કાવ્યાસ્વાદઃ માણસાઈનો હોંકારો

તારા આંગણિયેઃ


એ જી તારા આંગણિયે કોઈ આશા કરીને આવે રે,
આવકારો મીઠો આપજે રે જી (ટેક)
એ જી તારે કાને કોઈ સંકટ સંભળાવે રે,
બને તો થોડાં કાપજે રે જી.
માનવીની પાસે કોઈ માનવી ન આવે
એ જી તારા દિવસો દેખીને દુઃખિયાં આવે રે,
આવકાર મીઠો આપજે રે જી.
કેમ તમે આવ્યા છો, એવું નવ કહેજે,
એ જી એને ધીમે રે ધીમે તું બોલવા દેજે રે,
આવકારો મીઠો આપજે રે જી.
વાતો એની સાંભળીને, આડું નવ જોજે,
એ જી એને માથું રે હલાવી હોંકારો દેજે રે,
આવકારો મીઠો આપજે રે જી.
‘કાગ’ એને પાણી પાજે, ભેળો બેસી જમજે,
એ જી એને ઝાંપા રે સુધી તું મેલવા જાજે રે,
આવકારો મીઠો આપજે રે જી.
- દુલા ભાયા કાગ

પ્રાર્થના, ભજન, સ્તુતિ, શ્લાકગાન, સ્તોત્રગાન એમ વિવિધ પ્રકારે ભક્તિ-આરાધન કરવાની ભારતીય અધ્યાત્મપ્રણાલી છે. જગતનો કોઈ પણ વ્યક્તિ ઈશ્વરને પ્રાર્થના તો કરતો જ હશે, જો એ આસ્તિક હશે તો. એની ભાષા કદાચ જુદી જુદી હશે પરંતુ ભાવ તો એક જ; તદ્રૂપતાનો, તદાકારનો, સર્વ સર્મિપત કરવાનો અથવા કશીક માગણીનો. આપણી ગુજરાતી પ્રજામાં કેટલાક ભક્તિસંપ્રદાયો અસ્તિત્વમાં છે. એ બધામાંના સાધકો ગુરુઆજ્ઞા અનુસાર ઈશ્વર આરાધન કરે છે ને એ રીતે મોક્ષ-મુક્તિનો માર્ગ શોધે છે. નરસિંહ મહેતા તો એમ કહેતા સંભળાયઃ
‘હરિનો જન તો મુક્તિ ન જાચે.
માગે જનમોજનમ અવતાર રે.’

ભક્ત હોય તેણે તો સંસારમાં રહીને દુઃખ કાપવાનાં હોય છે - પોતાનાં, પારકાંનાં. કુળની મરજાદમાં રહી સંસ્કાર ને સંસ્કૃતિ દીપાવવાનાં છે અને એમ કાંઈ ભક્તિ પદારથ રેઢો નથી કે સહેલોય નથીઃ
‘હરિનો મારગ છે શૂરાનો,
નહિ કાયરનું કામ જો.’

ભક્તો-ગુરુ-સંપ્રદાયના વડાઓએ ભક્તિરચનાઓ, ભજનરચનાઓ દ્વારા સમાજની ઉન્નતિનો માર્ગ લીધો કે ચીંધ્યો છે; તો કેટલાક કવિઓએ પણ કાવ્યના ભજનસ્વરૂપનો આધાર લઈ કેટલાંક ઉપકારક જીવનમૂલ્યોની બળકટ અભિવ્યક્તિ કરી છે. એવી રચનાઓમાં દુલા ભાયા કાગની આ રચનાને પ્રથમ પંક્તિમાં સ્થાન મળ્યું છે. કચ્છના આ કવિની કવિતાઓ ‘કાગ-વાણી’ નામે સંગ્રહિત થયેલી છે. તેમાંની આ એક ઉત્તમ રચના માણસાઈના ગુણને ઉજાગર કરે છે. નરસિંહ મહેતાએ વૈષ્ણવના, સાચા વૈષ્ણવનાં ગુણ-લક્ષણો પ્રગટ કરતી કવિતા રચી છેઃ
‘વૈષ્ણવ જન તો તેને રે કહીએ
જે પીડ પરાઈ જાણે રે...

એવા જ ભાવની આ કવિતા માણસની આંતરિક ઇચ્છાને પણ વ્યક્ત કરે છે, તો સામાન્ય વ્યવહારજ્ઞાન પણ આપે છે.ઘરે કોઈ મહેમાન આવે તો ‘કટાણું’ મોં ન કરાય, આવકાર અપાય; ઉમળકાથી વધાવાય. આજના સમયે આ ભાવની ખાસ જરૂર છે. હાલ તો સમય એવો છે કે કોઈના ઘરે પરોણાગત માણવા જતાં પહેલાં ટીવીના કાર્યક્રમોની વિગત જાણી લેવી પડે. નહીંતર બને એવું કે કોઈના ઘરે મળવા ગયા હોઈએ, અને મળેય ખરા, પરંતુ યજમાનનું સમગ્ર અસ્તિત્વ ટીવીમાં કે મોબાઇલમાં ઓતપ્રોત હોય. ત્યારે, આગંતુક ભોંઠો પડી જાય. અહીં ક્યાં આવી ગયા-ની લાગણી જન્મે. આવો કશો ભાવ ન થાય માટે જ કવિ ‘કાગ’ કહે છેઃ
‘એ જી તારા આંગણિયે કોઈ આશા કરીને આવે રે,
આવકારો મીઠો આપજે રે જી.’

આવકાર આપવાની પણ વિવિધ રીત છેઃ હસીને, પગે પડીને, ગળે મળીને, હાથ મિલાવીને, જય જય કરીને... એમ ઘણી ઘણી. પણ અગત્ય આવકારની છે. કવિ ‘મીઠો’ શબ્દ પ્રયોજીને આ બધા ભાવો ભેગા કરી દે છે. ‘એ જી’, ‘રે’, ‘રે જી’ એ ભજનના ઢાળનો લહેકો છે. ધ્રુવપંક્તિ, ટેકમાં જ કવિ કહે છે, ‘આશા કરીને આવે રે..’ અર્થાત્ આવનાર કશીક તો અપેક્ષાએ આવ્યો જ હોય. બની શકે કે એને કોઈ મુશ્કલી હોય, કોઈ સુખ-દુઃખનો પ્રસંગ બન્યો હોય કે બનવાનો હોય અથવા માત્ર મળવાની ઇચ્છામાત્રથી કે માત્ર યાદ આવવામાત્રથી મળવા દોડી આવ્યો હોય. પણ આવનાર એક ‘આશા’ સાથે આવે છે એ નિશ્ચિત.‘આશા’ કરીને આવેલી વ્યક્તિ જો પોતાનાં સંકટ સંભળાવે તો... થોડાં કાપવાની સલા-શિખામણ આપવાનું કવિ ચૂકતા નથી. ‘દુઃખમાં હરિ સાંભરે’ જેવી એક ઉક્તિ પ્રચલિત છે. એટલે, કોઈ આપણને પોતાનું વીતક કહે, દુઃખ કે સંકટ કે વ્યથા કહે ત્યારે આપણી સ્થિતિ ‘હરિ’ની કક્ષાની હોય છે. વળી, દરેક વ્યક્તિની મનઃવાંછના હોય છે કે ‘પોતાના સુખ-દુઃખના પ્રસંગો-બનાવોની અન્ય સાથે વહેંચણી કરે. એવી વહેંચણીના આપણે અધિકારી બનીએ એ આપણું સદ્ભાગ્ય કે સૌભાગ્ય પણ ગણાય, કારણ, એ રજૂ કરનાર વ્યક્તિની એટલી આપણા પ્રત્યેની લાગણી.
એ જી તારા દિવસો દેખીને દુઃખિયાં આવે રે,’એમ કહીને એક સત્ય તરફ કવિએ આંગણી ચીંધી છેઃ જે સમર્થ હોય - બળિયો હોય તેની પાસે, તેના આશરે અસમર્થ કે નિર્બળ જાય. સુખી હોય તેની પાસે જ ‘મદદ’ની આશા રાખી શકાય.
પ્રેમી સે પ્રેમી મિલે, કરે પ્રેમ કી બાત
ગધે સે ગધા મિલે, કરે લાતંલાત.

બે સમાન વ્યક્તિ-પ્રાણી મળે તો કાં હકારાત્મક ને કાં નકારાત્મક ફલશ્રુતિ હોય. પરંતુ અસમાન હોય ત્યાં સબળો નબળાની પડખે રહે છે. હૂંફ આપે છે એવો ભાવ અહીં વ્યક્ત થયો છે.વળી, દુઃખી આત્મા-વ્યક્તિની વાત, વીતકકથા રજૂ કરવાની ઢબને પણ કવિ સારી પેઠે પિછાણે છે. કહે છેઃ
‘કેમ તમે આવ્યા છો, એવું નવ કહેજે,’
જો યજમાન મહેમાનને પૂછી લે કે કયા હેતુ-પ્રયોજનથી અહીં આવવું થયું? તો કદાચ શક્ય છે - આવનારને પોતાની વાત રજૂ કરવામાં મૂંઝારો થાય અને મૂળ વાત બાજુ પર રાખી ભળતી વાત કરીને ચાલતી પકડે. કવિ આ મનોવિજ્ઞાનને સમજે છે એટલે એવું પૂછવાની જ ના પાડે છે, સાથોસાથ કહે છેઃ
એને ધીમે રે ધીમે તું બોલવા દેજે રે,’
દુઃખી માણસ પોતાની વાતની રજૂઆત બીતાં બીતાં, સામા માણસ પર એની વાતની ધારી અસર ઊપજે અથવા અવળું ન સમજી લે તેવા ભાવ સાથે ધીમે ધીમે કરે છે. પણ કરે છે એય નક્કી - એક કવિએ ગાયું છેઃ
દુઃખીના દુઃખની વાતો સુખી ના સમજી શકે,
સુખી જો સમજી શકે, દુઃખ ના વિશ્વમાં ટકે.

દુઃખને, દુઃખીને સાંભળવો એ જ મોટી માણસાઈ છે. ઘણાને એવી ટેવ કે વાત ચાલતી હોય પણ ધ્યાન બીજે ક્યાંક જ ફરતું-રખડતું હોય. દિલ દઈને, કાન સરવા રાખીને સાંભળવાનો ભાવ જ ન હોય. કવિ ‘કાગ’ આવા બેધ્યાન બનવાની ના પાડે છેઃ
વાતો એની સાંભળીને, આડું નવ જોજે,’
વળી, વાર્તા માત્ર સાંભળવાની નથી. માત્ર મૂક શ્રોતા બની રહેવાથી પણ સામો માણસ ભોંઠો પડી શકે છે, એટલે, કવિ એની વાતોમાં વચ્ચે વચ્ચે હોંકારો ભણવાનું કહે છેઃ
એ જી એને માથું રે હલાવી હોંકારો દેજે રે,’
આમ કરવાથી બે-ત્રણ વાનાં એકસામટાં બને છે. પહેલું તો વીતકકથા કરનારને પોતાની વાત સંભળાય છે-ની પ્રતીતિ થાય છે. બીજું, સાંભળનાર બીજે કશા ધ્યાનમાં નથી એવુંય લાગે. વળી, રજૂઆતકર્તા પોતાનું વીતક કહેતાં કહેતાં રડી પણ ન પડે જો હોંકારો દેવાતો હોય તો... અને આમ વીતક કહેતાં-સાંભળતાં જો ડૂમો ભરાઈ જાય, આંખ ઝળઝળિયાંળી બની જાય, અવાજ ભારે બની જાય તો... ‘‘કાગ’ એને પાણી પાજે,’ અને વધુ આવકાર આપવા માટે જો સમય થયો હોય તો સાથે બેસીને જમવાનીય ભલામણ કરે છે. ‘હોંકારો’, ‘ભેળો’ જેવા તળપદા શબ્દો સોરઠ, હાલાર, કચ્છની ઝાંખી કરાવે છે.  અને છેલ્લે આવતી પંક્તિ ‘આવકારા’ની પરિસીમા દર્શાવે છે. પૂર્ણ આવકાર આપ્યો કોને કહેવાય!? તો કહે છેઃ ‘એને ઝાંપા રે સુધી તું મેલવા જાજે રે,’ ઘરમાં આવનારને આવકાર આપવાનો ને એની વિદાયવેળાએ પણ છેક ઝાંપા સુધી મૂકી આવવાનો. વિદાયવેળાના બે બોલ - ‘એ આવજો’ કહી પુનઃ આવકાર આપવાનો; ‘એ રામ રામ, આવજો ફરી’. ઘણાને એમ કે ઝાંપા સુધી વળાવી આવીએ તો મહેમાન પાછા આવી જવાની ભીતિ ન રહે - એવો કશો ભાવ આ કવિતામાં ક્યાંય પ્રગટતો નથી.
‘કાગ’ની આ કવિતામાં માણસાઈના ગુણોનો હોંકારો સંભળાય છે.

અજિત મકવાણા,
સેક્ટર નં. ૧૩/એ, પ્લોટ નં. ૬૬૨/૨,
ગાંધીનગર, મો. ૯૧૩૭૩૩૪૨૪૯


***

Home    ||   Editorial Board    ||    Archive   ||  Submission Guide   ||   Feedback   ||  Contact us   ||  Author Index