Included in the UGC-CARE list (Group B Sr. No 172)
Special Issue on Dalit Literature
દશરથ પરમારની વાર્તાઓમાં દલિતચેતના
દશરથ પરમાર ગુજરાતી સાહિત્યના જાણીતા વાર્તાકાર છે. છેલ્લા ૧૮ વર્ષથી એમની વાર્તાઓ સતત પ્રગટ થતી રહી છે. લગભગ ૧૯૯૬-૯૭થી તેમની વાર્તાઓ ગુજરાતી સાહિત્યનાં પ્રખ્યાત સામયિકોમાં પ્રગટ થતી રહી છે. અને પોંખાતી પણ રહી છે. ૨૦૦૧માં એમનો પ્રથમ વાર્તાસંગ્રહ ' પારખું ' પ્રગટ થતાં જ વાચકો અને વિવેચકોનું ધ્યાન ખેંચાયું હતું. તેઓ ગ્રામીણ પરિવેશમાંથી આવતા હોવાથી ગ્રામજીવનના પ્રશ્નો, સંસ્કૃતિ, સમસ્યાઓ અને દૂષણોથી સુપરિચિત છે. પરિણામે આ બધી સામગ્રીને વાર્તાઓમાં કલાત્મક રીતે ઢાળી શક્યા છે. એમની વાર્તાઓના અંગ્રેજી, મરાઠી, હિન્દી વગેરે ભાષાઓમાં અનુવાદો પણ થયા છે. 'બે ઈ- મેઈલ અને સરગવો' (૨૦૧૩) તેમનો બીજો વાર્તાસંગ્રહ છે. તદુપરાંત, એમની નવ જેટલી દલિતવાર્તાઓ વિવિધ સામયિકોમાં પ્રગટ થઈ છે. શ્રી. મણિલાલ હ.પટેલ 'પારખું' વાર્તાસંગ્રહની પ્રસ્તાવનામાં નોંધે છે કે, 'તળનાં લોકની જીવનધબકને એમની જ બોલીમાં ઝીલવામાં પણ લેખકે સફળતા મેળવી છે'. તો શ્રી. રઘુવીર ચૌધરી 'બે ઈ-મેઈલ અને સરગવો' વાર્તાસંગ્રહની સમીક્ષા કરતાં લેખકને ‘પોતાના વતન અને સમાજનાં નિરીક્ષણો દશરથની મુખ્ય મૂડી છે’. તેમ કહીને સર્જકની કલમને બિરદાવી છે. દલિત–લલિત બન્ને ધારાઓમાં વાર્તાઓ લખતા દશરથ પરમારની વાર્તાઓમાં 'દલિત ચેતના' ને તપાસવાનો અહીં ઉપક્રમ છે.

'ગીધાનુભૂતિ' વાર્તા પ્રથમ પુરુષ એકવચનમાં રજૂ થઈ છે. વાર્તાના આરંભથી જ રહસ્યનિર્માણ થઈ રહયું છે. છાતી પર બેસી ગીધ તેની ચાંચ દ્વારા નાયકની આંખ ખોતરવાની ક્રિયા કરે છે. તેને લોહીલુહાણ કરે છે. ગીધ કહેવાતા ઉચ્ચ વર્ણનું કે શાસકવર્ગનું પ્રતીક બને છે. કહેવાતા નિમ્નવર્ગ પ્રત્યે ધિક્કાર પ્રગટાવે છે. નાયક તેનાથી છૂટવા મથામણ કરે છે. પરંતુ ગીધ નાયકને છોડતું નથી. નાયક અને ગીધ વચ્ચેની આ ક્રિયા – પ્રતિક્રિયામાં વ્યંજિત થઈ વાર્તારૂપ પામતી જાય છે. ગીધ વાર્તાના પ્રારંભે નાયકની જમણી આંખ અને અંતે ડાબી આંખ ખોતરી રહયું છે. નાયક કહે છે, 'મારા પછી મારા પરિવાર અને સમાજને આ અસ્પૃશ્યતા, અત્યાચાર, શોષણ થકી ખતમ કરી નાખશે.’ જાતિવાદના આ સંદર્ભને અનુભવઓ નાયક માતાજીના મંદિરમાં આક્રોશ સાથે કહે છે, 'હે મા! જો તમારે આપવું જ હોય તો આલી દો આ તમારું ત્રિશૂળ! તમે એનાથી મહિષાસુર જેવા દાનવોનો સંહાર કરેલો. હું મારી પાછળ પડેલા પેલા ગીધને ખતમ કરી દઈશ. એનો વંશ – વારસ મિટાવી દઈશ, આ ત્રિશૂળથી. અને પછી કરીશ મારા ભાઈઓનો ઉદ્વાર !'( પૃષ્ઠ.૧૦૪) અહીં વાર્તા ઘટનાને બદલે ગીધના રૂપક–પ્રતીક દ્વારા આગળ વધે છે. અને અસ્પૃશ્યતા, શોષણ અને અત્યાચારનો ભોગ બનતા દલિતોની સંવેદના સુપેરે પ્રગટાવે છે. વાર્તાન્તે શીર્ષકની સાર્થકતા અનુભવાય છે.

'અનપેક્ષિત' વાર્તામાં નવા આવેલ બ્રાન્ચ મેનેજર અધિકારી તરીકે ખૂબ કડક છે. ઑફિસ સ્ટાફની ખૂબ મથામણ છતાં તેમની જાતિ વિશેની ઓળખ કે અન્ય કોઈ માહિતી મળતી નથી. તેમના વર્તન પરથી માત્ર કલ્પનાઓ કર્યા કરવાની થાય છે. વાર્તાનો પ્રારંભ કોલબેલના અવાજ સાથે થાય છે અને આ અવાજથી બધા ડરે છે. એકવાર ઑફિસ છૂટવાની થોડીવાર પહેલા ગામડાંમાંથી આવેલા બે વ્યક્તિઓ સાહેબને મળવા આવે છે. વાતચીત દરમિયાન સાહેબની ઓળખ થયા પછી ઑફિસમાંથી કૉલબેલ વાગે છે; પણ પટાવાળા સુરેશ પટેલ ટોયલેટ તરફ વળે છે, જેમાં સાહેબની અવગણના તરફ ઈશારો છે. વાર્તાનું છેલ્લું વાક્ય - 'ખાલીખ્મમ થઈ ગયેલી બ્રાન્ચમાં બુલબુલ ફરીથી બમણા વેગે ટહુક્યું, ક્યાંય લગી ટહુકી – ટહુકીને ખાલી ખૂણાઓમાં ભટકતું રહ્યું…' (પૃષ્ઠ.૩૦) અહીં સુરેશના વર્તનમાં થયેલ પરિવર્તન વાર્તાની ચોટ છે. પી.જી.સાહેબની દલિત હોવાની જણ થતાં સામાન્ય પટાવાળો પણ અનપેક્ષિત વર્તન કરવા લાગે છે. જે અનેક અર્થવર્તુળોનું સર્જન કરે છે.

'કાયાન્તરણ’ વાર્તામાં ગામડામાં ઊછરેલો અને ગુજરાતી પિતાનો અમેરિકામાં વસતો પુત્ર ડૉક્ટર સૅમ પટેલ લૅબમાં કેમિકલમાંથી પતંગિયાં બનાવે છે તે વિષયવસ્તુ કેન્દ્રમાં છે. લૅબમાં કેમિકલમાંથી પતંગિયાં બનાવવામાં સફળ થયેલા ડૉ. સેમ સફળતાના આનંદમાં ઘરે જાય છે… ત્યાં તે ભૂતકાળમાં વતનમાં પહોંચી જાય છે. તે વખતે પિતાજીનું દલિતો પ્રત્યેનું અયોગ્ય વલણ એ સમયે ગમતું નહોતું… હાલ કઠે છે. તે દરમ્યાન તેના મદદનીશ સ્મિથની ભૂલથી પતંગિયાં કાચની બહાર નીકળવા પ્રયાસ કરી રહ્યાની ખબર મળે છે, એ દોડે છે. કાચ તોડી પતંગિયાં લૅબમાં ઉડવા લાગ્યા છે. સૅમ પોતાનો આઠ વર્ષનો પરિશ્રમ નિષ્ફળ નીવડતાં, દલિતો સામેની હાર ન જીરવી શકતા એના બાપુજીની જેમ જ હવાતિયાં મારવા લાગે છે! અહીં જાણે-અજાણે એના જિ ન્સમાં રહેલી, એના પિતાની વૃત્તિઓ એનામાં પરિવર્તિત થાય છે. સૅમ પટેલનું આ કાયાન્તરણ અચાનક કે થતું નથી, પણ એના ભીતરની જ વૃત્તિઓ છુપાયેલી છે તે લેખક પોતાની ટૅકનિક દ્વારા સ્પષ્ટ કરી આપે છે.

'શિકાર' વાર્તામાં લેખકે પશુ પંખીઓના પ્રતીક દ્વારા સવર્ણ – દલિતો વચ્ચેનો તફાવત માર્મિક રીતે રજૂ કર્યો છે. આ વાર્તામાં બે સમાજનાં ચરિત્રો સીધાં રજૂ કરીને સમાજનું વાસ્તવિક ચિત્રણ રજૂ કરવામાં વાર્તાકાર સફળ નીવડ્યા છે. ‘શ્વાન વસાહત’ના યુવાન શ્વાનો સદીઓ ચાલી આવતી જૂની પરંપરાને તોડે છે. અને શિકાર પર પોતાનો અધિકાર નીડરતાથી કરી લે છે. સમાજની વર્ણવ્યવસ્થા પર કટાક્ષ કરતી આ વાર્તા છે.

'ફરક તો પડે છે!' વાર્તામાં નાયક જીવણલાલની કથા છે. ભાડાનું ઘર છોડી, સવર્ણોની સોસાયટીમાં મકાન ખરીદી પોતાના ઘરમાં રહેવા આવ્યા છે. એમના આગમનથી સવર્ણો એક પછી એક સોસાયટી છોડી જાય છે. સમયાન્તરે, આજુબાજુ મુસલમાનની વધતી જતી વસ્તીને કારણે પોતાને પણ એ ઘર છોડવાનો વખત આવે છે. અંત સુધી મક્કમ રહેલા જીવણલાલના મનમાં પડેલા અસમાનતાના વિચારો બહાર આવે છે. આ વાર્તામાં, કાળા કોશીના પ્રતીકના માધ્યમથી અસ્પૃશ્યતા અને ધાર્મિક ભેદભાવ અલગ રીતે વ્યક્ત થયાં છે.

'અસ્વીકાર' વાર્તામાં જે સમસ્યા રજૂ કરવામાં આવી છે તે નૂતન અર્થસંકેતો રચે છે. બગીચામાં રોજ કસરત અને યોગ કરવા આવતા ચંદુલાલનું કહેવાતું સવર્ણ માનસ મદદ કરનાર મંગળ સામે કેવો આક્રોશ દાખવે છે તે દ્રશ્યોમાં સમાજની કરુણતાનું ચિત્ર રજૂ થયું છે. ચંદુલાલને હાર્ટઍટેક આવતા મંગળ એમને કચરો ભરવાની લારીમાં નાખીને દવાખાને પહોંચાડે છે અને તેઓ બચી જાય છે. ચંદુલાલ ભાનમાં આવે ત્યાં સુધી એમને મળવા મંગળ બહાર બેઠો છે. ચંદુલાલને શાંતાફૂઈનું ભીખલા સાથે અને ચંદુલાલની પુત્રી સ્મિતાનું વાલ્મિકી છોકરા સાથે ભાગી જવું, મંગળનું નાયકને બચાવવું - આ ત્રણ ઘટના ચંદુલાલને મંગળ તરફ ધૃણાથી મારી નાખવાના તરંગી વિચારોની મથામણ કરે છે. આ વાર્તા વિશે મોહન પરમાર જણાવે છે કે, 'વાર્તા એના રૂપરંગ અને કથાગૂંથણી કારણે, ઉત્તમ બની આવી છે. 'વાહ' કહેવાનું મન થાય તેવી એની અભિવ્યક્તિ છે'. ('પરબ 'સપ્ટેમ્બર, ૨૦૧૬)

'છેહ' વાર્તામાં ગ્રામીણ સમાજની અસ્પૃશ્યતા તથા સંકુચિત માનસિકતા પ્રગટ થઈ છે. ‘માઈ’ના દર્શને દલિતોને લઈ જવાની પ્રક્રિયા છે. અને તે માટે દલિતોને નિમંત્રણ અપાય છે. આ નિમંત્રણનો સ્વીકાર કરીને માત્ર એક ડોશી ટ્રેક્ટરમાં આવે છે. ત્યારે ધર્મનું પ્રતિનિધિત્વ કરતા માઈભક્ત ભાઈની નિમ્ન માનસિકતા આ મુજબ વ્યક્ત થઈ છે: ‘ માઈ' તો મારા પર બરાબરના ખિજાઈ ગ્યાં 'તાં, ભાભી ! કે' ગામમાંથી તમે વીસ–પચીસ જણનેય ન લાવી શકયાં? આ તો પાંચ-દસ રૂપિયાનાં ઘરાક! જરાક ફોસલાવો એટલે પાણી-પાણી !’(પૃષ્ઠ.૧૭૧) જે દર્શાવે છે કે આજે પણ દલિતો પ્રત્યેની માનસિકતા ગુલામી કરતાં જરાય ઉતરતી નથી. ' માઈ ' ના દર્શન કરીને આવ્યા પછી ગામ લોકોની પ્રતિક્રિયા પણ આંખમાં કણાની જેમ ખૂંચે છે. ‘હાળી ઉતાર! સીધી ઉપર હેડી આવઅં સં તે લગીરેય શરમ આવ સઅ કઅ નૈ?' ડોશી કશુંય સમજે-કરે એ પહેલાં તો એમને પાછળથી એક જોરદાર ધક્કો વાગ્યો'. (પૃષ્ઠ.૧૭૦) જેમાં વર્ષોથી ચાલી આવતી આભડછેટનો અનુભવ આ વાર્તામાં થાય છે. વાર્તાન્તે, ડોશીની પ્રતિક્રિયા એ આ વાર્તાની ખૂબ મહત્વની ક્ષણ છે.

આમ, વાર્તાકાર દશરથ પરમાર ‘દલિત ચેતના'ને વાર્તાકળાની સૂઝથી ઉજાગર કરતા ગણનાપાત્ર વાર્તાકાર છે. બન્ને વાર્તાસંગ્રહોની વાર્તાઓ જોતાં સાત જેટલી ‘દલિતચેતના’ના વિષયને ધ્યાનમાં રાખીને રચાયેલ વાર્તાઓ છે. જે વાર્તાકારના સતત વાર્તાખેડાણનું પરિણામ છે. 'દલિતચેતના' કેન્દ્રી વાર્તાઓને ઝીણવટપૂર્વક તપાસતાં દશરથ પરમારની એક પણ વાર્તા વાર્તાકલાથી સહેજ પણ છેટી ગઈ નથી. સૂક્ષ્મ નિરીક્ષણદ્રષ્ટિને લીધે કેટલીક વાર્તાઓ પરંપરાગત ઢાંચાથી જુદી પડે છે. દલિત પરિવેશ, ઘટના, રોષ, વિભાવનાને સમાધાનપૂર્વક રજૂ કરે છે. લોકબોલીની લઢણ સાથે રૂઢિપ્રયોગો, કહેવતો અને તળપદા શબ્દોનો વિનિયોગ ક્યાંય કઠતો નથી. 'કાયાન્તરણ' વાર્તામાં પ્રયોજેલ ટેકનિક અથવા નવું વિષયવસ્તુ વાર્તાકારની વાર્તાકળાની સૂઝ દર્શાવે છે. 'ગીધાનુભૂતિ' અને ‘ફરક તો પડે છે’માં પ્રતીકનો ઉપયોગ શરૂઆતથી અંત સુધી રચનારીતિના નિરીક્ષણનું પરિણામ છે. દલિત વિષયવસ્તુ હોવા છતાં ક્યાંય ખુલ્લો વિદ્રોહ, આક્રોશ નહિ પણ કલાત્મક સૂઝથી ટેકનિક અને ચમત્કૃતિભર્યા અંતથી સમસ્યા, શોષણ અને સાંપ્રત પરિસ્થિતિને વાસ્તવિકતાના ધોરણે રજૂ કરવામાં વાર્તાકાર સફળ નીવડ્યા છે. અને ‘કાયાંતરણ', ‘ગીધાનુભૂતિ’ અને ‘અનપેક્ષિત' જેવી વાર્તાઓમાં એમની સૂક્ષ્મ નિરીક્ષણશક્તિનો આપણને પરિચય કરાવે છે.

સંદર્ભ
  1. ‘પારખું' (વાર્તાસંગ્રહ) લે. દશરથ પરમાર પ્રકા. આર.આર. શેટની કંપની, અમદાવાદ, પ્રથમ આવૃત્તિ, ૨૦૦૧ પૃષ્ઠ.૨૦૨, મૂલ્ય: ૧૦૦/
  2. 'બે ઈ-મેલ અને સરગવો' (વાર્તાસંગ્રહ) લે. દશરથ પરમાર પ્રકા. ડિવાઈન પબ્લિકેશન્સ, અમદાવાદ પ્ર.આ.૨૦૧૩, પૃષ્ઠ.૨૦૨, મૂલ્ય: ૧૩૫/
  3. 'પરબ’ સામયિક, સપ્ટેમ્બર- ૨૦૧૬
  4. 'હયાતી’ સામાયિક, માર્ચ- ૧૯૯૮
  5. ‘દલિત ચેતના' સામાયિક, નવેમ્બર- ૨૦૧૮
  6. 'દલિત ચેતના' સામયિક, સપ્ટેમ્બર-૨૦૨૦
  7. 'શબ્દસૃષ્ટિ' સામયિક, માર્ચ-૨૦૧૪
  8. ‘ગ્રામચેતનાની નવલિકાઓ' (સંપાદન) સંપા. રમેશ ર.દવે અને અન્ય, પ્રકા.ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય, અમદાવાદ પુનઃમુદ્રણ,. ૨૦૦૧
  9. ‘તાદર્થ્ય' સામયિક, ઓક્ટોબર- ૨૦૦૭
  10. 'શબ્દસર' સામયિક, ડિસેમ્બર- ૨૦૦૪
  11. ‘સાહિત્યસેતુ' સામયિક, જાન્યુઆરી- ફેબ્રુઆરી -૨૦૧૮
  12. ‘સાહિત્યસેતુ' સામયિક, મે- જૂન, ૨૦૨૧
પરમાર અરુણકુમાર કનુભાઈ, પીએચ.ડી., રિસર્ચ સ્કોલર, ભાષા સાહિત્ય ભવન, ગુજરાત યુનિવર્સિટી, અમદાવાદ. arunkumarparmar7500@gmail.com