Included in the UGC-CARE list (Group B Sr. No 172)
ભાષા સમાજ અને સંસ્કૃતિનું દર્પણ છે. સમાજ દ્વારા ભાષા ઘડાય છે. તો ભાષામાં એ સમાજનું પ્રતિબિંબ ઝીલાતું હોય છે. મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં પણ મધ્યકાલીન ભાષા તથા સમાજનો પરિચય મળે છે. પરંતુ, પ્રાપ્ય મધ્યકાલીન સાહિત્ય મહદંશે પદ્યરૂપે ખેડાયું છે. જ્યારે ભાષાઅભ્યાસ માટે ગદ્યસ્વરૂપ વધુ અધિકૃત ગણી શકાય. વળી, કાવ્યસ્વરૂપો કવિની કલ્પનાની નજરે ખેડાતા હોય છે. તેની તુલનાએ દસ્તાવેજોનું દસ્તાવેજી મૂલ્ય વિશેષ હોય તે સ્વાભાવિક છે. અહીં કેટલાક મધ્યકાલીન દસ્તાવેજો દ્વારા તત્કાલીન ભાષા, દસ્તાવેજ લેખન તથા તે દ્વારા તત્કાલીન સમાજમાં ડોકિયું કરવાનો એક પ્રયાસ છે.

ડો. રસીલા કડીઆ દ્વારા લિપ્યંતર કરાયેલા કેટલાક મધ્યકાલીન દસ્તાવેજોને આધારે આ સંશોધનકાર્ય હાથ ધર્યું છે. 16મી સદીથી 18મી સદીની આસપાસના આ દસ્તાવેજો ઘરના ખરીદ – વેચાણ કે ગીરોખતના દસ્તાવેજો છે. દસ્તાવેજોમાં ઐતિહાસિક વિગતો પણ દૃશ્યમાન થાય છે. પરંતુ, અહીં, એ દિશાને સ્પર્શવાનું ટાળ્યું છે. બદલાતા સમાજની સાથે ભાષા અને સંસ્કૃતિ પણ બદલાય છે. આ જૂના દસ્તાવેજોમાં માત્ર વિસરાતી ભાષા જ દેખાય છે, તેવું નથી. પણ ઘરની રચના પણ બદલાઈ હોવાથી પરંપરાગત ઘરના વિસરાતા ભાગોનો પણ ખ્યાલ આવે છે. તત્કાલીન વ્યક્તિનામો તથા કુલક્રમ સાથે લખાતા નામો પણ રસપ્રદ બની રહે તેવા છે. આ સંશોધનકાર્યમાં આ દસ્તાવેજોને આધારે તત્કાલીન દસ્તાવેજલેખન, દસ્તાવેજોની ભાષા, તત્કાલીન ઘરની રચનાઓ તથા વ્યક્તિનામોને આધારે તત્કાલીન સમાજને જોવાનો – માણવાનો પ્રયાસ છે.

દસ્તાવેજલેખનરૂઢિઃ

વર્તમાન સમયમાં મકાનના દસ્તાવેજમાં આરંભે ડિસ્ટ્રીક્ટ, તાલુકાના ગામના ઉલ્લેખ પછી ટીપી સ્કીમ નંબર, પ્લોટનંબરની વિગત આપી ધારાધોરણ વેચાણ, ખરીદ કે ગીરોની વિગત સાથે કિંમતનો ઉલ્લેખ કરવામાં આવે છે. ત્યાર બાદ વેચાણ લેનાર તથા આપનારનું નામ, તત્કાલીન સરનામુ આદિ વિગતો આપવામાં આવે છે. વરાડે (ભાગે) –ના હક્કોની વિગતમાં મિલકતની ફાઈનલ પ્લોટ, રજીસ્ટ્રેશન નંબર, મિલકતનો એરિયા, માર્જીન સ્પેસ આદિ વિગતો જણાવવામાં આવે છે. ત્યાર બાદ સદરહુ મિલકત પર ‘અમારા સિવાય બીજા કોઈનો લાગભાગ કે હક્ક, હિસ્સો કે હિત સંબંધ નથી. અને સદરહુ મિલકત ઉપર સોસાયટીનું કે અન્ય કોઈનું કોઈ જાતનું લેણું બાકી નથી.’ જેવી ખાતરી અપાય છે. ત્યાર બાદ ખૂંટ ચારની વિગતમાં ચાર દિશામાં કઈ મિલકત, ખુલ્લી જગ્યા કે રસ્તો આદિ આવેલા છે, તેની વિગત અપાય છે. ત્યાર બાદ ‘અભરામ અઘાટ વેચાણ’, ‘... હવે પછી અમારા વંશ વાલી વારસો, અમારા કરજદાર, હિસ્સેદાર, લેણદાર વગેરે કોઈનો કોઈ જાતનો લાગભાગ કે હિસ્સો રહેલો નથી. તેમ છતાં જો કોઈ લાગભાગ કે હક્ક, હિસ્સો કે હિત સંબંધ કોઈ તકરાર કરશે તો તેનો જવાબ અમે આપીશું’ આદિ કરાર કરવામાં આવે છે. ત્યાર બાદ મિલકતની કિંમત, તેની ચૂકવણી, જો બાકી રહેતી હોય તેની શરતો, દસ્તાવેજના ખર્ચ અંગેનો ભાગ આદિ બાબતો નોંધવામાં આવે છે. અને ખાતરી આપવામાં આવે છે કે ‘સદર મિલકત પર કોઈ અન્ય જાતનો બોજો નથી, કોઈ લેણું નથી, તેનો કોઈ ભાગ કોઈને વેચાણ, ગીરો, બક્ષિશ કે અન્ય રીતે લખી આપેલ નથી, આ મિલકત પર કોઈ જાતના દાવા કે નોટિસ વહેવાર થાય તેમ નથી, કોઈ પ્રોસીડીંગ્સ ચાલતા નથી, કોઈનો મનાઈહુકમ નથી કે સદર મિલકત કે હક્ક ગુમાવવા પડે તેવા કોઈ જામીન થયા નથી. એટલું જ નહીં, ‘આ દસ્તાવેજ અમોએ અમારી રાજીખુશીથી તથા અક્કલ હોંશિયારીથી સ્વસ્થ રીતે , કોઈ જાતના દાબ-દબાણ વગર લખી આપેલ છે તે અમો, અમારા વંશવાલીવારસોને તમામને કબુલ મંજૂર અને બંધનકર્તા છે.’ - લખાય છે. ત્યાર બાદ તારીખ લખીને વેચનારની સહી તથા બે શાખ-સાક્ષીના ‘મતુ’ લેવાય છે.

હાલના દસ્તાવેજમાં અરબી-ફારસી તથા અંગ્રેજી ભાષાનો પ્રભાવ તથા શબ્દોનો પ્રયોગ જોઈ શકાય છે. મધ્યકાલીન ગુજરાતી દસ્તાવેજલેખનની રૂઢિ વર્તમાન દસ્તાવેજો કરતાં જુદી પડે છે.

મધ્યકાલીન ગુજરાતી દસ્તાવેજોનો આરંભ મંગલવાચક ચિહ્નથી થાય છે. વિગતોના આરંભે તત્કાલીન સમય જણાવવામાં આવે છે. જેમકે,
स्वस्ति श्री श्रीमन्नृपविक्रमाडर्क (श्रीमन् नृप विक्रम अर्क)। समयातीत। सवत् 1650 वर्षे शाके 1516 प्रवर्तमाने। उत्तरायने। ग्रीष्मतौं। माहामांगल्यप्रदे। ज्येष्ठ मासे शुक्लपक्षे। त्रयोदश्यां 13 तिथौ। भोमवासरे।*[1]
અર્થાત્ સંવત ૧૬૫૦, ઈ.સ.૧૫૧૬ના ઉત્તરાયણના ગાળામાં ઉનાળાના માંગલ્યપ્રદ જેઠ મહિનાના શુક્લ પક્ષની તેરસ, મંગળવારના રોજ આ દસ્તાવેજ થયો છે.

ત્યાર બાદ વિશેષણો સહિત તત્કાલીન શાસકનો ઉલ્લેખ કરવામાં આવે છે. જેમકે,
अद्य अगंजगंजन। रिपुरायां मानमर्द्दनं। सकलराया शिरोमणि अभिनवमार्तंडाअवतार। वाचाअविचल। संग्रामांगणधीर। दानैकवीरो युवनकुलतिलक। महाराजाधिराज। प्रौढप्रताप। पातशाह श्री श्री श्री श्री श्री श्री श्री (7) अबूअल मुजकर शाहाबदीन महिम्मद साहिब किरांनसांनी शाहिस्याहां पतशाह गाजी विजयराज्ये।*[2]
એટલેકે તે સમયે શાહજહાંનું શાસન હતું.

ત્યાર બાદ શાસનાધિકારીઓના ઉલ્લેખ કરવામાં આવે છે. જેમકે,
वजीर नबाब श्री पांच ईसमलांखान। तत्र श्री अहिम्मदावाद नगरे पातशाहनु पुत्र श्री श्री सात उरंगजेहेव। पोजदार मीयाँ ताहिर। दीवानूमीयाँ फूकरदी। पादशाही दीवां(न) मीयाँ माइजरमुलिक। बकशी मीयाँ कांमदोस्र एत्तानू। कादी श्री पांच मीर (मोह)म्मद मीरक। अदालति मीयाँ अहिम्मद। दारोगो मीयाँ मूकीम एत्तानू। चुतरे मीयाँ साहावेग। नेव मीयाँ काशम। एत्तांनू धरमन्यायां प्रवर्तते।*[3]
આ વિગતો ઇતિહાસના અભ્યાસ માટે અમૂલ્ય અધિકૃત સામગ્રી બની રહે છે.

ત્યાર બાદ કયા વિસ્તારની મિલકત માટે આ દસ્તાવેજ છે, તેનો ઉલ્લેખ કરવામાં આવે છે. જેમકે,
त्रिपोलीआ मांहिली पासां नी नाहानी दोशीहटी मधे पंचहटी मधेनूं हाट ग्रहणके दत्तांनि। [4]
ગિરોખતના આ સ્થળ માટે ડો. રસીલા કડીઆ નોંધે છે કે ‘‘મિરાતે અહમદી’માં અમદાવાદના સ્થળોનાં ઉલ્લેખો જોતાં, એમાં ‘ત્રિપોલીઆ’ ત્રણ દરવાજા માટે વપરાતો શબ્દ જણાયો છે. ભદ્રથી ત્રણ દરવાજા વચ્ચેનો વિસ્તાર ‘ખાસ બજાર’ નામે ઓળખાતો, ત્રણ દરવાજાથી આજે જે રીચીરોડ કે ગાંધીરોડ તરીકે ઓળખાય છે તે બજારનો ભાગ હોવાનું જણાય છે. આજે ‘દોશીવાડો’ છે. દોશીહટી – નાની કે મોટી – નથી. જોકે, આજેય દોશીવાડાની બહારનો ભાગ (ફતાસાપોળ અને ઢીકવાચોકીની ઢાળ ઉતરતાં) બજાર જ છે.[5]

ત્યાર બાદ ગ્રાહક – દાયકની વિગત આવે છે. જેમકે,
श्री श्रीमाल ज्ञातिय वृधि शाषा(खा)यां। साह लालजी बिन लक्ष्मीदास बिन तेजपाल। पारस्यात्। श्री ओशवंश ज्ञातीय। वृधि शाषा(खा)। जह्विरी। साह नानजी बिन म(णो)र तथा देवराजनी मातृ बाई रंगादे। तत्पुत्री 3 त्रां(त्री)णि। बाई नाकूं। (त)था यंकू तथा बाई चुथी। एतान समक्ष हस्ताक्षराणि दत्ता। [6]

ત્યાર બાદ ઘર કે જમીનની વિગતો વિસ્તારથી વર્ણવવામાં આવે છે. જેમકે,
हवेल्यां चकले गालबखांनने रायपर मध्ये। वाडीगामना शरमुलकने हजीरे। छीपवाडी मध्ये। शेरी कोठनी मध्ये घर 1 पूर्वाभिमुखनुं। खंड 3 ओरडो 1 मेडा जडित्र छे ते सहीते अग्रे पटशाल मेडाजडित्र छे। ते सहीतें अग्रे चोक चोरसाबंध छे। पडसालने मडे झाली लोढानी सरखी छे काष्टनी छे। रसोडु उत्तराभिमुखनुं छे। बारणा बे पटशाल मध्ये चोक मध्ये छे। पटशाल मध्ये दादर नीसरणी डाबकीआली छे। वाटीवा चोक मध्ये। पाहांणीआरुं छे ते मध्ये गडां 2 जलनां छे। बे गडा ओरडी मध्ये एक घडु। पटशालने मडे छे। मलीय घडा 5 जलनां छे। उरडीने धार कमाड छे। एक धार ओरडीनुं उटले छे। खाल पाणीनो ते दिशे छे। बीजु खाल चोकनो छे। नाहानुं खडकी उपर मेडो छे। पांहांणीहारा पर उपर अगाशी छे। खडकी उपर बारी छजानी बारी 3 छे। छापरां सर्वे खडित सहीत ते ए घर ग्रहणे लेनार लेउआ पटेल...[7]
આ ઉપરાંત કેટલાક દસ્તાવેજોમાં વધુ વિગતે આ રીતે પણ નોંધાયેલું જોવા મળ્યું છે કે
‘ए घरनां भीतडां। बारत। कमाड। मोभ। वली। षा(खा)प। नलकैराछ्यादित। पक्वेष्टकारचितं। जीर्ण्णकाष्ट सहितं। भूमिसहितं। नवनिधांन सहितं।’[8]
એટલેકે ઘરની લીંપેલી ભીંતો, બારત, કમાડ, મોભ, વળી, ખાંપ, છાયેલા નળિયાવાળું, પાકી ઈંટો દ્વારા રચાયેલું, જીર્ણ લાકડા સહિત, જમીન સહિત, અને (મકાન-જમીનમાં રહેલા) નવનિધાન સહિત – આ મકાન વેચે છે.

ત્યાર બાદ ઘરના ચાર ખૂંટા દર્શાવવામાં આવે છે. જેમકે,
ए घरनां षू(खू)ट। पूर्व दिशिए घरनुं नीकाल। आंगणू। सन्मुखि सोनी कल्यांणजी मकंदजी बिन देवजीना घरनी खडकी छि। पश्चमे पछीति सोनी हांसला सूरजीना परिवारनुं घर छि। ए घरनां नेव छि। छीडी मध्ये पडि - तथा छीडी छि। ते घरनी दक्खणे सोनी गोपलजी सांम बिन महावजीनू घर छि। उत्तरे सोनी कांहांनजी राघव बिन कूअरजीनू घर छि। ए षूट 4 माहिलूं घर...[9]

ત્યાર બાદ મિલકતની કિંમત અને તેની ચૂકવણી નોંધવામાં આવે છે. જેમકે,
तस्य द्रव्यसंख्या अहिम्मदावादनी टंकसालना आकरा कोरा मासा 11।। ना। नवी 2।। (अडी)ना । रूपैया 255 अंके बिसहि पंचावन्न पूरा रोकडा एकमूठि साह केशव पासेथी साह जोगीदासि लेईनि ए घर अदबद साह केशवनि वेचातु आप्यूं छि। ए साह केशवि रूपैआ 127।। अंके एकसु साढी सत्तावीस थकी बिमणा रूप्पैआ 255 अंके विसहि पंचावन्न पूरा रोकडा एकमूठि साह जोगिदासनि आपीनि ए घर अदबद वेचातू लीधूं छि।

દસ્તાવેજના અંતે મિલકત ખરીદનાર એ મિલકતનું ગમે તે કરે, વેચનારને તેની સાથે કોઈ સંબંધ નહીં, તે ખાતરીપૂર્વક કહેવાય છે. જેમકે,
हवि एणि घिरि साह केशव तथा साह केशवना पुत्रपौत्रादिक परिवार वसि वासि भाडि आपी। तथा ग्रहिणी मूकि। तथा દ્વિ त्रि भूमि करि करावि। तथा स्वेच्छा आवि ते कहि तिहवारी अंन्य को कस्य सरसमंधो नास्तिः। लागोभागो नास्तिः। हवि ए घर साथि। तथा ए घरनी भूमि साथि साह जोगीदासनी। तथा साह जोगीदासना पुत्रपौत्रादिक परिवारनि कशुं सरसंमध नही। लागोभागो नास्तिः। तडागेડपि उदकं समंधो नास्तिः। आचंद्राડर्क कुल्ल अभिरामंन दावे कीधूं छि। [10]

વર્તમાન દસ્તાવેજની જેમ મધ્યકાલીન દસ્તાવેજને અંતે પણ વેચનારની સહી – મતુ તથા શાખ – સાક્ષીની સહી કરાવવામાં આવે છે. પરંતુ, આ દસ્તાવેજો જોતાં સાક્ષીની કોઈ નિશ્ચિત સંખ્યા હોય તેમ લાગતું નથી. ક્યાંક બે સાક્ષીની સહી છે, તો ક્યાંક ૧૬ સાક્ષીની સહી જોવા મળી છે.

આ દસ્તાવેજોમાં કેટલાક નિયત વાક્યો – પદો જોવા મળે છે. જેમકે,
‘वसि वासि भाडि आपी। तथा ग्रहिणी मूकि।’, ‘દ્વિ त्रि भूमि करि करावि।’, ऩवनिधान सहितं, ‘तडागेડपि उदकं समंधो नास्तिः।’, ‘आचंद्राડर्क कुल्ल अभिरामंन दावे’
જેમાંના ‘અભિરામન દાવે’ વગેરે પ્રયોગ હાલમાં પણ પરંપરાગત રીતે પ્રયોજાય છે.

વ્યક્તિનામઃ

આ દસ્તાવેજોમાં ઉલ્લેખાયેલા જ્ઞાતિ, તત્કાલીન નામો અને કુલક્રમ સાથે લખાતા નામો ધ્યાન ખેંચે તેવા છે. ઈ.સ.૧૫૯૪ના દસ્તાવેજમાં ગ્રાહક-દાયકની વિગતોમાં શ્રીમાળી જ્ઞાતિના વૃદ્ધિ શાખાના साह लालजी बिन लक्ष्मीदास बिन तेजपाल તથા ઓશવાલ જ્ઞાતિના વૃદ્ધિ શાખાના ઝવેરી साह देवराज बिन नानजी बिन म(णो)र તથા દેવરાજની માતા रंगादे તથા તેની ત્રણ પુત્રીઓ बाई नाकूं तथा यंकू તથા बाई चुथीનો ઉલ્લેખ છે. સં.૧૭૦૨, ઈ.સ. ૧૬૪૫ના દસ્તાવેજમાં કણબી લેઉઆ જ્ઞાતિના पटल वीरा बिन वासण बिन मेघा, पटल वासणनी भार्या बाई लछबि तवाटीआ कीका बिन मक्ता, भत्रीज पटल भांणजी बिन लालजी बिन वासण बिन मेघा તથા पटल लालजीनी भार्या बाई हरषाई बिन सूरपरा हरजीનો ઉલ્લેખ છે. સં.૧૭૦૪ના દસ્તાવેજમાં શ્રીમાલ જ્ઞાતિના साह केशव बिन वाशीआ बिन सूरा તથા साह जोगीदास बिन कूअरजी बिन डूगरના નામોની નોંધ છે. વિ.સં.૧૭૧૦ ઈ.સ.૧૬૫૩ના દસ્તાવેજમાં बाई काहांनबाई बिंत जसराज बिन जीवा, साह शवगण बिन श्रीवंत बिन अमीपाल, साह हंसराज बिन वाघजी बिन श्रीवंत बिन अमीपालના નામ દર્શાવાયા છે. સં.૧૮૩૫ ઈ.સ.૧૭૭૯ના દસ્તાવેજમાં ખાતરી (વણકર) જ્ઞાતિના वांझा खूशाल बीन अमरचंद बीन भगत, वाझा बेचर बीन भगत बीन चदरभांई –ના નામોનો ઉલ્લેખ છે.

આ નામો જોતાં ખ્યાલ આવે છે કે મધ્યકાલીન દસ્તાવેજમાં માત્ર પિતાનું જ નહીં દાદાના નામનો પણ ઉલ્લેખ છે. જેમકે, साह लालजी बिन लक्ष्मीदास बिन तेजपालમાં લાલજીના પિતા લક્ષ્મીદાસ અને તેમના પિતા તેજપાલ. અહીં નામ સાથે પ્રયોજાતો ‘बिन’ પ્રયોગ મૂળ અરબી ભાષાનો પણ ગુજરાતીમાં ફારસી ભાષા દ્વારા પ્રવેશ્યો છે. ‘બિન’નો અર્થ થાય છેઃ ‘-નો પુત્ર’. ‘મહમ્મદ બિન કાસિમ’ એટલે કાસિમનો પુત્ર મહમ્મદ’. ‘पटल वीरा बिन वासण बिन मेघा’ દ્વારા મેઘાનો પુત્ર વાસણ અને તેનો પુત્ર તે વીરા’. આ પરંપરા ફારસી ભાષાનું પ્રદાન છે. જ્યારે સ્ત્રીના નામનો ઉલ્લેખ હોય ત્યારે પણ ‘पटल लालजीनी भार्या बाई हरषाई बिन सूरपरा हरजी’ –માં પરિણીત સ્ત્રી છે તેથી તેના પતિના નામનો ઉલ્લેખ કરીને તેની ‘ભાર્યા’ એમ દર્શાવીને તેના પિતા સૂરપુરા હરજીનો ઉલ્લેખ કર્યો છે. પણ અરબી-ફારસી પરંપરા અનુસાર જેમ ‘बिन’ દ્વારા ‘-નો દીકરો’ એવો અર્થ સૂચવાય છે, તેમ ‘बिंत’ દ્વારા ‘-ની દીકરી’નો અર્થ સૂચવાય છે. અહીં ઈ.સ.૧૬૫૩ના દસ્તાવેજમાં ‘बिंत’નો પ્રયોગ જોવા મળે છે - बाई काहांनबाई बिंत जसराज बिन जीवा.

ઘરના વિવિધ ભાગોઃ

મધ્યકાલીન દસ્તાવેજોમાં ઘરના વિવિધ ભાગોના ઝીણવટપૂર્વક વર્ણન કરવામાં આવ્યાં છે. તેના કારણે બે પ્રકારની માહિતી મળે છે. ૧. તત્કાલીન ઘરની રચના ૨. તત્કાલીન ભાષામાં ઘરના વિવિધ ભાગો માટેના નામ. આ દસ્તાવેજોમાંથી પોળના મકાનની રચનાનો ખ્યાલ આવે છે. જેમકે, ઈ.સ. ૧૫૯૪ના દસ્તાવેજમાં ઘરનું વર્ણન કરતાં નોંધવામાં આવ્યું છે કે ‘जित ओरडु एक 1 डागली सहित तथा मंजूस सहित। तथा परसाल सहित।’ અહીં ઓરડામાં ૧ ડાગલી તથા મંજૂસનો ઉલ્લેખ છે. ‘ડાગળો’ શબ્દનો અર્થ ‘છાપરાવાળો નાનો મેડો અથવા પાલખ’ થાય છે. કદાચ સામાન્ય કદના મેડા કરતાં નાના મેડા માટે ‘ડાગલી’ શબ્દ વપરાયો હશે. ‘મંજૂસ’ શબ્દનો અર્થ હાલમાં ‘ઘરેણાં, કપડાં આદિ મૂકવાની પેટી અથવા પટારો’ અર્થ પ્રચલિત છે. પરંતુ કોશમાં જોઈએ તો ‘લાકડાનો યા માટીનો બનાવેલો ઘી-દૂધ વગેરે રાખવાનો નાના બારણાવાળો ચોરસ કે લંબચોરસ ઘાટનો તાકો કે કોઠલો. (ગામડામાં એના ઉપર ડામચિયો રાખે.)’ અર્થ મળે છે. એટલેકે જૂના ઘરોમાં દીવાલોમાં જડી શકાય તે રીતે આવા તાકા કે કોઠલા બનાવાતા હશે. અને ઘર ખરીદતી વખતે આ બાબત મહત્ત્વની ગણાતી હશે. તેથી તેનો દસ્તાવેજમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. મજૂસને બાદ કરતાં અન્ય કોઈ રાચરચીલાનો ઉલ્લેખ અન્ય કોઈ દસ્તાવેજમાં પણ જોવા મળતો નથી. વળી, અહીં ‘પરસાળ’નો ઉલ્લેખ છે. હાલના ઘરોમાં પ્રવેશતાની સાથે દીવાનખાનું હોય છે. પરંતુ, પોળોના મકાનમાં ઘરમાં પ્રવેશતાની સાથે દીવાનખાનાની જેમ મુખ્ય ન ગણી શકાય તેવો ઓરડો આવે છે. ‘ઘરના આગલા ખંડ’ને પરસાળ કહેવાય છે.

ઈ.સ.૧૬૪૮ના દસ્તાવેજમાં घर एक 1 ते मध्ये ओरडु एक 1 पूर्वाभिमुखनुं। चुरसाबद्ध छि। ते ओरडा उपरि पीटणी छि ते उपरि त्रीजु माल छि ते सहित। ...अग्रे चुक अगासु ए घरनी हद्दनुं छि ते सहित। ते चुक मध्ये षू(खू)णाना घरनि हीडी गयानु चालनु समंध छि। અહીં ખ્યાલ આવે છે કે ઓરડાની દિશાનો નિર્દેશ પણ ખરીદનાર માટે મહત્ત્વનો છે. અહીં પ્રયોજાયેલો શબ્દ ‘પીટણી’ કોશમાં પણ જોવા મળતો નથી. શક્ય છે કે ‘નળિયાંથી છાપરાને માળવું એ. (૨) છાપરા માટેનાં વળીઓ આડસર ભારવટિયાં વગેરે સાધન.’-નો અર્થ ધરાવતા ‘પટાવ’ શબ્દ સંદર્ભે આ શબ્દ પ્રયોજાયો હોય. વળી, પોળોના ઘરની રચનાની બીજી ખાસિયતનો અહીં ઉલ્લેખ છે. ઉપરનું આકાશ દેખાય તે રીતે ઘરમાં વચ્ચે ખુલ્લો ચોક હોય. આ રચનાનું કારણ તો એવું જ સમજાય છે કે પોળમાં દરેક મકાનની ડાબી-જમણી ભીંત અન્ય મકાનને અડેલી હોય છે. એ પરિસ્થિતિમાં હવા-ઉજાસ આ ચોક દ્વારા જ મળતાં હશે. તે પછીની નોંધ પણ પોળના મકાનની રચનાને સમજવા ઉપયોગી બને તેમ છે. અહીં નોંધ્યું છે તે સમજીએ તો ‘ચોકમાં ખૂણામાં અન્ય એક ઘર છે. તેમનો આ ચોક પર અન્ય હક્ક નહીં હોય પણ, આ ચોકમાં થઈને જવાનો તેમનો હક્ક છે. તે ખરીદનારે માન્ય રાખવાનો રહેશે.’ હાલમાં પણ પોળના મકાનોમાં આ પ્રકારની રચના છે કે મકાનમાં પ્રવેશતાં ખડકી આવે, ખડકી પછી ચોક આવે, ચોકની ત્રણ કે ચાર બાજુ બે, ત્રણ કે ચાર માળ સુધી જુદા જુદા ઓરડા હોય, જે એક કે એક થી વધુ ઘર ગણી શકાય તેમ હોય. આ બધાં ઘર માટે ચોક, ખડકી સહિયારી મિલકત ગણાય.

ઈ.સ.૧૬૪૫, સં.૧૭૦૨ના દસ્તાવેજમાં એક સ્થાને નોંધ્યું છે કે पटसालि मध्ये उदकस्थानंक छि ते सहित। અહીં ‘ઉદકસ્થાન’નો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ‘ઉદકસ્થાન’ એટલે ‘પાણીનું સ્થાન’. ‘પાણિયારું’, ‘પાણીનું ટાંકું’ વગેરે. જૂનાં મકાનોમાં વરસાદી પાણીનો સંગ્રહ થઈ શકે તે માટે કૂવા, ટાંકા આદિ ‘ઉદકસ્થાન’ રાખવામાં આવતાં. (બાળપણમાં હું એવા ઘરમાં ભાડે રહી છું, જેમાં એક નાનકડી ઓરડી કૂવાની હતી, જરૂર સિવાય એ ઓરડી બંધ રખાતી. કેટલાંક ઘર એવાં પણ જોયાં છે કે જેમાં નવી પેઢીએ નળ આવ્યા પછી એ કૂવા બૂરાવી દીધા હોય, અને એ ઓરડીનો કોઠાર કે પૂજાની ઓરડી તરીકેનો ઉપયોગ શરૂ કર્યો હોય.) આ દસ્તાવેજમાં અન્ય ઠેકાણે ઘરના વર્ણનમાં નોંધ્યું છે કે पश्चमे पछीति सोनी हांसला सूरजीना परिवारनुं घर छि। ए घरनां नेव छि। छीडी मध्ये पडि- तथा छीडी छि। અહીં પ્રયોજાયેલા શબ્દ ‘છીડી’ માટે પહેલાં એવી ભ્રમણા થાય તેમ છે કે ‘છીડી’ શબ્દ એ ‘સીડી’ શબ્દનું વિકાર પામેલું રૂપ હશે. પરંતુ, નર્મકોશમાં ‘છીડી’ શબ્દનું અધિકરણ જોવા મળે છે. નર્મદે આ શબ્દનો અર્થ નોંધ્યો છેઃ ‘પાછલે બારણે ખુલ્લી જમીન’. એટલેકે અહીં જે મકાનનું વેચાણ થઈ રહ્યું છે, તે મકાનની પાછળની બાજુ ખુલ્લી જમીન છે. અહીં નોંધાયેલા વર્ણન પરથી તે સમયે ‘નેવાં’નું વિશેષ મહત્ત્વ હશે તેનો ખ્યાલ આવે છે. અહીં દસ્તાવેજકારે નોંધ્યું છે કે સોની હાંસલા સૂરજીના ઘરનાં નેવાં આ ઘરની છીડીમાં પડે છે. માત્ર આ દસ્તાવેજમાં જ નહીં, અન્ય દસ્તાવેજોમાં પણ ઘરનાં નેવાં ક્યાં પડે છે, અને આસપાસના કોઈ ઘરનાં નેવાં આ ઘરમાં પડે છે કે નહીં, તેનો સ્પષ્ટ ઉલ્લેખ જોવા મળે છે. જેમકે, સં.૧૭૪૯માં નોંધ્યું છે કે ..पश्चम दिशि धर्मशाला छि। तथा ए घरनो चाल छि। नीकाल छि त(था) नेव छि। दक्षण दिशि पोल्यना लोकनो चाल छि। तथा नेव छे। ...तथा उत्तर दिशि साह रतनजि बिन पनिआनू घर छि। ते दिशि पाडा परजत ए घरना नेवनू पाणी उत्तरे छि।...

આ ઉપરાંત પાણિયારાની વિગતો પણ દર્શાવવામાં આવે છે અને અન્ય નામોના પણ ઉલ્લેખ જોવા મળે છે. જેમકે, સં.૧૭૧૦- ઈ.સ.૧૬૫૩ દસ્તાવેજમાં નોંધ્યું છે કે ते पटसालि उदकस्थांनक गढा 2 बि उदक भरवानां छि ते पटसालि उपरि नलीअर छापरूं छि ते सहित ति पटसालि ना द्वार आगलि ओटलु छि ते सहित। अग्रे चुक ष(ख)डकी मध्ये चाल साध्य छि। तथा ए घरनी पछीतिना वाडा मध्ये ए घरनि वडु साध्य छि तेहना समंधः सहित। ए घरनां भीतडां। बारत। कमाड। मोभ। वली। खाप। नलकैराछ्यादितं। पक्वेष्टकारचितं। जीर्ण काष्ट सहित। भूमि सहित।

સમાજદર્શનઃ

આ દસ્તાવેજોમાંથી કેટલીક એવી માહિતી પણ પ્રાપ્ત થાય છે, જેના કારણે તત્કાલીન સમાજનો પરિચય થાય. જેમકે, સં.૧૮૨૦ના છીપવાડના ગૃહગૃહણકના દસ્તાવેજ (ગિરોખત) અનુસાર પટેલ જ્ઞાતિના બે ભાઈઓ સાહા અને હરખા પાસે નંદલાલ પટેલની બહેન માણેકબાઈએ ઘર ગીરે મૂક્યું હતું. ત્યાર બાદ નંદલાલ મૃત્યુ પામ્યા. ત્યારે નંદલાલની પત્ની કસલબાઈએ પટેલભાઈઓ સાહા અને હરખા પાસે પોતાના ભાગનો ખંડ ગીરવે મૂક્યો. પરંતુ ત્યાર બાદ ते बाई कसल ठांम बेठी तार पछी बाई मांणके रूपैआ 80 अंक एंशी लेइने घर बाधु ग्रहणे लखीआ। [11] એટલેકે કસલબાઈએ બીજા લગ્ન કર્યા ત્યાર પછી માણેકબાઈએ ૮૦ રૂપિયા લઈને આખુ ઘર ગીરવે મૂક્યું. આ નોંધ પરથી બે બાબતો તારવી શકાય છે. એક તો એ કે બહેન માણેકબાઈ કુંવારી છે કે વિધવા છે, તેનો કોઈ ઉલ્લેખ નથી પણ નંદલાલ ભાઈના ઘરમાં માણેકબાઈનો પણ હક્ક છે. બીજું એ કે કસલબાઈએ બીજા લગ્ન કર્યા છે. એટલેકે એ સમયે પટેલની જ્ઞાતિમાં વિધવા સ્ત્રી બીજા લગ્ન કરી શકતી હશે.

સં.૧૭૩૦, ઈ.સ.૧૬૭૪ના ગિરોખતમાં પતિએ પત્ની પાસેથી પૈસા લઈને દુકાન ગીરે મૂક્યાનો ઉલ્લેખ છે. એટલેકે તે સમયે પતિ પોતાની મિલકત પત્ની પાસે કાયદેસર રીતે ગિરો મૂકી શકે તે પ્રકારના કાયદાઓ અમલમાં હશે તેમ જણાય છે. ગિરોખતમાં પૈસાની ચૂકવણી માટે નોંધ કરવામાં આવી છે કે रूप्पैआ मधे रूप्पैआ 498 ए बाई पूजीइ पोतानी मुहुरना आपा छि। तथा रूप्पैआ 325 त्रणसहि पंचवीस साह वीरजी यादवना। बाई पाशे सूष(ख)डीना हता ते बाई पूजीइ आपा छि एणी वगति जमलि रूप्पैआ 823 आठसहि त्रेवीस आपीनि ए हाट ग्रहिणी लीधूं छि। કુલ રૂપિયા ૮૨૩માંથી ૪૯૮ રૂપિયા બાઈ પૂજીએ પોતાના સ્ત્રીધનમાંથી આપ્યા છે. અહીં સ્ત્રીધન માટે બે શબ્દ વપરાયા છેઃ ૧) મુહુર – મહેર ૨) સુખડી. ફારસી શબ્દ ‘મહેર’ એટલે ‘નિકાહ વખતે નવવધૂને પતિ તરફથી મળતી રકમ’ (સાર્થ શબ્દકોશ) તથા ‘સુખડી’ શબ્દનો અર્થ ‘બક્ષિશ, ભેટ’ –થાય છે. તે અનુસાર બાઈ પૂજીએ પોતાને લગ્ન સમયે પતિ કે અન્ય પાસેથી મળેલી રકમમાંથી પતિની દુકાન ગીરે લઈને પૈસા આપ્યા છે. વળી, આ ગીરોખતમાં અન્ય બાબત પણ નોંધપાત્ર છે. ए हाटनुं भाड्यू नही एणिहिरि बाई पूजी तथा बाई पूजीना पुत्र पेटना परिवार बिसि वसिइ आपे। આ સંદર્ભે ડો. રસીલા કડીઆ નોંધે છે કે ‘અહીં ‘પેટના’ શબ્દ અગત્યનો છે. એ સમયે પુરુષો કાયદેસર રીતે એકથી વધુ પત્ની કરી શકતા, બાઈ પૂજીએ પૈસા આપ્યા છે તેથી હક માત્ર તેની કૂખેથી જન્મ લેનારનો રહે છે, તેવી સ્પષ્ટતા દસ્તાવેજમાં કરાતી તે જાણવા જેવી બાબત છે.’*12

ઇતિહાસઃ

આ દસ્તાવેજોનો આરંભ તત્કાલીન શાસકોની વિગતોથી થતો હોવાથી ઈતિહાસ માટે અધિકૃત માહિતી મળે છે. રસીલાબહેને પોતાના સંશોધનપત્રોમાં તેની નોંધ લીધી હોવાથી અહીં માત્ર નમૂનો ઉદ્ધૃત કર્યો છે. ‘સંવત ૧૮૩૫ના ખતપત્રમાં અમદાવાદના સૂબા પેશ્વા નાનાજી સવાઈના મોટા પુત્ર માધવરાવ નારાયણ પૂનામાં હતા. તેમના વતી સુખારામ બાપુ તથા નાના ફડનવીસ હતા. તેમની આજ્ઞાથી અમદાવાદમાં સૂબેદાર, કલેદાર કુમાશદાર તરીકે શ્રી અપાજી ગણેશ નિમાયા. નાયબ સૂબેદાર બાપજી પંડિત અને તેના અગ્ર વતી રાઘોબા તાતા છે. સંવત ૧૮૩૬ના ખતપત્રમાં અમદાવાદના સૂબા તરીકે પેશ્વા રાઘોબા છે પણ તેઓ સૂરત હોવાથી, તેમના તરફથી અંગ્રેજ શ્રી કકેરલ (કર્નલ હોઈ શકે?) સાહેબ છે. ‘ગુજરાતનો રાજકીય અને સાંસ્કૃતિક ઇતિહાસ – ગ્રંથ-૭’ પૃ.૯૯ પરની પાદટીપમાં જણાવ્યા પ્રમાણે વિ.સં. ૧૮૩૫ના અન્ય એક ખતપત્રમાં આપા ગણેશના પુત્ર અમૃતરાવને શહેર સૂબેદાર જણાવેલ છે. આ ખતપત્રોને આધારે તે સમયની રાજકીય પરિસ્થિતિ કેટલી પ્રવાહી હતી, અને બહુ જ થોડા સમયમાં પોતાનો હોદ્દો છોડી દેવાતો અથવા તે અન્ય રાજકીય મહત્ત્વની ઘટનામાં સંડોવાય તો તેના વતી તેનો સગીર આવતો. તે અધિકારી ઊથલી ગયો હોય તો અન્ય અધિકારી નીમાતો અથવા તો અધિકારીઓના સ્થાનફેર થતા હોવા જોઈએ. એ આ ખતપત્રો પરથી જણાય છે.’[13]

સંદર્ભ:
  1. પૃ. ૧૩૨ ૧૨૯, ‘સં.૧૬૫૦ (ઈ.સ.૧૫૯૪)નો હાજાપટેલની પોળનો ‘ગૃહવિક્રય’ દસ્તાવેજ’ ગુજરાત સંશોધન મંડળનું ત્રૈમાસિકઃ જુલાઈ-ડિસેમ્બર, ૨૦૦૯
  2. પૃ. ૪૪, ૪૨, ‘સં.૧૭૦૪નો અમદાવાદમાંની હાજાપટેલની પોળનો ગૃહવિક્રય દસ્તાવેજ’, વિદ્યાપીઠઃ જાન્યુ.-માર્ચ, ૨૦૧૦
  3. પૃ. ૨૨૩, ‘અમદાવાદ મધ્યે સં. ૧૭૦૨માં થયેલ મકાનના હક્ક અંગેનું ખતપત્ર’, સંબોધિઃ vol. XXX, 2006
  4. પૃ. ૪૯, ‘સં.૧૭૩૦’નું અમદાવાદની નાની દોશીહટીમાંની પંચહટી મધ્યેનું હાટગ્રહણક (ગિરો) ખતપત્ર’, અનુસન્ધાન ૫૦ (૨), માર્ચ ૨૦૧૦
  5. પૃ. ૪૬, એજન
  6. પૃ. ૧૨૯, ‘સં.૧૬૫૦ (ઈ.સ.૧૫૯૪)નો હાજાપટેલની પોળનો ‘ગૃહવિક્રય’ દસ્તાવેજ’ ગુજરાત સંશોધન મંડળનું ત્રૈમાસિકઃ જુલાઈ-ડિસેમ્બર, ૨૦૦૯
  7. પૃ. ૧૫૨, ‘સં. ૧૮૨૦નો છીપવાડનો ગૃહગૃહણકનો દસ્તાવેજ’, સંબોધિ, vol. XXXII, 2009
  8. પૃ. ૪૫, ‘સં.૧૭૦૪નો અમદાવાદમાંની હાજાપટેલની પોળનો ગૃહવિક્રય દસ્તાવેજ’, વિદ્યાપીઠઃ જાન્યુ.-માર્ચ, ૨૦૧૦
  9. પૃ. ૨૨૪, ‘અમદાવાદ મધ્યે સં. ૧૭૦૨માં થયેલ મકાનના હક્ક અંગેનું ખતપત્ર’, સંબોધિઃ vol. XXX, 2006
  10. પૃ.૪૬, ‘સં.૧૭૦૪નો અમદાવાદમાંની હાજાપટેલની પોળનો ગૃહવિક્રય દસ્તાવેજ’, વિદ્યાપીઠઃ જાન્યુ.-માર્ચ, ૨૦૧૦
  11. પૃ. ૧૫૨, ‘સં. ૧૮૨૦નો છીપવાડનો ગૃહગૃહણકનો દસ્તાવેજ’, સંબોધિ, vol. XXXII, 2009
  12. પૃ. ૪૮, ‘સં.૧૭૩૦’નું અમદાવાદની નાની દોશીહટીમાંની પંચહટી મધ્યેનું હાટગ્રહણક (ગિરો) ખતપત્ર’, અનુસન્ધાન ૫૦ (૨), માર્ચ ૨૦૧૦
  13. પૃ.૭૨, ‘અમદાવાદના બે અપ્રગટ મરાઠાકાલીન ખતપત્રો’, ગુજરાત સંશોધન મંડળનું ત્રૈમાસિકઃ જુલાઈ-ડિસેમ્બર, ૨૦૦૮

ડો. પિંકી યજ્ઞેશ પંડ્યા, ગુજરાતી વિભાગ, એફ.ડી.આર્ટસ્ એન્ડ કોમર્સ કોલેજ ફોર વિમેન