Included in the UGC-CARE list (Group B Sr. No 172)

તા. 13 નવેમ્બર 2006

જાત સાથે વાત ચાલુ થાય એટલે પોતપોતાનાં દરમાંથી વિચારો કૂદતાકૂદતા દોડી આવે. એમાંના ઠાવકા કેટલાક મારી આસપાસ ગોઠવાઈ જાય. કોઈ પલાઠીમાં. કોઈ અવળા પગે. કોઈ અધૂકડા, તો કોઈ ઊભા. કેટલાક ચાંપલા હોય. મારી પાંપણો પર ઝૂલવા લાગે. મને કશું જોવા ન દે. કેટલાક ચોર જેવા હોય છે. મારું કશે બીજે ધ્યાન હોય ત્યારે કાનમાં ઘૂસવાને ગૂફ્તેગો કરતા હોય છે. સરખું સાંભળવા ન દે. આ બે તો જૂઓ, યુનિફોર્મમાં છે. હોઠ પર રહ્યાં છે – પ્હેરો ભરવા. અરે ! એમણે શરૂ પણ કર્યું – લૅફ્ટ રાઇટ લૅફ્ટ રાઇટ. મારાથી બોલાતું નથી. વાત શરૂ કરવા જઉં કે કે તરત ઊડી જતી હોય છે. બારસાખે જઈ બેસે. પકડવા ઊંઠું તો બાલ્કનીએ જઈ પ્હૉંચે. મને ખબર હોય કે ઊડી જવાની આકાશે. એટલે પછી પીછો છોડું. ઊંઘી જાઉં. ઊંઘ એટલે ઊંઘ. ન વાત ન વિચાર. ન હું ન સામેવાળો....

અ-શક્ય ન હોય તો રોજ સવાર-સાંજ સૂર્યદર્શન કરું છું. દર્શન એટલે સૂર્યને જોવાનો એમ નહીં, એક્કી ટસે તાકવાનો. પલકારો મર્યા વગર, અપલક. નિષ્પલક શબ્દ પણ વાપરી શકાય. સૂર્ય આઈ-લેવલે હોવો જોઈએ. સ્કૅલ-માપમાં ક્હેવું હોય તો એમ ક્હેવાય કે એક હાઈરાઈઝ્ડ જેટલો ઊંચે દસ માળના બિલ્ડિન્ગ જેટલો. માધ્યમિકમાં માધુસ્કર માસ્તર હતા. ડ્રોઈન્ગ-ટીચર. ઑબ્જેક્ટ-ડ્રોઇન્ગનો મુદ્દે શીખવેલોઃ સામેની વસ્તુ તરફ હાથ લંબાવી એક આંખ બન્ધ રાખવાની. હાથમાંથી પૅન્સિલથી એનું માપ લેવાનું. જે આવે એ. એ માપે એને કાગળ પર દોરવાની. એ જમાનાની શાળાઓને, ખબર છે- મળી-મળીને ઑબ્જેક્ટ કેવાક મળતા ? કૅરોસિનનો ડબ્બો. બાજુમાં શીશો ન ઉપર સાવરણી. ક્હે છે, બધી શાળાઓમાં એ ત્રિ-મૂર્તિ જ હોય. શિક્ષણમાં રેઢિયાળ હોવાનું।રહેવાનું સ્મરણીય દૃષ્ટાંત. મારા બધા ઑબજેક્ટ બરાબર ઊતરતા, ન મોટા ન નાના. કહેવાનો મતલબ એમ છે કે રેઢિયાળે ય રસ્તો નીકળે. શીખનારમાં દમ જોઈએ... હું ઈન્ટરમિજ્યેટ ડ્રોઈન્ગ પાસ છું...

સૂર્યને એમ તાકવાથી એની તેજસ્વીતા નરમ પડી જાય છે. દરેક તેજસ્વીને તાકવાથી એમ નથી થતું. થવું જોઈએ, કેમકે સૂર્યથી મોટું કોઈ નથી. એનાથી ઊંચું પણ કોણ છે ? સૂર્ય તેજસ્વીતામાંથી લાલ લાલમાંથી કેસરી પછી પીળો આછો પીળો ને છેલ્લે તો ચન્દ્ર જેવો શાન્ત થઈ જાય છે – જાણે એલ્યુમિનિયમનો હોય. અથવા મારે એમ કહેવું જોઈએ કે એનું બધું તેજ મારા મસ્તકમાં પ્રસરી જાય છે. આજુબાજુનું આકાશ જે તેજમાં ઓળઘોળ હતું, આછરીને ઠંડું ભૂરું કે નીલ વર્ણનું થઈ આવે છે. તેજસ્વી નરમ પડે એટલે આસપાસનાંને કમ્ફર્ટૅબલ ફિલ થાય – એના જેવું.

એક ન કરવા જેવી ખાનગી વાત છેઃ એવે વખતે કોઈ વાર મેં સૂર્યમાં ય, ચન્દ્રને છે એવુ લાન્છન ભાળ્યું છે. મારી ટેવને લીધે હશે. પૂર્ણ સૌન્દર્ય કાજેની સમીક્ષા બુદ્ધિને કારણે હશે. કે પછી આંખોની નબળાઈને કારણે પણ હોય. જોકે, હમણાં જ નમ્બર કઢાવ્યા તો ખબર પડી કે આંખો સારી થઈ ગઈ છે, અરધો નમ્બર ઓછો થઈ ગયો છે. મને 68મું બેઠું છે તોય. હમણાં હમણાંથી મારે આમ મારી ઉમ્મર જણાવવી પડે છે કેમકે, લોકો હજી મને નાનો ગણે છે. નાનો શબ્દ હું ન વાપરું કેમકે ત્યાં, દેખાય છે કે, અનુચિત છે. પણ હમણાં વડોદરામાં એક વિદ્વાને વાપરી બતાવ્યો.

વ્યાખ્યાન-કાર્યક્રમ હતો. પૂરો થયા પછી બધા ક્હે, મજા આવી, ખરેખર મજા આવી. આ મજા શબ્દ પણ ઠીક નથી છતાં શાબાશીદાયક હોઈ ગમે, નડે નહીં. પેલા વિદ્વાને પણ કહ્યુઃ બહુ મજા આવી. પછી બોલ્યાઃ એક વાત કહું સુમનભાઈ – મારી હથેળીઓ એમની હથેળીઓમાં લેવાઈ ગયેલી- તમને જ્યારે જોઉં છું ત્યારે નાના જ લાગો છો, નાના ને નાના થતાં જાઓ છો. આજુબાજુનાં બધાં હસી પડેલાં. મિશ્ર હતું એ હાસ્ય. એમાં એમની કે મારી મશ્કરીની લિજ્જત હતી. મારી હથેળીઓને મેં ઢીલી અનુભવી, છૂટવા કરતી’તી.

વિદ્વાન મિત્ર નિર્દોષ હતા પણ ભાષા દોષ ફેલાવીને રહેલી. આજે યાદ કરતાં સમજાય છે કે મૂળ દોષ મારો જ છે. હું નાનો નહીં મોટો લાગવો જોઈએ. પ્રારબ્ધ અને પરિશ્રમના સુયોગે એવો જે લાગું છું તે બરાબર નથી. મારે લાંબા-પ્હૉળ-જાડા લાગવું જોઈએ. મારા વાળ ધૉળા હોવા જોઈએ. એ ય અધિક નહીં, અલ્પતમ. મારો દાંત એકાદ પડેલો હોવો જોઈએ ને તે, દેખાય એવો હોવો જોઈએ. કોઈ દાઢ સડેલી હોય તો સારું છે.. મારે ઝભ્ભો-લેંઘો ને ચમ્પલ પ્હેરવાં જોઈએ, ખાદી ગ્રામોદ્યોગનાં...

દીવાળી હમણાં જ ગઈ. નૂતન વર્ષાભિનંદનનાં કાર્ડ આવ્યાં છે. એમાં એક મારા બચપણના મિત્ર અશોક શાહનું છે. એકડિયા-બગડિયાથી અમે સાથે હતા. એય રિટાયર્ડ થયો છે. વડોદરાની આર.એમ.એસ. પોસ્ટ-ઑફિસમાં મોટા પદે હતો. વર્ષમાં બે-એકવાર એ મને લખે છે. હું એકાદ વાર સામટો જવાબ લખું છું. અશોક શાહ, નિશાળમાં અશોક મોતીલાલ, હું સુમન ગોવિન્દ, એક ત્રીજો ઈન્દુ પટેલ તે ઈન્દુ ગોવિન્દ. એ જમાનામાં એમ કહેતા હતા. મફત ગગલ જેવું. અમારા ગામ ડભોઈમાં એક શેઠ હતા, રમણ ગોપાલ...

અશોક મોતીલાલનું પોસ્ટકાર્ડ નવા વર્ષની લાલ શાહીમાં આમ શરૂ થાય છેઃ
ભાઈશ્રી સુમન. તથા અ.સૌ. રશ્મી.
વિક્રમ સંવત 2063થી શરૂ થતું નવું વર્ષ. સુખ સમૃદ્ધિ અને આરોગ્યમય નીવડે એજ અભ્યર્થના.
પૂર્વરાગ-મદીર- પરદેશ છે. ત્યાં એ બધાં મજામાં હશે.
અવાર-નવાર તારાં સાહિત્યવિવેચનનાં પુસ્તકો મળે છે. ત્યારે – બાળપણમાં જે સ્વભાવ. કડક સમાલોચના. તારા સાહિત્યવિવેચનમાં વર્તાય છે. ખૅર. પરબ કે શબ્દસૃષ્ટિ જોવાથી તને રૂબરૂ મલ્યાનો સંતોષ થાય છે.
કોકીલા અને અશોક શાહ. જય શ્રી કૃષ્ણ.

આ મુજબનો અશોકનો પત્ર વાંચી હું મલકી પડ્યો. એમ કે નાનપણમાં ય હું કડક સમાલોચક સ્વભાવનો હતો ! બહુ ક્હેવાય ! ન-સાહિત્યકાર મિત્ર વાંચે ને આમ નિખાલસ પ્રતિભાવે ય આપે છે. એથી ઘણા ન-સારા વચ્ચે સારું લાગે છે.

એવો ક્યારે હોઈશ-? વિચારતાં એક પ્રસંગ યાદ આવે છે. હું અશોક ન ઈન્દુ અમે ત્રણેય જણા ત્રીજા-ચોથામાં હોઈશું. એક જ પાટલીએ એજ ક્રમમાં બેસતા. અશોકને ગણિત એકદમ આવડે. ઈન્દુને ય આવડે. મને ન આવડે. અશોક નેતા જેવો ય ખરો, સમાજસેવાના ક્હે, તું એના જેવો થાય તો દાખલા આવડે. અશોક નેતા જેવો ય ખરો. સમાજસેવાના સંસ્કાર ઘરમાંથી પામેલો. એકવાર કહેઃ સમાચારોનું આપણે હસ્તલિખિત મેગેઝિન કાઢીએ. આ વાત અમે છઠ્ઠા-સાતમામાં હોઈશું ત્યારની છે. મોટું કાર્ડ-પેપર લેવાનું. લખવાનું તારે, મને ક્હે, તારા અક્ષર સારા છે. ચૉંટાડવાનું ભીંતે, અમારા વગાની – પટેલવગા- કોઈ આગળ પડતી ભીંતે. મને એવું સીમિત પ્રકાશન નાપસંદ હશે તે મેં વિરોધ કરેલો. કહેલું, કે ના, ટાવરે લાઈબ્રેરી છે – સયાજી સાર્વજનિક પુસ્તકાલય – તેના ઓટલાની ભીંતે ચોટાડવાનું. ગામ આખાને ખબર પડે. એ વાતે અમારી વચ્ચે અંટસ પડેલી ને રૂંસણું લઈ મેં એની જોડે બોલવાનું બન્ધ કરેલું. વગેરે.

એકાએક કેમ ટૂંકાવ્યું ? ખબર પડી કે ફુલ્લ-સ્પીડે અતીતરાગ નામના નગર ભણી ધસી રહ્યો છું. જાત સાથેની વાતનું આ જોખમ છે. લખાણ પ્રકૃતિએ કરીને ભવિષ્ય-તરફી હોય છે. લીટી પછી લીટી. ફકરા પછી ફકરો. કાગળ પછી કાગળ. પણ ચિત્તમાં એવું બધું સીધી લીટીનું નથી હોતું. ત્યાં તો ત્રણેય કે અંગ્રેજી વ્યાકરણના નવે નવ કાળ – 27 પણ કહેવાયા છે – યુગપત્ હગોય છે. એક વિકસી ચૂકેલી ને વિકસ્યા કરતી ગૂંચ. પણ વાતો મોટાભાગે ભૂતકાળ નામના કૂવામાંથી ચાલી આવે છે. સામાની જિજ્ઞાશા ખીલે એનો માણસની વાત વિશેનો રસ જાગે એ સન્તોષ પામે એ બધું ખરું. એમ થવું જોઈએ એ પણ ખરું. છતાં મને એવું લાગે છે કે હું મારી નહીં પણ કોઈ બીજા જ સુમન શાહની વાતો કરી રહ્યો છું. મારાથી છૂટો ને છેટો પડી ગયેલો કોઈ સ્વાયત્ત અને સ્વૈર જણ. એવો હું, જે પેલા કૂવામાં મોઢું જોવામાં તલ્લીન છે. વાત ભૂલીને જાતને જોતો છે. જરૂર લાગ્યે નીચે ઊતરતો છે. ડૂબકી લગાવતો છે. ક્યારેક પાછો ન આવતો છે.

મારે એને બિલાડી નાંખીને ઉપર પાછો લાવવો પડે છે. બિલાડી તે મ્યાંઉ નહીં, કૅટ નહીં. ન્હૉરદાર મોટા પંજાનું લોખંડનું સાધન. દોરડે બાંધી નીચે ઉતરવાનું. કૂવામાં પડી ગયેલી ચીજ-વસ્તુને – ડૉલ, પેચવાળો લોટો, બચીબેનની ઘાઘરી પણ – કળથી ફંફોસવાની. પંજામાં ભરાઈ કે ભેરવાઈ એમ લાગે એટલે આસ્તે આસ્તે ઉપર ખેંચી પાડવાની. બિલાડી ઉતારનારો ખુશ. ચીજ-વસ્તુ પાછી મેળવનારું ખુશ. જોનારાં ખુશ. સદ્યસ્નાતા બિલાડી પાછી ઝૂલે ખીંટીએ. એની ટપક ઝિલાય ને શોષાય લીંપણની ઓકળીઓમાં...આ આરસમાં ઓકળીઓ ? ના મળે. છાણમાટીથી દૂર થયે વરસો વીતી ગયાં. દેખાય છે બા- કાછડો વાળીને લીંપણ કરતી બા. વિદેશમાં દીકરાઓને ત્યાં વૂડન ફર્શ. એ પર કાર્પેટ. મારે એને એ પર ચલાવવી’તી...એ તો નથી...

તા. 16 નવેમ્બર 2006

ટૂંકા સમયગાળામાં આપણાં આઠ સાહિત્યકારો કાયમ માટે ચાલી ગયા. આઠેય હતા નિત્યજાગ્રત સારસ્વતો. નિતાન્ત લેખનધર્મી સાધકો. વજન ઘણું ચાલ્યું ગયું. ગુજરાતી સાહિત્યનું એક પલ્લું ખાસ્સું અધ્ધર થઈ ગયું. સરખું થતાં દાયકાઓ નીકળી જતાં હોય છે. ખરું કે નહીં - ?

દરેક મૃત્યુ યાદ કરાવે છે કે એને આપણે કેવું તો વીસરી ગયેલા. જીવન નામના મહા મહોત્સવમાં કંઈ કેવા તો મચી પડેલા. અને ખરેખર એવું જ નથી ? ક્ષણ ક્ષણની નવતાથી ઘડીક બાઘા બની જવાય છે. નજર ઓજડવાઈ થઈ જાય છે. વારે વારે ઝૂંક વાગે છે તો ય રઢ મેલતા નથી. બ્હૅર મારી ગઈ હોય તો ય શું છે કેવું છે પૂછ્યાં કરીએ છીએ. જીભ દાઝે છે તો ય કહે છે શું – ખબર છે - ? ટૅસડા છે બાપુ ! જીવ ચૂંટલા ભરી ભરીને લ્હાવા લે છે. મસ્તક ઢૂંઢ્યા કરે છે સુગન્ધ. દરેક કેમ છો-નો ઉત્તર, મજામા છું મળે છે. દરેક શું ચાલે છે –નો જવાબ, જલ્સા છે મળે છે.

એક જ સમયગાળાનાં આટલાં બધાં અવસાનોએ સાઠીએ પહોંચેલા વયસ્કોને થોડા ઊંચાનીચા ય કર્યા. બધા તન્ત અર્થહીન ભાસ્યા. ખટપટો ને માથાઝીંકોની ક્ષુલ્લુકતા દેખાઈ ગઈ. વાસ્તવિકતાનો મુદ્દો ચર્ચતી વખતે વિદ્યાર્થીઓને હું કહેતોઃ પ્રત્યેક ક્ષણે માણસ પોતાના મૃત્યુની નજીક જાય છે એથી મોટી વાસ્તવિકતા એકેય નથી. આ હકીકત ચર્ચા કે ચકાસણીથી પર છે. નિરપવાદ વાત છે. આટલું કહેવા દરમ્યાન હું એકલો મારા મૃત્યુની નજીક પહોંચ્યો. સાંભળવા દરમ્યાન તમારામાંનું દરેક પણ પહૉંચ્યું જ વળી ! આખો વર્ગ હસી પડતો પણ વાત ઊંડે ઊતરી જતી. મૃત્યુ વિશે ક્યારેક એમ કહેતોઃ કે મૃત્યુ અનિવાર્ય છે એવું સર્વસાધારણ જ્ઞાન પ્રત્યેક મનુષ્ય ધરાવે છે. પણ મારું હમણાં નથી એવું વિશિષ્ટ અ-જ્ઞાન પણ ધરાવે છે. મૃત્યુ બધો ભેગ ગાળી નાંખનારી ચાળણી છે ને તેથી મૃતકના ગુણ વધારે બતાડે છે. કોઈપણ શ્રદ્ધાંજલિ ગુણવાચક વધારે હોય છે. એમાં બનાવટ નથી હોતી. હોય તો પરખાઈ આવે છે. ખરેખર તો શ્રદ્ધાંજલિ કશાક ગિલ્ટના પુશથી-હડસેલાથી- લખાતી હોય છેઃ મેં એને પૂરતો પ્રેમ ન આપ્યો...ત્યારે એને સમજવાનો ડૉળ કર્યો...વારે વારે એને ટાળ્યો...એના માર્ગમાં રોડાં નાંખ્યાં...વગેરે

કવિસમ્મેલનોના સુખ્યાત એન્કર અને ગઝલકાર અંકિત ત્રિવેદી હવે સમ્પાદક સ્વરૂપે બહાર પણ પડ્યા છે. સામયિક લઈને નહીં, પુસ્તક લઈને. એમણે ધમાધમ એક સમ્પાદન પ્રકાશિત કર્યુઃ ‘મિસિંગ બક્ષી’ સંજય વૈદ્ય સાથે. ચંદ્રકાન્ત બક્ષીને અપાયેલી શ્રદ્ધાંજલિઓ। સ્મરણાંજલિઓનો સંચય. વિરલ કહેવાય. નહીં ? આજકાલ ગુજરાતી સાહિત્યસમાજ સ્વ-મુખી થવા માંડ્યો લાગે છે. બધા અંગત અંગત તરફ ઝૂકી રહ્યાં છે. અંજલિઓ યાદો, રેખાચિત્રો. ને હવે એનેક્ડૉડ્સ, પ્રકાશ વેગડ કરવાના છે. બાબુ સુથાર ‘સન્ધિ’ નામનું સામયિક અમેરિકાથી કરી રહ્યાં છે. પોતાના પહેલા અંક માટે એમણે મારા જેવાને કહ્યું છેઃ તમારી ડાયરીના બેચાર પાના આપો. આ જે છે મારી ‘જાત સાથેની વાત’ તે એવાં પાનાં છે. બધાને આપનાર છું. આ સઘળું લાઈફ-લિટરેચર કહેવાય. લાઈફનું લાઈફની રીતિનું સીધું નિરૂપણ, આત્મકથનના સૂરમાં.

મિત્ર અંકિતને સમ્પાદક થવાનો ચસ્કો લાગ્યો કે શું- તે માગે છે કે મારે એને ‘મારું સત્ય’ વિશે લેખ કરી આપવો. બીજાઓ પણ કરી આપશે. પોતાના સત્ય વિશે. અંકિત એવાં બીજાં બે સમ્પાદનો પણ કરી શકે. લેખકોને એણે પૂછ્યું છે કે શિવ વિશે શું માનો છો. શિવમ્ વિશે લેખ કરી આપો. સૌન્દર્ય વિશેના તમારા ખ્યાલો શા છે ? સુન્દરમ્ વિશે લખી આપો. સત્યમ્ શિવમ્ સુન્દરમ્. રાજકપૂરે ઝિન્નત અમાનને, લાઈફના સમુચિત વળાંકે હતી ત્યારે, નચાવીને એ ત્રણેય સિદ્ધ કરેલાં એમ કોઈ માનતું હોય તો એને સાવ ખોટામાં નહીં ખપાવાય...

લાઈફ વિચારોને મન્તવ્યોને ભાષાને કે કલાને ટોન-ડાઉન કરી નાખનારી ચીજ છે. બધું અંગતતાની ખીણમાં. નીરંગ. નિસ્તેજ. ક્યારે બરાબર ને ક્યારે નહીં તે તો લાંબી વાત છે. ટૂંકી વાત ટલી છે કે આ રસ્તો ઢાળવાળો છે...

(21 નવેમ્બર 2006)

ડો. સુમન શાહ, જી । 730 શબરી ટાવર, વસ્ત્રાપુર અમદાવાદ-380015 ફોન- 079-26749635. મેઈલ આઈ.ડી. suman_g_shah@yahoo.com