Included in the UGC-CARE list (Group B Sr. No 172)
Special Issue on Dalit Literature
વાસ - એક દલિત લઘુનવલકથા
હાંસિયામાં રહેલું દલિત સાહિત્ય કવિતા, વાર્તા, રેખાચિત્ર, આત્મકથા, નવલકથા તેમજ લઘુનવલકથા જેવા સાહિત્ય સ્વરૂપમાં જ્યારે દલિત સાહિત્ય પોતાના આગવા વિચારો સાથે વિકાસ પામી રહ્યું છે. એકવીસમી સદીના નવલકથાકારોમાં મોહન પરમાર, હરિશ મંગલમ્, દલપત ચૌહાણ તેમજ લઘુનવલકથામાં ડૉ. વિનોદ ગાંધીને આગવી હરોળમાં સ્થાન આપી શકાય. દલિત સાહિત્યમાં દલિતોની વિવિધ સમસ્યાઓ જેમ કે- અસ્પૃશ્યતા, રાજકીય શોષણ, સ્ત્રી-પુરુષ સંબંધી, આર્થિક શોષણ, જાતીય શોષણ જેવી સમસ્યાઓનું કથાવસ્તુ દલિત સાહિત્યકારો અને બિન દલિતસાહિત્યકારોના સાહિત્યસર્જનમાં જોવા મળે છે.

‘વાસ’ લઘુનવલકથા ડૉ.વિનોદ ગાંધીના સાહિત્ય સર્જનમાં તેમની પ્રથમ દલિત લઘુનવલકથા છે. જેમાં સર્જકે બે રીતે કથા ચાલતી હોય તેવું રહસ્યમય વર્ણન કર્યું છે. એક રીતે જોઈએ તો લેખકે ધનજી અને તન્વીનો મેળાપ કરાવ્યો છે. ધનજી દલિત અને ગરીબાઈ લઈને જન્મેલું પાત્ર છે, જ્યારે તન્વી કહેવાતા ઉજળિયાત વર્ગની અને તવગંર કન્યા છે. લેખકનું આ બંને પાત્રોનું મિલન કરાવવું એ નવીન વાત નથી, કેમ કે પ્રેમ એ સહજ વસ્તુ છે, જેને કોઈ નાતજાતના વાડા હોતા નથી. લેખકને પણ અહિં એ જ દર્શાવવું છે. આ જ રીતે સદીઓથી પ્રેમ થતો આવ્યો છે, જેનું આગળ શું થાય એ આપણે જોઈશું.

તન્વી હિંચકે બેઠી છે. સામે ધનજી પોતાની મા કાશી એ ધોયેલા કપડાને નીચોવી રહ્યો છે. આ ક્રિયા દરમિયાન ધનજીનો માંશલ દેહ તન્વી હિંચકે બેઠી બેઠી નિહાળે છે, જાણે એના હાથમાં રહેલું આથેલું આમળું, આમળું મટી એ ર્દશ્યને મમળાવતી હોય એવું લાગે છે. અહિં એમની મળેલી પહેલી નજર પ્રેમમાં પરિણમશે એ કોને ખબર હતી? જ્યારે એ કપડા નીચોવી રહે છે, ત્યારે બંને વચ્ચે એક સંવાદ રચાય છે, એમાં જતી વેળાએ તન્વી કહે છે કે મને તો કૃષ્ણ ગમે. બહાર જતો જતો ધનજી મનમાં મને તો રાધા. અહિં બંનેના પ્રેમની કૂંપળ ફૂટે છે.

બીજી રીતે ચાલતી કથાવસ્તુ ‘વાસ’ લઘુનવલનું શીર્ષક ઉઘાડ પામે છે. દલિતો જ્યાં વસવાટ કરે છે એ જગ્યાને વાસ તરીકે ઓળખાય છે. અહિં લેખકે વાસનું આબેહુબ વર્ણન કર્યું છે. ધનજીના પિતા ગોવિંદ દલિત જાગૃત નાગરિક છે, આંબેડકરની વિચારધારાને લઈને ચાલનારા છે. પોતાના ગામ શેરપુરામાં ગામની પડતર જમીનમાં ગામના બિનદલિતો રાધાકૃષ્ણનું નવું મંદિર બનાવવાનો વિચાર કરે છે. પડતર જમીનની બાજુમાં દલિત પશવાનું તેમજ ભાઈલાલ પટેલનું ખેતર છે. અહિં સવર્ણો દ્વારા પશવાનું ખેતર મંદિરની જગ્યા માટે પડાવી લેવાની ભાવના સર્જકે વ્યક્ત કરી છે. જાગૃત ગોવિંદ કહે છે કે- “પશવાની જોડે ભાઈલાલ પટેલનું થોડું કિનારે છે – ખેતર. એમાં એ બટાકા કરે છે. તે એ લો ને !” ગામના સરપંચ અને અન્ય સવર્ણોનો હેતુ ગરીબ પશવાનું ખેતર છીનવી લેવાનો છે કિન્તુ આવા સંવાદોથી ભાવકના મનમાં સીધી અસર થાય છે કે અહિં પશવો દલિત છે, જ્યારે ભાઈલાલ પટેલ સવર્ણ. માટે પશવાની જમીન ઓછા પૈસા આપી ધર્માદાને નામે જમીન પડાવી લેવા ઇચ્છે છે. સર્જકે કૃતિમાં દલિતોની આર્થિક પરિસ્થિતિ અતિશય નબળી બતાવી છે. દલિતોને ખુલ્લામાં હાજતે જવું પડે છે. તેનું પણ દયનીય વર્ણન કર્યું છે. જેમાં અંધારામાં ખુલ્લી જગ્યાએ હાજતે જતી મૂળી ડોસી રેલ્વેના પાટામાં આવી જતા કપાય જાય છે. સંજોગ કે જે દિવસે કલેક્ટર પડતર જમીન જોવા આવવાના હતા એ જ દિવસે મૂળી ડોસીનું બારમું હતું. દલિત સમાજને સવર્ણો દ્વારા મસાણ પણ અલગ બનાવવા દબાણ કરે છે. દબાયેલા, શોષાયેલા અને પીડિત આ સમાજને આવી વિવિધ સમસ્યાઓનો સંઘર્ષ કરવો પડે છે. સવર્ણો અને દલિત વચ્ચે સર્જકે આ કૃતિમાં સંઘર્ષ ઉભો કર્યો છે, જે સવર્ણો દ્વારા રાધાકૃષ્ણની મંદિરની અરજી કરવામાં આવે છે, તો સામે દલિતો દ્વારા ‘સમાજઘર’ની માંગણી કરતી અરજી કરવામાં આવે છે. જે પડતર જમીન છે જ્યાં અસલમાં જરૂરિયાત મંદિર કરતાં ‘સમાજઘર’ની છે.

આ બાજુ ધનજી અને તન્વી હવે ફરી ક્યારે મળશે એવી ઝંખના કરતા હોય છે. અને એવો સંયોગ પણ રચાય છે. ધનજીની મા કાશીને બીજીવાર તાવનો ઊથલો મારે છે. ત્યારે તન્વી પણ બીમાર પટે છે. જેથી ધનજી એની મા ને, તન્વીને એની મા દવાખાને લઈ જાય છે. જોગાનુજોગ બંને એક જ બસમાં ભેગા થઈ જાય છે. બંનેના દવાખાના અલગ અલગ હોય છે. પણ લેબોરેટરી એક જ હોવાથી તન્વી અને ધનજીને મળવાનો યોગ સધાય છે. ત્યારે બંને વચ્ચે વાર્તાલાપ થાય છે. એ દરમિયાન તન્વી ચોરી છુપીથી ધનજીને મોબાઈલ આપી દેય છે. ફોન આપતી વેળાએ બંનેને થતો હાથનો પહેલો સ્પર્શ એક નવી તાજગી ભરી દે છે. એકવાર અચાનક વહેલી સવારે ધનજીના મોબાઈલમાં રીંગ વાગે છે, તન્વી કહે છે મારી શાળા ખૂલી ગઈ છે. તો પછી મળીશું અને પોતોનો નંબર સેવ કરી લેવાનું જણાવે છે તેથી ફોનમાં આપણી વાત થશે. આગળ જતા વાસના લોકોને મોબાઈલની જાણ થઈ જાય છે અને ચોંકી જાય છે વાસના લોકો કહે છે કે આવું રમકડું ક્યાંથી આવ્યું ધનજી પાસે? લેખક અહિં આ લોકોની દરિદ્રતા બતાવે છે.

સવર્ણો દ્વારા દલિત સમાજનો બહિષ્કાર કરવામાં આવે છે. જેના લીધે બંને મળી શકતા નથી. તન્વીની માતાને પણ તે ધનજી સાથે મળે વાતો કરે તે ગમતું હોતું નથી. પછી તો એવો ઘાટ ઘડાય છે કે સમયને જતા ક્યા વાર લાગે છે? થોડા વર્ષો પછી ધનજી ખાદીના લેઘાં ઝભ્ભામાં સજ્જ થઈને આવે છે. પહેલાથી પણ સુઘડ દેખાય છે. આ ધનજી પેલા જેવા ધનજી રહ્યો નથી પણ રાજનીતિમાં તેમજ સમાજસેવામાં આગળ વધેલો એક યુવાન છે. તન્વીને પણ એની ખબર પટે છે કે એ આવ્યો છે. પણ બંને જ્યારે મળે છે ત્યારે હવે સંવાદ જુદો છે. ધનજી હવે સમજી ગયો છે કે આ સમાજના લોકો તન્વી અને પોતાને ક્યારેય એક થવા નહિ દે. તો પોતાના હ્રદય ઉપર પથ્થર મૂકીને બંને જૂદુ થવું જ સારું. અહિં સુક્ષ્મ તરંગોથી જોડાયેલા બે હૈયા છુટા પડે છે. એક બન્યો બનાવ્યો માળો વિખરાઈ જાય છે. લેખકે દર્શાવ્યું છે કે જેવું આગળ થતું હતું એમાં અને અત્યારની પરિસ્થિતિમાં ઝાઝો કોઈ ફરક નથી. આંતરજ્ઞાતિય લગ્નો પહેલા પણ બધાને ખૂંચતા હતા, અને આજે પણ એટલા નહિ પણ એનાથી ઓછાં તો ખૂંચે છે ખરાં.

‘સમાજઘર’ બનાવા માટે દલિતોએ જે અરજી કરી છે તે સવર્ણોને ખૂંચે છે. જોરૂભા દ્વારા સમાચારપત્રમાં ખોટી જાહેર ખબર આપવામાં આવે છે કે શેરપુરા ગામમાં મંદિર બનાવા માટે દલિતોએ વિરોધ કર્યો. આખા પંથકમાં આ ખોટી જાહેર ખબર ફેલાઈ છે. પરંતુ ખરેખર એવું હોતું નથી. દલિતોના અવાજને દબાવવા માટે એક ષડયંત્ર રચવામાં આવે છે. અહિં જોરૂભા આખા ગામનું એક માથાભારે પાત્ર છે. પશવાને ધાક ધમકી આપી તેની પર વાર પણ કરે છે. જોરૂભા દ્વારા ફેલાયેલી ખોટી અફવાથી સવર્ણો અને દલિતો વચ્ચે મતભેદ અને મનભેદ પેદા થાય છે, જેથી સવર્ણો ગામમાંથી દલિતોનો બહિષ્કાર કરે છે. લેખકે જોરૂભા દ્વારા પશવાની વહુ વાલીનું જાતીય શોષણ પણ નિરૂપ્યું છે. જેમાં એ સફળ થતો નથી પણ અહિં કહેવાતા ઊંચા વર્ગ દ્વારા પીડિતોનું શોષણ દર્શાવ્યું છે.

દલિતોનો ગામમાંથી થયેલો બહિષ્કાર બંધ થયો એ ઘટના જોરૂભાને ખૂંચી. તેથી જોરૂભાએ વાણિયાની દુકાને માથકુટ કરી માટે ગામના વાણિયાઓએ જોરૂભાના વિરોધમાં તમામ દુકાનો બંધ કરી. તેના કારણે સવર્ણોની એકતા તુટી ગઈ. તેનો સીધો લાભ દલિતોને થાય છે. સવર્ણોના અંદરોઅંદરના પ્રશ્નોથી તેમનામાં વાદ વિખવાદ થાય છે. સવર્ણોનું મંદિર માટેનું બનાવેલ ટ્રસ્ટ પણ વિખેરાઈ જાય છે. જોરૂભા ભરપુર દારૂના નશામાં તેના જ સમાજના મહિપતસિંહ સાથે ઝગડો કરી તેની લોહી લૂહાણ કરે છે. જોરૂભાને પોલીસ જેલમા પૂરે છે. તેથી ગ્રામજનો સૌ રાજી થાય છે. “ભેંસના શીંગડા ભેંસને ભારી” જોરૂભા એના પાપે જેલમાં જાય છે. તેથી વાસમાં પણ એક જાતની શાંતી થાય છે.

મનુમોટા એ દલિત સમાજનો એક સામાજિક કાર્યકર છે. રાજનીતિનો થોડો જાણકાર છે તેથી દલિત સમાજના સૌ લોકો મનુમોટાને ચૂંટણીમાં ઊભો રહેવા માટે જણાવે છે તેથી દલિતોનો ઉદ્ધાર થાય. મનુમોટાના વિચારો પણ કેવા – “ચૂંટણી લડવી એ આપણા લોકનું કામ નથી. લોઢાના ચણા ચાવવા જેવું છે. રાજકારણમાં સારો માણસ પણ ભૂંડો થઈ જાય.” એવી ઉત્તમ વિચારધારાવાળો માણસ ચૂંટણીમાં વિજેતા બને છે. સવર્ણોની એકતા તૂટવાનો સીધો લાભ દલિતોને થશે. એવી મનુમોટા દ્વારા સમાજને પ્રેરણા મળે છે. તેમની સલાહથી ‘સમાજઘર’ બનાવા માટે દલિતો ફરીથી અરજી કરે અને તેઓ વિધાનસભાના સભ્ય તરીકેની ભલામણથી પડતર જમીનનો ટુકડો દલિતોને મળશે અને ત્યાં ‘સમાજઘર’ બંધાય છે અહિં ડૉ.બાબાસાહેબનું સૂત્ર સાર્થક નીવડે તેવું જણાય છે. સમાજનો વિકાસ કરવો હોય તો સામાજિક સંગઠન હોવું આવશ્યક છે. અહિં સવર્ણોનું સંગઠન તૂટ્યું તેથી દલિત સમાજની પડતર જમીનમાં ‘સમાજઘર’ બનાવવાની અરજી પાસ થાય છે. આ સફળતા પાછળ ગોવિંદના અથાગ પ્રયત્નો અને તેનું મજબૂત મનોબળ અને આખાય સમાજના લોકોની એકતા યુવાન ધનજીની ટોળકી તેમજ મનુમોટાનો વિશેષ નોંધપાત્ર ફાળો છે. તેથી ‘સમાજઘર’ ટ્રસ્ટના ચેરમેન તરીકે સર્વાનુમતે ગોવિંદની નિમણૂંક કરવામાં આવે છે.

આમ, સંપૂર્ણ કૃતિ બે કથાવસ્તુ લઈને ચાલતી સાર્થક નીવડે છે તેમ કહી શકાય. સામાજિક સંગઠન હોવાથી સમાજમાં અનેક ફાયદાઓ થાય છે. એ પણ સર્જક સાબિત કરે છે. ડૉ.વિનોદ ગાંધી આ લઘુનવલકથાને નવલકથાનું સ્વરૂપ આપી શક્યા હોત, પણ તેમનો આશય જેટલું કહેવું છે તેટલું જ કહેવાનો હશે એમ ઉચિત ગણાશે. કૃતિમાં સર્જકે અમુક બાબત ભાવક ઉપર છોડી છે, જે તેમની કૃતિ વાંચતા આપણને જણાય. વ્યાકરણગત જોઈએ તો કૃતિમાં તળપદા શબ્દો ઓછા વાપરવામાં આવ્યાં છે. જેના કારણે લેખક અને ભાવક વચ્ચે સીધુ પ્રત્યાયન થઈ શકે. રૂઢિપ્રયોગ અને કહેવતોનો પણ સર્જકે જ્યાં જરૂર લાગે ત્યાં ઉપયોગ કર્યો છે. ટુંકમાં આ કૃતિમાં અશ્પૃસ્યતા, દલિતોને માનસિક રીતે દબાવવાની, ગામનાં મંદિરોમાં પ્રવેશ નિષેધ, સ્મશાન અલગ રાખવા, જાતિય શોષણ, આંતરજ્ઞાતિય લગ્ન અને દલિતો સંઘર્ષ કરે તો તેમનો બહિષ્કાર કરવો જેવી બાબતો તરી આવે છે.

સંદર્ભસૂચિઃ-
  1. ‘વાસ’ લઘુનવલકથા, ડૉ.વિનોદ ગાંધી, ગુજરાતી દલિત સાહિત્ય અકાદમી, અમદાવાદ, પ્રથમ આવૃત્તિ ૧ જૂન ૨૦૧૪
કલ્પેશ સોલંકી, પી.એચ.ડી સ્કોલર, ગૂજરાત વિદ્યાપીઠ, ૩૮૦૦૧૪ મો.નં.- ૯૬૨૪૩૧૩૫૮૬ E-mail: solankikalpesh2311@gmail.com