગલું ક્યાં આ પ્રશ્નના જવાબમાં સર્જક જે લખે છે 'ખાલી પડેલા ધૂળ ખાતા તેમના ફ્લેટને બંનેના સહજીવનની સુવાસના પમરાટથી મઘમઘતુ ઘર બનાવવાનો નિર્ણય એજ અનુપાનું પાંચમું પગલું. ઈલાબેહેનની વિશેષતા એ છે કે પતિ અને પત્ની એકબીજાના પૂરક બનીને જિંદગીના ઉદ્દેશ હાંસલ કરવા સર્જાયેલા છે નહીં કે પોતાના અહમને આગળ કરી છૂટાછેડા લઇ જિંદગીની અંધારીગર્તામા ધકેલાઈ જવા માટે.

ગુજરાતી સાહિત્યમાં દલિતકથાઓ પર આધારિત અનેક સર્જકોએ કૃતિઓ રચી છે. ઈલાબહેને દલિતકથા તો ખરી જ પણ, સાથોસાથ પુરાણનું વસ્તુ લઈ સ્ત્રીકથા પણ આલેખી છે. ઉર્મિલા જેમ રામાયણનું, ચિત્રલેખા જેમ કાદમ્બરીનું, તેમ કર્ણની પાલકમાતા રાધા મહાભારતનુ ઉપેક્ષિત પાત્ર ગણાય છે. એવી લાગણીથી લેખિકાએ તેને 'રાધા' લઘુનવલમાં નાયિકા તરીકે કલ્પી માતૃવાત્સલ્યની કથા યોજી તેને સાંપ્રત દલિત- શોષિત યાતનાના સંદર્ભમાં મૂકી એક નવું પરિમાણ સર્જવાની કોશિશ કરી છે. શુદ્ર જન્મની પીડા,એથી સહન કરવી પડતી મુશ્કેલીઓ અને એ વચ્ચે ખીલતા વ્યક્તિત્વમાં તેમજ શુદ્ર કોટીમાં જન્મના કારણે શાપિત થતી ઈચ્છાઓ અને એષણાઓથી કર્ણનું પાત્ર વર્ણભેદ પર પ્રકાશ પાડે છે. અહીં સર્જકે રાધાના પાત્રની મહત્તા બતાવી પુરાણકાળથી ક્યારેક વર્ણભેદને કારણે તો ક્યારેક સામાજીક પ્રણાલીઓને કારણે સ્ત્રી પર થતા અત્યાચારને પ્રગટ કર્યો છે.

'પરપોટાની આંખ' નવલકથામાં લેખિકાએ 'ઉર્મિલા' ના પાત્ર દ્વારા સ્ત્રીની દબાયેલી કચડાયેલી સ્થિતિનું તારસ્વરે આલેખન કર્યું છે. ઇલાબહેને આ નવલકથાનું કાઠુ મિત્રે કહેલી વાત પરથી રચ્યું છે. પાંચમી દીકરી અન્યને ઘેર ઉછેરાય થાય છે, અને વર્ષો પછી એ પોતાની જનેતાને મળે છે ત્યારે એક જ સવાલ કરે છે 'માં પાંચ દિકરીઓ માં એક હું જ તને ભારે પડી?' લેખિકાએ અહીં માનવમનની સંકુલતાઓ અને વિવિધ પ્રક્રિયાઓ વિશ્લેષિત કરી છે. જ્યારથી સમજણ આવી ત્યારથી મૈત્રેયને પોતાનો ભાઈ માની ને જીવતી ઉર્મિલા અંતે એ જ સંબંધોની આગમાં હોમાય છે. લેખિકાએ ઊર્મિલાના પાત્ર દ્વારા નારીમનની ગહન સંકુલતાને આઘાત-પ્રત્ય દ્વારા પ્રગટ કરી છે.

તો કન્યા ભૃણહત્યાનો વિષય લઈ ઈલાબહેને 'ઝીલી મેં કૂંપળ હથેળીમાં' કૃતિના આરંભે જ પંજાબી લેખિકા અજિત કૌરનો જીવન પ્રસંગ મૂકી કથાને નવો આયામ આપે છે. તો દીકરો અવતરે એ માટે, અને રૂપિયા કમાવવાની લાલચમાં આંધળી દોટ મુકતાં ડૉક્ટરો ગરીબ પ્રજાને કેવી રીતે છેતરે છે તે તરફ પણ અંગુલિનિર્દેશ કર્યો છે. તો સ્ત્રીના હક અને ફરજ વિશે લડતું ડોક્ટર શિવાંગી નું પાત્ર એક ગરીબ દીકરીને દત્તક લેવાના પ્રસંગમાં, અને ગરીબ સ્ત્રીને અયોગ્ય પ્રસુતિની કારમી પીડામાંથી બચાવવાને કારણે પ્રભાવક લાગે છે. પોતાની સાસુ સામે પોતે જ બંડ પોકારે છે. આમ ગાયનેકોલોજીસ્ટ ડોકટર દ્વારા લેખિકાએ સમાજને જાગૃત બનાવવાનો પ્રયાસ કર્યો છે. અને સ્ત્રીઓને પોતાના હક્કો પ્રત્યે જાગ્રત કરવાનો પણ એક ઉમદા પ્રયાસ કરેલ છે.

તો 'ધ ન્યૂ લાઈફ' નવલકથા દ્વારા ઇલાબહેને કુટુંબ અને સમાજમાં સ્ત્રીને ઉતરતું સ્થાન આપતી અન્યાયી સમાજ વ્યવસ્થાને જડમૂળથી ઉખેડી નાખે તેવી જાગૃતિ પ્રેરી છે. અહીં કથાનાયિકા લોપા પુત્રી, પત્ની, અને ગૃહિણી મટી ચોક્કસ ચોકઠાની ઊંચી દીવાલો ને ઊંડી ખાઇ નષ્ટ કરીને એક સમથળ ભૂમિ પર તેના માનવવ્યક્તિત્વનું ગૌરવ કરે છે. પરદેશના લોભામણા સપનાઓથી લલચાઈને લોપા સમીર સાથે લગ્ન કરી લંડન તો જાય છે પણ, ત્યાં પતિ તરફથી મળતો પ્રત્યાઘાત, સાસુ-સસરાની નજરમાં પોતાની મહત્તા, તેમજ વિદેશી વિચારપ્રણાલી લોપાના સમગ્ર અસ્તિત્વને ખળભળાવી મૂકે છે.અહીં લોપા અન્યાયી સમાજપ્રણાલીનો વિરોધ કરી પતિને છૂ- ટાછેડા આપી વિદેશમાં જ રહી પગભર થવા માથે છે. પતિના અત્યાચારથી આ ભારતીય યુવતી ત્યાં બિચારી કે બાપડી કે દુખિયારી બની રડતી નથી પણ, એક નવી જિંદગીનો સ્વીકાર કરે છે. લોપાનું પાત્ર અહી આધુનિક જાગ્રત નારીને શોભતું ને નારીવાદના પ્રતિક સમું સૂચક બની રહે છે. ઇલાબેહેને લોપાના પાત્રમાં અન્ય લેખિકાઓથી અલગ પડી ઉફરાચાલવાનું વલણ દાખવ્યું છે.

લેખિકાના સર્જનની પાત્રગત વિશેષતાઓની વાત કરીએ તો 'ઝીલી મે કૂપળ હથેળીમાં' મા આવતું ડોક્ટર શિવાંગીનું પાત્ર, 'બત્રીસ પૂતળીની વેદના' ની નાયકા અનુરાધા 'પાંચ પગલાં પૃથ્વી પર' ની નાયિકા અનુરાધા, 'આવતીકાલનો સૂરજ' માં આવતું ડોક્ટર શીલા, નું પાત્ર - અહીં શિક્ષણ દ્વારા જાગૃતિ પામીને વિકાસ સાધતી નારીનુ હૃદયસ્પર્શી આલેખન થયેલું છે. 'રાધા' લઘુનવલની નાયિકા રાધા અશિક્ષિત છે છતાં પણ તેના સંવાદો થકી તેના વિચાર, વાણી, અને વર્તને સર્જકે એક નવો જ આયામ આપ્યો છે. એ પાત્ર પણ વાચકના હૃદયમાં ઊંડી છાપ મૂકી જાય છે. આ નાયિકા પાત્રોમાં સર્જકે વિરોધ, વિપ્લવ, હિંમત,અને સ્વાભિમાન દર્શાવીને પુરુષપ્રધાન સમાજ અને અન્યાયી સમાજપ્રણાલી સામે આક્રોશ પ્રગટ કર્યો છે. તેમના અન્ય સ્ત્રી પાત્રો જોઈએ તો બડીઅમ્મા, વિભા, રેખા, સરસ્વતી કાકી, કલા નિર્મળા, છાયા,સુનિતા,ચારુ, ઉર્મિલા, આ બધા જ પાત્રો પરંપરાગત મૂલ્યોથી અળગા થઇને સ્ત્રીના વ્યક્તિત્વનું સામાજમા યોગ્ય અસ્તિત્વ સ્થાપે છે. દરેક પાત્રોની પોતીકી ઝંખના છે. ઉર્મિલાનું પાત્રો તો ધૂપસળી જેવું છે. તેમના પુરુષ પાત્રોની વાત કરીએ તો અહમ અને પુરુષસત્તાનો ડોળ કરતા આલેખાયેલા છે. જેવાકે શાસ્ત્રીજી, વિભાકર, દેવાંગ, રસેશ, વિપુલ, પરાશર, નચિકેતા, ડોક્ટર રજત, સમીર, સુરેશભાઈ, પ્રદીપ, અજય, રામનાથન, પ્રસાદ, વગેરે.

કુટુંબનું અસ્તિત્વ સ્ત્રીપુરુષના દાંપત્ય જીવન પર આધારિત હોય છે. ભારતીય પરંપરામાં લગ્નને બે આત્માનું મિલન માનવામાં આવે છે. પહેલાંના લેખકોના સર્જનમાં જે સુખી દાંપત્યજીવન આલેખાયેલું જોવા મળતું તે પ્રકારનું અહીં નથી. પરંતુ વાસ્તવિક જીવનમાં જે બને છે તે સઘળું જેમકે, દાંપત્યજીવનની વિસંવાદિતા, તેમાંથી જન્મતો સંઘર્ષ, અસંતોષ અને, વિદ્રોહ અહીં આલેખાયા છે. આપણી પરંપરાએ સ્ત્રીના અસ્તિત્વને ઠોકર મારીને તેની માનવતા અને આત્મજ્ઞાનને ભુલાવી દીધા છે. તેની અસ્મિતાને નકારી છે. એ અમાનુષી પરંપરા વિરુદ્ધ ઈલાબહેને પોતાના સર્જનમાં આક્રોશ વ્યક્ત કર્યો છે. માનવતાનો હ્રાસ કરતી પરંપરાને પડકારી છે. સ્ત્રીના હક અને ફરજ અંગે રૂઢિજડ વિધિનિષેધોનો વિરોધ કર્યો છે. છિન્નભિન્ન થયેલુ દાંપત્યજીવન કુટુંબ, સમાજ અને સંતાનો ઉપર કેવી અસર કરે? અને તેના પરિણામો પણ કેવા હોઈ શકે? એ ઇલાબહેને તેમની નવલકથાઓમાં સિદ્ધ કરી બતાવ્યું છે. આ માટે તેમણે પોતાની જ આસપાસ જોયેલા જાણેલા વાસ્તવિક ધરતી પરના પાત્રોનો સહારો લીધો છે.

'ધ ન્યૂ લાઇફ' માં યુ.કે ની ધરતી પર આપ્તજનોને છોડી એક નવી જિંદગી જીવવાની શરૂઆત કરતી લોપા અને તેની વિશાદભરી કહાણી કેન્દ્રમાં છે. તો 'પરપોટાની આંખ' જે ઘડી બે ઘડીમાં ફૂગ્ગો બની ફૂટી જાય છે, તેવી જિંદગી જીવતી ઉર્મિલા કડવી સચ્ચાઈનો સામનો કરી શકતી નથી ને સંબંધોની આડમાં હોમાય છે. 'રાધા' અને 'અહલ્યા' તો શિર્ષક અને કથાવસ્તુ બંને રીતે સ્ત્રીની અવદશાને આલેખે છે. ત્રિભુવનના નાથ જેમ ત્રણ પગલાંમાં આખી સૃષ્ટિ માપી લે છે તેમ 'પાંચ પગલાં પૃથ્વી પર' મા અનુપા પાંચ ડગલામાં સુખ-દુખ,આશા - નિરાશા, સ્વતંત્રતા તો ક્યારેક મુક્તિનો પણ અહેસાસ કરી લે છે. આમ તેમના સર્જનમાં પાત્રગત વિશેષતા પણ એક અનન્ય આકર્ષણ બને છે. પુરુષપ્રધાન સમાજ તરફથી સતત મળતી ઉપેક્ષા સ્ત્રીના માનસ પર કેવી વિપરિત અસર જન્માવે છે તેની લેખિકા અહીં સરસ રીતે વાત કરી છે. આ નવલકથાઓમાં સ્ત્રી પાત્રોની ઝંખના માત્ર રસોડું કે સંતાન ઉછેર નથી પણ ઘર બહાર નીકળી સ્વનિર્ભર બનવાની છે. સ્ત્રીને પણ પોતાની ઇચ્છા હોય છે એવું સમાજ સ્વીકારશે?, સ્ત્રી પોતાની જાતે કોઈ ભૂમિકા પસંદ કરી શકે ખરી? કે પછી એને હંમેશા બીજા સોંપે એ જ ભૂમિકા પોતાની ઈચ્છા વિરુદ્ધ ભજવ્યે જવાની? આ સમગ્ર પ્રશ્નોના સચોટ જવાબ ઈલાબહેનની કૃતિઓમાં એમના નારી પાત્રો થકી આપણને મળી રહે છે. સાહિત્યસર્જનની દ્રષ્ટિએ જોઈએ તો નારીકેન્દ્રી નવલકથાઓ તો છે જ પણ એ સિવાય કુટુંબજીવનમાં પ્રવેશેલી કટુતા, જીવનનો વિષાદ, મૃત્યુનો ભય, દામ્પત્યજીવનની નિષ્ફળતા - વિષાદતા વગેરેને પણ સુંદર રીતે આલેખી અન્ય સર્જકોની સરખામણીમાં ઇલાબહેન મુઠ્ઠી ઊંચેરું સ્થાન પ્રાપ્ત કરે છે.
પ્રા. ડૉ. વંદના રામી, મદદનીશ પ્રાધ્યાપક, આર. આર. લાલન કૉલેજ, ભુજ, મો ; 9924818600 Email: drvandanarami@gmail.com