ડાંડિયો
જિગર શાહ

અડધા દાયકા જેટલા અલ્પ આયુષ્યમાં 100થી પણ ઓછા અંક પ્રકાશિત પામેલું આ અખબાર નવજાગ્રુતિનું પ્રહરી હતું. ડાંડિયો પત્રએ ગુજરાતી પત્રકારત્વનાં ઇતિહાસમાં જે સીમાંકનો આંક્યા છે તે આજે પણ અન્ય સમાચાર પત્રો માટે માર્ગસૂચક બની રહે છે.

 

                        28મી જાન્યુઆરી 1797નાં રોજ ધી બોમ્બે કુરિયર નામના અંગ્રેજી અખબારમાં ગુજરાતી ભાષામાં પહેલી જાહેરખબર છપાઇ.1812માં ફરદુનજી મર્ઝબાને મુંબઇ કોટ વિસ્તારમાં પહેલું ગુજરાતી છપખાનું શરુ કર્યું ત્યારથી જ ગુજરાતી અખબારનાં પ્રારંભનાં બીજ રોપાયા.
1લી જુલાઇ 1822માં ગુજરાતી ભાષાનાં પહેલા પત્રનો પ્રારંભ થયો.ગુજરાતી ભાષાનું આ પહેલું અખબાર શરી મુંબઇ સમાચાર હતું.શરૂમાં તે સાપ્તાહિક હતું.જેમાં છ પાના રહેતાં.1955થી શરી મુંબઇ સમાચાર કાયમી ધોરણે દૈનિક બન્યું,જે અત્યારે પણ મુંબઇ સમાચાર તરીકે પ્રકાશિત થાય છે.ઓગણીસમી સદી અડધી વીતી ત્યાં સુધી મુંબઇમાંથી અનેક પત્રો શરુ થયાં હતાં.જેમાં ફ્રિ પ્રેસ(1835),મુંબઇનું દૂરબીન(1837),બોમ્બે ટાઇમ્સ(1838),બોમ્બે ટેલીગ્રાફ(1846),ટેલીગ્રાફ એંડ કુરિયર(1846),દિગ્દર્શન,વિદ્યા સાગર,બોમ્બે સ્પોર્ટીગ ટાઇમ્સ(ત્રણે 1840),શ્રી મુંબઇ વરતમાન(1844),બોમ્બે વિટનેસ(1844),બોમ્બે મેઇલ(1845),વ્યાપાર પત્ર(1846),જ્ઞાનપ્રકાશ(1847),સ્પેક્ટેટર(1847),ઇસ્ટ એંડ વેસ્ટ(1847) વગેરે મુખ્ય હતાં.
આ સમયગાળામાં તળ ગુજરાતનો સમાજ પણ સળવળાટ અનુભવી રહ્યો હતો.અહીં પણ અનેક સમાચાર પત્રો શરૂ થયા હતાં.1857માં થયેલા ભારતનાં પ્રથમ સ્વાતંત્ર સંગ્રામને કારણે પણ સમગ્ર દેશમાં આઝાદીનું વાવાઝોડું ફૂંકાયેલું હતું.ત્યારે એક યુવાન નામે નર્મદાશંકર લાલશંકર દવે એ અખબાર શરૂ કરવાનો પ્રસ્તાવ પોતાના મિત્રો સમક્ષ મૂક્યો.
સુરતનાં આમલીરાનમાં 24મી ઓગસ્ટ 1833નાં રોજ જન્મેલા નર્મદાશંકર લાલશંકર દવેને આપણે ‘કવિ નર્મદ’ તરીકે વધુ સારી રીતે ઓળખીયે છીએ.ગુજરાતી સાહિત્યમાં અર્વાચીનમાં આદ્ય એવા નર્મદે ગદ્ય લખવાની શરૂઆત તો 17 વર્ષની ઉંમરે જ કરી હતી.20 વર્ષની ઉંમરે તેણે પોતાની તેજ મિજાજી શૈલીમાં કવિતાઓ પણ લખવાનું શરૂ કરી યુવાન વયે જ ગુજરાતી સાહિત્યમાં એક આગવી છાપ ઉભી કરી ચૂક્યો હતો.તેણે તેના મિત્રો સાથે મળી લિટરરી ક્લબ પણ સ્થાપી હતી.
સમાચાર પત્ર બહાર પાડવાનાં નર્મદનાં આ પ્રસ્તાવને તેનાં મિત્રોએ વધાવી લીધો.સમાચાર પત્રના નામ માટે તેનાં મિત્રોએ અનેક સૂચનો કર્યાં.તેના મિત્ર નગીનદાસે કહ્યું, ‘ડાંડિયો રાખીએ’.નર્મદને આ નામ તરત જ પસંદ પડી ગયું.સમાચાર પત્રનાં નામ તરીકે ‘ડાંડિયો’થોડું વિચિત્ર લાગે પરંતુ તે નામ બાબતે નર્મદે કહ્યુ હતું કે,
મોટું નામ રાખીને હલકું કામ કરવું તેનાં કરતાં, હલકું નામ રાખીને મોટું કામ કરવું વધારે સારું.”
ડાંડિયો શબ્દનાં ઘણા અર્થ થતાં હતાં. ડાંડિયો એટલે ડાંડી પીટીને જાહેરાત કરનારો,ડાંડ વ્યક્તિ સાથે ડાંડ બનનાર અને શબ્દોનાં સોટા લગાવનાર એવો સૂચક અર્થ તેમાંથી થતો હતો. સમાચાર પત્રનાં અનુસંધાનમાં તેનું નામ જ તેનાં કાર્યક્ષેત્રની સીમાદોરી આંકતું હતું.
નર્મદ અને તેનાં મિત્રો એ 1લી સપ્ટેંબર 1864નાં રોજ ડાંડિયો પત્રનો પહેલો અંક બહાર પાડ્યો. પત્રની શરૂમાં જ કવિતા મુકવામાં આવી હતી.ત્યારબાદ પણ બધા અંકોની શરૂઆત કવિતાથી થતી.આ કવિતાઓ નર્મદ લીખીત તેનાં કવિતા સંગ્રહોમાંથી લેવાતી અથવા નર્મદ દ્વારા જ નવી લખાતી.1લી સપ્ટેંબરે 1864માં પડેલા તેનાં પ્રથમ અંકમાં છપાયેલી કવિતા જ ડાંડિયો પત્રની ઓળખ અને તેમાં લખનારનો મિજાજ રજૂ કરતી હતી.
અમાસ નિશ ઘનઘોરમાં,ચોરિ ધાડનો ભોય;
ઘરમાં વસ્તી દિપની,બહાર ડાંડિની હોય ...1
ડાંડિ વગાડે  ડાંડિયે , હોય  ડાંડિયો  જેહ ;
મુકે ડાંડપણ ડાંડિયો ,મસ્તી કરતો રેહ ......2
નહિં ડાંડિયા સાંડિયા,પણ વળિ લોક અજાણ;
નાનાં મોટાં નાર નર,સરવે થાય સુજાણ....3
ડાંડિની મેહનત થકી, ધજાડાંડિ  સોહાય ;
દેશતણો ડંકો વળી, બધે ગાજતો થાય.......4

                                            ડાંડિયો પત્રનાં પ્રથમ બે અંક મફત વહેંચવામાં આવ્યા. ડાંડિયો શરૂઆતથી જ લોકપ્રિય થવા માંડ્યુ હતું.ડાંડિયો નામ હેઠળ નર્મદ ઉપરાંત તેનાં મિત્રો ગિરધારીલાલ દયાળદાસ,નગીનદાસ તુલસીદાસ,કેશવલાલ ધીરમજીરામ,શ્રીધર નારાયણ,ઠાકોરદાર આત્મારામ વગેરે પણ લખતાં. ડાંડિયોની લખાણની શૈલી અને વિષયની પસંદગી આધારે એટલો ખ્યાલ આવી શકે છે કે મોટા ભાગનાં લખાણો નર્મદના જ હતાં.તેનાં મિત્રો પણ તેની આ શૈલી ને વળગી રહેતા હતાં.
ડાંડિયો માત્ર સત્યને જ પ્રાધાન્ય આપતું.ધુતારાપણું,અનીતિ વગેરેને જાહેરમાં ફીટકારતું.તેણે ત્યારનાં સમયે સમાજમાં ફેલાયેલા કુરિવાજો વિધવા વિવાહ પર પ્રતિબંધ પર પોતાના આકરા શાબ્દીક પ્રહારો કર્યા હતાં.ધર્મગુરુઓના પાખંડો,અંધશ્રધ્ધા,વહેમનો પણ  વિરોધ કર્યો હતો.
ડાંડિયો પત્રમાં ભાવુકતાનો નહીં,તાર્કિકતાનો,બૌધીકતાનો અને તથ્યનો આદર હતો.તેની ભાષામાં ભય,રોષ,આક્રોશ હોવા છતાં વૈચારિક સ્વસ્થતા હતી.સોટાજેવી આખાબોલી ભાષામાં ગુનેગારને ખુલ્લો પાડી છોભીલો પાડવો.સમાજમાં તેને નીચા જોણું કરાવવું.ઉપહાસપાત્ર બનાવી તેને કુમાર્ગેથી પાછો વાળવો.તેમ કરતાં લોકોનું મનોરંજન થતું હોય તો તે અવશ્ય કરવું જેથી,બીજા તેમાંથી ધડો લઇ કુમાર્ગે જતા અટકે.
ડાંડિયો પખવાડિક ધોરણે પ્રકાશિત થતું.તેનાં વાચકોને હંમેશા તેની ઇંતેજારી રહેતી.તેનું પખવાડિક સ્વરૂપ વર્તમાન પત્ર અને ચોપાનીયું એમ દ્રિમુખી કાર્ય કરનારું હતું.તેમાં લોકોના પ્રશ્નોને વાચા આપવા તેમાં ચર્ચાપત્રોનો પણ સમાવેશ કરવામાં આવતો.વાચકો પાસે પણ લખાણો મંગાવવામાં આવતા.તેમાંથી પસંદગીના લેખોનો સમાવેશ કરવામાં આવતો. ડાંડિયો પત્રમાં અન્ય સ્થાનીક પત્રોની માફક માત્ર સ્થાનીક પ્રશ્નો ચર્ચવાને બદલે સુરત,ભરૂચ,વડોદરા,ખેડા જીલ્લાનાં સર્વક્ષેત્રીય પ્રશ્નો ચર્ચતું.ઉપરાંત તે સૌરાષ્ટ્રનાં દેશી રાજ્યોનાં વહીવટની પણ ખબર લઇ નાંખતું.
ડાંડિયાએ મુંબઇનાં સટ્ટાનો વિરોધ કરી તેની પણ ટીકા કરી હતી.તે સમયે અનેક લોકોએ સટ્ટામાં પોતાની મૂડીનું ધોવાણ કર્યું હતું.તેમાં નર્મદનાં મિત્રોનો પણ સમાવેશ થતો હતો.નર્મદને સટ્ટા પ્રત્યે સખત નફરત હતી.
માત્ર સવા વર્ષ જેટલાં ટૂંકા સમયમાં આ પત્રએ એટલી બધી ખ્યાતી મેળવી હતી કે ત્યારનાં સમયનાં શ્રેષ્ઠ અખબારો બુધ્દ્રિ પ્રકાશ,રાસ્તગોફતાર,સત્યપ્રકાશથી પણ લોકો ડાંડિયો વધુ પસંદ કરતા હતાં.ડાંડિયો અખબારની નોંધ અંગ્રેજ સરકાર પણ લેવા લાગી હતી.તેમાં છપાતા લખાણોનાં ભાષાંતરો થતાં અને સેક્રેટ્રિયટમાં પણ તેની વિચારણા થતી.તેમાંની ફરિયાદોનો પણ નિકાલ થતો હતો.
ડાંડિયાની ખ્યાતી જોઇ નર્મદ અને તેના મિત્રો આર્થિક નુકસાન વેઠીને પણ તેને ચલાવતા હતાં.પરંતુ તે વધુ લાંબુ ખેંચી શકાય તેમ ન હતું.ડાંડિયોની શરૂઆત બાદ માત્ર સવા વર્ષ જેટલા ટૂંકા ગાળામાં નર્મદ અને તેનાં મિત્રોએ તેને બંધ કરી દેવુ પડ્યું.15મી ડિસેમ્બર 1965નાં રોજનાં ડાંડિયાની પ્રથમ શ્રેણીનાં છેલ્લા અંકમાં ડાંડિયાની મૃત્યુનોંધ લખી, વાચકોને તેનો શોક ન કરવા તેણે નીચેની પંક્તિઓ ટાંકી હતી.
નવ કરશો કોઇ શોક. રસિકડાં નવ કરશો કોઇ શોક”

                                “મેળવિ જસને મરવું વ્હેલું ઉત્તમ નર એ ચહાય
                                 અધમ કાયરો ઘણું જિવીને, અપજસમાં રીબાએ”

                                “વીર સત્ય ને રસિક ટેકિપણું,અરિ પણ ગાશે દિલથી
                                 સલામ સહુને ભાઇ, સાહેબો સલામ સહુને ભાઇ.”

                        ડાંડિયો વધુ સમય બંધ ન રહ્યું.માત્ર ત્રણ માસનાં સમયગાળામાં તેને ફરી શરૂ કરવામાં આવ્યું.15મી માર્ચ 1865નાં રોજ તેનો બીજી શ્રેણીનો પહેલો અંક બહાર પડ્યો.આ વખતે ડાંડિયો બમણાં જુસ્સા સાથે પાછો ફર્યો હતો.તેણે તેને પુન:જન્મ તરીકે નહીં પરંતુ મુર્છિત અવસ્થામાંથી પાછો બહાર આવ્યો છે એમ ગણાવી.આર્થિક સંકડામણને કારણે બંધ થઇ ગયેલું ડાંડિયો ફરી શરૂ થયું ત્યારે પણ તેણે નાંણા માટે કોઇ પણ સામે નમતુ જોખવાની વૃત્તિ દાખવી ન હતી.અને તે પોતાનુ કાર્ય પોતાના અસલ જોશ સાથે જ કરશે.તેનાં આસાર તેણે પ્રથમ પાંના પર દર વખતે છપાતી કવિતામાં જ આપી દીધા હતાં.

                                ચુગલ,ચોર,ખળ,લાંઠનાં,હાડ ભાંગવા-કાજ,
ચુકવી ભાલો મોતનો,ઉઠ્યો ડાંડિયો આજ.  (1)
અનાચાર અટકાવવા,ધરવા દીનનિ દાઝ ;
રહદય દુષ્ટનાં ભેદવા,ઉઠ્યો ડાંડિયો આજ.  (2)
મુઓ મુઓ કહિ દુરિજને,મૂક્યો કરી અવાજ,
તેના નાદ ઉતારવા ,ઉઠ્યો ડાંડિયો આજ.   (3)
ન્યાય, સુધારા, સત્યની,સરસ બાંધવા પાજ,
અધિક જોસમાં આ સમે, ઉઠ્યો ડાંડિયો આજ.(4)
ડાંડિયાએ સમાજ સુધારણા,લોકપ્રશ્નોને વાચા આપવાનું કામ ફરી શરૂ કર્યું.ડાંડિયો તેનાં સંચાલન અને વહિવટમાં નાણાકિય સહાયતા કરનારને પણ છોડતો ન હતો.ડાંડિયો મિત્રોનો આદર કરતો નથી તેવી મિત્રની ફરિયાદમાં ડાંડિયાએ સ્પષ્ટ જવાબ આપ્યો હતો કે,મિત્રો કે આશ્રયદાતાઓ પણ નરસા કામ કરતાં હશે તો તેમની શેહ નહીં રાખે.તેમની મૈત્રીની કદર છે.પરંતુ નાંણાના બદલામાં પોતે સત્ય બાબતે સમાધાન કરશે નહીં.જરૂર પડશે તો સાક્ષીઓ પણ હાજર કરશે.
ડાંડિયાનું નિશાન વ્યક્તિ નહીં પરંતુ તેનાં દ્વારા આચરવામાં આવતા દૂરાચાર,પાખંડ,કૌભાંડ હતાં.તેનો પર્દાફાશ કરવામાં વ્યક્તિગત સંબધો આડે આવતા નહીં.
ડાંડિયો લોકોનાં પ્રશ્નોનાં જવાબ પણ આપતો.નર્મદે તેમાં વિધવાનાં પુન:લગ્ન પરનાં પ્રતિબંધના રિવાજની કડક ટીકાઓ માત્ર શબ્દો પૂરતી નહીં રાખતા, આસરો આપવાના હેતુથી વિધવા સાથે બીજા લગ્ન કરી સમાજ માટે ઉદાહરણરૂપ પણ બન્યો હતો.સ્વાતંત્ર માટે યુવાનોને જોમ જગાવતા બ્યુગલ આ અગાઉ પોતાની કવિતાઓમાં પણ વગાડી ચૂક્યો હતો.જેનો પડઘો તેના આ અખબારમાં પણ સંભળાતો હતો.
ડાંડિયાની ભાષા કડક હતી.પરંતુ સત્યને કોઇ પણ ભોગે બહાર લાવવા તે કટિબધ્ધ હતું.ડાંડિયો બીજાનાં દુષણો શોધી પૈસા પડાવવાનો ધંધો કરતાં બીજા વર્તમાન પત્રોની પણ ધૂળ ખંખેરી નાખી હતી.અન્ય પત્રો એ ડાંડિયાની શૈલીને વધુ પડતી ઉધ્ધત અને અભદ્ર કહી ટીકા કરી હતી.પણ ડાંડિયાને તેણી પરવા ન હતી.તેણે પોતાનું કાર્ય પોતાની શૈલીમાં જ ચાલુ રાખ્યું.તે માટે તેણે અમલદારો,શેઠીયાઓ,આગેવાનોને પણ પોતાના શાબ્દીક ચાબખા લગાવ્યા.
નાંણાકીય સંકડામણ અને બીજા કારણોસર ડાંડિયો ઘણી વખત અટકી પડ્યું.15મી માર્ચ 1865માં તેની બીજી શ્રેણી શરૂ થઇ તે 15મી એપ્રિલ 1867 સુધી પ્રકાશિત થઇ.ત્રણ મહિના તે ફરી સુષુપ્તાવસ્થામાં રહ્યા બાદ 1લી ઓગસ્ટથી તે ફરી ચાલું કરવામાં આવ્યું.1868નાં અંતે તે સાપ્તાહિક બન્યું.1869નાં અંત સુધી તે પ્રકાશિત થતું રહ્યું.1870થી તે સંડે રિવ્યુ નામના અખબારમાં ભળી ગયું.ત્યારબાદ તે સંડે રિવ્યુ એંડ ડાંડિયો એવા સંયુક્ત નામે પ્રકાશિત થતું.આમ ડાંડિયાનું સ્વતંત્ર અસ્તિત્વ ત્યારે સમાપ્ત થયું.
અડધા દાયકા જેટલા અલ્પ આયુષ્યમાં 100થી પણ ઓછા અંક પ્રકાશિત પામેલું આ અખબાર નવજાગ્રુતિનું પ્રહરી હતું.ડાંડિયો પત્રએ ગુજરાતી પત્રકારત્વનાં ઇતિહાસમાં જે સીમાંકનો આંક્યા છે તે આજે પણ અન્ય સમાચાર પત્રો માટે માર્ગસૂચક બની રહે છે.સત્ય તેનો પાયો હતો.સત્યને બહાર લાવવામાં તેણે ગમે તેવી મુશ્કેલી સામે પણ નમતુ જોખ્યું ન હતું.ડાંડિયાના ચાબખાઓથી ભલભલા ચમરબંધીઓ પણ ધ્રુજતા હતાં.
ગુજરાતી સાહિત્યનાં અર્વાચીનોમાં આધ એવા નર્મદનાં પત્રકારત્વક્ષેત્રેનાં અમુલ્ય પ્રદાનનો ખ્યાલ માત્ર આ પાંચ વર્ષ જેટલાં ટૂંકા સમય સુધી ચાલેલા સમાચારપત્ર દ્વારા જ મળી શકે છે.

 ----X---X---X---

                             યાહોમ

                        વાહલીવહુ.
                                વાહલીવહુ સાંભળ! તમારૂં કામ આ રીતે તો ખરેખર વેહેલું પાર પડે—તમે એવો સરાપ દયાં કરો કે ‘ઓ લોકો તમારી બેનો તમારી જીજીયો તમારી બેટીયો વેહેલી વેહેલી રાંડો ને હમારાં દુ:ખોને હમારાથી થતાં પાપો તમારી નજરે બહુ બહુ પડો.’ અલબત જારે સહુની મા બેન બેટીયો રાંડે તો રાંડેલીયો પાછી વેહેલી વેહેલી માંડેલી થઇ જાય.”

        ( 1નવેમ્બર 1864નાં અંકમાં એક વિધવા એ પુન;લગ્નની ઇચ્છા છતાં સમાજનાં મોભી દ્વારા યોગ્ય પગલાં નહી લેવાતાં.ઘર ફરી માંડવા ડાંડિયાને ફરિયાદરૂપ પ્રશ્ન બાબતે ડાંડિયાનો સણસણતો જવાબ. )

                                ----X-----X----X------
* ડાંડિયોમાંથી લેવાયેલા કાવ્યો તેમજ અન્ય લખાણની જોડણી ત્યારે લખાયા મુજબ જ રાખી છે.

જિગર શાહ
M COM. LLB
સુરત


***
 
Home    ||   Editorial Board    ||    Archive   ||  Submission Guide   ||   Feedback   ||  Contact us   ||  Author Index