કાવ્યાસ્વાદનું ઉત્તમ ઉદાહરણ એટલે ‘ગુજરાતી કવિતાનો આસ્વાદ’.


(‘ગુજરાતી કવિતાનો આસ્વાદ’,લે. સુરેશ જોષી, ત્રીજી આવૃત્તિ-૨૦૦૬,પ્રકાશકઃ પાર્શ્વ પબ્લિકેશન-અમદાવાદ, પૃષ્ઠ સંખ્યાઃ૧૫૧,કિંમતઃ૧૦૦ રૂ.)


ગુજરાતી સાહિત્યક્ષેત્રે આધુનિકતાનાં અગ્રણી સુરેશ જોષી પાસેથી ‘ગુજરાતી કવિતાનો આસ્વાદ’ પુસ્તકમાંથી ગુજરાતી કવિતાની કેટલીક ઉત્તમ ગણાતી કવિતાઓનો આસ્વાદ કરવા મળે તે આનંદની એક ચિરસ્મરણીય અનુભૂતિ ગણાવી શકાય. કારણકે સુરેશ જોષીએ સાહિત્યક્ષેત્રે પોતાનું આગવું યોગદાન તો નવલિકા, નવલકથા, નિબંધ અને વિવેચનક્ષેત્રે આપ્યું છે. નવલિકા અને નવલકથાનો પરંપરા વિચ્છેદ કરી એની દશા અને દિશા બદલી નાખી છે. એમના નિબંધો અને વિવેચનલેખોએ ગુજરાતી સાહિત્યમાં પ્રવર્તતી રૂઢિચુસ્ત વિચારસરણીને પલટાવી નવી વૈચારિક ક્રાંતિ પ્રગટાવી છે.
એમના સાહિત્યસર્જન પ્રત્યે એક દષ્ટિપાત કરીએ તો ‘ઉપજાતિ’, ‘ઈતરા’, ‘પ્રત્યંચા’ અને ‘તથાપિ’ જેવા કાવ્યસંગ્રહો, ‘ગૃહપ્રવેશ’, ‘બીજી થોડીક’, ‘અપિચ’, ‘ન તત્ર સૂર્યો ભાતિ’, એકદા નૈમિષારણ્યે’ જેવા નવલિકાસંગ્રહો, ‘છિન્નપત્ર’, ‘મરણોત્તર’ અને ‘કથાચતુષ્ટય’ જેવી નવલકથાઓ, ‘જનાન્તિકે’, ‘ઇદમ્ સર્વમ્’, ‘અહો બત્ કિમ્ આશ્ચર્યમ્’ આદિ નિબંધસંગ્રહો તેમજ ‘કિંચિત્’, ‘કથોપકથન’, ‘કાવ્યચર્ચા’, ‘શ્રુણ્વન્તુ’, ‘અષ્ટમોધ્યાય’ આદિ વિવેચનસંગ્રહો ઉપરાંત અનેક અનુવાદો, સંપાદનો અને સંશોધનનાં લેખો-પુસ્તકો એમની પાસેથી પ્રાપ્ત થાય છે. આ સિવાય એમણે ‘ફાલ્ગુની’, ‘વાણી’, ‘મનીષા’, ‘ક્ષિતિજ’, ‘ઉહાપોહ’, ‘એતદ્’ અને ‘વિશ્વમાનવ’ જેવા સામયિકોનું સંપાદન પણ કર્યુ છે. આમ, સાહિત્યનાં અનેક સ્તરે વિસ્તરેલી સુરેશ જોષીની સર્જકપ્રતિભાનાં દર્શન આપણને ‘ગુજરાતી કવિતાનો આસ્વાદ’માં સ્થાન પામેલી અનેક કવિતાઓનાં આસ્વાદ-વિવેચન દ્વારા થાય છે તે આપણું સદભાગ્ય ગણાવી શકાય.
‘ગુજરાતી કવિતાનો આસ્વાદ’ સંગ્રહમાં સુરેશ જોષીએ નરસિંહરાવ દીવેટિયાથી માંડીને ગુલામ મોહમ્મદ શેખ સુધીના પ્રમુખ ગુજરાતી કવિઓની ૨૨ રચનાઓને સ્થાન આપ્યું છે. આ રચનાઓમાં કેટલીક કૃતિઓ ઉત્તમ કક્ષાની, કેટલીક મધ્યમ અને કેટલીક નિમ્ન સ્તરની કહી શકાય તેવી કવિતાઓનો એમણે વિવેચનાત્મક આસ્વાદ કરાવ્યો છે. આ કવિતાઓનાં આસ્વાદકીય-વિવેચનાત્મક લેખો વાંચીએ તો આપણને જરૂર પ્રતીતિ થાય કે સુરેશ જોષીને હાથે નિમ્ન ગણાતી રચનાનું પણ કેટલું ઉત્તમ આસ્વાદન થઇ શકે છે. તેમના શ્રેષ્ઠ આસ્વાદોમાં ‘સાગર અને શશી’, ‘વધામણી’, ‘નિર્દોષ ને નિર્મળ આંખ તારી’, ‘આધુનિક અરણ્ય’, ‘વળાવી બા આવી’, ‘જૂનું ઘર ખાલી કરતાં’ વગેરે ગણાવી શકાય. આ સિવાય તેમણે ‘ઊંડી રજની’, ‘વીરની વિદાય’, ‘જતો’તો સૂવા ત્યાં’, ‘લહેકંતા લીમડા હેઠળ’, ‘સદભાવના’, ‘અનુ દીકરી’, ‘બોલે બુલબુલ’, ‘નયણા’, ‘ઘાસ અને હું’, ‘પતંગિયું ને ચંબેલી’, ‘શિશિર’, ‘ગલવાયસ’, ‘આવા’, ‘તણખલું’, ‘ચાલતાં-ચાલતાં’ તેમજ ગુલામ મોહમ્મદ શેખની શીર્ષક વિનાની કવિતાનાં આસ્વાદો કરાવ્યા છે. એમના આ આસ્વાદમૂલક ગ્રંથમાં બંગાળી કવિ જીવનાનંદદાસની ‘પવનભરી રાત’, મરાઠી કવિ વિદા કરંદીકરની ‘અશી તુઝી કલ્પના હોતી’ અને ડચ કવિ એડ્ હૂર્નિકની ‘નગરમાં માનવી’ આદિ કવિતાઓનાં આસ્વાદો પણ મળે છે. અહીં સ્થાન પામેલી કવિતાઓનો આસ્વાદ કરતાં જરૂર એમ કહી શકાય કે સુરેશ જોષી એક ઉચ્ચ કોટિના કવિ-વિવેચક છે. તેમની પાસે અનેક પ્રકારનાં નિરીક્ષણો વડે કવિતાને મૂલવવાનો દષ્ટિકોણ રહેલો છે. કવિતાને તેઓ વિવિધ પાસાઓ દ્વારા ચકાસે છે, પ્રમાણે છે અને પછી તેનું પરિણામ જાહેર કરે છે.
સુરેશ જોષીની આસ્વાદ કરાવવાની પ્રવૃતિ ‘વિશ્વમાનવ’ સામયિકમાં વિશેષ જોવા મળે છે. એમની આસ્વાદ પ્રવૃતિમાં આસ્વાદકનો રસકીય અભિગમ સ્પષ્ટ થતો અનુભવાય છે. એમનું દષ્ટિબિંદુ સામાન્ય રીતે કવિતાનાં આસ્વાદ દ્વારા ‘રસ વિવેચન’ કરાવવાનું રહ્યું છે. તેઓ દરેક કાવ્યનાં દરેક પાસાને તેની કેફિયત મુજબ મૂલવે છે. એમના આ રસકીય વિવેચનાત્મક આસ્વાદમાં કાવ્ય એનાં સંપૂર્ણ દલેદલમાં ખીલે છે, વિકસે છે અને પોતાનો મઘમઘાટ પ્રસરાવે છે. સાચા અર્થમાં કાવ્યમાં એનુ કાવ્યત્વ રહેલું છે એનો સાચો અનુભવ આપણને એમના આવા આસ્વાદોની અનુભૂતિમાં થાય છે.
‘ગુજરાતી કવિતાનો આસ્વાદ’ પુસ્તકમાં જે ક્રમમાં કવિતાઓને સ્થાન આપવામા આવ્યું છે તે ક્રમમાં જ એમણે કાવ્યોનો આસ્વાદ કરાવ્યો નથી, પરંતું એમને જે કાવ્યો યોગ્ય લાગ્યા તેનો આસ્વાદ ‘વિશ્વમાનવ’ સામયિકમાં કરાવ્યો છે. આસ્વાદકે કરાવેલાં ગુજરાતી કવિતાનાં આસ્વાદો સામાન્ય રીતે ‘વિશ્વમાનવ’ સામયિકમાં વર્ષ ૧૯૫૮ થી ૧૯૬૨મા એટલે કે, પાંચ વર્ષનાં સમયગાળામાં પ્રગટ થયા હતા. આ પુસ્તકમાં સ્થાન પ્રાપ્ત કરેલ દરેક કવિતા ઉત્તમ જ છે એમ ન કહી શકાય. દરેક કવિતાએ કવિની ‘શ્રેષ્ઠ’, ‘લાક્ષણિક’ કે ‘પ્રતિનિધિરૂપ’ રચના છે એમ પણ ન માની શકાય. પરંતું છંદ, અલંકાર, કાવ્યબાની આદિ કાવ્યતત્વોની દષ્ટિએ અહીં સ્થાન પામેલ દરેક કવિતા કેટલે અંશે પોતાનું કાવ્યત્વ સિદ્ધ કરી શકી છે, તે દર્શાવવાનો સુરેશ જોષીનો પ્રયાસ રહ્યો છે. અને તેથી જ અહીં કાવ્યની શાસ્ત્રીય પરિભાષા રચીને સિદ્ધાંતચર્ચા કરવાનું પણ ત્યાજ્ય ગણ્યું છે. એઓ કહે છે તેમ, ‘કવિતાથી ધીમે ધીમે વિમુખ થતી જતી પ્રજાને ફરીથી કાવ્યાભિમુખ કરવી એ સહ્રદયોનું કર્તવ્ય છે. આ દિશામાં કાવ્યને માટેની પ્રીતિથી પ્રેરાઇને યત્કિંચિત કરી છૂટવાનો આ નમ્ર પ્રયત્ન છે.’ (મુખબંધ-પૃ.૧૧)
આ આસ્વાદ ગ્રંથનાં આરંભમાં સંપાદક જયંત પારેખે ‘સર્જકતાથી સર્જકતા સુધી’ સંપાદકીય લેખ લખ્યો છે, એના પછી ગુજરાતી કવિતાના કેટલાક પ્રતિનિધિ કવિઓની કવિતાનાં અનુક્રમ આપ્યા છે. અનુક્રમની પાછળ જ્યોર્જ સ્ટેઇનર, એલન ટેટ અને ટી.જે.એવરેટસના ત્રણ કોટેશનો ટાંકવામાં આવ્યા છે. ત્યારપછી સુરેશ જોષીનો ‘મુખબંધ’ નામે પ્રસ્તાવનારૂપી લેખ મૂકાયો છે. જેમાં એમણે કાવ્યના આસ્વાદ વિશેની પોતાની કેફિયત વ્યકત કરી છે. એ પછી એક એક કાવ્ય લઇ એનો આસ્વાદ કરાવ્યો છે.
નરસિંહરાવ દીવેટિયાના ‘હ્રદયવીણા’ કાવ્યસંગ્રહમાંથી લેવામાં આવેલી ‘ઊંડી રજની’ રચનામાં આલેખવામાં આવેલ અંધકારની અગોચરતાને સુરેશ જોષીએ કાવ્યાસ્વાદ દ્વારા ગોચર કરી બતાવી છે. પરંતું નરસિંહરાવે આ રચનામાં વાપરેલી ‘દિવ્ય ઓથાર’માની ‘ઓથાર’ સંજ્ઞા માટે સુરેશ જોષીએ ‘દુઃસ્વપ્ન’ અર્થ કર્યો છે તે જરા યોગ્ય લાગતો નથી. બીજુ કે, સ્ત્રગ્ધરા છંદમાં આ રચનાને ઢાળી હોત તો ? એવો પ્રશ્ન પણ સુરેશ જોષીનાં મનમાં ઉપસ્થિત થયો છે. પરંતું નરસિંહરાવ કવિતામાં સંગીતનાં આગ્રહી હતા અને તેથી સંગીતને અનુરૂપ માઢગીતમાં આ કૃતિનું સર્જન કર્યુ છે. જો કે સુરેશ જોષીને અંતમાં કહેવું પડ્યું છે, ‘ગીતમાં પરિણમતા અંધકારનું આ ગીત આપણા કાવ્ય સાહિત્યની એક સ્મરણીય કૃતિ છે.’(પૃ.૧૮)
ન્હાનાલાલના ‘વીરની વિદાય’ કાવ્યમાં વિષય તરીકે મધ્યકાલીન યુગના રાજપૂત વીરના જીવનસંગ્રામનો પ્રસંગ વણી લેવામાં આવ્યો છે. જે અતીતનું એકમાત્ર સંભારણું છે. એ સમયની વીરતાની વિભાવના અને આજની વીરતાની પરિભાષા બદલાઇ ચૂકી છે. છતા તે વીરરસયુક્ત કાવ્ય આજે પણ આપણને એટલું જ આસ્વાદ્ય લાગે છે. એનું કારણ એ પણ હોય શકે કે ‘એ કાવ્યમાં વીરરસનું નિરૂપણ કરવામાં જ શૃંગાર વ્યંજિત થાય છે. રસધ્વનિ ઉપજાવવાની કવિની રીતિ અહીં આસ્વાદ્ય બની રહે છે ને એમ કરવા માટે વિષય તો નિમિત્તરૂપ બન્યો છે.’(મુખબંધ-પૃ.૧૧)
કાન્તની ‘સાગર અને શશી’ રચનાનો લગભગ સાતેક પાના ભરીને ઉત્તમ આસ્વાદ કરાવ્યો છે. કવિના ‘ભાવની મૂર્તતા’ અને ‘ઇન્દ્રિયસન્તર્પકતાનાં ગુણ’ને લીધે સુરેશ જોષીને આ કાવ્ય વધારે સ્મરણીય બની રહે તેવું લાગે છે. તો રા.વિ.પાઠકના ‘જતો’તો સુવા ત્યાં’ કાવ્યનાં સાદા પ્રસંગની રહસ્યમય ઘટનાને સુરેશ જોષીએ ઉજાગર કરી આપી છે.
બ.ક.ઠાકોરની ‘વધામણી’ કવિતામાં આવતા પ્રથમ બે શબ્દો ‘વ્હાલા મારા’મા ‘વ્હાલા’મા નાયિકાનાં ‘ભાવની સાહજિકતા’ અને પછીનાં ‘મારા’ શબ્દમાં નાયિકાનો પોતાના પતિ પર સંપૂર્ણ અધિકાર કે ‘દાબ’નું સૂચન છે. અને ત્યારપછી દામ્પત્ય સુખની સ્મૃતિ તેમજ પુત્રજન્મની પ્રાપ્તિ અંગે સુરેશ જોષીએ જે છણાવટ કરી છે તે ખરેખર આસ્વાદ્ય બની રહે છે. અહીં તેઓ કાવ્યને અંતે કહે છે, ‘સ્ત્રીપુરુષનાં દામ્પત્યજીવનનાં એક મહત્વનાં સીમાચિહનનું આવું કાવ્યમય નિરૂપણ આપણા સાહિત્યમાં વિરલ જ છે.’(પૃ.૩૭)
હરિશ્ચંદ્ર ભટ્ટનુ ‘નિર્મળ ને નિર્દોષ આંખ તારી’ કાવ્ય એમના મતે ‘મરણ પછી સ્મરણનું’ કાવ્ય છે. પોતાની બહેનનાં મૃત્યુ પછી થતાં સ્મરણને કવિએ કરુણ ભાવે પ્રગટ કર્યુ છે. જો કે સુરેશ જોષીના કહેવા પ્રમાણે આ કાવ્યમાં ‘કરુણનો આક્રોશ’ કે ‘ઉપાલંભનો કાકુ’ જોવા મળતો નથી. અહીં તો ‘મૃત્યુની કરાંગુલી એનાં મૃદુ સ્પર્શથી જીવનવાણીમાંથી જે આછો કરુણમધુર ઝંકાર પ્રગટાવે છે તે સાંભળ્યાનું સુખ’ પ્રાપ્ત થાય છે. અને એટલે જ તેઓ આ કાવ્યને ‘વિષાદની વસંત’ કહીને બિરદાવે છે. પોતાની બહેનના મૃત્યુ નિમિત્તે રચાયેલા આ કાવ્યને તેઓ ‘કરુણ નહીં તેટલે અંશે મૃત્યુને નિમિત્તે રચાતી શાંતિ’નુ કાવ્ય ગણાવે છે. એમણે કહ્યુ છે તેમ, ‘ફૂલ ખરે તે સંભળાય એવી શાંતિ કવિએ અહીં રચી છે, કારણકે અહીં એક ખરી પડતી કળીનો અવાજ સાંભળવાનો છે.’
રાજેન્દ્ર શાહની ‘ગલ વાયસ’ રચનાને કવિતામય ‘નર્યો સાદો અહેવાલ’ ગણાવતાં તેઓને આ કાવ્યમાં કવિએ ‘ફિલસૂફી’નો વધારે આશ્રય લીધો હોવાથી કવિતામાં એક પ્રકારનો નિઃશ્વાસ રસિકભાવકને સંભળાયા કરે છે એવું લાગ્યું છે. તો નિરંજન ભગતની ‘આધુનિક અરણ્ય’ રચનાને તેમણે નગરસંસ્કૃતિની વિડંબનાને વ્યંગોક્તિઓ દ્વારા રજૂ કરતી રચના ગણાવી છે.
ગુલામ મોહમ્મદ શેખની શીર્ષક વિનાની કવિતા માટે એમણે કહ્યું છે કે, ‘કવિનુ કશુંય નહીં ચાલ્યું હોય ત્યારે જ એમણે શીર્ષક નહીં આપ્યું હોય, એમેય બને.’ કવિની આ કવિતાને તેઓ સંસ્કૃત કવિતાનાં કાવ્યતત્વો સાથે નહીં પણ બૉદલેરની કવિતામાં જોવા મળતા કાવ્યતત્વો સાથે સંબંધ ધરાવતી દર્શાવે છે. કાવ્યમાં જોવા મળતી વિશિષ્ટ પ્રકારની ગદ્યરીતિની અભિવ્યક્તિ દ્વારા આસ્વાદકને કાવ્યાસ્વાદમાં વધારે મહેનત કરવી પડતી નથી, આસ્વાદક ‘કાવ્યનાં વાતાવરણમાં ઓતપ્રોત થઇ’ કાવ્યનો રસાસ્વાદ માણે છે.
સુરેશ જોષીએ અહીં ઉશનસના ‘વળાવી બા આવી’ જેવા શ્રેષ્ઠ કાવ્યનો માત્ર બે પાનામાં જ આસ્વાદ કરાવ્યો છે, તો સુંદરમની રચના ‘અનુ દીકરી’ કાવ્યનો છ પાના ભરીને વિસ્તાર કર્યો છે. એક રીતે જોવા જઇએ તો બન્ને કાવ્યો તો છે વાત્સ્લ્યપ્રેમનાં જ. બન્નેમાં માનો વાત્સ્લ્યપ્રેમ જ વ્યક્ત થયો છે, છતાં બન્નેમાં માના વાત્સ્લ્યપ્રેમને એમણે જુદા જ દષ્ટિકોણથી અહીં પ્રસ્તુત કર્યો છે. આ ઉપરાંત બાલમુકુંદ દવેના ‘જૂનું ઘર ખાલી કરતાં’ જેવા શ્રેષ્ઠ સોનેટનો પણ માત્ર સવા પાનામાં તો બંગાળી ભાષાના કવિ જીવનાનંદદાસની રચના ‘પવનભરી રાત’નો નવ પાના ભરીને આસ્વાદ કરાવ્યો છે. કદાચ સુરેશ જોષીને એવું પણ લાગ્યું હોય કે અજાણી વાતને વધારે વિસ્તારથી આસ્વાદકીય રીતે મૂકી આપવી જોઇએ. જાણીતી રચનાઓનો તો ઘણા સર્જકોએ રસાસ્વાદ કરાવ્યો હોય છે, તેથી એની વધારે વિસ્તારથી વાત કરવાની જરૂર રહેતી નથી. પણ માલૂમ ન હોય તેવી બાબતને મૂકી આપવાથી ભાવક રસાસ્વાદનો આનંદ માણી શકે છે. એટલે જ એઓ કહે છે, ‘આપણે કઇ અપેક્ષાઓ લઇને કવિતા પાસે જઇએ છીએ તે પણ તપાસવું જરૂરી બની રહે છે.’(મુખબંધ-પૃ.૧૦)
આ કાવ્યાસ્વાદોમાં સુરેશ જોષીએ કર્તાલક્ષી નહીં પણ કૃતિલક્ષી અભિગમ અપનાવ્યો છે. એમણે કૃતિને લક્ષમાં રાખીને કાવ્યનો આસ્વાદ કરાવવાનું ‘દુસ્સાહસ’ કર્યુ છે. તેઓ પોતે મુખબંધમાં સ્વીકારે છે કે, ‘કવિતાની રચના તો એક સાહસ છે જ પણ કવિતા વિશે લખવું એ ય કાંઇ જેવું તેવું સાહસ નથી, સમકાલીનોની કવિતા વિશે લખવું એ તો દુસ્સાહસ જ ગણાય. મારા તરફથી એટલી ખાતરી આપી શકું કે મેં કર્તાને નહીં પણ કૃતિને લક્ષમાં રાખી છે. આપણો કવિ આપણી ભાષાની ગુંજાયશ કેવી રીતે વધારતો રહ્યો છે તે બતાવવાનો મેં પ્રયત્ન કર્યો છે......કાવ્ય વિશેની કોઇ નિશ્ચિત વિભાવનાને સમ્પ્રજ્ઞાતપણે મનમાં રાખીને એ માપથી કૃતિઓને મૂલવવાનો આ પ્રયત્ન નથી. કારણકે મૂલવવા કરતા આસ્વાદવા તરફ જ મારો ઝોક વધુ છે.’(મુખબંધ-પૃ.૧૩)
સુરેશ જોષીએ આ પુસ્તકમાં કરાવેલાં કાવ્યનાં આસ્વાદમાં જે ભાષા વાપરી છે તે એકદમ સાદી, સરળ અને સુગમ છે. સામાન્ય ભાવક પણ આ કાવ્યોનો આસ્વાદ વાંચે તો તેને તરત જ કાવ્યની સમગ્ર પરિસ્થિતિનો ખ્યાલ આવી જાય અને તે મન ભરીને રસાસ્વાદ માણી શકે છે. ભાષાની દૂર્બોધતા, ક્લિષ્ઠતા કે ભાષાનું ભારેખમપણું એમને અહીં ઉચિત લાગ્યું નથી તે એક ખરેખર પ્રશંસનીય બાબત છે.
એમણે આ સંપાદિત કાવ્યોનાં આસ્વાદમાં કેટલાંક પશ્ચિમી કવિઓ, વિવેચકો અને વિચારકોના કોટેશનો-અવતરણો ટાંકી તેમની વિચારણાને આપણી સમક્ષ સંક્ષિપ્તમાં પ્રસ્તુત કરી છે. જેમકે, ‘ઊંડી રજની’ કાવ્યનાં આસ્વાદમાં પાયથાગોરસનું સંગીત વિશેનું કોટેશન, ‘લહેકંતા લીમડાં હેઠે’માં જર્મન કવિ રીલ્કેનું કાવ્યસર્જન વિશેનું કોટેશન, ‘નયણા’માં એરિસ્ટોટલનું ‘મેટાફર’ વિશેનું કોટેશન, ‘પતંગિયું ને ચમેલી’માં વૉકર પર્સીનું ‘મેટાફર’ વિશેનું કોટેશન, ‘ગલ વાયસ’માં માલાર્મેનું કોટેશન, ‘તણખલું’માં પૉલવેસ્ટનું કોટેશન, ગુલામ મોહમ્મદ શેખના કાવ્યમાં બૉદલેરનું કોટેશન – આવા કેટલાય કોટેશન એમણે અંગ્રેજી ભાષામાં મૂકી આપ્યા છે. કેટલાકનો નામોલ્લેખ કર્યા વિના મૂક્યા છે. એમણે ‘ચાલતા ચાલતા’ કવિતાના આસ્વાદની વાત કરતી વખતે અંગ્રેજ કવિ લેન ક્રિસ્ટન સ્મિથની ‘બ્યુટીફૂલ સેડો’ કવિતા પણ રજૂ કરી છે. આ ઉપરાંત તેઓ ટી.એસ.એલિયટ, ડૉ.વિલિયમ્સ, ફ્રેન્ચ કવિ ફાર્ગ, એ.જી.લેહમન, અમેરિકી કવિ ઇ.ઇ.કર્મિગ્ઝ, બૉદલેર, એઝરા પાઉન્ડ જેવા પશ્ચિમી કવિ-સર્જકો તેમજ રવીન્દ્રનાથ ટાગોર અને કાલિદાસ આદિની પણ યથોચિત-યથાપ્રસંગે ચર્ચા કરે છે.
એમણે ઘણા અંગ્રેજી શબ્દો કે સમ્પ્રત્યયોની પરિભાષાઓ પણ યોજી છે. જેમકે, Horizontal(લોકગીત), Analogues, Irony, Sophistication(વિદગ્ધતા), Twilight, Inscape, Out scape, Immediacy, Sublimity, Heightened-awareness(પ્રયોજન ચેતો વિસ્તાર), Metro politon culture, Comprehensive Myth, Violence, Aesthetic monad, Un-ness, Volent yoking, Batched civilization, Violent juxtaposition, Respectable distance, Spleen, Ennui, Tristemisere, Crispness, Elliptic વગેરે....
કાવ્યમાં વપરાયેલાં છંદ, અલંકાર, પ્રતીક, કલ્પન, પુરાકલ્પન આદિ કાવ્યનાં વિવિધ ઉપકરણોની વિસ્તુત છણાવટ કરે છે. છંદને તેનાં બંધારણ કે યતિ અનુસાર સમજાવવાનાં પ્રયત્નો કર્યા છે. વિવિધ શબ્દોનાં અર્થોને અનેકવિધ રીતે સ્પષ્ટ કરે છે. જેનાં કારણે તેમના કાવ્યાસ્વાદો વધારે આસ્વાદ્ય બની રહે છે. એટલે જ જયંત પારેખ પોતાના સંપાદકીય લેખ ‘સર્જકતાથી સર્જકતા સુધી’માં કહે છે, ‘એમના આસ્વાદ વાંચતા સર્જનની સમૃદ્ધિનો એવો તો કીમિયાગર સ્પર્શ થાય છે કે જગતની તમામ સમૃદ્ધિ તુચ્છ ભાસે છે. એવી તો આનંદસમાધિમાં લીન થવાય છે કે જ્યાંથી નિવૃત થવાનું મન જ થતું નથી.’(પૃ.૫)
એમણે આથી થોડા આગળ વધી જણાવ્યું છે કે ‘Interpretation(સંપાદક જ્હોન વેઇન), Modern Poetry studies in practical criticism(સંપાદક સી.બી.કોક્સ ને એ.ઇ.ડાયસન)ને ‘કવિતા પરિચય’ (સંપાદક અમરેન્દ્ર ચક્રવર્તી) સાથે ‘ગુજરાતી કવિતાનો આસ્વાદ’ સરખાવતાં તરત પ્રતીતિ થાય છે કે સુરેશ જોષીનુ આસ્વાદકર્મ કેટલું માતબર છે. કેવું શકવર્તી છે. એમના આસ્વાદે લોકોને માત્ર કવિતા વાંચતા જ કર્યા નથી, કવિતા કેમ માણવી, કેમ નાણવી એ પણ શીખવ્યું છે. સાથે સાથે એ પણ પૂરવાર કર્યુ છે કે એક નાની સરખી કૃતિમાંયે અખૂટ આનંદ આપવાની શક્તિ સમાયેલી હોય છે, એની જેને પ્રત્યક્ષ પ્રતીતિ થાય છે એને માટે આ આસ્વાદ પણ ચિરસંગાથી બની રહે છે.’(પૃ.૬)

ડૉ. હિમ્મત ભાલોડિયા
અધ્યક્ષ, ગુજરાતી વિભાગ,
સરકારી આર્ટસ અને કોમર્સ કૉલેજ,
કડોલી, તા. હિમ્મતનગર.

Home    ||   Editorial Board    ||    Archive   ||  Submission Guide   ||   Feedback   ||  Contact us   ||  Author Index