માસ્ટર ઝચારીઅસ
(વિજ્ઞાનના અતિરેકના માઠા પરિણામોની કલ્પના કરતી વિશિષ્ટ નવલકથા)

લે. જૂલે વર્ન                                                                                                                              
અનુવાદ- જીગર શાહ

(વિજ્ઞાનને પોતાના જીવનનું સંપૂર્ણ ધ્યેય માની બધું દાવ પર લગાડી દેનારા જૂલે વર્નની વાર્તાઓના પાત્રો અદભુત રોમાંચ આપનારાં છે. માસ્ટર ઝચારીઅસ – આવું જ એક ધૂનિ પાત્ર છે. તેના મગજ ઉપર સવાર થયેલી વિજ્ઞાનની ગાંડી ધૂન તેની આસપાસની દુનીયાને પણ ભૂલાવી દેનારી નીવડે છે. આ મૂળ ફ્રેંચ કથા      Maitre Zacharius ઈ.સ. 1854માં જૂલેવર્ને લખી હતી. લાંબો સમય અપ્રકાશિત રહ્યાં પછી તેનો સમાવેશ 1874માં પ્રકાશિત થયેલા Dr. OX Experiments નામના કથાસંગ્રહમાં થયો હતો. આ કથામાં જૂલે વર્ને વિજ્ઞાનના અતિરેકના માઠાં પરિણામોની ભવિષ્યવાણી કરવાનો પ્રયત્ન કર્યો છે. જે હાલના સમયમાં સર્જાયેલી પર્યાવર્ણીય સમસ્યાઓને જોતાં સાચી પડતી જણાય છે. આ રીતે પણ આ કથાનું અનેરું મહત્વ છે. એમાં અનુભવાતો કથા વેગ તો અદ્વિતીય છે જ આપને એ અનોખા આનંદની અનુભૂતિ કરાવનારી નીવડશે એવી શ્રદ્ધા છે. હવે પછીના હપ્તાઓમાં આ કથા પ્રકાશિત થવાની હોવાથી જલ્દીથી આપ સામયિકમાં રજિસ્ટર્ડ થાવ અને નવા અંકને પોતાના જ ઇ-મેઈલ પર મેળવી વાંચો.....) ન.શુ.
આગળનો હપ્તો વાંચવા માટે નીચે ક્લિક કરો.
http://www.sahityasetu.co.in/issue9/jigarshah.html

 

-3-

માસ્ટર ઝચારિઅસની ચિંતામાં જીરાડ અસ્વસ્થ બની ગઇ. એવી સ્થિતિમાંથી બહાર લાવવા ઔબર્ટ સતત પ્રયત્ન કરતો રહેતો હતો. એને પણ એના માલિકની ચિંતા રહેતી હતી. ઝચારિઅસના મગજમાં એક જ ધૂન સવાર હતી. એને કારણે તેમની શારીરિક સ્થિતિ પણ કથળી ગઇ. માનવીય સંવેદનાઓ તેમના હ્ય્દયમાંથી જાણે નાશ પામી હતી. મરણ પથારીએ પડેલી વ્યક્તિની નિરાશા જેવી સ્થિતિમાં તેઓ ડૂબી ગયા હતા. એમાંથી તેમને બહાર લાવવા જીરાડ અને ઔબર્ટ બનતા બધા પ્રયત્નો કરતા હતા.
ઝચારિઅસે બનાવેલી ઘડિયાળોમાં ખામી ઉદ્ભવતા તેમના પ્રતિસ્પર્ધીઓને તેનો ફાયદો ઉઠાવવાની અમુલ્ય તક મળી ગઇ હતી. આ પ્રતિસ્પર્ધીઓએ ઝચારિઅસની ઘડિયાળો વિશે જાત જાતની અફવા ફેલાવવાની શરૂઆત કરી દીધી.
ભેદી રીતે અટકી પડતી ઘડિયાળો વિશે બઢાવી ચઢાવીને ફેલાવવામાં આવેલી અફવાઓને લીધે ઝચારિઅસની પ્રતિષ્ઠા અને ધંધાને વધુ નુકશાન થવા લાગ્યું. સાથે ઝચારિઅસની માનસિક પીડામાં પણ વધારો થતો ગયો. ઘડિયાળમાં ઉદ્ભવતી ખામી અને માસ્ટરની લથડતી જતી તબિયતને લોકો એકબીજા સાથે સાંકળતા હતા. કેટલાક લોકોનું માનવું હતું કે માસ્ટર ઝચારિઅસની તબિયતની અસર તેમની બનાવેલી ઘડિયાળો પર પણ થતી હતી. ઘડિયાળો અનિયમિત થવાનું કે બંધ પડવાનું સાચું કારણ તો હજી ઝચારિઅસ પણ પામી શક્યાં ન હતાં. તો સામાન્ય માણસોને સમજાવાનો સવાલ જ ન હતો. લોકો તેમની ખોટકાયેલી ઘડિયાળોને લઇને ફરિયાદ કરવા ઝચારિઅસને ઘરે આવતા. પણ તેમના આ પ્રયત્નોનો કોઈ અર્થ સરતો ન હતો. ઝચારિઅસના ખુલાસા કોઈ સ્વીકારતું ન હતું. તેમની તબિયત પર તેની વધુ વિપરિત અસર થતી હતી. તેથી જીરાડ હવે કોઈને પણ પોતાના પિતાને મળવાની પરવાનગી આપતની ન હતી. યોગ્ય જવાબ નહીં મળતાં ગ્રાહકો વધુ અકળાતા હતા.
ઝચારિઅસે બનાવેલી ઘડિયાળોની લોકો હવે જાહેરમાં ટીકા કરવા લાગ્યાં હતા. તેમની વિરુદ્ધ દેખાવો થતાં હતાં. તેમની ઘડિયાળો વેચનારા વેપારીઓ પણ તેને લીધે અકળાતા હતા. તેમણે ઘડિયાળોમાં ઉદ્ભવતી ખામી દૂર કરવા તેમજ નવી બનતી ઘડિયાળોમાં નવી જ કાર્યપ્રણાલીવાળી સુધરેલી આવૃત્તિની માંગણઈ ઝચારિઅસ સમક્ષ કરી હતી. એના કરતાં વધું ગંભીર અસર પ્રતિસ્પર્ધીઓ દ્વારા ફેલાવાતી અફવાઓને લીધે થતી હતી. એક સમયે જે લોકો તેમની આ અદ્ભુત ઘડિયાળોના વખાણ કરતા થાકતાં ન હતાં ને એની સચોટતા પર ગર્વ લેતા હતા અને સમગ્ર યુરોપના વિવિધ દેશોમાં તેના પ્રદર્શનો યોજાતા હતાં. તેઓ તરફથી આ ઘડિયાળોની ગુણવત્તા ઉપર પ્રશ્નાર્થ ઊભો થયો હતો. ઝચારીઅસ માટે એ સ્થિતિ સહી ન શકાય એવી હતી. પરંતુ એમાં એ વેપારીઓનો પણ વાંક કાઢી શકાય તેમ ન હતું. તેઓ ઝચારિઅસની ઘડિયાળો ઉચ્ચ ગુણવત્તા માટે વધુ કિંમત ચૂકવતા હતાં. અને લોકો પાસેથી પણ ઊંચી કિંમત વસુલ કરતા હતાં. એવી ભરોસાપાત્ર ઘડિયાળોમાં જ જ્યારે નહીં સુધારી શકાય એવી ખામી ઊભી થતી હોય ત્યારે તેમની ફરિયાદને ક્ષુલ્લુક ગણીને અવગણી શકાય તેમ પણ ન હતું. માસ્ટર ઝચારિઅસની પ્રતિષ્ઠા સાથે તેમના ધંધાની શાખ પણ જોડાયેલી હતી.
પોતાના ઘડિયાળોની બદનામીના અસહ્ય બોજ તળે દબાઈને માંડ માંડ શ્વાસ લઇ રહેલા માસ્ટર ઝચારિઅસ માટે જીવતા રહેવાનું મુશ્કેલ બની ગયું. ધીમે ધીમે એમનું શરીર અને મન નબળાં પડતાં ગયાં. ક્ષતિ પામેલાં ઘડિયાળોને દુરસ્ત કરવાની વાત તો દૂર રહી, એમનાથી પોતાની પથારીમાંથી ઊભા પણ થઈ શકાય એમ ન હતું. ઝચારિઅસની આવી સ્થિતિમાં જીરાડ અને ઔબર્ટ સતત એમની કાળજી લેતા હતા. તેને લીધે જ ધીમો પરંતુ નોંધપાત્ર કહી શકાય એવો સુધારો ઝચારિઅસની તબિયતમાં આવી રહ્યો હતો. ઝચારિઅસને લાગેલ માનસિક આઘાતમાંથી ધીમે ધીમે બહાર લાવવા તેમના પ્રિયજનોનો સાથ જ સૌથી ઉત્તમ દવા હતી. પથારીમાંથી ઊભા થઈ તેઓ થોડું ચાલતા થયાં હતા. સતત આવતા રહેતા અસંતુષ્ઠ ફરિયાદીઓથી દૂર રાખવા જીરાડ ઘરથી દૂરના એકાંત બગીચામાં તેમને ફરવા લઇ જતી. નિરાશાવાદી વાતાવરણથી દૂર રહેતા ઝચારિઅસને વૈચારિક ગડમથલોમાંથી મુક્તિ મળી હતી.
સ્વિટ્ઝર્લેન્ડનું કુદરતી સૌંદર્ય પણ એવું હતું કે મરણપથારીએ પડેલા માણસને પણ નવજીવન મળી શકે. જીરાડ તેમને સંત એન્ટોનિઓના ચર્ચમાં પણ લઇ જતી. નગરથી થોડું દૂર આવેલું હોવાથી ત્યાં લોકો પણ ખૂબ ઓછા જતાં. તેઓ ત્યાં શાંતિથી પ્રાર્થના કરતા. સાંજના સમયે સુંદર તળાવને કિનારે તે ફરવા લઇ જતી. તેઓ કલાકો સુધી શાંતિથી ત્યાં બેસતા હતા.
ઝચારિઅસની યાદ શક્તિ ક્ષીણ થઈ ગઇ હતી. તેમને કંઈ જ યાદ નહોતું રહેતું. નશાના બંધાણીની જેમ તેઓ સતત ઘેનમાં જ રહેતા હતા. બ્યુટની પર્વતમાળાનાં શિખરોનો નજારો માણવા પણ બંને જતાં. જીરાડ નાની હતી ત્યારે ઝચારિઅસ તેને અહીં જ ફેરવવા લાવતા હતા. ગિરિમાળાના વિવિધ શિખરો તરફ આંગળી ચીંધીને જારાડ તેની મીઠી યાદો પિતા સાથે તાજી કરતી. આમ છતાં ઝચારિઅસને કંઈ જ યાદ આવતું ન હતું. જીરાડ તેમને જ્યાં પણ ફરવા લઇ જતી ત્યાં ઝચારિઅસ સાવ બાળક જેવું વર્તન કરતા. જાણે અહીં પહેલી વખત આવ્યા હોય. દરેક વસ્તુ નવી હોય તેમ નવું શીખવા પ્રયત્ન કરતા. ક્યારેક નાના બાળકની માફક જીરાડના ખભા પર પોતાનું માથું નાખીને ઊંઘી જતાં.
આ સમય દરમિયા ઔબર્ટ વર્કશોપમાં જ રહેતો. ઝચારિઅસે બનાવેલી જુદી જુદી ઘડિયાળોમાં ખોટકાયેલ ભાગોનું સમારકામ કરી ફરી ચાલુ કરવાના પ્રયત્ન કરતો. પણ તેવા બધા પ્રયત્નો વ્યર્થ પૂરવાર થતા હતા. ઘણા પ્રયત્નો કરવા છતાં તેને ઝચારિઅસની એક પણ ઘડિયાળને પુનઃ શરુ કરવામાં સફળતા મળી નહીં. નિરાશ થઈ તે બંને હાથોથી પોતાનો ચહેરો દબાવી બેસી જતો. તેને લાગતું કે તે પણ ઝચારિઅસની જેમ પાગલ થઇ જશે.
જીરાડ અને ઔબર્ટની સતત કાળજીને કારણે ઝચારિઅસની તબિયતમાં ધીમો સુધારો થઈ રહ્યો હતો. તેમને ભાન થયું હતું કે દુનીયામાં તેઓ એકલા ન હતા. સુંદર અને યુવાન જીરાડની તેમને ચિંતા થવા લાગી હતી. હવે પછી કેટલું જીવાશે તેનો અંદાજ કરી શકાય તેમ ન હતું. તેમના મૃત્યુ બાદ જીરાડ એકી પડી જશે તેની ચિંતા તેમને થવા લાગી. આમ તો જીનીવાના કેટલાય યુવાનો જીરાડ સાથે લગ્ન કરવા ઉત્સુક હતા પણ જીરાડના મનમાં કે ઝચારિઅસની નજરમાં એ પૈકીનો કોઈ યુવાન યોગ્ય લાગતો ન હતો. ઝચારિઅસને પોતાની પુત્રી માટે ઔબર્ટ જ સૌથી યોગ્ય પત્ર જણાયો. બંને સાથે જ ઘરમાં રહેતાં હતાં. બંને વચ્ચે મૈત્રી પણ સારી હતી. ઔબર્ટ તેમનો એક માત્ર વિશ્વાસુ સહાયક હતો. બંનેના વિચારો પણ એકબીજાને ખુબ મળતા આવતાં હતાં. ઔબર્ટ પણ જીરાડને મનોમન ચાહતો જ હતો. પણ તેનો સ્વીકાર ક્યારેય જીરાડ સમક્ષ કરી શકતો ન હતો. થોડી સ્વસ્થતા આવતા એક દિવસ ઝચારિઅસે સ્કોલાસ્ટિકને બોલાવી કહ્યું.

જીરાડ અને ઔબર્ટ..બંનેનું સર્જન ઇશ્વરે એકબીજા માટે કર્યું હોય તેવું મને લાગે છે...મને તેમની જોડી ગમી છે.

    માસ્ટર ઝચારિઅસની વાત સાંભળી સ્કોલાસ્ટિક ખુબ જ આનંદિત થઈ ગઈ. તેને તો જીરા-ઔબર્ટની જોડી પહેલેથી જ પસંદ હતી. પોતાના મનમાં રહેલી વાતને આજે માલિકે પણ કહી. અતિ આનંદિત થઈને એ ખબર જીરાડ અને  ઔબર્ટને આપવા માટે તે દોડવા લાગી. પરંતુ ઝચારીઅસે તેને શાંત પાડી. તેઓ ન જણાવે ત્યાં સુધી આ વાત કોઈને ન જણાવવી તેવી સ્પષ્ટ સૂચના આપી. પરંતુ એ વાત લાંબો સમય ગુપ્ત રહી શકે તેવી ન હતી. ઝચારિઅસની મરજી વિરુદ્ધ અને તેમની જાણ બહાર જીરાડ અને ઔબર્ટના લગ્નની વાત આખા નગરમાં વહેતી થઈ ગઈ.
દરમિયાન ઝચારિઅસ સમક્ષ બીજી એક રહસ્યમય ઘટના બની. એક ભેદી અવાજ એના કાને પડ્યો. ધીમું ગણગણતું હોય તેમ કોઈ બોલી રહ્યું હતું.

જીરાડ ક્યારેય ઔબર્ટને પરણી શકશે નહીં.

ઝચારિઅસે ફરીને જોયું તો કોઈ વૃદ્ધ ઠીંગણો મણસ તેમની નજરે પડ્યો.
આ અજાણ્યા માણસની ઉમર કેટલી હતી ... તેના દેખાવ પરથી અનુમાન કરતાં જાણે સેંકડો વર્ષોની હોય તેવું લાગતું હતું. તેનો સપાટ અને મોટો ચહેરો તેના એક ખભા તરફ નમેલો હતો. તેનું તેનું શરીર માત્ર ત્રણ ફૂટ જેટલુ જ ઊંચાઇ ધરાવતું હતું. તેના શરીરનો અડધો અડધ ભાગ વતો માત્ર તેના ચેહરાનો હતો. ભયાનક દેખાવ ધરાવતા આ માણસના ગળામાં લોલક જેવું કંઈ લટકતું હતું. ધ્યાનથી જોતાં ઝચારિઅસને ખ્યાલ આવ્યો કે તેના ચહેરામાં ઘડિયાળનું ડાયલ અંકિત હતું. ઘડિયાળના સંદુલન ચક્ર જેવું એક ચક્ર તેની છાતીના ભાગમાં ફરી રહ્યું હતું. તેનું નાક પણ વિચિત્ર હતું જાણે સૂર્ય ઘડિયાળ પર સમયના આંકારૂપી પડછાયો રચાય તે માટે રાખવામાં આવેલી તિક્ષ્ણ દાંડી. તેના દાંત પણ ઘડિયાળમાં ગોઠવાયેલ ચક્રોની જેમ છૂટા છવાયા હતા. તેનો અવાજ ધાતુના બનેલા ઘંટમાંથી નીકળતા અવાજ જેવો કર્કશ હતો. તેના હ્ય્યદયના ધબકારા પણ ઘડિયાળમાં થતી ટીક-ટીક અવાજ જેવા સ્પષ્ટ રીતે સાંભળી શકાતા હતા. એના હાથ પણ ઘડિયાળના કલાક અને મિનિટના કાંટા જેવા જ હતા. તેની ચાલ સામાન્ય માનવીની જેવી સાહજિક ન હતી. તે ઝટકા મારીને ગોળ-ગોળ ઘુમ્યા કરતો, પરંતુ ક્યારેય પાછળ ફરતો ન હતો. તેની ચાલની ઝડપ પણ એકદમ ચોક્કસ હતી. તેમાં કોઈ વધારો ઘટાડો થતો ન હતો. અત્યાર સુધીના સમયમાપન વિકાસમાં શોધાયેલા ઘડિયાળના વિવિધ ભાગોનો સમન્વય થયેલો હોય તેવો તેનો વિચિત્ર દેખાવ હતો. એને માણસ કહી શકાય તેમ ન હતું. તે એક પ્રકારનું હરતું ફરતું ઘડિયાળ જ હતું. જે બોલી પણ શકતું હતું. એને ઘડીમાનવ જ નામ આપી શકાય. માસ્ટર ઝચારિઅસ કંઈ બોલે એ પહેલા તો ત્યાંથી એ ઘડીમાનવ ગાયબ થઈ ગયો....

(વધુ આવતા અંકે...)

 

અનુ. જીગર શાહ,
સુરત
પ્રથમ ભાગ વાંચવા નીચેની લિન્ક ક્લિક કરો.
http://www.sahityasetu.co.in/issue9/jigarshah.html

000000000

 

Home    ||   Editorial Board    ||    Archive   ||  Submission Guide   ||   Feedback   ||  Contact us   ||  Author Index