Included in the UGC-CARE list (Group B Sr. No 172)
Special Issue on Feminism
‘ચેમ્મીન’ નવલકથામાં પ્રગટતું સમુદ્રકાંઠાનું નારીજીવન
ભારત પ્રાકૃતિક રીતે પર્વતો, સમુદ્ર, નદીઓ, રણ અને મેદાની પ્રદેશથી વિશિષ્ટ ભૌગોલિક પરિવેશ ધરાવે છે. આ ભોમની ઉત્તરમાં ઉન્નત ગિરિશૃંગોથી સુસજ્જ છે તો દક્ષિણમાં સમુદ્ર તેના પગ પખાળે છે. પૂર્વ અને પશ્ચિમ ભાગ તો સમુદ્ર અને ભૂમિભાગથી પુલકિત થયો છે. આ ચારે તરફથી નાનાવિધ સૌંદર્ય ધરતી ભારતમાતા દરેક સ્થળે વિવિધરંગી સમાજને ધારણ કરે છે, તેને જીવનબળ પૂરું પડે છે. દક્ષિણ ભારતના અંતિમ ભાગમાં કેરળ પ્રદેશ છે, જ્યાંથી સમુદ્રની અનંતજલરાશી જોડાયેલી છે; આ કેરળના દરિયાઈ જીવન સાથે જોડાયેલા સમાજને પ્રતિબિંબિત કરે છે તકષી શિવશંકર પિલ્લૈની નવલકથા ‘ચેમ્મીન’.

તકષી શિવશંકર પિલ્લૈનો જન્મ ૧૭મી એપ્રિલ ઈ.સ.૧૯૧૪ના દિવસે મધ્ય તિરૂવિતાંકુરમાં આવેલ તકષીમાં થયો હતો. ઈ.સ.૧૯૧૪માં મેટ્રિકની પરીક્ષા પાસ કર્યા પછી એમણે કાયદાનો અભ્યાસ શરૂ કર્યો. ઈ.સ.૧૯૩૫માં કાયદાની પરીક્ષા પાસ કરીને વકીલ થયા. તકષી શિવશંકર પિલ્લૈ સમાજવાદી વિચારધારા ધરાવતા લેખક છે. મુખ્યત્વે આ સર્જક નવલિકાલેખક અને નવલકથાલેખક તરીકે પ્રસિધ્ધ છે. આ લેખકની કૃતિમાં ક્યાંક સમાજવાદી વિચારધારાનો પ્રતિઘોષ દેખાઈ આવે છે કારણ કે, લેખક પોતે કાયદાના અભ્યાસી હતા વળી, ત્રિવેન્દ્રમમાં વકિલાત પણ કરતા હતા. તકષી તે સમયનાં મલયાલમના શ્રેષ્ઠ લેખકોમાંના એવા પ્રતિભાશાળી સર્જક છે, જે પોતાના સમયને કુશળતાપૂર્વક પોતાની રચનાઓમાં પ્રસ્થાપિત કરી શકે છે. તકષી શિવશંકર પિલ્લૈ પર મલયાલમ ભાષાના જાણીતા એવા પાશ્ચાત્ય સાહિત્યના વિદ્વાન, વિવેચકનો સારો એવો પ્રભાવ છે અને પત્રકાર શ્રી કેસરી બાલકૃષ્ણ પિલ્લૈનો ખૂબ સારો સહયોગ મળ્યો છે. તેમની આરંભની વાર્તાઓમાં મોપાસા, એમિલ ઝોલા અને ચેખોવ જેવાં પાશ્ચાત્ય વિદ્વાનોનો પણ એમની રચનાઓ પર પ્રભાવ દેખાય છે. તકષીની કૃતિઓનાં કેન્દ્રમાં તેમની આસપાસનનો ભૂમિ, પ્રદેશ તથા વતનનું જનપદ છે. તેમની પાસેથી પ્રગતિશીલ સાહિત્યનું પ્રતિનિધિત્વ કરતી ‘ઓયુસેપ્પીનટે મક્કાલ’ અને ‘કાયર’ જેવી રચનાઓ મળે છે. આ ઉપરાંત દલિતવર્ગને પણ કેન્દ્રમાં રાખી લખાયેલી કૃતિઓ મળે છે. તેમણે ૧૯૪૭માં ‘તોટ્ટિયુડૈ મગન’ અને ૧૯૪૮માં ‘રંટી-ટંગષી’ જેવી રચનાઓ આપી મલયાલમ વાચકોના હૃદયમાં પોતાનું સ્થાન મેળવ્યું હતું. તો ૧૯૫૬માં ‘ચેમ્મીન’ નવલકથાએ તકષી શિવશંકર પિલ્લૈને આંતરરાષ્ટ્રીય પ્રસિદ્ધિ અપાવી છે, એટલું જ નહીં ઈ.સ. ૧૯૬૭માં સાહિત્ય અકાદમી પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યાં. આ ઉપરાંત ઈ.સ. ૧૯૮૪માં ભારતીય સાહિત્યનો સર્વોચ્ચ એવો ભારતીય જ્ઞાનપીઠ પુરસ્કારથી ‘ચેમ્મીન’ નવલકથાને પુરસ્કારવા આવી.

આ નવલકથામાં આલપપ્પુષાની દક્ષિણી બાજુએ આવેલ નીરકકુન્નમ્ અને કૃતુન્નપુઝા સમુદ્રકાંઠાના માછીમાર સમાજના જનજીવનની કથા છે. સર્જકે માત્ર કેરળ પ્રદેશના સાગરખેડુની જે વાત નથી કરી બલકે સમગ્ર દેશમાં વસતા માછીમારોના જનજીવનની સંસ્કૃતિ, રીતરિવાજ અને માછીમાર સમાજની વિટંબણાઓ વગેરે સમાન હોય તેવી પ્રતીતિ આ નવલકથા કરાવી જાય છે. સમગ્ર નવલકથાનું હાર્દ એક રૂઢિગત માન્યતા પર આધારિત છે.

‘ચેમ્મીન’ નવલકથામાં માછીમાર સમાજ રૂઢિગત માન્યતાઓ, પરંપરાગત રીતરિવાજને ચુસ્તપણે વળગી રહેલો છે. માછીમાર સમાજની સંસ્કૃતિ અન્ય સમાજથી ભિન્નતા ધરાવે છે. ભારતીય દરેક સમાજમાં મુખ્યત્વે પુરુષને પ્રાધાન્ય આપવામાં આવે છે એ જ પ્રકારે માછીમાર સમાજમાં પણ પુરુષને વિશેષ પ્રાધાન્ય આપવામાં આવે છે. આ સમાજમાં પુત્ર જન્મને વિશેષ મહત્ત્વ આપવામાં આવે છે. ‘પુન્નામ્ નર્કત્ ત્રાયતે ઈતિ પુત્ર:’ વિચારને અનુરૂપ લોકો પુત્રની અભિલાષા સેવતા જોવા મળે છે. અહીં પણ સદીઓ જૂની વિચારસરણીને વળગી રહેલા સંકુચિત માનસ ધરાવતા લોકો જોવા મળે છે. બાળકના જન્મ સમયે હોસ્પિટલમાં નહીં પરંતુ ઘરમાં જ સમાજની દાયણોની મદદથી સ્ત્રીની પ્રસુતિ કરાવવામાં આવે છે. જન્મ સમયે ખાસ વિધિવિધાનો કરવામાં આવતા નથી. પુત્રી જન્મે એટલે માતાને વિશેષ ચિંતા સતાવતી હોય છે એ કિશોરાવસ્થા સુધી પહોંચે ત્યાં સુધી તો તેને પરંપરાગત રીત અનુસાર સ્ત્રીની પવિત્રતા અંગે મા તથા આસપાસની માછણો દ્વારા અનેક પ્રકારનું શિક્ષણ આપી દેવામાં આવે છે. એટલું જ નહીં તે લગ્ન કરવાને લાયક થાય ત્યાં સુધીમાં તો સ્ત્રીની પવિત્રતા અંગેના સમાજના નીતિનિયમો, રિતરિવાજ અને સંસ્કૃતિ અંગેના ખ્યાલોનું કંઈ કેટલીયવાર પુનરાવર્તન થતું હોય છે.

વિશાળ સમુદ્રના ઊંડાણમાં જઈ પોતાની આજીવિકા રડતાં માછીમારોનું જીવન તટ પર રહેલી તેમની માછણના ચરિત્ર પર નિર્ભર કરે છે. આવી માન્યતા તે સમુદ્રકાંઠાના માછીમારોના દિલો-દિમાંગમાં પરંપરાથી ઘર કરી ગઈ છે. અગર તેમની પત્નીઓ પવિત્રતાનું પાલન કરવામાં ચૂકી જાય તો તેમના ભરથાર મધદરિયે નૌકા સહિત સમુદ્ર વંટોળમાં ડૂબી જાય છે. નવલકથાની ચક્કી પોતાની દિકરી કરુત્તમાને બાળપણથી જ સતતને સતત ચેવતી રહે છે. વળી અન્ય કોમના બાળકો સાથે રમવું તથા અન્ય કોમની વ્યક્તિ સાથે વાત કરવાનો પણ નિષેધ છે. અહીં માછીમાર ચેંબન કુન્ય અને ચક્કીની દિકરી કરુત્તમ્મા બાળપણથી જ મુસલમાન અબ્દુલા શેઠનો પુત્ર પરિકુટ્ટી સાથે રમી છે અને મિત્રતાના સંબંધે જોડાયેલી છે. જે સમાજને માન્ય નથી. કરુત્તમ્માની મા ચક્કીને પંચમીએ કરુત્તમ્મા પરિકુટ્ટી સાથે હોડીની આડમાં રહી હસી હસીને વાતો કરવા અંગેની ફરિયાદ કરતાં જ મા દિકરીને માતાને ગળથૂથીમાંથી મળેલું જ્ઞાન આપવા માંડ્યું કે અહીંના શેઠ લોકો માછણ સાથે અપવિત્ર સંબંધ રાખે છે. તેઓ દરિયા માતાનાં સંતાન નથી હોતાં એટલે દરિયાને કે સ્ત્રીઓને અભડાવે છે, એનાથી બચીને રહે. માછીમારોની રક્ષા માત્ર સમુદ્રમાતા જ કરી શકે છે. તેમના આશીર્વાદથી દરિયાકાંઠાનું જીવન ગતિશીલ રહે છે. વળી, પરંપરાથી દરિયા માતા સંતાનોની રક્ષા કરતાં આવી છે. માછીમાર સમાજમાં સ્ત્રીએ જ હંમેશા પતિની રક્ષા કાજે પોતાની આશા-આકાંક્ષાને નેવે મૂકી પરંપરાગત નિયમો સાથે જકડાય રહેવું પડે છે.

તકષી શિવશંકર પિળ્ળાની કેરલ પ્રદેશની મલયાલમ ભાષામાં લખાયેલી નવલકથા ‘ચેમ્મીન’ મૂળ તો પ્રણયકથા છે. આ નવલકથામાં આલપપ્પુષાની દક્ષિણી બાજુએ આવેલ નીરકકુન્નમ્ સમુદ્રકાંઠાના માછીમારોના જીવનની કથા છે. સમગ્ર નવલકથાનું હાર્દ એક રૂઢિગત માન્યતા પર આધારિત છે. કરુત્તમ્મા જ્યારે ચાર-પાંચ વર્ષની હતી ત્યારે દરિયા કિનારે છીપલાં વીણતા તથા જાળને ખંખેરતી વખતે એમાંથી ફેંકાતી માછલી ભેગી કરતી વેળાએ પોતાની વયનો મુસલમાન મિત્ર પરીકુટ્ટી એને મળી ગયો હતો. આ પરિકુટ્ટી સાથે કરુત્તમ્મા પોતાના પિતા જાળ ખરીદવાના છે. એ અંગે મજાક મજાકમાં પોતાના પિતાને રૂપિયા ઓછીના આપશે કે? એ અંગે વાતો કરે છે. કરુત્તમ્માએ માતા ચક્કીની ગેરહાજરીમાં સૌ પ્રથમ વાર હસી હસીને વાતો કરી હતી. લેખકે અહીં એક વાક્ય આપ્યું છે,
“જીવનમાં ક્યારેય પરિકુટ્ટી તો શું પણ બીજે ક્યાંય એ આટલું હસી નહોતી.” (પૃ.૩)
આ પરથી એવું ફલિત થાય છે કે, સ્ત્રી મોકળા મને કોઈપણ પુરુષમિત્ર કે કોઈપણની સાથે હળી-મળી શકતી નથી. કરુત્તમ્માની બહેન પંચમી પણ માતા ચક્કીને કાનભંભેરણી કરે છે કે,
‘મા! આ મોટીબહેન છે ને, કિનારે ચઢાવી રાખેલી હોડીની આડમાં ઊભી રહીને નાના શેઠ જોડે મોટેથી હસતી હતી.”(પૃ.૪)
દીકરી કિશોરાવસ્થામાં પહોંચે એટલે સ્વાભાવિક રીતે માતાને ચિંતા થાય માટે ચક્કી દીકરીને અગમચેતી કરતાં કહે છે,
“આ વિશાળ દરિયામાં બધુંય છે, દીકરી! બધુંય. મરદ લોકો દરિયામાં જાય છે અને શી રીતે સહીસલામત પાછા ફરે છે એની તને શી ખબર? કિનારા પર રહેતી સ્ત્રીઓ પવિત્ર રહેવાથી આ બધુંય બની શકે છે. નહિતર આ દરિયો માછીમારને એની હોડીની સાથે જ વમળમાં ભરખી જાય. દરિયામાં સાહસ ખેડતા માછીમારોના પ્રાણ કિનારે રહેતી સ્ત્રીઓના હાથમાં હોય છે.”(પૃ.૭)
આવી શિખામણ કરુત્તમ્માને જ નહીં પણ દરેક દીકરીએ પોતાના માતાની મુખેથી સાંભળી હતી, આ વાક્યો કરુત્તમ્માએ પહેલીવાર ન’તા સાંભળ્યા પણ જ્યારે જ્યારે ચાર માછણો ભેગી થતાં આવા વાક્યો અચૂક સાંભળવા મળતાં.

ચક્કી દીકરીને શિખામણ આપતાં કહે છે, “મારી દીકરી! તું આ સાગરમાં તોફાનો જગાવી, માછીમારોના પેટ પર પાટુ ન મારીશ.”(પૃ.૮)

આમ, વિશાળ સમુદ્રના ઊંડાણમાં જઈ પોતાની આજીવિકા રડતાં માછીમારોનું જીવન તટ પર રહેલી તેમની માછણના ચરિત્ર પર નિર્ભર કરે છે. આવી માન્યતા તે સમુદ્રકાંઠાના માછીમારોના દિલો-દિમાંગમાં પરંપરાથી ઘર કરી ગઈ છે. અગર તેમની પત્નીઓ પવિત્રતાનું પાલન કરવામાં ચૂકી જાય તો તેમના ભરથાર મધદરિયે નૌકા સહિત સમુદ્ર વંટોળમાં ડૂબી જાય છે. નવલકથાની ચક્કી પોતાની દીકરી કરુત્તમાને ચેતવણી આપે છે. કે અહીંના શેઠ લોકો માછણ સાથે અપવિત્ર સંબંધ રાખે છે. તેઓ દરિયા માતાનાં સંતાન નથી હોતાં એટલે દરિયાને કે સ્ત્રીઓને અભડાવે છે, એનાથી બચીને રહે. માછીમારોની રક્ષા માત્ર સમુદ્રમાતા જ કરી શકે છે. તેમના આશીર્વાદથી દરિયાકાંઠાનું જીવન ગતિશીલ રહે છે. વળી, પરંપરાથી દરિયા માતા સંતાનોની રક્ષા કરતાં આવી છે.

દરિયાકિનારા પર છીપલા ભેગા કરી રમવાવાળી માત્ર ચાર-પાંચ વર્ષની કરુત્તમ્માને જે બાલમિત્ર મળ્યો તે મિત્ર પરીકુટ્ટી માછલીઓનો વેપાર કરવા વાળા અબ્દુલ્લા શેઠનો દિકરો પરીકુટ્ટી પાયજામા પર પીળો કુર્તો પહેરી, ગળામાં રેશમી રૂમાલ બાંધી, તુર્કી ટોપી, પોતાના પિતાનો હાથ પકડીને દરિયાકિનારા પર પહેલીવાર આવ્યો ત્યારે કરુત્તમ્માએ તેને જોયો હતો. એ દિવસ એને ખૂબ યાદ છે. કરુત્તમ્માના ઘરની દક્ષિણ તરફ તેમનું રહેઠાણ હતું. બંને બાળપણના સાથી રહ્યા હતા. સમય વિતતા મિત્રતા દ્રઢ થઈ ગઈ. કરુત્તમ્મા પરિકુટ્ટીને નાનો શેઠ કહીની બોલાવતી હતી. બાળપણની મિત્રતા જુવાનીનો પ્રેમ બની ગઈ હતી. કરુત્તમ્માના મનમાં માની ચેતવણી યાદ બની રહી હોય છે. તેના કાનોમાં રાતની નીરવતામાં પરીકૂટીના ગીતોનો અવાજ સંભળાતો હતો અને કરુત્તમ્મા બેચેન બની જતી. છોકરી માછીમાર સમાજ માટે ફક્ત દસ વર્ષે જ ઉંમર લાયક ગણાતી. આ ઉંમરે તે દરિયા કિનારે હરીફરી ન શકે એવો માછીમારોનો નિષેધ હતો. વળી, જેમાં માની કહેલી કિંવદંતી કરુત્તમ્માનાં પગની જંજીર બની જતી.

કરુત્તમ્માના પિતા ચેંબન કુન્ય દંભી અને લાલચી છે. ચક્કી જ્યારે કરુત્તમ્માના વિવાહ માટે ચિંતિત છે ત્યારે ત્યાં ચાલતી પ્રથા મુજબ દીકરીની સાસરીમાં દહેજ આપવાનો હોય છે પણ ચેંબન એક પણ રૂપિયો પોતાની બચતમાંથી દીકરી માટે નહીં કાઢે અને રૂપિયા આપ્યાં વિના દીકરીના લગ્ન કરાવી દેશે એવી ખાતરી આપે છે. તે ઈચ્છે છે કે; કોઈપણ રીતે પોતાની એક જાળ અને નૌકા ખરીદી લે. કરુત્તમ્માને ખબર હતી કે; ઘરમાં માં-બાપને પરીકુટ્ટી પાસેથી રૂપિયા માંગવાની વાત સાંભળી હતી. આખરે ચેંબને પરીકુટ્ટી પાસેથી સાચ્ચે જ રૂપિયા ઉધાર લીધાં. દરિયાકાંઠાના મુખિયા પાસેથી જાળ અને નૌકા ખરીદવાની અનુમતિ લીધી ન હતી એટલે કાંઠાનાં અનેક લોકોએ મુખિયાનાં ઘરે જઈ ચાડી કરી. નૌકા અને જાળ આવી ગયા અને વહેલી સવારે મુખી વેલાયુધનને મળી પોતે જાળમાં પકડાતી માછલીઓનો એક હિસ્સો મુખીને પહોંચાડવાનું કબૂલ્યુ. દરિયાકાંઠે રહેતાં વલક્કારન, મુક્કુવન, મક્કાન અને પંચમ પૈકી વલક્કારન જાતના માછીમારો જ જાળ ખરીદી શકે એવો ત્યાંનાં લોકોનો પરંપરાગત નિયમ હતો. આ નિયમનો ચેંબને ઉલંઘન કર્યું હતું. પણ મુખી સાથે તે સુલેહ કરી આવ્યો. ચેંબનનો નફો સારો રહ્યો. કમાણી જેમ જેમ વધતી ગઈ તેમ તેમ મિત્રોની ઈર્ષ્યા પણ વધતી ગઈ. દરિયા કાંઠે સહુ માછીમારોમાં ચેંબન મહત્વનો વ્યક્તિ બનતો જતો હતો અને ચેંબન વિશે અનેક વાતો ચર્ચાતી હતી. ચેંબનનો મિત્ર ને પાડોશી એવા અચ્ચન કુન્ય પાસેથી માછીમારોને વાત જાણવાની ખૂબ જિજ્ઞાસા હતી પણ પાડોશી મિત્રને આ અંગે જાણ ન હતી છતાં બધું ખબર હોય એવો ડોળ કરી લોકોમાંથી તે છૂટી જતો. ચેંબનનું અભિમાન પણ વધતું ગયું. ચક્કી અને કરુત્તમ્માએ મજબૂર કર્યા પછી પણ પરીકુટ્ટીનું દેણું ચૂકવવા તરફ તેણે ધ્યાન ન આપ્યું. ચક્કી ચિંતિતી હતી કે; પરીકૂટીના દેણાંનું દબાણ કરુત્તમ્મા પર ભારી ના પડે ને બીજી તરફ ચેંબને પળની નામનો એક અનાથ યુવક શોધી કાઢ્યો. જે કયા કુળનો છે એની પણ ખબર ન હતી. આ તરફ પૈસાના અભાવમાં પરીકુટ્ટીનો વ્યપાર ઠપ્પ થઈ ગયો હતો.

માછીમાર સમાજ માટે દીકરી દશબાર વર્ષ વટાવે એટલે દીકરી ઉમ્મરલાયક થઈ કહેવાય એટલે આ ઉમ્મરે માતા-પિતાએ દીકરીને અનુરૂપ એક માછી સાથે દીકરીના વિવાહ કરવી દેવા જોઈએ એવો સાગરખેડુ સમાજનો મત હોય છે પરંતુ અહીં ચેંબન કુન્યની દીકરી કરુત્તમ્મા ઉમ્મરલાયક થઈ હોવા છતાં દીકરીના લગ્ન કરવાના બદલે હોડી તથા જાળ ખરીદવા પ્રેરાય છે ત્યારે આખો સમાજ ચેંબનનો વિરોધ કરે છે. આ માટે સમાજના વડવાઓ ભેગા થઈ મુખીને ફરિયાદ કરે છે. વળી, દરેક સમાજના લોકો લગ્ન ધામધૂમથી જ થવા જોઈએ એવી ઈચ્છા સેવતો હોય છે પરંતુ ચેંબન કુન્યના ઘરમાં આ અવસર પહેલો હતો છતાં ચેંબન કરુત્તમ્માના લગ્ન ધામધૂમથી કરવા ઈચ્છતો નથી. એ દરિયાકાંઠે વસતા માછીમારોમાં ચેંબન અન્યની સરખામણીમાં આર્થિક દૃષ્ટિએ અને સગવડની રીતે સ્થિતિ સારી હતી. આ બાબત પણ સમુદ્રકાંઠાના લોકો માટે ચર્ચાનો વિષય બની જાય છે.

ભારતીય સમાજમાં જેમ લગ્ન નક્કી થયા પછી સગા-સંબંધી અને લગતાવળગતાઓને આમંત્રણ આપવામાં આવે છે. લગ્ન સમયે વરપક્ષ તરફથી સંબંધીઓ કન્યાના ઘરે આવે છે ત્યાં વરરાજાએ મંડપમાં પ્રવેશતા જ મુખીના કહેવા પ્રમાણે અમુક ટકા રૂપિયા મૂકવાનો રિવાજ માછીમાર સમાજમાં ચાલે છે પણ રકમ વધારે હોવાથી પળનીએ આપવી પડતી રકમ ચેંબન આપે છે. આ જોતા અહીં પરંપરા સામેનો વિદ્રોહ ચેંબન કુન્યના પાત્રમાં દેખાય છે. સમાજનો જાણકાર વ્યક્તિ જ વિધિ અનુસાર લગ્ન કરાવે છે. ભારતીય સંસ્કૃતિ પ્રમાણે કન્યાનો હાથ વરના હાથમાં મુકવામાં આવે છે પરંતુ અહીં ચેંબન કુન્ય પળનીનો હાથ કરુત્તમ્માના હાથમાં મૂકે છે એટલે કે આ સમાજ કન્યાને પુરુષ સોંપે છે. પળની એક અનાથ માછી હતો એટલે તેની આસપાસ રહેતા માછીમારો આવ્યા હતા પણ સાથે એકપણ સ્ત્રી આવી ન હતી. આવું દૃશ્ય જોઈને કરુત્તમ્માની મા ચક્કી અનેક શંકાકુશંકા સાથે બેભાન અવસ્થામાં ફસડાય પડે છે. આમ ચક્કીનું બેભાન થવું એ ત્યાંના દરેક લોકોના માટે આ બાબત અપશુકનિયાળ ગણાય. અહીં લગ્નમાં જમણવાર સમયે પણ કન્યાપક્ષ તરફથી પળનીની જ્ઞાતિ વિષે અનેક લોકોને શંકા હતી માટે કેટલીક છૂત-અછૂતમાં માનવા વાળી કેટલીક સ્ત્રીઓ જમ્યા વિના જતી રહી. જમણવાર પછી પાન-સોપારી ખાયને કન્યાને વિદાય કરવાની હોય છે. ચક્કીની ગંભીર હાલત જોતાં કરુત્તમ્મા થોડાં દિવસ રોકાય જાય અંગે કન્યાના પિતા અને મુખી પળની સામે પ્રસ્તાવ મુકે છે પરંતુ લગ્ન પછી દરેક દીકરીને પતિના ઘરે વિદાય કરવાની પ્રથા હોય છે માટે પળની એ પ્રસ્તાવનો અનાદર કરે છે. કરુત્તમ્માને આ અંગે પુછવામાં આવે છે કે, ‘દીકરી! તારી મને આ હાલતમાં મૂકીને તું જવા માગે છે ખરી? તારા બાપુને પાણી ગરમ કરીને આપવા વાળું કોઈ આ ઘરમાં કોઈ નથી રહ્યું. પરણ્યા પછી વરની સાથે જવું જોઈએ એ રિવાજ છે એની ના નહિ, છતાંય, આ અંગે તારે જ નિર્ણય લેવાનો છે.’ પરંતુ કરુત્તમ્માને પરિકુટ્ટી પ્રત્યેનો પ્રેમ અને પિતાનું પરિકુટ્ટી પાસથી લીધેલું લેણું ક્ષણે ક્ષણે મારી રહ્યું હતું એટલે કરુત્તમ્મા એક પણ ક્ષણ ત્યાં રોકવા ઇચ્છતી ન હતી. કરુત્તમ્માની મા ચક્કીએ દીકરીને જલ્દીથી જલ્દી સાસરે વળવવાનો નિર્ણય લઈ લીધો હતો. કરુત્તમ્મા પણ પોતે સાસરે જ જવાની છે એવી ઇચ્છા વ્યક્ત કરતાં કરુત્તમ્માએ એમના પિતા અને મુખી સહિત આની માછીમારોને કરુત્તમ્મા પ્રત્યે ધૃણા જાગે છે.

સમુદ્રીકાંઠા સમાજમાં લગ્ન પછી કન્યાના પિયરમાં જમાઈ અને દીકરીને જમવા માટે આમંત્રણ આપવામાં આવતું હોય છે પરંતુ કરુત્તમ્માના પિતા પરંપરાથી ચાલતા આવતા રિવાજનું ખંડન કરતાં જોવા મળે છે. કરુત્તમ્માના પિતા દીકરીના એક નિર્ણયથી એટલી હદે નારાજ છે કે એ દિકરી પ્રત્યે નિષ્ઠુર બની ચેંબન કુન્ય કરુત્તમ્મા સાથેનો સંબંધમાં પૂર્ણવિરામ લાવી દે છે.નીર્કુન્ન્મ સમુદ્રકાંઠાના માછીમારો કરુત્તમ્માની માં ચક્કી મૃયું પામે છે ત્યારે પણ મૃત્યના સમાચાર કરુત્તમ્માને પહોંચાડતા નથી. તો વળી, તૃકકુન્નપુઝાના દરિયાકાંઠાના માછીમારોને પણ કરુત્તમ્માના પરિકુટ્ટી સાથેના સંબંધ અંગે પણ શંકા છે અને તેમાંય પપ્પુ નામનો માછી કરુત્તમ્મા વિશે તૃકકુન્નપુઝાવાસીઓના મનમાં કરુત્તમ્મા વિશે ખોટી અફવા ફેલાવી કરુત્તમ્મા અપવિત્ર છે એવી છાપ ઊભી કરવામાં પાછીપાની કરતો નથી. ચક્કીના મત્યુ પછી ચેંબનકુન્ય પાળ્ળી કુન્ય નામની વિધવા યુવતીને ઘરે લઈ આવે છે. માછીમાર સમાજમાં પુનર્લગ્નનો નિષેધ નથી પરંતુ મુખીને અમુક પ્રકારનું નૈવેધ ધરાવું પડતું હોય છે. આમ ચેંબન કુન્ય પરંપરા સામે વિદ્રોહ કરતો દેખાય છે.

એક વખત ચક્કીનું નલ્લપેણ્ણ સાથે કરુત્તમ્માની વાતને લઈ નલ્લપેણ્ણ ખરી-ખોટી બોલતી જતી હતી ત્યારે ચક્કી પોતે મુસલમાન બની જશે એવી ધમકી આપે છે. બની શકે કે ત્યાં વસતા કેટલાંક લોકો પરંપરા અને સંસ્કૃતિ વિરુધ્ધ થઈ ધર્મપરીવર્તન કરતાં હોય.

સાગરખેડુ સમાજમાં ચક્કી હોય કે નલ્લપેણ્ણ કે કરુત્તમ્માની કોઈ વાતને ધ્યાનમાં લેવામા આવતી નથી. માછીમાર સમાજ પણ હમેશાં સ્ત્રીની વાતની અવગણના કરતાં દેખાઈ છે. સ્ત્રી એટલે ઘરકૂકડી એવો ખ્યાલ અહીં પણ દેખાઈ આવે છે. વળી પુરુષ ખોટાં કામો કરે છતાં સ્ત્રી લગીરેય વિરોધ કરી શકતી નથી. ચેંબન કુન્યનો પાડોશી મિત્ર અચ્ચન કુન્ય હોટલવાળા અહમદનો દેવદાર હતો. લાગ મળતાં જ અહમદ રૂપિયા આંચકી લે છે. રૂપિયા લીધા વિના ઘર જાય છે ત્યારે પત્ની નલ્લપેણ્ણ ન બોલવાનું બોલી જાય છે ત્યારે અચ્ચન તેનો જવાબ બોલીને નહીં પણ નલ્લપેણ્ણનાં બરડામાં એણે બે ધબ્બા મારી દીધા. આ રીતે ત્યાંની સ્ત્રીઓને પતિના આવાં રૂપનો પણ સામનો કરવો પડે છે. ત્યાં રહેતી અડોશ-પાડોશની સ્ત્રીઓ વાક્યુધ્ધ કરીને પોતાના સ્વભાવને છતો કરતાં પણ દેખાઈ છે. તો વળી માછલી વેંચવા પોતાનાં માથે મોટો ભાર ઉપાડીને જાય છતાં ક્યારેક ઓછાં ભાવે માછલી આપીને માત્ર ઘરનો ચૂલો સળગે એટલું કમાયને સંતોષ માને છે. આમ સ્ત્રીઓ ખૂબ કરકસર અને પેટે પાટા બાંધીને મહેનત કરતી દેખાઈ છે.

દરિયાકિનારાના રંગીન વાતાવરણમાં માછણ કરુત્તમ્મા અને મુસલમાન પરીકુટ્ટીનો પ્રેમ જાતિ અને ધર્મની દિવાલો તોડતો વધુ ગહન થતો ગયો. પ્રેમ જે પવિત્ર હતો, મનનું મિલન હતું, શરીરનો સ્પર્શ સુધ્ધાં ન હતો. કારણ કે; કરુત્તમ્મા જાણતી હતી કે, છોકરીના ચરિત્રનું અપવિત્ર થવું નુકસાનકારક છે. છોકરી મનની મરજી ન ચલાવી શકે. છતાં પણ કરુત્તમ્મા અને પરીકુટ્ટી વિશે અફવા ફેલાતાં વાર ન લાગી. જુવાન દીકરીને અવિવાહિત રાખવાના કારણે બીજા માછીમારોએ મુખિયાને ફરિયાદ કરી. ચક્કી પણ પોતાની દિકરીના લગ્ન જલ્દી થી જલ્દી કરાવવા માટે ચેંબનને પ્રેરિત કરતી હતી. છેવટે તૃક્કનપુઝાની નૌકાના નાવિક પળની સાથે કરુત્તમ્માનાં લગ્ન કરવાનું નક્કી કર્યું. પળનીએ એના દિલમાં પ્રવેશ મેળવ્યો હતો, ખરો? પણ કરુત્તમ્માની ઈચ્છા જાણવી જરૂરી ના સમજી. છોકરીએ પૂછવાથી શું મતલબ! કરુત્તમ્મા મા પાસેથી જાણવા ઇચ્છતી હતી કે; ‘શું કોઈ વિજાતીય યુવકે કોઈ માછણને ક્યારેય પ્રેમ કર્યો હતો અને બંને તે પ્રેમમાં નિરાશ થયા હતા. શું એ કિનારાના કણકણને એવા પ્રેમીઓના ગીતે પ્રાણનો સંચાર કર્યો હતો? જો હા, તો એ પ્રેમીઓની દશા શું થઈ?’ પરંતુ કરુત્તમ્માએ કોઈને ન પુછ્યું. તેને જે કઈં કહેવું હતું તે તેના મનમાં ઘૂંટાયને રહી ગયું.

કરુત્તમ્માને જો કોઈ સ્ત્રી આવી રીતે વિજાતીય વ્યક્તિને પ્રેમ કરે તો શું પરિણામ આવે એ જાણવાની ઈચ્છા થઈ. નલ્લપેણ્ણ દ્વારા જાણવા મળ્યું કે, “જો કોઈ પતિત બને તો એના પરિણામે દરિયામાં પર્વત જેટલાં મોજાં ઊછળ્યાં હતાં અને કિનારે ધસી ગયાં હતાં. એમાંથી સાપો કાંઠે ખેંચાઈ આવ્યાં હતાં. ગુફા જેવાં મોં ધરાવતાં દરિયાઈ જંતુઓ હોડીની પાછળ ધસ્યાં હતાં.”(પૃ.૧૨૨)

કરુત્તમ્મા લગ્નની એક રાત પહેલાં પરીકુટ્ટીને મળી હતી. કરુત્તમ્માના ગયા પછી પણ તે એકલો સમુદ્ર કિનારા પર ગીતો ગાતો રહેશે. એનાથી વધારે અનિચ્છનીય દખલઅંદાજથી પરીકુટ્ટી બચવા માંગતો હતો. કરુત્તમ્માનું સુખ એ એનું સુખ એમ વિચારી મનને માનવ્યું. તૃક્કનપુજજાના દરિયાકિનારા પર બેઠી બેઠી તે ગીત સાંભળવાનું વચન કરુત્તમ્માએ આપ્યું હતું એટલી જ એના હાથની વાત હતી. સમાજમાં સ્ત્રીઓ પોતાની ભાવનાઓ અને સંવેદનાઓને યથાતથા રૂપમાં દર્શાવી શકતી નથી. દરેક જગ્યાએ તેને રોકી રાખતી. કરુત્તમ્મા મનમાં વારંવાર એ વાત ખટક્યા કરતી કે; પોતે પરીકુટ્ટીને પ્રેમ કરી મોટામાં મોટી ભૂલ કરી બેઠી છે. કરુત્તમ્માના મનમાં એ ડર પોતાનું સ્થાન લઈને બેઠો હોય છે. તે એ આ ડરરૂપી રાક્ષસથી પણ બચવા માંગતી હતી. એટલે માએ તેને બચાવવાનો ભાર પોતાના પર લીધો અને લગ્નના દિવસે જ તેને સાસરીએ વળાવવાનું વચન આપ્યું. પળની એક એવો અનાથ હતો કે, તેની સાથે લગ્નમાં આવેલા લોકોમાં કોઈ સ્ત્રી પણ ન હતી. દીકરીને સાસરે વળવતાં સમયે એકાદ સ્ત્રી સાથે હોત તો સથવારો મળી રહે. સાસરી પક્ષથી સ્ત્રીઓની ગેરહાજરી જોઈ બધાં અવાચક થઈ ગયા. પોતાની દિકરિની ખુશી માટે ચક્કીનું દિલ તડપતું રહ્યું. કરુત્તમ્માના લગ્નના સમયે ચક્કીની તબિયત ખૂબ જ ખરાબ થઈ ગઈ. પરંતુ માની સેવા કરવાની ઇચ્છા હોવા છતાં તેને પળની સાથે જવું પડ્યું. એક પુરુષના સ્પર્શનો અનુભવ પહેલીવાર તેને પળનીના સ્પર્શથી જ થયો હતો. તેણે પોતાનું શરીર તેના પતિ માટે જ પવિત્ર બનાવી રાખ્યું હતું. એણે સમજી લીધું હતું કે સ્ત્રીની ઓળખ પુરુષ સાથેના તેના સંબંધને આધારિત છે. પળનીના જીવન સંઘર્ષમાં કરુત્તમ્મા તેનો સાથ આપતી હતી. કરુત્તમ્માની સામે તેના નવા જીવનના પડકારો છે. જિદ્દી સ્વભાવ વાળા પળનીએ કરુત્તમ્માને તેના માવતરે ના જવા દીધી. પોતાને જવું તો દૂરની વાત હતી. લગ્નના ચોથા દિવસે રિવાજ મુજબ પળનીને ત્યાં કરુત્તમ્માના ઘરેથી તેડું પણ ન આવ્યું. ત્યાં ચેંબન પણ પોતાનો અભિમાન છોડતો નથી. મા-દીકરીના મનમાં એકબીજાને મળવાની અદમ્ય ઈચ્છા હતી. પરંતુ એ ઈચ્છા પુરી ના થઈ અને ચક્કીએ દુનિયામાંથી વિદાય લઈ લીધી. સ્ત્રીની આ પીડા છે. કરુત્તમ્મા અને પરિકુટ્ટીથી જોડાયેલી અફવાઓનો અણસાર પળનીને આવતા જ અસમંજસતામાં મુકાય ગયો. તે માનસિક રીતે થાકી ગયો હતો. પોતે પોતાના મિત્રોથી અલગ થઈ ગયો હતો. ચક્કીના મૃત્યુ પછી પણ કરુત્તમ્માને બોલાવવા ચેંબન તૈયાર ન થયો. મૃત્યુ પહેલાં જ ચક્કીએ પરીકુટ્ટીને કહ્યું હતું કે, તે કરુત્તમ્માને સગી બહેન સમજી લે. ભાઈની જવાબદારી પરીકુટ્ટીને કરુત્તમ્માને ત્યાં મા ચક્કીના મૃત્યુની ખબર પહોંચાડવા માટે વિવશ કરતી હતી. સમાચાર મેળવીને કરુત્તમ્માના દુ:ખનો પાર ન રહ્યો. દીકરીની વેદના કોણ સમજે છે? કરુત્તમ્માની જ નહીં, કોઈપણની માના મૃત્યુ થવાથી અનુભવાતા દુ:ખની ઊંડાઈ અંદાજો લગાવો પળની માટે અશક્ય હતું. માના વાત્સલ્ય અને મમતાથી તે વંચિત હતો. પળનીએ કરુત્તમ્માને ઘરે ન જવા દીધી. કરુત્તમ્મા ગર્ભવતી હતી ત્યારે પોતાના પર વિતેલી ક્ષણો આવનાર જો દીકરી અવતરે તો ફરી તેને પણ કરુત્તમ્મા જેવાં લાંછનનો ભોગ બનવું પડે. આ વિચારથી કરુત્તમ્મા વ્યથિત થઈ જાય છે. આવનાર બાળક છોકરી ન હોય એવી મનોમન પ્રાર્થના પણ કરે છે. આ તરફ પંચમી કરુત્તમ્માની સાસરીમાં આવી ઘરની આખી સ્થિતિનું વર્ણન કરે છે. પિતા ગાંડા થઈ ગયા છે. એ પાછળનું કારણ કરુત્તમ્મા જ છે એવું તે કાંઠાના લોકો વાત કરે છે તે પંચમીનાં શબ્દોમાં;
“પેલી જાડી બાઈએ કહ્યું કે, તું એક મુસલમાન જોડે ફરતી અને તેં દરિયાનો વિનાશ નોતર્યો, બિચારા બાપુ! ગાંડા થઈ ગયા.”(પૃ.૨૭૫)
નવલકથાનો ચેંબન પોતાના પરિવાર પર પોતે કબજો જમાવીને બેઠો હતો. ચેંબન પોતાના સ્વાર્થ દરેક સંબંધમા જુએ છે. સંવેદનહીનતાના કીચડમાં ફસાયેલો ચેંબંન પોતાના દાયિત્વથી ભાગતો રહ્યો. અહીં મનમાં એ વિચાર ઘર કરી ગયો હતો કે; કરુત્તમ્મા સારી નહી. વિધર્મી પરીકુટ્ટીએ ચક્કીના મુત્યુના સમાચાર લેવા આવવાની શી જરૂર હતી? કોઈ માછીમાર કેમ ન આવ્યો? લોકો કરુત્તમ્મા પર શંકાકુશંકા કરતા હતા. માછણો ઊંધી-સીધી અફવાવો ફેલાવવામા રચ્યા-પચ્યા રહેતા. કરુત્તમ્માનો પતિ પળની એકલો દરિયામાં ગયો હતો. કરુત્તમ્મા રાત્રે ઊંઘી ન શકી. અર્ધચેતન અવસ્થામા તેની આંખોની સામે વિતેલા દિવસીની યાદોના પાનાં ખૂલી ગયા. તે સમયે કરુત્તમ્માએ પતિવિહીનની જેમ કિનારા પર તપસ્યા કરવી જોઈતી હતી. અર્ધનિદ્રામા પરીકૂટીના બોલાવવાનો અવાજ આવ્યો. તે ઘરના પશ્ચિમમાં દરિયા તરફ ગઈ. ચાંદનીમા પરીકૂટી ઊભેલો હતો. બંને એકબીજાના આલિંગનમા રહી ગયા. ત્યાં પળનીની નૌકા મધદરિયે સમુદ્ર વંટોળમાં ફસાય ગઈ હતી. દરિયાના ઊંડાણમા પળની સમુદ્ર વંટોળમા ડૂબી રહ્યો હતો. સમુદ્રી તુફાનથી પણ તેણે લડતા શીખ્યો હતો. એક મોટી માછલી તેની પકડમાં આવી ગઈ હતી. જે નૌકાને ખેંચીને જઈ રહી હતી. આ માછલીના મારથી નૌકા તૂટવાની સંભાવના હતી. ઊછળતા મોજાઓની વચ્ચે વંટોળની ઊંડાઈમાં તે ફસાતો જતો હતો. તુફાનના બે દિવસ પછી આલિંગનબધ્ધ કરુત્તમ્મા અને પરીકુટ્ટીના મૃતદેહ સમુદ્ર તટે આવી ગયા હતા. કાંટો ગળી જવાથી પેલી મોટી માછલી પણ મરેલી હાલતમાં કિનારે આવી હતી. પંચમી મોટી બહેનની નાની દિકરીને તેડીને ઊભેલી રડી રહી હતી. નવલકથાના સ્ત્રી પાત્રો જે પરિસ્થિતીને ભોગવી રહ્યા છે એ ઈશ્વર નિયતિને આધિન છે.

નવલકથામા દરિયાકિનારોએ અલગ પાત્ર છે. ત્યાંના માછીમારોના જીવવના પૂરા પરિવેશની ઓળખ આ નવલકથામા છે. દરિયાકિનારની ભૌગોલિક ચેતના આ નવલકથામા ઉજાગર થઈ છે. માછીમારોની રોજબરોજની પ્રવૃત્તિઓનો ચિતાર સર્જકે સુંદર રીતે આખેખ્યું છે. માછીમારોની પોતાની દુનિયા પોતાના જીવન મૂલ્યો, તેમની શ્રધ્ધા-અંધશ્રધ્ધા, પુરુષનો પોતાનો જાતીય દમ, આડોસ-પડોસ સાથે તેમની મિત્રતા, ઈર્ષ્યા અને તેનાથી ઉપજેલી સામાજિક શરમજનક પ્રવૃત્તિ આ બધાનું ખૂબ જ સારું ચિત્રણ નવલકથામાં સ્થાન પામ્યું છે. માછીમારોના જીવનના ઉતાર-ચઢાવ, રીત-ભાત વગેરે આ નવલકથામા દૃશ્યમાન થયું છે. વિશ્વ ભાષાઓમાં માછીમારોના જીવન પર લખાયેલી નવલકથઓમા ‘ચેમ્મીન’ ઉચ્ચ કોટીની નવલકથા છે એમ કહી શકાય.

સંદર્ભસૂચિ:
  1. ‘ચેમ્મીન’ લેખક:તકષી શિવશંકર પિળ્ળા, અનુવાદ કમલ જસપરા
  2. સ્ત્રી વિમર્શ:ભારતીય પરિપ્રેક્ષ્ય, લેખક: ડૉ. કે. એમ. માલતી
  3. અતુલ્ય ભારત, રજની વ્યાસ
વિદ્યાબેન એમ. ચૌધરી, પીએચ.ડી રીસર્ચ ફેલો, અનુસ્નાતક ગુજરાતી વિભાગ, સરદાર પટેલ યુનિવર્સિટી વલ્લભ વિદ્યાનગર. ઈમેલ: chaudharividya10@gmail.com મો.નં: 7874774332