Editorial

સંપાદકીય.....

આ અંક નારી-વિશેષાંક તરીકે પ્રકાશિત કરી રહ્યાં છીએ.
આ અંકમાં અમે નારીચેતનાને અને નારીવાદને કેન્દ્રમાં રાખીને લખાયેલી રચનાઓ, થયેલા સંશોધનોને સ્થાન આપીને વર્તમાન સમયે આ ક્ષેત્રમાં થયેલી વિચારણા અને અભિવ્યક્તિને આ અંકમાં સ્થાન આપવામાં આવ્યું છે. આશા છે આપને આ વિષમાં ચાલી રહી ગતિવિધિઓનો આછો પરિચય મળવા સાથે ગુજરાત કોલેજમાં યોજાયેલ નેશનલ સેમિનારમાં રજૂ થયેલ શોધપત્રો વાંચવા મળશે.
આ નેશનલ સેમિનારનો વિષય હતો- નારીઃ સમાજ અને સાહિત્ય સંદર્ભે.
આ વિષયના સંદર્ભમાં વિવિધ યુનિવર્સિટીઓ અને કોલેજોના અધ્યાપકો દ્વારા કુલ-49 સંશોધનપત્રો રજૂ કરવામાં આવ્યાં. ડૉ. શરીફા વીજળીવાળાએ સેમિનારના આરંભમાં બીજ વક્તવ્યમાં ગુજરાત, ભારત અને વિશ્વ કક્ષાએ સાહિત્યમાં અને સમાજમાં નારીવાદ ખરેખર શું છે, કઇ રીતે એનો ઉદ્ભવ અને વિસ્તરણ થયું તેની વાત મુકવા સાથે સાહિત્યમાં કઇ રીતે એ પ્રતિબિંબિત થઇ રહ્યો છે તેની અભ્યાસપૂર્ણ રજૂઆત કરી.
સાહિત્યમાં નારી અને નારીવાદ- વિષય પરની પ્રથમ બેઠકના અધ્યક્ષ હતા સુપ્રસિદ્ધ લેખિકા ડૉ. બિન્દુ ભટ્ટ. તો સમાજમાં નારી અને નારીવાદ- વિષય પરની બેઠકમાં અધ્યક્ષ હતા સુપ્રસિદ્ધ સમાજશાસ્ત્રી ડૉ. ગૌરાંગ જાની. એમની અધ્યક્ષતામાં અધ્યાપકો-સંશોધકો દ્વારા જૂદા જૂદા વિષય પરના પોતાના શોધપત્રો રજૂ કર્યાં. ત્યાર બાદ અધ્યક્ષ સ્થાનેથી એ પત્ર પર માસ્ટર ઓપિનિયન આપવા સાથે વિશેષો અને મર્યાદાઓની વિગતે છણાવટ કરવામાં આવી. દરેક બેઠકના અંતે ઓપન સેશનની વ્યવસ્થા હતી, એમાં અધ્યાપકોએ પ્રશ્નોત્તરી દ્વારા જે તે વિષય વિશે વિગતપૂર્ણ ચર્ચાઓ કરવામાં આવી.
આ સેમિનાર અંતર્ગત 50 શોધપત્રો પસંદ કરવામાં આવ્યાં હતા પણ એમાના કેટલાક લેખોને પ્રકાશિત કરતા પૂર્વે પુનઃ લેખન કરવાની જરૂરીયાત વિશેષરૂપે જણાઇ. આ ઉપરાન્ત કેટલાય એવા અધ્યાપકમિત્રો હતા જેમણે પ્રકાશન માટેના નિયમો પાળ્યા ન હોવાથી અહીં સમાવી શક્યા નથી. જેમકે, પીડીએફ ફોર્મેટમાં આવેલ લેખો, કોઈ અજાણ્યા અને યુનિકોડમાં કન્વર્ટ ન થઈ શકે એવા લેખો પણ અહીં સમાવ્યા નથી.  આ ઉપરાન્ત કેટલાક લેખો તો ઇમેજરૂપે જ મોકલવામાં આવ્યા હતા. એવા લેખો અને ખાસ તો જેમણે વીકીપિડિયા અને બીજી ઇન્ટરનેટ સાઇટ પરથી સીધી જ ઉઠાંતરી કરેલા લેખો પણ હતા જે અહીં સમાવવામાં આવ્યાં નથી. યોગ્ય સંદર્ભો આપ્યા સીવાયના લેખો પણ ચાળી લીધા છે. એ પછી પણ કંઈ રહી ગયું હોય તો હરિ..હરિ...અમે પૂરો પ્રયાસ કર્યો છે. 
અમદાવાદમાં આવેલી ગુજરાત રાજ્યની સૌ પહેલી સ્થપાયેલી કોલેજ એટલે ગુજરાત કોલેજ. ગુજરાત અને ભારતના પણ અનેક નામી વ્યક્તિઓએ જ્યાં અભ્યાસ કરીને પોતાના ક્ષેત્રમાં નામના હાંસિલ કરેલી એવી આ કોલેજની પરંપરા સવાસો વર્ષથી પણ વધારે જૂની છે. હાલ એ કેમ્પસમાં ત્રણ કોલેજ ચાલે છે. સવારે ગુજરાત કોમર્સ કોલેજ, બપોરે ગુજરાત આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ અને સાંજે ગુજરાત આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ- આ ત્રણેય સંસ્થાઓનું તંત્ર સ્વતંત્ર રીતે સક્રિય છે. ગુજરાત સરકારની સીધા નિયંત્રણ હેઠળની આ કોલેજોમાં હજ્જારો વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યાં છે.
આશા રાખીએ છીએ કે, આ વિશેષાંક આપને ગમશે. આપના પ્રતિભાવો આવકાર્ય છે.
છેલ્લે,
સૌને નવા વર્ષની શુભકામનાઓ.

ડૉ. નરેશ શુક્લ
(મુખ્ય સંપાદક)