Included in the UGC-CARE list (Group B Sr. No 172)
Special Issue on Dalit Literature
માનવીય લાગણીઓનું સાદૃશ્ય કથાનક - મશારી
માનવીય સંવેદનાને વાચા આપવાનું કામ સાહિત્ય કરે છે. ભાવક ‘સમસંવેદન’ અનુભવે ત્યારે એ કૃતિ ખરા અર્થમાં સાર્થક થઈ એમ કહેવાય. જે તે સમય અને યુગના પડઘા-પ્રતિબિંબ સાહિત્યક્ષેત્રે ઝિલાયા અને એટલે જ આપણે સાહિત્યને યુગ વિભાજનની દૃષ્ટિએ મૂલવીએ છીએ ત્યારે એ સમયનો યુગ, સમાજ અને માનવીય મુલ્યો ઝિલાયેલા જોવા મળે છે. આગળ જતાં આ યુગમાં વાદ પ્રવર્તતો જોવા મળ્યો અને સાથે સાથે દલિત અને શોષિત લોકોની સમાજમાં જે પરિસ્થિતિ હતી એને ઉજાગર કરવાનું કામ દલિત સર્જકો અને અન્ય સાહિત્યકારોએ કર્યું છે.

ગાંધીયુગમાં ગાંધીજીએ દલિતોના પુનરુત્થાન માટે જે કાર્ય કર્યું એ પછી લોકોની સ્થિતિમાં પણ સુધારો થયો છે. લોકો એકબીજાને સમદૃષ્ટિથી જોવા લાગ્યા છે. જોસેફ મેકવાન, દલપત ચૌહાણ, હરીશ મંગલમ, નીરવ પટેલ વગેરે દલિત સર્જકોએ કહેવાતા શોષિત સમજીને વાચા આપી છે અને પરિણામે આપણને એમના પાસેથી જે સાહિત્ય મળ્યું એને આપણે ‘દલિત સાહિત્ય’ એવી સંજ્ઞા આપી. સાથે સાથે બિનદલિત સર્જકોના સાહિત્યમાં પણ દલિત ચેતના પ્રગટ થતી જોવા મળે છે. જેવા કે - દિલીપ રાણપુરા, જયંત ગાડિત, રઘુવીર ચૌધરી, મણિલાલ હ. પટેલ, ચિનુ મોદી કિશોરસિંહ સોલંકી વગેરે.

કિશોરસિંહ સોલંકી પાસેથી આપણને કાવ્યસંગ્રહ, નવલકથા, નિબંધસંગ્રહ, પ્રવાસ, ટૂંકીવાર્તા, સંપાદન ઉપરાંત અન્ય સાહિત્ય સ્વરૂપ પ્રાપ્ત થાય છે. તેમની નવલકથા ‘મશારી’માં ચમાર જ્ઞાતિના ભગતને અન્યની ખેતી કરતા અને પોતાની બે વીઘા જમીન હોય એવી ઈચ્છા સેવતા ભગતનું પાત્ર કેન્દ્રમાં છે.

કિશોરસિંહ સોલંકીએ બે વર્ગ વચ્ચેની માનસિકતાને અહીં ‘મશારી’ નવલકથા રૂપે પ્રગટ કરી છે. બાળપણમાં જોયેલી ઘટના સર્જકચિતમાં જે છાપ છોડી જાય છે એ વિશેનું આલેખન કરતા લેખક પ્રસ્તાવનામાં નોંધે છે તેમ,
“બાળપણની એક ઘટનાને અહી વાચા મળી છે. નાનો હતો ત્યારે ભેસો ચરાવા જતો. મારા વ્હોળાવાળા ખેતરમાં સામેના ગામના ઢોર ચરવા આવતાં. ‘ભગત’ના નામે ઓળખાતા એક હરિજન કાકા ભેસો ચરાવવા આવતા. એ જેને ત્યાં મશારીએ રહ્યા હતા એની જાહોજલાલી હતી પણ સમય એ બધું જ ગળી ગયો. એના સાક્ષી આ ભગત જ ! ”
એક બપોરે આંબાના છાંયડે બેઠા હતા ત્યારે ભગતે કહેલું કે, ‘મારે પણ બે વીઘા જમીન હોત તો!’ બોલતા નખાયેલ નિસાસાથી એ દૂર સુધી તાકી રહેલા ! એ ઘટના પાછળ જે આકાર પામી નવલકથા તે મશારી.""
જયંત ગાડીત આ નવલકથા વિશે નોંધે છે,
“માણસની માણસને પરખવાની શકિત કાચી હોય તો એનું કેવું ખરાબ પરિણામ આવે તેને સંપન્ન સ્થિતિવાળા વીરોમુખી, નાથુ અને ભગત એ બે મશારીઓમાંથી ખરાબ સ્વભાવના નાથુ પર વિશ્વાસ મૂકી કેવા પાયમાલ થાય છે એને કથા દ્વારા બતાવ્યું છે.”
નવલકથાની શરૂઆત મુખીની જાહોજલાલીથી થાય છે ‘વીરામુખીને ત્યાં સો વીઘા જમીન, ખેતરમાં પણ ઘર, બે બળદની જોડી, હાથી જેવી પંદર વીસ ભેંસો, પાતળિયો કૂવો ને ચાર ચાર મશારી.’ વીરોમુખી નાતમાં વગદાર માણસ. ગામમાં કોઈ મુખીનો બોલુ ઉથાપી ન શકે તેવી આમન્યા વીરા મુખીનું ઘર ગામમાં પુછાતું થયેલું. મશારી એટલે ખેતીના કામમાં નિશ્ચિત ભાગે-પગારે (આ ભાગ રૂપિયામાં હોય કે જેને ઉધડ કે માશારો કહે છે.) કામ કરતો જણ. જેને હાળી, ખેડુ કે ભાગિયો કહે છે. જાતે ચમાર એવા ગોદડ ભગત નામનો માણસ વીરામુખીની ખેતીવાડીએ મશારી તરીકે રહેવા આવે છે ત્યારે બોલે છે કે -
'મા-બાપ… જાતનો ચમાર સું. નામ છે ગોદડ પણ બધા ભગત કે'સે. ગામ સે લીલાપર. વખાનો માર્યો નેકળ્યો સું.
ભગતના બે સપનાં છે. પોતાની બે વીઘા જમીન હોવી અને દીકરા રામલાને ભણાવીને માસ્તર બનાવવો. મૂળે ચમાર જ્ઞાતિના ભગત એક વખત મરેલા ઢોરનું ચામડું ઉતરડવાનું કામ જોતાં કંપી ઉઠ્યા. આ જોઈ હદય દ્રવી ઉઠ્યું અને આજ પછી પરંપરાપ્રાપ્ત ધંધો નહીં કરવાનો નિયમ લઈ હીરાપુર નીકળી ગયા. ગામના મુખીએ તેને મશારી તરીકે કામ આપ્યું. એક વખત જયારે ભગત પાણી વાળતાં હોય છે ત્યારે મુખીની દીકરી આવે છે ભગત સાથે જ કામ કરતા નાથુને અને મુખીની દીકરીને ભગત જુવારના ખેતરમાં રંગરેલીયા કરતાં જોઈ જાય છે. આ વાતનું ભગતને લાગી આવે છે. જીવી નાથુ અને નરસંગ પોતાના અંગત સ્વાર્થ ખાતર ભગત પર આરોપ મુકે છે. જે સ્વમાની ભગત માટે અસહ્ય છે. આ તરફ મુખીની દીકરી નાથુને આર્થિક મદદ કરે છે નાથુ પણ દારૂ ગાળે છે, દારુ પીવે છે અને રાયડાની ચોરીનો આરોપ ભગત પર મુકે છે. અવૈધ સંબંધનાં સંતાન નાથુની વાતો સાંભળી મુખી એ વાતોને સાચી માની બેસે છે. અને મુખી ભગતને ધમકાવીને કાઢી મુકે છે પણ ભગત તો એમ વિચારે છે કે મને આશરો અને રોજી આપનાર મુખીને મુકીને હું શી રીતે બીજે જઈ શકું? અહીં આપણને ‘આદર્શ હિંદુ હોટલ’નો નાયક હાજારી યાદ આવે એ પણ પોતાના શેઠનું દબાણ સહન કરી લે છે પણ એના પ્રત્યે ક્યારેય ખોટું આચરણ કરતો નથી.

ભગતની પ્રમાણિકતા અને ઈમાનદારી જોઇને દલો પટેલ ભગતને જોઈએ તેટલી મશારી આપવા તૈયાર થાય છે. પણ ભગત તો તેને કહે છે, “આટલા વરસથી અહીં છું, મુખીનું અન્ન ખાઉં છું અને એમની છાતી ઉપર સામે જઈને રહું, એ માટે મારું દિલ ના પાડે છે.” પણ મુખીએ કાઢી નાખ્યો પછી તે દલા પટેલને ત્યાં જઈ કામ કરે છે. જોતજોતામાં દલો પટેલ ભગતને જમીન પણ અપાવે છે. બીજી તરફ મુખી અફીણના ધંધામાં પકડાય છે, તેની જમીનની હરાજી થાય છે. ત્યારે માનસિક રીતે ભાંગી ગયેલા મુખીને ભગત સાથ આપે છે. ભગત પોતાની ઈમાનદારી અને સંબધો પ્રત્યેની નિષ્ઠામાં પોતાની ફરજ બજાવે છે. પરિણામે મુખીને પણ પસ્તાવો થાય છે. અને ભગત ધીમે ધીમે પોતે સેવેલા સ્વપ્નોમાં પ્રગતિ કરે છે અંતે એ વાતને લેખકે આ રીતે તેનું વર્ણન કર્યું છે’
“અષાઢી બીજના દિવસે દલા પટેલના બળદ લઈ જઈને ભગતે રમાપીરનું શ્રીફળ વધેરી પોતાની જમીનમાં શ્રી ગણેશ કર્યા ત્યારે રામલો અને એની મા શેઢા ઉપર ઉભા ઉભા આનંદતા હતા.”
આ જાનપદી નવલકથાની પાત્રસૃષ્ટિ પણ જીવંત અને વાસ્તવિક બનીને આવી છે. મશારી એવા ગોદડ ભગત આ નવલકથાનું કેન્દ્રસ્થ પાત્ર છે. ભગત ઉપરાંત વીરામુખી, નાથુ, જીવી, નરસંગ, ભીખો, દલા પટેલ વગેરે ગૌણ પાત્રો છે. ભગતને ગરીબી અને જાતવાદને લીધે અનેક યાતના વેઠવી પડે છે પરંતુ એ પોતાની મુલ્યનિષ્ઠા ગુમાવતા નથી. ‘માણસનાં કર્મ જ એના પતનને નોતરે છે. એ લોક તારણનો સંકેત આપતું વીરામુખીનું પાત્ર નવલકથામાં ગૌણ છતાં વિશિષ્ટ પાત્ર છે શરૂઆતમાં પ્રભાવશાળી અને ખાનદાની માણસની સ્થિતિ અંતે કેવી દયનીય બની જાય છે એ આ પરથી જોઈ શકાય છે.

નાથુ વિરામુખીના જીવતરને બગાડનાર મુખ્ય વ્યકિત છે. જીવી વિરામુખીનું એકમાત્ર સંતાન છે. આ નવલકથામાં સ્ત્રીપાત્રો ખુબ ઓછા છે ક્યાંક રામલાની અને નાથુની માનો અછડતો ઉલ્લેખ જોવા મળે છે. પણ સક્રિય પાત્ર જીવીનું છે એ જ નાથુને હાથે પોતાનું ઘર લૂંટાવે છે, તેની સાથે ભાગી જાય છે. પોતાના નાથુ સાથેના સંબંધની જાણ સમાજમાં થઈ જતાં એ આપઘાતનો પ્રયાસ પણ કરે છે અને પોતાના બે માસના ગર્ભને પણ રાખે છે ઉપરાંત ઘર, ખેતીવાડી અને કુળની આબરુને લૂંટાવતી જીવી ખરા અર્થમાં ‘કપાતર’ બની રહે છે.

અહીં, વાત કહેવાતા જનપદની છે પ્રેમ, ઈર્ષા, દ્વેષ અને કથાનક ‘ગીધ’ નવલકથાને મળતું આવે છે. જે અત્યાચાર મજુર વર્ગ પર થાય છે એમાં માણસનો વાંક નહિ પણ સ્વભાવનો વાંક હોય છે. અહીં પણ મુખીએ બીજાની વાતમાં આવી જઈ ઘર અને કુટુંબને પાયમાલ કરી નાખ્યું છે એ જોઈ શકાય છે. અને બીજી તરફ ભગત જેવા વ્યક્તિએ પોતાના જીવન ધર્મ અને મૂલ્યબોધને અળગી રહીને જીવનને ઉન્નત શિખરે પહોચાડ્યું છે. જમીન મળી જતાં એ છકી જતો નથી પણ વ્યવહારુ થઈ ખરે સમયે મુખીને સાથ આપે છે.

‘મશારી’ નવલકથામાં કૃષિ પરિવેશ બરાબર ઉપસી આવ્યો છે. ગ્રામ્ય સમાજની જીવનરેખા અહી લેખકે આંકી છે. લેખકનો આશય સમાજકથા નહિ પણ વ્યકિતકથા દર્શાવવાનો ઉદેશ હશે. તેથી જ પ્રમોદકુમાર પટેલ કહે છે,
“વર્તમાન જીવનની વિષમતા કે સામાજિક, આર્થિક પરિબળોની દુ:સહ્ય ભીસ કે સંકુલ સમાજરચનાની કુટિલ પરિસ્થિતિ જેવું ખાસ ઉપસતું નથી. જમીનદારી વ્યવસ્થામાં રોપાયેલા અન્યાય, જુલમ અને શોષણ વિશે લેખકને કઈ વિશેષરૂપે ઉછીષ્ટ જણાતું નથી.”
આ નવલકથા આપણામાં રહેલા માનવીય મૂલ્યોને જીવંત કરી જાય છે ઉપરાંત સમાજમાં રહેલી માનસિકતા અને સહધર્મની ભાવનાને કેળવવાની ચાવી પણ આપે છે. તેથી જ અહીં લેખકે સામાન્ય એવા ખેતમજૂરને નાયક તરીકે દર્શાવ્યો છે અને સમયના વહેણોને સ્થિરતા નથી હોતી એ વાત આપણને મુખીના પાત્ર દ્વારા નવલકથામાં સમજાવી છે.

સંદર્ભ
  1. ‘મશારી’, લે. કિશોરસિંહ સોલંકી, પ્રથમ આવૃત્તિ ૧૯૮૬, પાર્શ્વ પ્રકાશન, અમદાવાદ.
  2. ‘કથાવિચાર’, લે.પ્રમોદકુમાર પટેલ
ભીખાભાઈ વી.દેસાઈ, ગૂજરાત વિદ્યાપીઠ, અમદાવાદ. મો ૯૬૮૭૫૪૪૯૫૦, ઈ-મેઈલ : jivrajdesai1710@gmail.com