Included in the UGC-CARE list (Group B Sr. No 172)
Special Issue on Dalit Literature
વિકલ્પ અને દલો ઉર્ફે દલસિંહ- દલિતોના સ્વમાન અને કરુણતાની અભિવ્યક્તિ
દલિતોના સ્વમાનને રજૂ કરતી વાર્તા 'વિકલ્પ' (લે.ગુણવંત વ્યાસ) અને એક દલિતની કરુણતાનું આલેખન કરતી વાર્તા 'દલો ઉર્ફે દલસિંહ' (લે. હરીશ મંગલમ)ને સામસામે મૂકીને બંને વાર્તાસર્જકના વિશિષ્ટ જીવનદર્શન તથા પ્રસ્તુત વાર્તામાં રહેલા કલાત્મક તત્વો પર પ્રકાશ પાડવાનો અહીં ઉપક્રમ છે.

'વિકલ્પ' એ વાર્તાકાર ગુણવંત વ્યાસની વિવેચકો દ્વારા વખણાયેલી વાર્તા છે. તેમના 'આ લે, વાર્તા!' (૨૦૧૧) વાર્તાસંગ્રહમાં પ્રસ્તુત વાર્તા સમાવેશ પામી છે. દલિતોના સ્વમાન અને સ્વાભિમાનને તાકતી આ વાર્તાનું કથાવસ્તુ ટૂંકમાં આ પ્રમાણે છે :

પ્રસ્તુત વાર્તાનો વાર્તાનાયક બાધર પરમાર એક સ્વમાની દલિત યુવાન છે. પી.ટી.સી. કર્યા પછી બે વર્ષની બેકારીમાં તવાયા બાદ વિદ્યાસહાયક તરીકે, દૂર ગામડામાં તેની નિમણૂક થઈ છે. નિમણૂકના પ્રથમ દિવસે તે શાળાના આચાર્ય જે પોતે બ્રાહ્મણ છે એવા ગૌરીશંકર પંડ્યાને ત્યાં જાય છે. તે પોતાની નિમણૂકની વાત પંડ્યાસાહેબને કરે છે. પણ જે ગામમાં વાર્તાનાયકની નિમણૂક થઈ છે તે ગામ આભડછેટથી પીડાય છે. આ ગામનું વર્ણન કરતા પંડ્યાસાહેબ કહે છે, "છેવાડાનું આ ગામ છે. સોએક ખોરડાની ખોબા જેવડી વસાહત. મોટાભાગના ખેડૂતો, બે-એક હરિજન કુટુંબો ને એકલદોકલ વહવાયા-બ્રાહ્મણ. વિકાસને ને ગામને બાપે માર્યા વેર છે. જુનવાણી ખ્યાલો જળોની જેમ વળગ્યા છે આ બધાને."(પૃ.૪૮) આવા 'જૂનવાણી' વિચારો ધરાવતા ગામમાં કઈ રીતે રહેવું તેની સમજ વાર્તાનાયકને આપતા પંડ્યાસાહેબ જણાવે છે : "જુઓ, પરમાર સાહેબ! અહીં એસ.સી.બી.સી. બનીને રહેશો તો નહીં જીવી શકો તમે! શાંતિથી જંપવા નહિ દે લોકો! ફાડી ખાશે કારણ વિનાના! ખૂબ સંકુચિત એવો અહીંનો સમાજ છે. એક અનુભવી તરીકે તમને સલાહ આપું કે જાત ન પ્રકાશશો અહીં તમારી!"(પૃ.૪૯) આવા જાતિવાદી ગામમાં શાંતિથી રહેવા માટે પંડ્યાસાહેબ બાધર પરમારને 'બહાદુરસિંહ' જેવું રાજપૂતી નામ રાખવા જણાવે છે. પણ વાર્તાનાયક દલિત છે ખરો, પણ તે એક સ્વમાની દલિત છે. એટલે એને જાત છુપાવવાની વાત યોગ્ય લાગતી નથી. જોકે, એ દિવસે તો બાધર જાત છુપાવવી કે નહિ, એવી અવઢવની સ્થિતિમાં પંડ્યાસાહેબ સાથે શાળાએ જાય છે. શાળામાં પંડ્યાસાહેબ, વાર્તાનાયક બાધર પરમારનો પરિચય એક ‘દરબાર’ તરીકે આપે છે. શાળાએથી છૂટીને તેઓ પંડ્યા સાહેબના ઘરે આવે છે. સમગ્ર દિવસ દરમિયાન વાર્તાનાયકનું મન પોતાની જાત છુપાવવાની વાત માનવા તૈયાર થતું નથી. રાત્રે સૂતી વખતે તે જાત છુપાવવાની બાબતે ખાસ્સી મથામણ અનુભવે છે. અંતે તે જાત ન છુપાવવાના મક્કમ નિર્ણય પર આવે છે. સવારે જ્યારે પંડ્યાસાહેબ મંત્રોચ્ચાર કરતાં હોય છે ત્યારે વાર્તાનાયક તેમનું એટલે કે બ્રાહ્મણનું ઘર છોડીને દલિતવાસ તરફ ચાલી નીકળે છે.

પ્રસ્તુત વિષય વાર્તામાં સરસ રીતે કળારૂપ પામ્યો છે. બે પરસ્પર વિરોધી પાત્રોને સામસામે મૂકીને લેખકે પરિવેશનું યથોચિત નિર્માણ કર્યું છે. એક બાજુ જમાનાના ખાધેલ ગૌરીશંકર પંડ્યાસાહેબ છે, તો બીજી તરફ નિર્દોષ પણ સ્વમાની એવો વાર્તાનાયક બાધર પરમાર છે. એક બ્રાહ્મણ છે અને બીજો દલિત. બંનેની વિચારસરણી પણ ભિન્ન છે. આ સન્નિધીકરણ વાર્તાને એક આકાર આપે છે. એટલે જ વાર્તાને આસ્વાદ્ય બનાવવા આ સંન્નિધીકરણ(Juxtapose)ની પ્રયુક્તિ ઘણી ઉપકારક બની છે. આ સંદર્ભે શ્રી ભરત મહેતા જણાવે છે કે, "ઓછાબોલા નાયક સામે અતિવાચાળ પંડ્યાને મૂકીને વાર્તાને સુવાચ્ય અને આસ્વાદ્ય બનાવી છે."[1] આ બંને પાત્રો વચ્ચેનો એક સંવાદ જુઓ, જેમાં વાર્તાનાયકનો અભિગમ જાત ન છૂપાવવા તરફનો છે, તો પંડ્યાસાહેબનો અભિગમ જાત છુપાવીને જીતવા તરફનો છે. વાર્તાનાયક કહે છે, "સાહેબ, આપ શું કહેવા માગો છો એ નથી તો મને સમજાતું કે નથી તો મારે ગળે ઉતરતું! જાત-અટક, વાણી-વ્યવહાર, રીત-ભાત આ બધું જાત સાથે એવું તો જોડાઈ ગયું છે કે એનાથી કેમ જુદારો કરી શકું? ગમે એટલું છુપાવવા છતાંય ક્યારેક પ્રગટ થઈ જવાશે તો મારી તમારી બેઉની પનોતી ઊભી થશે સાહેબ! આ બધું કેમ શક્ય થશે?"(પૃ.૫૦) હવે જુઓ ગૌરીશંકર શું કહે છે તે : "થશે બધું થશે! ટેવાવું પડશે પરમારસાહેબ, ટેવાવું પડશે! પેટની તો આ વેઠ છે બધી! જુઓ, નામ જ તમને મદદે આવે એમ છે. બાધરના બહાદુર, કહો કે બહાદુરસિંહ બની જાઓ, ને પરમાર તો રજવાડાની શાખ છે. ન બોલ્યામાં નવ ગુણ વાણીને વહારે આવશે ને વ્યવહાર-રીતભાત ક્યાં કોઈ અહીં રાજપૂતનું ઘર છે તે જાણી શકવાનુ છે. ને પછી અટકીને બોલ્યા 'ધીરે ધીરે એય શીખી લેવાશે!"(પૃ.૫૦) આમ, લેખક પ્રસ્તુત વાર્તામાં બે ભિન્ન પ્રકૃતિના પાત્રોને સામસામે મૂકીને એટલે કે સન્નિધીકરણ દ્વારા વાર્તાને અનુરૂપ પરિવેશનું નિર્માણ કરે છે.

જેમ સન્નિધીકરણ તેમ વાર્તાનાયકના મનોવિશ્વ દ્વારા તેમજ કેટલાક પ્રતીકો દ્વારા પણ પ્રસ્તુત વાર્તા ઉઠાવ પામી છે. જાત છુપાવવાના 'નાટક' સંદર્ભે વાર્તાનાયકની જે દોલાઈમાન મનોસ્થિતિ રજૂ થઈ છે. તે જુઓ, "'પેટની તો આ વેઠ છે બધી!' પેટની વેઠે જ સ્તો સાયન્સ સ્ટ્રીમ છોડીને આર્ટસ સ્વીકાર્યું હતું! ઉજ્જવળ કારકિર્દીના સ્વપ્નોને રોળીને પી.ટી.સી. કર્યું હતું. વિદ્યાસહાયકની આછી-પાતળી નોકરીનો આધાર પેટની વેઠને કારણે જ સ્તો લીધો હતો. બબ્બે વર્ષની બેકારી પછી મળેલી આ નોકરીથી જન્મતો આશાવાદ ગૌરીશંકરના શબ્દોથી બાષ્પ થવા લાગ્યો. બાપની બીમારી ને માની મજૂરી એની આંખે તરવરવા લાગી. વળાવતી વખતે માની આંખમાં કેવી આશા તગતગતી તેણે ભાળી હતી. અપમાનિત થઈને પાછા ફરેલા પોતાને જોતા મા પર શું વીતશે ને જાત છુપાવવાની વાત બાપાના કાને પડતાં તેમના અંતરાત્માને કેવી ઠેસ પહોંચશે એની કલ્પના ભાદરને ધ્રુજાવી ગઈ."[...]"એક બાજુ ભરડો લેતી ભૂખ એને ભીંસતી હતી, તો બીજી બાજુ અકળાવી નાખનારું અસત્ય એને કચડતુ હતું."(પૃ.૫૧) અહીં એક બાજુ વાર્તાનાયકની લાચારી છે, તો બીજી બાજુ અસત્ય ન સ્વીકારવાની વાર્તાનાયકની મથામણ પણ પ્રગટ થઈ છે. આ મથામણમાંથી જ લેખક જે મનોમંથન અનુભવે છે, તે આ પ્રમાણે છે: "ઢાંક-પીછોડની આ સંતા-કૂકડીમાં પોતે પોતાનાથી જ અળગો થઈ જશે. ગુમાઈ જશે; ભ્રમમાં જીવાતી આ ભૂલભૂલામણીમાં પોતે જ ભુલાઈ જશે, ભૂંસાઈ જશે એની સભાનતા બાધરને સતાવતી હતી."(પૃ.૫૨) વાર્તાનાયકની આ મનોસ્થિતિને ઘૂંટ્યા પછી લેખક પ્રતીકો-રૂપકોનો ઉપયોગ કરીને વાર્તાનાયકને અંતિમ નિર્ણય --પોતાની જાત નહીં છુપાવે-- પર લઇ જાય છે. રાત્રે જ્યારે વાર્તાનાયક પંડ્યાસાહેબના ઘરે સુતા હોય છે, ત્યારે જાત છૂપાવવા સંદર્ભે 'તે પડખા ઘસતો હોય છે' એ સમયે વાર્તાનાયકને જે વિચારો આવે છે તેને લેખક પ્રતિકાત્મક રૂપે મુકે છે. જાત છુપાવવી એટલે દંભ આચરવો. આ દંભને લેખક 'મોરપિચ્છને ખોસીને ફરતા કાગડા' અને 'સિંહનું ચામડું ઓઢીને ફરતા ગર્દભ' જેવા રૂપકો દ્વારા રજૂ કરે છે. એ જ રીતે વાર્તાનાયક પોતે પોતાની જાત નહીં જ છુપાવે એવા અંતિમ નિર્ણય પર આવે છે. એ નિર્ણયને લેખક ઉચિત પ્રતીક દ્વારા મૂકી આપે છે. લેખક લખે છે: “થોડી વારે છાંટા વેરી વીખરાયેલા વાદળો વચ્ચે ચાંદ ફરી ચમક્યો. પહેલા કરતાં એ વધુ ઊંચે ચડ્યો હતો. વીખરાયેલા વાદળાં ક્યાં ગયા એ ખ્યાલ પણ ન રહ્યો ને નિરભ્ર આકાશનો એકલ પ્રવાસી ચંદ્ર એની ગતિએ આગળ વધતો રહ્યો."(પૃ.૫૩) વાર્તાનાયકને રાત્રે આવતા આ વિચારોની સાભિપ્રાયતા અંગે શ્રી વિજય શાસ્ત્રી નોંધે છે કે, "કંઈક દીર્ઘસૂત્રી લાગે તેવી બાધરની રાત્રીચર્યાની વિગતો સાભિપ્રાય એટલા માટે ગણાય કે બાધરનો, સાચી ઓળખ ટકાવી રાખીને પણ ગામ અને નોકરી નહીં છોડવાનો મહત્ત્વનો નિર્ણય એકાએક ફૂટી નીકળ્યો નથી. પણ એવા મનોમંથનનું પરિણામ છે."[2]

પ્રસ્તુત વાર્તાનો અંત પણ ચોટદાર તેમજ કલાત્મક બનવા પામ્યો છે. રાત્રે કરેલા નિર્ણય પ્રમાણે વાર્તાનાયક સવારે પંડ્યાસાહેબના ઘરેથી નીકળી દલિતોના ઘર તરફ જાય છે, એ સમયે પંડ્યાસાહેબ મંત્રોચ્ચાર કરતા હોય છે. પંડ્યાસાહેબના મંત્રોચ્ચાર અને વાર્તાનાયકની સ્વ-ઓળખ જાળવી રાખવાની મક્કમતાને વાર્તાને અંતે લેખકે સૂચક રીતે મૂકી આપેલ છે. આ સંદર્ભે સંધ્યા ભટ્ટ જણાવે છે કે, "ગૌરીશંકર દ્વારા બોલાતા પૂજાના મંત્રોચ્ચારની સામે બાધરના મનોવિશ્વમાં પડઘાતી સ્વ-ઓળખને જાળવી રાખવા માટેની તત્પરતા વાર્તાને એક નોખું પરિમાણ આપી રહે છે"[3] વાર્તાના અંતે લેખક એક વાક્ય મૂકે છે: "ઉગમણે સૂર્યનું પહેલું કિરણ ફૂટ્યું હતું.' આ 'પહેલું કિરણ' તે દલિતોની સ્વ-ઓળખ, સ્વાભિમાન, સ્વમાનનું પ્રતિક બની રહે છે. દલિતોના આ સ્વમાનરૂપી પ્રથમ કિરણના પ્રાગટ્ય પછી દલિતોનો સૂર્ય મધ્યાહને બરોબર તપશે એવા એંધાણ પણ લેખકે અહિ આપી દીધા વળી, દલિત ગરીબ હોઈ શકે છે, પણ સ્વમાનવિહોણા તો નથી જ હોતા, એ પણ લેખકે અહીં સહજ-સરળ-સરસ રીતે બતાવી આપ્યું છે.

ગુણવંત વ્યાસની આ 'વિકલ્પ' વાર્તા સાથે હરીશ મંગલમની 'દલો ઉર્ફે દલસિંહ' વાર્તાને મૂકીને જોઈ શકાય એમ છે. ‘વિકલ્પ’માં જેમ એક દલિતના સ્વમાન અને સ્વાભિમાનની અભિવ્યક્તિ છે, એમ 'દલો ઉર્ફે દલસિંહ'માં એક દલિતની કરૂણતાનું વેધક આલેખન થયું છે.

હરીશ મંગલમના ‘તલપ’ વાર્તાસંગ્રહમાં 'દલો ઉર્ફે દલસિંહ' વાર્તા સમાવેશ પામી છે. આ વાર્તાનો વાર્તાનાયક દલો એક દલિત છે. જે એક મીલ(પથરા મીલનો)નો પ્રામાણિક, કુશળ અને અનુભવી કારીગર છે. આ મીલના મેમ્બરોના ગોરખધંધા જોઈને દલાને અણસાર આવી ગયેલો કે, મીલ ટૂંક સમયમાં બંધ થઈ જશે. તેણે મેમ્બરોને ચેતવ્યા પણ તેની વાત કોઈએ ન સાંભળી. આખરે મીલ બંધ પડી. દલો બેકાર થયો. આ બેકારીની સ્થિતિમાં દલાની મૂંઝવણ સંદર્ભે લેખક લખે છે: " દલો ઘડીભર મૂગોમંતર થઈ ગયો. છોકરા હજી નાના છે. વૃદ્ધ મા-બાપ ગામડે રહે છે. ભણવાનું તો ઠીક, બધાને ખવડાવવું શું?"(પૃ.૨૧) બેકાર બનેલા દલિતેત્તર મીલકામદારોને તો પગી(ચોકીદાર)ની નોકરી મળી જતી હતી, પણ દલિત જાતિનો હોવાથી ખાનગી પેઢીમાં તેને કોઈ પગીની નોકરીમાં પણ રાખતું નથી. આવી લાચાર સ્થિતિમાં દલો શું કરે? લેખક લખે છે: "(દલો) પગીની નોકરી માટે બે-ત્રણ જગ્યાએ જઈ આવ્યો. ગાંઠના ધરમધક્કા પડ્યા. હરિજનો માટે દરવાજા બંધ હતા. નાછૂટકે દલાએ નામ બદલ્યું : દલસિંહ પરમાર. ને દાતરડા જેવડી રાખી મોટી મૂછો! કાળો રંગ, ભરાવદાર શરીર, અવાજમાં કરડાકી, આંખોમાં ઝનૂન. દરબારના બાપનેય ડરાવે એવો થયો એનો દેખાવ! ને તરત જ નંબર લાગ્યો પગી તરીકે! આનંદ બજારની ધનસુખલાલ મહેતાની દુકાન પર."(પૃ.૨૩) દલાની પ્રમાણિકતા, નિષ્ઠા જોઈને ધનસુખલાલ તેને જૈનોના પ્રસિદ્ધ યાત્રાધામ 'કીર્તિધામ જૈનતીર્થ' મંદિરનો પગી બનાવી દે છે. પણ ત્યાં ભવાનસિંહ નામનો અગાઉનો પગી દલસિંહને ત્યાંથી કઢાવવાના કાવતરા ઘડે છે. પણ ચતુર અને બહાદુર દલસિંહ તેના દરેક કાવતરાને નિષ્ફળ બનાવી દે છે. મંદિરનું ટ્રસ્ટીમંડળ તેમજ ગામલોકો દલસિંહની ફરજનિષ્ઠા અને પ્રામાણિકતા પર ખુશ થાય છે. તેનો પગાર પણ વધારી દેવામાં આવે છે પરંતુ એક દિવસ દલસિંહના વેવાઈ પાનના ગલ્લા પર મળી જાય છે. તેમની વાતચીત પરથી ગલ્લાવાળાને ખબર પડી જાય છે કે, દલસિંહ નીચી જાતિનો છે. એના દ્વારા આ વાત આખા ગામમાં પ્રસરી જાય છે. આથી સવર્ણોનું ઝનૂની ટોળું દલાને મારવા મંદિર પર હુમલો કરે છે. અલબત્ત, દલો ત્યાંથી ભાગી છૂટે છે. વાર્તા આ રીતે કરૂણાંતમા‌ શમન પામે છે.

પ્રસ્તુત વાર્તામાં કરૂણતા એ છે કે, દલિતો માત્ર દલિત હોવાને કારણે જ તેની સચ્ચાઈ, નિષ્ઠા, પ્રામાણિકતા, શૌર્ય, બહાદુરી બધું રાતોરાત ઓસરી જાય છે. જાતિને કારણે દલિતને પગીની પણ નોકરી ન મળે ત્યારે નાછૂટકે લાચાર થઈને તેને જાતિ છુપાવીને પાપી પેટને લીધે નોકરી કરવી પડે! એટલું જ નહીં, પણ જ્યારે એ વાત -- જાત છુપાવવાની -- જાણ સવર્ણોને થાય ત્યારે દલિતોએ જાણે કે એમના ઘર-ખેતર લૂંટી લીધા હોય એમ એને મારી નાખવા ઝનૂની બનીને સામુહિક હુમલો કરે. આ આપણા ભારતીય સમાજની કડવી વાસ્તવિકતા છે, અને એટલે, પ્રસ્તુત વાર્તાને 'ઓળખના અપરાધની વાર્તા' તરીકે ઓળખાવતા શ્રી અરવિંદ વેગડા યોગ્યપણે જ નોંધે છે કે, "બ્રાહ્મણવાદી પરંપરા અને મનુવાદી વર્ણવ્યવસ્થાના આધારે જાતની વાડાબંધીના લીધે દલિત સમાજને કેટલું સહેવું પડે છે એ તરફનો અંગુલિનિર્દેશ અહીં છે, એમ કહીશું તો ઉચિત ગણાશે."[4]

'વિકલ્પ' વાર્તામાં પણ ‘દલો ઉર્ફે દલસિંહ' વાર્તામાંની આ કરૂણતા પ્રછન્નપણે પ્રગટ થઇ છે. ત્યાં પંડ્યાસાહેબ વાર્તાનાયકને તેની જાત છુપાવવાની જે સલાહ આપે છે તેમાં પણ ઉપર્યુક્ત કરૂણતા સમાયેલી છે. ‘દલો ઉર્ફે દલસિંહ'ના સંદર્ભમાં જોઈએ તો જાત છુપાવવી એ એક છલના ગણાય, પણ ભૂખ આગળ તો માણસના બધા જ મૂલ્યો નષ્ટ થઈ જતા હોય છે. ભૂખની સનાતનતાની વાત પણ ત્યાં લેખકે કરી છે. 'વિકલ્પ'માં દલિતોના સ્વમાન અને સ્વાભિમાનની વાત છે, તો દલો ઉર્ફે દલસિંહ'મા‌ દલિતોના જીવનની કરૂણતા પ્રગટ થઈ છે. બાધરને બહાદુરસિંહ થવું નથી ગમતું તો દલાને ગરીબી અને લાચારીને લીધે દલસિંહ થવું પડે છે! બંને વાર્તાને એક સાથે મૂકીને જોવાથી દલિતોના જીવનનું અને સાથે સાથે ભારતીય સમાજનું વાસ્તવિક અને વરવું ચિત્ર પ્રાપ્ત થાય છે.

સંદર્ભ
  1. દલિત ચેતના, માર્ચ-૨૦૧૦, પૃ.૧૫
  2. દલિત ચેતના, નવે.-ડિસે.-૨૦૧૦, પૃ.૧૮
  3. બુદ્ધિપ્રકાશ, ઓગસ્ટ-૨૦૧૨, પૃ.૨૦
  4. વેગડા, અરવિંદ. ૨૦૧૨.દર્પણ. અમદાવાદ: ગુજરાત દલિત સાહિત્ય અકાદમી, પૃ.૧૮
ડો. રતિલાલ કા. રોહિત, મદદનીશ પ્રાધ્યાપક, સરકારી વિનયન અને વાણિજ્ય કૉલેજ, થરાદ, જિ. બનાસકાંઠા. મો.નં. 9898231457 email : ratilalrohit12@gmail.com