‘ભરતેશ્વર બાહુબલિરાસ’ : નાદસૌંદર્યનો ઉત્સવ


ગુજરાતી મધ્યકાલીન સાહિત્યમાં નરસિંહ મહેતા પૂર્વેનું સાહિત્ય પોતાની વિષય સામગ્રી અને સ્વરૂપ સંરચનાના આધારે વિશેષ રીતે અલગ પડે છે. એ સમયગાળા દરમિયાન રચાયેલું સાહિત્ય મોટે ભાગે જૈનધર્માધારિત હતું. કાં તો એમ કહી શકાય કે જે પ્રાપ્ય છે, તે મોટા ભાગે જૈનધર્મ વિષયક સાહિત્ય છે. આ સમય ગાળામાં વિશિષ્ટ રીતે અલગ પડી આવતું કોઈ સ્વરૂપ હોય તો તે ‘રાસ’ છે.

ગુર્જર પ્રજાના દૈનંદીય કાર્યકલાપ સાથે ‘રાસ’ સ્વરૂપ ખાસ વણાયેલું હશે તેવાં ઐતિહાસિક તારણો પણ મળી આવે છે. પરંતુ અહી એક વાતની સ્પષ્ટતા એ કરવી રહી કે, રાસ એ લખવા, વાંચવા કે પઠન કરવા સર્જાયા ન હતા. મોટા ભાગનાં મધ્યકાલીન સાહિત્ય સ્વરૂપોની જેમ રાસને પણ વ્યવહાર સાથે વધુ સંબંધ હતો. માત્ર લિખિત કે પાઠ્ય સામગ્રી તરીકે એ કૃતિઓનાં સર્જન થતાં ન હતાં. આ ઉપરાંત રાસ સાહિત્યનો એક મહત્વનો ગુણ એ છે કે તે મહદઅંશે ચરિત્રપ્રધાન હોય છે. મધ્યકાલીન અને લોક એમ બંને પ્રવાહમાં રચાતા સાહિત્યમાં એક સૂત્ર સમાન જોવા મળે છે કે તેમાં સમાજના ભવ્યચરિત્રોને કેન્દ્રમાં રાખીને કૃતિસર્જન દ્વારા તે ચરિત્રોનું બહુમાન કરવામાં આવે છે. આ સામાજિક સંદર્ભને ધ્યાનમાં રાખીએ એ તો ઠીક, પણ એના સાહિત્યિક ફાયદાને પણ લક્ષ્યમાં રાખીએ તો વ્યક્તિ પ્રશસ્તિનાં બહાને એક મૂલ્યવાન કૃતિ તેના જે-તે સમયના સમાજ-પરંપરા જેવા મહત્વના અધ્યાસો સાથે સાહિત્ય જગત ખાતે જમા થતી હોય છે. આ દૃષ્ટિ એ જોઈએ તો રાસકૃતિના કેન્દ્રમાં કોઈ એક મહાન ચરિત્ર હોય છે. પણ એ ચરિત્રના અસ્તિત્વને લઈને કોઈ પ્રમાણભૂત માહિતીની જરૂર હોતી નથી. એ પાત્ર કોઈ પણ કથાકૂળમાંથી આવી શકે છે. લોકકથા, ધર્મકથા, વ્રતકથા, ઈતિહાસ, પુરાણ, કોઈ પણ કથાપ્રદેશમાંથી તે આવી અને લોકમાનસ પર અંકિત થાય છે અને પરિણામે લોકહૃદયમાંથી તે આ પ્રકારના ચરિત્રકેન્દ્રી સર્જન તરફ વળે છે. રાસસ્વરૂપ અને તેના સ્વ-ભાવ વિશે આટલી ચર્ચા અહી પર્યાપ્ત છે. અહી ખાસ તો મધ્યકાલીન સાહિત્યની એક બહુ પ્રચલિત રાસ કૃતિ ‘ભરતેશ્વર બાહુબલિરાસ’ વિશે આસ્વાદની ભૂમિકાએ ચર્વણા કરવાનો ઉપક્રમ છે.

જૂની ગુજરાતી ભાષામાં રચાયેલી રાસકૃતિઓમાં ‘ભરતેશ્વર બાહુબલિરાસ’ બહુ મહત્વની રચના હોવાનું એક કારણ તેની વિષય સામગ્રી, સુસ્પષ્ટ રચનાવિધાન, અને રસપૂર્ણ કાવ્યાત્મકતા છે. આ કૃતિના રચનાકાર શાલિભદ્ર સૂરિ છે. પરંતુ તેનાં જીવન વિશે બહુ પ્રમાણભૂત કહી શકાય તેવી માહિતી મળતી નથી. માત્ર મૂળ રાસકૃતિમાં મળતા ઉલ્લેખ પ્રમાણે આ કૃતિનો રચનાકાળ વિક્રમ સંવત ૧૨૪૧ ફાગણ માસનો હોય તેવો ખ્યાલ આવે છે. જે પાશ્ચાત્ય સમયપત્રક પ્રમાણે લગભગ ઈ.સ. ૧૧૮૫ની આસપાસનો સમય હોવાનો સંભવ છે. ‘ભરતેશ્વર બાહુબલિરાસ’નું ગુજરાતી સાહિત્યમાં કાવ્યાત્મકતાની દૃષ્ટિએ તો મહત્વ છે જ, પરંતુ ભાષા શાસ્ત્રની પરીક્ષાએ પણ તે વધુ મૂલ્યવાન કૃતિ સાબિત થાય છે. કેમ કે, ઈસા પશ્ચાત ૧૧૮૫નો તેનો રચનાકાળ છે અને તે સમયની જૂની, અપભ્રંશ પ્રાકૃતભાષાની અસરયુક્ત, સંધીકાલીન ભાષાથી તેનો દેહ ઘડાયો છે. એટલે જાણે અજાણે એક સમયખંડની પશ્ચિમ ભારતીય ભાષાનું આ કૃતિના માધ્યમ દ્વારા ઉત્તમ રીતે સંરક્ષણ અને દસ્તાવેજીકરણ થયું છે. વળી આપણે જાણીએ છીએ કે મોટા ભાગનું મધ્યકાલીન સાહિત્ય પદ્યદેહમાં અવતરિત થયું છે. તેથી ‘ભરતેશ્વર બાહુબલિરાસ’ પણ પદ્યરચના તરીકે જ ઘાટ પામે તે સ્વાભાવિક છે, પણ માત્ર એટલું જ નહીં પણ તેનો વધારાનો ગુણ એ પણ છે કે તે ડીંગળ શૈલીમાં રચાતી કૃતિઓ સાથે ખૂબ સામ્યતા ધરાવે છે. ડીંગળના લયવિધાનથી તે ખુબ પ્રભાવિત હોય તેમ જણાય છે.

એક મત પ્રમાણે ‘ભરતેશ્વર બાહુબલિરાસ’ને ગુજરાતી ભાષાની પ્રથમ ‘રાસ’ કૃતિ માનવામાં આવે છે. મૂળ તો જૈન કથાસૂત્રોમાં બહુ પ્રચલિત એવું ઋષભદેવનું કથાનક આ રાસકૃતિનાં કેન્દ્રમાં છે. તેનાં બે પુત્રો ભરત અને બાહુબલિના સંઘર્ષને અહી કાવ્યાત્મક રીતે નિરૂપિત કરવામાં આવ્યો છે. શ્રી કે.કા.શાસ્ત્રી, ડૉ. ભારતી વૈદ્ય અને શ્રી હરિવલ્લભ ભાયાણી જેવા મધ્યકાલીન સાહિત્યનાં મૂર્ધન્ય અભ્યાસીઓએ પણ આ કૃતિને તેના છંદવિધાન, ભાષાલાલિત્ય, રસસમૃદ્ધિ જેવાં પરિમાણો ને આધારે નોંધપાત્ર કૃતિ ગણી છે.

સામાન્ય રીતે ‘ભરતેશ્વર બાહુબલિરાસ’ને ૧૪ ઠવણીઓ (રાસમાં પ્રયોજાતી પ્રકરણ સૂચવવા માટેની સંજ્ઞા)માં વિભાજિત કૃતિ ગણવામાં આવે છે. પણ એના આરંભના પ્રસ્તાવના રૂપ ભાગ ને પણ જો ગણીએ તો કુલ ૧૫ ઠવણીઓમાં આ કૃતિનો દેહ આકારિત થયો છે તેમ કહી શકાય. કથાનકની દૃષ્ટિએ જોતાં ‘ભરતેશ્વર બાહુબલિરાસ’ કોઈ અપૂર્વ કથાનક લઇને આવનારી રચના નથી. આપણા પૌરાણિક કથાનકોમાં ‘ભ્રાતૃવિગ્રહ’નું કથાબીજ અત્યંત સામાન્ય છે, પણ જૈન કથાનકો મોટા ભાગે આ ચીલે ચાલતા હોય છે કે, તેમાં કોઈ પણ દુન્યવી વૃત્તિઓને તેના ચરમ સુધી લઇ જઈ અને અંતે વૈરાગ્ય અને શાંત રસમાં તેનો વિરામ આપવામાં આવે છે. સંક્ષેપમાં આ કૃતિની કથાને સમજવાનો પ્રયત્ન કરીએ તો..

“ જંબુદ્વીપમાં, અયોધ્યાનગરના રાજા ઋષભદેવના બે પુત્રો : ભરતેશ્વર અને બાહુબલિની આ કથા છે. ભરતેશ્વર અયોધ્યાનો રાજા બને છે અને બાહુબલિ તક્ષશિલાની ગાદી પર સ્થાપિત થાય છે. એકવાર ભરતેશ્વરની આયુધશાળામાં દિવ્ય ચક્રરત્ન આવે છે. રાજા તેના વિધિવિધાન પ્રમાણે ચક્રને અનુસરીને દિશાવિજય માટે નીકળી પડે છે. છ ખંડ પૃથ્વી જીતીને અંતે પોતાના નાનાભાઈ બાહુબલિ પાસે પોતાની આણ કબુલ કરાવવા દૂત મોકલે છે. બહુબલિ દૂતના પ્રસ્તાવની અવહેલના કરી યુદ્ધ સ્વીકારે છે. દારુણ યુદ્ધ પછી બંને ભાઈઓ મહાસંહારના અંતે પશ્ચાત્તાપ પામે છે અને ધર્મના શરણે જાય છે. આટલા પાતળા કથાનક અસ્તર ઉપર આ આખી કૃતિનું પોત વણાયું છે.

‘ભરતેશ્વર બાહુબલિરાસ’નું સૌથી આકર્ષક પાસું તેનું છંદવિધાન છે. તેની પંક્તિઓ નું પઠન કરતાં જ આ યુદ્ધકળાના ધીરગંભીર વાતાવરણનો સ્પર્શ થાય છે. લય હિલ્લોળનો ધીરો પ્રવાહ એક પરિપક્વ ઉર્જાનો અનુભવ આપે છે.

“ નામિ સુનંદ સુમંગલ દેવી, રાય રિસહેસર રાણી બેવિ,
રૂવ રેહિ રતિ પ્રીતિ જિ-વ ”

અહીં પ્રાકૃત ભાષાના જોડાક્ષરો, અનુસ્વારો અને હૃસ્વ ઉચ્ચારોથી સંગીતાત્મક ભાષાશિલ્પ રચાય છે. સામાન્ય રીતે તો કવિતામાં પુનરોચ્ચારણને દોષ માનવામાં આવે છે પણ અહી પુનરોક્તિ થવાથી જ કાવ્યાત્મકતા વધે છે તેનું ઉદાહરણ જુઓ :

“ ચલીય ગયવર, ચલીય ગયવર ગુડીય ગજ્જંત..”

બેવડાતા શબ્દોચ્ચારણોથી જાણે હાથીઓની હારમાળા કૂચકદમ કરતી જતી હોય તેવા ચલિત દૃશ્યો ભાવકચિત્તમાં રચાય છે. આમ, છંદોબદ્ધ પંક્તિઓ ક્યારેક તો ભાષાશાસ્ત્રના નિયમોને ઉલ્લંઘીને પણ કાવ્યાત્મક સૌંદર્ય ઉપસાવે છે. અહી પણ કૃતિને સામાન્ય બનતી અટકાવનારું વધુ કોઈ પરિબળ હોય તો તે તેની વર્ણનાત્મકતા છે. આખી કૃતિમાં સૌથી મોટો ભાગ રોકનારી કોઈ બાબત હોય તો તેના ભવ્યાતિભવ્ય વર્ણનો છે. અહી કોઈ દાર્શનિક ચમત્કૃતિ ભાગ્યે જ મળી આવે છે કે જે વાંચીને ભાવકને કોઈ ઉંચી વૈચારિક કક્ષાની વાત જાણવા મળે. અહી રાસા છંદના જુદાજુદા લયવિવર્તોના કારણે ઉદ્દાત્તગુણ ને મુક્ત મને આરાધવામાં આવ્યો છે.

“ધડહડંત ધર દ્રમદ્રમીય, રહ રૂંધીય રહવાટ તું,
રવ ભરિ ગણઇન ગિરિ ગહણ, થિર થોભઈ રહ-થાટ તું”

અર્થાત્ “ સેનાની કૂચકદમથી ધરતી ધમધમી રહી હતી. રથોએ રસ્તા અવરોધ્યા હતા. પર્વતો અને ખીણો બધું જ અવગણીને સેના સ્થિર ભાવે વહ્યે જતી હતી. ”

આખી કૃતિ ઉપર ભવ્યતાનો ગુણ સતત છવાયેલો રહે છે. પાશ્ચાત્ય મીમાંસક લોન્જાઈનસના મતે વિશાળતા અને બૃહદતા ઉદાત્તતત્વ માટે પોષકગુણો બની શકે છે. એ વાતની પ્રતીતિ ‘ભરતેશ્વર બાહુબલિરાસ’માંથી પસાર થતા થાય છે. અહી કશું સાધારણ કે માનવીય મર્યાદાઓ વાળું નથી. આ કૃતિની એક-એક પંક્તિમાં અતિમાનવીયતાનું દર્શન થાય છે. સામાન્ય જનમનરંજન કરવાની આ ચાવી છે. સામાન્ય લોકોને પ્રભાવિત કરવા આ પ્રકારની લેખનશૈલી ખાસ પ્રયોજાય છે. કેમ કે, અત્યાતિ સમૃદ્ધિથી છલકતા વર્ણનો ભાવિકજનોને ભાવવિભોર કરી મૂકે છે અને મધ્યકાલીન સમયની ધાર્મિકમાનસ ધરાવતી પ્રજા આ પ્રકારની કલ્પનાજગતની જાહોજલાલીથી ખાસ પ્રભાવિત થતી પણ હશે. વળી, જૈનધર્મના અહિંસાવાદી અભિગમને ધ્યાનમાં રાખીએ તો તેની સાથે આ કૃતિમાં રહેલા ભીષણ યુદ્ધનો વિરોધાભાસ પણ તીવ્રતાથી રચાય છે.

પરિણામે, રજસગુણથી ખચિત સમૃદ્ધિમાં યુદ્ધનો તમસગુણ ઉમેરાતા આખી કૃતિનો જૈનદર્શનની સાદગી અને શુચિ સાથે સામસામેના બિંદુનો સંબંધ રચાય છે અને કૃતિનો અંત સત્વગુણગામી બને તે પ્રકારનું નિરૂપણ બહુ પ્રસ્તુત બની રહે છે.

રસલીલાના સંદર્ભમાં જોઈએ તો આ કૃતિ બહુવિધ રસવૈવિધ્ય ધરાવતી નથી. યુદ્ધ અને વિજયની અભિપ્સાનું લક્ષ્ય અહી સ્થિર હોવાથી વીર અને રૌદ્રરસનું જ મહદ્દઅંશે દર્શન થાય છે. શ્રુંગાર, કરુણ અને હાસ્ય જેવાં સુકોમળ રસો અહી લગભગ ગેરહાજર છે પણ એક અતિમહત્વનો રસ અહી આરંભથી લઇને અંત સુધી સતત વિદ્યમાન છે, અને તે છે અદભૂત રસ. આ કૃતિની એક મહત્વની લાક્ષણિકતા તેમાં રહેલો ‘અતિશયોક્તિ’ પણ છે. સંખ્યા, સમય, પ્રભાવ, પ્રકૃતિ અને પ્રતાપ આ બધી જ બાબતોમાં ક્ષણે ક્ષણે અતિશયતા જણાય છે. કૃતિની શરૂઆતમાં જ બે પુત્રી ઉપરાંત અટ્ઠાણું પુત્રોના જન્મથી ઇયત્તાસૂચક અતિશયોક્તિ પ્રગટે છે. જે હાથી, ઘોડા, રથ અને સેનાની અનંતસંખ્યા સુધી વિસ્તરે છે. સમયની રીતે પણ અતિશયોક્તિ નિરવધિ પ્રમાણમાં વિસ્તરે છે.

“ પૂરવ લાખ તેણિ તેયાસી
રાજ તણી પરિ પુહવિ પયાસી”

અર્થાત્..
“ત્યાસી લાખ પૂર્વ સુધી તેણે પોતાના રાજ્યથી પૃથિવીને પ્રકાશિત કરી.”

વળી, યુદ્ધ સમયે પણ બે યોદ્ધાઓ વચ્ચે અમુક વર્ષો સુધી યુદ્ધ અવિરત ચાલ્યા કર્યું હોવાના પણ ઉલ્લેખો મળે છે. જે વ્યવહારુ નથી, પણ તેના લીધે વિસ્મયનો ભાવ ઘૂંટાઈને ઘનીભૂત બને છે. વિસ્મયનું વધુ ને વધુ નવું પરિમાણ મોટા મોટા સમૂહોના ઉલ્લ્ખો થવાના કારણે પણ મળે છે. સંખ્યાને લઇને જે અતિશયતા કરવામાં આવી છે, તેનું એક દૃષ્ટાંત જોઈએ. :

“દડવડંત દહ દિસિએ સરિય પાયકચક્ક તુ”
“ રોક્યા રોકી ન શકાય તેવા પદાતિઓનો સમૂહ દશેદિશામાં દડવડતો સરી રહ્યો હતો.”

અહી એક મનોરમ અત્યુક્તિ તો એવી પણ છે : “ ખૂંદાયેલી ધૂળની ડમરીથી ધરતી પર અંધકાર વ્યાપી ગયો ત્યારે સમગ્ર સૈન્ય પોતપોતાના હથિયારોની ચમકના અજવાળે ચાલતું રહ્યું.” પ્રભાવ પણ કેવો ભવ્ય હોઈ શકે તેનું આ ઉત્તમ ઉદાહરણ કહી શકાય. અત્યંત તરંગલીલામાં સરી પડેલા કવિએ અતિશયતા કરવામાં પ્રકૃતિને પણ પાછળ છોડી નથી.

“ ટલટલીયા ગિરિટૂંક ટોલ ખેચર ખલભલીયા
કડડીય કૂરમ કંધસંધિ સાયર ઝલહલીયા ”

અર્થાત્..
“ સેનાની કદમકૂચના લીધે ગિરીશિખરો કંપિત થયા. પક્ષીઓ ખળભળી ઉઠ્યા.ધરતીને પોતાની પીઠ ઉપર ધારણ કરનાર કાચબાની પીઠમાં કડેડાટી બોલી અને સાગર છલકાઈ વળ્યા.”

વળી, ભવ્યપાત્રોના પ્રતાપ વિશે પણ ઘણું રંગદર્શી ચિત્રણ થયું છે. જેમકે, કોઈ યોદ્ધો પગના બળે જ શત્રુની કરોડરજ્જુને ભરડીને ભાંગી નાખે છે. એકસાથે એક જ યોદ્ધો અનેકનો વધ કરે છે. કોઈ રત્નારિ નામનો યોદ્ધો અવિરત પણે દોઢ વર્ષ સુધી સેનાને ધમરોળે છે અને વીરગતિ પામે છે. તો કોઈ રત્નચૂડ નામનો યુદ્ધવીર હાથીઓના સમૂહને એકલપંડે પરાસ્ત કરીને તેમનો વધ કરે છે. આમ, અતિશયતા એ આ કૃતિનો આગવો વિશેષ છે. ‘ભરતેશ્વર બાહુબલિરાસ’નું બીજું એક આગવું પરિમાણ છે તેમાં રહેલું નાદસૌંદર્ય. આખી કૃતિમાં ભાગ્યે જ કોઈ પંક્તિયુગ્મ એવું હશે જેમાં રવાનુકારી શબ્દોનો વિનિયોગ થયો ન હોય. ડીંગળશૈલીનો રંગ પણ આ રાસકૃતિમાં બહુ દીપી ઉઠ્યો છે. અને એ શૈલીના કારણે જ આખી કૃતિમાં દ્વિરુક્ત અને રવાનુકારી શબ્દો નો ભરપૂર ઉપયોગ થયો છે. શ્રુતિનો તાદૃશ અનુભવ આપનારી આ પંક્તિઓ જૂઓ:

“ ધસમસ ધીર ધસઈ ધડહડઈ,
ગાજઈ ગજદલિ ગિરિ ગડયડઈ,
જસુ ભુઈ ભડહડ હડઈ ભડક્ક
દલ દડવડઈ જિ ચંડ ચડક્ક”

અર્થાત્..
“ ધીર યોદ્ધો ધસમસતો યુદ્ધમાં ધસી જાય છે. હાથીદળમાં વાદળ જેવો ગડગડાટ થાય છે. તેનાં ભયથી લડવૈયાઓ ભયભીત થઈને ભાગે છે. તે પોતાના ક્રોધથી સૈન્યને વિખેરી નાખે છે. ”

આમ, આ રાસકૃતિ ક્ષણેક્ષણે યુદ્ધના દૃશ્યોને શ્રવણેઇન્દ્રિય સુધી ગોચર કરી આપે છે. વ્યાકરણધર્મને અવહેલીને પણ ઘણીવાર લયસૌંદર્ય પ્રત્યે પક્ષપાત થયો છે. આ ઉપરાંત આ રચનામાં પ્રચુર પ્રમાણમાં ઉપયોગમાં લેવામાં આવેલો અન્ય કોઈ અલંકાર હોય તો તે ‘વર્ણસગાઇ’ છે. એક જ વર્ણની પ્રતિછાયા રૂપે તે જ વર્ણ પર આધારિત અનેક શબ્દોની આખી માળા રચાય છે અને તે નર્યું ગાણિતિક લાગે તેમ નથી, કેમ કે, તેમાંથી કાવ્યાત્મક સૌંદર્ય તો નીપજે જ છે. એ વાત સમજવા એક-બે ઉદાહરણો જોઈએ.

“ રાષસ રી રા રવ કરંતિ રૂહિરે સવિ રાચઈ ”

અર્થાત્..
“.. રાક્ષસો રી...રા... અવાજ કરતાં લોહીના કાદવમાં ઉત્પાત કરતા હતા. ”

“ કંધગ્ગલ કેકાણ કવી કરડઈ કડીયાલી ”

અર્થાત્..
“.. જબરી કાંધ વાળા વિકરાળ ઘોડાઓ પોતાની લગામ કરડતા હતા.”

“ સજ્જિય સમહરિ સંચરિય, સેનાપતિ સામંત તુ ”

અર્થાત્..
“ ..સેનાપતિ અને સામંતો સજ્જ થઈને યુદ્ધમાં સંચર્યા.. ”

સમગ્ર કૃતિમાંથી પસાર થતા એક પ્રકારના બળકટ ઓજગુણનો અનુભવ થાય છે. જે તે સમયની ભાષાનું જ નહી પણ કવિત્વશક્તિનું પણ સુપેરે દસ્તાવેજીકરણ થયું છે. જૂની ગુજરાતી ભાષામાં રચાયેલી રાસકૃતિઓમાં ‘ભરતેશ્વર બાહુબલિરાસ’ તેના લયલાસ્ય અને કાવ્યશક્તિના કારણે એક વિશિષ્ટ સ્થાન નિશ્ચિત કરી શકી છે.

*********

સંદર્ભગ્રંથ :

  1. ‘શાલિભદ્રસૂરિકૃત ભરતેશ્વર બાહુબલિરાસ’ સંપાદક, સંશોધક : ડૉ.બળવંત જાની, પાર્શ્વ પબ્લિકેશન. ચોથી આવૃત્તિ. ૨૦૧૧.

શક્તિસિંહ ર. પરમાર, સરકારી વિનયન અને વાણિજ્ય કૉલેજ, ઘોઘા. પથિકાશ્રમ પાસે, પીન: ૩૬૪૧૧૦. જિ: ભાવનગર.