Download this page in

અર્વાચીન ગુજરાતી સાહિત્યના સુધારક સર્જક: મહીપતરામ રૂપરામ નીલકંઠ

અર્વાચીન ગુજરાતી સાહિત્યના આરંભિક કાળે એટલે કે ૧૯મી સદીમાં ગુજરાતી ભાષામાં નર્મદ, દલપતરામ, નવલરામ, નંદશંકર, દુર્ગારામ, કરસનદાસ જેવા સુધારક સર્જકો અને કેળવણીકાર થઈ ગયાં. તેમાં મહીપતરામ રૂપરામ નીલકંઠનું (૧૮૨૯ થી ૧૮૯૧) સર્જન ઈયત્તા અને ગુણવત્તાની દ્રષ્ટિએ નોંધપાત્ર ગણાય છે. અંગ્રેજી શાસન, સંસ્કૃતિ, સાહિત્ય અને શિક્ષણથી પ્રભાવિત આ સર્જકોએ પોતાના દેશની ઉન્નતિ કેવી રીતે કરવી તેની સતત ચિંતા કરી હતી. આ બધા સર્જકો બહુધા સુધારક તરીકે વધારે પ્રસિધ્ધ થયા તેનું કારણ તત્કાલીન સમયની સ્થિતિ છે. તે સમય અનેક ચહેલ પહેલો, સામાજિક – સાંસ્કૃતિક અરાજકતા અને વિસંગતીઓથી ભરપૂર હતો. અંગ્રેજી શાસનના કારણે કેળવણી, મુદ્રણયંત્ર, સુશાસન તેમજ સમાજમાં શાંતિ અને વ્યવસ્થા પ્રસરવા માંડયા હતાં. આ બધાનો લાભ લઇને આપણા આરંભિક સર્જકોએ સમાજ સુધારણાનું કાર્ય ઉપાડ્યું. રૂઢ, જડ અને પ્રચલિત ખ્યાલોની સામે સભાઓ કરીને, ભાષણો આપીને લેખો લખીને સુધારણા આરંભાય છે. તો બીજી બાજુ મધ્યકાલીન યુગ અસ્ત પામે છે અને અર્વાચીન યુગનો આરંભ થાય છે. અનેક નવી બાબતો સાહિત્યક્ષેત્રે પ્રવેશ પામે છે. નવી ભાષા, નવી અભિવ્યક્તિ, નવા સાહિત્ય સ્વરૂપો દ્વારા નવીન વિચારો રજૂ કરવામાં આવે છે. ખરા અર્થમાં સુધારક યુગ બની રહે છે.

નર્મદ, દલપતરામ, નવલરામ, નંદશંકર આદિ મુખ્ય સર્જકો ઉપરાંત મહીપતરામ, દુર્ગારામ, કરસનદાસ જેવા સર્જકોનું પણ મહત્વનું યોગદાન રહ્યું છે. મહીપતરામ એક સર્જક, અનુવાદક, કેળવણીકાર અને સુધારક તરીકે જાણીતા છે.

નર્મદ, નવલરામ, નંદશંકર સુરતમાં જન્મયાં અને આ જ શહેરમાં મહીપતરામ પણ જન્મયાં. પોતે સુરતમાં અભ્યાસ કરીને ત્યાં શિક્ષક થયાં. પછી એલ્ફિસ્ટન કૉલેજમાં અભ્યાસ કરીને ત્યાં શિક્ષક થયાં. ઈ.સ. ૧૮૫૭માં અમદાવાદની હાઈસ્કુલના કાર્યકારી હેડમાસ્તર થયા, પછી ડેપ્યુટી એજ્યુકેશન ઇન્સ્પેકટર બન્યાં. ૧૮૬૦માં સરકારે તેમને ઈંગ્લેન્ડ મોકલ્યાં અને ત્યાંથી પાછા આવીને ટ્રેનીંગ કૉલેજના આચાર્ય તરીકે કાર્ય કર્યું. કેટલોક સમય તેમણે ‘ગુજરાત શાળાપત્ર’નું સંપાદન પણ કર્યું. ગુજરાત વર્નાક્યુલર સોસાયટી (આજની ગુજરાત વિદ્યાસભા) માં તથા અમદાવાદની મ્યુનિસિપાલિટીમાં પણ સેવાઓ આપી. તેમની પાસેથી ગુજરાતી ભાષાની પ્રથમ સામાજિક નવલકથા ‘સાસુ વહુની લડાઈ’ (૧૮૬૬) તેમજ ‘સધરા જેસંગ’ અને ‘વનરાજ ચાવડો’ જેવી બે ઐતિહાસિક નવલકથાઓ ઉપરાંત ચાર જીવનચરિત્રો, પ્રવાસવર્ણન, કેળવણી, ઈતિહાસ વિષયક પુસ્તકો પણ પ્રાપ્ત થાય છે.

એક સમય એવો હતો કે જયારે દરિયાપાર જવાની મનાઈ હતી. જેને પાપ ગણાતું અને જો કોઈ જાય તો તેને નાત બહાર મૂકવામાં આવે. મહીપતરામ પોતે આ જાણતા હોવા છતાં ઈંગ્લેન્ડના પ્રવાસે ગયાં અને ગુજરાતી ભાષાને તેનું પ્રવાસ વર્ણન પણ પ્રાપ્ત થયું. નાતે તેમનો બહિષ્કાર કર્યો તેમ છતાં પોતે હિંમત હારતા નથી. એક સાચા સુધારકના લક્ષણો આપણને મહીપતરામમાં દેખાય છે. મહાપતરામે પોતાના સર્જન થકી ગુજરાતી ભાષાની મહત્વની સેવા કરી છે. તેમની પાસેથી ‘ઉત્તમ કપોળ કરસનદાસ મૂળજી ચરિત્ર’, ‘મહેતાજી દુર્ગારામ મંછારામ ચરિત્ર’, ‘પાર્વતીકુંવર આખ્યાન’ નામના જીવનચરિત્રો ગુજરાતી સાહિત્યના આરંભિક સમયે લખાયેલ ચરિત્રોમાં નોંધપાત્ર મહત્વ ધરાવે છે. દુર્ગારામ અને કરસનદાસ જેવા સમાજ સુધારકોના ચરિત્રોમાં મહીપતરામની સંશોઘક તરીકેની અને અભ્યાસીની દ્રષ્ટિનો પરિચય થાય છે. દુર્ગારામ ચરિત્રમાં મહીપતરામના કહી શકાય તેવા તો માત્ર વીસ જ પાનાં છે. બાકી બધું લખાણ ‘માનવધર્મ’ સભાની નોંધપોથીમાં સચવાયેલું અને રોજનીશીના સ્વરૂપનું છે. જો મહીપતરામે દુર્ગારામ મહેતાની જીવનકથા વિસ્તારપૂર્વક લખી હોત તો આપણને એમનાં વિશે ઘણું જાણવા મળત. પણ એમ ન થવાનાં કારણે ગુજરાતી સાહિત્યને એ ખોટ હંમેશા રહેવાની. વળી એમણે રજૂ કરેલાં આ ચરિત્રોમાં સુધારક તરીકેનો જ ઉલ્લેખ થયેલો છે. માણસ તરીકે કે અન્ય પ્રવૃત્તિઓ, તેમજ અન્ય પ્રસંગોમાં દુર્ગારામ અને કરસનદાસનું વ્યક્તિત્વ કેવું હતું, તેમનું દ્રષ્ટિબિંદુ, તેમના વિચાર આદિનો કોઈ પરિચય પ્રાપ્ત થતો નથી. દુર્ગારામની તો શિક્ષક તરીકેની કાર્યવાહી અને શિક્ષણ પધ્ધતિની થોડી માહિતી પ્રાપ્ત થાય છે. પરંતુ કરસનદાસને તો માત્ર એક સુધારક તરીકે જ આલેખ્યાં છે. કરસનદાસ માણસ તરીકે કેવાં હતાં? તેમના આંતરિકજીવન અંગેની કોઈ જ માહિતી આપણને પ્રાપ્ત થતી નથી. તેમ છતાં મહીપતરામ પોતે સુધારાના અનુભવી, સ્વભાવે ખંતીલા ને દાઝવાળા તથા જે બાબતોનું અને બનાવોનું વર્ણન એમણે કરવાનું હતું તેમાં એમનો પોતાનો અમુક અંશે ભાગ હતો. વળી, કરસનદાસ સાથે તેમની મિત્રતા હતી આથી એમનું ચરિત્ર મહીપતરામના હાથે લખાવાથી માહિતીની ચોક્કસ અને વાસ્તવિકતા જળવાઈ છે. તેમજ સુધારાના આરંભે કોણે – કોણે ભાગ લીધો હતો, કેવાં મેણાંટોળાં સાંભળવા પડતાં, સમાજ તરફથી તેમની કેવી નિંદા કરવામાં આવતી છતાં આ સુધારકો પોતાના કાર્યમાં કેવા અડગ ઊભાં રહેતાં તેનું તાદ્રશ ચિત્ર મહીપતરામે વ્યક્ત કર્યું છે.

પોતાની પત્નીનું જીવનચરિત્ર ‘પાર્વતીકુંવર આખ્યાન’ એ મહીપતરામના આત્મચરિત્રનો ‘લગ્નજીવન’ નામના એક ખંડ તરીકે ગણાવી શકાય. આ ચરિત્ર તેમણે ‘તરુણીઓના સુબોધ’ માટે રચ્યું. અહીં પોતાના સહજીવનના સાંભર્યા તેટલા પ્રસંગોનું વર્ણન કર્યું છે, આ સાથે પત્નીની પ્રશંસા અને ગુણોનું વર્ણન કરવા તરફના પ્રયત્ન વિશેષ જોવા મળ્યો છે. આ ચરિત્રમાં મહીપતરામની શૈલી પાર્વતીકુંવરના વ્યક્તિત્વ જેવી જ સરળ અને ઋજુતાના પ્રભાવવાળી છે. મહીપતરામના ‘પાર્વતીકુંવર આખ્યાન’ થી જ ગુજરાતી સાહિત્યમાં સ્વજનના ચરિત્ર લખવાનો પ્રારંભ થયો એમ કહી શકાય. અહીં તેમણે આ કૃતિના રચનાર તરીકે પોતાનું નામ ન લખતાં ‘તેનો વર’ એવું લખેલું છે.

લોકસાહિત્ય ક્ષેત્રે મહીપતરામે ‘ભવાઈ સંગ્રહ’ દ્વારા પોતાના સુધારક વ્યક્તિત્વનો પરિચય કરાવ્યો છે. પ્રાચીન ભવાઈ વેશોમાં જયાં-જયાં અશ્લીલતા કે ઊણપો હતી તે દૂર કરીને મહીપતરામે નવેસરથી ભવાઈ વેશો અહીં સંકલિત કર્યાં છે. કુલ ૧૮ જેટલાં વેશો અહીં સંગ્રહવામાં આવ્યા છે. આ વેશોનું વસ્તુ, ભાષા, અભિવ્યકિત, ભજવણી, પહેરવેશ આદિની દ્રષ્ટિએ મૂલ્યાંકન કરતાં પરંપરિત ભવાઈ સ્વરૂપની સાચવણી કરવામાં મહીપતરામે મહત્વનું યોગદાન આપ્યું છે. તેમજ ભવાઈમાં જે ઊણપો પ્રવેશી ગયેલી, જે કૃત્રિમતા પ્રવેશી ગયેલી તેને દૂર કરીને શુધ્ધ ભવાઈ વેશો દ્વારા સુધારાનું જ કાર્ય તેમણે કર્યું છે. ભવાઈ સંગ્રહથી પણ મહીપતરામને સુધારો જ અભિપ્રેત હતો, અને તત્કાલીન સમયે લોકશિક્ષણના માધ્યમ તરીકે તેમણે ભવાઈના વેશોની શુધ્ધિ-વૃધ્ધિ દ્રારા સમાજ-સુધારણાનું કામ કર્યું. આ ઉપરાંત ‘ભવાઈ સંગ્રહ’ માં મહીપતરામે વેશો ભેગા કરવા માટે ઉઠાવેલ પરિશ્રમ, ચોક્કસાઈ તેમજ કાર્ય પ્રત્યેની નિષ્ઠા પણ તેમાંથી પમાય છે. એક સંશોધકમાં જે ગુણો હોવા જોઈએ તે મહીપતરામમાં દેખાય છે. ઓછા સાઘન – સગવડો હોવા છતાં મહીપતરામે ઓગણીસમી સદીમાં એકલા હાથે જે કાર્ય કર્યું છે. તે ખૂબ મોટું છે. તેમનું આ યોગદાન ગુજરાતી સાહિત્યના ઈતિહાસમાં હંમેશા યાદગાર રહેશે.

મહીપતરામ એક સર્જક તરીકે તો મહત્વના છે જ, પણ સાથે-સાથે કેળવણીકાર એમાંય સ્ત્રી કેળવણીકાર અને સંશોધક તરીકે પણ ખૂબ મહત્વ ધરાવે છે. તેમની પાસેથી મળતાં જીવનચરિત્રો, નવલકથાઓ, ‘ભવાઈ સંગ્રહ’ અને અન્ય કેળવણી વિષયક ગ્રંથો આજે પણ એટલાં ઉપયોગી છે. એક વ્યકિત તરીકે, સર્જક તરીકે અને એક સુધારક તરીકે મહીપતરામના કાર્યને હજીયે ઊંડાણથી તપાસવું જોઈએ. તેનું પુનર્મૂલ્યાંકન થવું જોઈએ તેમજ તેમનો સર્વાંગી અભ્યાસ કરવાથી સર્જક મહીપતરામના કાર્યને પૂરતો ન્યાય મળી શકે.

સંદર્ભ::

  1. I. મહીપતરામ ગ્રંથાવલિ, ખંડ-૧, શુકલ રમેશ મ., ગુજરાતી સાહિત્ય અકાદમી, ગાંધીનગર, પ્ર. આવૃત્તિ – ૨૦૧૧.
  2. II. મહીપતરામ ગ્રંથાવલિ, ખંડ-૨, શુકલ રમેશ મ. ગુજરાતી સાહિત્ય અકાદમી, ગાંધીનગર, ૨૦૧૧.
  3. III. મહીપતરામચરિત્ર, મહેતા ભાનુસુખરામ, પ્ર. આવૃત્તિ – ૧૯૨૯.
  4. IV. અર્વાચીન ગુજરાતી સાહિત્યની વિકાસરેખા, ઠાકર ધીરૂભાઈ, પાંચમી આવૃત્તિ – જુલાઈ ૨૦૧૧.
  5. V. ગુજરાતનો રાજકીય અને સાંસ્કૃતિક ઈતિહાસ ગ્રંથ, ભો જે. વિદ્યાભવન, અમદાવાદ.
  6. VI. ગુજરાતી સાહિત્યકોશ, ખંડ-૨, ગુ.સા.પરિષદ, ૧૯૯૦.
  7. VII. અર્વાચીન ગુજરાતનું રેખાદર્શન ખંડ-૧ થી ૩, પારેખ હીરાલાલ, ગુજરાત વર્નાક્યુલર સોસાયટી અમદાવાદ, ૧૮૩૫.