માસ્ટર ઝચારીઅસ

વિજ્ઞાનના અતિરેકના માઠા પરિણામોની કલ્પના કરતી વિશિષ્ટ નવલકથા

લે. જૂલે વર્ન                                                                                                          અનુવાદ- જીગર શાહ
 

(વિજ્ઞાનને પોતાના જીવનનું સંપૂર્ણ ધ્યેય માની બધું દાવ પર લગાડી દેનારા જૂલે વર્નની વાર્તાઓના પાત્રો અદભુત રોમાંચ આપનારાં છે. માસ્ટર ઝચારીઅસ – આવું જ એક ધૂનિ પાત્ર છે. તેના મગજ ઉપર સવાર થયેલી વિજ્ઞાનની ગાંડી ધૂન તેની આસપાસની દુનીયાને પણ ભૂલાવી દેનારી નીવડે છે. આ મૂળ ફ્રેંચ કથા      Maitre Zacharius ઈ.સ. 1854માં જૂલેવર્ને લખી હતી. લાંબો સમય અપ્રકાશિત રહ્યાં પછી તેનો સમાવેશ 1874માં પ્રકાશિત થયેલા Dr. OX Experiments નામના કથાસંગ્રહમાં થયો હતો. આ કથામાં જૂલે વર્ને વિજ્ઞાનના અતિરેકના માઠાં પરિણામોની ભવિષ્યવાણી કરવાનો પ્રયત્ન કર્યો છે. જે હાલના સમયમાં સર્જાયેલી પર્યાવર્ણીય સમસ્યાઓને જોતાં સાચી પડતી જણાય છે. આ રીતે પણ આ કથાનું અનેરું મહત્વ છે. એમાં અનુભવાતો કથા વેગ તો અદ્વિતીય છે જ આપને એ અનોખા આનંદની અનુભૂતિ કરાવનારી નીવડશે એવી શ્રદ્ધા છે. હવે પછીના હપ્તાઓમાં આ કથા પ્રકાશિત થવાની હોવાથી જલ્દીથી આપ સામયિકમાં રજિસ્ટર્ડ થાવ અને નવા અંકને પોતાના જ ઇ-મેઈલ પર મેળવી વાંચો.....) ન.શુ.

-2-
વહી ગયેલો ભાગ વાંચવા માટે અહીં ક્લિક કરો.
(ગતાંકથી ચાલુ...)


આ બાબતમાં તારાં મંતવ્યો તારી પાસે રાખે તે ઠીક રહેશે. ઔબર્ટ સ્કોલાસ્ટિકની દલીલોથી ગુસ્સે થયો. “સૂર્ય ઘડિયાળ જૂના જમાનાની વાત છે. આજના આધુનિક યુગમાં તેનું કોઇ મહત્વ નથી. રાત્રી દરમિયાન સૂર્ય ઘડિયાળ કોઈ જ કામ આપી શકે નહીં. આપણી ઘડિયાળો દિવસ-રાત બંનેમાં સચોટ સમય બતાવે છે.”
‘ઔબર્ટ, તું આ બધું શું કહી રહ્યો છે ? તે મને સમજાતું નથી.’
‘તું શું વિચારે છે...? ઔબર્ટ’, સ્કોલાસ્ટિક અને ઔબર્ટ વચ્ચે થઈ રહેલી જીભાજોડીથી આડેપાટે ચડેલી વાતને વચ્ચેથી જ કાપતાં જીરાડ બોલી. ‘તો શું આપણે મારા પિતાએ બનાવેલી ઘડિયાળોના લાંબા આયુષ્ય માટે ઇશ્વરને પ્રાર્થના કરવી જોઈએ...’
‘નિઃશંકપણે, મને તો હવેએ જ એકમાત્ર રસ્તો દેખાઈ રહ્યો છે’. ઔબર્ટે કહ્યું.
‘ઘડિયાળના લાંબાં આયુષ્ય માટે આપણને પ્રાર્થનાપોથીની પ્રાર્થનાઓ કામ નહીં લાગે.?.! એ પ્રાર્થનાઓ યંત્ર માટે નથી.’ સ્કોલાસ્ટિકે કહ્યું.
‘પરંતુ આપણે આ જ પ્રાર્થનાઓ એ ઘડિયાળના લાંબા આયુષ્ય માટે વાંચીશું. ઇશ્વર આપણને માફ કરે અને આપણી આજીજી સ્વીકારે...!’
મીણબત્તીઓ ફરીથી પ્રગટાવવામાં આવી. સ્કોલાસ્ટિક, જીરાડ અને ઔબર્ટે ઘૂંટણિએ પડી પ્રાર્થના કરી. જીરાડે સૌ પ્રથમ ઇશ્વરને તેની મૃત માતાના આત્માની શાંતિ માટે વંદના કરી. ત્યાર બાદ વિશ્વના બધા સારા અને ખરાબ તત્ત્વો માટે આશીર્વાદ માંગ્યા. અને છેવટે તેણે તેના પિતા પર આવી પડેલી અજાણી આફતમાંથી મુક્તિ અપાવવા ઇશ્વરને અંતઃકરણપૂર્વક આજીજી કરી.
પ્રાર્થના બાદ જીરાડ તેના ઓરડામાં જતી રહી. ઔબર્ટ અને સ્કોલાસ્ટિક પણ પોત-પોતાના ઓરડામાં જતા રહ્યાં. પરંતુ જીરાડને ઊંઘ આવતી ન હતી. વિચારમગ્ન સ્થિતિમાં તે પોતાના ઓરડાની બારી પાસે બેઠી રહી. મધ્યરાત્રી. મધ્યરાત્રી થઈ ગઈ હતી. જીનીવા નગરમાં સળગતા દીવાઓ બૂઝાઈ ગયા હતાં. નગરનું જીવન નિદ્રાધિન બની ગયું હતું. જીરાડ પોતાના પિતાના જ વિચારોમાં ડૂબેલી હતી. ઠંડીની કઠોરતા વધતી જતી હતી. નદીના ઝડપી વહેણ સાથે ઉછળતા મોજાંના અવાજો અને ઠંડા પવનમાં આખું ઘર જાણે ધ્રૂજતું હોય તેવું લાગતું હતું. પરંતુ જીરાડ પર આવા વાતાવરણની કોઈ અસર જણાતી ન હતી. વાતાવરણની કઠોરતા કરતાં તેના મગજમાં ઉદભવેલા તેના પિતાના વિચારોનાં તોફાને જ તેની બધી ચેતના છીનવી લીધી  હતી. પિતાની માનસિક સંતાપની સ્થિતિ તેના માટે અસહ્ય હતી.
ઠંડા પવનનો એક સૂસવાટો આવ્યો અને એ સાથે જ વરસાદ તૂટી પડ્યો. બારીઓ એકબીજા સાથે અથડાવા લાગી. નદીના વહેણ અને હવાના અવાજમાં વાતાવરણ વધું ડરામણું બની ગયું હતું. વરસાદનું પાણી જીરાડના ઓરડાને ભીનો કરી રહ્યું હતું. મહામહેનતે જીરાડે ઓરડાની બારીઓ બંધ કરી. અચાનક એને પિતાની યાદ આવી. તેને થયું તેમના ઓરડાની બારીઓ પણ ખૂલ્લી જ હશે. પોતાના ઓરડામાંથી તે બહાર આવી. તેના પિતાના, નીચેના ઓરડામાં જતાં દાદર તરફ તેણે નજર કરી. તેણે જોયું કે ઓરડામાં હજી અજવાળું હતું. ઝચારીઅસ પણ હજી સુધી જાગતા હતા. ઘરની અન્ય બારીઓ જીરાડે બંધ કરી. બધી બારીઓ બંધ થઈ જતાં ઘરમાં સંપૂર્ણ શાંતિ છવાઈ ગઇ.
આવા ભયાનક વાતાવરણ અને તેનાં પિતાના વિચારોમાં તે પાગલ બની જશે તેવું તેને લાગ્યું. પિતા આટલી મોડી રાત્રે શું કરી રહ્યાં છે તે જાણવાની તેને ઇચ્છા થઈ. દાદર ઉતરીને તેમના ઓરડા તરફ ગઈ. ધીમેથી દરવાજો ખોલ્યો. દરવાજો ખોલતાં જ તેને આઘાતજનક દૃશ્ય જોવા મળ્યું. તેના શરીરમાંથી એક કંપારી પસાર થઈ ગઈ. ઝચારીઅસના ઓરડાની બારીઓ ખુલ્લી હતી. તેમાથી વરસાદનું પાણી ઝડપથી અંદર આવી રહ્યું હતું. આખો ઓરડો પવન સાથે આવતી વછટને લીધે ભીનો થઈ ગયો હતો.
પાણીથી ભીના થયેલા ઓરડામાં જમીન પર વચ્ચોવચ્ચ માસ્ટર ઝચારીઅસ પડ્યા હતા. આજુબાજુની સ્થિતિ અંગે તેમને કંઈ જ ભાન ન હોય તેમ લાગતું હતું. જીરાડ ઓરડામાં પ્રવેશી તેનો પણ તેમને ખ્યાલ ન હતો. ભેદી ઇશારાઓ કરી રહ્યાં હતા. પોતાની સાથે જ જાણે વાત કરી રહ્યાં હોય તેમ તે બોલતા હતા. જીરાડ ધીમેથી તેમની પાસે ગઈ. તેમનો બબડાટ સાંભળવા લાગી.

મા. ઝચારીઅસ ઘેરા અવાજમાં બબડી રહ્યાં હતા. “તે મરી ગઇ છે. તે મરી ગઈ, તો પછી હું કેવી રીતે લાંબું જીવી શકું...? આ પૃથ્વી પર મારા અસ્તિત્વનો અર્થ પણ શું છે...? હું વિશ્વવિખ્યાત ઘડિયાળી, માસ્ટર ઝચિરીઅસ, અનેક ઘડિયાળો બનાવનારો. મારી એ ખોટવાયેલી ઘડિયાળો લોકોને  ધાતુની નકામી પેટીઓ જેવી લાગે છે. મેં એ ઘડિયાળો બનાવી છે. તે પેટીઓ નથી. તેમાં મેં મારો પ્રાણ પૂર્યો છે. મારા હ્ય્દયના ઘબકારા આપી તેને ઘબકતી રાખી છે. મેં બનાવેલી ઘડિયાળો જ્યારે હું અટકી પડેલી જોઉં છું ત્યારે, મારું હ્ય્યદય ઘબકારા ચૂકી જાય છે. મેં તેને મારો આત્મા આપ્યો છે. મારો આત્મા.  કોઈ નિર્જીવ પેટીઓ નથી. મારું જીવન છે. મારું જીવન...”

ઝચારીઅસ બબડી રહ્યાં હતા ત્યારે તેમની નજર સામેના ટેબલ તરફ હતી. તેમણે બનાવેલી વિવિધ ઘડિયાળોના ભાગો છૂટા-છવાયા એમના ઉપર પડ્યા હતા. જીરાડના આગમનનું પણ તેમને ભાન ન હતું. પોતાની જ ઘૂનમાં તે ખોવાયેલા હતા. બેઠા થઈને તેમણે જુદા પડેલા ભાગોને ફરીથી જોડવા પ્રયત્ન કર્યો. ખાલી સિલિન્ડર લઇ તેમાં ગૂંચળાદાર સ્પ્રિંગને દબાવી ગોઠવવા પ્રયત્ન કર્યો.  માટે તેઓ વધુને વધુ પ્રયત્ન કરતા હતા. પરંતુ તેમના બધા પ્રયત્ન નિરર્થક સાબિત થતા હતા. આખરે ગુસ્સે થઈને તેમણે ઘડિયાળના એ ભાગોનો નાનકડી બારીમાંથી બહાર ઘા કર્યો. ઘડિયાળના ભાગો રહોન નદીના વહેતા પાણીમાં ગરક થઈ ગયા.
માસ્ટર ઝચારીએસની આવી માનસિક સ્થિતિ જોઈ જીરાડ સ્તબ્ધ બની ગઇ. પિતાને સમજાવવા તે ઘણું કહેવા માગંતી હતી પણ આઘાતને કારણે તે એક શબ્દ ઉચ્ચારી શકતી ન હતી. એનું મોં જાણે સીવાઇ ગયું. પગ જમીનમાં ઠોકેલા ખીલાની જેમ જડાઈ ગયા. આઘાતથી તેનું મગજ ભમતું હતું. પોતે બેભાન થઈ જશે તેવું એણે અનુભવ્યું.
અચાનક તેના કાને ધીમેથી અવાજ આવ્યો. “જીરાડ હજી તું ઊંઘી નથી. તારા ઓરડામાં જઈને ઊંઘી જા. અડધી રાત વીતી ગઇ છે અને ઠંડી પણ ખુબ છે.”
‘ઔબર્ટ’, જીરાડ આશ્ચર્યપૂર્વક ધીમેથી બોલી...’તું અહીં...?
‘તારા પિતાની ચિંતામાં તું અડધી રાત સુધી જાગી રહી હોય તો, હું કેવી રીતે આરામથી ઊંઘી શકું...? તારી ચિંતા એ મારી ચિંતા છે.’
ઔબર્ટના ઉષ્માસભર શબ્દોથી જીરાડને આશ્વાસન મળ્યું. શરીરમાં થીઝી ગયેલું લોહી જાણે ફરીથી વહેતું થયું હોય. તેણે ઔબર્ટનો હાથ પકડી લીધો અને બોલી.
“મારા પિતા ખુબ જ બીમાર છે. ઔબર્ટ..! આ બાબતને મારા કરતાં પણ તું વધું સારી રીતે સમજી શકે છે. તું જ તેમની માનસિક ગડમથલનો ઉપાય શોધવામાં મદદરૂપ બની શકે તેમ છે. આ અંગે હું તમને બહુ મદદરૂપ નહીં થઇ શકું. પણ તું આખો દિવસ તેમની સાથે તેમના કામમાં વ્યસ્ત હોય છે. તું જ તેમને પાછા સામાન્ય સ્થિતિમાં લાવી શકે છે.  ઔબર્ટ, ભાવાવેશમાં આવી પોતાની વ્યથા ઠાલવવાનું તેણે ચાલું રાખ્યું. મારા પિતાની જિંદગી તેમણે બનાવેલી ઘડિયાળો સાથે જોડાયેલી છે, તે વાત તદન બીનપાયેદાર છે. શું તને નથી લાગતું ઔબર્ટ, કે મારા પિતાનો આ એક ભ્રમ માત્ર છે....?’’
જીરાડે પૂછેલા લાગણીસભર પ્રશ્નો માટે ઔબર્ટે કોઈ જ પ્રતિભાવ આપ્યો નહીં. એથી ગુસ્સે ભરાયેલી જીરાડ એના પર વરસી પડી.
“તો શું હવે મારા પિતા માત્ર ભગવાન ભરોસે છે...આપણે તેમને માટે કંઈ જ કરી શકીએ તેમ નથી... તું કેમ કંઈ જ બોલતો નથી...”
“ના, જીરાડ તું ચિંતા ન કરીશ...! ઔબર્ટે આશ્વાસન આપતાં કહ્યું. “હું તારા પિતાને સ્વસ્થ બનાવવા માટે બનતા બધા જ પ્રયત્ન કરી છૂટીશ.. પણ અત્યારે તું ઊંઘી જા. રાત ખૂબ વીતી ગઈ છે. આ સ્થિતિમાં અત્યારે હું તને વધું કંઈ જ જણાવી શકીશ નહીં.” ઔબર્ટે પોતાના ગરમ હાથથી જીરાડના ઠંડા હાથને દબાવતાં દિલાસો આપ્યો.
જીરાડ પોતાના ઓરડામાં પરત ફરી. સૂર્યોદય સુધી પોતાની આંખો બંધ કરી પથારીમાં પડી રહી. પણ તેને ઊંઘ આવે તેવી શક્યતા ન હતી. માસ્ટર ઝચારીઅસ પણ ચૂપચાપ કોઈ પણ હાવભાવ વિના બારીની બહાર વહેતી રહોન નદી તરફ એકચિત્તે જોઈ રહ્યાં હતા. આખી રાત પસાર થઈ ગઈ. પણ તેનું પણ તેમને ભાન ન હતું. તે તેમના ધૂની વિચારોમાં જ ડૂબેલા હતા.

(વધુ આવતા અંકે... વિજ્ઞાનનો ચમત્કાર)

અનુ. જીગર શાહ,
સુરત


***

 

Home    ||   Editorial Board    ||    Archive   ||  Submission Guide   ||   Feedback   ||  Contact us   ||  Author Index