Included in the UGC-CARE list (Group B Sr. No 172)
Special Issue on Dalit Literature
ગ્રંથ સમીક્ષા: ગુજરાતી દલિત સાહિત્યની કેડીએ- દલિત સાહિત્યનો ઈતિહાસ (દલપત ચૌહાણ, ૨૦૦૬)
પ્રસ્તુત લેખમાં ‘ગુજરાતી દલિત સાહિત્યની કેડીએ: દલિત સાહિત્યનો ઇતિહાસ’ પુસ્તકની સમગ્ર ગુજરાતી દલિત સાહિત્યની છણાવટ કરવામાં આવી છે. પુસ્તકનું વાચન કરતાં ખ્યાલ આવે છે કે તેમાં દલિત સાહિત્યનો ઇતિહાસ લેખનનું વર્ણન જ નહિ પરંતુ દલિત સમાજમાં પ્રવર્તતા સભાન સામાજિક પ્રશ્નો વિષે સમજણ આપતું વિવેચન પુસ્તક છે. જ્યારે ગુજરાતી સાહિત્યની વાત કરીએ ત્યારે તેમાં ફક્ત મુખ્યધારાના અનુભવોનું વર્ણન કરવામાં આવતું અને ઉપેક્ષિત સમુદાયની અવગણના કરવામાં આવતી. ગુજરાતી સાહિત્યકારોની માનસિકતા તેમના ગુજરાતી સાહિત્યના લખાણોમાં ભેદભાવવાળી નીતિ જોવા મળે છે. આ ગુજરાતી લલિત સાહિત્ય કરતાં તદ્દન વિભિન્ન અનુ-આધુનિક દલિત સાહિત્યની શરુઆત થાય છે. જેમાં દલિતોના પ્રશ્નોને વાચા આપવાનું કાર્ય કરવામાં આવ્યું. આ સાહિત્યમાં અન્યાય, અત્યાચાર, શોષણનો ભોગ બનેલા સમુદાયની વેદના રજૂ કરવામાં આવી. દલિત સમાજમાં ઉદ્ધારકો તથાગત બુદ્ધ, જ્યોતિરાવ ફૂલે, ડૉ. બી.આર. આંબેડકર જેવા દલિત-બહુજન સમાજના મહાપુરુષોના વિચારો આધારિત સાહિત્યનું ઘડતર થયું.

પ્રસ્તુત પુસ્તકમાં લેખક દ્વારા ગુજરાતમાં શરૂ થયેલા દલિત સાહિત્યના ઇતિહાસ વિશે વિસ્તૃત માહિતી આપવાનો પ્રયત્ન કરેલ છે. દલિત સાહિત્ય એટલે શું? શા માટે દલિત સાહિત્યનો ઉદ્દભવ થયો? કોને દલિત સાહિત્યકાર કહેવાય? કેવા સાહિત્યનો સમાવેશ દલિત સાહિત્યમાં થાય? કેવા સ્વરૂપમાં દલિત સાહિત્ય પ્રગટ થયું છે? કેવા પ્રકારના પ્રશ્નોને વાચા આપે છે? વગેરે પ્રશ્નોની ઊંડાણપૂર્વક છણાવટ દલપત ચૌહાણે પ્રસ્તુત પુસ્તકમાં કરી છે. આ પુસ્તક દ્વારા દલિત સાહિત્યનો ઇતિહાસ ખીલી આપ્યો છે. પુસ્તકમાં કવિતા, દલિત નાટક, દલિત નવલકથા, દલિત વાર્તા, જીવનચરિત્ર, આત્મકથા, રેખાચિત્રો અને પ્રકીર્ણ તેમજ વિવેચનનો સમાવેશ કર્યો છે. આ દ્વારા જ લલિત સાહિત્યના વિરુદ્ધમાં દલિત સાહિત્ય દ્વારા આક્રોશ ઊભો થયો. દલિત સમાજના હેતુઓ, વિષયવસ્તુ, પરિવેશ, અને પ્રશ્નોને કેન્દ્રમાં રાખીને લખ્યુ હોય તો જ દલિત સાહિત્ય ગણાય. ગુજરાતમાં વંચિત સમાજની વાસ્તવિકતા બહાર લાવવામાં ઘણા લેખનકારો, કવિઓ અને લેખકોનો સિંહફાળો રહ્યો છે. જેમાં મુખ્યત્ત્વે નીરવ પટેલ, પ્રવીણ ગઢવી, હરીશ મંગલમ, શંકર પેન્ટર, સાહિલ પરમાર, રાજુ સોલંકી, યોગેશ દવે, કિશન સોસા, ભી.ન. વણકર વગેરે સમાનતાના વિચારો આધારિત કવિતાઓનું સર્જન કર્યું છે. તેમના કેન્દ્રમાં માનવીય મૂલ્યો છે. દલિત સાહિત્યની પ્રથમ પેઢીના અગ્રણી દલપત ચૌહાણે દલિત સાહિત્યમાં ઊંડું ખેડાણ કર્યું છે. તેમનાં મતે દલિત સાહિત્યમાં મર્મ અને ધર્મ બદલાયેલાં લાગે છે. જે ગુજરાતી સાહિત્યને ધડમૂળ કે નવેસરથી વિચારવા મજબૂર કરે છે.

વર્ષ 1956માં ડૉ. બી.આર. આંબેડકરના મૃત્યુ સમયે તેમને શ્રદ્વાંજલી આપવા માટે અનેક કવિતાઓ અને અંજલી કાવ્યો નાની મોટી પત્રિકોઓમાં છપાયા. ત્યારબાદ તે કાવ્યોનું સંપાદન ડૉ. રમેશચંદ્ર પરમાર દ્વારા ‘અંજલી ’ને નામે ઇ.સ. 1987માં પ્રગટ કરવામાં આવ્યું. ડૉ. આંબેડકરના મૃત્યુ પછી જે કવિતાઓ આવી, ત્યાંથી ગુજરાતમાં દલિત સાહિત્યની જાગૃતિમાં વધારો થયેલ જોવા મળે છે. તે સાથે ૧૯૮૧ અને ૧૯૮૫ના અનામત વિરોધી તોફાનો ગુજરાતી સાહિત્યમાં દલિત સાહિત્યના ઉદ્દભવ અને વિકાસમાં મહત્વનું પરિબળ બની રહ્યું છે. ત્યારબાદ જૉસેફ મૅકવાનના રેખાચિત્રો ‘વ્યથાના વીતક' (૧૯૮૯) અને ‘આંગળિયાત' નવલકથા દ્વારા ગુજરાતી દલિત સાહિત્યમાં બળકટ ગદ્યનો આવિષ્કાર થયો. જેણે ગુજરાતી દલિત સાહિત્યને વધારે સમૃદ્ધ બનાવાયું છે એટલું જ નહિ, ગુજરાતી સાહિત્યમાં નવા જ પ્રકારના ભાવવિશ્વનું નિર્માણ કરીને સાહિત્યને વિકસાવ્યું છે, જે ગુજરાતી સાહિત્યના ઇતિહાસમાં મહત્વપૂર્ણ ઘટના છે.

દલિત કવિતાની વાત કરીએ તો, દલિત કવિઓ દ્વારા અનેક કાવ્યસંગ્રહો આપ્યા છે. જેમાં સામાજિક અને સાંસ્કૃતિક ચેતનાની અભિવ્યક્તિ અનુઆધુનિક સંદર્ભમાં કવિતા દ્વારા કૃતિઓમાં રજૂ કરે છે. મુખ્યત્વે જોઈએ તો દલપત ચૌહાણ ‘તો પછી’ (૧૯૮૨) અને ‘ક્યાં છે સૂરજ’ (૨૦૦૨), શંકર પેન્ટર ‘બુંગિયો વાગે’ (૧૯૮૪), સાહિલ પરમાર ‘વ્યાથા પચીસી’ (૧૯૮૪), રાજુ સોલંકી ‘મશાલ’ (૧૯૮૭), હરીશ મંગલમ ‘પ્રકંપ’ (૧૯૯૧), ભી.ન. વણકર ‘ઓવરબ્રિજ’ (૨૦૦૧), અરવિંદ વેગડા ‘પગેરું’ (૨૦૦૩), નીરવ પટેલ ‘બહિષ્કૃત ફૂલોને’ (૨૦૦૫) અને અન્ય અનેક કાવ્યસંગ્રહ પ્રગટ થયા છે (પાનાં. ૧૭). કવિતામાં ગ્રામ્ય લય-લહેકા, માનવમનના ઢાળ-ભાવજગત, વિભાવના, નવકલ્પન, નવીન કથનરીતિ અને નવી તરાહ, પ્રતિકોથી દલિત કવિતાએ પોતાની આભા પ્રગટાવી (પૃ. ૯). દલિત આંદોલનમાં ઉર્જા ભરતી કવિતાની પંક્તિઓ જોઈએ તો, શંકર પેન્ટરની કવિતા “ચ્યમ’લ્યા આટલું ફાટી જ્યું સઅ” અને સાહિલ પરમારની કવિતા “તોણવા માટે નૈ આવવાના” બંને કવિતામાં તળભાષાની બળકટતા-આક્રોશ અને સમાજની વરવી વાસ્તવિકતા કહેવાની તાકાત કવિતામાં જણાય છે (પૃ. ૨૩). એટલું જ નહીં પંરતુ દલિત આંદોલનોમાં જોમ-જુસ્સો ભરવાનું કામ કર્યું. આ સાથે દલિત સાહિત્યમાં પત્ર અને પત્રિકાઓનું અનન્ય યોગદાન છે. જેમાં ‘આર્તનાદ’ (૧૯૭૪), ‘પેન્થર’ (૧૯૭૫), ‘આક્રોશ’ (૧૯૭૮), ‘કાળો સૂરજ' (૧૯૭૯-૧૯૮૫), ‘સર્વનામ’ (૧૯૮૯-૧૯૯૧) અને ‘હયાતી’ (૧૯૯૬-ચાલુ)માં દલિત કવિતાની કવિતાઓ પ્રગટ થતી રહે છે. આ સિવાય ‘ગરુડ’, ‘દલિતબંધુ’, ‘અજંપો', ‘મુક્તિનાયક', 'દલિતમિત્ર', ‘નયામાર્ગ', ‘તમન્ના', ‘પ્રગતિજ્યોત’, ‘તરત’, ‘અક્ષય’, ‘ઉત્કર્ષ સમાચાર', ‘દિશા', સ્વમાન’, પરિષદ સંદેશ', ‘લગામ', ‘દલિત મુક્તિ’, ‘એક્સપ્રેસ' અને ‘દલિત ચેતના’ વગેરે સામયિકોમાં દલિત લેખનકાર્ય દ્વારા દલિત સમાજની જીવન-વ્યથા રજૂ કરવામાં આવી છે.

દલિત નાટકોના ઇતિહાસમાં પ્રાચીન દંતકથાઓના પાત્રો વિશે, વીર મેધમાયાનો મૂળ પાણીનો પ્રશ્ન અને જીવન, અનામત આંદોલન અને કોમી તોફાનો વિશેની સવિસ્તાર ચર્ચા કરવામાં આવી છે. દલિત નાટકો/ભવાઇમાં શરૂઆતથી તૂરી સમાજ જોડાયેલો છે. ત્યારબાદ દલિત સાહિત્યકારો દ્વારા નુક્કડ નાટકો ભજવતાં હતા. જેમાં શિવાભાઈ પરમાર ‘માયાની મહાનતા’ (૧૯૮૦), રાજુ સોલંકી ‘બ્રાહ્મણવાદની બારખડી’ (૧૯૮૨), કૃષ્ણચંદ્ર પરમાર ‘ટીંપે ટીંપે શોણિત આપ્યાં’ (૧૯૯૦), દલપત ચૌહાણ દ્વારા નાટકો જેવા કે ‘અનાર્યવર્ત’ (૧૯૮૬), ‘અંતિમ ધ્યેય’ (૧૯૯૦) અને અંગરાજ (૧૯૯૧) વગેરે મુખ્યત્વે છે. તેમાં રાજુભાઇ સોલંકીના નાટક ‘બ્રાહ્મણવાદની બારાખડી’ વિષે વાત કરીએ તો તેઓ ગામે-ગામ જઈને દલિત આંદોલનને અને આંબેડકરી વિચારધારાને મજબૂત કરવાનું કામ સાહિત્યના માધ્યમથી કરતા રહ્યા છે.

દલિત નવલકથામાં ગ્રામીણ જીવનની જોવા મળતી અસ્પૃશ્યતા, અસમાનતા, દલિતોનું દમન, જીવનમાં અભાવો, સંવેદના, સમસ્યાઓનું નિરૂપણ જોઈ શકાય છે (પૃ. ૬૮). દલિત નવલકથામાં ગ્રામાભિમુખતા સવિશેષ જોવા મળે છે. જેમાં જોસેફ મેકવાનની ‘આંગળિયાત’ (૧૯૬૭), ‘મારી પરણેતર’ (૧૯૮૮), ‘મનખાની મિરાત’ (૧૯૯૨), દલપત ચૌહાણની ‘મલક’ (૧૯૯૧), ‘ગીધ’ (૧૯૯૯), ‘ભળભાંખળું’ (૨૦૦૪), હરીશ મંગલમની ‘તિરાડ’ (૧૯૯૨), ‘ચોકી’ (૧૯૯૨), મોહન પરમારની ‘નેળિયું (૧૯૯૨), પ્રિયતમા-૧ અને ૨, ‘ડાયા પશાની વાડી’ (૨૦૦૩), બી. કેશરશિવમની ‘શૂળ’ (૧૯૯૫), ‘મૂળ’ અને ‘ધૂળ’ (૧૯૯૯) વગેરે મુખ્ય છે.

દલિત વાર્તાસંગ્રહો દ્વારા દલિત સમસ્યાઓ, જીવનરીતિ, આનંદપ્રમોદ, અંતરમનની દ્વિધાઓ, સામાજિક કલેહ, માન-સન્માન વગેરે વિશેનું નિરૂપણ કર્યું છે. જેમાં પ્રવીણ ગઢવી ‘અંતરવ્યથા’ (૧૯૯૬), હરીશ મંગલમ ‘તલપ’ (૨૦૦૧), ભી.ન. વણકર ‘વિલોપન’ (૨૦૦૧), દલપત ચૌહાણ ‘મુંઝારો’ (૨૦૦૨), બી. કેશવશિવમ ‘રાતી રાયણની રતાશ’ (૨૦૦૩), ધરમાભાઈ શ્રીમાળી ‘નરક’ (૨૦૦૩) અને અમૃત મકવાણા ‘લિસોટો’ (૨૦૦૩) જેવા વાર્તાસંગ્રહો મુખ્ય છે (પૃ. ૮૩). આ સિવાય અનેક વાર્તાઓને સમાવેશ થાય છે. દલિત મહિલાઓ સાથે થતાં અન્યાયો અને અત્યાચારના વિરોધને વાચા આપવાનું કાર્ય દલિત સાહિત્યમાં થતું રહ્યું છે. દલિત મહિલાઓ મજૂર કામ અર્થે જોડાયેલા હોવાના કારણે કહેવાતા ઉપલા વર્ગો માટે હાથવગી હોય છે. જેના કારણે તેમની સાથે અત્યાચારો અને બળાત્કાર જેવા અમાનવીય બનાવો બનતાં રહે છે. તેનો પ્રતિકાર દલિત સ્ત્રી કરે છે. તેવા સંદર્ભ સાથે બી. કેશરશિવમની ‘મંકોડા’ નામની વાર્તા વિષે દલપતભાઈ ટૂંકમાં નોંધે છે “જેમાં રામલી નામના પાત્રની વીરતાની વાત દર્શાવવામાં આવી છે. વાર્તા મુખ્યત્વે રામલીના પાત્ર ને એક વસવાયા, ખેતમજૂર તરીકે દર્શાવવામાં આવી છે. તેમાં ખેતરના માલિકની ખરાબ નજર તેના પર હોય છે. માલિક એક દિવસ તેના ઘરે આવીને તેના પતિની હાજરીમાં બળાત્કાર કરવાનો પ્રયત્ન કરે છે. તેવામાં રામલી નામના પાત્ર દ્વારા પ્રતિકાર કરી હિમ્મત-ભેર ખેતરમાલિકનું ગુપ્તાંગ કાપી નાખે છે. અને જ્યારે માલિક ઘરછોડીને ભાગે છે ત્યારે તેના પર પાછળ રામલી ગુપ્તાંગ છૂટું મારે છે” (પૃ. 89). વાર્તા દ્વારા દલિત મહિલાઓ પર થતાં અમાનવવીય વર્તન અને પ્રતિકાર વિશે છણાવટ કરવામાં આવી છે.

ડૉ. બી.આર. આંબેડકરના જીવન આધારિત જીવનચરિત્ર પી.જી. જ્યોતિકર, જયસિંહ વ્યથિત, ચંદુ મહેરિયા અને જનબંધુ કૌસમ્બી વગેરે દ્વારા લખવામાં આવેલ છે. દલિત રેખાચિત્રોમાં માનવીય સંવેદના, સુખ-દુ:ખ, ભાવ-અભાવ અને યથાતથ જીવનનું આબેહૂબ વર્ણન જોવા મળે છે. જેમાં મણિલાલ પટેલની ‘જીવા અમથા વણકર’ અને અન્ય સાહિત્યકારો દ્વારા રેખાચિત્રોમાં અભિવ્યકિત અને સ્વાનુભૂતિનું સત્ય જોવાં મળે છે (પાનાં. ૯૬). દલિત નિબંધ સાહિત્યમાં જોઈએ તો, ગરીબી, વ્યથા અને સંઘર્ષનો એકરાર જોવા મળે છે. જેમાં, ચંદુ મહેરિયા ‘માડી મને સાંભરે રે’ (૧૯૯૪), બી. કેશરશિવમ ‘ગાય-જો-ડેરો’ (૨૦૦૦), ધરમાભાઈ શ્રીમાળી ‘ભંડારિયું’ (૨૦૦૪), બાલકૃષ્ણ આનંદ ‘પિતૃગાથા’ (૨૦૦૬) વગેરે મુખ્ય છે. દલિત સાહિત્ય ગુજરાતી અને અંગ્રેજી ભાષામાં સવિશેષ જોવા મળે છે. તે અન્ય ભાષાઓમાં લખાયું તેમજ અનુવાદ થતું રહ્યું છે. જેની નોંધ દલપત ચૌહાણે પ્રસ્તુત પુસ્તકનાં સાતમા પ્રકરણમાં વિસ્તારથી કરી છે. ગુજરાતમાં દલિત સાહિત્યનું થયેલ ખેડાણને પ્રસ્તુત પુસ્તકથી સમજી શકીએ.

છેલ્લે સમગ્ર પુસ્તક ગુજરાતનાં દલિત આંદોલનોને મજબૂત કરવામાં પણ દલિત સાહિત્યનો સિંહફાળો રહેલો છે. જેમાં મુખ્યત્વે કવિતા અને નાટકોએ દલિત આંદોલનને પૂરું પાડવાનું કામ કર્યું છે. દલિત સાહિત્ય દ્વારા જે સાહિત્ય બહાર પાડવામાં આવ્યું તે અનુભવોનું ભાથું છે. જેણે સત્યની નજીક રહીને સમાજમાં રહેલા જાતિવાદી અને સામંતી માનસિકતાને પડકારવાનું કામ કર્યું છે. સામંતી અને જાતિવાદી માનસિકતાનો મુખ્ય આધાર ઊંચ-નીંચના ભેદભાવ અને અત્યાચાર પર આધારિત છે. આ વિચારસરણીના પ્રતિકાર અને પોતાના આત્મ-સન્માન માટે દલિત આંદોલનો થતાં રહ્યા છે. તેમાં સાહિત્યે પણ પોતાનું યોગદાન આપ્યું છે. જેમાં વર્ષોથી ચાલતા જાતિવ્યવસ્થા, ઊંચનીચના ભેદભાવ, જન્મ આધારિત વ્યવસાય, અસ્પૃશ્યતા, જાતિય અત્યાચારો, સામાજિક અન્યાય, સામાજિક આર્થિક શોષણ સામે પડકારવાની શરૂઆત કરી. તેમજ સમાજમાં રહેલા વંચિત સમુદાયોના સામાજિક, સાંસ્કૃતિક, રાજકીય અને આર્થિક જેવા પાયાના પ્રશ્નોને વાચા આપવાનું કામ કર્યું છે. પરંતુ ગુજરાતી દલિત સાહિત્યની અસર કચડાયેલા, શોષિત, ઉપેક્ષિત સમાજ પર કેવી થાય છે અને દલિત આંદોલન પર કેવી અસર રહી છે તેના વિશે લેખક દ્વારા વધારે પ્રકાશ પાડવાની જરૂરિયાત જણાય છે.

મહેશ કુમાર, પીએચ.ડી. સ્કોલર, સેન્ટ્રલ યુનિવર્સિટી ઓફ ગુજરાત, ગાંધીનગર.