જાત સાથે વાત (સામાને કહેવા માટે)
સુમન શાહ

1 February 2011
હું હતો બાગના બાંકડે. સામે એક યુવતી. એના કાનમાં સેલફોનની ભૂંગળીઓ. એ બોલતી ન્હૉતી, સાંભળતી’તી. એના ચહેરા પર થોડીથોડી વારે બોરસલીના ફૂલ જેટલું સ્મિત ફરકે. બોરસલી માટે ‘ફૂલ’થી પણ નાનો કોઇ નાજુક શબ્દ જોઇએ. આ ભારે પડે છે. પણ, હાલ તો નથી. બાગના એક ખૂણાના ઝાડીઝાખરાં આગળ પડછાયાદાર એકાન્ત કેમકે ત્યાં કોઇ યુવક-યુવતી એકમેકની હથેળીઓ ભેગી રાખીને બેઠેલાં. જીવનઅમીરસનું પાન, આસ્વાદ ? ના, એ માટેની રીત એ નથી. થયું, એ બન્ને જણાં પ્રાર્થના કરે છે. કેમકે ચારેય આંખો બન્ધ હતી. બાગનો ઝાડુવાળો કામદાર કિનારાનો વૉકિન્ગ ટ્રૅક વાળતો’તો. ઝાડુ ટૂંકું. મારાથી બોલાઇ ગયું : ઝાડુ મોટું લાંબું આવે છે એ રાખતા હો તો...?...કમર ઓછી વાળવી પડે ને રાતે પછી દુખે ના...તો ક્હૅ : થોડી થોડી વારે બેસી લઉં છું સાએબ, ને રાતે તો ઘરવાળી દાબ્યા’લે છે; આજે સાએબ, કેમ હવાર-હવારમાં ? હું અચરજ પામતાં બોલ્યો, એમ જ. મને થયું, આ તો મને કે દિ’નો ઓળખતો છે ! થયું, અમારી વચ્ચે ન દેખાતો એક સામાજિક તાંતણો છે, પણ એનું મને નામ નથી ખબર. હું મને નથી જણાવી શક્યો કે પેલીને એવું તે કેવુંક સાંભળવા મળતું હશે કે ચહેરા પર ફૂલ ફરકતાં’તાં. હું મને નથી કલ્પાવી શક્યો કે પ્રભુને પેલાં બે શું ક્હૅતાં હશે કે હથેળીઓ જોડી દીધેલી. આવી તો સૅંકડો ચીજો છે, જેની કશી જાણ મને કદી થતી નથી...
સાહિત્યસંસારમાં પણ ઘણું એવું અદૃશ્ય અશ્રાવ્ય અકલ્પ્ય છે જેની મને જાણ કદી થતી નથી. મારા મિત્ર ગંભીરસિંહ ગોહિલે મને એક પુસ્તક મોકલ્યું છે. સો વર્ષ પર થઇ ગયેલા મણીભાઇ તન્ત્રી નામના એક નવલકથા-વિવેચકની એથી, હમણાં મને ભાળ મળી છે. અમુક વિદ્વાનો કે સાહિત્યનો ઇતિહાસ લખનારાઓ મણીભાઇથી વાકેફ હોય તો તેની પણ મને જાણ નથી. પુસ્તકનું નામ છે, ‘ગુજરાતી નવલકથાનું સાહિત્ય.’ હા, એ શીર્ષક છે, શીર્ષક પૂરું થાય છે ત્યાં, મેં મૂક્યું છે તે પૂર્ણવિરામ પણ છે ! લેખક છે, મણીભાઇ તંત્રી. હા, એમના નામની એ જ જોડણી છે ને હા, ત્યાં પણ પૂર્ણવિરામ છે. મણીભાઇ પોતાને, ‘લખનાર.’ --કહે છે અને ‘મણીભાઇ નારણજી તંત્રી. બી.એ.’ --એમ ફોડ પાડે છે. ‘પ્રસ્તાવના.’ --લખી છે, જેમાં ‘રાજમહેલ રોડ, વડોદરા.’ --એમ ‘શિરનામું’ આપ્યું છે. ‘આશ્વિન શુદ ૨, સં. ૧૯૬૭. તા. ૨૫ સપ્ટેમ્બર સન ૧૯૧૧.’ --એમ પ્રકાશન-સાલ આપી છે. ‘અર્પણપત્ર.’ --છે. ‘મર્હુમ કીકાભાઇ નાગરજી દેસાઇ. એમ.એ.’--ને અર્પણ કર્યું છે. મણીભાઇ જણાવે છે તેમ આ ‘વિવેચનગ્રંથ’ છે --‘કીમ્મત બે રૂપીઆ.’ ‘શુધ્ધિપત્ર.’ --સહિતનાં ૨૩૫ પાનાંના આ ‘વિવેચનગ્રંથ’ વિશે ક્યારેક મારે વિસ્તારથી લખવું છે. આ પુસ્તક મને મોકલવા બદલ હું ગંભીરસિંહભાઇનો ખૂબ ખૂબ આભારી છું. મણીભાઇનું નામ મેં આપણી સાહિત્યિક ચર્ચાઓમાં પણ લેવાતું જાણ્યું નથી. જોકે મને એમ છે કે આ દ્વારા એમના વારસદારોને મળાય તો સારું. અમે વડોદરા વડોદરાવાળા નહીં --? વળી, વિવેચક વિવેચક નહીં --? અરે, પાછા નવલકથા નવલકથાના ! !
મણીભાઇની એ વિશેષતા મને ગમી કે તેઓ વાતે વાતે પૂર્ણવિરામ મૂકે છે. વાચકને કે જાતને કહેવા માગતા હશે કે આટલું તો ચૉક્ક્સ છે, હાં. કેટલી સારી વાત ! હાલ તો એમની ‘પ્રસ્તાવના.’ --માંથી થોડીક વાતો કરું : જબરી વાતો છે. તેમાં, મને અતિ નોંધપાત્ર લાગતા શબ્દગુચ્છોને મેં ઇટાલિક્સમાં ફેરવ્યા છે. કહે છે : ‘આ પ્રકારનું પુસ્તક ગુજરાતમાં પહેલીજવાર પ્રકટ થાય છે, સાહિત્યનો ઇતિહાસ લખવાની જરૂર છે અને તેમાં નવલકથાનાં વૃધ્ધિ અને ઉપયોગ એટલાં બધાં વધી ગયાં છે કે તેનું અવલોકન નિરુપયોગી ગણાશે એમ હું ધારતો નથી. અમુક પરિમાણે આ પુસ્તક ઇતિહાસની જરૂર પુરી પાડશે એવી આશા છે.’ સાહિત્યનો ઇતિહાસ, નવલકથાનાં વૃધ્ધિ અને ઉપયોગ, તથા વિવેચક તરીકેની આત્મશ્રધ્ધા --મણીભાઇની આ ત્રણેય વસ્તુઓ મને ખૂબ ગમી. બીજાં પણ ઘણાં નોંધપાત્ર વિધાનો કર્યાં છે. જુઓ --
૧ – ‘કોઇ પણ લેખન અન્યસાપેક્ષક ધોરણે થવું જોઇએ એમ લાગવાથી, બીજી નવલકથાઓ સાથે, ગુજરાતી નવલકથાની તુલના પ્રસંગોપાત્ત કરવામાં આવી છે.’
૨ – ‘એકાદ પણ લક્ષ્ય નવલકથાની નોંધ ન લેવી એ કદાચ અસભ્ય ગણાય, પરંતુ જે પ્રકારના સાહિત્યના પાંચસો ઉપર પુસ્તકો છે તે પ્રકારના દરેકની નોંધ લેવી અશક્ય છે અને આ પુસ્તકના પ્રયોજન માટે તો તે અનાવશ્યક છે એમ જણાઇ આવવું મુશ્કિલ નથી.’
૩ – ‘સિધ્ધાંતોની ચર્ચામાં વિષયનું સંપૂર્ણ નિયમન કરવાથી, અસાધારણ શબ્દસમૂહને લીધે, વાક્યોની રચના ક્લિષ્ટ જેવી થઇ જાય છે, પરંતુ તેવી ક્લિષ્ટતા, કોઇ પણ ભાષામાં અનિવાર્ય હોવાથી, આ પુસ્તકમાં મળી આવે તો તેમાં આશ્ચર્ય નથી.’
૪ – ‘કોઇ પણ ભાગમાં પક્ષપાતબુધ્ધિથી વિવેચન કર્યું નથી એમ કહેવાની ખાસ જરૂર નથી, તોપણ વિષય એવો છે કે કોઇને કદાચ એવી શંકા ઉત્પન્ન થાય અને તેથી તેવી માન્યતા દૂર કરવા વિનંતિ છે.’
૫ – ‘ લેખકો વિદ્યમાન હોય ત્યારે જોઇએ તેટલી છુટથી વિવેચન કરવામાં ટીકાકારને કોઇ વખત નાહક્ક જોખમ વ્હોરવું પડે છે; પરંતુ હું એમ માનું છું કે વિવેચનના ક્ષેત્રમાં, આવો ભાવ અસ્થાને છે અન તેવો બનાવ તિરસ્કૃત છે.’ (આના અનુસન્ધાને મણીભાઇએ ‘આર્ટ ઑફ લીટરેચર’માંથી શોપનહોઅરનું વિધાન પણ ગુજરાતીમાં ટાંક્યું છે).
૬ -- ‘બહુધા સૂક્ષ્મ દોષોનું વિવેચન કરવામાં આવ્યું નથી. અનધિકૃત શબ્દો અને શબ્દપ્રયોગો જ્યારે અતિશય કંટાળો આપે એવા જણાયા છે ત્યારેજ તે વિષે વિવેચન કરવામાં આવ્યું છે; અને એ પરિમાણે આ પુસ્તકમાં ઉદારવૃત્તિ યા સંકોચવૃત્તિનું જે પરિમાણ નીકળી આવે તેની કદર થશે એમ હું માનું છું.’
૭ – ‘અનુભવવિનાના વાચકને મારા અભિપ્રાયો કેવળ નવીન ન લાગે એટલા ખાતર; સાથે સાથે, યુરોપીય લેખકોના અભિપ્રાયો આપવામાં આવ્યા છે.’
૮ – ‘વિવેચન એ એક શાસ્ત્ર નથી. શાસ્ત્રના નિયમોની એના પ્રયોગમાં સહાય લેવામાં આવે.’
૯ – ‘સત્યાસત્યના વિભાવનને નિષ્પક્ષપાત બુધ્ધિથી પ્રતીત કરવું, સાહિત્યના ગુણદોષનું વિવેચન જનસમાજમાં ઠસાવવું અને પ્રચલિત અભિપ્રાયોનું જરૂર પૂરતું ખંડન યા મંડન કરવું –એવડો વિવેચનહેતુ છે.’
૧૦ – ‘ આ બધું લખવાની જરૂર એટલા માટે છે કે વિવેચનનો હેતુ માલૂમ હોવા છતાં – લેખકો જ્યારે ગમે તેટલા પરિમાણે સજ્જાયુક્ત અને નમ્ર હોય ત્યારે ટીકાકારને જબરદસ્તીથી પ્રોત્સાહકવૃત્તિ ધારણ કરવી પડે છે, અને લેખકો સજ્જાહીન હોવા છતાં, નિર્માલ્ય પુસ્તકોને સાહિત્યના રત્નો ગણી લેવાનું સૂચવે ત્યારે અસ્પષ્ટ રીતે ટીકાકારને સંપૂર્ણ કસોટી કરવાનું સૂચવે છે.’
‘પરિમાણ’ મણીભાઇનો પ્રિય શબ્દ લાગે છે. પુસ્તકનાં ૮૦ જેટલાં પૃષ્ઠ એમણે સાહિત્ય અને નવલકથા પરત્વેની સિધ્ધાન્તચર્ચામાં અને ‘સિંહાવલોકન’ શીર્ષકથી નવલકથાની ઉત્પત્તિ દર્શાવવા વગેરેમાં ખરચ્યાં છે. જ્યારે બાકીનાં પૃષ્ઠમાં ‘કરણઘેલો’ અને ‘સરસ્વતીચંદ્ર’ સહિત અનેક એવી નવલકથાઓની વિવેચના કરી છે, જે આજે તો નામશેષ પણ નથી રહી. ‘શબ્દકોષ.’, ‘નિર્દેશિકા.’, ‘વાંચવા લાયક નવલકથાઓનાં નામ.’ અને ‘શુધ્ધિપત્ર.’--થી પુસ્તકને અધ્યયનપૂત પણ દર્શાવ્યું છે. ૪ પુસ્તકો માટે એક આ જાહેરાત પણ મૂકી છે કે ‘પૂરતાં ગ્રાહકો મળશે તો, પ્રસિધ્ધ થશે.’ એ સઘળી વાત માંડીને ક્યારેક.
મારું પુસ્તક ‘આધુનિક ગુજરાતી કવિતા અને સર્જકચેતના’ વેચાઇ ચૂક્યું હોવાથી મળતું નથી. પ્રકાશક પાસે કે મારી પાસે એની એક પણ નકલ બચી નથી. ઘણાને પૂછ્યું પણ કંઇ થયું નહીં. પણ પરમ મિત્ર લાભશંકર ઠાકરે પોતાની પાસેની નકલની ઝેરોક્ષ કોપી કરાવીને મને મેઇલ કરી. હવે છપાશે. મને થાય એ એમ અપ્રાપ્ય જ રહ્યું હોત તો કેવું સારું ! કેમકે મણીલાલની જેમ મને પણ કોઇ સુમન શાહ વડે ઓળખાવાના ઑરતા છે...પણ એવા ઑરતા જીવતે જીવ કેમ છે, એ પ્રશ્ન ખરો...
00000000000000000000000000

SUMAN SHAH : G /730 SHABARI TOWER AHMEDABAD 380015
E-MAIL: suman.g.shah@gmail.com

 

Home    ||   Editorial Board    ||    Archive   ||  Submission Guide   ||   Feedback   ||  Contact us   ||  Author Index