Included in the UGC-CARE list (Group B Sr. No 172)
Special Issue on Dalit Literature
બી. કેશરશિવમ્ કૃત ‘પૂર્ણ સત્ય’માં દલિત સમાજ
‘પૂર્ણ સત્ય’ની વાત કરતી વખતે ઘણી બધી બાબતો ધ્યાને લેવી પડે. પહેલાં તો ‘પૂર્ણ સત્ય’ આત્મકથા છે, એટલે એ સ્વરૂપની વાત કરવી પડે. બીજું, આ એક દલિત સાહિત્યની કૃતિ છે. તેથી દલિત સાહિત્ય વિશે વાત કરવી પડે. અને ત્રીજું, દલિત સાહિત્યની આ પ્રથમ આત્મકથા છે એ યાદ રાખવું પડે. વળી સત્યના મામલે ‘પૂર્ણ સત્ય’ની, ‘સત્યનાં પ્રયોગો’ સાથે તુલના કરવામાં આવી છે તેથી ‘પૂર્ણ સત્ય’માં સત્ય કેટલું અને કલ્પના કેટલી તે પણ ચર્ચાનો વિષય બની રહે છે. અર્થાત્ ‘પૂર્ણ સત્ય’ની સમીક્ષા વિવિધ પરિમાણોથી કરવામાં આવે તો જ તેને ન્યાય મળી શકે એમ છે. આપણે અહીં કેન્દ્રમાં સમાજને રાખવો છે. ચર્ચા એ પ્રશ્નની કરવી છે કે બી. કેશરશિવમે આ કૃતિમાં કેવો દલિત સમાજ આલેખ્યો છે?

સૌથી પહેલો પ્રશ્ન એ જ થાય કે દલિત સમાજ એટલે શું? કોને આપણે દલિત કહી શકીએ? ડૉ. આનન્દ વાસ્કરના પુસ્તક ‘હિન્દી સાહિત્ય મેં દલિત ચેતના’માંથી દલિત શબ્દની પરિભાષા સમજાવતા ભી. ન. વણકર લખે છે કે, ‘ભારતીય સમાજમાં પૂર્વે શૂદ્ર, અતિશૂદ્ર, ચાંડાલ, દસ્યુ, અસુર, પંચમ, અછૂત, અંત્યજ, હરિજન, પદદલિત નામે ઓળખાતા એક અલગ સમાજસમૂહને આજે દલિત તરીકે ઓળખ મળી છે.’ જે લોકો વિશે ‘દલિત’ શબ્દપ્રયોગ થયો તે દબાયેલા, કચડાયેલા, ખંડિત થયેલા, ભીંસાયેલા લોકો હતા. સવર્ણોના સમાજમાંથી બહિષ્કૃત કરવામાં આવેલા લોકો હતા. એવા લોકો જેમની માટે ધિક્કારની, અછૂતપણાની, છેટાપણાની પરંપરા હતી. જોવા જેવું એ હતું કે દલિતોનો આ સમાજ પોતે પણ પોતાને છેવાડાનો, અછૂત, અધિકારો ભોગવવાને અયોગ્ય સમજતો હતો. જે કામ આ લોકોના ભાગે આવતું તે કામ કેટલું મહત્ત્વનું હતું એ સત્યથી આ સમાજ અજાણ્યો હતો. એણે માની લીધેલું કે પોતે આવા જ કામો માટે જન્મ્યો છે તેથી એને લાભો, અધિકારો, આબરૂ, પૈસો, આમન્યા, શિક્ષણ મેળવવાનો કોઈ હક્ક જ નથી ! એમનું શોષણ ખૂબ સ્વાભાવિક અને સવર્ણોના અધિકારક્ષેત્રમાં છે એમ માનનારો આ દલિત સમાજ, પોતે માણસ છે અને એમને પણ પોતાના નાગરિકત્વના સમાન હક્કો છે એવું ત્યારે સમજતો થયો જ્યારે ડૉ. બાબસાહેબ આંબેડકરે દલિતો માટે સામાજિક મુક્તિનું આંદોલન છેડ્યું. ઉમાશંકર જોશીના ‘સમયરંગ’માંથી ભી. ન. વણકરે નોંધ્યું છે કે, ‘ભારતની સ્વાતંત્ર્ય ચળવળ સાથે ડૉ. બાબાસાહેબનું દલિતો માટેનું સામાજિક મુક્તિ માટેનું પ્રબળ વેગ પકડી રહ્યું હતું, ગોળમેજી પરિષદથી માંડી બંધારણ સભા સુધી દલિતો માટેની વૈધાનિક વિશેષ જોગવાઈઓ ઉપરાંત જનજાગૃતિ અર્થે વૃત્તપત્રો, પ્રવચનો, પ્રવૃત્તિઓ અને પુસ્તકો દ્વારા દલિતોમાં ચેતના જગવી; દલિતોમાં વિદ્રોહ જગવ્યો. પરંપરા સામે ઈન્કાર અને અન્યાય સામે સંઘર્ષનો નારો આપ્યો : ‘‘શિક્ષિત બનો, સંગઠિત બનો, સંઘર્ષ કરો’’ – દલિતોને મંત્ર આપ્યો. દલિતોમાં રહેલી અસ્મિતાની; અસ્તિત્વની ઓળખ કરાવી. સમતા, સમાનતા, સ્વતંત્રતા અને બંધુતાની ભાવના જગવી; દૃઢ સમાજમાં ‘દૂર હટ, દૂર હટ’ની ધિક્કારપૂર્ણ સ્મૃતિઓનું સામ્રાજ્ય સ્થાપિત હતું. ‘એક પરબે તમે પાણી પીજો, સાથે બેસી અન્ન આરોગજો’ના ગાન ગાનાર વૈદિક સમાજમાં વિકૃતિ આવી ગઈ હતી. દલિતો માત્ર સામાજિક, ધાર્મિક અને આર્થિક જ નહિ પણ સાંસ્કૃતિક અને સાહિત્યમાં પણ અછૂતપણાનો ભાવ અનુભવતા હતા. આમ પ્રજાના બે વર્ગો વચ્ચેના આ ‘કાલમેગ્દાન’ ભેદવા માટે ભારતને ડૉ. બાબાસાહેબ આંબેડકર જેવા યુગપ્રવર્તક મહાપુરુષ પ્રાપ્ત થયા જેને કવિ-મનીષી ઉમાશંકર જોષીએ ‘યુગનો કાવ્યન્યાય’ કહ્યો છે.’ જૂઓ, આટલાં જ અવતરણમાંથી આપણે દલિતોની સ્થિતિ અને એમાં પ્રવર્તેલો સ્વઓળખનો પ્રવાહ પામી શકીએ છીએ.

હવે ટૂંકમાં એ જોઈ લઈએ કે સાહિત્યમાં દલિત ચેતના શી રીતે પ્રગટી. દલિત સાહિત્યનાં પગરણ મરાઠી કવિતાથી થયાં. મરાઠીમાં પકડ જમાવતું દલિત સાહિત્ય ધીરે ધીરે ગુજરાતની સીમાઓમાં પ્રવેશે છે. ગુજરાતી સાહિત્યમાં પણ દલિત રચનાઓ સૌપ્રથમ કવિતામાં મળે છે. 1975ની આસપાસ આરંભાયેલાં દલિત સાહિત્યનો પ્રવાહ 1980 પછી વેગ પકડે છે. સાહિત્યના આધુનિક સમયગાળામાં જ્યાં એક બાજુ જીવનથી વિમુખ થતી રચનાઓ રચાતી હતી ત્યાં દલિત સાહિત્યનો પ્રવાહ નવી આબોહવા લઈને વિકસવા માંડે છે જેમાં જીવાતા જીવનના ધબકાર સંભળાય છે. શરૂઆતમાં ગાંધીવિચારોથી પ્રેરિત દલિત સાહિત્ય સહાનુભૂતિનું તત્ત્વ આલેખતું હતું. આગળ જતાં તે અન્યાય સામે પ્રશ્નો કરતું અને અધિકારો પરત્વે સભાનતા દાખવતું બન્યું. પોતાની વાસ્તવિક પરિસ્થિતિથી લોકોને સભાન કરતું થયું. તથા અધિકારો મેળવવામાં જે અસમાનતાનો સામનો કરવો પડે છે એનો ચિતાર આપતું થયું. દલિત સાહિત્યકારો વિશે ડૉ. પથિક પરમારે નોંધ્યું છે કે, ‘સાહિત્યને માધ્યમ બનાવીને તેઓ પોતાની વ્યથા કથા અત્યાચાર, ધર્મ, લોકશાહી, ગાંધીવલણ, મનુ માનસ વગેરેને વિષય બનાવી તેઓ વ્યંગ, કટાક્ષ, આક્રોશ સાથે પ્રવર્તમાન સામાજિક વાસ્તવ અંગેનું પોતાનું દર્શન વ્યક્ત કરે છે. એમના પંડની પીડા વિદ્રોહાત્માક સ્વરૂપે પ્રગટે છે.’ (દલિત સાહિત્ય : સં. હર્ષદ ત્રિવેદી)

કવિતાથી શરૂ થયેલી દલિત સાહિત્યની સફર વાર્તા, નવલકથા, વિવેચન, સંપાદન અને આત્મકથા સુધી વિસ્તરી છે. દલપત ચૌહાણ, પ્રવીણ ગઢવી, ભી. ન. વણકર, હરીશ મંગલમ્, સાહિલ પરમાર, રાજુ સોલંકી, યશવંત વાઘેલા, નીરવ પટેલ, શંકર પેન્ટર વગેરે જેવા કવિઓ તો જોસેફ મેકવાન, મોહન પરમાર, રાધવજી માધડ, મધુકાન્ત કલ્પિત, નૈહલ ગાંગેરા જેવા વાર્તાકારો, નવલકથાકારોએ વિવિધ પરિમાણો સાથે દલિત સાહિત્યમાં નોંધપાત્ર રચનાઓ આપી છે. પરંતું, જો આત્મકથાની વાત કરીએ તો આ સાહિત્યસ્વરૂપમાં દલિત સાહિત્યની પ્રથમ કૃતિ તરીકે નોંધાઈ છે બી. કેશરશિવમ᳭ની આત્મકથા ‘પૂર્ણ સત્ય’.

દલિત સાહિત્યનાં મૂળમાં ડૉ. બાબાસાહેબ આંબેડકરની વિચારધારા છે એ વાત સાહિત્યજગતમાં અજાણી નથી. આપણે અહીં દલિત આંદોલનો કે દલિત ચેતનાની વાત નથી કરવી. આપણે વાત કરવી છે એ સમાજની જે ‘દલિત’ તરીકે બી. કેશરશિવમે પોતાની આત્મકથામાં નિરૂપ્યો છે. આપણે જોયું કે સાહિત્યમાં દલિત સમાજનું આલેખન એટલે શું? દલિત ચેતના અને દલિત સાહિત્ય – બેય જૂદાં હોવા છતાં બેયનું સામંજસ્ય સાહિત્યમાં જોવા મળે એ દેખીતું અને ઈચ્છનીય છે. દલિત સાહિત્યમાં દલિત ચેતનાનો આવિર્ભાવ હોય તો એ કૃતિ સાર્થક નીવડે. દલિત ચેતનાની અનુભૂતિ થાય એવા અંગો એટલે શું? તો એનો જવાબ છે કે જે કૃતિમાં અન્યાય સામે આક્રોશ પ્રગટ થતો જોવા મળે, જેમાં સવર્ણો દ્વારા ગરીબોનું કે નીચી જાતિના ગણાતા લોકોનું શોષણ થતું આલેખાયું હોય, અસ્પૃશ્યતા કે અસમાનતાથી પીડિત લોકોની વાત હોય, એ લોકો પર થતા અત્યાચારોની વાત હોય અથવા કોઈપણ સ્વરૂપે અત્યાચારો કે પરિસ્થિતિ સામેનો પડકાર ઝીલતો બતાવાયો હોય તેવી કૃતિ દલિત સાહિત્યની કૃતિ છે એમ કહેવાય.

હવે ઉપર સૂચવેલી બાબતો ત્યારે જ શક્ય બને જ્યારે કૃતિમાં દલિત પરિવેશ હોય. આપણે જે આત્મકથા વિશે ચર્ચા કરવી છે એનો સર્જક તો પોતે જ દલિત પરિવેશ – દલિત પૃષ્ઠભૂ ધરાવે છે. જોકે એવું કહેવાનો આશય જરાય નથી કે એક દલિત સર્જક જ દલિત સંવેદન સમજી શકે અથવા આલેખી શકે. પરંતું, આત્મકથા બાબતે – ગુજરાતી આત્મકથા બાબતે – બી. કેશરશિવમ᳭ એવા પ્રથમ સર્જક છે જે પોતે દલિત સમાજમાંથી આવે છે અને પોતે વેઠેલી પ્રતિકૂળતાઓ વિશે આપણને જણાવે છે. તેથી વાર્તા, નવલકથા કે કવિતામાં જે દલિત સંવેદનને કાલ્પનિક હોવાનો આક્ષેપ સહન કરવો પડ્યો હોય તે સંવેદન પર અહીં કોઈ આક્ષેપ ન કરી શકે. કારણ, આપણે જાણીએ જ છીએ કે આત્મકથાનું પ્રથમ લક્ષણ જ એ છે કે તેમાં સત્યનું આલેખન હોય. કેટલું અને કેવું સત્ય એ વિશે મતમતાંતરો હોઈ શકે. એવું પણ સંપૂર્ણ વિશ્વાસથી ન કહી શકાય કે આત્મકથાકારે લખેલી હકીકત સો ટકા સત્ય જ હશે. છતાં એમાં કલ્પનાનો પાસ અન્ય સાહિત્યસ્વરૂપો કરતાં ચોક્કસ ઓછો હશે એવું તો કહી જ શકાય. તો જોઈએ કે ‘પૂર્ણ સત્ય’માં દલિત સમાજથી જ આવતા લેખકે કેવો સમાજ આપણી સમક્ષ ખડો કર્યો છે.

કુલ ૨૭ પ્રકરણોમાં વહેંચાયેલી ‘પૂર્ણ સત્ય’ લેખકના જન્મથી લઈ પોતે કાર્યપાલક નિયામક તરીકેની ફરજ પરથી નિવૃત્ત થઈ સાહિત્યપ્રવૃત્તિમાં પૂર્ણ સમય માટે પ્રવૃત્ત થવા કટિબદ્ધ થયા ત્યાં સુધીની હકીકતો જણાવે છે. પ્રથમ પ્રકરણનાં પ્રથમ વાક્યથી જ લેખકે પોતાના અસ્તિત્વની સામે પડકારો હશે એનો અંદાજ આપી દીધો છે. ‘હું એક મહાઅભિશાપ લઈને જન્મવાનો હતો.’ એમ કહીને લેખક આગળ આવનારી અભિશાપ જેવી પરિસ્થિતિઓને ઈંગિત કરી આપે છે. ‘હું તો રૂટિનમાં જન્મી ચૂક્યો હતો’ એમ કહીનેય તેઓ પોતે પોતાના ઘર, સમાજ કે દુનિયા માટે જરાય મહત્ત્વના નહોતા અથવા ન જન્મ્યા હોત તોય ચાલત એવી પીડા ઠાલવતા હોવાનું અનુભવાય છે. પણ હકીકતે તેઓ જે કહેવા માંગે છે તે તો એ છે કે આપણા દેશમાં વસુધૈવ કુટુમ્બકમ᳭ની ભાવનાની જે વાતો કરવામાં આવે છે એ બધી ઠાલી છે. વાસ્તવિકતા જૂદી હતી, જૂદી છે અને કદાચ આજેય એવી જ જોવા મળે છે. દલિતોના જીવનને લેખકે જેલ જેવું કહ્યું છે. એક એવી જેલ જેમાં સ્પર્શ, વાણી અને જ્ઞાનની કેદ છે. એમણે દલિત સાહિત્યને આ કેદોની નીપજ કહ્યું છે. ‘દલિત સાહિત્ય એટલે જેલ સાહિત્ય !’(પાના નં. ૪) પોતાના જન્મની બાબતો કહેતા કહેતા લેખક દલિતોની વર્ષોથી સબડતી સ્થિતિની વાત કરીને સમગ્ર ભારતના દલિતોની સ્થિતિનો અને પોતાને થનારા અનુભવોનો અછડતો ઉલ્લેખ કરી દે છે. જેમ કે : ‘જન્મતાંની સાથે જાણે દલિતો વનમાં પ્રવેશતા હતા.’ અથવા ‘આ જંગલમાં ચોમેર જંગલી પશુઓ હતાં... આ પશુઓના તો રૂંવાડે રૂંવાડે ઝેર હતું. આટલાં ઝેરી હોવા છતાં જાણી જોઈને ધીમે ધીમે મારતાં. આભડછેટના નહોર મારીને, જિંદગીભર તેને ખોતરીને, રિબાવ્યે રાખતાં.’ તથા ‘સામાજિક અભયારણ્યમાં નહોર મારી કહેતાં : ‘આઘો ખસ, તું અસ્પૃશ્ય છે ; તારો છાંયો ન લેવાય.’ ’ આ સાથે જ એમણે પત્નીની સગર્ભાવસ્થા સમયની અને પોતાના પુત્રના જન્મ સમયની સ્મૃતિઓ લખતા તથા સોનાની સળીથી ગળથૂથી ચટાડવાની કે બાળકની ફૂલની માફક સંભાળ રાખ્યાની વાતો લખીને પોતાની માતાએ આવા જ નાજુક સમયમાં વેઠેલી કષ્ટદાયક પરિસ્થિતિનોય અણસાર આપી બદલાતા સમયની તુલના પણ કરી દીધી છે. એ તુલનામાંય એમના પુત્રના ‘પપ્પા, આપણે બેકવર્ડ ગણાઈએ?’ એ પ્રશ્નએ કેવી શારી નાખતી પીડા આપી હશે એ આ વિધાન દ્વારા સમજી સમજી શકાય તેમ છે : ‘એના જવાબના તમામ અક્ષરોએ ત્રશૂળ બની મારા સમગ્ર અસ્તિત્વને લોહીલુહાણ કરી નાખ્યું હતું.’

‘રમકડાં’ પ્રકરણ વાંચવાનું શરૂ કરીએ ત્યારે આપણને એમ થાય કે જે પરિસ્થિતિની – રમવા માટે માત્ર એક લાકડાની ઢીંગલી જ હોવી કે મા-બાપ જ્યાં મજૂરીએ જતાં હોય એ સ્થાને જડી આવતી કે હાથ લાગતી વસ્તુઓ જ રમકડાં બની જવી, કોલસા, રાખોડી, સ્મશાનમાં માણસની ખોપરીના ટુકડા અને તેનાં હાડકાંની કરચો સાથે રમવું – લેખક વાત કરે છે એ પરિસ્થિતિ કોઈ પણ ગરીબ પરિવારની જોવા મળી શકે. જો કે કાલાં ફોલવાં, વનસ્પતિનાં બી ભેગાં કરવાં, બોનમિલમાં હાડકાં ને ઢોરની ખરીઓનાં રમકડાં બનાવી રમવાં, ખદબદતા કીડા કે માથું ફાડી નાખતી દુર્ગંધ વગેરેની વાતો ચોક્કસ આપણને વેદનાનો અનુભવ કરાવી જાય ; પરંતું દલિત સમાજે જ આવું વેઠવું પડ્યું અને દલિત ન હોય એવા લોકોને ગરીબીને લીધે આવી પરિસ્થિતિઓ નહોતી વેઠવી પડતી એવું તો ન કહી શકાય. એ બાબત માત્ર એટલે માની લેવી કારણ કે લેખક પોતે દલિત હતા અને એમનો મહોલ્લો દલિત સમાજનો જ હતો, બહુ રૂચતું નથી. હા, દલિતોની હોળી અલગ થતી, ભવાયાઓનું ‘વાઘેલા-જાદવડા’ કહી સંબોધવું અને સગાં કાકીનું પોતાની દીકરી બાળસહજ રમતમાંય લેખકે બનાવેલાં કાચી માટીનાં ઘરમાં ન રહેવા દેવાનું વલણ કે દલિત બાળકે બનાવેલું રમકડાંનું ઘર પણ સ્મશાન સમાન છે એવો કાકીનો ઈશારો ચોક્કસપણે આપણને દલિતોની અવગણના અન્ય સમાજોમાં જ નહીં બલ્કે પોતાનાઓમાં પણ થતી એ દર્શાવે છે. જો કે લેખક ‘માન... સ્વમાન... હોળીમાં જીવનભર ભડકે બળ્યાં છે.’ અથવા ‘અમારી રડવાની રમત ચાલુ હતી.’ જેવા વિધાનો લખીને યાદ કરાવતા રહે છે કે તેઓએ ઘણું વેઠ્યું છે.

આત્મકથા તરીકે જોઈએ તો ‘મા’ પ્રકરણમાં લેખકે માનું ચરિત્રચિત્રણ ખૂબ જ વાત્સલ્યસભર અને માનવતાથી ભરપૂર આલેખ્યું છે. બાળક સાથે માનો મમતાભર્યો સંબંધ, સ્ત્રી તરીકે અન્ય બાળકો તરફ પણ ઋજુ વ્યવહાર, મજૂરી કરીને, અડધાં ભૂખ્યાં રહીનેય બાળકોનું પેટ ભરવાની માની વૃત્તિ તથા બાળપણનાં ખાવા, પીવા, નહાવા, ધોવા ને મસ્તી કર્યાની સ્મૃતિઓ વડે આ પ્રકરણ સમગ્ર આત્મકથાનું સૌથી સુંદર પ્રકરણ બની રહ્યું છે. જ્યારે દલિત સમાજના સંદર્ભે જોઈએ તો સવર્ણ સ્ત્રીના બાળકના હાથ અને આંગળા પર મરેલાં ઢોરનાં ચામડાનું પાણી ચોપડવાની બાબત કે મરેલી ગાયના પેટમાંથી નીકળતું ગોરમટ આપવાની બાબત દલિતો કેવાં જુગુપ્સક પરિવેશમાં જીવતા હશે એનો ચિતાર મળી આવે છે. એ જ રીતે ‘પિતૃવાત્સલ્ય’ પ્રકરણમાં પણ ‘મા’ પ્રકરણમાં માને ઢોર માર મારતા પિતા અહીં દરિયાવ દિલના આલેખાયા છે. દારૂ ને બીડીની લત, મિત્રોમાં પૈસાનો વેડફાટ, સિનેમાનો શોખ વગેરે છતાં લેખકે પિતાને શાંત અને મિલનસાર કહ્યા છે. મહત્ત્વની બાબત જે લેખકે નોંધી છે તે એ છે કે આખા દેશમાં અનુસુચિત જાતિની એક બેંક એ વખતે કલોલમાં સ્થપાઈ હતી. અને એ જ સમયગાળામાં જ્યારે સમગ્ર દેશમાં સમાજ જાગૃતિની પ્રવૃત્તિઓ ધમધમી રહી હતી, લેખકના કાકા દલિત હોવાને લીધે શિક્ષક નહોતા બની શક્યા. લેખકે કહ્યું છે કે એમનું કુટુંબ સુધરેલું ગણાતું અને એમના પિતા એ દલિતોને કામ આપતા જે અસ્પૃશ્યતાના ત્રાસને લીધે ગામડાંમાંથી શહેરમાં આવતા. પિતાના અતિવિશ્વાસને દૂષણ કે ભૂષણ ગણાવતા લેખક પિતાના ઉદ્યમી સ્વભાવથી પ્રેરિત હતા એવું એમણે સ્વીકાર્યું છે. સવર્ણો એમની હોટલ પર ચા પીવા આવતા નહીં બલ્કે ગાળ દઈને બહાર નીકળી જતા, મિલની કેન્ટીનમાં દલિતો અને સવર્ણો માટે પાણી અને ચા પીવાના અલગ વિભાગો હતા વગેરે જેવી હકીકતો બાળમાનસ પર કેવી અસર છોડી ગઈ હશે એ ધારવું જરાય અઘરું નથી.

‘તરસની તૃપ્તિ’ પ્રકરણમાં કૂવો, પનિહારીઓ અને પાણી માટેના વલખાંની વાત લેખકે કરી છે. દલિતો માટેનો પાણીનો કૂવો મહોલ્લાથી દૂર કેમ હતો એનું કારણ લેખકે નથી જણાવ્યું. જે ગામે દલિતોનો કૂવો ન હોય એ ગામે દીકરીઓ વળાવવામાં ન આવતી કારણ કે એવી પનિહારીઓને સવર્ણોના કૂવે જઈ, આઘા ઊભા રહી પાણીની ભીખ માંગવી પડતી. અને ભીખમાં ઊંચેથી મળેલું પાણી દલિત સ્ત્રીઓને અનમોલ ખજાના જેવું લાગતું. અહીં સુધી કે અમુક ગામોમાં ઢોરોના હવાડામાંથીય દલિતોને પાણી લેવાની છૂટ નહોતી ! લેખક સાથે આપણનેય પ્રશ્ન થાય કે એ સમયગાળાના નજીકના જ સમયમાં જ્યારે પાણીની લાઈનો નખાઈ ત્યારે દલિતના વાંસમાંથી પસાર થતી લાઈનનું પાણી નહીં અભડાતું હોય? એમાં કેમ સવર્ણો નહોતા અભડાતા? ‘તરસની તૃપ્તિ’ શીર્ષકને ઉનાળાના ધોમધખતા તાપમાં લાકડાં વીણનારને ખેતરવાળા પાણી ન આપે, અરે ખેતરમાં દાખલ સુદ્ધાં ન થવા દે એવામાં પાણીની તરસ છીપાવવા હરિમાએ મૂતરતી ગાયનું મૂતર પીને તરસ છીપાવી હતી એ ઘટનાને યાદ કરતા સાર્થક કર્યું છે.

સામાન્ય રીતે માણસ ગમે તેટલો ક્રૂર હોય પણ બાળક પર તો તે હેત વરસાવતો જ હોવો જોઈએ એવી સૂફિયાણી વાતોનો અહીં ધરાર છેદ ઊડી જતો જોવા મળે છે. બાળક પણ જો દલિતનું હોય તો એ સવર્ણોના હેતને લાયક નથી રહેતું એવી છાપ આ આત્મકથામાંની ઘણી ઘટનાઓ દ્વારા પડે છે. જેમ કે પતંગ ચગાવવા દલિતોનું બાળક વાણિયાની કોઠીએ ન ચડી શકે. દલિત બાળકને શીતળા નમાડવા હોય તો દૂરથી નમાડાય વગેરે. જો કે, કથાઓ, મેળાઓ, બાધાઓ, માનતાઓ વગેરેના વર્ણનમાં લેખકે દલિત હોવાને લીધે પીડાઓ વેઠવી પડી એવું કહેવાને બદલે બાળક હોવાને લીધે આનંદ અને ઉત્સાહનો અનુભવ કર્યો હોય એવું આલેખન કર્યું છે. આ એક બાબતે આ આત્મકથાને સકારાત્મક અભિગમ તરફ લઈ જાય છે.

‘દાંત બંધાઈ ગયા’ પ્રકરણમાં જાજરૂ, ચામડાનાં કુંડ, સમડીઓ, ગીધો, ઘૂરકતાં કૂતરાં વગેરેનું જે વર્ણન કર્યું છે, વાચકને વાંચતાં વાંચતાં પણ કમકમાં ઉપજે એવું છે. સવર્ણોની સ્ત્રીઓ માટે પણ સાંજના સમયે જાજરૂનો ઉપયોગ કરવો કઠિન હતું તે બાબત તે સમયની સામાજિક પરિસ્થિતિનો ચિતાર આપે છે. ભૂત-ડાકણની અંધશ્રદ્ધા હોય કે ભૂવા-ભગતોની વિધિઓ – દરેક સમાજમાં આ બધું જોવા મળતું જ. લેખકે વર્ણવેલી ઘટના સ્મરણ તરીકે લઈ શકાય પણ દલિત સમાજમાં જ એવું બનતું હશે એવું ન કહી શકાય. હા, સ્માશાનમાં બાળવામાં આવતાં મડદાનાં મોંમાં મૂકેલો તાંબાનો સિક્કો રાખમાં શોધવો કે સવર્ણ સ્ત્રીનાં મૃતદેહ પરની ચુંદડી ઘેર લાવવી જેવી ઘટનાઓ દલિત સમાજને ચોક્કસપણે ઉઘાડી આપે છે.

આવી ઘણી બીજી ઘટનાઓ આ આત્મકથામાં બી. કેશરશિવમે આલેખી છે જે દલિત સમાજની સ્થિતિ વર્ણવતી હોય. વરસાદમાં દલિતોની થતી દયનીય હાલત અને એવે સમયે નિર્લજ્જ ભાસતો સવર્ણ સમાજ, સતત સંઘર્ષો, મજૂરી, કુટુંબની જવાબદારીઓ, સાવ ક્ષુલ્લક વસ્તુઓમાંથી શોધવી પડતી નાની નાની ખુશીઓ, પુરુષાર્થનાં ફળ પણ જાણે પરાણે ચખાડવામાં આવતા હોય તેવા ઑફિસર કહેવાતા લોકોના વલણો વગેરે બાબતો માત્ર દલિતોની સ્થિતિ કે દલિત સમાજની કરૂણતા જ નથી દર્શાવતા, પણ આ વર્ણનોમાં લેખકનો સતત જળવાઈ રહેલો સહજતાનો, સ્વીકારનો ભાવ પણ જોવા મળે છે. દલિત સાહિત્ય આક્રોશ ઠાલવતું સાહિત્ય કહેવાતું હોય તો એ બાબતે બી. કેશરશિવમ્ દલિત હોવા છતાં અને ગણી ન શકાય એટલી વિષમ પરિસ્થિતિઓમાંથી પસાર થયા હોવા છતાં આત્મકથામાં કશે આક્રોશ ઠાલવતા નથી જોવા મળતા. એમને તો માત્ર કહેવું હતું કે હું આ સમાજનો છું અને મને એનો કોઈ અફસોસ નથી. કારણ કે કદાચ આ પરિસ્થિતિએ જ સાહસ, સહનશીલતા, પરિશ્રમ અને ઋજુતાના ગુણોથી એમના વ્યક્તિત્વનું ઘડતર કર્યું હતું. સાહિત્ય સ્વરૂપમાં આ પ્રકારના વલણને લીધે જ આ આત્મકથાને પારિતોષિક મળ્યું હતું એમ કહીએ તો એમાં કોઈ અતિશયોક્તિ નથી.

સંદર્ભગ્રંથો
  1. પૂર્ણ સત્ય (ભાગ ૧-૨) : બી. કેશરશિવમ્, નવભારત સાહિત્ય મંદિર, અમદાવાદ-1., પ્ર.આ. 2001.
  2. દલિત સાહિત્ય : સં. હર્ષદ ત્રિવેદી, ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગર, પ્ર.આ. 2010.
  3. સાહિત્યસેતુનાં અંકો.
પંચાલ અમિતા રામકુમાર, જી, ૪૨૭, સેન્ટોસા હાઈટ્સ, અલથાણ-ભીમરાડ કૅનાલ રોડ, અલથાણ, સુરત-૧૭ મો.નં. 9825138211 મેઈલ : amitarampanchal3553@gmail.com