Download this page in

મૂળ તરફના અસલ ખેંચાણની વાર્તા: ‘ડમરી’ (મણિલાલ હ. પટેલ)

પંચમહાલ પ્રદેશ જેમના સર્જનમાં સબળ રીતે ઉજાગર થયો છે એવા મણિલાલ હ. પટેલ કવિ, વાર્તાકાર, નિબંધકાર, નવલકથાકાર તરીકે જાણીતા થયા છે. વાર્તાક્ષેત્રે તેમને ‘બાપાનો છેલ્લો કાગળ’, હેલી’, ‘રાતવાસો’ અને ‘સુધા અને બીજી વાતો’ જેવાં મહત્વના વાર્તાસંગ્રહો આપ્યા છે. મણિલાલ હ. પટેલની વાર્તામાં પંચમહાલ પ્રદેશના ગ્રામ જીવનના પ્રશ્નો, સમસ્યાઓ તથા ગામથી છૂટા પડેલાં પાત્રોની સંવેદના તેમની એકથી વધુ વાર્તાઓમાં ઠલવાઈ છે. જ્યારે ‘ડમરી’, ‘રાતવાસો’, બદલી’, ખેંચાયેલો વરસાદ’, ‘પડતર’ જેવી વાર્તાઓમાં-ગ્રામીણ પરિવેશની સાથે સ્ત્રી-પુરુષના સંકુલ સંબંધોની વાત થઈ છે. અહીં મારે ‘ડમરી’ વાર્તા વિશે વાત કરવી છે.

‘ડમરી’ વાર્તામાં એક વાક્ય આવે છે કે, ‘ગાડી દેશ તરફ દોડતી હતી.’ અહીં ‘દેશ’ શબ્દનો અર્થ પોતાનું ગામ-મૂળ સ્થળ થાય છે.

છેવાડાના વિસ્તારના આદિવાસી સમાજના કે તળના લોકો નોકરી- ધંધા અર્થે બહાર જાય છે. ત્યારે તેઓ ‘દેશમાં જવું છે’ જેવો વાક્યપ્રયોગ કરે છે.ભારત દેશમાં ને એમાંય ગુજરાતમાં કામ અર્થે રહેતા એવાં લોકો પોતાના મૂળ સ્થાને(વતનમાં) જવા માટે ‘દેશમાં જવું છે’ તેવો જ શબ્દપ્રયોગ કરે છે. એટલે કે ‘દેશ-દેશી-દેશીવાદ’ તેવી રીતે એક વિચાર પ્રગટ્યો છે. આ પ્રયોગ મૂળ સાથે-તળ જીવન સાથે જોડાયેલ વ્યક્તિ જ કરે છે. તે અર્થમાં આ વાર્તામાં દેશીવાદ છે.

ઘરથી દૂર રહેતો એવો વાર્તાનાયક-‘રામજી’ ‘બા’નો કાગળ આવવાથી પૈસા લઈને-વસ્તુઓ લઈને ઉમળકાભેર પોતાના ગામમાં જાય છે. ગાડીમાં પોતે બેઠો છે પણ આનંદથી મન ક્યારનુંય ઘેર પહોંચી જાય છે. પોતાના જવાથી ઘરના-ગામના ખુશ થઈ જશે તેવા અરમાનો લઈને જાય છે. પણ અરમાનો ફળતા નથી. ઘરના બધાને કેવળ પૈસાની જ માયા છે. માણસની માયા નથી. બાપના મૃત્યુ પછી જીવોકાકો(બાપનો ભેરું) ‘બા’ની નજીક છે. ‘બા’તેમનું કહેલું જ કરે છે. જીવાકાકાની પુત્રી-અમીના લગ્નની વાત મોટાભાઈ સાથે થાય છે. તેવા સમયે અમી સાથેનો પોતાના પ્રેમભર્યો ભૂતકાળ વાર્તાનાયકને યાદ આવે છે. પોતાના વતનમાં-દેશમાં આઠ દિવસની રજા લઈને આવેલો રામજી ત્રીજા જ દિવસે શહેર જવા માટે પાછો નીકળી જાય છે. ‘બા’ તેને રોકાઈ જવાનું ખાલી કહેશે-એવી આશા પણ ફળતી નથી. મૂળથી છેદાઈને ફરી શહેર તરફ જતા રામજીને સતત પોતાના ગામની-વતનની ધૂળ પોતાનામાં વ્યાપેલી છે એવો આભાસ થાય છે. ગ્રામીણ-તળનું જીવન તથા તેની રહેણીકરણી વાર્તામાં રજૂ થઈ છે.

ઘર-ગામ-વતનથી દૂર ગયેલો માણસ પોતાના નિજ તરફ પાછો આવે છે. પણ બદલાયેલો સમાજ, સંસ્કૃતિ, સંબંધો અને પરિવેશથી માણસ પાછો મૂળથી દૂર જતો રહે છે. સંબંધો લોહીના હોવા છતાં તેમાં જે અસલિયત હોય છે તે ભુલાઈ ગઈ હોવાથી મ. હ. પટેલની ઘણીબધી વાર્તાઓમાં પાત્રો પાછા મૂળથી દૂર જતાં રહ્યાં છે. તળજીવનનો મહિમા શહેરમાં ગયેલાં પાત્રોમાં હોય છે. મણિલાલ હ. પટેલની વાર્તાઓમાં ન ગામમાં કે ન શહેરમાં સ્થિર એવાં ઝૂઝતાં પાત્રો જોવા મળે છે. અને તેવું જ ‘ડમરી’ વાર્તાના નાયક રામજી સાથે થાય છે.

વાર્તામાં એક સમયે જેઠાકાકા (જીવાકાકાનો ભાઈ) શહેરમાં લઈ જાય છે ત્યારે ‘બા’ તથા ગામને છોડીને જતો વાર્તાનાયક રામજી છૂટા મોં એ રડી પડે છે. ગામને છોડીને ગયેલા રામજીને ઘણા દિવસો સુધી શહેરમાં ગોઠતું નથી. પરંતુ પાછો ઘરે જાય છે, ત્યારે તેને ભાવ-પ્રેમ કે આવકાર મળતો નથી. બદલાયેલું ‘બા’નું વલણ તથા સંબંધોમાં જોવા મળતી કડવાશથી તે કંટાળી જાય છે. માણસનું મહત્ત્વ નથી, પૈસાનું છે. તેવું ‘બા’ની વાતો પરથી લાગે છે. ‘બા’ કહેતી હતી કે, ‘આપડે તો કામથી મતલબ. કામ એટલાદામ. નકામા દા’ડા પાડવાનું આપણને ના પાલવે.’’ રામજી ડઘાઈ ગયેલો.’’ (ગ્રામચેતનાની નવલિકાઓ- સં. રઘુવીર ચૌધરી, રમેશ ર. દવે, પૃ.૧૫૬) બા’ની વાત પરથી નાયકને અસલજીવન ભુંસાઈ ગયેલું લાગે છે. રામજીને સતત એવું થયા કરતું હતું કે, ‘‘પોતે દેશમાં જ આવ્યો છે કે ક્યાંય બીજે?’’(પૃ.૧૫૬) રામજી જે ઘર-પાદર ગામનું સપનું લઈને આવે છે તે ભુંસાઈ છે. ને પાછો જવા નીકળે છે. આથી જ અંતે લેખકે લખ્યું છે કે, ‘‘બસ આવી અને ઉપડી ત્યારે પાદર ગામનું સપનું લઈને આવે છે તે ભુંસાઈ છે. ને પાછો જવા નીકળે છે. આથી જ અંતે લેખકે લખ્યું છે કે, ‘‘બસ આવીને અને ઉપડી ત્યારે પાદરથી ધૂળ ઉડી હતી ખરી. પણ એ તો ત્યાં જ પડીને ઠરી ગઈ હતી. રાતે બંગલે પહોંચીને રામજી સાબુથી ઘસીને નાહ્યો. ઓરડીમાં પોતું કર્યું. તોય સૂતાં સૂતાં એને લાગ્યું, પથારી-ઓરડી બધું જ ધૂળધૂળ થઈ ગયું છે. એના નાકમાં, આંખમાં, કાનમાં, ગળામાં બાઝી ગયેલી ધૂળ કેમેય ઓસરતી નહોતી.’’ (પૃ.૧૫૭) એ અર્થમાં અંત સૂચક છે.

‘ડમરી’ શીર્ષક અહીં સૂચક છે તથા દેશી છે. ‘ડમરી’ એ ધૂળ ઊડવાની એક ક્રિયા છે. જેનાથી તે બધે વ્યાપી જાય છે. પરંતુ અહીં રામજીના મનમાં જે ડમરી ઊડે છે તે વિચારોની છે. જે ગામ-ઘર-પરિવાર છે તેને છોડીને તે શહેરમાં આવે છે, તેની છે. પરંતુ ધૂળ પોતાનામાં રહેલી છે, ભરાયેલી છે તેવો આભાસ વાર્તાનાયકને થયા કરે છે, તે અર્થમાં રામજી તળ સાથે અસલ રીતે જોડાયેલો છે તેવું કહી શકાય.

‘કળશ્યો’ વાળા પસંગથી અમી પ્રત્યેનો તેનો પ્રેમ વ્યક્ત થાય છે. અને તેજ અમીના લગ્નની વાત મોટાભાઈ જોડે થાય છે. તેનાથી રામજીને આઘાત લાગે છે. પરંતુ કોઈને કહી શકતો નથી. વાર્તાકારે આ આઘાત જમવા બેઠેલા રામજીને ગળે રોટલો અટકી પડે છે તે દ્વારા સૂચક રીતે રજૂ કર્યો છે. જયારે ‘મા’ આ વાતનું બીજું જ કારણ આપે છે. એક બાજુ પ્રેમિકા પોતાની ‘ભાભી’ બનવા જઈ રહી છે તે સમયની નાયકની મન:સ્થિતિ વાર્તામાં નિરૂપાઈ છે.

ગામમાં આંધી ચઢતી, ઘરનું છાપરું ઊડું ઊડું થતું, બીમાર બાપ, જીવોકાકો ને બા વચ્ચે થતી મોડે સુધી વાતો અને એકવારકી આંધીમાં બાપનું મૃત્યુ- વગેરે બાબતો ગ્રામજીવનની અસલિયતને વ્યક્ત કરે છે. બાપનું બીમાર રહેવું અને જીવાકાકાની વધુ પડતી ‘બા’ને મદદ તથા તેમના પ્રત્યેનું ખેંચાણ- રામજી જોઈ શકતો હતો. ગ્રામીણ જીવનના સંબંધોમાં જોવા મળતી સંકુલતા અહીં નિરૂપાઈ છે.

વાર્તાના આરંભમાં દેશ છોડીને-ગામ છોડીને ગયેલા રામજીને શહેરમાં શેઠ-શેઠાણી આશરો આપે છે. આવકાર આપે છે. રામજી પ્રત્યેની શેઠની માયા અને રામજીની કામ પ્રત્યેની નિષ્ઠા માટે વાર્તાકારે લખ્યું છે કે,‘‘રામજી શેઠાણીનું ઘર વાળી ઝૂડીને મન જેવું સાફરાખતો.’’(પૃ.૧૫૩)જેવા શબ્દોથી રામજીમાં કામ પ્રત્યેની નિષ્ઠા તથા અસલ પાત્રના દર્શન થાય છે.

વૈશાખના દિવસો, ‘બા’નો કાગળ, લગ્નગાળામાં હરવા-ફરવાની તીવ્ર ઈચ્છા, આ બધી જ આશાઓ મનમાં લઈને આવેલા રામજીની આશાઓ ફળતી નથી. બદલાયેલું ગામ તથા મોટાભાઈ- ‘બા’નું વર્તન. ‘બા’એ ક્યારેય તેની ઉઘડેલી કયા પ્રત્યે પણ ધ્યાન આપ્યું નથી. બદલાયેલી ગ્રામીણ રીતિ-તળના જીવનનો ધબકાર વાર્તામાં જોવા મળે છે.

‘Back to root’ તરફ આવેલા વાર્તાનાયાકને મૂળ વતનમાંથી આવકારો નહિ જાકારો મળે છે. વતન પ્રત્યેનો ઝૂરાપો વ્યક્ત થયો છે. અસલ જીવન, અસલ સંબંધો માનવી ભૂલી ગયો છે. તેની વાર્તા છે. બદલાયેલું ગામડું, વ્યક્તિમાં માનવતા મરી પરવારી છે ને પૈસાને જ મહત્ત્વ આપતા લોકોની વચ્ચે અસલ માણસ રહી શકતો નથી. જે ઉચ્ચ-અસલ જીવનને માણવા આવેલો નાયક પાછો શહેર તરફ જાય છે.

વાર્તામાં પ્રયોજાયેલી બોલીમાં દેશીજીવનની છાંટ જોવા મળે છે. જેમ કે,
-હેંડ હેંડ અવે, છોરીની પેઠમ રોઈએ નહીં. ખાવાપીવાનું ભાળશ કે આ ધૂળિયો મલક હાંભરશેય નહીં, બેટ્ટમજી!’’(પૃ.૧૫૪)
-‘ચ્યમ, શ્હેરની ભાખરી-રોટલીથી હેવાઈ જ્યો એટલે ઘરનો રોટલોય નંઈ ભાવતો?’ (પૃ.૧૫૬)

આ બોલી પંચમહાલ પ્રદેશને ઉજાગર કરે છે. બોલીનો ઉપયોગ ક્યાંક જ થયો છે. તેમ છતાં પરિવેશ, પાત્રની મન:સ્થિતિ વગેરે વ્યકત કરવામાં બોલી સહાય બને છે. બાકી આખી વાર્તા વાર્તાનાયકના મુખે કહેવાઈ છે. પરંતુ સંવેદના તળની આલેખાઈ છે.

વાર્તાના આરંભમાં આવતી લાખો વણજારાની વાર્તા તે પ્રતીકાત્મક રીતે રજૂ થઈ છે. તો ‘ડિલ હાચવજે’, આખ્ખા દૂધની, રાબ્બડા જેવી ચા’, ‘કળશ્યાનો રણકાર’, ‘આજે રોમરોમમાં આંધી જગાવતો’, ‘ઉઘડેલી કાયા’, ઠુંઠા વૃક્ષના છાંયા જેવા પેસેન્જરો’ વગેરે શબ્દપ્રયોગો વાર્તામાં દેશીયતાને પ્રગટ કરવામાં વધુ ઘોતક સાબિત થાય છે.

‘‘ખાવાપીવાનું ભાળશે કે આ ધૂળિયો મલક હાંભરશેય નહીં,’’ જેવા શબ્દો ખોટા પડે છે. નાયક અરમાનો લઈને દેશમાં-વતનમાં આવે છે. પરંતુ તેને અસલ આવકારો મળતો નથી. તેથી તેના મનમાં ભૂતકાળની ડમરી જ ઊડે છે અને તે પાછો શહેરમાં જાય છે. અસલ ગ્રામ જીવન ભૂસાતું જાય છે અને તેની જીવન રીતિ ભુલાતી જાય છે. તે સંવેદનાને આ વાર્તા વાચા આપે છે. રામજી જેવું અસલ પાત્ર શહેરમાં સ્થિર થઈ શકતું નથી. તેની મન:સ્થિતિ, તેનો ઝુરાપો વિશે રમેશ ર. દવે નોંધે છે કે, ‘‘ડમરી’ વાર્તામાં જીવોકાકાએ કરેલા મૂંગા કાવતરાના માર્યા રામજીશેઠને બંગલે કામ કરે છે. દલલે વાળાના ભાઈબંધ જીવાકાકા મા સાથે હળી ગયા છે. એમની દીકરી અમી પાણી ભરેલા ગોળો ચડાવવાના બહાને રામજીનો કળશ્યો લઈ જઈને ઘેર આવવા કહે છે. પળની પ્રીત જીવાકાકા જાણી જાય છે. પણ સ્વજનો માટે ભેટસોગાદો લઈને પાંચ દિવસની રજા લઈને માનો બોલાવ્યો ઘેર આવે છે. પણ સ્વજનોના વર્તન વ્યવહારથી એ જ પ્રશ્ન થાય છે: ‘પોતે ઘેર આવ્યો જ નથી કે શું? સૌ એના પૈસાની જ રાહ જુએ છે. કારણ કે મોટાભાઈની સગાઈ જીવાકાકાની અમી સાથે થવાની છે. ઘેર પહોંચતાંની સાથે ઘર ઘેલું ગાંડું થઈ જશે-એવી ધારણા લઈને ઘરવતન જતા ક્થાનાયકના ભ્રમ નિરસનની વાત અહીં રમણીય રીતે મુકાઈ છે. ગ્રામીણ ઈલાકાથી વિખૂટા પડ્યા પછીય નગરને જીવી-જીરવી ન શકતાં પાત્રોની વિશિષ્ટ મન:સ્થિતિથી રચાતો વિપર્યાસ મણિલાલ હ. પટેલની વાર્તાઓમાં સરસ રીતે ઉજાગર થાય છે.’’(ગ્રામચેતનાની નવલિકાઓ- સં. રઘુવીર, રમેશ ર. દવે, ગુર્જર ગ્રંથરત્ન કાર્યાલય, અમદાવાદ, પુનર્મુદ્રણ-૨૦૦૧, પૃ.૨૫૯) રમેશ ર. દવે એ નોધ્યું છે કે ‘પાંચ દિવસની રજા લઈને આવેલો રામજી’- અહીં ‘પાંચ દિવસ’ નહી પણ ‘આઠ દિવસની’ રજા લઈને આવેલો રામજી’ જેવી વિગતદોષ સિવાય તેમના મતને સ્વીકારવો જ રહ્યો. પ્રદેશથી વિખૂટા પડેલો વર્તાનાયક નગર જીવનને જીરવી શકતો નથી. અનેક અરમાનો અને અભિલાષાઓ લઈને આવેલા નાયકની મન:સ્થિતિ અને ઝુરાપો વિશેષ રીતે વાર્તામાં નિરૂપાયો છે. બદલાયેલ ગામડું તથા સંબંધોમાં જોવા મળતી સંકુલતા જેવી ગ્રામજીવનની જુદી તાસીર પણ આ વાર્તા રજૂ કરે છે.

સંદર્ભ:

1. ગ્રામચેતનાની નવલિકાઓ- સં. રઘુવીર, રમેશ ર. દવે, ગુર્જર ગ્રંથરત્ન કાર્યાલય, અમદાવાદ, પુનર્મુદ્રણ-૨૦૦૧
2. આધુનિકોત્તર ગુજરાતી ટૂંકી વાર્તા, ડૉ. એલ.એસ. મેવાડા, પાર્શ્વ પબ્લિકેશન: અમદાવાદ, પ્ર.આ.૨૦૧૩
3. શતરૂપા, શરીફા વીજળીવાળા, ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય, અમદાવાદ, પ્રથમ આવૃત્તિ -૨૦૦૫
4. નારીની કથા પુરુષની લેખીની, સં. દર્શના ધોળકિયા, હર્ષ પ્રકાશન, અમદાવાદ, પ્રથમ આવૃત્તિ -૨૦૦૫
5. મણિલાલ હ. પટેલની વાર્તાસૃષ્ટિ, સં. માય ડિયર જયું, પાર્શ્વ પબ્લિકેશન: અમદાવાદ, પ્ર.આ. ૨૦૦૪