કલા અને નીતિ
ડૉ. હિમ્મત ભાલોડિયા

ભારતીય અને પાશ્ચાત્ય સાહિત્યમીમાંસામાં કાવ્યસર્જનનાં અનેક પ્રયોજનો -  જેવા કે, ધર્મ, અર્થ, મોક્ષ, યશ-કીર્તિ, મનોરંજન, નીતિ, આનંદ, બોધ-ઉપદેશ, અમંગળનું નિવારણ વગેરે – ગણાવાયા છે. પરંતું આ બધામા સૌથી વધારે વિચારકોએ કાવ્યસર્જનનાં મુખ્ય ત્રણ પ્રયોજનોને વિશેષ મહત્વ આપ્યું જણાય છે. કાવ્યસર્જનનાં આ મુખ્ય ત્રણ પ્રયોજનો તે આનંદ, નીતિ અને ઉપદેશ. આ ઉપરાંત આપણે ત્યાં અને પશ્ચિમમાં ‘જીવન ખાતર કલા’ અને ‘કલા ખાતર કલા’ની જે ચર્ચાઓ ચાલી છે, એના મૂળમાં પણ આ આનંદ, નીતિ અને ઉપદેશના પ્રયોજનો જ રહેલા છે. એક પક્ષ કલામાં માત્ર સૌંદર્ય કે આનંદનો જ મહિમા કરે છે, તો બીજો વર્ગ કલામાં નીતિ કે ઉપદેશનાં તત્વને જ સ્વીકારે છે. કલામાં આ પ્રકારનાં દુરાગ્રહોનો વાદ-વિવાદ પરાપૂર્વેથી ચાલ્યો આવ્યો છે, જેમા સમયે સમયે વધતો-ઘણો ઉમેરો પણ થતો રહ્યો છે.
કલા કે સાહિત્યમાં નીતિ હોવી જોઇએ કે નહીં -  આ પ્રકારનાં વિવાદમાંથી જ ‘જીવન ખાતર કલા’ અને ‘કલા ખાતર કલા’નો વાદ જન્મ્યો છે.
કલા અને નીતિનાં પરસ્પર સંબંધોને લઇ  પાશ્ચાત્ય સાહિત્યમીમાંસકોમાં ખૂબ મતભેદો પ્રવર્તે છે. પાશ્ચાત્ય સાહિત્યમાં કલા અને નીતિની ચર્ચા છેક પ્લેટોના સમયથી થતી રહી છે. એમાં પ્લેટો અને મેથ્યુ આર્નોલ્ડ કલાની નૈતિક્તાનાં હિમાયતી રહ્યા છે. એમની પરંપરામાં રશ્કિન, ટોલ્સ્ટોય, ટેનીસન, વર્ડઝ્વર્થ, કાર્લાઇલ, બેન જોન્સન, આદિ સાહિત્યમાં નીતિને સ્વીકારે છે. એનાથી વિપરીત ‘કલા ખાતર કલા’ની હિમાયત કરનારામાં ગોતિયેર, ક્રોંચે, ફ્લોબર્ટ, બૉદલેર, સ્પીનગાર્ન, ઓસ્કર વાઇલ્ડ, વૉલ્તેર પેટર આદિનાં નામો ઉલ્લેખનીય છે. ભારતીય સાહિત્યમાં રવીન્દ્રનાથ ટાગોર, પ્રેમચંદજી અને મહાત્મા ગાંધીજી કલામાં નીતિની અપેક્ષા રાખે છે, તો કનૈયાલાલ મુનશી કલામાં નીતિનાં વિરોધી રહ્યા છે.     
પશ્ચિમમાં નીતિના આગ્રહી તરીકે પ્રથમ નામ પ્લેટોનુ લેવાય છે. પ્લેટોને કલાનો માત્ર બૌદ્ધિક આનંદ માન્ય હતો, ઐન્દ્રિય આનંદ નહીં. એટલે કે કાવ્યજન્ય એવો આનંદ કે જે ઇન્દ્રિયો સાથે સંબંધિત છે, એનો એણે ક્યારેય સ્વીકાર કર્યો નથી. તે કવિતાને આદર્શ રાજ્ય અને માનવજીવનને લાભકારક બને ત્યાં સુધી જ સીમિત રહે એમ માનતો હતો. એણે કવિતા પર એવો આરોપ મૂક્યો હતો કે તે કલા અનૈતિક અને અસત્યની પ્રચારક છે. તે મનુષ્યની વાસનાઓને ઉશ્કેરી વિવેકનો નાશ કરે છે, જેના લીધે અનૈતિકતા ઉત્પન્ન થાય છે, જે સમાજનાં શ્રેય માટે હાનિકારક છે. માટે જ પ્લેટોએ કવિઓ અને કવિતાને આદર્શ રાજ્યમાથી દેશનિકાલ કરવા જણાવ્યું છે. એણે કહ્યું છે કે, “It shall be no argument that a poem or poet is charming admirable or even sacred – vain argument of aesthetes.” (Western Poetics, Krishnadev Sharma, 14 Adi.1994, P.1)  આથી જ એણે કલાનાં  સદ્ અને અસદ્ એવા બે પ્રકાર કલ્પ્યા છે. એના શિષ્ય એરિસ્ટોટલે નીતિનો સ્પષ્ટ રીતે સ્વીકાર નથી કર્યો પણ એણે એવી અપેક્ષા રાખી કે, કવિમા નૈતિક અંતર્જ્ઞાન (Moral  insight) હોવું જોઇએ. લોન્જાઇનસે સાહિત્યમાં ઉત્કૃષ્ટતાનો આગ્રહ રાખ્યો છે, તેમાં એને નૈતિકતા પણ અભિપ્રેત છે.
કલા અને નીતિ બાબતે રશ્કિન અને ટોલ્સ્ટોયના વિચારો અત્યંત મહત્વપૂર્ણ છે. રશ્કિન નૈતિકતાવાદી વિચારક હતો. રશ્કિને તો ત્યાં સુધી કહ્યું છે કે, “It is the witness of the glory of god”. (Western Poetics, Krishnadev Sharma, 14 Adi.1994, P. 110)  એના મતે કવિતાનું આસ્વાદન એ જ સૌભાગ્યશાળી કરી શકે કે જે શુદ્ધ અને પવિત્ર હ્રદય ધરાવે છે. કલાનું પ્રયોજન માત્ર મનોરંજન કરવાનું જ નથી, પરંતું નૈતિક ઉપદેશ  આપવાનું છે. બધી કલાઓનો ઉદ્દેશ નીતિનું શિક્ષણ આપવાનો જ છે. એણે કહ્યું છે કે, “Art, properly so called, is no recreation; it cannot be learned at spare moments …… if must be understood and taken seriously.”( Western Poetics, Krishnadev Sharma, 14 Adi.1994, P.110)
રશ્કિનના મતે સારા વિચારો આપવા તે કલાની મુખ્ય જવાબદારી છે. જે કલાકાર સૌથી વધુ પ્રમાણમાં પોતાની કલાકૃતિમાં સૌથી સારા વિચારો આપે તે જ સાચો કલાકાર ગણાય. જીવન અને જગતમાં જે કંઇ ખરાબ છે તેને કલા દૂર કરે છે. અને એટલે જ કલા એ દિવ્ય શક્તિ મનાય છે.
              ટોલ્સ્ટોય માને છે કે કલાનો ઉદ્દેશ માનવ માનવ વચ્ચે સ્નેહનો તંતુ રચવાનો હોવાથી કલાએ નૈતિક તો બનવું જ પડે. કલામાં નીતિનો આવિષ્કાર જ કલાની ખરી પરીક્ષા છે. કલામાં નીતિ કે અનીતિનું આલેખન જ કલાની ઉત્કૃષ્ટતા કે નિમ્નતા પ્રગટ કરે છે.
                  મેથ્યુ આર્નોલ્ડના મતે જે કવિતામાં નીતિની વિરુદ્ધ વિદ્રોહ છે, તે કવિતામાં જીવનની વિરુદ્ધ પણ વિદ્રોહ હોય. જે કવિતા જીવનથી ઉદાસીન હોય તે નીતિથી પણ ઉદાસીન હોય. એણે કહ્યું છે કે, “Art is the Criticism of the Life” એટલે કે, કલા એ જીવનની સમીક્ષા છે. એની આટલી વ્યાખ્યા-વિભાવનામાં જ કલામાં જીવનનું શું સ્થાન છે ? તે સ્પષ્ટ થઇ જાય છે.
રશ્કિન, ટોલ્સ્ટોય અને મેથ્યુ આર્નોલડની જેમ ડબ્લ્યુ.એચ. ઓડેન પણ કલામાં નૈતિકતાનાં આલેખનને સ્વીકારે છે. જો કે તેની કહેવાની રીત થોડી અલગ છે. તે સીધી રીતે નહીં પણ પરોક્ષ રીતે જણાવે છે કે, કવિતા લોકોને શું કરવું તે બતાવતી નથી પણ સારા નરસાનું ભાન કરાવે છે. આ એ જીવનની સમીક્ષા જ થઇ ગણાય ને ?
મહાન વિચારક શેલીનુ માનવું છે કે, કલાનું કામ માત્ર નીતિનો ઉપદેશ આપવાનું જ નથી પણ માણસનો નૈતિક વિકાસ કરવાનું છે. જે કલાકાર માત્ર નીતિનું જ શિક્ષણ આપે છે તેની કલા પ્રતિભાની રીતે ઉતરતી હોય છે.
પાશ્ચાત્ય સાહિત્યમીમાંસામાં કલામાં નીતિ સામે બંડ પોકારવાનું  19મી સદીમાં શરૂ થયું. કલાની સ્વાયત્તતાનાં પુરસ્કર્તાઓએ કલામાં નીતિનો તિરસ્કાર કર્યો. કલા કે સાહિત્યમાં નીતિની ચર્ચા વિષયક વિચારોને કારણે જ ‘કલા ખાતર કલા’નો સિદ્ધાંત ઉદભવ્યો છે. ‘કલા ખાતર કલા’માં માનનારા વિચારકોના મતે કલાસર્જન પ્રક્રિયામાં નીતિ-અનીતિની ચર્ચા જ વ્યર્થ છે. કારણકે, એમના મતે, કલામાં નૈતિક મૂલ્યો અને સૌંદર્યાનુભૂતિ – બન્ને એક સાથે કઇ રીતે આવી શકે ? નૈતિકતાનો ઉપદેશ આપવાનું કામ ઉપદેશકનું છે, કલાકારનું નહી. કલાકારનું કાર્ય અને ઉપદેશકનું કાર્ય ભિન્ન છે. ઉપદેશકનું કામ પોતાની વાત મનાવવાનું હોય છે, જ્યારે કલાકારનું કામ કલામાં સૌંદર્ય પ્રગટાવવાનું, આનંદ આપવાનું હોય છે. તો પછી કલામાં નીતિ અને સૌંદર્ય બન્ને એક સાથે કઇ રીતે શક્ય છે. ?
              ઓસ્કર વાઇલ્ડના મતે કલાનું પ્રયોજન નીતિનો ઉપદેશ આપવાનું તો ન જ હોવું જોઇએ. કેમકે નીતિ તો ધર્મનો વિષય છે, કલાનો નહીં. કલાને સંબંધ તો સૌંદર્યાનુંભૂતિ સાથે છે.
કલા ખાતર કલાના સિદ્ધાંત અંગે સ્પીનગાર્નનો વિચાર વધારે સ્પષ્ટ છે. એના મતે, કલાને નૈતિકતા કે ધર્મદર્શન સાથે કોઇ સંબંધ નથી. કલાનું કાર્ય તો સૌંદર્યસૃષ્ટિનું નિર્માણ કરવાનું છે અને કલાકારનું કામ એ સૌંદર્યની અનુભૂતિને અભિવ્યક્ત કરવાનું છે. કલાનું અંતિમ લક્ષ્ય આનંદની પ્રાપ્તિનું છે અને આ આનંદને પ્રાપ્ત કરવા સૌંદર્ય એ માત્ર સાધન છે.
          બોદલેરનાં મતે કવિતાકલાને તો કવિતા ઉપરાંત કશું ખપતું જ નથી. જો કવિ નીતિનો ઉપદેશ આપવા બેસી જાય તો કવિતાનું કાવ્યપણું માર્યુ જાય છે. એટલે જ એણે અનૈતિક અને કુત્સિત પ્રકારની કવિતાઓ સર્જી કવિતાકલાક્ષેત્રે નવો ચીલો પાડ્યો.
           બ્રેડ લી કલાને કોઇપણ બંધનમાં બાંધવા માંગતા નથી. એ તો કલાને સ્વતંત્ર, સંપૂર્ણ અને સ્વાયત માને છે. એમના મતે ... “its nature is to be not a part not yet a copy of the real world but a world in itself, independent, complete, autonomous.” (Western Poetics, Krishnadev Sharma, 14 Adi.1994, P.107)

ભારતીય સાહિત્યમીમાંસામાં મમ્મટથી कान्तासम्मिततयोपदेशयुजे એમ કહી કલામાં સ્પષ્ટ રીતે જ નીતિને આવકાર મળ્યો છે. મમ્મટ સિવાય તેની પહેલાનાં મીમાંસકો – જેવા કે, ભરત, ભામહ, આનંદવર્ધન, જગન્નાથ અને ક્ષેમેન્દ્ર - એ પણ કલામાં નીતિનાં સ્થાનને સ્વીકાર્યુ છે. ક્ષેમેન્દ્રનો ‘ઔચિત્યવિચાર’ અને જગન્નાથનો ‘રમણિયતાવિચાર’ તો નૈતિક મૂલ્યો પર જ ટકેલા છે ને ? સંસ્કૃત સાહિત્યમીમાંસામાં જ નીતિનો સ્વીકાર થયો છે એવું નથી, પણ સંસ્કૃતની અનેક સાહિત્યકૃતિઓમાં પણ નીતિનો પુરસ્કાર થયો છે. સંસ્કૃત નાટકો અને કાવ્યકૃતિઓ તો નીતિનો જ ઉપદેશ આપે છે. એમાંય સંસ્કૃત સુભાષિતો તો નૈતિક મૂલ્યોથી ભરેલા છે. આમ છતાંય માત્ર નીતિનો જ ઉપદેશ આપવો કે નીતિનો જ પ્રચાર કરવો એ સંસ્કૃત કાવ્યોનો કે કાવ્યશાસ્ત્રનો ઉદ્દેશ નથી. સંસ્કૃત કાવ્યોમાં કે કાવ્યશાસ્ત્રમાં કાવ્યનાં પરમ પ્રયોજન તરીકે રસ, સૌંદર્ય કે આનંદને પણ ઉચ્ચ સ્થાન મળ્યું છે, એ તો આપણે સૌ જાણીએ જ છીએ.
ભારતીય સાહિત્યવિચારકોમાં બંગાળી ભાષાનાં સમર્થ સર્જક રવીન્દ્રનાથ ટાગોરે ‘જીવન ખાતર કલા’ અને ‘કલા ખાતર કલા’ એમ બન્ને વાદની હિમાયત કરી છે. તેઓ કલા કે સાહિત્યમા સીધો જ નીતિના ઉપદેશનો આગ્રહ રાખતા નથી, પણ કાવ્યમાં એમણે સત્યમ્, શિવમ્ અને સુંદરમની ત્રિવિધ એકતા આવકારી છે. એમના મતે કવિતાનું ધ્યેય માત્ર નીતિનું શિક્ષણ જ નથી આપવાનું પણ સૌંદર્યની અલૌકિક સૃષ્ટિ રચી લોકોનાં ચિત્તને નિર્મળ કરવાનું છે.
હિન્દી ભાષાના શ્રેષ્ઠ સાહિત્યકાર પ્રેમચંદજી સાહિત્યમાં નીતિનાં પ્રબળ પુરસ્કર્તા છે. એમને આપણે પ્રખર નીતિવાદી સર્જક પણ કહી શકીએ. કારણકે, એમણે સાહિત્યમાં જીવનને અને નીતિને પ્રથમ સ્થાન આપ્યું છે. એમની વાર્તાઓ અને નવલકથાઓ જેવું સાહિત્ય નૈતિક મૂલ્યોથી ઘડાયેલું છે. નૈતિક સર્જનની ભાવના એમનામાં પડી હોવાથી એમનું સાહિત્ય પણ સંસ્કારી, ભાવનાત્મક, વિવેકશીલ અને નીતિવાદી રહ્યું છે.
ગુજરાતી સાહિત્યમાં ગાંધીજીને પ્રખર નીતિવાદી સર્જક ગણી શકાય. જો કે ભારતીય સાહિત્યમાં ગાંધીજીનાં સમકાલીન સર્જક - વિચારકોમાં મોટાભાગનાં ગાંધીજીની નૈતિક ભાવનાનાં મૂલ્યોને જ અનુસરે છે. ગાંધીજીનાં મતે કલાકારની કલા જેટલી સામાન્ય માણસ સુધી પહોંચે તેટલી વધારે શ્રેષ્ઠ ગણાય. કલામાં કે સાહિત્યમાં વિલાસ, વિકાર કે વિકૃતિને માટે કોઇ જગા હોતી નથી. જ્યારે આવા વિષયનું કલા કે સાહિત્યમાં પદાર્પણ થાય છે ત્યારે એની કલાત્મકતાને ઝાંખપ લાગે છે.
ગુજરાતી સાહિત્યમાં ગાંધીજીની નૈતિક મૂલ્યોની ભાવનાને ખાસ કરીને ગાંધીયુગનાં સર્જકોએ વધારે આત્મસાત કરી છે. જેમાં કાકાસાહેબ કાલેલકર, ર.વ.દેસાઇ, ધૂમકેતુ, સુન્દરમ્ અને ઉમાશંકર જોશી વગેરેને ગણાવી શકાય. આ ઉપરાત સુધારકયુગમાં નર્મદ, નવલરામ, નંદશંકર મહેતા અને પંડિતયુગમાં ગોવર્ધનરામ ત્રિપાઠી, ન્હાનાલાલ, કાન્ત, બ.ક.ઠાકોર વગેરેનાં સર્જનમાં પણ આપણને નૈતિક મૂલ્યોનાં સૂર સંભળાય છે.
         મણિલાલ દ્વિવેદી એક મોટા પ્રકાંડ પંડિત છે. એઓ કાવ્યશાસ્ત્ર અને તત્વજ્ઞાનનાં મહાન વિચારક છે. આથી એમણે રસ વિષયક વિભાવના સ્પષ્ટ કરતી વેળા કવિને તત્વજ્ઞની ભૂમિકાએ વિચારી અનીતિ, અસત્ય અને અનાચારથી દૂર રહેવા જણાવ્યું છે. તેઓ કહે છે, “જે રસને અવલંબીને કવિ અને તત્વજ્ઞ એકની એક ભૂમિકામાં ભેગા થઇ શકે છે તે રસ કાવ્યમાત્રનો જીવ છે, એમાં સંશય નથી. એમા અનીતિ, અસત્ય, અનાચાર તેનો સંભવ જ નથી.” (સાહિત્યમીમાંસા, સં. વિષ્ણુપ્રસાદ ત્રિવેદી , દ્વિ. આ. 1974, પૃ. 10-11)
          આનંદશંકર ધ્રુવ કવિતાને ‘અમૃતસ્વરૂપ’, ‘આત્માની કલા’ અને ‘વાગ્દેવી’ રૂપે ઓળખાવતા હોવાથી સાહિત્યની કલામાં  તેઓ નીતિ, ધર્મ, સત્ય અને આત્માની ઉદાત્તતા જેવા તત્વોને અનિવાર્યપણે સ્વીકારે છે. તેઓ કહે છે, “કવિની દષ્ટિ વિષયવાસનાને દેહાન્તર કરાવી સ્વર્ગલોકમાં લઇ જાય છે અને ત્યાં રસમંદાકિનીનાં પવિત્ર જળમાં ન્હવરાવે છે.” (કાવ્યતત્વવિચાર, આનંદશંકર ધ્રુવ, પ્ર.આ.1939, પુન: મુદ્રણ-1962, પૃ.109) તેઓ સાથે સાથે કલાપ્રવૃતિને ‘યજ્ઞના હુતશેષ’ જેવી ઉચ્ચ અને પવિત્ર માની ‘કલા ખાતર કલા’ વાદની હિમાયત પણ કરે છે. કલામાં જે ‘ઉત્-શિષ્ટ – ઉંચુ શિષ્ટ’ રહેલું છે તેને કલા તરીકે સ્વીકારી સૌંદર્યને વિશેષ મહત્વ આપે છે. એમના મતે કવિતા સૌંદર્યદર્શન કરાવી આનંદ આપે છે. આથી જ તેઓ કાવ્યાનંદ અને વિષયાનંદને ભિન્ન સમજે છે. એમણે કાવ્યમા સૌંદર્યની કે આનંદની સાથે ઉપદેશ કે નીતિનાં પ્રયોજનને પણ સ્વીકાર્યું છે, પરંતું ઉપદેશ કે નીતિ કાવ્યની ‘સરસતાનો ભંગ કર્યા વગર’ આવે તે એમને વધારે ઇષ્ટ છે.
            બળવંતરાય ઠાકોરનુ મુખ્ય ધ્યેય તો કલાસૌંદર્યની પ્રાપ્તિનું જ રહ્યું છે, છતાં તેઓ કલામાં ‘નીતિભાવના’ અને ‘ધર્મભાવના’ને અનિવાર્ય માને છે. કલાને તેઓ નિમ્ન સ્થાન નથી આપતા પણ કલાને ‘પૂજનીય’ અને ‘દેવી’ સ્વરૂપે ગણે છે. એટલે જ એઓ કહે છે, ‘કવિતા અને કલા તો દેવીઓ છે, દીર્ઘ, અવિરત શ્રદ્ધાની, નિર્મલ, પરમભક્તિ વડે જ તેઓ રીઝે તો રીઝે, જેના ઉપર જેટલી રીઝે તેટલું તેનું અહોભાગ્ય.’ બળવંતરાય ઠાકોર સાહિત્યકલામાં થતાં અનીતિના આલેખનને ધિક્કારે છે. એમના મતે કલા કે સાહિત્યમાં આવું અનીતિનું આલેખન કરનાર સર્જકોને સમાજ કયારેય સ્વીકારતો નથી. કલા કે સાહિત્યનું મુખ્ય પ્રયોજન માણસના ચિત્તમા રહેલા અનિષ્ટ તત્વોનો નાશ કરી, એના આત્માને શુદ્ધ કરી, સંસ્કારી બનાવવાનો છે. અને એટલે જ એમણે કહ્યું છે કે, “આમવર્ગને નામે ઓળખાતી કોટિલક્ષાવધિ જનતાને પણ સામાન્યમાંથી વિશિષ્ટ અને પામર પશુમાંથી સંસ્કારી માનવ બનવાને માટે તો અપ્સરા પ્રકૃતિ કલાઓનો અવતાર છે.” (પ્રવેશક, ગુચ્છ-1, બ.ક.ઠાકોર, પ્ર.આ.1959, પૃ.34)
કવિ નાનાલાલ કવિતાને ‘આત્મામાંથી પ્રગટતી પરબ્રહ્મની આનંદલીલા’ તરીકે ઓળખાવતા હોવાથી કવિતાકલામાં નીતિયુક્ત સંયમ વિશેષ અભિપ્રેત છે. સંયમ વિનાની કલા પ્રત્યે એમને તિરસ્કાર છે. તેઓ હંમેશા કવિમા નીતિપરાયણતા અને કવિતામાં નીતિનિરૂપણનો આગ્રહ રાખે છે. મિલ્ટન કે ટેનિસનની જેમ તેઓ પણ સાહિત્યમાં અનૈતિકતા કે અસત્યને સ્વીકારવા તૈયાર નથી. એમના મતે સાહિત્યમાં આલેખાતી ભાવનાઓ ઉચ્ચ અને નૈતિક હોવી જોઇએ. ‘સંઘમિત્રા’મા એઓ લખે છે કે, “કવિતા એટલે સ્વતંત્રતા અને સંયમ, વિચરી ગગનદેશે વીજળીઓ વીણીને, કિરણ - કિરણ કેરી સાંભળીને ઋચાઓ, સુમન - સુમન ઘાટે સારવીને પરાગો, સહું પછી પૂરવાના શબ્દના સંયમ એ.”
         કનૈયાલાલ મુનશીએ ‘કલા ખાતર કલા’વાદનો પુરસ્કાર કર્યો છે. એમના મતે કલા કે સાહિત્યનો ધ્યેય આનંદ આપવાનો છે. કલા કે સાહિત્ય સૌંદર્યદર્શન વડે આનંદ આપે છે. તેથી કલામાં નીતિ, ધર્મ અને સત્યનો અતિ આગ્રહ રાખવો ઉચિત નથી. તે કલાને હણી નાખે છે. મુનશી નીતિને કલાની ‘વિષકન્યા’ ગણે છે. કલામાં તેઓ વસ્તુ કરતાં એની નિરૂપણરીતિને વધારે મહત્વ આપે છે. એટલે જ તેઓ કહે છે, “શુદ્ધ સાહિત્યમાં કહેવાનો અર્થ ગૌણ હોય છે, પણ કેવી રીતે તેને કહીએ છીએ એ વસ્તું પ્રધાન બને છે. શું કહ્યું તેનાં કરતાં કેવી રીતે કહ્યું તે વધારે અગત્યનું બને છે.” (આદિવચનો, ભાગ-2, કનૈયાલાલ મુનશી, પ્ર.આ.1943, પૃ.159)
          રા.વિ.પાઠક અને વિજયરીય વૈધ કલામાં નીતિનાં આલેખન બાબતે તટસ્થ વિચારકો છે. રા.વિ. પાઠક કલા અને નીતિ વિશેનાં વિચારોમા ગાંધીજીની નૈતિક ભાવનાને અનુસરે છે, છતાં તેઓ નીતિ અંગે કોઇ ચોક્કસ પ્રકારનો આગ્રહ રાખતા નથી. એમના મતે કલામા નીતિનાં અમુક પ્રકારનાં આગ્રહના કારણે કલા કે કાવ્યનો આસ્વાદ લઇ શકાતો નથી. નીતિનો વધારે પડતો આગ્રહ કલાનુભવનાં આસ્વાદમાં હાનિકારક બને છે. તેથી તેઓ કલાને કલાની રીતે કે રસની રીતે જોવાય તે વધારે યોગ્ય ગણે છે. જો કે એમનું માનવું એમ પણ છે કે, કોઇપણ કવિ સમાજની સંસ્કારિતાને અવગણીને કાવ્યમાં અનીતિનું આલેખન કરી શકે નહીં. તેઓ કહે છે, “આપણા સમાજની સંસ્કારિતાની આ કોટિએ અનીતિનો ઉત્સાહ એ ઉચિત ભાવ નથી. તેનો તિરસ્કાર કે જુગુપ્સા કે ઉપહાસ એ ઉચિત ભાવ છે.” (કાવ્યની શક્તિ, રા.વિ.પાઠક, પ્ર.આ.1939, પૃ.26) તેઓ કલાને નીતિનાં બંધનમાં બાંધવા માંગતા નથી પરંતું અનીતિનાં આલેખનથી ઉત્તમ સાહિત્ય સર્જાતું નથી એમ પણ તેઓ અવશ્ય માને છે. આ બાબતને સ્પષ્ટ કરતાં તેઓ કહે છે, “જેમ ઉત્તમ સાહિત્ય અમુક વિષયનું જ હોવું જોઇએ – સ્વદેશાભિમાનનું જ હોવું જોઇએ એમ ન કહીં શકાય, તેમ નીતિનું ઉપદેશક જ હોવું જોઇએ એમ પણ ન કહી શકાય પણ અનીતિમાં ઉત્સાહ પ્રેરતું સાહિત્ય હીન છે એ તો ચોક્કસ.” (કાવ્યની શક્તિ, રા.વિ.પાઠક, પ્ર.આ.1939, પૃ.26)
       વિજયરાય વૈદ્ય કલામાં નીતિનાં આલેખનને ‘સ્થૂળ કૃતિનો નહીં’ પણ ‘સૂક્ષ્મ અનુભવનો વિષય’ માને છે. એમના મતે કલાકારે કલાને કલાની રીતે જોવાની હોય છે. એને નીતિ - અનીતિની જંજાળમાં પડવાનું હોતું નથી. કલાકારે તો તટસ્થપણે જગતમાં જે ‘સારાસાર, શુભાશુભ, સત્યાસત્ય’ હોય તેનું જ નિરૂપણ કરવાનું હોય છે. એનો અર્થ તેઓ એવો નથી કરતાં કે કલામાં નીતિને કોઇ સ્થાન જ નથી. કલામાં નીતિનાં સ્થાન અંગે તેઓ કહે છે કે, “આમા એમ વિવક્ષિત નથી કે કલામાં નીતિ હોય એ ઘટના કલા વિરોધી છે, એમ એવો પણ અર્થ કોઇ ન લે કે અનીતિ કલાને વરે તો જ કલા સાચી કલા છે. દુનિયાની લગભગ હરેક ગણનાપાત્ર કલાકૃતિ શુદ્ધ ને ઉચ્ચ ભાવનામાંથી જ જન્મી છે.” (હીરા અને પન્ના, વિજયરાય વૈદ્ય, પ્ર.આ.1984, પૃ.70-71) તેઓ કલામાં નીતિનાં પ્રવેશનો અનાદર કરતા નથી, પણ એવું માને છે કે, કલામાં નીતિનું ઇચ્છા-અનિચ્છાએ, જાણ્યે-અજાણ્યે આલેખન થતું જ હોય છે, આપણે એને સંપૂર્ણ રીતે નકારી શકીએ નહીં. એઓ કહે છે તેમ, “આપણને ગમે કે નહીં, આપણાથી પૂરતા પ્રમાણમાં આચરાય કે નહીં, આપણે ભલે તેને ઉવેખવા ચાહીએ, છતાં નીતિ ભાવના આપણને એવી સુદ્દઢ વરેલી છે કે છૂટાછેડાની વાત જ નકામી છે.” (સાહિત્યચર્ચા, સં. અનંતરાય રાવળ, પ્ર.આ.1981, પૃ.111)
આમ, ઉપરોક્ત વિચારકોની વિચારણા પરથી અને એમના અવતરણો પરથી આપણે એટલા નિષ્કર્ષ પર તો અવશ્ય આવી શકીએ કે, કલાને ન તો આપણે સંપૂર્ણ રીતે જીવન ખાતર માની નીતિની દાસી ગણી શકીએ કે ન તો એને જીવનથી સંપૂર્ણ વિપરીત રીતે દૂર રાખી શકીએ. કલાકાર પોતાની કલામાં જીવન સાથે સંબંધિત સમસ્યાઓને અને માનવ ચરિત્રને આલેખિત કરે છે. તેથી કલામાં નૈતિક મૂલ્યો તો આવ્યા વિના ન જ રહે ને ? કલાકાર પણ આખરે તો સમાજમા રહેતી એક સામાજિક વ્યક્તિ છે. જેને લીધે એ સમાજનાં નૈતિક મૂલ્યોને નકારી શક્તો નથી. એની કલામાં સમાજ અને જીવનની ઘટનાઓ અને સમસ્યાઓ આવવાની, અને એની સાથે સાથે નૈતિક્તા પણ આવવાની.
અંતે એટલું કહી શકાય કે, ‘જીવન ખાતર કલા’ અને ‘કલા ખાતર કલા’ – આ બન્ને સિદ્ધાંત એકબીજાનાં પૂરક છે. કલામાં બન્નેનો આવિષ્કાર થાય છે. પરંતું કલામાં આ બન્નેનો અતિરેક કલા માટે ઘાતક બની રહે છે. તેથી કલાને આ બધા બંધનોથી મુક્ત રાખીએ તો જ એમાંથી સાચું સૌંદર્ય પ્રગટ થાય.
આખરે હોરેસના મતને અનુસરવા જેવું લાગે. હોરેસ નીતિ, ઉપદેશ અને આનંદના સમન્વયમાં વિશ્વાસ ધરાવે છે. તે કહે છે, “The poet’s aim is either to profit or please or to blend in one the delightful and the useful .... the man who mingles the useful with the sweet carries the day by charming his reader and at the same time instructing him.” (Western Poetics, Krishnadev Sharma, 14 Adi.1994, P.109)
અર્થાત્ ‘કવિનો મૂળ ઉદ્દેશ કાં તો ઉપયોગિતાનો હોય છે, યા તો આનંદ આપવાનો હોય છે. આ બન્નેમાંથી જે વધારે લાભદાયી હોય અથવા તો આ બન્નેને એકમાં જ સમાવી શક્તો હોય ..... જે માણસ આ બન્નેનો સમાવેશ કરી શકે છે તે જ સફળ સર્જક છે.’

સંદર્ભ
સાહિત્યમીમાંસા, વિષ્ણુપ્રસાદ ત્રિવેદી, ૧૯૭૪
ગુજરાતી વિવેચનના કેટલાક સમ્પ્રત્યયો, હિમ્મત ભાલોડિયા, ૨૦૦૯
ભારતીય અને પાશ્ચાત્ય સાહિત્ય વિવેચનના સિદ્ધાંતો, હિમ્મત ભાલોડિયા, ૨૦૧૧
પાશ્ચાત્ય કાવ્યશાસ્ત્ર, કૃષ્ણદેવ શર્મા, ૧૯૯૪
Literary Criticism in Activity 1-2,  J.W.H. Atkins, 1934
Art and Morality, Wikipedia, the free encyclopedia (DL. 12 Dec.2011)
Art and Morality, Robert G. Ingersoll, North American Review, 1888.

ડૉ. હિમ્મત ભાલોડિયા,
અધ્યક્ષ, ગુજરાતી વિભાગ,
સરકારી આર્ટસ્ એન્ડ કોમર્સ કૉલેજ,
કડોલી, હિમ્મતનગર. જિ. સા.કાં.


***
 
Home    ||   Editorial Board    ||    Archive   ||  Submission Guide   ||   Feedback   ||  Contact us   ||  Author Index