શૈશવ પ્રણયસ્મરણનું ગીત

ડૉ. અશોક ચાવડા 'બેદિલ'

ક્યાંક તારું નામ લખું એવી થાય ઇચ્છા તો પથ્થર થઈ જાય હાથ આખો,
થયો સ્મરણોનો દેશ હવે ઝાંખો.

હું તિથિની સંગાથે બદલાતો રહું અને બદલાતું હાથોનું માપ,
હું ક્યાં લગ હથેળીમાં સાચવીને રાખું કહે નાનકડાં હોઠોની છાપ.
યાદોમાં ભીંજાતી પળ બે પળ સૂકવું પણ કેમ કરી સૂકવી દઉં આંખો.
થયો સ્મરણોનો દેશ હવે ઝાંખો.

પહોંચું તો પહોંચું હું તારા લગ કેમ અહીં કંઠે રૂંધાયાં છે ગીત,
યાદ તને આવે કંઈ શૈશવના દિન, જરા જઈને જો ઘરની પછીત.
તૂટેલી દીવાલો, તૂટેલા સંબંધો, તૂટી છે વડલાની શાખો,
થયો સ્મરણોનો દેશ હવે ઝાંખો.

***
 
Home    ||   Editorial Board    ||    Archive   ||  Submission Guide   ||   Feedback   ||  Contact us   ||  Author Index