SAHITYASETU

ISSN : 2249-2372

 

 

Sahityasetu

Year- 2, Issue- 1, Continuous Issue-7, January-February 2012

 

સાહિત્યસેતુ

વર્ષ- 2, અંક- 1, સળંગ અંક- 7, જાન્યુઆરી-ફેબ્રુઆરી 2012

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

     

 

જાત સાથે વાત (સામાને કહેવા માટે)
સુમન શાહ
13 August 2011
(પૃ.૧થી ૭)


ફિલ્મ જોયાની વાત શી રીતે કરવી ? વાર્તા કદાચ કહેવાય પણ ફિલ્મ કહેવાય ? મનનું પણ એમ છે, મનમાંનું કોઇને શી રીતે કહી શકાય ? કદાચ કહી શકાય, પણ એ-નું-એ, એમ-નું-એમ ?શકાય ? ના. ફિલ્મ બતાવી શકાય. જોકે બતાવ્યાથી પણ મારી જોયાની વાત તો નથી જ થઇ શકતી. કોને પુછાય ? કોઇ સિને-ક્રિટિકને? જોકે શું કહે ? ક્રિટિકો સમજાવે ઘણું પણ મને ગાંડામાં પણ ગણે. મનનું મનમાં રહેવા સરજાયું હોય છે. મન કોઇ બૉક્સ નથી કે ઝવેરાતના દાબડાની માફક ખોલી નખાય. જોયાની મારી વાત મારી, સામાની સામાની. તાજેતરમાં જ ફ્રૅન્ચ ફિલ્મ ‘હીરોઝ’, નોર્વેજિયન ફિલ્મ ‘ગૉન વિથ ધ વુમન’, રૉબર્ટ ડી નેરોના જુદા જ અને એટલા જ અદ્ભુત અભિનયની સર્બો ક્રોએશિયન ફિલ્મ ‘ગુચ્ચ !’ જોઇ. અંગ્રેજી સબ-ટાઇટલમાં જોઇ. ‘ગુચ્ચ’નો સ્પૅલિન્ગ છે, જી-યુ-સી-એચ-એ. ‘ગૂક્ક’ ઉચ્ચાર પણ સાંભળ્યો છે. ફિલ્મના મૂળવાર્તાલેખકે શો ઉચ્ચાર કર્યો હશે ? ફિલ્મ શું એના મનમાં રહેલા કશાનો આવિષ્કાર જ હશે ને ? તે કશું શું કોઇ ભાષામાં હશે ? ના. મનને કોઇ ભાષા હોતી નથી. ફિલ્મને પણ એવી કોઇ ભાષા હોતી નથી. ક્યારેક તો લાંબે લગી સબ-ટાઇટલ ન હોય, બિલકુલ પણ ન હોય, છતાં એ પોતાની વાત પહોંચાડી શકે છે. એને એની પોતાની ભાષા હોય છે. અથવા વધારે સાચું એ છે કે ફિલ્મ પોતે જ એક ભાષા છે. દરેક કલાકૃતિના મૂળમાં, મનમાં જ રહેવા સરજાયેલી મનની વાત હોય છે. તેને પણ ભાષા નથી હોતી. કહો કે તેને તેની ભાષા હોય છે. અથવા એમ કહો કે મન પોતે જ એક ભાષા છે. તેને મનથી જ પામી શકાય છે.
મનનું એ ભાષાપણું અનુભવ્યા વિના બોલવું આજકાલ મને વ્યર્થ લાગે છે. એ અનિર્વચનીયતાને વીસરીને દોડતાં રહેતાં, એમ જ વિકસતાં રહેતાં, કલા અને કલાની વાતો કરનારાં શાસ્ત્રો,એની આગળ પાણી ભરે છે. કલા મનનો આવિષ્કાર જરૂર છે, પણ એ, એ અનિર્વચનીય મન નથી; એથી એ આવિષ્કારો, એટલા દૂર છે. એ આવિષ્કારોનાં વર્ણન કે વ્યાખ્યાન જરૂર હોય, પણ એ, એ આવિષ્કારોથી, એટલાં દૂર છે. વર્ણન કે વ્યાખ્યાનની ચર્ચાઓ, પ્રતિચર્ચાઓ, વાદ-વિવાદ જરૂર હોય, પણ એ, દેખીતું છે કે એ, એટલાં દૂર છે. મનથી અને મનમાંની પેલી વાતથી દૂર ને દૂર લઇ જનારી આ સઘળી પ્રવૃત્તિ એક જાતની ચિન્તા કરાવે એવી છે. એવી ચિન્તા પ્લેટોને થઇ હતી. કેમકે એમણે વર્લ્ડ ઓવ આઇડિયાઝના જગતને જ સાચું માનેલું. એવી ચિન્તા શંકરાચાર્યને થઇ હતી. કેમકે એમણે બ્રહ્મને જ સત્ય માનેલું. સામો સવાલ એમ જાગે કે વર્લ્ડ ઓવ થિન્ગ્સ, જગત, સંસાર, નજર સામેની આ દુનિયા, જૂઠાં છે --? સામો સવાલ એ થાય કે મનના આવિષ્કારો, કલાકૃતિઓ, જૂઠી છે --? શું કલાને પોતાને પોતાની ભાષા નથી હોતી --? કલા પોતે જ એક ભાષા નથી શું --? ને એમ, સ્વીકારો કે વર્ણન, વ્યાખ્યાન અને શાસ્ત્રોને પણ પોતાની ભાષા હોય છે. એને દરેકને પણ ભાષા જ કહી શકાય, એવું નહીં --? દૂરવર્તીને જો સત્ય ગણીએ તો નિકટવર્તીને શા માટે નહીં --? જો નહીં, તો એ પ્રવૃત્તિ પણ ચિન્તા કરાવે એવી છે.
મને થાય, લાવ ભાષા-સાહિત્યના સાહેબોને પૂછું, એમને થાય છે ખરી આમાંની કોઇ એક ચિન્તા. કહે છે, એમને દૂરવર્તીની કશી ચિન્તા નથી, કેમકે એ લોકો એને અમૂર્ત ને એવું બધું કહે છે. એમને સામેનું નિકટવર્તી બધું વધારે ફાવે છે. દાખલા તરીકે, કાલિદાસ ગોવર્ધનરામ ઉમાશંકર પન્નાલાલ કે રવીન્દ્રનાથની વધારે ખબર હોય છે. કેમકે એ લોકો એવા પ્રકારનાં નામો વારંવાર લેતા હોય છે. એટલું જ નહીં, એ નામો સાથે કલા સૌન્દર્ય સિદ્ધાન્ત વગેરે બાબતોને તેઓ આરામથી જોડી દઇ શકે છે. એમને શાસ્ત્રોના વાપરનો મ્હાવરોસારી પેઠે હોય છે. દાખલા તરીકે, વાત ‘રઘુવંશ’ની હોય, પણ એને ફટ્ કરતાકને મલ્લીનાથે આપેલાં મહાકાવ્યનાં લક્ષણોની ફૂટપટ્ટીથી માપી આપે. તરત શાન્તિ થઇ જાય...
આવું બધું સાંભળીને ચીમનભાઇ મને તરત કહેવા લાગ્યા, શું ધૂળ સુમનભાઇ, એવો જમાનો ય સારો હતો, હવે તો એ ય ગયો !‘રઘુવંશ’ને કે કોઇપણ ચોપડીને વગર વાંચ્યે રમતી કરી મૂકવાની એ લોકોની આવડતની તમને કશી ગમ નથી. બાપડી શાસ્ત્ર-સંજ્ઞાઓ તો દૂરના આકાશમાં ઊડતી સમડીઓ. ત્યાં પ્રદ્યુમ્નભાઇ ટહુક્યા : ખરી વાત છે, એ લોકા અંગે મેં બી સાભળ્યું છે. ‘એ લોકો’ને બદલે, પ્રદ્યુમ્નભાઇ ‘એ લોકા’ અને ‘પણ’ને બદલે ‘બી’બોલ્યા,તે મને થયું, યુગાન્ડાથી હશે. હું પૂછવા જતો’તો, ત્યાં કહે : સુમનભાઇ, સૉરી, મારા નામનો ખરો ઉચ્ચાર પ્રદ્યુમનભાઇ છે, બધા જ મને પ્રદ્યુમ્ન પ્રદ્યુમ્ન બોલે છે, તમારું શું માનવું છે ? મારે એમને શું કહેવું ? એટલે મેં, ઓકે પ્રદ્યુમ્નભાઇ --સૉરી, પ્રદ્યુમનભાઇ, હું તો જરૂરથી ધ્યાન રાખીશ. બાજુમાં મંગળદાસ ઊભેલા, કહે, અમુક સાહેબો તો વ્યાખ્યાનો પર વ્યાખ્યાનોના લોટા ઢોળ્યે રાખે છે. મેં પૂછ્યું, ક્યાં ? તો ક્હે, છોકરા-છોકરીઓના માથા પર. એમને ય મલ્લીનાથ ફલ્લીનાથની સાડીબારી નહીં. મને થાય, ‘સાડીબારી’ સાચું કે ‘સાડાબારી’...? એમની બાજુમાં ચન્દ્રકાન્તભાઇ ઊભેલા, એ કહે, આમાં બહેન-વ્યાખ્યાતા ઢોળે, તે લોટાથી ના ઢોળે. તો ? એકોએક વાક્ય ધીમા તાપે તળાતી પૂરી સમજો. સુગન્ધ બધી બારીઓની બ્હાર દોડતી થાય એ પહેલાં, ગમતા વિદ્યાર્થીના મૉંમાં મૂકી આપે. કહેવાનો મતલબ, ધીમી સ્પીડે અને મધુર સાદે આખેઆખું લખાવી દે. પ્રદ્યુમ્ન –સૉરી, પ્રદ્યુમન, પ્રદ્યુમનભાઇ-- કહે, આ ભ્રષ્ટાચાર છે છતાં તેને કોઇ ભ્રષ્ટાચાર કહેતું નથી.
મેં કહ્યું, અમારા એક વડેરાભા છે. એમને નીચે ટાઢક બહુ, તે કાયમ કહે, અધ્યાપકો માટે આવું બધું કહી-કહીને કોસો ના. દેશની બધી કૉલેજોમાં આવું છે. કોસવું ? શી ખબર. દુખી ના કરો એમ કહેવા માગતા હશે. ચલને દો જૈસા ચલતા હૈ એમ કહેવા માગતા હશે. દરેક વાતને નેશનલ-ઇન્ટરનેશનલ લેવલે મૂકી દે. જોકે રેલો આવે તે દિ એ જ ભા જુદું બોલે છે ! ડબલ સ્ટાન્ડર્ડ. સુમનભાઇ, એ ય એક જાતનો ભ્રષ્ટાચાર છે, મંગળદાસ બોલ્યા. અણ્ણા તો મોટા મોટાને ભીડાવવા નીકળ્યા છે, નીચે લગી તો ક્યારે ઊતરવાના ? છોગામાં, જાતે ને જાતે ભીડાતા ચાલ્યા છે. ચન્દ્રકાન્તભાઇ કહે, ભ્રષ્ટાચાર શબ્દને આ પ્રજાએ એવો તો ચલણી કરી મેલ્યો છે કે જેને કાજે એ છે એને તો એ પકડી શકતો જ નથી --નૉન-ફન્કશનલ ! એમણે  ઉમેર્યું, શબ્દોને આપણે ચચૂકા જેવા ચપ્પટ કરી નાખ્યા છે. ચાલો, જઇએ ત્યારે, કહીને એ લોકો જતા રહ્યા.
મને શરમ થઇ, મારાથી સાલું આમ પ્રદ્યુમ્ન પ્રદ્યુમ્ન બોલાયું તે ઠીક નહીં. મને એમ પણ થયું કે નૉન-ફન્કશનલ એટલે, શું, કોને કહેવાય...? ચચૂકાથી મને યાદ આવ્યું, એઇટ્થમાં હતો, સ્કૂલના મેદાનમાંના આંબલીના ઝાડે કાતરા ખાવા ચડતા, બાઝેલી કાચી આમલીઓ ખાતા, દાંત ખટાઇ જતા. સામેના તળાવમાં ગુલાબી કમળ ડોલતાં હોય. બન્ને હથેળીની અંજલિમાં ય ન સમાય એવડાં મોટાં. આ લખાય છે એ રીયલ ટાઇમમાં, આ ઘડીએ, મને થાય છે, મને કાતરા ને આમલીઓ ને કમળ ને એવું બધું કેમ યાદ આવ્યું છે...
સાંજે પ્રદ્યુમનભાઇનો ફોન આવ્યો, કહે, મૂરે અમે ધાંઘધરાના; પણ યુગાન્ડાથી ઇન્ગ્લૅન્ડ પૉંચી ગિયા. લૅન્કેસાયરમાં--ઇડી અમીનને લીધે--આપણી પોતાની પોસ્ટ-ઑફિસ છે; હાલ તો અંદાવાદની દીવારી જોવા આવ્યા છિએ; તમે કે’તા’તા તે ટ્રુ, કે રીલિફ રોડ પર ગરદી બૌ અતી. હું વિચારતો’તો ‘ગીરદી’  કે ‘ગરદી’, ત્યાં ચન્દ્રકાન્તભાઇનો ફોન આવ્યો, કહે, એ સાહેબો ‘વિદ્યાર્થી’ નથી બોલતા, ‘વિધ્યાર્થી’ બોલે છે; ‘પ્રહ્લાદ’ નહીં ‘પ્રલ્લાદ’, ‘આહ્લાદ’ નહીં ‘આલ્લાદ’ બોલે છે. મેં કહ્યું, શું કરી શકાય.તો કહે, તે તમે જાણો...એટલે મેં ઉમેરી આપ્યું, કે મારી બા ચિડાય ત્યારે વ્હાલથી અમને અલાધિયા કહેતી –એટલે કે, આહ્લાદિયા ! તો તરત તાડૂક્યા, એવા સાર્થ જોડણીકોશ બ્હારના પ્રયોગો વ્યર્થ છે, ડોન્ટ યુઝ ઇટ...! હું ચૂપ થઇ ગયો અથવા રીસીવર મારાથી મુકાઇ ગયું.    
મને થાય, અલાધિયા કેટલો સરસ શબ્દ છે. અથવા --હૅપિસિન્ગ ! કોઇપણ મૉજીલા, બેફિકર, લાપરવાહ માણસનેહૅપિસિન્ગ કહીએ તો એને થાય મને કેટલા ભાવથી બોલાવે છે, પ્રેમ કરે છે. જેમકે, આમ બોલાય ને પ્રેમ કરાય : અલાધિયા હૅપિસિન્ગો સવારે કૉલેજે હળફળ હળફળ જઇ પહોંચે છે, સબડક સબડક બોલે છે ને તબડક તબડક ઘરે પાછા હૅંડ્યા જાય છે. વાઇફ પૂછે, આટલા વ્હૅલા શી રીતે, તો ક્હૅ, સવાલ અસ્થાને છે. કહે છે, હવેથી એમને છ કલાકની ફરજ પાડવાના છે. જોઇએ શું થાય છે.
નરોતમ મોચી મોચીમાંથી દરજી થયેલો. પડખાંના સાંધેથી ખમીસ ચિરાયું હોય. નિશાળની ખાખી ચડ્ડી પાછળથી ઘસાઇને ફાટું ફાટું થતી હોય. લોક તો પાછળથી એટલે ક્યાંથી તે જાણે છે, નીચે ઠંડક એટલે ક્યાં, તે પણ જાણે છે ને ખુલ્લાશથી બોલે પણ છે, પણ વડેરાભા અને એમના સરખા પણ્ડિતો ના પાડે છે. મને ચન્દુભાઇ એક વાર કહેતા, એ હાહરીનાઓ ય કોમન-પ્લોટમાં ટ્હૅલતા હોય છે કે ઘરનાં બૈરાં હારે મજાકે ચડ્યા હોય છે, ત્યારે આવો કશો અંદેશો કાં રાખે છે ? પણ, જાત ચીકણી તે ગાંધી બાપુના કોશને બતાડ્યા કરે. બીજા કોશો પણ ગણાવ્યા કરે. કેટલાક તો એવા કે અમુકને માથે મેલીને નાચે. એવા જે હોયને, વારંવાર કહે, કાલિદાસના શાકુન્તલથી જરમન કવિ ગટે એટલો તો ખુશ થયેલો, એટલો તો ખુશ થયેલો, કે માથે મૂકીને નાચેલો. પહેલી વાર એઓશ્રીનો નામજોગ પરિચય ગટે રૂપે, પછી ગેટે રૂપે, પછી ગોઇથે, પછી ગ્યુઇથે એમ હરેક વખતે જુદો ને જુદી રીતે--એટલે કે કશા જાહેર આધાર કે વિશ્વાસ વિના-- થતો થતો, હજી ચાલુ છે.એમાં ગ્યોત ઉમેરાયું છે. મને થાય, સાલું પેઢી દર પેઢી આમનું આમ ગગડતું હૅંડ્યું છે તે ઇ માઇના લાલોએ, ગટે તો ઠીક, પણ હાકુન્તલનું પૂઠું ય દીઠું હોશે --? ને જેઓએ ગ્યોત કીધું તેઓએ એનું કયું સાહિત્ય ઉકેલ્યું હોશે --? એક ફેરા અભ્યાસ-સમિતિમાં અલાધિયો એક વિદ્વાન કહે કે આપણા એ આધુનિક મુકન પરીખનું ‘મહાભિનિસ્ક્રમણ’ વિદ્યાર્થીઓને અઘરું પડશે ! તે અમે પૂછેલું, તમે વાંચીને બોલો છો, તો ક્હૅ હા, એટલે અમે તતડાવ્યા, બોલો, એની સાઇઝ બોલો ! બચાડા શિયાંવિયાં થઇ ગયલા. કેમકે પરીખનું એ ‘મહાભિનિસ્ક્રમણ’ તે વારે તો ડૅમી –ઘણા ડિમાઇ કહે, એટલે પાછું ઘભરૈ જવાય-- કે, ક્રાઉન એકેયમાં ન્હૉતું ! ડૅમીને ડેમાઇ જ કહેવાય ને ડૅમી નહીં જ નહીં એ નક્કી કરી આપતી ડિક્ષનેરીઓ આવતી હશે, પણ મગનું નામ મરી પાડે તો ને ? વટનું શું થાય ? એક પ્રોફેસર કક્ષાની બ્હૅને ભરી સભામાં ભીખુ પારેખને આમ કીધેલું : સાએબ, તમારો એ ગાંધી-માર્ક્સવાળો ગ્રન્થ મને ખાસ કૈં સમજાયો નથી. ભીખુભાઇએ નિરાંતે કીધેલું, બેન, એવો કોઇ ગ્રન્થ હજી મેં લખ્યો નથી ! માણસને વાંચ્યા વિના નહીં સમજ્યાનો અનુત્તમ દાખલો ! આમ ને આમ, હંધાઓ (ને હંધીઓ) ઉપમા કાલિદાસસ્ય ઉપમા કાલિદાસસ્ય એમ રટ્યે જ રાખે છે, ને એમનું જોઇને નવાગન્તુકો ય મંડ્યા રહે છે. એક પ્રિન્સિપાલસાહેબ ‘નવગન્તુક’ ‘નવગન્તુક’ બોલતા’તા. એમના દીકરાની કરિયર બાબતે વાતવાતમાં મેં ‘અનુત્તમ’ શબ્દ વાપર્યો, કહો કે, વપરાઇ ગયો. એ સમજ્યા તો નહીં, પણ બોલો, ત્યારથી મારી જોડે જીવનભરની દુશ્મનાવટ માંડી બેઠા છે ! શબ્દને સમજ્યા હોત તો કેટલા રાજી થાત ? અમારા મિત્ર સુભાષ શાહ આવાતેવા ચમરબંધીને ય પૂછે, જીવનમાં આગર આવવું છે --? પેલા ચકરાઇ જવામાં હોય એ જ વખતે ક્હૅ, હું કૌ એવું કરો ! લોકપ્રિયોને ય ક્હૅ, ઊંચા સાહિત્યકારમાં ખપવું છે ? હા. હું કૌ એવું કરો. શું ? તમારાથી ઓછા જાણીતા કોઇને ખૉરી કાઢનાનો ને ક્હેવાનું, એ લોકપ્રિય છે, હું નહીં ! સુભાષે, આગર આવવું છે એવું નવોદિતોને તો નહીં જ પૂછ્યું હોય. પણ કહે છે, નવોદિતોએ તરતના નવોદિતોને ખૉળી કાઢ્યા છે, ને, કહે છે, એઓએ એમને ઘડવાના અઠવાડિક કાર્યક્રમો ઘડી કાઢ્યા છે, ને કહે છે, અમારા આ કાર્યક્રમમાં બહુ બધા આવે છે, બધું ધમધમી ઊઠ્યું છે. મને થાય, વરસો પતવા આવ્યાં તો ય હું તો કંઇ નથી ઘડાયો, ને આ લોકો...!....હતું શું તે ધમધમી ઊઠ્યું...ધમધમાટને પ્લેટો કે શંકરાચાર્ય જાણતા હશે...કોણ જાણે...સાલો સું જમાનો આવ્યો છે !
= =  =

આપના પ્રતિભાવો ...

***
 

 
Share us :