(પંજાબી વાર્તા)
હવા ટાઇટ

 

ગુરમિત એકાએક ખડખડાટ હસ્યો. ઘરનાં બઘા સભ્યો ચોંકી ગયા. ગુરમિત લગભગ બે વર્ષથી દુઃખના એવા ઊંડા સમુદ્રમાં ડૂબી ગયો હતો જ્યાંથી એને બહાર કાઢવાનું મુશ્કેલ જ નહીં, અસંભવ લાગતું હતું. આજે એ જ ગુરમિત એકાએક બાળકોની જેમ પ્રસન્નતાથી હસવા અને નાચવા લાગ્યો હતો. “કરી નાખી સાલાઓની હવા ટાઇટ..... ખાઇ ગયા સાલાઓને....... એમની તો મા…!”

બઘા અવાક્ થઇને ગુરમિતને જોઇ રહ્યા હતા. આટલા દિવસના મૌનથી કયાંક ગાંડો તો નથી થઇ ગયો ? હમણાં સુઘી તો ઠીક ઠાક હતો... કદાચ આજ કાલ ગુરમિતનું ચૂપ રહેવું જ સારુ લાગે છે. એ જિંદાદિલ ગુરમિત તો ન જાણે કયાં ખોવાઇ ગયો છે..! આજે એ જૂના ગુરમિતની રાખમાંથી જ તો ગુરમિતનું હાસ્ય આવ્યું છે.... આ તો ગુરમિત છે કે ફિનિક્સ ?

ઘરમાં બઘા TV સામે બેઠા હતાં. રાષ્ટીય કાર્યક્રમની એ જ પરિચિત ધૂન વાગતી હતી, અને એ પછી સમાચારની, ત્યા સુધી તો ગુરમિતના ચ્હેરા પર અપશુકનીયાળ મૌન ચોંટ્યું હતુ. પછી સમાચાર વાંચકે સમાચાર વાંચ્યા, ‘આજે ઇરાકી લશ્કરે અચાનક કૂવૈત પર હુમલો કરીને એને પોતાના કબજામાં લઈ લીધું છે.....’ અને એનાથી આગળના સમાચાર ન તો ગુરમિતને સાંભળવા હતા કે ઘરનું કોઇ સભ્ય સાંભળી શક્યું.જાણે ગાંડપણનો હુમલો આવ્યો’તો ગુરમિત પર. ઈરાક દ્વારા કુવૈત પર કબજો જાણે ગુરમિતના જીવનની સૌથી સુખદ ઘટના બની ગઈ હતી. એના દુઃખી અને અશાંત મનને લાગતું હતું કે જાણે એણે જ કુવૈત પર કબજો કરી લીધો છે. એ રૂમમાંથી બહાર આવ્યો...લાઈટ કરી અને ખાલી પડેલા બે ડબલાઓને લાત મારવા લાગ્યો. – “આ સાલો અમીર ગયો, આ ગયો ક્રાઉન પ્રિન્સ...સા..આ...લો... કહેતો હતો કે સોનાના પતરાની કાર બનાવીશ..ભાગી ગયો ઉલ્લુનો પઠ્ઠો. બધા સાલાં ભાગી ગયા. ઓયે દારજી, ખુશીયાઁ મનાઓ, ઓયે, અજ તાં જી ભર કે શરાબ પીઓ...ઓયે...ઓન્હા દી મા મર ગઈ ઓએ... લે ગયાં સોરંયાનું...કરી નાંખી સાલાઓની હવા ટાઈટ...”

હાસ્યનો બંધ જે એણે પોતાના આંસુઓ સામે બાંધ્યો હતો તેમાં તીરાડો પડવા માંડી હતી. અને થોડી જ વારમાં એ બંધ તૂટી ગયો. ગુરમિત જેટલો જોરથી હસ્યો હતો એટલા જ જોરથી રડવા લાગ્યો. દારજીએ દીકરાને સંભાળ્યો. મા તો એક વર્ષ પહેલા જ દીકરાને મુકીને સ્વર્ગમાં પહોંચી ગઈ હતી. ગુરમિત હજી ગાંડાની જેમ બડબડ કરતો હતો. ’હુણ નહી છોડેગાજી, દુષ્ટ નહીં બચેગા, સારે દા સારા ગલ્ફ તબાહ હો જાયેગા. દારજી હુણ ઓથે કુછ નહીં બચના જે..’
દારજીને સમજાતું નહોતું કે એ રાજી થાય કે દુઃખી... ? એક બાજુ એમનો દીકરો રડતો હતો અને બીજી બાજુ આનંદ એ વાતનો હતો કે દીકરો બે વર્ષ પછી બોલ્યો તો ખરો ! બે વર્ષના મૌનનું આવરણ ગુરમિતના ચ્હેરા પર પડેલું હતું તેથી એની નીચેનું દર્દ કોઈને દેખાતું નહોતું. ગુરમિત કંઈ કહે તો એની પીડા સમજાય.
પીડા પણ એણે જાતે જ નોંતરી હતી. સરસ મજાનું ઘર હતું. ખેતી-વાડી હતી. આ બધું છોડીને એ ગયો જ કેમ ? વધું પામવાની ઇચ્છામાં જે હતું એ પણ લૂંટાઈ ગયું. મનુષ્યને સંતોષ જ થતો નથી ? કેમ એ વધુને વધુ પામવા ઈચ્છે છે ?

ગુરમિતના ઘણાં મિત્રો પરદેશ જઈ આવ્યાં હતા. દરેક પાસે વિદેશની અલગ-અલગ રસમય વાતો હતી. ત્યાંની કારોની વાતો, ડિપાર્ટમેન્ટલ સ્ટોર, સોનાની દુકાનો, ન જાણે શું શું...એકે એક બાબત ગુરમિતને આકર્ષી રહ્યાં હતી. નહીં તો ગુરમિતને શું ઉણપ હતી ? થોડા સમય પહેલા એના ફુલવંતકૌર સાથે લગ્ન થયાં હતાં. ખેતરના શેઢા પર વિકસેલો પ્રેમ લગ્નના બંધનમાં બંધાઈ ગયો હતો અને પછી ગર્ભવતી પત્ની અને સમગ્ર પરિવારને છોડીને ગુરમિત કુવૈત ચાલ્યો ગયો.,

એને તો બસ તરસેમલાલને દેખાડવું હતું કે એ પણ વિદેશ જવાની તાકાત ધરાવે છે. તરસેમલાલ તો માત્ર આઠમું પાસ છે છતાં જૂઓ કેવી રીતે દુબાઈમાં નોકરીનો જોગ કરી લીધો અને આજે એનું ઘર દેશી-વિદેશી ચીજોથી ભરેલું છે. કોણ કહે છે કે તરસેલાલના પિતા તલપાપડી અને મગફળી વેચીને ગુજરાન ચલાવતાં હતાં. અને ગુરમિતને ત્યાં તો આમ પણ સુખ છે. એ તો અગીયારમું પાસ છે. ટ્રેકટર ચલાવે ત્યારે કેવો બાંકો યુવાન દેખાતો ?
બસ નિર્ણય કરી નાંખ્યો.‘હું વિદેશ જઈશ’ દારજી કે મોટાભાઈના સમજાવવાની કોઈ અસર નહીં. બસ એક જ જીદ. હઠીલો તો નાનપણથી જ હતો. પહોંચી ગયો ટ્રાવેલ એજન્ટ પાસે. ટ્રાવેલ એજન્ટો પણ સપનાના સૌદાગર હોય છે. વિદેશના એવા રંગીન સપના વેચે છે કે એ ખરીદવા માટે માણસ પોતાનું ઘરબાર પણ વેચવા તૈયાર થઈ જાય. આ સપનાઓએ જ ગુરમિતના મનમાં વિદેશ જવાની ઇચ્છાને પાગલપણાની હદ સુધી ભરી દીધી હતી.
ગામમાં ગુરમિતનું ઘર અમારા ઘરથી બહુ દૂર નથી. હવે તો એને ગામ કહેવું યોગ્ય નહીં કહેવાય. અનાજનું મોટું બઝાર છે અને એક નાનકડાં શહેરની બધી સુવિધાઓ ઉપલબ્ધ છે. અમારા બંનેના પિતા સારા મિત્રો છે. મારા પિતાની એક ડિસ્પેન્સરી છે ત્યાં. સારી એવી પ્રેકટિસ છે. ગુરમિતના પિતા વરયામસિંહનું નામ મોટા ખેડુતોમાં લેવાય છે.


ગુરમિત જ્યારે કુવૈત ગયો ત્યારે પહેલા મારી પાસે જ મુંબઈ આવ્યો હતો. ‘ભાઈ, આવડું મોટું વિમાન, અને કહો છો એરબસ !’ અરે આ તે કંઈ વાત થઈ ? ભાઈ વિમાન એ વિમાન છે અને બસ એ બસ. મને મુરખ શા માટે બનાવે છે..ભાઈ વિમાન જ્યાં સુધી મુંબઈ ઉતર્યું નહીં ત્યાં સુધી મારા પેટમાં ખળભળાટ થતો હતો. પરંતુ ભાઈ પિંડવાળા (ગામલોકો) તમારા બહુ જ વખાણ કરે છે. દરેક માણસ એક જ વાત કરે છે કે ડૉક્ટર જેતલીનો દીકરો જરાય બદલાયો નથી. વિમાન ચલાવે છે પણ જરાય અભિમાન નથી.


ગુરમિત ધારાપ્રવાહ બોલતો જતો હતો. મારી પત્ની તો શહેરની છે- ખાસ મુંબઈ શહેરની. ઘડીક હું ગુરમિત સામે જોતો તો વળી પાછો અપરાધી નજરે પત્ની સામે પણ જોઈ લેતો. પરંતુ પત્નીને પણ ગુરમિતની વાતોથી આનંદ થતો હતો. ગુરમિતની નિશ્છળ વાતો એને ગમતી હતી.


હું જાતે જ ગુરમિતને કુવૈત મુકવા ગયો હતો. એરલાઈનની નોકરીના થોડા લાભ તો હોય જ છે. ત્યાં મારા મિત્ર દિનેશ બત્રા સાથે મુલાકાત પણ કરાવી દીધી. દિનેશ લગભગ દસ વર્ષથી કુવૈતમાં ચાટેર્ડ એકાઉન્ટન્ટ છે. ગામડાના ગુરમિતને પરદેશમાં પણ એક ઓળખીતો મળી ગયો હતો.


ગુરમિતે પોતાના સરળ સ્વભાવ અને વ્યવહારથી ઝડપથી પોતાની વ્યવસ્થા કરી લીધી. એને રહેવા માટે હિલ્ટન હૉટેલની પાછળ એક જગ્યા મળી ગઈ હતી. એણે જાતે જ પોતાની જગ્યા પસંદ કરી હતી. ગામના ઘર જેવું ઘર થોડું હતું ! આંગણામાં મુખ્ય દ્વારથી ઘર સુધી પહોંચવા માટે ત્રણ મિનિટ તો ચાલવું પડતું હતું. ચારે બાજું ઊંચી દિવાલોની વચ્ચે એનું ત્રણ ઓરડાનું વાતાનુકુલિત ઘર ! દિલ દઈને મહેનત કરતો હતો અને ત્યાં જગરાંવમાં ફુલવંતે એક ફૂલ જેવી દિકરીને જન્મ આપ્યો હતો. બહુ ઈચ્છા હોવા છતાં પણ ગુરમિત પોતાની દીકરાના જન્મ વખતે જગરાવ જઈ ન શક્યો. પરદેશમાં પોતાની મરજીથી રજા પણ મળતી નથી. આ દરમ્યાન હું ગામ જઈ આવ્યો હતો. ફુલવંત અને એની ઢીંગલીને જોઈ આવ્યો હતો. હવે હું જ ગુરમિત અને એના પરિવાર વચ્ચે એક માધ્યમ હતો.


મારે ફરી એકવાર કુવૈત જવાનું થયું. હવે ગુરમિતમાં ઘણાં પરિવર્તન આવી ગયા હતા. પોતાની કારમાં મને લેવા આવ્યો અને બપોરે સિઝર્સ રેસ્ટોરાંમાં જમવા લઈ ગયો. એની અંદર એક બાળક જીવતું હતું. ‘ભાઈ, આ પરદેશમાં તો ઘરેથી કોઈ કાગળ આવી જાય એનો જ એક આધાર હોય છે. આ અજબ દેશ છે. અહીં પોસ્ટમેન જ નથી. પોસ્ટ બોક્સમાંથી જાતે જ કાગળ લઈ આવવોના ! ’ ગુરમિતની આંખોમાં પીડાની એક ટીસ ઊઠી. ફુલવંતની યાદ અને નહીં જોયેલી ઢીંગલીનો વ્હાલો ચ્હેરો એના મનમાં ઉતરી આવ્યો. ‘તમે તો ઢીંગલીને જોઈ છે ને ? કોના પર ગઈ છે ? ફોટામાં તો કંઈ ખબર નથી પડતી નથી.’


મને લાગ્યું કે જાણે ગુરમિત મારી આંખોમાં ફુલવંત અને ઢીંગલીની છબિ જોવાની ચેષ્ટા કરી રહ્યો છે.


‘ભાઈ, હું દિનેશજીને ઓછું જ મળું છું. બહુ ભણેલા ગણેલા લોકો છે. ઘણીવાર તો જાત પર જ શરમ આવી જાય છે. એમના મમ્મી તો બહુ જ સારાં છે. જમ્યા વિના આવવા જ ન દે. અને ભાભીએ તો કુવૈતમાં ધમાલ મચાવી દીધી છે. કેટલું સરસ ગાય છે ! ‘કુવૈત ટાઈમ્સ’ અને ‘અરબ ટાઈમ્સ’ બંનેમાં એમનો ફોટો છપાયો હતો.’

હું એ માણસને સતત જોઈ રહ્યો હતો. કેટલો સરળ, કેટલો વ્હાલો !


અરે જ્યારે પણ કુવૈત જવાનું થાય ત્યારે દરેક વખતે ગુરમિત પાસે મને કહેવા માટે નવી વાતો, નવા પ્રસંગો હોય જ. એમાંની અડધા ઉપરની ઘટનાઓમાં તો એની અંદરનો બાળક જ બોલતો હોય. વિદેશી ચમકતી વસ્તુઓ તરફ એક બાળક જેવું આકર્ષણ સ્વાભાવિક હતું.


પરંતુ એક દિવસ બહુ ઉદાસ બેઠો હતો. ‘ભાઈ, અહીંની પોલિસ બહુ જ ખરાબ છે. સાવ અભણ પોલિસ છે. અંગ્રેજીનો એક અક્ષર પણ આવડતો નથી. બસ એક દિવસ પકડી લીધો આપણા મલયાલીભાઈને...હા, એક નાયરને. પહેલા ચોકમાં એની વાનની તપાસ કરી. પોલીસ એની બંદુક વાનમાં ભૂલી ગયો. આગળના ચોકમાં બીજા પોલિસવાળા ચેકીંગ કરી રહ્યાં હતા. બસ, વાનમાં બંદુક મળી...બીચારાને ટીપી નાંખ્યો. એ બિચારો દુબળો-પાતળો ઘાસફૂસ ખાનારો માણસ. શરીરમાં કંઈ દમ નહીં ફસાઈ ગયો આ ડંગોરાઓ વચ્ચે. પોલિસ સ્ટેશને લઈ ગયા. બહુ માર્યો. એ લોકો એમની અરબીમાં પૂછતાં હતા અને આપણો માણસ અઁગ્રેજી અને મલયાલીમાં રડી રહ્યો હતો...ભગવાને બચાવી લીધો એ બિચારાને. પછી ખબર પડી તકે બંદુક તો એમના પોલિસવાળાની જ છે. પણ આપણઆ માણસને તો અધમૂઓ કરી નાંખ્યો ને ભાઈ, અહીં તો અરબી બોલી તો આવડવી જ જોઈએ.’


વિદેશમાં એકલા પડી જવાનો ડર ગુરમિતની આંખોમાં સ્પષ્ટરૂપે દેખાતો હતો. સાત સમુદ્ર પાર કરીને વિદેશ જવાની લલક હતી ગુરમિતમાં... પરંતુ એક જ સમુદ્રની પાર પહોંચીને એનું મન ધ્રુજી ગયું હતું.


પછી કંઈક એવું બન્યું કે થોડા મહિનાઓ માટે કોમ્પ્યૂટરે કુવૈત ને મારા નામ વચ્ચે પણ એક સમુદ્ર ભરી દીધો. અને મારું નામ કુવૈતની ફ્લાઈટો પર દેખાયું નહીં. આ દરમ્યાન પત્રોથી જ મને સૂચના મળી કે ગુરમિત ગામનો આંટો મારી આવ્યો છે અને ફુલવંત અને ઢીંગલી કુવૈત પહોંચી ગયા છે.


ફુલવંત અને ગુરમિત. સાથે થોડાંક મહિનાની ઢીંગલી- એક પ્રેમાળ પરિવાર. હું પણ પ્રસન્ન હતો કે ચાલો બંનેની એકલતા દૂર થઈ. આખરે કુલવંત પણ આટલા પરિવારજનો વચ્ચે એકલી જ તો હતી. ગુરમિત સિવાય એને બીજા સાથે કેટલી નિસબત. અને એ જ ગુરમિત એની પાસે હતો. એની પાસે એનો પોતાનો ગુરમિત. હવે કોઈ ગોરી મેમ એના ગુરમિતને ઉઠાવીને નહીં લઈ જાય. આરબોની પરીઓ પણ જાદુ જાણે છે ! બીચારી ફુલવંત !


દિનેશનો ફોન કુવૈતથી આવ્યો ત્યારે હું એ વખતે જાપાન ગયો હતો. આ નોકરી એક જગ્યાએ ઠરીને બેસવા દેતી નથી. દુનિયાભરના શહેરોના ફેરા કર્યા કરું છું. ઘરમાં ઠરીને રહેવાનું એક મોટી પ્રાપ્તિ જેવું લાગે છે.


દિનેશે કોઈ વિશેષ સંદેશ મૂક્યો નહોતો. એ હંમેશા સંયમિત રીતે જ વાત કરે છે. સમયે એને સંપૂર્ણ રીતે પરિપક્વ બનાવી દીધો છે. એનો અવાજ કાયમ સપાટ જ લાગે છે. કોઈ પણ ઉત્તેજના કે ભાવુકતા વિનાનો! પત્નીએ એને જણાવી દીધું હતું કે હું જાપાનથી ક્યારે પાછો આવીશ. અને એણે પણ એટલું જ કહ્યું કે ‘હું ફોન કરીશ.’


ઈકબાલભાઈએ સેવો મોકલી હતી. નારાજ થઈ ગયા હતા. કહેતા હતા કે, ‘આટલી મોટી મોટર ટ્રેઈનિંગ સ્કુલ ચલાવો છો અને અમારી ભાભીજીને ગાડી ચલાવતા આવડતું નથી. !’ ‘તમને વઢતા હતા કે વહુને ઘરમાં પૂરી દીધી છે.’ પત્નીએ કહેલું.


ઈકબાલભાઈને ઈદ મુબારક કહેવા ફોન કર્યો અને ચ્હાની ચુસ્કીઓ લેવા લાગ્યો.


દિનેશનો ફોન ફરીથી આવ્યો. એ જ સંયમિત અવાજ. ‘સુરેન, તું કાલે જ કુવૈત આવી જા. બહુ જરૂરી કામ છે. હું એરપોર્ટ પર તારા વિઝા લઈને આવી જઈશ. ઓછામાં ઓછી એક અઠવાડિયાની રજા લઈને આવી જા. કામ બહુ જરૂરી છે. ગુરમિતને તારી જરૂર છે.’


હું હલ્લો હલ્લો કરતો રહ્યો પરંતુ દિનેશને તો સૂચના જ આપવી હતી. અને એ કામ તો એણે કરી દીધું હતું.

પત્નીની નારાજગી હોવા છતાં હું કુવૈત તરફ નીકળી ગયો. ન જાણે કેવો ગૂઢ સંબંધ બની ગયો હતો મારી અને ગુરમિત વચ્ચે.


ઘરમાંથી નીકળતો હતો ત્યાં બહાર ફાયર એન્જિનની ચીસ સંભળાઈ. ખબર નહીં ક્યાં આગ લાગી હશે. ટેક્સીમાં બેઠો તો પાસે થઈને સરસરાટ કરતી એમ્બ્યુલન્સ નીકળી. રસ્તામાં અંધેરીના સ્મશાન ઘાટ સામેથી ટેક્સી પસાર થઈ તો શરીરમાં કંપારી પસાર થઈ ગઈ.


કુવૈત પહોંચ્યો તો દિનેશ મને સીધો એના ઘરે લઈ ગયો. ગુરમિત ત્યાં જ હતો ચૂપ ! એકદમ ચૂપ ! એ હંમેશા કલરવતા ગુરમિતના સ્થાને જાણે કોઈએ પથ્થરની મૂર્તિ બનાવીને મૂકી દીધી ન હોય ! મને જોઈને પણ એણે કોઈ વિશેષ પ્રતિક્રિયા ન આપી. એની આંખોમાં કોઈ ઓળખાણ કે ખૂશી દેખાઈ નહીં. એ ઝિંદાદિલ ગુરમિતને એક જીવતી લાશ બનાવી દેવા માટે કોને દોષિત ગણી શકાય ? નિયતિને કે... હું કશું વિચારી શકતો નહોતો. ગુરમિતની કેવળ એક જ વાત મારા દિલમાં વારંવાર વાગ્યા કરતી હતી, ‘ભાઈજી, અહીંની પોલીસ બહુ ખરાબ છે જી’


બીજા દિવસે હું ગુરમિતને સાથે ફરી એકવાર એ રસ્તે ચાલી નીકળ્યો, જ્યાં બધું બન્યું હતું. ગુરમિતની આંખોમાં ફેલાયેલો આતંક, ખાલીપણું અને સૂનકાર જાણે મને એ દિવસની બધી ઘટના સંભળાવી રહ્યાં હતાં...


ફુલવંત મા બનવાની હતી. દીકરી પછી દીકરો થાય એવી બંનેની પ્રબળ ઈચ્છા હતી. કુલવંતને પૂરા દિવસો હતા. એણે ગુરમિતને કહ્યું પણ ખરું કે, ‘કમ સે કમ, આજે તો ન જાવ. લાગે છે કે આજે હોસ્પિટલ જવું પડશે.’


‘અરે ભગવાન ! ડરવાની ક્યાં જરૂર છે ? આ ફોન છે, બસ કરી દેજે. હું ગોળીની જેમ ભાગી આવીશ. ડરીશ નહીં. કાલે તો ઈદની રજા છે.’


બન્યુ એ જ કે જેનો ફુલવંતને ડર હતો. પ્રસવવેળા શરૂ થઈ ગઈ. થોડીવાર તો સહન કર્યું પછી જ્યારે ન રહેવાયું ત્યારે એણે ગુરમિતને ફોન કર્યો. ગુરમિત પણ બહુ ઉત્સાહમાં હતો. પ્રસન્નતા અને ચિન્તાની મિશ્રિત ભાવનાઓ સાથે એ કાર તરફ ભાગ્યો. ઢીંગલીના જન્મ વખતે એ ફુલવંતથી ઘણો દૂર હતો પરંતુ આ વખતે એ ફુલવંતની સાથે હશે, એને જાતે જ સધિયારો આપશે. સાથીએ અભિનંદન આપ્યાં. ‘ ગુરમિત, ઈદ પર દીકરો જન્મતા બહું નસીબવાળો થશે.’

આંખોમાં ફુલવંત, ગુડ્ડી અને થનારા પુત્રની છબિ લઈને ગુરમિતે કાર સ્ટાર્ટ કરી. ઘરે પહોંચવાની ઉતાવળમાં ગુરમિતે એક્સિલેટર પર પોતાના પગનું દબાણ વધાર્યું.

હજી તો એ ‘સી ફેસ’ પર પહોંચ્યો હતો ત્યાં પોલીસની સાયરન સંભળાઈ. પરંતુ એ તો પોતાની જ ધૂનમાં ગાડી ચલાવ્યે જતો હતો. કુવૈત ટાવર પાસે પહોંચતા પહોંચતામાં પોલીસની ગાડીએ ઊભા રહેવા ઈશારો કર્યો. ગુરમિત ગભરાઈ ગયો. ન જાણે ક્યો ગુનો થઈ ગયો એનાથી ! પોલીસ અરબી ભાષામાં ચિલ્લાતો હતો અને સ્પીડોમિટર તરફ ઈશારો કર્યે જતો હતો. માંડ ગુરમિતને સમજાયું કે એને ઝડપથી કાર ચલાવવાના ગૂનાસર પકડી રહ્યાં હતાં. એણે એના બધાં કાગળ પોલીસને હવાલે કરી દીધા. એકાએક વિચાર આવ્યો કે ફુલવંતનું શું થશે ? એણે પોતાની તૂટી-ફૂટી અંગ્રેજીમાં અરબી શબ્દો ભેળવીને પોલીસને એ સમજાવવા લાગ્યો કે એની પત્નીને –ડિલિવરી- આવે એમ છે અને ગમે તે ક્ષણે બાળક જન્મે એમ છે. પરંતુ એની વાત કોઈ સાંભળતું નહોતું અને કોઈ સમજતું નહોતું.

ગુરમિતને લઈ જઈ પૂરી દીધો જેલમાં. એ કરગર્યો, આજીજી કરી. એણે દરેક પોલીસવાળા જોડે વાત કરવાની કોશીષ કરી કે કોઈકને તો એની વાત સમજાય ને દયા ખાઈને છોડી દે.

અમે ત્રણે દિનેશની કારમાં કુવૈત ટાવર સુધી પહોંચી ગયા. ગુરમિતની આંખોની પીડા ભલે એનેકગણી વધી ગઈ હતી. કંઈ જ ન કરી શક્યાનો અફસોસ એને અંદર ને અંદર કોરતો હતો.

ગુરમિતને જેલમાં નાખીને ઈન્સપેક્ટર ઈદની રજાઓ માણવા ચાલ્યો ગયો. ગુરમિત ચાર દિવસ સુધી જેલની દિવાલો સાથે માથા પછાડતો રહ્યો. ચિલ્લાતો રહ્યો અને પોતાની ફુલવંતને યાદ કરતો રહ્યો.

પછી યાદ આવ્યું કે ફુલવંત પાસે દિનેશના ઘરનો ફોન નંબર તો છે જ. કદાચ ભાભીજીને ફોન કરી દીધો હોય. કદાચ એ જેલની બહાર નીકળે ત્યારે ફુલવંત અને એનો દીકરો બંને હોસ્પિટલમાં સુરક્ષિત હોય.

ફુલવંત બિચારી ગુરમિતની રાહ જોઈ જોઈને પીડાથી નબળી પડવા માંડી હતી. ગામડાની છોકરી પરદેશમાં એકલી ! હિંમત કરીને દિનેશ બત્રાને ઘરે ફોન કર્યો. ત્યાં કોઈ ફોન ઉપાડતું જ નહોતું. જ્યારે પીડા અસહ્ય થઈ ત્યારે સલવાર ઉતારીને જમીન પર ચટાઈ પાથરીને સૂઈ ગઈ. પાછો વિચાર આવ્યો કે ક્યાંક બાળક જમીન પર પડી જશે તો...વળી પાછી પલંગ પર જઈને સુઈ ગઈ. વિચાર્યું કે શેતરંજી પાથરી દઉં. ગુડ્ડીના જન્મ વખતે તો એને કશું વિચારવું જદ નહોતું પડ્યું. બધું માના ઘરે જ થયું હતું....પીડા વધતી જતી હતી.

દોઢ વર્ષની ગુડ્ડી માની હાલત જોઈને રડવા લાગી હતી. માનો કણસાટ એના બાલસુલભ મનને પીડિત કરી રહ્યો હતો.

ફુલવંત પીડાથી ચીસો પાડતી હતી. ગુરમિતને યાદ કરતી હતી અને એની માને પણ...જ્યારે ઈદનો ચાંદ જન્મ્યો ત્યારે કુલવંત બેહોશ થઈ ગઈ હતી. એને ખબર જ ન પડી કે દીકરો થયો કે દીકરી ? બાળક રડ્યું કે નહીં ?

ગુડ્ડી પણ રડતી હતી. એની માનું શરીર લોહીથી લથપથ હતું. એની સાથે જોડાયેલું એક નાનકડું બાળક રડતું હતું. એ પણ લોહીથી તરબતર પડ્યું હતું. ગુડ્ડીએ એને હાથ લગાડ્યો તો એને ચીકણું લાગ્યું. હવે એ ગભરાઈ ગઈ. એના નાનકડા પગથી દોડતી દરવાજા તરફ ભાગી પરંતુ દરવાજાની સ્ટોપર તો એ નાનકડી ઢીંગલીની પહોંચથી ક્યાંય ઊંચે હતી ! ક્યાંય સુધી દરવાજો ખખડાવતી રહી પણ કોઈ સાંભળે તો ખોલેને !

હવે ન તો માનો કણસાટ સંભળાતો હતો કે ન તો મુન્નાનું રડવું. આખા ઘરમાં ભયાનક સન્નાટો છવાઈ ગયો હતો. રડતાં રડતાં ગુડ્ડીને ભૂખ લાગવા માંડી. એ બીચારી ફ્રિઝ ખોલવા લાગી પરંતુ ફ્રિઝ ખુલતું નહોતું.

ગુરમિત સામે જેલનું ખાવાનું પડ્યું હતું. એ ભાન વિના ક્યારેક ખાવા તરફ જોતો તો ક્યારેક દિવાલો તરફ જોયા કરતો. અને ત્યાં ગુડ્ડી આખા ઘરમાં કંઇકને કંઈક ખાવનું શોધી રહી હતી. આખરે થાકીને રડતાં રડતાં સુઈ ગઈ.

ગુરમિત હવાલદારના પગ પકડીને કરગરતો હતો. એક ફોન કરવાની રજા માંગતો હતો. પરંતુ ત્યાંના પોલિસવાળા તો બહુ જ ખરાબ હોય છે ન જી. !

સૂતા સૂતા ગુડ્ડીના પેટમાં આકળી જરૂર આવી હશે. જઈને માને જગાડવાની કોશીષ કરવા લાગી. પરંતુ ફૂલવંત તો ઊંડી ઊઁઘમાં સુઈ ગઈ હતી. ગુડ્ડીએ ફરી એકવાર ખાવાનું શોધવાનું શરૂ કર્યું.

ચોથે દિવસે ગુરમિત છૂટ્યો. સીધો ઘરે પહોંચ્યો. ચાવીથી દરવાજો ખોલ્યો અને અંદર પેસતાં જ નાક પર હાથ મુકવો પડ્યો. સામે ફુલવંત અને બાળકની ખુલ્લી લાશો પડી હતી. ગુડ્ડીને શોધી. એ ફ્રિઝ પાસે જ પડી હતી.

‘હરામજાદાઓ....’ એણે બૂમ પાડી. ‘હું તમને જીવતા નહીં છોડું. એકે એકને મારી નાંખીશ...બધાને વીણી વીણીને મારી નાંખીશ.’એ ચીખતો જતો હતો. ફુલવંત, ગુડ્ડી અને મૂન્નાની લાશો સામે ક્યાંય સુધી રડતો રહ્યો. થોડી ધીરજ આવી ત્યારે દિનેશ બત્રાને ફોન કર્યો.

દિનેશ પોતાના ચિરપરિચિત અંદાજમાં ગુરમિતને સાંત્વના આપતો હતો.

‘દિનેશજી, અહીં નહીં રહું જી. પણ જતાં પહેલાં બધાનું કામ તમામ કરીને જઈશ. એકેય હરામજાદાને નહીં છોડું.’ રહી રહીને ગુરમિતની અંદરનું હિંસક પશુ જાગી જતું.

દિનેશે એને મુશ્કેલીથી સંભાળ્યો. અને હવે અમે બંને એને સમજાવી રહ્યાં હતાં.

પોતાની ગૃહસ્થિ પોતાના હાથે બાળીને ગુરમિત પાછો આવી ગયો હતો, દારજી પાસે. પરંતુ બધું સહન કરવાને કારણે અને કશું જ ન કરી શકવાની પોતાની અસમર્થતાને કારણે ગુરમિત અંદર ને અંદર ગૂંગળાતો રહ્યો.,એક ભયાનક ચૂપ્પી ઓઢીને. અને આ ચૂપ્પી આજે જ તૂટી હતી જ્યારે એ હર્ષોલ્લાસથી ચીખી ઊઠ્યો હતો. ‘કરી નાંખી સાલાઓની હવા ટાઈટ ! ’

 

અનુવાદક-
દીપક રાવલ
પાલનપુર
મૂળ લેખક-
TEJENDRA SHARMA
74-A, Palmerston Road
Hardy & weldstone
Middx, HA 3 7 rw.
U.K.

 

Home    ||   Editorial Board    ||    Archive   ||  Submission Guide   ||   Feedback   ||  Contact us   ||  Author Index