દાઢીવાળો બાવો    

હું આંખો મીંચી જાઉં છું, બળપૂર્વક. અંદર ડોળા ચકરવકર ફરે છે. જોવાનું તો ઘણું મન છે, ને જાગવાનું પણ; પણ મમ્મીએ આ વખતે સાચ્ચે જ ધમકી આપી છેઃ ખબરદારઢ જો જાગ્યો છે તો;બાવાને આપી દઇશઢ ને મેં બળજબરીપૂર્વક આંખો મીંચી દીધી છે. પણ કાનને કેમ ઢાંકું? મમ્મી તો હજુ યે બોલતી લાગે છેઃ એ બાવા, આ જાગે તો આને લઈ જજેઢ મારા દેહમાં ભયનું એક લખલખું ઊંડેઊંડે ઊતરી જાય છે. જોયેલા બાવાઓ મનમાં ધમાચકરડી મચાવવા લાગે છે. બહાર કશો કોલાહલ છે. બાવાઓ આવ્યા હશે? ના, ઘુઘરાઓનો અવાજ  તો નથી આવતોઢ આ તો મીનુમાસીના ચીન્ટુનો અવાજઢ માસી એને ક્યાં લઈ જતાં હશે અત્યારે? બાવાઓ તો નથી જ આવ્યા લાગતા, નહીં તો ચીન્ટુ બાર જ શેનો નીકળેઢ તો પછી મમ્મી જૂઠું બોલી હશે? ખબર નહીંઢ પણ આંખો ખોલવાની હિંમત નથી હાલતી. ખોલી, ને મમ્મી ખરેખર વીફરી તો?ઢ એ તો આપી પણ દે બાવાનેઢ ભલું પૂછો એનુંઢ તે દિ નોતી બાવડું પકડીને ઢસડી ગઈ,ઠેઠ બાવા લગીઢ બાપ રેઢ લાંબી-લાંબી દાઢી ને માથે જીંથરાળા વાળ; મેાટી મુછો ને લાલઘૂમ આંખો. બી જ ગયેલો હું. અવાજ ફાટી ગયેલો ને વળતો જ મમ્મીને વળગી પડેલો, કસકસતો. મમ્મી તો હસતી, મૂક લ્યા, નથી બાવો; જતો રયો કરતી રહી, પણ પાલવમાંથી મોઢું ફેરવ્યું જ નહીં  નેઢ રાતે તો, તે દિ, બાવાઓથી બજાર જ ઊભરાણીતી. ઠેઠ ખાટલા લગી આવી ગયેલાઢ  હું જબકીને જાગી ગ્યો ત્યારે મમ્મી એની સોડમાં ખેંચી હાથ ફેરવતાં બોલેલીઃ સૂઈ જા, પેટઢ કેઈ નથી. શરીર ઘગે ઈ મમ્મીએ જોયેલું, પપ્પાને ય પછી ખબર પડેલી. જોકે મમ્મીએ તાવનું કારણ તડકો ગણાવેલું. ઝાઝું નોતી બોલી, વાસે ફરતો એનો હાથ બોલતો રહેલો આખી રાત. હું જબકી જાગું કે એ વધુ જોરથી છાતીએ ચાપે. માથે-વાસે વધુ પ્રેમાળ બની ફરતો રહેલો તેનો હાથ ધીમેધીમે; ને ધીમેધીમે બાવાઓ દૂર  થતા રહયા મનમાંથી. કાળી-ધોળી દાઢી હડસેલાતી રહી આઘે-આઘે ને હું પાછો પરીઓના દેશમાં જઈ ચડેલો. પણ તે દિથી બંદાએ તોફાન ઘટાડી દીધેલાં. ને મમ્મીએ પણ મોકળા મને થોડી મોકળાશ કરી આપેલી. પણ કોણ જાણે કેમ, ઓચિંતો આજે મમ્મીના મુખમાંથી બાવો પ્રગ્ટયો ને મારા બાર વગાડી ગ્યો. આઘે-આઘેથી ઓઘરાળા અઘોરીઓ આવી-આવીને મને બીકાળવા મોઢેથી ધ્રૂજાવા લાગ્યા. એની ફરફરતી દાઢીઓ મારાં રૂવાડાં બેઠાં કરી ગઈ.ફરફોલ્લાં પાડી દીધાં મારી લીલોતરી પર. હું સુકાતો-સંકોચાતો સંકોરાવા લાગ્યો. મમ્મીને વીંટાવા  કરું, પણ એ ક્યાં અત્યારે અહીં હતી તે મારાં ફોલ્લાંઓને પંપાળેઢ  એ તો મને ખાટલામાં નાખીને ક્યાં જતી રહી કોને ખબરઢ ખાટલાના ખૂણામાં ટૂંટિયું વળી પડયા રેવા સિવાય મારી પાસે ક્યાં બીજો કોઈ ઉપાય જ હતો? હા, રસોડામાં વાસણ ખખડવાનો અવાજ આવતો હતો. મમ્મી ત્યાં જ હોવી જોઈએ. એનું આટલું પાસે હોવું થોડું આશ્વ્વાસન જરૂર હતું, પણ તો યે બાવાની બહુ બીક લાગતી મને. આંખો ખોલવાની, પછી તો હિંમત જ નોતી હાલતી.
રસોડામાં ચીપિયો ખખડયો ને ફરી બાવો બેઠો થ્યો.યાદ આવી ગ્યો એ ચીપિયાવાળો બાવો. હજુ તો બાલમંદિરેથી આવેલો જ. મેડમે એકડા ને કક્કો બોલાવી-બોલાવીને થકવી દીધેલ, તે ઘરે આવતાં જ દફતરનો ડેલીમાં ઘા કરતોક  બાર  રમવા ભાગું ને સામે જ ચીપિયો ખખડાવતો બાવોઢ બંદા એ જ ઘડીએ હાંફતાં, ઘરમાં ઘૂસી ગયેલા. બાવો, જાણે કે પકડવા જ પાછળ આવતો હોય એમ ડેલીએ આવીને થોભ્યો. ચીપિયો ખખડાવે ને અલક-મલકનું અલખ-અલખ એવું કંઈક બોલે. બારણા પાછળ ભરાઇને તીરાડના ઉજાશમાંથી ભળાય એટલું ભાળું. કાબરચીતરી દાઢી હવામાં ફરફરતી વીંઝાય. દોથોએક સાપોલિયાં ફેણ માંડવા મથતાં હોય એવું લાગે. લાગે કે હમણાં ઝેર ઓકશે ને બાળી નાખશે બધું. મમ્મી તો બાવાથી સ્હેજે ય ન બીવે. બાવો આવ્યો કે બાર આવી જ સમજો. ચીપિયો સાંભળતાં જ મલકાતી-મલકાતી બાર આવે. ખાવાપીવાનું ને રૂપિયો-રોળો આપી, ઝૂકવા જેવું કરે. દાઢી, મમ્મીને માથે અડતી હોય એવું લાગે. સાપોલિયું અજગર બનીને ગળી ગ્યું તો?ઢ  મમ્મીને તો બીક જ નહીં, પણ હું તો બીઉં. ફ્ટાક કરતો બારણાં બંધ કરું. પીઠને ટેકવી આડો ઊભો રહી જાવ. બારણાં ખખડતાં લાગે. મમ્મીનો અવાજ ય સંભળાય. થોડો હાશકારો થાય. પણ બાવો ય સાથે હશે તો?  ભય, ભીડેલાં બારને ભીડેલાં જ રહેવા દે. મમ્મી હળવેથી ધક્કો મારે ને હું હડસેલાઉં. પડતો બચું. મમ્મી ઝીલી લે મને ને તેડીને ચુમીઓથી નવરાવી દે.બાવો જતો રહયો હોય તો યે એની ફરફરતી દાઢી હજુ આંખોથી ઓજલ ન થઈ હોય.વારે-વારે ડેલીએ જોવાય જાય. રમવાનું તો ભુલાઇ જ ગયું હોય. મમ્મી વાતોએ ને પછી કામે વળગે; પણ વળગેલો બાવો કેમેય કરીને મનમાંથી ન જ ઊખડે. ચીપિયો હજુ ય ખખડતો સંભળાય. એનું અલખ આંટા મારતું હોય આસપાસ, ને મન મુંજાયા કરે. મમ્મી રમાડે, જમાડે ને સુવા ટાણે સુવાડે; પણ બાવો હજુ બારણે ઊભો હોય એવું જ લાગે. બાવાની બીક બહુ લાગે મને. એની ડરામણી દાઢી દઝાડતી હોય એવું થાય. પણ શું કરું? કેને કહું?  બાવો, ન જાણે ક્યાંથી આવી ટપકે મમ્મીની વાતમાં; ને ફરી વળે મારી આસપાસ બધે. છોડે નહીં કેમે ય કરીને એ. છોડી દીધા મેં તોફાનો બધાં, આ બાવાની બીકે જ; પણ બાવાથી છૂટકારો થાય જ નહીં નેઢ વારે-તહેવારે આવતો બાવો વાતેવાતે આવતો થયો. ક્ંઇક ભૂલ થઇ, કશુક ચૂક પડી કે ક્યાંક થાપ ખવાઇ કે બાવો આવ્યો જ સમજ્યોઃ જો, બાવો આવ્યોઢ, લ્યા, લઇ જા તો આનેઢ, એલા, આવજે ઓરોઢ, હવે તોફાન કર, બાવાને જ આપી દઉંઢ  મમ્મી ય કળી ગઈ કે બચુડાને આ બાવો જ સીધો કરશે. મારથી તો માનતો જ નથી નેઢ પપ્પા એના, બહુબહુ તો બે વેણ કેશે. બાવો જ બાંધેલો રાખશે એનેઢ ને હું બંધાઇ ગયો હોઉં એમ પથારીની પાંગથે ટૂંટિયું વળીને જડ જેવો પડયો રહું છું. બાવાઓની વણઝાર  રાસડા રમતી મારી આસપાસ ઘૂમતી રહે છે. રસોડામાં ચીપિયાનો હજુ ય અવાજ આવે છે. ફળિયામાં વીંઝાતી નારિયેળીના પત્તાંઓમાં સંભળાતો દાઢીઓનો ફરફરાટ મારા ફફડાટને વધારી જાય છે. ફાળ પડે છે પેટમાં ને ઝબકી જવાય છે. મમ્મી દોડતી આવી બાઝી પડે છે. પડખામાં લઇ માથે હાથ ફેરવે છે. હવે થોડું સારું લાગે છે. મમ્મીની હૂંફ હેતના સરવરમાં ડુબાડતી-તરાવતી સવારના સૂરજની સોબત કરાવી આપે છે.
હવામાં તરતા મમ્મીના મધુર કંઠે તણાઇને આવતું સવાર મને ગલીપચી કરતું જગાડે છે. હું પડયો-પડયો જાગતો મમ્મીની મીઠી લહેક સાંભળું છું. લાલાની સેવા કરતી મમ્મીની મસ્તીમાં આફુડા ગમવા લાગે એવા ગીતોનું ગણગણવું મારા હોઠ પર આવવા થાય છે. કાનાનું ઘોડિયું ને ઘુઘરો, ભોચકરડી ને કોડીઓથી મને ય ભાઇબંધી કરવાની તાલાવેલી જાગે છે. મમ્મીના ખોળામાં બેસી કાનાનાં રમકડે રમવાનું મન થતાં હું ઊભો થવા જાવ ત્યાં જ કોઇ નંદબાવો ઓચિંતો ક્યાંકથી મમ્મીના ગીતમાં બેઠો થયો ને બેઠા થયેલા મને પાછો સુવાડી ગયો. પછી તો હિંમત જ ન હાલી ઊભા થવાની. પૂજા પૂરી કરી મમ્મીએ જગાડયો ત્યારે જ જાગ્યો; સુતો રહયો ત્યાં સુધી, મમ્મીની મીઠાશને વાગોળતો.
મમ્મીએ નવડાવ્યો ને પછી આંગળી ઝાલી હવેલીએ ય લઇ ગઇ. નંદબાવો મનમાં હજુ યે ઘૂમરાતો હતો. કોણ હશે એ? કેઇ છોકરા લઇ જતો બાવો હશે? કાનાની મમ્મી ય એને બાવાની બીક બતાવતી હશે? કાનાને બાવાની બીક લાગતી હશે? એ તો ભગવાન, એને ય બાવો ઉપાડી જાય?  એક પછી એક પ્રશ્વ્ન મનમાં ગોળફૂદરડી ફરતા સંતાકૂકરી રમવા લાગ્યા, પણ જવાબ ક્યાં? પૂંછડી વિનાના ઉંદર જેવા આ સવાલોની ભૂલભુલામણી, હાથતાળી આપતી, સાતોડિયાની જેમ એકબીજા પર ગોઠવાઇ,મારા પર ડુંગર જેવડું પ્રશ્વ્નાર્થ મૂકી ગઇ. જ્વાબ જડે જ નહીં નેઢ પૂછવું ય કોને? બાવાની બીકે મમ્મીને પણ પૂછવાની હિંમત ન હાલી. એમાં ને એમાં હવેલી પણ આવી ગઇ.મમ્મી તો એના લાલાનાં દર્શનમાં ખોવાઇ ગઇ. સવાલોના શેરમાં ભૂલો પડેલો હું  જવાબોનું જંગલ ફેડતો એક ફોટા પાસે આવીને અટકયો. નાનકડા કાનુડાને ટોપલીમાં ઘાલીને કોઇ દાઢીવાળો બાવો નદી વચ્ચેથી નાસી રહયો છે. એક મસમોટા  માથાવાળો સાપ એની પૂંઠે પડયો છે. થયું, નક્કી, આ જ નંદબાવો લાગે છેઢ મદારી હશે; તે ટોપલામાંથી સાપને કાઢી, છોકરો લઇને ભાગે છેઢ નક્કી, કાનુડાએ તોફાન કર્યા હશેઢ  મમ્મીનાં ગીતોમાં કાનાનાં તોફાન આવે જ છે નેઢ એની મમ્મીએ એટલે જ  એને બાવાને આપી દીધો લાગે છેઢ  મેં મમ્મી સામે જોયું. એ તો એની ભક્તિમાં જ ખોવાયેલી હતી. હું હળવેથી આવી, મમ્મીની બગલમાં બેસી ગયો.
મમ્મી રામલલ્લાનાં દર્શને જવાની હતી. ગયા વરસે મને ય લઇ ગયેલી. છૂકછૂક ગાડીમાં બેસવાની બહુ મજા આવેલી. રાતે ય ગાડીમાં જ સુવાનુંઢ બે દિ તો ગાડીમાં જ ખાધું,પીધું ને રાજ કર્યું. થાકી ગયો ત્યારે રામજીનું ગામ આવેલું. મમ્મી કેતી તીઃ રામ અહી જ જન્મેલા. મને એ જોવાની જિજ્ઞાસા; તે ગામ આવતાં જ  ગાડીમાંથી,  મમ્મીની આંગળી છોડીને, કૂદી પડેલો પેલો; પણ સામે જ બાવાઓનું એક મસમોટું ટોળું. તે વળતો જ, ઊતરતી મમ્મીને વળગી પડયો. મમ્મી હસતાં-હસતાં કહેઃ ગાંડા, આ કંઇ ન કરે, આ તો મારા રામજીના સેવકઢ ભગવાનના ગામમાં બીવાતું હશે, બટાઢ  ગામમાંથી સાથે આવેલાં પાંચ-પચ્ચીસ પરિચિતો પણ હસી પડેલાં ત્યારે. પણ મેં તો મમ્મીનો પાલવ જ ન છોડયો પછી. પાલવ છૂટે તો આંગળી  કશુંક તો પકડેલું રાખવું જઢ  નહીં તો અહીં બાવા જ કેટલા બધા છે, બાપાઢ  આંગળી છૂટી કે ગયા જ સમજોઢ  મમ્મી તો કહે. મમ્મીનો તો ભરોસો ય કરાય, પણ બાવાનો? ના, મમ્મીને રેઢી મેલવી જ નથીનેઢ બાપ રેઢ ભૂરી-ભૂખરી દાઢીઓની આગ ઓકતી આંખોથી બચતો-બચાવતો હું કેમેય કરીને ઘેરે આવેલો ત્યારે જ નક્કી કરેલું કે બીજીવાર એ બાજુ ફરકવું જ નહીં નેઢ મમ્મીને જવું હોય તો જાય, બંદા હવે એ બાજુ આંખ ફેરવીને જોવાના ય નહીંનેઢ તે, આ વખતે મમ્મીએ કીધું કે મેં ફટાક કરતી ના કહી દીધી, નથી આવવું મારે, તારે જવું હોય તો જા.  ને મમ્મી એના સાગરીતો સાથે રામલલ્લાનાં દર્શને જવા નીકળી ગઇ.
બે દિ થ્યા, મમ્મી હજુ ય ન આવી. દિવસે તો ઠીક, રાતે એ પડખામાં હોય તો થોડુંૃ ઠીક લાગેઢ હજુ ય બે દિ પછી આવવાનીઢ  મન જ ચોંટતું નોતું કયાંયઢ જીવ ઊંચોનીચો થયા કરતો, મમ્મી સાથે, એ બાજુ, જવામાં જીવ નોતો ચાલતો; તો આ બાજુ, દૂર રેવાથી દમ ઘૂંટાતો હતો. મમ્મીને શું ખબર કે મમ્મી વિના શું થાય છે મનેઢ  એ તો હાલી નીકળી હરિની સેવામાં, મને મેલીનેઢ  ને હું અહીં મમ્મી-મમ્મી કરતો તડપુંઢ હવે પછી જવા જ નથી દેવી, જોઢ રોઇ-રોઇને રોકી ન લઉં તો કેજેઢ તોફાન કરવા પડશે તો એ ય કરીશઢ છો બાવાની બીક બતાવે, આપી થોડી દેશે? ને આપી દે તો ય ભલે; મમ્મી વિના જીવવા કરતાં બાવા ભેગું ભળી જઈ, બાવો થઇ જવું સારુંઢ  છો ભલે પછી એ ય રડે મારા વિના, ખબર પડે એને ય કે એકલા રેવાથી શું થાય છેઢ  પણ આવે તંઈ નેઢ ક્યારે આવશે એની રાહ જોતો બેઠો હું માંડ બીજા બે દિવસ પસાર કરું છું.
કાલે મમ્મી આવવાની છે. ફોન પણ હતોઃ ગાડીમાં બેસી ગયાં છીએ.સવારે પોંચી જઇશું.  ને રાતઆખી મમ્મીમય બની ગઇ. સવારે મમ્મી આવશે  એ વિચારે સવાર પણ આવી ગયું, પણ મમ્મી હજુ ય ન આવી. ગાડી મોડી હશે? પપ્પા ફોન જોડે છે પણ લાગતો નથી. બપોર થવા આવી, મમ્મી હજુ ય ન આવી. બાવો તો નહીં ઉપાડી ગયો હોય નેઢ એક પંખી પાંખો ફફડાવતું બાજુમાંથી ઊડયું. હું ફફડી ઊઠયો. બા ન આવી તો?ઢઢઢ  વિચારવાની હિંમત જ ન હાલી. મન ખાલીખાલી થવા લાગ્યું. રાહ જોઇને આંખોમાં ય ખાલી ચડવા લાગી ત્યારે મોડેમોડે સમાચાર આવ્યા કે ગાડીમાં આગ લાગી છે. મારી તો મતિ જ મુંજાઇ ગઇ. પપ્પા પાગલની જે હાંફળા-ફાંફળા થતાં આમ-તેમ દોડવા લાગ્યા. ગામ ગાંડું થયું. આગની જેમ જ સમાચાર ગામમાં ફરતાં થતાં, ગામને દઝાડી ગયા. લેાક દોડવા લાગ્યુંૃ ચોતરફ, જે હાથમાં આવ્યું તે લઈનેઢ ને છતાં કોઇની પાસે કોઇ દિશા નોતી, ક્યાં જવું તેનીઢ બાર જવાના રસ્તા પણ બંધ થવા લાગ્યા. જવું ક્યાં જવા ઇચ્છનારનેઢ લોકો નોધારા થઇ ટીવીને શરણે આવ્યા. વાતો વેતી થઇ; વાતોનું વતેસર થયું. અફવાઓ પણ વહેવા લાગી. કેઇ કહે બળ્યું; કોઇ કહે બાળ્યું. ગાડીની આગ થોડી કલાકોમાં તો માઇલો દૂરનાં ગામોને બાળવા લાગી. બળતા ડબ્બાઓ, તો બળતાં ગામો દઝાડતાં રહયાં સૌને. કેઇનાં ઝૂંપડાં તો કોઇની જાત સળગતી હતી; કોઇનો જીવ તો કોઇની જાન ભડભડ બળતી હતી આજેઢ  આગની રતાશ પડતી જ્વાળાઓ મેંદીરંગી દાઢીઓનો ભાસ કરાવતી અવનવા ચહેરાઓ ઊપસાવતી રહી ટીવી પરઢ ચહેરાઓ  અજાણ્યા હતા, પણ પરિચિતતા કેળવતી દાઢીઓ ડરાવી ગઇ મનેઢ નક્કી આ દાઢીનો દામ જ મને દઝાડી જશે. મને રડવું આવવા લાગ્યું. દઝાડતી  દાઢીની આ ડરામણી દુનિયામાં મારે મમ્મીને ક્યાં શોધવી?ઢ મમ્મી વિનાનું મારું કોણ?ઢ  મમ્મી વગર તો મરી જ જાવ હુંઢ ના, મારે નથી જીવવું મમ્મી વગરઢ  ને હું નીતરતી આંખે પપ્પાની સામે નોધારી નજરને ફેરવું છું. પપ્પા, એના ધૂ્રજતા હાથે મને ઊંચકી લઈ, એની ભીની આંખોમાં, ટપકતી મમ્મીની છબીથી મને ભરી દેવા ચૂમીઓથી વરસવા મથે છે; પણ એની વધેલી દાઢીના વાળ મને છોલતા ઉઝરડા પાડે છે ને મહાપરાણે હું તેમનાથી છૂટી, સળગતા ટીવીને છોડતો, આગ ઠારવા નદી ભણી મુઠઠીયૂંવાળી ભાગું છુઃ ને મારી પાછળ કાળી-ધોળી, કાબરચીતરી ને મેંદીરંગી ફરફરતી દાઢીઓ, આગની જ્વાળાઓ ઓકતી, પીછો પકડે છે મને બાળવા....

==========

ગુણવંત વ્યાસ,
શમ્યાપ્રાસ,૬, શ્યામકુટિર બંગ્લોઝ,
દર્શન સોસાયટી સામે,બાકરોલ-લાંભવેલ રોડ,
મું બાકરોલ(આણંદ)૩૮૮૩૧૫

મો.૯૪૨૬૩૧૭૯૧૩  


***
   
                                    

Home    ||   Editorial Board    ||    Archive   ||  Submission Guide   ||   Feedback   ||  Contact us   ||  Author Index