મીઝો ટૂંકીવાર્તા The Hostel Sentinel નો ગુજરાતી અનુવાદ

હૉસ્ટેલનો સંત્રી

મૂળ લેખક – કે.સી. લાલવુન્ગા અનુવાદક-હસમુખ પટેલ, નરેન્દ્ર પટેલ

 

તે રાત્રે મને સારૂં ન હતું તેથી હું હૉસ્ટેલમાં જ રોકાયો. એકલો જ. જ્યારે રવિવારની પ્રાર્થના માટે મારાં તમામ મિત્રો ચર્ચમાં ગયાં.

મને સાથ આપવા માટે મારા સહનિવાસી લાલ્હનુના રોકાવવા માંગતો હતો પરંતુ મેં ના પાડી, કહ્યુ કે મારી તબિયત સારી છે. વાસ્તવમાં હું મારો સમય અભ્યાસમાં વિતાવવા માંગતો હતો. બધાના ગયા બાદ, સમગ્ર ઈમારતમાં માત્ર ડરામણી શાંતી અને મારા ખંડના બલ્બનો પ્રકાશ મને સાથ આપતા હતા. બારીમાંથી આવતી પૂનમના ચન્દ્રની ચાંદની મને ઘરની ઝંખના કરાવતી હતી. મેં બાથરૂમમાંથી પાણીનો ગ્લાસ ભર્યો અને ટેબલ પર મુક્યો.

હું જાણતો નથી કેમ પરંતુ બાથરૂમમાં હતો ત્યારે, મારા મગજમાં અમારી હૉસ્ટેલના સંત્રી વિશેની જૂની કથાઓ ઉભરાવવા લાગી અને મારા રૂંવાટા ઊભા થઈ ગયાં. આવા વિચારોથી દૂર રહેવા માટે મેં દરવાજો બંધ કર્યો. પથારી ઉપર નવી ચાદર પાથરી અને ઓશિકું ગોઠવી હું આડો પડ્યો અને સૈનિક બળવાના વૃતાંતો વાંચવા લાગ્યો.

1857નો સૈનિક બળવો...ભારતની પ્રથમ સ્વતંત્રતા ચળવળ તરીકે પણ ઓળખાય છે. બેશક, રાજકીય વિચારધારા બદલાવાના કારણે. અન્યથા અંગ્રેજ શાસને તો એને દુરાચારી͵ ચોર અને ખુનીઓનો બળવો ગણાવ્યો હતો. વિદેશી લેખકોએ ભારતીયોની અધમ કથાઓ અને તેમના જુલમોને રજૂ કર્યા છે. તેમ છતાં વર્તમાન રાજકીય સત્તાએ સકારણ તે બળવાખોરોને શહીદ તરીકે ઓળખાવ્યા છે.

તે જ સમયે દરવાજો ખોલવાના અને લોકોના પ્રવેશવાના અવાજને લીધે મારા વિચારોમાં વિક્ષેપ પડ્યો – કદાચ મારા મિત્રો આવી રહ્યા છે.

અચાનક, મેં કોઇના દોડવાનો અને ત્યારબાદ ઝપાઝપીનો અવાજ સાંભળ્યો.

“ગમેતે બાબત હોય” મેં વિચાર્યુ͵ ધ્યાનથી સાંભળ્યું. કોઇનો પીછો કરતા પગલાઓ નજીક આવ્યા. તે મારા રૂમની આગળ અટક્યા.

અચાનક હવાને ચીરતી ચીસ સંભળાઇ, “કા.... નુ.... હું હવે વધારે કરી શકું તેમ નથી.”

બીજો અવાજ આવ્યો, “તેને વીંધી નાંખ !”

“ના ના મહેરબાની કરીને મને મારશો નહીં ... મને જવાદો” - વ્યક્તિએ કહ્યુ.

શાંતિ છવાઈ ગઈ. એ સમયે કોઇને છરો ભોંકવાનો અવાજ આવ્યો. એટલે સાહસ કરી વચ્ચે પડવા દોડ્યો, ગુસ્સાથી રાતોચોળ અવાજ સંભળાયો, “તેને અહીં છોડો, ચલો ભાગો.” અને ભાગતા પગલાઓના અવાજો મારા કાને સંભળાયા.

મેં ઉતાવળે બારણું ખોલ્યું, મારી સામે દેખાવડો યુવાન ઊભો હતો – તેની ચમકતી આંખો, નમણું નાક અને વાંકડીયા વાળ તેને સુંદરતા બક્ષતા હતા. હું નોંધ્યા વિના ન રહી શક્યો કે, તેણે શુટ અને ટાઇ પહેર્યા હતા. તે પણ જૂની ફેશનના.

“કોના પર હુમલો થયો?”

“અરે, મારા પર” , તેણે સહજતાથી જવાબ આપ્યો.

હું આંચકો ખાઈ ગયો. ઉતાવળે પૂછ્યું, “તને ક્યાં વાગ્યું છે ?”

તે અસ્પષ્ટ ગણગણ્યો. મને લાગ્યુ તેણે કહ્યુ, “મારા હ્ય્દય નીચે” , મને યાદ નથી મેં બરાબર સાંભળ્યું હોય.

પીડાના કોઇપણ અણસાર વિના તે ત્યાં ઉભો હતો, પણ હું સોંગદથી કહી શકું છું કે ખૂન ચોક્કસ થયું હતું. “તને ઇજા થઇ છે ક્યાંય દર્દ થાય છે ?” મેં પુછ્યું.

“હા...” તેણે ઝડપથી ઉમેર્યું͵ “તારી પાસે પાણી છે ?” મારા ટેબલ પર ગ્લાસ જોંતા જ, તેણે ઉપાડી લીધો અને ગટગટાવી ગયો.

“તમે કેમ લડતા હતા ?”

“અરે! તે એક વિચિત્ર વાત છે, પણ જો તું જાણવા માંગતો હોય તો હું તને કહીશ. મારે સ્ત્રી મિત્ર છે, ના... મારી પત્ની જ માનો..... તેનું નામ લલ્તીનછીંગી, આ રહ્યો તેનો ફોટો”.

તે સ્ત્રીત્વથી ભરપુર આકર્ષક, યુવાન સ્ત્રી હતી. તેની સુંદરતા ચૂંબકીય હતી અને ધાર્યા કરતાં પણ વધારે સમય સુધી હું ફોટાને તાકી રહ્યો. તેઓની જોડી ખરેખર સુંદર હતી.

“જો, આ રહી, તેને હું ખુબ જ પ્રેમ કરૂં છું. તે પણ મને ખુબ પ્રેમ કરે છે. ગયા અઠવાડીયે જ અમારૂં સગપણ થયું. પરંતું બીજાઓ પણ તેને પામવા ઇચ્છતા હતા. તેઓનો પ્રેમ અધુરો રહેવાથી તેઓએ મને મારવાની યોજના ઘડી”.

“ઊભો રહે” , મેં આતુરતાથી તેને અટકાવ્યો, ચાલ પહેલા તારા ઘાને જોઇએ, એકવાર તેને જોઇ લઇએ......તને કેમ કંઈ થતું નથી. આપણે ડોક્ટર પાસે પણ જવું જોઇશેને?”

“ના. એવી કોઇ જરૂર નથી. અરે͵ હજુ સુધી મને તારા નામની ખબર જ નથી. શું નામ છે તારૂ?”

“લીઆનખુમા” , મેં કહ્યું.

“સરસ... ખુમા બેસ. તું અહીં શું કરે છે?”

“હું વિદ્યાર્થી છું, અને આ હોસ્ટેલ છે”.

“હા, હું જાણું છું. હું અહીં જ રહું છું. મારો રૂમ સામે જ છે”.

“ઓહ તો તું નવો જ આવેલ છો, એમજ ને?”

“ના, ના, હું અહીં ઘણા સમયથી રહું છું. પણ મેં વધું મિત્રો બનાવ્યા નથી. થોડાં જ લોકો મને ઓળખે છે”.

થોડા સમય સુધી અમે એકબીજા સામે માત્ર જોઈ જ રહ્યા. અચાનક તેણે કહ્યું, “ખુમા, આ દુનિયા ખુબ ખતરનાક છે”.

“તને એવું કેમ લાગે છે? તારા અને મારા જેવા યુવાનો માટે આવા પ્રશ્નો ન હોવા જોઇએ”.

“હા, તેમજ હોય પણ ઈર્ષા અને દ્વેષ તેને નર્ક બનાવે છે. આ ઇર્ષા.... માણસમાં શા માટે?” તેણે નિસાસો નાંખ્યો.

મારી પાસે કોઇ જવાબ ન હતો.

“ખુમા, મારો વિશ્વાસ કર”.

“હા, વહેંચવાથી ભાર હળવો થાય છે”, મેં કહ્યું.

મોં આગળ રૂમાલ રાખી તેણે કહ્યું, “પ્રેમ જીવનને આનંદથી ભરી દે છે, ખરૂને?”

“સાચી વાત છે” , મેં કહ્યું

“આપણેને પ્રેમ કરનાર જ આપણા માટે ખુશી લાવે છે. પોતાના પ્રેમી સાથે રહેવું એ દુનિયાની સૌથી મોટી ખુશી છે. દરેક વ્યક્તિ પોતાના પ્રેમી સાથે લગ્ન કરી ખુશ જીંદગીના સ્વપ્ન જુએ છે. તેમનો વ્હાલ .... તેમની લાગણી .... આનાથી વધારે શું જોઇએ? શું પ્રેમ માટેનું આ પુરતું કારણ નથી?”

“બરાબર છે” , મેં જવાબ આપ્યો. તેના શબ્દોમાંથી યુવાનીની સુવાસ પ્રગટતી હતી.

“આપણાં માતા-પિતા આપણને ખુબ પ્રેમ કરતા હોય છે͵ આપણે પગભર થઈએ તેની આતુરતાથી રાહ જોતા હોય છે. તેઓ મોટા બલિદાનો પણ આપતા હોય છે, આવી હોસ્ટેલમાં આપણને મોકલવા માટે ખુબ પરસેવો પાડતા હોય છે. મોટા થઇને આપણે ચોક્ક્સ ધ્યેય હાંસલ કરીએ તેની આતુરતાથી રાહ જુએ છે. માતા પિતાનો પ્રેમ દુનિયામાં અજોડ છે”.

“સાચુ છે”.

“અરે! તે આશાઓને દગો..... તે વિશ્વાસ. શું આ ખરાબ વાત નથી?” તેના શબ્દોમાં ડૂબેલો હું ફક્ત તેને તાકી જ રહ્યો !

“આવા પ્રેમથી મને વંચીત રાખનાર વિશે તું શું વિચારે છે?”

તે શું કહી રહ્યો છે તે હું સમજી શકતો ન હતો

તેણે ભાર દઇને કહ્યું, “એટલે કે આવા ખૂનીઓ વિશે તું શું માને છે?”

“આવા ધિક્કારપાત્ર ગુનેગારો મોટેભાગે સજામાંથી છટકી જતા હોય છે”

“બરાબર છે. મોટેભાગે તેઓ સજામાંથી છટકી જાય છે”.

થોડીવાર માટે અમે શાંત થઇ ગયા. પછી લાગણીસભર થઇ તેણે કહ્યું, “ખુમા મને મારી પ્રિયતમા પાસેથી દૂર કરવામાં આવ્યો તે મારા માટે અસહ્ય હતું. મારું નસીબ ખુબજ દર્દનાક હતું”.

“અરે! તેં કહ્યું ને કે તે પણ તારા પ્રેમમાં હતી? “ચોક્ક્સ તે પણ મને ખુબ ચાહતી હતી, અને તેણે મારા માટે ખુબ કઠીન સમય વેઠ્યો હતો, ખુબ આંસુઓ વહાવ્યા હતા. ખુમા મારા જેવું ખરાબ નસીબ કોઇનું નહીં હોય”.

“થોભ. તારું નસીબ આટલું ખરાબ કેવી રીતે હોઇ શકે? તારા જેવા યુવાને નસીબ આગળ આ રીતે લાચાર ન થવું જોઇએ”.
“હા, પણ ઈર્ષાના આ ઘા બહું ઊંડા હોય છે!” આટલું બોલતાં જ તેણે પોતાના હૃદયને બે હાથથી દબાવી દીધું. તેની પીડા બેવડાઇ હોય તેમ લાગ્યું.

“અરે, તારો ઘા ક્યાં છે? પહેલા મને કેમ ન કહ્યું?” હું તેને ટેકો આપવા આગળ વઘ્યો.

“આભાર. બેસ ખુમા. હવે ખુબ મોડું થઇ ચુક્યું છે”.

“તેમણે ક્યાં ચાકુ માર્યુ, તે મને બતાવ”.

તે ઊભો થયો, કોટ ઉતાર્યો અને શર્ટના બટન ખોલી મને તેની છાતી પરનો ઘા બતાવ્યો.

“ચાલ ડૉક્ટર પાસે જઇએ”.

“ખુમા, ડૉક્ટર કાંઈ કરી શકે તેમ નથી. ચિંતા ન કર”. પણ હું માન્યો નહીં અને ડૉક્ટર પાસે જવાની તૈયારી કરવા લાગ્યો.

તે જ ક્ષણે, મેં મારા મિત્રોના પાછા ફરવાના અવાજો સાંભળ્યા અને મેં નીરાંત અનુભવી.

“ચાલ ખુમા, મને મારા રૂમમાં જવા દે”.

“હા” કપડાં પહેરતાં-પહેરતાં, તેની સામે જોયા વીના જ, મેં કહ્યું. તે ચાલ્યો ગયો. પછી મારા મિત્રો દરવાજા ઠોકતા હોય તેવા અવાજો મેં સાંભળ્યા.

મેં કહ્યું, “અંદર આવી જાઓ”

“બારણું તો ખોલ”.

“ધક્કો મારો”.

ખીજાઇને તેમણે કહ્યું, “અંદરથી બંધ છે”.

જેકેટ પહેરતાં પહેરતાં, મેં જોયું કે બારણું ખરેખર અંદરથી બંધ હતું. બારણું ખોલીને મેં કહ્યું, “તૈયાર થાઓ. આપણે દવાખાને જવાનું છે”.

લાલ્હનુનાએ ઉતાવળે પૂછ્યું, “કેમ તારી તબીયત સારી નથી?”

“ના, મારા માટે નહીં. પેલા ખુબ જ ઘવાયેલ યુવાન માટે. આપણે તેને ડૉક્ટર પાસે લઇ જવો પડશે”.

“કોણ?”

“હમણાં જ બહાર નીકળ્યો તે”.

“ક્યાંથી?”

“આ રૂમમાંથી”.

“અમે કોઇને જોયો નહીં”.

લાલ્હનુનાએ મારો હાથ પકડીને કહ્યું, “તને શું થયુ છે?”

મેં ગુસ્સાથી કહ્યું, “મને કાંઇ થયું નથી”.

“તો શું છે?”

મને લાગ્યુ કે, કેટલાક ગૂંચવણમાં મુકાઇ ગયા હતા.

“હમણાં જ અહીંથી બહાર નીકળ્યો, તે યુવાનને છરી ભોંકવામાં આવી છે, અને આપણે તેને ડૉક્ટર પાસે લઇ જવાનો છે”.

તેઓ એકબીજાની સામે આશ્ચર્યથી જોઇ રહ્યા. પછી મારા સામે જોયું .... મારા રુમનો દરવાજો ઘણા લાંબા સમયથી અંદરથી બંધ હતો !

ગભરાઈને, મેં પાણીનો ગ્લાસ તપાસ્યો, પણ ટેબલ પર ભરેલો જ પડ્યો હતો. બહાર ઝપાઝપી સાંભળી હતી તે જગ્યાએ હું દોડી ગયો. પણ બહાર નિરવ શાંતી હતી. હું ભોંઠો પડ્યો.

મારી ડૉક્ટરને બોલાવવાની વાત મિત્રોએ મને યાદ કરાવી. ત્યાં શું બન્યું હતું તે મેં તેમને વર્ણવ્યું. મારી વાત તેમણે આઘાત અને આશ્ચર્યથી સાંભળી. કેટલાકને લાગ્યું કે મારા પર ચાલાકી કરવામાં આવી છે. મેં મહેસુસ કર્યું કે, હું વાસ્તવિકતા સાબિત કરી શકીશ નહીં. અમે આખી હૉસ્ટેલમાં શોધખોળ કરી, ત્યાં સુધી કે મહેમાનોના તમામ રૂમ પણ તપાસ્યા. અમને કાંઇ મળ્યું નહીં.

આમારી હૉસ્ટેલના મુખ્ય દરવાજાની બહાર રહેતો વૃદ્ધ ચોકીદાર આવ્યો. આવા કોઇ વ્યક્તિને તેણે જોયો છે કે કેમ, તેની અમે પુછપરછ કરી.

આશ્ચર્યથી તે મારી સામે જોઇ રહ્યો, “તે કાળા કપડામાં હતો?”

“હા”.

“દેખાવડો, વાંકડીયા વાળવાળો યુવાન?”

“હા”.

“અરે ...... બરાબર છે, તે જ હશે. હોસ્ટેલનો સંત્રી”.

ચોકીદારે અમને પુરી વાત સમજાવી, ત્યારે અમે આખી વાત સમજ્યા.

“ખુનીઓનું શું થયું?”

“તેઓ ક્યારેય પકડાયા નહીં. તેની લાશ બાજુના કૂવામાંથી મળી હતી. ખુબ સમય પહેલાની આ વાત છે, તમે જુઓ છો કે કૂવો પણ સુકાઇ ગયો છે. જુવાન હતા ત્યારે તેમાંથી અમે પાણી ખેંચતા હતા”, મોટેથી ખાંસીને કર્કશ અવાજમાં તેણે કહ્યું, “જ્યારે લાશ મળી ત્યારે તે ઓળખવા લાયક રહી ન હતી. બધાને શંકા હતી, પણ કશું નક્કર પરિણામ ન આવ્યું. અને કોઇને સજા ન થઇ”.

અમે અવાચક્પણે તેની સામે તાકી રહ્યા.

“કેટલા સમય અગાઉ આ બનેલ?”

“ઘણા સમય આગાઉ. મારા પિતા ત્યારે બાળક હતા, અને તેમણે જ મને આ વાત કરેલી. લોકો કહે છે કે ખૂનીઓને શોધતો તે દર વીસ વર્ષે આ હોસ્ટેલની આજુબાજુ દેખાય છે”.

અને ખરેખર ઘણા સમય અગાઉની આ ઘટના હશે. કેમકે અમારો ચોકીદાર પણ ઉંમરને લીઘે અડધો વળી ચુક્યો છે. ચિંતામાં જ, તેણે ઘંટ વગાડ્યો, મુખ્ય દરવાજો બંધ કર્યો અને વાંકાવળી ગયેલ શરીર સાથે પોતાના ઘર તરફ કદમ માંડ્યા.

તે રાત્રે, તે યુવાનના વિચારો મને ઘેરી વળ્યા. લગભગ સદી વીતી ગઇ હોવા છતાં હું દુખી થઇ ગયો... લોકોના ઘાતકીપણાને લીધે એક તેજસ્વી યુવાનનો જીવનદીપ બુજાઇ ગયો!

*************************************************************************************************************************************************************


મૂળ મીઝો લેખક વિશે.


કે. સી. લાલવુન્ગા “ઝોકપૂઇ પા” ઉપનામથી લખતાં હતાં. વિવિધ સામયિકોમાં પ્રકાશિત તેમના લેખો અને નિબંધ ઉપરાંત ટૂંકીવાર્તા અને નવલકથાઓ પણ છે. તેમના નામે બે ગીતો અને પંદર કાવ્યો છે જે “ઝોઝમ પાર” નામના શિર્ષકથી પ્રકાશિત થયેલ છે. તે 1995માં મીઝો એકડેમિ ઑફ લેટર્સ (MAL)ના મરણોત્તર એવોર્ડ તેમજ મિઝોરમ રાજ્ય સરકારના “સદીના લેખક” એવોર્ડ વિજેતા લેખક છે. તે ભારતીય વિદેશસેવામાં જોડાનાર પ્રથમ મીઝો છે. ભારત સરકારશ્રીના એમ્બેસેડર તરીકે તેમણે વેનેઝુએલા‚ કોલમ્બિયા‚ ઑમાન‚ ઉત્તર કોરિયા અને જમૈકામાં કામગીરી બજાવી હતી. સિવિલ સર્વિસિસમાં જોડાયા અગાઉ તેઓએ શાળામાં શિક્ષક તરીકે‚ સમાચાર પત્રિકા “ઝોરમ થુપોન”ના તંત્રી તરીકે‚ તેમજ રાજકારણમાં પણ પ્રવેશ કર્યો હતો. 1994માં તેમનું અવસાન થયું.

આ રચનાનો અંગ્રેજી અનુવાદ મિઝોરમ યુનિવર્સિટીના અંગ્રેજી વિભાગમાં ફરજ બજાવતા‚ સુશ્રી માર્ગારેટ લાલમોનપૂઇ પછુઆ દ્વારા કરવામાં આવેલ છે.

“હોસ્ટેલનો સંત્રી” સૌથી પ્રથમ માર્ચ-એપ્રિલ 1960માં મીઝો વિદ્યાર્થી સંગઠનના માસિક સામયિકમાં Hostel Awmtu શિર્ષકથી મીઝોભાષામાં પ્રકાશિત થયેલ. અંગ્રેજી ભાષાંતર 2004માં KATHA, નવી દિલ્હી દ્વારા પ્રકાશિત પુસ્તક The Heart of the Matterમાં પ્રકાશિત થયેલ છે.
ગુજરાતી અનુવાદ
પ્રા. હસમુખ પટેલ, આસિ. પ્રોફેસર (અંગ્રેજી), સરકારી વાણિજ્ય કોલેજ, ગાંધીનગર
પ્રા. નરેન્દ્ર પટેલ, આસિ. પ્રોફેસર (અંગ્રેજી), ચૌધરી મહિલા વિનયન કોલેજ, ગાંધીનગર

Home    ||   Editorial Board    ||    Archive   ||  Submission Guide   ||   Feedback   ||  Contact us   ||  Author Index