અભિપ્રાય આપવો એ કલા છે ?

ડૉ. નરેશ શુક્લ

કોઇપણ માણસ કંઇ પણ જડ કે ચેતન પદાર્થના સંપર્કમાં મુકાય છે ત્યારે તરત જ એનું ચિત્ત કંઇક રી-એક્શન આપે છે. આપણે પાંચેય ઇન્દ્રીઓ વડે આ જગતના સંસર્ગમાં મુકાતા હોઇએ છીએ. એટલે ચિત્ત સતત મળેલા ડેટાનું પૃથક્કરણ કરીને એના વિશે કોઇ અભિપ્રાય બાંધે છે ને આપણે પછીના સ્ટેપ તરફ વધી જઇએ છીએ. આ બહુ જ જડપી અને ફટ્ટાક દઇને થતી ક્રિયા હોવાથી એના વિશે બહુ સભાન હોતા નથી. પણ જો એ પ્રક્રિયાને સમજીએ તો આપણાં વર્તનની કેટલીક ખૂબીઓ અને એ જ રીતે ખામીઓ પણ હાથ આવે. કોઇપણ અભિપ્રાય સુધી પહોંચવા માટે ચિત્ત થોડી જ સેકન્ડમાં  ભૂતકાળથી માંડીને વર્તમાનમાં ફરી વળે છે. સાથોસાથ વાંચેલા રેફરન્સ અને જોયેલા કે સાંભળેલાં સંદર્ભોના મસમોટા વ્યપારને એ થોડીવારમાં ફંફોસીને એ આપણને ચોક્કસ વિચારરુપે ચિત્તમાં આકારિત થાય છે ! આ કામ એ કોમ્પ્યુટર કરતાય વધુ જડપી અને સ્વયંભૂ કરી આપે છે. એને કમાન્ડ આપવાની ભાગ્યે જ જરુર પડે છે.
આમ તો જે શીર્ષક આપ્યું છે એનો જવાબ તો બહુ વ્યાપક અને ખાસ્સી કસરત માગી લે તેવો છે, એટલે આ પાનાંની મર્યાદા જાળવીને માત્ર સાહિત્યને કેન્દ્રમાં રાખીને મારી વાત કરવા ધારું છું, અન્ય કોઇને આ વિષયમાં રસ પડે ને વાતને આગળ ધપાવે તો કંઇક નવી જ દીશા ખૂલે એમ છે.
સાહિત્યમાં અભિપ્રાયનું પણ સાહિત્ય જેટલું જ મૂલ્ય છે, એ અભિપ્રાય ઉપલક અને ઉભડક હોય તો તત્કાલ અસર જન્માવીને એ કાળના ખપ્પરમાં વિલિન થઇ જાય પણ જો બરાબર ઘૂંટાયેલો અને બને અને જો શાસ્ત્રીય હોય તો એ કાલંજયી બનીને સદીઓ સુધી ભાવક અને સર્જક વચ્ચેની કડી બની રહે છે. ભૂતકાળમાં આવું અનેકવાર બન્યું છે એ આપ જાણો છો. પ્રાચીન કૃતિઓ વિશે સમયે સમયે અપાયેલા અભિપ્રયો વડે તો શાસ્ત્રો રચાયા છે. તે કાળના સર્જકો વિશે આજે જે જાણીએ છીએ એમા આવા સુગ્રથિત અભિપ્રાયોના કારણે. આવો થોડી પધ્ધતીસર વાત કરીએ.
અભિપ્રયાય જયારે સમુચિત રીતે અપાય ત્યારે એને રિવ્યુ, સમીક્ષા, ગ્રંથાવલોકન કે  વિવેચન જેવા શબ્દોથી ઓળખીએ છીએ. આપણે સમીક્ષા કે ગ્રંથાવલોકન શબ્દથી વાતને ચલાવીએ. ગ્રંથનું અવલોકન અટલે ગ્રંથની સમીક્ષા. ગ્રંથને બરાબર વાંચીને પછી એના વિશેનો અભિપ્રાય. આપણી સામે પહેલો જ પ્રશ્ન આવે કે ગ્રંથ વાંચનારાં બધાં ગ્રંથાવલોકન કરી શકે ? એનો જવાબ મેળવવા આપણે એના વિશેની કેટલીક શાસ્ત્રીય વિચારણામાં જવું પડશે. આપ સૌ જાણો છો તેમ સાહિત્ય એ ત્રી-ધરી વ્યાપાર છે. એમાં એક છેડે છે કર્તા, ને બીજે છેડે છે ભાવક. આ બન્ને વચ્ચેનો સેતુ બને છે કૃતિ. સર્જકના ચિત્તમાં સર્જાયેલ ભાવ કે વિચારવિશ્વ શબ્દરુપે ભાવકના ચિત્તમાં પહોંચે છે. ત્યાં એક વર્તુળ પૂરું થાય છે. સર્જકને બ્રહ્માનંદ સહોદર આનંદની અનુભૂતિ થાય છે એની સર્જનક્ષણે એવું કહેવાયું છે, તો એની સામે ભાવન સમયે થતો આનંદ અનુભવને આપણે સૌએ પ્રત્યક્ષપણે માણ્યો જ છે. એ પણ એક અર્થમાં નિર્વચનીય છે. આથી જ સર્જન માટે જેમ ‘પ્રતિભા’શક્તિને જવાબદાર ગણાવાઇ તેમ ભાવન માટે પણ ‘ભાવયિત્રી’ શક્તિને અનિવાર્ય ગણવામાં આવી છે. વિશિષ્ટ એવી પ્રતિભા વગર ભાવન પણ શક્ય નથી. ગમે તે માણસ સાહિત્ય કે અન્ય કલાનો રસાનુભવ કરી શક્તો નથી. એ માટે પણ પાત્રતા હોવી અનિવાર્ય લેખાઇ છે. માત્ર ભાષાજ્ઞાન હોવું પૂરતું નથી. કૃતિ માત્ર વાંચી જવી એ ભાવન નથી. કૃતિ વાંચવા માટે સહ્યદયી હોવું, કલા વારસાના, વધું નહીં તો છેવટે આછાપાતળાં ય જાણકાર હોવું અનિવાર્ય છે અન્યથા એ કલાકૃતિના સેવન માટે ગેરલાયક ઠરે !
કલાકૃતિના ભાવન માટે આચાર્ય રાજશેખરે ભાવકના ચાર પ્રકારો આપ્યા છે.
૧. એવો ભાવક જેને સામાન્ય હોય એવું કશું જ ગમે નહીં. એના ધોરણો બહુ જ ઊંચા હોય. એવા ભાવકને અરોચકી ભાવક તરીકે ઓળખાવ્યો છે.
૨. એવો ભાવક જેને સાવ કચરા જેવી રચનાઓ પણ ગમે, એ કોઇને પણ વાંચવા તૈયાર જ હોય. એવો ભાવક તે સતૃણાભ્યવહારી ભાવક.
૩. જે કોઇપણ કૃતિ વાંચે પણ એને જુએ તો પોતાના ચોક્કસ એવા પૂર્વાગ્રહ સાથે જ. અન્ય કંઇ સ્વીકારવાની તૈયારી જ ન હોય એવા ભાવક તે મત્સરી.
૪. એવો ભાવક જે સ્વસ્થ ચિત્તે, પૂર્વાગ્રહો છોડીને તાત્ત્વિકતાનો આગ્રહ રાખનારો ભાવક તે તત્ત્વાભિનિવેશી.
આમ, ભાવકોમાં આવા પ્રકારો હોય છે એવું રાજશેખરે કહ્યું છે. આ ઉપરાંત પણ ભાવકના પ્રકારો અન્ય રીતે પણ પાડવામાં આવ્યા છે.
૧. હ્યદયભાવક- કૃતિનું આસ્વાદન મનમાં કરે અને એને વ્યક્ત ન કરે.
૨. વાક્ભાવક - કાવ્યના ગુણ-દોષોને શબ્દમાં મુકે તે વાક્ભાવક.
૩. ગૂઢભાવક - કાવ્યગુણને સાત્ત્વિક કે આંગિક અનુભવોથી વ્યક્ત કરે.            

આ પ્રકારો જાણ્યા પછી સ્પષ્ટ થઇ જાય એમ છે કે દરેક ભાવક સમીક્ષા કરવાની શક્તિ ધરાવતો નથી. કૃતિના પઠન પછી દરેકના ચિત્તમાં કોઇ ને કોઇ પ્રતિભાવ તો અવશ્ય આવે પણ કોઇક જ એને વ્યક્ત કરવાની સજજતા અને ઇચ્છા ધરાવતા હોય છે. બાકી મોટાભાગના ભાવકો એને વાંચે છે, આનંદ લે છે, ક્યારેક એમાંનો કોઇ અંશ એના ચિત્તને સ્પર્શી જાય તો એને મમળાવ્યા કરે. અને સદ્ભાગ્યવશ એવું પણ બને કે કૃતિના સારા મુલ્યનેે પોતાના જીવનમા વણવાનો પ્રયાસ કરે. ઘણીવાર મૂલ્ય ન સમજનારો ભાવક બાહ્ય અનુકરણ કરવા તરફ વળી જતો હોય છે. સરસ્વતીચંદ્ર નવલકથા પ્રકાશિત  થયા પછી એની અસર એટલી બધી થયેલી કે એના પાત્રો જેવા વસ્ત્રો અને ગૃહત્યાગ કરવા સુધીના અનુકરણો થયા હતા. અત્યારે ફિલ્મોની બાબતે આવું જોઇ શકાય છે.
પહેલા અને ત્રીજા પ્રકારના ભાવકમાં વિશેષ સજજતાની જરુર રહેતી નથી. પણ જે ભાવક પોતાનો પ્રતિભાવ શબ્દમાં વ્યક્ત કરે છે તેની પાસે વિશેષ પ્રકારની સજજતા જરુરી બને છે. આપણે એને વિવેચક તરીકે ઓળખીએ છીએ, એ વિવેચકને ઉમાશંકર જોશીએ ‘ભાવકશ્રેષ્ઠ’ કહ્યો છે. એમ કહેવામાં જ વિવેચકની વધારાની સજજતાનો સ્વીકાર થઇ જાય છે. મારી આંખે કંકુના સુરજ આથમ્યા કે પછી સમી સાંજનો ઢોલ ઢબૂક્યો.. કાવ્ય વિદ્યાર્થી સામે રસવાહી રીતે એના સંદર્ભો સાથે સમજાવીએ ત્યારે સામે બેઠેલાઓના ચ્હેરા ઉપર જે ચમક આવી જાય છે ! એ વિવેચકની જરુરિયાત બતાવે છે. ટૂંકમાં, સર્જક અને ભાવકની વચ્ચે કડીરુપ બને છે આવો સજજ ભાવક. અર્થાત વિવેચક. એની હાજરીથી સાહિત્યના ભાવનનો આનંદ બેવડાતો હોય છે.
હવે ભાવન પ્રક્રિયાને વધારે ઊંડાણથી તપાસીએ. સારું ભાવન ક્યારે શક્ય બને ?
- પહેલી વાત જરાં સ્થૂળ લાગે પણ એ અત્યંત જરુરી છે. કલાકૃતિ સાથેનું ભૌતિક અંતર. સાહત્યકૃતિમાં તો  બાબત કદાચ બહુ જરુરી ન લાગે પણ સંગીત, ચિત્ર, શિલ્પ-સ્થાપત્ય આદિ કલાઓમાં આ બહુ અનિવાર્ય બની રહે. ચિત્રને યોગ્ય  અંતરથી ન જોવામાં આવે તો એ એનું ભાવન એટલું અસરકારક નથી બનતું. એવું જ સંગીત અને શીલ્પ સ્થાપત્યનું છે. આ કલાઓના આસ્વાદનમાં ભૌતિક અંતરની ચોકસાઇ અનિવાર્ય છે. - જે ભાષાની કૃતિ વાંચતા હોય એ ભાષાની પર્યાપ્ત સજજતા હોવી અનિવાર્ય છે. એવું જ અન્ય કલા માધ્યમોનું છે. દા.ત. તમે સંગીતકલાનો આનંદ લેવા માટે સંગીતની શિસ્ત જાણતા હોવા જોઇએ, શ્રવણેન્દ્રિયની આવશ્યકતા ઉપરાન્ત સૂરની પ્રાથમિક સમજ જરુરી છે.
ટૂંકમાં, કૃતિ સાથેનું એસ્થેટિક ડિસ્ટન્સ જળવાવું જરુરી છે.             

જે સ્વરુપની કલાકૃતિનું ભાવન કરવા માગતા હોય એ કલાના વારસાની એને જાણકારી હોવી અનિવાર્ય છે. જેમકે, ‘રામાયણ’નો સંદર્ભ ન જાણનારો માણસ સિતાંશુ યશશ્ચંદ્રની કૃતિ ‘જટાયુ’નો આસ્વાદ બરાબર ન કરી શકે. એ રીતે આપણાં અનેક આધુનિક નાટકોમાં મિથનો ભરપૂર ઉપયોગ થયો છે એના સાચા અને ઘનિષ્ટ આસ્વાદ માટે મૂળ સંદર્ભની કથાઓનો ખ્યાલ હોય તો સર્જકની સાચી સર્જકતાનો પરિચય ભાવકને થાય છે. ટૂંકમાં, એને શાસ્ત્રો અને પરંપરાનું જ્ઞાન જરુરી છે. જો આટલી પ્રાથમિક સજજતા હોય તો જ ભાવન શક્ય બને. ભાવન કરતી વેળાએ જે કેટલાક રસવિઘ્નો સર્જાવાની  સંભાવના રહેલી છે. સંસ્કૃત સાહિત્યમાં ભાવન વેળાએ ઊભા થતાં રસવિઘ્નો વિશે વિચારણા થયેલી છે. એ જોઇ લઇએ.

૧. સંભાવના વિરહઃ- કથાનક સમ્પૂર્ણપણે કાલ્પનિક હોવા છતાં જીવનના યથાર્થ પર આધારિત હોવું જોઇએ. અને એને એ જ રીતે ભાવન કરવામાં આવે તો જ ભાવનનો આનંદ મળે. જેમકે માનવીની ભવાઇ વાંચતી વેળાએ એના પાત્રો ક્યાં રહેતા હતા, એ ખરેખર આ દુનિયામાં હતા કે પછી પન્નાલાલે એને કલ્પેલા છે એટલે આ સાચું નથી - એવું જો ભાવન વેળાએ એ વિચારે તો એને આનંદમાં વિઘ્ન આવે છે.
૨. સ્વગત-પરગત ભેદઃ-  જો ભાવક સ્વગત પરગતના ભેદથી મુક્ત ન રહી શકે તો ભાવક રસાસ્વાદ માણી શકતો નથી. આ ક્યાં મારા સગાં થાય છે ? આ તો રામનું દુઃખ છે, એ તો હજજારો વર્ષ પહેલા થઇ ગયા, વળી એમને એમની સીતા પરત મળી ગઇ હતી એ મને ખબર છે - એવું વિચારીને જો કૃતિનો આસ્વાદ કરવામાં આવે, આ મારું છે કે આ મારું નથી એવો ભાવ જો વાંચતી વખતે રહે તો આસ્વાદનમા વિઘ્ન સર્જાય છે.
૩. નિજ સુખદુઃખાદિવિવશીભાવઃ- વ્યક્તિગત સુખદુઃખને જો કૃતિ સાથે સાંકળીને આસ્વાદ કરવામાં આવે તો આસ્વાદમાં વિઘ્નો સર્જાવાની શક્યતા રહેલી છે.
૪. અપ્રધાનતત્ત્વને મહત્વઃ- કૃતિમાં રહેલ અપ્રધાન વાતને જરુર કરતાં વધારે મહત્વ આપવાથી પણ આસ્વાદમાં વિઘ્ન સર્જાય છે. (દા.ત.- મહાભારતનું યુધ્ધ. એમાં કેટલાંય પ્રતાપી પુરુષો મરે છે. ભિષ્મ,દ્રોણ, કર્ણ આદિ, પણ એનું પ્રધાનપણું નથી. એમાં પ્રધાનતત્ત્વ છે ધર્મનો જય.)

૫.સંશયયોગઃ- વાંચતી વખતે કે કલાનુભવ લેતી વખતે ‘આવું તો કંઇ હોતું હશે ?’નો સંશયભાવ જો ચિત્તમાં હોય તો રસવિઘ્ન થાય છે. (દા.ત.- લંકા પ્રવેશ માટે સાગર પર પૂલ બાંધવો કે હનુમાનજી આખો પર્વત ઉપાડી લાવે છે તે વાત સ્વીકારીને જ ચાલવું પડે. એ વાતમાં સંશય કરવાથી રસવિઘ્ન સર્જાય છે.)              

આમ, કોઇપણ કલા કે સર્જનને માણવા માટે વિશિષ્ટ એવા ચિત્ત સાથે પ્રવૃત્ત થવું પડે છે. એમાં પરંપરાનું અનુસંધાન  જેટલું વધારે સઘન આસ્વાદનમાં મદદરુપ થાય છે એટલું જ શક્ય છે કે એ પૂર્વાગ્રહને ઘડવામાં પણ કારણરુપ બને છે- એટલે એક સ્વસ્થ વિવેક સાથે કૃતિ પાસે જવુ પડે છે. એવી આદર્શ અવસ્થામાં થયેલ આસ્વાદ પછી જન્મેલ પ્રતિભાવ વધારે અસરકારક અને પ્રતિતિકર હોઇ શકે. કર્તા અને ભાવક બન્નેની વચ્ચે સાચા અર્થમાં કડી બની શકે. એટલું જ નહીં, આવી પ્રક્રિયા પછી જન્મેલ અભિપ્રાય સ્વભાવિક જ આવકાર્ય બને. એટલે સુરેશ જોષી કહે છે, ‘કેળવાયેલી રુચિથી આપણે જયારે કૃતિનું અનુશીલન કરતા હોઇએ છીએ ત્યારે આલોચનની પ્રક્રિયા આપણાં રસાસ્વાદને પૂરક બની રહે છે. એના વડે જ આપણે કૃતિના હાર્દમાં પ્રવેશી શકીએ છીએ. પછી અસંપ્રજ્ઞાતપણે આપણે એમાં પ્રવૃત્ત થતાં જ રહીએ છીએ. એ આપણાં મનનું એક વલણ બની રહે છે. આથી જ એલિએટે વિવેચનને શ્વાસોચ્છ્વાસની પ્રક્રિયા જેવું અનિવાર્ય ગણાવ્યું છે. ફ્રામ પણ સ્વીકારે છે કે આજે કોઇપણ ભાવકને માટે કેવળ મુગ્ધતાથી કૃતિને જોવું શક્ય નથી રહ્યું. પ્રતિભાવમાં આત્મસભાનતા અનિવાર્યપણે રહી જ હોય છે.
(ચિન્તયામિ મનસા. પૃ.૮૨)’            

જયંત કોઠારી વિવેચનનું વિવેચન કરતી વખતે આ મુદ્દો બરાબર ઉપસાવી આપે છે. વિવેચનમાં આત્મલક્ષીતા અને વસ્તુલક્ષિતા પૈકી કયા પર ભાર દેવો એ એક પ્રશ્ન જ રહ્યો છે. બંનેના સમતોલનથી કંઇક વાત બને. જયંત કોઠારી લખે છે, ‘આધુનિક  વિવેચનમાં આ આત્મલક્ષીતાનું લક્ષણ અવારનવાર ઉપસી આવે છે, મેં જેને આરોપણો કહેલાં તે આ રીતે જ આવેલાં છે સિતાંશુ પોતાના વિવેચનમાં, એ પોતે કહે છે તેમ, ‘સરસ્વતીચંદ્રને રચે છે’, નીતિન મહેતા ‘તને મેં ઝંખી’તી’ એ સુન્દરમ્ના કાવ્યને, પોતાની અનુભૂતિના સંદર્ભમાં, સર્જે છે. કોઇ ઉત્તમ કોટિના ભાવકનો પ્રતિભાવ - કેવળ પ્રતિભાવ પણ સાહિત્યકૃતિ સાથેના આપણાં સંપર્કને દોરે - અજવાળે એવો હોઇ શકે એમ હું સ્વીકારું છું. વિવેચક સાહિત્યકૃતિથી પ્રતિસંવેદિત થયો જ હોવો જોઇએ એ પણ હું સ્વીકારું છું. કેટલુંક વિવેચન સંવેદનના આલેખરુપ આવે તો એનોયે વાંધો નથી, પણ અંતે હું વિવેચન પાસે જાઉં છું ત્યારે અમુક સાહિત્યકૃતિ વાંચીને અમુક વિવેચકને શું થયું તે જાણવા માટે જતો નથી. વિવેચન મારી સાહિત્યરુચિ અને સાહિત્યસમજને પોષે સંવર્ધે એ માટે જાઉં છું. એ માટે વિવેચને વસ્તુલક્ષી બનવું જ રહ્યું... પણ અહીં વિવેચનના હેતુનો જ એક મોટો પ્રશ્ન ખડો થાય છે, વિવેચન સાહિત્યરુચિ અને સાહિત્ય સમજને પોષવા-સંવર્ધવા માટે હોય છે ખરુ ? એ એ કરી શકે છે ખરું ?’ આ વિષયની ચર્ચા સદીઓથી થતી આવી છે ને થતી રહેવાની છે. કેમકે, ભાવન હોય કે સર્જન હોય માનવચિત્તની જયાં જયાં હાજરી છે ત્યાં ત્યાં સતત પરિવર્તન અને છટકિયાળપણું રહ્યું છે. સતત એની અપેક્ષાઓ બદલાતી રહે છે, એ જ રીતે એનો અભિગમ પણ બદલાતો રહે છે એટલે સમજને વધારે સમૃદ્ધ કરવા માટે સમાન્તરે આ ભાવનસંબંધી ચર્ચા વિચારણા પણ ચાલતી જ રહેવાની. સંદર્ભ ગ્રંથો.
૧. ચિન્તયામિ મનસા. સુરેશ જોશી (પૃ.૮૨)
૨. અધિત (પાંચ) જૂઓ- સિતાંશુ યશશ્ચંદ્રનો લેખ. પૃ.-૧૦૭
૩. આધુનિકતા અને ગુજરાતી આધુનિકતા (સુમન શાહ)
૪. રાજતરંગિણી. રાજશેખર
૫. વિવેચનનું વિવેચન. જયંત કોઠારી. (પૃ.૯૧)

ડો. નરેશ શુક્લ,
૫૩-એ., હરિનગર સોસાયટી, મુ.પો.વાવોલ. જિ. ગાંધીનગર-૩૮૨૦૧૬. ફોન-૯૪૨૮૦૪૯૨૩૫.

 
Home    ||   Editorial Board    ||    Archive   ||  Submission Guide   ||   Feedback   ||  Contact us   ||  Author Index