Included in the UGC-CARE list (Group B Sr. No 172)
Special Issue on Dalit Literature

ગુજરાતી દલિતસાહિત્યનો આછો આલેખ

દલપત ચૌહાણ

બાબાસાહેબ ડૉ. ભીમરાવ આંબેડકરે ‘બહિષ્કૃત ભારત’ નામની પત્રિકાનું પ્રકાશન શરૂ કર્યું. ઉદ્દેશ દલિતોનો ઉત્કર્ષ હતો. એ જ સમયમાં ગાંધીજીએ ઇન્દુલાલ યાજ્ઞિક પાસેથી તેમની પત્રિકા ‘નવજીવન અને સત્ય’ માગી લઈ, ‘નવજીવન’ પત્રિકા શરૂ કરી. તેનું તંત્રીપદ તેમણે સ્વીકાર્યું. સપ્ટે. 1919માં ‘નવજીવન’નો પ્રથમ અંક પ્રકાશિત થયો. તંત્રીશ્રી મો.ક. ગાંધીએ પત્રિકામાં ‘અમારો ઉદ્દેશ’ એવા શીર્ષક હેઠળ તંત્રીલેખ લખ્યો.
“‘નવજીવન’ મારે તો ખેડૂતોનાં ઝૂંપડાંમાં અને વણકરોનાં ઘરોમાં પહોંચાડવું છે. મારે તેઓની ભાષામાં લખવું છે.”
ગાંધીજીએ ‘તેઓ’ની ભાષામાં ન લખ્યું, પત્રિકા તેમના ઘર સુધી ન પહોંચી. ‘પત્રિકા’ આઝાદીના પ્રચાર-પ્રસારનું સાધન બનાવી. લોકબોલીઓથી દૂર રહી, લોકો માટે ‘નવી ગુજરાતી ભાષા’ (સુધારેલી ગુજરાતી ભાષા)નો આવિષ્કાર કર્યો. ‘એ’ ભાષામાં લખતા રહ્યા. નવી–સુધારેલી ગુજરાતીનો 1929માં શબ્દકોશ ‘સાર્થ ગૂજરાતી જોડણીકોશ’ તૈયાર કરાવડાવ્યો અને વ્યાકરણના 33 નિયમો નક્કી કર્યા. આદેશ કર્યો કે હવે પછી કોઈએ પોતાની રીતે જોડણી કરવાની નથી, સાર્થકોશને અનુસરવાનું છે. એક રીતે કહીએ કે ગુજરાતીની ભાષાકીય અનિયમિતતાઓ અને સંસ્કૃત પંડિતાઈનો બોજ હળવો થયો. આ નવી ભાષા ભણતર માટે સ્વીકારાઈ એટલે તેનો પ્રચાર-પ્રસાર ઝડપથી થયો. માન્ય ગુજરાતી ભાષા તરીકે તેણે સ્થિરતા મેળવી.

ઝવેરચંદ મેઘાણીએ તેમનાં લોકસાહિત્યનાં સંશોધનો–સાહિત્યમાં સૌરાષ્ટ્રની તળની ભાષા ⁄ લોકબોલીઓનો સ્વીકાર કર્યો. પન્નાલાલ પટેલે ઈડરિયા મલકની તળભાષામાં સુધારા કરી આગવી મિશ્રબોલી નિપજાવી. અને જ્યારે દલિતોએ ડૉ. બાબાસાહેબનું નિર્વાણ (1956) થયું ત્યારે લખાયેલાં સો જેટલાં અંજલિકાવ્યોમાં ગુજરાતી ભાષા અને લોકબોલીનું સંયોજન કર્યું. 1974–75ના સમય પછી જે દલિત સાહિત્યનો ઉદ્‌ભવ (નામજોગ) થયો અને અત્યાર સુધી જે રચનાઓ થઈ તેમાં દલિત સાહિત્યકારો દ્વારા દલિતોની તળની બોલી (લોકબોલી)ને સંવાદોમાં સ્વીકારી અને વર્ણન-આલેખનમાં નવી ગુજરાતીને સ્વીકારી. આ ગુજરાતી ભાષા કોઈ પણ ગુજરાતીની માતૃભાષા નથી. પરંતુ તેમની માતૃભાષા જે વિસ્તારમાં જન્મ્યા તે સ્થળ-વિશેષની લોકબોલી છે. એમાંય વિશેષ ફોડ પાડીએ તો સમાજરચનાની જે જાતિ-ધર્મમાં જન્મ્યા તેની લોકબોલી છે અને એ વાત સહજ છે કે જાતિએ જાતિએ, ધર્મે પણ બોલીઓમાં અલગ લહેકા, ઉચ્ચાર છે.

0 0 0 0 0

ભલે અન્ય ‘કોઈ’ દલિતોની ભાષા–બોલીને લોકો અને દલિતો સુધી શબ્દદેહે ⁄ પુસ્તકરૂપે ન લઈ ગયા, પરંતુ અમે દલિત સાહિત્યકારો, દલિત સાહિત્ય તેમના સુધી પહોંચે તે માટે પ્રતિબદ્ધ છીએ. તેમના જીવનના સારા-નરસા દરેક અંશને શબ્દબદ્ધ કરી, ઐતિહાસિક મૂલ્ય નિર્ધારણ કરવા અને તેનું યથાર્થ, સાંગોપાંગ આલેખન કરવાનું, દલિત સાહિત્યધારાના હિસ્સે આવ્યું છે. તેમાં દલિત સાહિત્યકાર પાર ઊતરશે જ. આ દલિત સાહિત્યધારાને સમજવા પ્રયત્ન કરીએ.

0 0 0 0 0

ગુજરાતી દલિત સાહિત્યધારાના અવતરણ સાથે એક સવાલ સતત ચાલતો રહ્યો છે. આજકાલ નીવડેલા સાહિત્યકાર તો ઠીક, નવાસવા કલમ પકડનાર અને એક ગઝલ રજૂ કરી બે વાર વાહ વાહ સાંભળીનેય સવાલ પૂછવાનો જેમને ઊભરો આવી જતો હોય છે કે “દલિત સાહિત્ય એ શું છે? દલિત સાહિત્ય જેવું સાહિત્ય હોતું હશે?” ચાલો, આવા ગણગણાટને સાહિત્યના પરિપ્રેક્ષ્યથી મૂલવીએ. અહીં બે નાટકોના એક એક દૃશ્યને સામસામે મૂકીએ –
એક નાટક છે ‘ઉર્ફે… આ… લો!’ (નાટ્યલેખક, દિગ્દર્શક : મૌલિકરાજ શ્રીમાળી)માંથી અને બીજું દૃશ્ય કૃષ્ણલીલાના ઘણા બધા વેશ–નાટકોમાંનું.

દૃશ્ય : 1
ખુલ્લી ગટરમાં કમર સમાણાં ગંદાં પાણીમાં કથાનાયક ઊભો છે. ગટરના ઢાંકણા પાસે ગટરમાંથી બહાર કાઢેલ કીચડ-કચરો છે. પાસે એની સાઇકલ સ્ટેન્ડ ઉપર ઊભી છે. લોકો આવે-જાય, નાક દબાવે, પસાર થતાં પાછું વળીને જુએ. કથાનાયકના હાથમાં વાંસળી, તેને વગાડે છે. જાણે આ ગંદકીમાં પોતાની વિડંબના ભૂલવાનો પ્રયત્ન અને વાંસળીના મીઠા સૂર જેવી નવજીવનની ઝંખના.

દૃશ્ય : 2
યમુના કિનારે કાનો કદંબની ડાળીએ અર્ધનગ્ન બેઠો છે. વાંસળી વગાડી યમુના નદીમાં નગ્ન નહાતી ગોપીઓને સૂરથી બહેકાવી બહાર આવવા, એમનાં ચોરી લીધેલાં વસ્ત્રો દર્શાવી ઇશારા કરે છે. ક્યારેક કોઈ બહાર પણ આવે અને પોતાના શરીર તરફ જોઈ, શરમાઈ પાછી યમુનામાં કૂદી પડે છે. કાનાની બંસરી બજ્યા કરે.

બન્ને દૃશ્ય ભારતીય જગતમાં મોખરાનાં દૃશ્ય છે. બીભત્સ અને સમાજને ન છાજે એવાં. એક દૃશ્ય જોતાં લોકો નાક દબાવી જતા રહે છે. પ્રેક્ષકોને ઊલટી થાય એમ લાગે છે. ક્રમ બેનું દૃશ્ય લોકો–પ્રેક્ષકો લોલુપતાથી જુએ છે. સિસકારા બોલાવે અને ગોપીઓના જળમાંથી બહાર આવવાની રાહ જુએ. બંસરીના સૂર એમને ડોલાવે.

જુઓ આ દૃશ્યો છે દલિત–લલિતના ભેદ. પહેલું દૃશ્ય સમાજના કચડાયેલા દલિત સમાજનું દલિત નાટ્ય (સાહિત્ય) સર્જન; બીજું શિષ્ટમાન સાહિત્યધારાનું વરવું દૃશ્ય. તમે ⁄ સમાજે આ ભેદને ક્યારેય નજર ભરીને જોયો છે ખરો? કે પછી બધું લોલમાં લોલ?

આમ કેમ દૃશ્ય ‘એક’ રચાવા લાગ્યું. આઝાદી પૂર્વે આવું કોઈ સાહિત્ય હોય અને દલિત સાહિત્યકાર દ્વારા રચાતું હોય, એવું સ્વપ્ન કોઈ દલિતને આવેલું નહીં. (બાબાસાહેબ આંબેડકર અપવાદ ગણાય.). પણ આઝાદીનાં ત્રીસ વર્ષ બાદ દલિતોને સાહિત્ય રચવાના અભરખા જાગેલા, ત્યાર બાદ એકવીસમી સદીના બીજા દશકના અંતભાગે દૃશ્ય એકનું મંચન થાય છે. અગાઉ ઘણાં દૃશ્ય ભજવાયાં પરંતુ ‘ઉર્ફે… આ… લો!’નું દૃશ્ય દલિત સાહિત્ય માટે ‘લૅન્ડમાર્ક’ છે. હું કહું છું કે જ્યાં સુધી દલિત સમાજનું અસ્તિત્વ રહેશે ત્યાં સુધી પ્રશ્નો રહેશે અને તેના ઉકેલ પણ હાજર થશે. અમલ થવામાં ગરબડ હશે.

0 0 0 0 0

“સાહિત્યકૃતિનો ઉદ્‌ભવ સાહિત્યિક કક્ષાની સામગ્રીમાંથી જ થતો નથી; તેનું મૂળ સર્જકના અનુભવમાં હોય છે ને સર્જકનાં મૂળિયાં પોતે જે સમાજમાં રહેલો હોય તેની સંસ્કૃતિમાં પડેલાં હોય છે.” (ત્રીસમું સાહિત્ય સંમેલન, વિવેચન વિભાગ, અધ્યક્ષ : ધીરુભાઈ ઠાકર).
અને એટલે જ દલિતોએ પોતાનાં મૂળિયાં શોધવા જાતે પ્રયત્ન કર્યા. મૂળિયાં ભોંયમાં દાટી ઉપરની જમીન સમતળ કરી વિકસ્યા. આમ પણ ગુજરાતી સાહિત્યની કૃતિઓને જોઈએ તો સાહિત્યકાર રાજા-મહારાજા, શેઠ-શાહુકાર અને જે જાતિમાં તેમનો જન્મ થયો હોય તેની જ કથા લખતા હોય છે. કવિઓ દ્વારા થોડું મોટું મન રાખીને કુદરત–ફૂલપત્તીની કવિતા કરવામાં આવી છે. આમ ગુજરાતી સાહિત્યની રચનાઓ એના ઉદ્‌ભવથી જાતિવાદી ધારામાં વહી છે. હા, તેને નામ અપાયું નથી. જ્યારે દલિત સાહિત્ય લખનારે સાહિત્યના પ્રકારને નામ આપીને તેની શરૂઆત કરી છે અને અદલિત સાહિત્યકારો, બ્રાહ્મણવાદી સાહિત્યકારો વચ્ચે પોતાની જગ્યા અંકે કરવાનો પુરુષાર્થ આદર્યો; તેમાં સફળતા પણ મળી છે. આ દલિત સાહિત્યધારાને સાહિત્યમાં સ્વીકૃતિ મળે તે દલિત સાહિત્યની મોટી ઉપલબ્ધિ છે. જે ગુજરાતી સાહિત્યકારો દલિતસમાજનો હિસ્સો નહોતા તેમણે દલિતસમાજનું ચિત્રણ–આલેખન કરવાનું માંડી વાળ્યું. જે પ્રગતિશીલ સાહિત્ય ગાંધીયુગમાં અંકુર નાખી ચૂક્યું હતું તેની સામે કેટલાક ગુજરાતી સાહિત્યના ધ.ધૂ.પ.પૂ.ઓએ શાબ્દિક પ્રહાર કર્યા અને કાળાંતરે આઝાદી પછીનાં વર્ષોમાં આધુનિકતાને નામે સાહિત્યધારા અસ્તિત્વમાં આવી, જેમાં દલિત સાથે જનસામાન્યનો પણ છેદ ઊડી ગયો. સમાજ સાહિત્યકારો અને સાહિત્યથી દૂર થઈ જવા લાગ્યો. પરંતુ આમ આધુનિકતાનો અતિરેક થવાથી દલિત સાહિત્ય અસ્તિત્વમાં આવ્યું એમ ન કહી શકાય. દલિત સાહિત્ય એ દલિતસમાજ સાહિત્યમાં અંકુરાય તે માટે સમયની માગ હતી. દલિત સાહિત્યકારો રાતોરાત સાહિત્ય લખી સાહિત્યકાર બની ગયા એમ પણ નથી. તેની પાછળ અનેક સામાજિક, રાજકીય, ધાર્મિક (ખાસ કરીને અસ્પૃશ્યતા), આર્થિક (ગામ બહાર વસવાટ) અને મનોવૈજ્ઞાનિક કારણો સાથે જે–તે સમયની તત્કાલીન પરિસ્થિતિ અને ઘટનાઓ કારણભૂત બની છે. આઝાદી પૂર્વેના બે દશકોમાં (ત્રણ પણ હોય) દલિતોમાં પ્રાથમિક શિક્ષણની શરૂઆત થઈ હતી. આઝાદીએ તેમને આગળ ભણવાની સુવિધાઓ કરી આપી. ઉપરાંત કસ્બાઓ અને શહેરોમાં તેમનાં સ્થળાંતરે, આઝાદીનો સંગ્રામ અને આંબેડકર–ગાંધીના પ્રયાસોએ ગુજરાતનો દલિત વિચારવંત થતો ગયો. 1956 ડિસેમ્બરમાં બાબાસાહેબ ડૉ. આંબેડકરનું નિર્વાણ થતાં તેઓ હચમચી ઊઠ્યા. ડૉ. આંબેડકરને અંજલિ આપતી અને તેમનાં જીવનકાર્યને બિરદાવતી સેંકડો કવિતા દલિત મિલકામદારો ⁄ અન્ય દલિતોએ લખી, પત્રિકાઓરૂપે પ્રકાશિત થઈ વેચાઈ, ચાલીએ ચાલીએ ગવાઈ. કવિતાનો જુવાળ આવ્યો. કાવ્ય-હરીફાઈ યોજાઈ. ઇનામ જાહેર થયાં. કવિતાઓ ભજનના ઢાળ, લોકગીતના ઢાળ, પદ, દુહા અને ફિલ્મી રાગમાં રચાઈ. 1987માં રમેશચંદ્ર પરમારે આ કવિતાઓનું સંપાદન કરી, ‘અંજલિ’ નામે પુસ્તક પ્રકાશિત થયું. બાબાસહેબને ‘અંજલી’ કાવ્યોથી અંજલિ આપનાર કવિઓએ ત્યાર બાદ કવિતા લખી નહીં. દલિત કવિતાનો પ્રવાહ પ્રવાહિત કરી શક્યા નહીં. ડૉ. બાબાસાહેબના નિર્વાણ પૂર્વે અને ત્યાર બાદ પણ દલિતોની વિડંબનાઓ આકારિત કરતી કવિતાઓ દલિતો લખતા રહ્યા. વીસમી સદીના આઠમા દશકમાં ‘તમન્ના’, ‘ગરુડ’, ‘દલિતબંધુ’, ‘અભ્યુદય’, ‘આર્તનાદ’ વગેરે પત્ર ⁄ સામયિકો પ્રકાશિત થતાં રહ્યાં. અને ‘આર્તનાદ’ (1974) પત્રિકામાં ‘દલિત કવિતા’ નામે સ્થાયી મંચ (કોલમ)ની રચના કરવામાં આવી. તેમાં પ્રથમ દલિત કવિતા નામે મનસુખ વાઘેલાની કવિતા પ્રકાશિત થઈ. ‘આર્તનાદ’ના કાર્યકારી તંત્રી રમેશચંદ્ર પરમાર હતા. 1972માં મુંબઈમાં કેટલાક દલિત સાહિત્યકારો દ્વારા ‘દલિત પેન્થર’ની સ્થાપના નામદેવ ઢસાળ, દયા પવાર, રાજા ઢાલે વગેરે દ્વારા કરવામાં આવી. દરમિયાન મહારાષ્ટ્ર (મુંબઈ) અને ગુજરાત (અમદાવાદ)માં દલિતો વિરુદ્ધ અદલિતોએ હુલ્લડ કરાવ્યાં. માઈસાહેબ આંબેડકર દલિત કવિઓ સાથે અમદાવાદ આવ્યાં. ‘દલિત પેન્થર’ સંસ્થા સાથે ‘દલિત પેન્થર’ (1975) નામની માસિક પત્રિકાનું પ્રકાશન શરૂ થયું અને તેમાં દલિત કવિતા, વાર્તા અને એકાંકીને સ્થાન મળ્યાં. તે માસિકના તંત્રી નારણ વોરા અને સંપાદક રમેશચંદ્ર પરમાર હતા.

14મી એપ્રિલ 1978 (આંબેડકર જયંતી)ના દિવસે દલિત પેન્થરનું ‘પ્રતિબદ્ધ દલિત કવિતા ઋતુપત્ર – આક્રોશ’ પ્રકાશિત થયું. જેના સંપાદક દલપત ચૌહાણ, નીરવ પટેલ, પ્રવીણ ગઢવી અને યોગેશ દવે હતા. આ ઋતુપત્રના સંપાદકીયમાં તેમણે દલિત કવિતાની વ્યાખ્યા અને ઉપયોગિતા દર્શાવતાં લખ્યું કે,
“‘દલિતા અસ્મિતા ઝુંબેશ’નું આ પ્રથમ સોપાન ‘આક્રોશ’ કવિતાના માધ્યમ દ્વારા વ્યક્ત થાય છે. કાવ્યશિલ્પ અને માતબર અભિવ્યક્તિ તો સાધના તથા પ્રતિભા માગી લે છે. પણ અમને તેની રાહ જોવી પાલવે તેમ નથી. દલિતોનાં દુઃખદર્દ, અપમાન, અન્યાય, અત્યાચાર, અનાચાર, તિરસ્કાર, ઘૃણા, જુગુપ્સા, વેઠ, વૈતરું, વસવાયાપણું, અસ્પૃશ્યતા, હિંસા, ગરીબી, નિરાશા, લાચારી, શોષણ, ભેદભાવ, ઓરમાયાપણું, પૂર્વગ્રહ, લઘુતાગ્રંથિ, નવબ્રાહ્મણત્વ – ને એની સામે એમનું ભોળપણ, સરળતા, સાલસપણું, દિલાવરી, સામાજિકતા, સ્વમાન, કૌશલ્ય, સંસ્કાર અને અસ્મિતા – એ સઘળાંને વર્ષોથી ઝીલતાં વ્યક્ત થતું મૂક આક્રંદ આજે વાચા પામે છે. ને સર્જાય છે ગુજરાતી દલિત સાહિત્યની પ્રથમ કવિતાઓ - નામે ‘આક્રોશ’.”
આજે આ અવતરણ ટાંકતાં મને યાદ આવે છે 2003માં ફિલ્મમાં અભિનયક્ષેત્રે શ્રેષ્ઠ અભિનેત્રીનો ઑસ્કર ઍવૉર્ડ મેળવનાર બ્લૅક અભિનેત્રી હૅલે. એણે ઍવૉર્ડ સ્વીકારતાં આંસુ સાથે કહેલું :
“આ પળ માટે તેણે અને સમાજે સિત્તેર વર્ષ સુધી રાહ જોઈ છે.”
અમે દલિતોએ આ પળ માટે હજારો વર્ષ રાહ જોઈ છે. સફળતા મેળવી છે.

0 0 0 0 0

અમદાવાદના આંબેડકર હૉલમાં તા. 14-4-1978ના દિને ‘આક્રોશ’ ઋતુપત્રનું વિમોચન શેખઆદમ આબુવાલાએ, ડૉ. માઈસાહેબ આંબેડકરનાં આશિષવચનો સાથે સંપન્ન કરેલું. તેમના જનસત્તાના કટાર લેખ ‘આદમથી શેખઆદમ સુધી’માં આ ઘટનાને ઉજાગર કરેલી. કર્મશીલ કટારલેખક ભાનુભાઈ અધ્વર્યુએ ‘આક્રોશ’ની કવિતાઓને તેમની જનસત્તા દૈનિકની કટાર ‘દુનિયા જૈસી દેખી હમને’માં ‘રુદ્રવીણાનો પ્રથમ ઝંકાર’ કહીને આવકારેલી. પ્રાંતિજથી પ્રકાશિત થતી માસિક પત્રિકા ‘અરવરવ’ (સં. પ્રાગજી ભામ્ભી, મોહંમદ ઈસ્હાક શેખ, મહેન્દ્ર અમીન)માં ‘આક્રોશ’ની પાંચ દલિત કવિતાઓ (દલપત ચૌહાણ અને નીરવ પટેલ)ને 1979માં પ્રથમ વાર પ્રગટ કરી. ‘અરવરવ’ દ્વારા ‘ફાર્બસ ગુજરાતી સભા ત્રૈમાસિક’નાં મુંબઈનાં સંપાદક મંજુબેન ઝવેરીને ગુજરાતમાં દલિત કવિતાના પ્રકાશનની જાણ થઈ. તેમણે ‘આક્રોશ’ ઋતુપત્ર મેળવી ફાર્બસ ગુજરાતી સભા ત્રૈમાસિકના જુલાઈ-સપ્ટે. 1979, અંક 3, પુસ્તક 44ના મુખપૃષ્ઠ ઉપર ‘આક્રોશ’ની સંપાદકીય નોંધને સ્થાન આપ્યું. ત્રૈમાસિકમાં સંપાદકીય લખી દલિત કવિતાઓને બિરદાવી. લખ્યું–
“‘અરવરવ’માં દલિત કવિઓએ રચેલી પાંચ કવિતાઓ જોઈ ત્યારે આશ્ચર્ય થયું. પહેલી વાર ખબર પડી કે ગુજરાતીમાં દલિત સાહિત્ય જેવું કંઈક છે.”
છઠ્ઠી ડિસેમ્બર, 1979માં લાલદરવાજા પોએટ્સ વર્કશૉપનું ‘કાળો સૂરજ (અસ્પૃશ્ય કવિતા પત્ર)’ અમદાવાદથી પ્રકાશિત થયું. (પછીથી ‘અસ્પૃશ્ય’ શબ્દની જગ્યાએ ‘દલિત’ શબ્દને ચલણમાં મૂક્યો.). જે ઋતુપત્રના ચૌદ અંક પ્રકાશિત થયા. જેને ‘જનશક્તિ’ દૈનિક મુંબઈના ‘અક્ષર-ગૂર્જરી’ કટારનાં કવિ–લેખક અવન્તી દવેએ, કાળા સૂરજનો ટંકાર કહી દલિત કવિતાને બિરદાવેલી. આ અંકોમાં જુદા જુદા અંકો માટે ડૉ. પિનાકીન દવે, મોહંમદ ઈસ્હાક શેખ, શેખઆદમ આબુવાલા, જૉસેફ મૅકવાન, રમેશ પારેખ વગેરેએ લેખ કર્યા. જે ‘કાળો સૂરજ’માં પ્રકાશિત થયા હતા. 1981માં ગુજરાતમાં દલિત વિરુદ્ધ સવર્ણનાં જાતિવાદી અનામત વિરોધી રમખાણો થયાં. આ રમખાણોએ દલિતોને કવિતા ⁄ સાહિત્ય લખવા પ્રેર્યા અને ખેતમજૂર, મિલમજૂર, પટાવાળા, આઇ.એ.એસ. અને નિવૃત્ત દલિતોએ કલમ ઉઠાવી. 1982માં ‘નયામાર્ગ’ પખવાડિક પત્રિકા (સં. ઇન્દુકુમાર જાની, અરુણાબેન મહેતા)એ દલિત સાહિત્યની તમામ વિધાઓ માટે દ્વાર ખોલી દીધાં. પત્રિકાએ ઘણા કવિઓ સાથે જૉસેફ મૅકવાન સંપડાવી આપ્યા. ‘અક્ષય’ (દલિત વિવેચન) અનિયતકાલિક માસિક પત્રિકા, ‘સમાજમિત્ર’ માસિક પત્રિકા (સં. રસીલાબેન નટુભાઈ પરમાર)એ દલિત સાહિત્યના વાહક થઈ ઉત્તમ દલિત સાહિત્યના વિશેષાંક પ્રકાશિત કર્યા. જૂનાગઢથી ‘વાચા’ દલિત કવિતા માસિક (સં. નીલેશ કાથડ), ‘અનુગામી કોણ?’ દલિત કવિતા માસિક (સં. કિશોર સોંદરવા), ‘મુક્તિનાયક’ દલિત પત્રિકા અને રાજકોટથી ‘અનુસૂચિત જાતિ સૌરભ’ આવ્યાં. ગુજરાતી દલિત સાહિત્ય અકાદમી, અમદાવાદની ત્રૈમાસિક પત્રિકા ‘હયાતી’ (તંત્રી : હરીશ મંગલમ્) અને દલિત સાહિત્ય પ્રતિષ્ઠાન, અમદાવાદની માસિક પત્રિકા ‘દલિતચેતના’ દલિત સાહિત્યની તમામ વિધાઓને સંપાદિત ⁄ પ્રકાશિત કરતી હતી. કેટલાક વિશેષાંકો પણ પ્રકાશિત કર્યા છે. આધુનિકવાદમાં દલિત કવિતા સ્થિર થઈ. ગુજરાતી કવિતામાં છઠ્ઠા દશકે જે ‘છંદમુક્તિ’ના પ્રયોગ થયા, કવિતાના વાહક તરીકે અછાંદસે પોતાનો સિક્કો જમાવ્યો, તેનો દલિત કવિતાએ લાભ લીધો. ગઝલ-કલ્પનમાં નવી તરાહો આવી, તેમાં દલિત કવિઓએ ઉમેરણ કર્યું. તળભાષાને સ્વીકારી. પોતાની આગવી છાપ અને માપ ઊભાં કર્યાં. દલિત કવિઓના વ્યક્તિગત કાવ્યસંગ્રહ પ્રકાશિત થયા અને કેટલાક દલિત કવિતાના સંચય પ્રકાશિત થયા.

જેમાં સર્વ પ્રથમ ‘દલિત કવિતા’ (1981) સં. ગણપત પરમાર અને મનીષી જાની, ‘વિસ્ફોટ’ (1984) સં. ચંદુ મહેરિયા – બાલકૃષ્ણ આનંદ, ‘અસ્મિતા’ (1984) સં. ચંદુ મહેરિયા, ‘અંજલિ’ સં. રમેશચંદ્ર પરમાર, ‘માણસ’ (1992) સં. વસંત પુરાણી, ‘દુંદુભિ’ (2001) સં. દલપત ચૌહાણ–હરીશ મંગલમ્–પ્રવીણ ગઢવી, ‘એકલવ્યનો અંગૂઠો’ (2001) નીલેશ કાથડ, ‘દલિત ગીત-ગઝલ’ (2006) સં. પથિક પરમાર–હરીશ મંગલમ્. ‘સંકલિત ગીત’ (1985) સં. રાજુ સોલંકી, ‘શ્રમિક કવિતા’ (1986) સં. રમેશચંદ્ર પરમાર, ‘શ્રમિકસૂર’ (1990) જયેન્દ્ર શેખડીવાળા, ‘ગુજરાતી કવિતા’ (2009) સં. નીરવ પટેલ, ‘શબ્દે બાંધ્યો સૂરજ’ (ડૉ. બાબાસાહેબ આંબેડકરને કાવ્યાંજલિ) સં. ચંદુ મહેરિયા–દલપત ચૌહાણ, ‘દલિતકવિતા’ (2012) સં. પ્રવીણ ગઢવી સુધીના દલિત કવિતાના સંગ્રહો પ્રકાશિત થયા.

દલિત કવિઓના કાવ્યસંગ્રહોનું પ્રકાશન દલિત કવિતાના પ્રથમ ‘દલિત કવિતા’ 1981થી ગણવું જોઈએ (જો કે અગાઉ કેટલાક કવિઓ પોતે પ્રથમ છે એમ દાવો કરી ચૂક્યા છે.). અને તે વાત સ્વીકારીએ તો લગભગ સો જેટલા કવિઓના દોઢસોથી વધારે કાવ્યસંગ્રહ ઉપલબ્ધ થઈ શકે. પરંતુ તેમાં પણ કેટલીક અડચણ આવી શકે. કેટલાક કવિઓ બહુજન સાહિત્યધારા, સમ્યક સાહિત્યધારા, પ્રતિબદ્ધ અને પ્રગતિશીલ સાહિત્યધારા સાથે જોડાઈ બન્ને પ્રકારમાં રચના કરે છે અને એક કાવ્યસંગ્રહમાં પ્રકાશિત કરે છે. જેથી કાવ્યસંગ્રહોના નામજોગ ચર્વણા કરવામાં આવે તો વિવાદ સંભવિત છે. અહીં ફક્ત કવિતાનાં ભાવ-જગત, વિભાવના ધ્યાને લઈને નોંધ લેવાઈ છે. આ અંકમાં અન્યત્ર તે અંગે ચર્ચા કરવામાં આવેલી છે.

દલિત કવિઓની કવિતાઓ પોતાની ભાષા, લય, ભાવ, કથનરીતિ, અભિવ્યક્તિની છટા, કલ્પનની મૌલિકતા, લોકભાષાનું સંયોજન અરૂઢ અને અનોખું છે. કવિએ કવિએ કવિતાના મિજાજ નોખા છે. તળને ઉલેચીને કહે છે. કોઈ ઢાંકપિછોડો કરતો નથી. ગીત, ગઝલ, હઝલ, અછાંદસ કે છાંદસ… એ દરેક સાથે પનારો પાડે છે. પોતાનું શ્રેષ્ઠ આપવાનો પ્રયત્ન કર્યો છે. ગુજરાતી ભાષાના સાહિત્યમાં આ કવિઓએ તેનો વૈભવ વધાર્યો છે. ભાષાને રળિયાત કરી છે. પોતાની આગવી છાપ અને માપ ઊભાં કર્યાં. નિરૂપ્ય (content) અને અભિવ્યક્તિમાં પરંપરાઓ, રૂઢિઓ તોડવામાં આવી. વીસમી સદીના આખરી દશકથી આજ સુધી દલિત કવિતા, દલિતસમાજને પ્રતિબદ્ધ રહી.

0 0 0 0 0

‘દલિત વાર્તા’ વીસમી સદીમાં 1985 આસપાસ પગરણ માંડે છે. 1987માં પ્રકાશિક થયેલ ‘ગુજરાતી દલિત વાર્તા’ (સં. મોહન પરમાર, હરીશ મંગલમ્) સંગ્રહને ગુજરાતી દલિત વાર્તાનું વાહકબિન્દુ ગણી શકાય. આ ગુજરાતી દલિત વાર્તાસંગ્રહને પ્રકાશિત કરવા માટે. 13-4-1986ના રોજ ડૉ. રઘુવીર ચૌધરી અને ડૉ. દિગીશ મહેતાના સાંનિધ્યમાં દલિત વાર્તાકારોનો શિબિર યોજાયો. શિબિરમાં રજૂ થયેલી અને રચાયેલી વાર્તાઓ અંગે જુદા જુદા વિદ્વાન અભ્યાસુઓ ⁄ વિવેચકોનાં મંતવ્યો અને વાર્તા વિશેના લેખ મંગાવવામાં આવ્યાં. પરિણામે 1987માં ગુજરાતી દલિત વાર્તાનો પ્રથમ સંગ્રહ ‘ગુજરાતી દલિત વાર્તા’ (સં. મોહન પરમાર, હરીશ મંગલમ્) પ્રકાશિત થયો. તે પૂર્વે ‘ચાંદની’ (પખવાડિક પત્રિકા, તંત્રી ડૉ. કાંતિ રામી, સંપાદક વિષ્ણુ પંડ્યા)માં તેના તારીખ પહેલી ઑક્ટો. 1983 અંકથી પંદરમી જાન્યુ. 1984 (કુલ આઠ અંક) સુધી, વાચકોની પાર્લામેન્ટ વિભાગમાં ‘દલિત સાહિત્ય, સાહિત્યમાં આવો નવો વર્ગ જરૂરી ખરો’ એવી ચર્ચા ચલાવેલી. સંખ્યાબંધ વાચકોએ પોતાના અભિપ્રાય દર્શાવેલા. પરિણામે ‘ચાંદની’ પખવાડિકના તંત્રીશ્રી અને સંપાદકશ્રી દ્વારા તા. 7-2-1987નો વિશેષાંક ‘દલિત સાહિત્ય અને દલિતચેતના’ નામે પ્રકાશિત કર્યો. તેમાં દલિત વાર્તા, કવિતા, મુલાકાત વગેરે પ્રકાશિત કર્યાં. તેના પછીનો તા. 21-2-1987નો અંક પણ દલિત સાહિત્યને સમર્પિત હતો. વિશેષાંકના સંપાદકીય (વિષ્ણુ પંડ્યા) ‘આપણી વાત’માં લખાયું :
“સમાજપરિવર્તનના દરેક વળાંકે તેવાં નામકરણ થતાં આવ્યાં છે. ક્રાંતિકારી, રોમાંચદર્શી, વિક્ટોરિયન, અસ્તિત્વવાદી, વાસ્તવવાદી, છાયાવાદી, જનવાદી, નિગ્રો લિટરેચર એવાં ઘણાં વર્ગીકરણ થતાં રહે છે. દલિત સાહિત્ય આપણે ત્યાં ઘણું મોડું પરિભાષિત થયું છે. પણ તેનું અસ્તિત્વ સામાજિક સંદર્ભમાં ઉવેખવા જેવું નથી.”
ગુજરાતી સાહિત્યમાં 1987માં પ્રથમ ‘ગુજરાતી દલિત વાર્તા’ સંગ્રહ પ્રકાશિત થયો. જેમાં પંદર વાર્તાકારોની વાર્તાઓનો સમાવેશ થયેલો. જેમાં દલપત ચૌહાણ (બદલો), હરી પાર (સોમલી), હરીશ મંગલમ્ (દાયણ), મોહન પરમાર (નકલંક), નૈકલ ગાંગેરા (આઘાત), અરવિંદ વેગડા (રખોપાના સાપ), નરસિંહ પરમાર (શિલ્પા, શીશમહેલ, શંકર અને હું), મધુકાન્ત કલ્પિત (અધૂરો પૂલ), શિરીષ પરમાર (ફરજ), પથિક પરમાર (ઉઘાડા પગે), યશવંત વાઘેલા (અંધ સૂર્યનારાયણ), હરીશકુમાર મકવાણા (મૂંગી ચીસ), રાઘવજી માધડ (મેલી મથરાવટી), રમણ વાઘેલા (ધંધો) અને ભી.ન. વણકર (વિલોપન) હતા. આ વાર્તાસંગ્રહે ગુજરાતી વાર્તાસાહિત્યમાં દલિત વાર્તાનું સીમાચિહ્નરૂપ, ઐતિહાસિક અને આગવું સ્થાન સ્થાપિત કર્યું. આ સંગ્રહમાં દરેક દલિત વાર્તા વિશે અદલિત આસ્વાદકો (લેખકો)ના લેખ પ્રકાશિત કરવામાં આવ્યા. ઉપરાંત ‘ગુજરાતી દલિતા વાર્તા – એક ચર્ચા’ (મોહન પરમાર) અને ‘દલિત વાર્તા : શેષ-વિશેષ’ (હરીશ મંગલમ્)ના લેખોનો સમાવેશ કરવામાં આવ્યો.

‘દલિત ગુજરાતી વાર્તા 1995’ (સં. અજિત ઠાકોર અને રાજેન્દ્ર જાડેજા)માં તેર દલિત વાર્તાકારોની દલિત વાર્તાઓનો સમાવેશ કરાયો. આ સંપાદનમાં અજિત ઠાકોર દ્વારા ‘પોતીકો અવાજ પામવાની મથામણ’ અને મોહન પરમાર દ્વારા ‘ગુજરાતી દલિત સાહિત્યમાં વાર્તા’ લેખો પ્રકાશિત કરાયા હતા. આ દલિત વાર્તાસંગ્રહમાં પહેલી વાર જૉસેફ મૅકવાનની દલિત વાર્તા (રામરાજ)ને સ્થાન આપવામાં આવ્યું હતું. ‘પ્રતિનિધિ દલિત વાર્તા’ (1997) સંગ્રહ (સં. હરીશ મંગલમ્) પ્રકાશિત થયો. જેમાં બાર દલિત વાર્તાકારોની વાર્તાઓ સમાવાઈ, સાથે સંપાદનની પ્રસ્તાવનામાં ડૉ. પ્રવીણ દરજી દ્વારા ગુજરાતી દલિત વાર્તા કઈ રીતે સિદ્ધ થઈ શકે તેની આસ્વાદમૂલક ચર્ચા કરવામાં આવી. ઈ.સ. 2000માં ‘સમાજમિત્ર’ માસિક પત્રિકા (તંત્રી : રસીલાબેન પરમાર)માં પ્રકાશિત થયેલી પાંત્રીસ જેટલી દલિત વાર્તાઓનું, ‘વણબોટી વારતાઓ’ (સં. દલપત ચૌહાણ) નામે સંપાદન કરવામાં આવ્યું. 2005માં ‘દલિત વાર્તાસૃષ્ટિ’ (સં. મોહન પરમાર) અગિયાર દલિત વાર્તાઓ સાથે અને 2008માં ‘વાર્તાલોક’ (સં. હરીશ મંગલમ્, ડૉ. પથિક પરમાર, મધુકાંત કલ્પિત, અરવિંદ વેગડા) બેતાલીસ દલિત વાર્તાઓ સાથે પ્રગટ થાય છે. 2009માં ‘ગુજરાતી દલિત ટૂંકી વાર્તાઓ’ (સં. દલપત ચૌહાણ) સંપાદનમાં અઢાર દલિત ટૂંકી વાર્તાઓ પ્રગટ થાય છે. આ પુસ્તક સાહિત્ય અકાદમી, દિલ્લી દ્વારા પ્રકાશિત થયું અને 2016માં ‘વિસ્મય’ (સં. મોહન પરમાર), પ્રકાશક ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગર દ્વારા પ્રકાશિત કરવામાં આવ્યો. આ સંગ્રહમાં તેત્રીસ દલિત વાર્તાકારોના પ્રકાશિત કુલ વાર્તાસંગ્રહો (કેટલાક અદલિત વાર્તાકારોની દલિત વાર્તાઓ પણ વંચાણે લીધી છે. પરંતુ સંગ્રહમાં સ્થાન આપ્યું નથી.)માંથી બારસો વાર્તાઓ ચકાસી, તેમાંથી પાંચસો જેટલી દલિત વાર્તાઓ અલગ તારવીને પંચાવન દલિત વાર્તાઓને અહીં સ્થાન અપાયું છે. આ ‘વિસ્મય’ દલિત વાર્તાસંગ્રહ ઈ.સ. 2016 સુધીમાં પ્રકાશિત થયેલી દલિત વાર્તાઓનું સરવૈયું ગણી શકાય. ત્યાર પછીના સમયમાં ધીરજ વણકર, ધરમસિંહ પરમાર, રામ સોલંકી, છગન બાજક, જેસંગ જાદવ અને રમણ માધવ આશાસ્પદ દલિત વાર્તાકારો છે.

0 0 0 0 0

નવમા દશકમાં ગુજરાતી સાહિત્યના આધુનિકયુગનાં વળતાં પાણી થયાં. વાર્તાનું વળું બદલાયું. અનુઆધુનિકયુગનાં મંડાણ થયાં. સાહિત્યનાં વહેણ બદલાયાં. અને જ્યારે સાહિત્યનાં વહેણ બદલાય છે ત્યારે તે સમયે સાહિત્યકાર સામ્પ્રત તરફ નજર નાખે છે. જુદાં જુદાં નામધારી વાદ કે પ્રવાહ અસ્તિત્વમાં આવે છે. આ અનુઆધુનિક ⁄ સાંપ્રતમાં દલિત સાહિત્ય, નારીચેતના, ગ્રામચેતના, દેશીવાદ, વિદ્રોહી સાહિત્ય, પરિસ્કૃત સાહિત્ય, આપણું સાહિત્ય, જનવાદી સાહિત્ય અને પ્રગતિશીલ સાહિત્ય અસ્તિત્ત્વમાં આવ્યાં. વાર્તા પરંપરિત ⁄ ઘટનાપ્રધાન આલેખન તરફ વળી, તેમાં દલિત સાહિત્યમાં દલિત યથાર્થ–સંવેદનની વાર્તાઓની રચના થવા લાગી.

સાહિત્યમાં ‘નવવાદ’ની આલબેલ પોકારાય ત્યારે તેનાં મૂળિયાં ‘કશેક’ અતીત સાથે જોડાયેલાં હોય છે. દલિતચેતના ⁄ દલિત વાર્તાનાં મૂળિયાં દલિતોનાં જીવન, પરંપરા, પરિવેશ, ભૂતકાલીન યથાર્થ અને સાંપ્રત સ્થિતિ સાથે જોડાયેલાં છે. દલિત સમાજ કે જૂથની આગવી વ્યથાકથાઓ, ઘટનાઓ, સંવેદનાઓ, ભાવજગત, રીતરિવાજ, રહેણીકરણી, અનુભવ અને અસ્તિત્વ ટકાવી રાખવાની મથામણ અહીં છે. અન્યાય, અત્યાચારને યથાર્થ રજૂ કરે છે. વાસ, મહોલ્લા, આર્થિક સંકડામણ, ધાર્મિક વિચારધારા, રાજકીય સમજણ અને નવજાગૃતિ માટેની ખેવનામાં આગળ ધપવાની મનસા દેખા દે છે. વાર્તાકલાના માનદંડ, માપદંડ અંકે કરતાં દલિત વાર્તાએ આગવી ઓળખ ઊભી કરી છે. રચનાઓમાં સ્થળ, કાળ, બોલી, લહેકા, લઢણ તથા રચનાનાં સ્વરૂપ બદલાયાં છે. ભારતીય સમાજમાં જાતિએ જાતિએ જુદી બોલી, ઉચ્ચાર, શબ્દભેદ છે અને જાતિઓનું જુદાપણું બોલી દ્વારા, માથાની પાઘડી, પહેરવેશ, ઘરબાર દ્વારા પમાય છે. દલિત વાર્તા એ દલિત પરિવેશવિશેષ, બોલીવિશેષ અને ઘટનાવિશેષનો સરવાળો છે. આ દલિત વાર્તા ગુજરાતના જુદા તળ-પ્રદેશ ⁄ વિસ્તારોનું પ્રતિનિધિત્વ કરે છે. જેમ કે જૉસેફ મૅકવાન, રમણ મૅકવાન, હરીશ મકવાણા, રમણ માધવ, રમણ નડિયાદી, અનિલ વાઘેલા ચરોતર વિસ્તારની લોકબોલીનું પ્રતિનિધિત્ત્વ કરે છે; અમૃત મકવાણા, જેસંગ જાદવ, રામ સોલંકી, જસુમતી પરમાર ભાલ પ્રદેશ અને મધ્યગુજરાતની લોકબોલીને ઉજાગર કરે છે; બી. કેશરશિવમ્, મધુકાન્ત કલ્પિત, ભી.ન. વણકર, દશરથ પરમાર, સંજય ચૌહાણ, હરીશ મંગલમ્, ચંદ્રાબેન શ્રીમાળી, વિઠ્ઠલરાય શ્રીમાળી, રાજેશ વણકર, મૌલિક બોરિજા, દલપત ચૌહાણ, મોહન પરમાર વગેરે ઉત્તર ગુજરાતના જુદા જુદા વિસ્તારની લોકબોલીનું પ્રતિનિધિત્વ કરે છે; ધરમાભાઈ શ્રીમાળી અને ધરમશી પરમાર પાલનપુર વિસ્તારની લોકબોલી તથા રાઘવજી માધડ, અરવિંદ વેગડા, દાન વાઘેલા, મહેશ દાફડા વગેરે સૌરાષ્ટ્રની લોકબોલીનો ઉપયોગ કરે છે; વિનોદ ગાંધી ગોધરા વિસ્તારની લોકબોલી, પ્રાગજીભાઈ ભામ્ભી હિંમતનગર વિસ્તારની લોકબોલી, માવજી મહેશ્વરી કચ્છ વિસ્તારની લોકબોલી તથા હરિ પાર દ્વારા સુરતી લોકબોલીનો ઉપયોગ કરાયો છે. આ તમામ વાર્તાકારોએ પોતાના ગજા પ્રમાણે ગુજરાતી દલિત વાર્તાની અને ગુજરાતી સાહિત્યની સેવા કરી છે.

દલિત જીવન અને દલિત માનવીની પોતીકી વેદનાઓ, અદલિતો દ્વારા અપાયેલી યાતનાઓ, જિવાતા જીવનની વિડંબનાઓ યથાર્થ સાથે દલિત વાર્તાકારો દ્વારા સારી રીતે, કલાનાં ધોરણોની આણમાં, નવાં ધોરણોના સર્જન અને નવીન સંભાવનાઓ સાથે આલેખ્યાં છે. નારીવાદ, દેશીવાદ અને દલિતવાદના અવતરણે અનુઆધુનિકતાના સમયગાળાને સાહિત્યિક પ્રબળતા બક્ષી છે. એમ કહી શકાય કે દલિત વાર્તાએ પોતાને ભાગે આવેલો આ સમયગાળો સુવર્ણ અક્ષરે લખ્યો છે.

0 0 0 0 0

ગુજરાતી દલિત નવલકથાનાં મૂળ છેક ફ્રેન્ચ નવલકથાના વાયા અંગ્રેજી–ગુજરાતી (ભાષાન્તર) નવલકથા ‘હિન્દુસ્તાન મધ્યેનું ઝૂંપડું’ (1862) સુધી પહોંચે છે. ગુજરાતી સાહિત્યના ગાંધીયુગના સાહિત્યમાં કેટલાક સાહિત્યકારોને દલિત કથાવસ્તુનું નિરૂપણ કરવાની ચાનક ચડેલી. પાત્રોને નવલકથાઓમાં સ્થાન મળ્યું; પણ લાંબું ટક્યું નહીં. છેક 1986માં ‘આંગળિયાત’ (જૉસેફ મૅકવાન) નવલકથા પ્રકાશિત થઈ, તેને પ્રથમ દલિત નવલકથાનું માન મળ્યું. પરંતુ ‘આંગળિયાત’ પૂર્વે સુરેશ બારિયા નામના નવલકથાકારની ‘થોરનાં ધાવણ’ (1982) નવલકથા પ્રકાશિત થઈ હતી, તે તરફ કોઈએ ધ્યાન આપ્યું નહોતું.

આધુનિક સમય દરમ્યાન નવલકથાકારનું ધ્યાન સમાજજીવન કે ઘટના–યથાર્થ તરફ નહીં, પરંતુ માનવીના અંતરમન, કપોલકલ્પિત વસ્તુ, આંતરિક સંવેદનાના તાણાવાણા કે અતીન્દ્રિય અનુભવજગત પર કેન્દ્રિત રહ્યું. ઘટના પરથી ચેતના, નિરૂપ્ય પરથી આકાર તરફ જવાની પ્રધાનતા જણાઈ. ક્યાંક નિરૂપણમાં ઘટના–આકાર, રચનારીતિ, વાસ્તવદર્શન સાથે સામાજિક, ઐતિહાસિક, સાંસ્કૃતિક મૂલ્યોની માવજત કરવામાં આવી. અહીં દલિતસમાજ સંપૂર્ણ ગેરહાજર રહ્યો. સમગ્ર ગુજરાતી સમાજ તેમાં દેખાયો નહીં. આ સર્વેથી ઉફરાં ચાલીને નવમા દશકમાં આધુનિકયુગની શરૂઆત થઈ. નવલકથાએ નવીન રૂપ ધારણ કર્યું, નવોન્મેષ પ્રગટાવ્યો અને દલિત નવલકથા, નારીવાદી નવલકથા, ગ્રામચેતનાની નવલકથા અને પરંપરિત નવલકથા વગેરેનો ઉદય થયો.

અનુઆધુનિક સાહિત્ય સમયગાળામાં નવું એ હતું કે ગુજરાતી સાહિત્ય પર બ્રાહ્મણવાદી સાહિત્યની પકડ ઢીલી થઈ. દરેક સાહિત્યકાર અંતર્મુખ થઈ પોતાના જીવન અને પોતાના સમાજને અંકિત કરવા લાગ્યો. રાજા-મહારાજા અને ઉપલાવર્ગની કથાઓમાં ઓટ આવી. નવલકથાને જુદાં જુદાં નામથી ઓળખ મળી.

ગુજરાતના સામાજિક જીવનમાં ગ્રામ્ય સંસ્કૃતિનો ઘેરો પ્રભાવ છે. સામાજિક, આર્થિક, ધાર્મિક વિષમતાનાં મૂળ ઘણાં ઊંડાં છે. શહેરો પણ તેના પ્રભાવથી દૂર નથી. દલિતજીવનની સમસ્યાઓ શહેરો અને ગામડાઓમાં જુદાં જુદાં સ્વરૂપે અસ્તિત્વ ધરાવે છે. અસ્પૃશ્યતા અને પ્રચ્છન્ન અસ્પૃશ્યતાનાં વરવાં રૂપ અહીં સતત દેખાયાં કરે છે. દલિત સાહિત્ય લખનાર સાહિત્યકાર ગામડાંમાંથી આવ્યા એટલે ગ્રામ્યજીવનની કથાઓ પહેલાં મળી. આ નવલકથાઓમાં ગ્રામ્યજીવનમાં રહેલી અસ્પૃશ્યતા, અસમાનતા, દમન, અભાવ, સંવેદના, આપસના વ્યવહારમાં ભેદભાવ, ઊંચ-નીચ, ધિક્કાર, વિસંવાદિતા સાથે ક્યાંક સંવાદિતાનું નિરૂપણ જોઈ શકાય છે. જૉસેફ મૅકવાનની નવલકથા (આંગળિયાત–1986)માં દલિતસમાજનાં દુઃખદર્દ, પીડા, સંવેદના, શોષણ વગેરે જોવા મળે છે. ત્યાર બાદ પ્રકાશિત નવલકથાઓ પણ દલિતજીવનના શોષણના યથાર્થ, અમાનવીય તિરસ્કાર અને માનવ–માનવ વચ્ચેના અપમાનજનક વ્યવહાર, પીડા–સંવેદનાની કથા કહે છે. આ નવલકથાનાં રચનારીતિ, કલાગત લક્ષણો પરંપરિત છે. વાતાવરણ, પરિવેશ, બોલીવિશેષ, લહેકા દલિતસમાજનાં છે. ઘટનાનાં યથાર્થ ગામ અને વાસ વચ્ચે વહેરાયેલાં છે. કશું સમું-સુતરું નથી.

અહીં જેટલા નવલકથાકાર છે તે સૌની આગવી ઓળખ, વિશેષતા છે. પોતાના વિસ્તારને બોલીનો પુટ આપી નવાં પગરણ માંડ્યાં છે. જૉસેફ મૅકવાન (આંગળિયાત–1986), દલપત ચૌહાણ (મલક–1991), મોહન પરમાર (નેળિયું–1992), હરીશ મંગલમ્ (તિરાડ–1992), બી. કેશરશિવમ્ (શૂળ–1995), રમણ મૅકવાન (સ્વરાજનાં સમણાં–1994), ગણેશ આચાર્ય (અસ્તિત્વ–2000), દક્ષા દામોદરા (શોષ–2003), વિઠ્ઠલરાય શ્રીમાળી (શૈલબાળા આઇએએસ–2003), પ્રાગજીભાઈ ભામ્ભી (દિવાળીના દિવસો–2004), હરીશકુમાર સોલંકી (સંઘર્ષ–2004), દિનુ ભદ્રેસરિયા (કીડીએ ખોંખારો ખાધો–2005), અનિલ વાઘેલા (જ્ઞાતિજંતુ–2007), માવજી મહેશ્વરી (મેઘાડમ્બર–2008), રેમન્ડ પરમાર (મૂળિયાં અને પાંખો–2008), કાંતિલાલ પરમાર (ગેબી ટીંબો–2012), નરેન્દ્ર પરમાર (પીપળો–), વિનોદ ગાંધી (વાસ–2014), ઉમેશ સોલંકી (ફેરફાર–2017) વગેરે નવલકથાકારોએ પોતાના ગજા પ્રમાણે યોગ્ય અને યથાર્થ દલિત કથાઓ આપી છે. આ નવલકથાઓ સાહિત્યકારોની ઓળખ છે, પરંતુ તેમણે એકથી વિશેષ નવલકથાથી ગુજરાતી ભાષાને રળિયાત કરી છે.

દલિત નવલકથા હાલની સ્થિતિનો નકાર કરે છે. વિદ્રોહનો માર્ગ સ્વીકારે છે. તેમ છતાં સફળતા–નિષ્ફળતાની અવઢવમાં છે. અતીતમાં થયેલા અત્યાચાર મનોરાજ્યમાં ધૂંધવાયા કરે છે. સમસ્યા વિકટ છે. તેમાંથી છૂટવા માટે માર્ગ શોધે છે. આખી સમાજવ્યવસ્થા સડી ગયેલી છે. અન્ય ધર્મના લોકો પણ હિન્દુઓની દેખાદેખીએ દલિતોને કનડવામાં–અસ્પૃશ્યતા પાળવામાં સાથસહકાર આપે છે અને તેનો પ્રભાવ સૌથી વધારે ગામડાંમાં ટકી રહ્યો છે. તેથી ગ્રામ્યસંસ્કૃતિનો તિરસ્કાર કરે, ધર્મની અવહેલના નવી સમાજવ્યવસ્થાની આશાએ, પૂર્વ તરફ નજર નાખી અતીતને ખંખેરતાં સૂર્યોદયની રાહ જુએ છે. ભળભાંખળું બપોર તરફ ગતિ કરી ચૂક્યું છે, તેવો ભાવ નવલકથા કરાવે છે.

0 0 0 0 0

દલિત નાટક ⁄ ગુજરાતી નાટકની નોંધ લેતાં પહેલાં તરગાળાઓની ભવાઈ (અદલિત સમાજની ભવાઈ) અને તૂરીસમાજ (દલિત)ની ભવાઈ વિશેની નોંધ લઈએ. તરગાળા (ભવાયા)ઓની ભવાઈ ગામના ચોરે કે મંદિરના ચોકમાં ગામ વચ્ચોવચ ભજવવામાં આવતી. તે ભવાઈ દલિતસમાજ જોવા જઈ શકતો નહીં. ગામ દ્વારા નિષેધ ફરમાવેલ હતો. દલિતોની ભવાઈ દલિતવાસમાં ભજવાતી. ભવાયા અને તૂરીને ભણવાનો અધિકાર ન હતો એટલે આ ભવાઈવેશ મૌખિક પરંપરામાં (કંઠ્ય) ભજવાતા પરંતુ અસાઈત બ્રાહ્મણ વટલાઈને તરગાળા થયો એટલે એણે બધા વેશ લખેલા તથા તેમાં ઉમેરા કરેલા. પરંતુ અસાઈત ઠાકરની કથા ક્યાંય લેખિતમાં મળતી નથી. 1872માં મહિપતરામ રૂપરામે ભવાયાઓને પૂછીને કેટલાક ભવાઈવેશ લખી પુસ્તક પ્રકાશિત કર્યું અને પ્રથમ વાર ભવાઈવેશ લેખિતમાં મળ્યા. આ સૌ વેશોમાં ‘ઢેડનો વેસ’ અને ‘કંસારીનો વેસ’ બહુ જ ભૂંડા અને ગંદી ભાષાના પ્રયોગોવાળા હતા. એટલે મહિપતરામે જ્યારે આ પુસ્તકની બીજીથી પાંચમી આવૃત્તિ પ્રકાશિત કરી ત્યારે ‘દલિતનો વેસ’ પુસ્તકમાંથી બાદ કરી નાખ્યો. એની ટિપ્પણીઓ રહેવા દીધી. ‘આ વેસ’ રાતે બાર વાગ્યા પછી બાળકો અને સ્ત્રીઓ ઘેર જતાં રહે ત્યારે પુરુષોની હાજરીમાં ભજવાતો. તેમાં જાતીય ગંદા સંવાદો સાથે દલિત સ્ત્રી સાથે બળાત્કારનાં ખુલ્લાં દૃશ્ય ત્રણ વાર ભજવવામાં આવતાં (જો કે સ્ત્રીનું પાત્ર પુરુષ ભજવતો.). આ દૃશ્ય વખતે લોકો હોંકારા, પડકારા કરતા, સિસકારા બોલાવતા તેમ ભવાયો વધારે બીભત્સ ચેનચાળા કરતો.

આ દૃશ્યોમાં દલિતોની ભયંકર બદનામી થતી અને દલિત સ્ત્રીને ઉપભોગની વસ્તુ સમજી તેના પર અવારનવાર બળાત્કાર થતા. આ ‘વેસ’ અસ્પૃશ્યતાનાં બળતાંમાં ઘી નાખવાનું કામ કરતો હતો.

તૂરીસમાજના કલાકારો આ ‘ભવાઈવેસ’ ભજવતા નહીં. તેના બદલે જસમા ઓડણના વેશ સાથે વીરમાયાના બલિદાનનો વેશ ભજવતા તથા ભવાયા–તળગાળા જે ભવાઈવેશ ભજવતા તેની નકલ કરી દલિતવાસમાં વેશ ભજવાતા.

0 0 0 0 0

દલિત સાહિત્યકારોએ નાટક, એકાંકી, રેડિયોનાટક, શેરીનાટક, રેડિયોરૂપક લખ્યાં, ભજવાયાં અને પુસ્તકરૂપે, માસિક પત્રિકાઓમાં પ્રકાશિત થયાં છે. તેમાં દલિતોની સામ્પ્રત સમયની, પુરાતન સમયની વિડંબનાઓ, શોષણ, થયેલ અત્યાચાર, અપમાન, અવહેલના, અત્યાચારની ઘટનાઓ, સામાજિક ⁄ ધાર્મિક સમસ્યાઓનો સમાવેશ કરી રચનાઓ કરવામાં આવી છે. મહાભારતનાં પાત્રોનો આધુનિક સંદર્ભ, તેમની નવી વ્યાખ્યા અને ચિત્રણ કરવામાં આવ્યાં છે. નવસમાજની રચના માટે જે જે મહાનુભવોએ, જ્યોતિર્ધરોએ પોતાનું યોગદાન આપ્યું છે તેમનાં જીવન, કવન, કાર્યોને ધ્યાનમાં રાખી, વીરમાયા, ડૉ. આંબેડકર, કબીર, રૈદાસ, સ્વામી તેજાનંદ, હવસી દેગામા, મહાત્મા બુદ્ધ અંગેનાં નાટક ⁄ એકાંકી રચાયાં છે, ભજવાયાં છે.

શ્રીકાંત શર્મા (એકાંકી સંગ્રહ ‘ત્રિવેણી સંગમ’ 1977), શિવાભાઈ ના. પરમાર (માનવતાની જ્યોત–1978), આલોક આનંદ (ક્રાંતિવીર આંબેડકર–1990), કૃષ્ણચંદ્ર (ટીંપે ટીંપે શોણિત આપ્યાં–1990), જયંતી મકવાણા (યુગપુરુષ–1995), દલપત ચૌહાણ (અનાર્યાવર્ત–નાટકસંગ્રહ–2000) અને (હરીફાઈ–એકાંકીસંગ્રહ–2001), મોહન પરમાર (બહિષ્કાર–એકાંકીસંગ્રહ–2003), હર્ષદ પરમાર (રાશવા સૂરજ–2012) વગેરે પુસ્તકરૂપે ઉપલબ્ધ છે અને કેટલાંક નાટક અને એકાંકી એકથી વધારે વખત ભજવાયાં છે. મૌલિકરાજ શ્રીમાળીના નાટક ‘ઉર્ફે… આ… લો’ અને ‘નાચ’ના પચાસથી વધારે પ્રયોગ થયા છે. આ ઉપરાંત દલપત ચૌહાણનાં વીસથી વધારે એકાંકી ‘હું માણસ’ શેરીનાટક તથા રેડિયોરૂપક (ઘાયલ હંસ તથાગતને શરણે) પ્રકાશિત થયાં. ચંદુ મહેરિયા, રમેશચંદ્ર પરમારે રેડિયોરૂપક લખ્યાં છે.

રાજુ સોલંકી (બ્રાહ્મણવાદની બારાખડી–1982), કાંતિલાલ ‘કાતિલ’ (આભડછેટ–2002), બબલદાસ બી. ચાવડા (અંધકાર, ક્રાંતિરથ), બી. કેશરશિવમ્ (રામની મૂર્તિ–2002), મૌલિક બોરિજા (મહેફિલ–2002), રાઘવજી માધડ (શોધ–2002), લક્ષ્મણ પરમાર (અંગ્રેજ–2002), વિઠ્ઠલરાય શ્રીમાળી (મૂઠી ઊંચેરી બાળા–2002), હરીશ મંગલમ્ (લ્યો, ચાંપ પાડો–2002) વગેરેએ એકાંકી લખ્યાં, પ્રકાશિત થયાં.

દલિત જીવન, જીવન જીવવાની પદ્ધતિ, અદલિત સમાજ કરતાં નોખી છે. તેમની ખાવાપીવાની ટેવો, પહેરવેશ, બોલચાલ, લહેકા જુદાં છે. તેમની લોકસંસ્કૃતિ, લોકકથાઓ, લોકગીતો, ધાર્મિક પરંપરાઓની ઉજવણી, ભવાઈ બધું જ જુદું છે. મનોરંજનના ઉપચાર જુદા છે. ભવાઈ, જાતર, રામલીલા, લોકસંગીત, કાંચળિયાના વેશ, બહુરૂપીના વેશ નોખા છે. નાટ્ય ⁄ ભવાઈની પરંપરા, વાર્તા કહેવાની પરંપરા, વંશપરંપરાની નોંધ રાખનાર જાતિઓ અહીં સ્વતંત્ર અસ્તિત્વ ધરાવે છે. યજમાનોની વંશાવળી લખવા બોળી ગુજરાતી ભાષા આ જાતિના લોકો જાણતા હતા. દલિતસમાજને હિન્દુ સમાજનો હિસ્સો ગણવામાં આવે તે જરા વિચિત્ર લાગે છે.

0 0 0 0 0

દલિત નિબંધસાહિત્યમાં કેટલાંક સંપાદનો મળે છે. ગુજરાતી દલિત નિબંધ–2013 (સં. ભગીરથ બ્રહ્મભટ્ટ), ગાય-જો ડેરો (બી. કેશરશિવમ્), ભંડારિયું–2004 (ધરમાભાઈ શ્રીમાળી), હું, સંભારણાં અને સફર–2017 (દલપત ચૌહાણ) વગેરેએ દલિત નિબંધનાં પુસ્તકો આપ્યાં છે. જ્યારે ચરિત્રાત્મક દલિત નિબંધોનાં ઘણાં પુસ્તક જૉસેફ મૅકવાને ‘વ્યથાનાં વીતક’ સમેત આપ્યાં છે. બીજાં રેખાચિત્ર ⁄ ચરિત્રાત્મક નિબંધ ‘માડી મને સાંભરે રે’ (1994) સંપાદક : ચંદુ મહેરિયા, ‘પિતૃગાથા’ (2006) સં. બાલકૃષ્ણ આનંદ, ‘દીકરી હેતની હેલી’ (2013) સં. નટુભાઈ પરમાર વગેરે પુસ્તકોમાં મળી આવે છે.

ગુજરાતી દલિત સાહિત્યકારોએ આત્મકથા પ્રમાણમાં ઓછી લખી છે. પરંતુ જે કોઈ આત્મકથાઓ લખાઈ છે તેના લેખકોએ આ કથાઓ નિષ્ઠાપૂર્વક લખી છે અને આત્મશ્લાઘા, અતિરંજકતા કે આડંબરથી દૂર રહી યથાર્થને સચ્ચાઈપૂર્વક અંકિત કર્યો છે. તેમ છતાં કહી શકાય કે જો વધારે પ્રમાણમાં આત્મકથાઓ લખાઈ હોત, તો આઝાદી પૂર્વેનાં અને ત્યાર બાદના તૂર્તના સમયનાં ઘણાં વધારે ચિત્રણ ઉપલબ્ધ થયાં હોત.

જે આત્મકથાઓ લખાઈ છે એમાં ડાહ્યાભાઈ દીનબંધુ (જીવનસંઘર્ષ–2001), બી. કેશરશિવમ્ (પૂર્ણસત્ય–2002), ખેમચંદ ચાવડા (અતીતનાં સ્મરણો–2005), નટુભાઈ પરમાર (મનસ્થ–2009), હરિશંકર પુરાણી (મારી જીવનસાધના–2010), વિઠ્ઠલરાય શ્રીમાળી (બજતા જાયે એકતારા–2012), મહેશચંદ્ર પંડ્યા (પુરુષાર્થનો પમરાટ–2014), પી.કે. વાલેરા (થોરનાં ફૂલ–2010-11-12) વગેરે છે. ઉપરાંત ‘સમાજમિત્ર’ માસિક પત્રિકા આત્મકથાત્મક લેખોનો વિશેષાંક, 14 એપ્રિલ–2002, (સં. નીરવ પટેલ)માં દલિત સમાજના સાહિત્યકારો, સમાજસેવકો અને સામાન્ય માનવીઓના જીવનની કથનીઓ મળી આવે છે.

આ આત્મકથાઓ ⁄ આત્મકથાત્મક લેખોમાં ગુજરાતના જુદા જુદા વિસ્તારના દલિતજીવનનો યથાર્થ ચિતાર મળે છે. અસ્પૃશ્યતા, બાળપણમાં ભોગવેલ શોષણ, અત્યાચાર, ગરીબી, એ સૌ સામે અડીખમ ટક્કર લઈ જીવન જીવી ગયેલ માનવીઓની કથાઓ સમાજ માટે રાહબર બને છે. અહીં અદના માનવીથી શરૂ કરી, મોટા અધિકારી, રાજકારણીઓનાં જીવનની આછી ઝલક જોવા મળે છે.

0 0 0 0 0

જીવનચરિત્ર આલેખનમાં બાબાસાહેબ ડૉ. ભીમરાવ આંબેડકર, વીરમાયા, રમાબાઈ આંબેડકર અને કેટલાક સમાજસેવકોનાં જીવન આલેખાયાં છે. કોઈ દલિત સાહિત્યકારનું જીવનચરિત્ર આલેખાયું નથી.

બાબાસાહેબ ડૉ. ભીમરાવ આંબેડકરનાં જીવનકવનને ધ્યાને લઈ કવિતાઓ લખાઈ હતી તેવી જ રીતે જીવનચરિત્ર આલેખાયાં છે. ડૉ. પી.જી. જ્યોતિકર (આર્ષદ્રષ્ટા આંબેડકર–1990, ડૉ. બાબાસાહેબ આંબેડકર જીવનચરિત્ર–1998), જયસિંહ વ્યથિત (દલિતોના મસીહા–1991), ડૉ. રમેશચંદ્ર પરમાર (યુગદ્રષ્ટા ડૉ. આંબેડકર ભા. 1થી 4–2000), ચંદુ મહેરિયા (ડૉ. આંબેડકર–2002) વગેરે જીવનચરિત્ર લખાયાં. કવિ ગણેશ પરમારે ‘આર્ષદ્રષ્ટા ડૉ. આંબેડકર’ છંદોબદ્ધ જીવનચરિત્ર અને કવિ વિશ્રામ સોલંકી દ્વારા ‘ભીમ ભારત’ નામે ડૉ. બાબાસાહેબનું જીવનચરિત્ર રાગ-રાગણીમાં લખાયું છે.

બ્રહ્મદત્ત વૈશ્ય દ્વારા ‘ગુરુજી મૂળદાસ ભૂદરદાસ વૈશ્યનું જીવનચરિત્ર’ (1985), રાજન પટણી દ્વારા ‘પૂ. માતા રમાબાઈ આંબેડકર’ (2004), જનબંધુ કૌસામ્બી દ્વારા રામજીભાઈ મેવવાળાનું જીવનચરિત્ર ‘દલિત આકાશમાં એક તારક’ (2004), નરસિંહ સોનારા દ્વારા દહેગામના સમાજસેવી હવસીભાઈ દેગામાનું જીવનચરિત્ર ‘હવસી દેગામો’ અને ચારુલ ચૌહાણ દ્વારા ‘વીર માયા અમરચરિત્ર’ (2004) પ્રકાશિત કરવામાં આવ્યાં.

0 0 0 0 0

દલિત સાહિત્યને વિવેચનની સરાણે ચઢાવવા માટે નવા માપદંડ-માનદંડની જરૂર પડે. પરંતુ અત્યાર સુધી તે માટે કોઈ વિવેચકો નવી ધરી પર કામ કરવા તૈયાર થયા નથી. ગુજરાતી સાહિત્યના જૂના માપદંડોથી દલિત સાહિત્યને માપવાથી તેને પૂરેપૂરી રીતે સમજાવી કે ખોલી શકાતું નથી. તેમાં નવું શું છે અને ગુજરાતી સાહિત્યમાં તે ક્યાં જુદું પડે છે તેને આંગળી મૂકી બતાવી શકાતું નથી. ⁄ શકાયું નથી. તેને માટે યોગ્ય શબ્દાવલી, ચોક્કસ પ્રકારની વિવેચકીય ભાષા પ્રયોજવાની જરૂર છે. તે હજી થયું નથી. બધું લોલમાં લોલ ચાલે છે. આ સાહિત્ય મૂળ સાહિત્યથી કેવી રીતે ઉફરાં ચાલે છે. એના ઉદ્‌ભવથી આજ સુધી કેવો કેવો વિકાસ થયો, તે વિગતો વિવેચનના મુદ્દા બનવા જોઈએ. પરિણામે દલિત વિવેચન દલિત કૃતિઓને યોગ્ય માન-મરતબો, પ્રસિદ્ધિ અપાવી શક્યું નથી.

પશ્ચિમના સાહિત્યજગતમાં બ્લૅક લિટરેચરની ઉપસ્થિતિ છે, એવી જ રીતે ભારતીય સાહિત્યજગતમાં દલિત સાહિત્ય પોતાનું અસ્તિત્વ ધરાવે છે. દલિત સાહિત્ય અને ગુજરાતી સાહિત્ય એકબીજાંથી ભિન્ન નથી. વીસમી સદીના નવમા–દશમા દશક અને એકવીસમી સદીના આજ સુધીના અનુઆધુનિક સમયગાળામાં લખાયેલા દલિત સાહિત્યની અવગણના થઈ શકે તેમ નથી. (છતાં થાય પણ ખરી!)

કેટલાક અદલિત વિવેચક ⁄ લેખકોએ દલિત સાહિત્યની કૃતિઓનાં ⁄ સાહિત્યનાં વિવેચન, રસદર્શન અને આસ્વાદ કરાવ્યાં છે. જેમાં દીપક મહેતા, ભરત મહેતા, બાબુ દાવલપુરા, યૉસેફ મૅકવાન, જૉસેફ મૅકવાન, ડૉ. કાંતિ માલસતર, ડૉ. સતીશ વ્યાસ, સિલાસ પટેલિયા, પ્રા. જયંત જોષી, ડૉ. અજિત ઠાકોર, ડૉ. રઘુવીર ચૌધરી, ડૉ. રમેશ ર. દવે, વિદ્યુત જોષી, મફત ઓઝા, ડૉ. ચંદ્રકાંત ટોપીવાલા, ધવલ મહેતા, ભાનુભાઈ અધ્વર્યુ, અશોક હર્ષ, મનીષી જાની, રમેશ પારેખ, શિરીષ પંચાલ, નરેશ શુક્લ, સરૂપ ધ્રુવ, મહાવીર ચૌહાણ, અવંતિ દવે, સુધા પંડ્યા વગેરે છે.

જ્યારે દલિત સાહિત્યકારો દ્વારા દલિત સાહિત્યની સમીક્ષા, રસદર્શન અને વિવેચન તેમના ગ્રંથ સંવિતિ–1984 (લે.સં. મોહન પરમાર–હરીશ મંગલમ્) વિદિત–1989 અને અન્ય પુસ્તકો (લે.સં. હરીશ મંગલમ્), પ્રત્યાયન–1994 અને અન્ય પુસ્તકો (લે.સં. ભી.ન. વણકર), ગુજરાતી દલિત સાહિત્ય – સ્વાધ્યાય અને સમીક્ષા–2001 (લે.સં. મોહન પરમાર, હરીશ મંગલમ્), સાંપ્રત દલિત સાહિત્યપ્રવાહ–2004 (લે. યશવંત વાઘેલા), પદચિહ્ન–2004 અને અન્ય પુસ્તક (લે. દલપત ચૌહાણ), દલિત સંવેદના અને સાહિત્ય–2008 અને અન્ય પુસ્તક (ડૉ. નાથાલાલ ગોહેલ), સાહિત્યતપાસ–2009 (પ્રાગજીભાઈ ભામ્ભી), યથાતથ–2011 (નટુભાઈ પરમાર), ગુજરાતી સાહિત્યમાં દલિત સાહિત્યનું પ્રાગટ્ય (ભીખુભાઈ વેગડા), દલિત સાહિત્યનાં લેખાંજોખાં–2011 (સં. રમણ વાઘેલા), પ્રત્યક્ષ–2008 (લે.સં. મધુકાંત કલ્પિત), નિરીક્ષા–2014 (સં. વસંત રોહિત), અનુમાન–2016 અને અન્ય પુસ્તક (લે.સં. મોહન પરમાર) દ્વારા સુપેરે કરવામાં આવી છે.

અને છેલ્લે કહીએ કે દલિત સાહિત્યમાં સાહિત્યની તમામ વિધાઓમાં ખૂબ જ કાર્ય થયું છે. તદ્ સંદર્ભે ગુજરાતી ભાષાસાહિત્યના વિદ્વાન દલિત-અદલિત વિવેચકોએ આ સાહિત્યની સરાહના તેમનાં પુસ્તકો ⁄ લેખો દ્વારા કરી છે તેમ છતાં, આ સઘળાંમાંથી ગાળીચાળીને તારણ કાઢી દલિત સાહિત્યના નવા માનદંડ ⁄ માપદંડ અંકે કરી દલિત સાહિત્યનું સ્વતંત્ર સૌંદર્યશાસ્ત્ર નિપજાવી શકાયું નથી, તે હકીકત છે. તેની રાહ જોવાય છે.
દલપત ચૌહાણ, 928/2, સેક્ટર 7/સી, ગાંધીનગર-382007 (M) 9429723752 E-mail : dalpatchauhan1940@gmail.com