એના વિશે મુશાયરો


દોસ્ત, સૌના આભનો આવી રીતે થાતો મરો,
સૌને સૌના સૂર્યનો કરવો પડે છે ખરખરો.
આવી છે જ્યાં પર્વતાઈ આ સમંદરમાં જરા,
ચુપ થયા ઝરણા બધા, જાણે ઉભા છે પથ્થરો.
આપણે ક્યારેય પણ જેને મળ્યા નાં હોય, ને-
આપણામાં રાત-દિન એના વિશે મુશાયરો.
જિંદગીભર આપની શાહી વિશે અક્ષર બનું,
સાવ કોરા કાગળે જીવી બતાવો સાક્ષરો.
એ પછી સૌ ધારણામાં તું હશે ‘હરદ્વાર’ પણ,
સૌ પ્રથમ હોવા વિશેની ધારણા પૂરી કરો.


તિલક ગઝલનું


ખુદને ખુદથી એમ અલગ કર,
સહેજ અમસ્તું રહે ન અંતર.
જોજન ઈચ્છાઓને તેડી,
બોલો, ક્યારે પ્હોચાયું ઘર?
તારો ઈશ્વર તારા જેવો,
મારા જેવો મારો ઈશ્વર.
આંખો સામે તું આવે છે,
મને પુકારું મારી અંદર.
સાત જનમનો શોક મુકીને,
ઉજવી લે તું ક્ષણના અવસર.
ઓરસીયે હું ઘસાઈ ઉભો,
તિલક ગઝલનું કરતા રઘુવર.

 

શ્વાસની હરએક ડાળને


જત એટલું જણાવ, કબીરાઈ સાળને,
લાગી રહ્યો છે ભાર તિલકનો કપાળને.
વાસંતી અક્ષરોએ મને ચિંટકો ભર્યો,
ફૂલો ફૂટે છે શ્વાસની હરએક ડાળને.
કોમળ ચરણ પડ્યા પછીની વાત નાં પૂછો,
લ્યો, દોડવાનું મન થયું છે આજ ઢાળને.
બાંધી રહ્યો છું હું જ મને મારા હાથથી,
જો, જીવ પાથરી ઉભો છે શ્વાસ જાળને.
જ્યાં કોઈ સ્હેજદુર ગઝલથી કરે મને,
લાગે મને કે છેદી રહ્યું કોઈ નાળને.

હરદ્વાર ગોસ્વામી,
કવિ, લેખક તથા ઉદઘોષક


Home    ||   Editorial Board    ||    Archive   ||  Submission Guide   ||   Feedback   ||  Contact us   ||  Author Index