રોમીયો અને જૂલિયટ

ભાગ- 2

 

જુલિયટને તો વધારે કહેવું હતું પરંતુ વાત ત્યાં જ અટકી પડી. કોઈકે તેને આમ કરવાનું કારણ પૂછ્યું ત્યારે તે એટલું જ બોલી, - આશ્ચર્ય ન પામો મારા મહેરબાન, તમારા આવવાથી મને ખુબ જ આનંદ થયો છે કારણ માર્કુશિયોએ મારો હાથ પકડી રાખેલો અને તેના હાથ એટલા તો ઠંડા છે કે હું તો થીજી જ ગયેલી. સારું થયું તમે આવ્યા. તમારા વિનયની ઉષ્મા વડે તમે મને સારી હુંફ આપી. – વાતનો દોર પોતાના હાથમાં લેતા રોમિયો તરત જ બોલ્યો. –સન્નારી નસીબે મને તમારી સેવા કરવા નિમિત્ત બનાવ્યો હોય તેવું લાગે છે. અને એટલે તો અકસ્માતે હું મારા મિત્રો સાથે અહીં આવી ચડ્યો છું. દુનિયામાં જેની મેં કામના કરી હતી તે તમામ સુખોની મારી ઝંખના આજે તૃપ્ત થઈ ગઈ હોય તેવું લાગે છે. પછી વધારે તો પરીક્ષા કરો તો માલુમ પડે કે જિંદગીભર તમારી આજ્ઞા ઉઠાવું છું કે નહીં...હા, વાત રહી મારા સ્પર્શની, તો જે ઉષ્મા તમે મારા સ્પર્શથી અનુભવી તે તમારી સુંદર આંખોમાંથી ઉઠતી પ્રેમની જ્વાળાઓએ મારા શરીરમાં જે આગ પ્રસરાવી છે તેના કારણે જ છે. હવે જો તમારી કૃપાદૃષ્ટિ નહીં થાય તો હું તો થાડા સમયમાં જ એ આગમાં ખાખ થઈ ધૂળમાં મળી જઈશ..
ભાગ્યે જ આટલા શબ્દો બોલાયા કે નાચ-ગાનનો કાર્યક્રમ પૂરો થયો. પ્રેમમાં તૃપ્ત જૂલિયેટ તેના હાથમાંનો હાથ જોરથી દબાવીને ઊભા થતા ધીરેથી બોલી, મારા પ્રિય મિત્ર, આથી વધારે પ્રેમની ખાત્રી કઇ હોય...પરંતુ એક વાત નક્કી છે કે જેમ તું તારો નથી તેમ હું પણ મારી નથી રહી. તારી તમામ આજ્ઞાઓનું પાલન કરવા હું પણ તૈયાર છું. પણ બસ, અત્યારે તો આટલે જ સંતોષ માનજે અને ફરી મળીએ નહીં ત્યાં સુધી તારા પ્રેમને મનમાં ગોપાવી રાખજે.
રોમિયોને થયું.. ફરી ક્યારે મળાશે...જૂલિયેટ તેનું સર્વસ્વ બની ચૂકી હતી. પણ મળવું કઇ રીતે..તે તો તેનું નામ સુધ્ધા જાણતો ન હતો. તેણે પોતાના મિત્રને પૂછ્યું.  કોણ હતી એ... ઉત્તર મળ્યો... કેપેલેટની દીકરી, જૂલિયેટ.. ત્યારે જ રોમિયોને ખબર પડી કે નસીબ તેને ક્યાં ખેંચી લાવ્યું હતું.. આ તરફ જુલિયેટની હાલત પણ કંઈક એવી જ હતી. નામ જાણતી ન હોવા છતાં આ ફૂટડા યુવાનની વિવેકી રીત-ભાતથી એટલી તો પ્રભાવિત થઈ હતી કે તેની વૃદ્ધ આયાને તે પૂછી બેઠી...મા, મશાલની પાછળ ચાલનાર ફુટડો યુવાન કોણ છે...વૃદ્ધ આયાએ કહ્યું.. કોણ પેલો દમાસ્કસ ડ્રેસ પહેરીને જાય છે તે... હા... તે તો રોમિયો મોન્ટેસ્ચીઝ, તારા બાપનો જાની-દૃશ્મન ને સગાઓનો કાળ.
મોન્ટેસ્ચીઝનું નામ સાંભળતાં જ તે ડઘાઈ ગઈ. દુશ્મન કૂળના એ પ્રેમાળ મિત્રને પતિ તરીકે સ્વાકારવામાં જૂની દુશ્મનાવટ વચ્ચે આવે તે વિચારથી જ તે નિરાશ થઈ ગઈ. પણ દગ્ધ મનને છુપાવવાની કળા તે જાણતી હોવાથી તે વૃદ્ધ આયાને તેના દિલની ઉથલપાથલની જાણ થવા ન દીધી. શયનખંડમાં એકલી પડતાં જ તેના મનમાં વિચારના વમળ ઉઠ્યાં. અને જોત જોતામાં વિચારોએ વાવાઝોડાનું સ્વરૂપ ધારણ કર્યું. તેને ઉંઘ આવતી ન હતી. ખૂબ મોડે સુધી તે વિચારોમાં પડખા ઘસતી રહી. પ્રયત્નપૂર્વક વિચારોને દૂર હડસેલી તે ઉંઘવા મથતી રહી. પણ જેમ જેમ તેને ભૂલવા પ્રયત્ન કરતી હતી તેમ તેમ વિચારો તેના મનનો કબજો વધારે જોરથી જમાવતાં જતાં હતા.
બે વિરોધાભાસી પરિસ્થિતિમાં તે રહેંસાતી રહી. એક તરફ પ્રથમ પ્રેમની અનુભૂતિ તેના તૃપ્ત મનને કાંઈક શાતા આપતી હતી તો બીજી તરફ તોળાઈ રહેલો ભય. શું કરવું...શું ન કરવું... તેવી મનઃસ્થિતિમાં તે પ્રેમના રસ્તા પર અટવાતી, ક્યારેક રડતી તો ક્યારેક જાતને શાપ આપતી આમ તેમ બહાવરી બની ફરતી ફરતી બોલી પડતી.
અરે કાયર, દુઃખી જીવ, જે પીડા તું મનમાં અનુભવે છે તેમાંથી છુટી કેમ નથી શકતી... જો તે કહે છે તેમ ખરેખર તને પ્રેમ કરતો હોય તો પછી વિચારવાનું શું...પણ મીઠા મીઠા શબ્દો હેઠળનો પ્રેમનો ઢોંગ કરતો હોય, અને તારા શયળનું ભંગ કરી તારા માતા।પિતા પરનું વેર વાળવા માંગતો હોય તો અટકી જજે. જોજે ક્યાંક તારી પ્રેમકથા વેરોનના લોકો માટે દૃષ્ટાંતરૂપ અપરાધકથા ન બની જાય. જરા થોભીને વિચાર કરજે. તો બીજી ક્ષણે આવી શંકા કરવા બદલ જાતને ધિક્કારીને કહેતી,  અરે મુરખી, આવા કોમળ સુંદર ચહેરા નીચે કાંઈ બેવફાઇનું કાવતરું છુપાયેલું હોય...ચહેરો તો મનની આરસી છે...એમાં તો વિશ્વાસ રાખવો જ ઘટે. ખરેખર તે તને પ્રેમ કરતો હોવો જોઈએ, તારી સાથે વાત કરતાં તેના ચહેરાના બદલાતા રંગ જોયા...તારી સાથે વાયત કરતાં કેટલો ઉલ્લાસમુય હતો તેનો ચહેરો...આથી વધારે પ્રેમ પામવાનું તારું નસીબ પણ ક્યાંથી હોય...જિંદગીના છેલ્લા શ્વાસ સુધી તેને પામવાના પ્રયત્ન કરજે, વળગી રહેજે. તારો પતિ બનાવજે તેને. કદાચ એવું પણ બને કે તમારા આ સંબંધને કારણે વર્ષોથી ચાલી આવતી બંને કુટુંબ વચ્ચેની દુશ્મનાવટ, શાંતિ અને ભાઈચારામાં પણ પરિણમે અને સલાહ-સંપ થઈ જાય..
એવામાં તેણે એક દિવસ રોમિયોને પોતાના ઘરના દ્વાર પાસેથી પસાર થતાં જોયો. તેના આનંદિત ઉલ્લસમય સુંદર ચહેરાએ તેને ફરીથી પ્રેમની ખાતરી કરાવી. દૃષ્ટિમાંથી તે વિલિન થયો ત્યાં સુધી તેને જોઈ રહી. મનની શંકા દૂર કરવા તે બધું ફરી ફરીને યાદ કરતી. તો તે દિવસે છુટા પડવાની ક્ષણે અસ્વસ્થ થઈ ગયેલા રોમિયોનો ચહેરો તેને ખાસ યાદ આવતો.
આ તરફ રોમિયોની હાલત પણ એવી જ હતી. એક દિવસ એક સાંકડી શેરીમાંથી પસાર થતાં એક મકાનના ઉપરના ખંડમાં બારીએ ઊભેલી જૂલિયેટને તેણે જોઈ. એ મકાનની નિશાની મનમાં પાકી કરી લીધી. પછી તો રોજ તે ત્યાંથી પસાર  થતો અને નજરો મળતી. જુલિયટ તેના શયનખંડની બારીમાં ઊભી રહેતી અને રોમિયો તે બારીની બરાબર સામેના બગીચામાં આવતો. પરંતુ પ્રેમ છતો થઈ જવાની બીકે તે કદી ત્યાં બહુ રોકાતો નહીં. દિવસે તો તે ત્યાં ફરકવાની હિંમત જ ન કરતો. પરંતુ રાતનું અંધારું કાળો ડાગલો પાથરે કે ત્યાં આવી જતો અને આંટા મારતો. પરંતુ વાત આકાર લેતી નહીં. તેથી બેચેન બની જતો. હવે તેને નજરના મેળાપથી સંતોષ થતો ન હતો. આખરે એક દિવસે, જુલિયેટે તેને બારી નીચે બોલાવ્યો. ચંદ્રના અજવાળામાં તેણે પ્રેમીનો ચહેરો પીછાન્યો. જુલિયેટની આંખમાં આંસુ ઉભરાઈ આવ્યાં છતાં તે બોલી.. રોમિયો મને લાગે છે કે તું જોખમ લઇ રહ્યો છે. રાતના આવા સમયે તારું અહીં આવવું જોખમકારક છે. તેમને ખ્યાલ આવી જશે તો એ લોકો તારા ટુકડે ટુકડા કરી નાંખશે. તેથી પણ વધારે તો મારા ચારિત્ર્ય પર શંકા કરશે.
સન્નારી, મારી જિંદગીનો ઘણી એકમાત્ર ઇશ્વર છે. તેને છીનવવાનો જો કોઈ પ્રયત્ન કરશે તો તેમને ખબર પાડી દઈશ કે જિંદગીનું રક્ષણ કરવાની શક્તિ તો મારામાં છે જ. મારું દુર્ભાગ્ય મને ક્યાં ખેંચી લાવ્યું છે તે હું બરાબર જાણું છું. પણ તેની મને કોઈ ફિકર નથી કે નથી એવી કોઈ જીવનનું જતન કરવાની ખેવના. તારા ખાતર જીવનનું બલિદાન આપતા પણ હું નહીં ખચકાઉં. પણ હા, જ્યાં સુધી જીવન છે ત્યાં સુધી બસ પ્રેમ તો તને જ કરીશ. મારે તને કેમ સમજાવવું કે હું તને કેટલો પ્રેમ કરું છું.
તેની વાત પૂરી થતા જ જુલિયેટનું મન પ્રેમ અને કરુણાથી ભરાઈ આવ્યું. આંસુથી લથબથ ચહેરો તેણે બે હાથમાં છૂપાવી દીધો. અને બોલી,  રોમિયો, મહેરબાની કર, એવી વાત ન કર. મને એ વાતની યાદ માત્રથી દુઃખ થાય છે. હું ખુબ મૂંઝાઉં છું. હું ખુદ જીવન-મરણ વચ્ચે ઝોલા ખાઉં છું. અને હ્યદયપૂર્વક તારામાં એટલી તો ઓતપ્રોત થઇ ગઇ છું કે, જો તને કિંઇ થશે તો પછી મારા દુઃખમાં ભાગીદાર કોણ થશે., બોલ...મારા દુઃખમાં તારાથી વધારે ભાગીદાર બીજો કોણ હોય...મને કહે તું શું કરવા ધારે છે...તારો નિશ્ચય શું છે...જો તને મારી સહેજ પણ ચિન્તા હોય તો બોલ, તારા દિલમાં કોઈ બદઇરાદો તો છૂપાયેલો નથી ને..શું ઝંખે છે તું...તારા મનનો ભેદ બતાવ મને. ખાત્રી કરાવ મને કે તું મને ખરા દિલથી ચાહે છે. તું જે કહે છે તેવો તારો પ્રેમભાવ સદગુણોમાંથી પાંગર્યો હોય અને ન્યાયની દૃષ્ટિએ તું મારી સાથે લગ્ન કરી મને પત્ની તરીકે સ્વીકારવા માંગતો હોય તો હું તમામ લાયકાતો કેળવવા તૈયાર છું. તારી અર્ધાંગિની બની તારી સાથે રહીશ અને તારા માતા-પિતા પ્રત્યે આજ્ઞાંકિતતા અને પૂજ્યભાવ કેળવીશ. આપણા બંને કુટુંબો વચ્ચેના વેરભાવને ભૂલીને પણ હું તને મારા પતિ તરીકે સ્વીકારીશ. તારા તમામ આદેશોને આંખ માથે ચડાવીશ અને તેને જ અનુસરીશ. એ મારું વચન છે જા. પણ તારા દિલમાં જો કોઇ અન્ય ઇરાદો હોય, મૈત્રીના ઢોંગ હેઠળ નિરંકુશ લંપટ ઇરાદો ધરાવતો હોય તો તું ખોટી વ્યક્તિ પાસે આવી ગયો છે, તો મને છોડી દેજે.
આકાશ તરફ હાથ ઉઠાવી કોઈ અવર્ણનીય આનંદની ચરમસીમા ઓળંગતો હોય કે તના સ્પર્શની અનુભૂતિ કરતો હોય તેમ રોમિયો બોલ્યો...મને સ્વીકારતા  તને જે આનંદ છે તેટલો જ આનંદ તને પામતા મને થાય છે. તારી તમામ વિનંતીઓને માથા પર ચડાવી મારા હ્યદયનો શ્રેષ્ઠ ભાગ આજે તને અર્પણ કરું છું. ઇશ્વર મને તેનો પુરો કબજો ન સોંપે ત્યાં સુધી તારી પાસે તે અનામત રાખજે બસ. અને હું જે કહું છું તેમાં ખાત્રી રાખજે. આવતી કાલથી જ તમામ પ્રયત્નો આરંભી દઉં છું. ફાધર લોરેન્સને મળી એની સલાહ લઇશ. તે મને હંમેશા સાચી સલાહ આપે છે અને હા, જો...આવતી કાલે આ સ્થળે આ સમયે અચૂક મળજે, ત્યારે મારી અને તેની સાથે થયેલી વાત તને કહીશ.- જુલિયેટને આ સાંભળી ખૂબ આનંદ થયો. વાત ત્યાં જ પૂરી થઈ. તે રાત્રે શબ્દ-વચનની આપ-લે સીવાય વધારે તેમને કંઈ મળ્યું નહીં..

(વધુ આવતા અંકે...)

મૂળ વાર્તા લેખક- માટ્ટઓ બેન્ડેલા

ગુજરાતી અનુવાદ- મહેન્દ્ર ભટ્ટ


***
 

Home    ||   Editorial Board    ||    Archive   ||  Submission Guide   ||   Feedback   ||  Contact us   ||  Author Index