Download this page in

લઘુકથા: લીમડો

અગાસીમાં થતાં સળવળાટથી મોટાની આંખ ઊઘડી ગઇ. એ પથારીમાં બેઠો થઇ ગયો. બાપુજીને એણે હળવે – હળવે દાદરો ઉતરતા જોયા. એનાં હૈયામાં ફાળ પડી. બાપુજીને રોકવા એ ઊભો થઇ ગયો પણ પગ આગળ વધ્યા નહિ. એણે ટોર્ચ હાથમાં લઇ ઘડિયાળમાં જોયું. બરાબર પાંચ વાગ્યા હતા. – બસ એ જ સમય. એ ફફડી ઊઠ્યો. એની નજર બાપુજીને જકડી રહી.

બાપુજી દાદર ઉતરી ફળિયામાં રહેલા લીમડાનાં ઝાડ પાસે ગ્યા. લીમડાના કાળા પડી ગયેલા થડને એમણે જોયું. ધીમે – ધીમે ઊંચે ચડતી જતી એમની નજર લીમડાના બળી ગયેલા પાંદડાઓમાં અટવાતી રહી. એ ક્યાંય સુધી ગુમસુમ ઊભા રહ્યા.

મોટાની આંખ ઊભરાણી. ત્રણ જ દિવસ થયા’તા એ લીમડા નીચે ઘટેલી ગોઝારી ઘટનાને. સવારમાં પાંચ વાગ્યામાં ઊઠી રસોડામાં સ્ટવ પર પાણી ગરમ કરવા ગયેલી બાને આગની જ્વાળાઓએ ભરખી લીધેલી. અંત ઘડીએય ઘરમાં બીજું નુકશાન ન થાય એવું વિચારી બા બહાર નીકળી આ લીમડા નીચે ઊભી રહેલી. એની ચીસોથી જાગી બધાં નીચે ઉતરે એ પહેલાં લીમડાના પાન મૂરઝાઇ ગયાં હતાં.બાપુજી થોડીવાર એ લીમડા નીચે બેઠાં. બા ઊભેલી એ જગ્યાને એમણે પસવારવી શરૂ કરી.

બાપુજીને જોઇ રહેલ મોટાએ ડૂસકાંને ગળામાં જ દાબી દીધું, ને એમની પાસે જઇ બેઠો. લીમડાને જોતાં – જોતાં એમનું માથું મોટાના ખભા પર ઢળ્યું, ને ત્રણ – ત્રણ દિવસથી થીજેલી એમની આંખો બાને ઠારવા મથતી હોય એમ પીગળવા લાગી.