દિલ અને દુનિયા વચ્ચેની ડિફરન્ટ, ડેલીકેટ અને દમદાર સ્ટોરી- ‘તમાશા’


ગયા વર્ષે નવેમ્બર માસની ૨૭મી તારીખે ભારતમાં રજૂ થયેલી રણબીર કપૂર-દીપિકા પાદુકોણને અસરકારકતાથી ચમકાવતી ફિલ્મ ‘તમાશા’ દિગ્દર્શક ઈમ્તિયાઝ અલીની બોલીવુડને ઉત્તમ ભેટ સમાન બની રહી હતી. ૨૦૧૫ના વર્ષ દરમિયાન રજૂ થયેલી ફિલ્મોમાં આ ફિલ્મ તેના સંવેદનશીલ પાસા અને કથા રજૂ કરવાની ટેકનિકને લીધે નોંધનીય બની રહી. વલ્લભવિદ્યાનગર ખાતે ઓરીએનટેશન પ્રોગ્રામ દરમિયાન વિદ્યાનગરના આઈનોક્ષ મલ્ટીપ્લેક્ષમાં ફર્સ્ટ ડે ના લાસ્ટ શો મા સાથી અધ્યાપકમિત્રો સાથે જોયેલી આ ફિલ્મ મારી જોયેલી યાદગાર ફિલ્મોમાની એક બની રહી બીકોઝ ઇટ્સ દમદાર કારણ કે ઈમ્તિયાઝ અલી,ઈર્શાદ કામિલ,એ. આર . રહેમાન,લકી અલી,મોહિત ચૌહાણ,અરીજીત સિંઘ અને રણબીર-દીપિકા આટલા બધા દમદાર લોકો એક સાથે જોડાયેલા હોય તો એ સહજ રીતે દમદાર જ બને. એમ પણ દિગ્દર્શક ઈમ્તિયાઝ અલીનું નામ પડે એટલે જ દર્શકને યાદ આવે ‘જબ વી મેટ’, ‘લવ આજ કલ’, ‘રોકસ્ટાર’, ‘આહિસ્તા આહિસ્તા’, ‘હાઈ વે’ જેવી પાણીદાર ફિલ્મો, જે એકવાર દર્શકોને ભીંજવે તો સુકાવાની શક્યતા જ રહેતી નથી, બસ શરત એટલી કે દર્શકો પણ પાણીદાર હોવા જોઈએ. રાઈટર એન્ડ ડીરેક્ટર એમ બન્નેની ભૂમિકા સારી પેઠે ભજવનારા ઈમ્તિયાઝ અને અભિનયની એબીસીડીને રગેરગમાં ઉતારી ચુકેલ રણબીર દર્શકોને સહજતાથી ઇમોશનલી ઇન્વોલ્વ કરવાનું સામર્થ્ય ધરાવે છે. આ અગાઉ ઈમ્તિયાઝ અલીએ આપેલ રોકસ્ટારના રણબીર કપૂરને કોણ ભૂલી શકે? કે અનુરાગ બસુએ આપેલ બરફીના રણબીરને કેમ ભુલાય? અને એજ રીતે ફરી એકવાર આ ફિલ્મ દ્વારા કપૂર કુટુંબનો અભિનય ક્ષેત્રે ડંકો વગાડવાનું જાળવી રાખનાર અભિનેતા તરીકે રણબીર ઊભરી આવે છે. વળી સોનામાં સુગંધ ભળે તેમ અભિનય અને રૂપ બંનેમાં સુંદર એવી તેની એક્સ પ્રેમિકા દીપિકા પાદુકોણ સાથેની જોડી અહી લાજવાબ બને છે. પ્રસ્તુત છે આ True and Tragic તમાશાના ભવ્ય પ્રદેશમાં એક સફર...

આ ફિલ્મની ટેગ લાઈન છે- why always the same story? અને ખરેખર આ બીજી સ્ટોરી જેવી સ્ટોરી નથી બની ઇટ્સ ડીફરન્ટ. તો કહાની કંઇક એવી છે કે કોર્સિકા જેવી સુંદર જગ્યાએ તારા મહેશ્વરી(દીપિકા) અને વેદ સાહની(રણબીર) ડોન અને મોના ડાર્લિંગના રૂપમાં મળે ,પોતપોતાની સાચી ઓળખ છુપાવવાનું અને કોર્સિકામાં જીવાયેલું જીવન કોર્સિકામાં જ ભૂલી જવાનું વચન એકમેકને આપીને તેઓ કોર્સિકા ટાપુને મનભરીને માણે છે. ડોનની દેવાનંદને પુનર્જીવિત કરવાની ભૂમિકા અહીં ફિલ્મનું નોંધનીય પાંસુ બની રહે છે.અહી આ બંને ડોન અને મોના ડાર્લિંગ જ છે,એકમેકને અસલ નામ પણ ખબર નથી. સંબંધોની લક્ષ્મણરેખા દોરીને તેણે ઓળંગ્યા વિના એક બેફીકરા કપલ તરીકે તેઓ એકમેકના સાથને આનંદિત બનીને ઉજવે છે.એક સપ્તાહનું આ જીવન પૂરું થાય અને મોના ડાર્લિંગ કોર્સિકાથી જતાં પહેલા પેલી લક્ષ્મણરેખા-લાઈન ક્રોસ કરીને ડોન સાથે શારીરિક સંબંધને પણ ઊજવી નાખે છે(ભોગવતી નથી, ઊજવે છે). ભારત આવીને ચાર વર્ષ વીતી જાય છે અને ત્યારબાદ એક દિવસ ભૂતકાળના ડોન-મોના ડાર્લિંગ અને વર્તમાનના તારા-વેદ ફરીથી ભેગા થઇ જાય છે.અને વાર્તામાં વળાંક ત્યારે જ આવે છે,તારા આ ચાર વર્ષમાં પેલા બેફીકરા ડોનને બિલકુલ ભૂલી નથી શકી અને એટલેજ કોર્સિકામાં હતા ત્યારે આ ડોન જે પુસ્તક વાંચતો હતો તે લાઈબ્રેરીનું નામ શુદ્ધા તેના ધ્યાનમાં છે એટલે જ ઈરાદાપૂર્વક એ લાઈબ્રેરીની પાસે તે જાય છે જેના લીધે પેલા બેફીકરા ડોનને ફરીથી મળી શકાય. અને બંને ભેગા થાય છે-મળવા લાગે છે-શારીરિક રીતે પણ એક બનતા રહે છે ખરા, પરંતુ આ ચાર વર્ષ પછી મળેલો ડોન(હવે વેદ) તારાને સાવ જુદો જ લાગે છે. પોતે જેને સતત ચાહ્યો હતો, મળવાની ઝંખના સેવી હતી એ તેવો નથી. ઘડિયાળના કાંટાને અને સમાજના માન્ય ફાંટાને તત્વતઃ અનુસરતો આ વેદ ડોન નથી પણ એક કંપનીનો પ્રોડક્ટ મેનેજર છે. વેદ તારા સાથે પરણવા માંગે છે પણ તારા તેની સાથે સગાઇ કરવાની એક ઘડી પહેલા જ ના પાડી દે છે. અને ત્યારબાદ દર્શકોને મળે છે રણબીર કપૂરના જાનદાર અભિનયનો ઓર એક પરચો.તારાની દલીલ વેદને પોતાના જીવનના માળખા બાબતે વિચારવા મજબુર કરે છે.વેદ તારાને સ્વીકારવા તૈયાર છે પણ તારાને તો કોર્સિકાનો ડોન જેવો જ વેદ જોઈએ, અને વેદનું એવું માનવું કે કોર્સિકામાં તો તેણે એક્ટિંગ કરી હતી, હકીકતમાં તો એ પ્રોડક્ટ મેનેજર જ છે.સામે પક્ષે તારાનું વેદને એ સમજાવવું કે તે પ્રોડક્શન મેનેજરની એક્ટિંગ કરે છે અને હકીકતમાં તે કોર્સિકામાં જે હતો તેવો જ તે અસલમાં છે. તારાના નિર્ણય અને દલીલોથી વેદનું વર્તન લોકોની નજરમાં સહજતાથી પાગલ બનતું રહે છે,વેદ તેના બોસ(વિવેક મુશરાન)ને ઓફિસમાં મળે તે દ્રશ્ય તો જબરદસ્ત. તારા વેદને મળવાના, માફી માગવાના, સમજાવવાના પ્રયત્નો કરે અને વેદનું સતત તારાને ધિક્કારવું એ બંને પાત્રોની કરુણતાને પડદા ઉપર આબેહુબ ઉપસાવી છે. નાનપણથી વાર્તા સાંભળવાના રશિયા વેદને મજબૂરીમાં એન્જીનીયરનું ભણવું પડેલું, સમાજમાં રહેવા માટે પિતાની સલાહને અનુસરીને એક રોબોટની જેમ જીવતા આ જન્મજાત અભિનેતાને અભિનયનું પ્લેટફોર્મ તારાની ટકોરને લીધે જ મળે છે. પિતા પાસે પોતાની સાચી આવડત અને ઈચ્છા વ્યક્ત કરીને તે તારાને શોધવા નીકળી પડે અને આ બંને –ડોન-મોના ડાર્લિંગ ફરીથી હમેંશા માટે એક બની જાય ત્યાં આ ફિલ્મનો અંત આવે છે. ફિલ્મની શરૂઆતનું દ્રશ્યમાં દેવ તખ્તા ઉપર અભિનય કરતો હોય છે તે જ દ્રશ્ય અંતમાં દર્શાવીને ઈમ્તિયાઝ અલી આ ફિલ્મને રીલમાં અંત આપે છે પણ દર્શકોની રીયલ લાઈફ-મનોજગતમાં તો ફિલ્મ હવે શરુ થાય છે...ખરેખર ડીફરન્ટ,ડેલીકેટ અને દમદાર તમાશા જોઇને ખરો દર્શક સ્થળ-સમય ભૂલીને ખુરશીમાં ખોડાઈને વિચારોમાં ગરકાવ થઇ જાય એવી પૂરી શક્યતા છે.એટલે જ તો કેનેડા સ્થિત મિત્ર અનવર પટેલે આ ફિલ્મ જોઇને તુરંત ફેસબુકમાં કંઇક આવી પ્રતિક્રિયા આપેલી-
“ इम्तियाज़ अली का नाम इम्तिहान अली होना चाहिये था, पूरी फिल्म में उन्होंने मेरी भावनाओं का, सोच का,समझ का, अब तक की बीती जिंदगी का सही मायनों में इम्तिहान ले लिया. बहोत सारे परतों में बनाई गयी तमाशा आपको इतना तो सोचने पे विवश कर ही देती है की हम कौन है और और सही में हम हमारे लिए जी रहे है या हमसे जुड़े लोगो के लिए या फिर हम पर समज द्वारा लादे गए उस बोज के लिए जहा हम एक रास्ते पर अनवरत चलते ही जा रहे है और उसका अंत मौत है...
इम्तियाज़ और रणबीर ने जैसे एक दूसरे की आत्मा को एक्सचेंज कर लिया है, इतनी गहराई से एक दूसरे को समजते है....दीपिका का नाम फिल्ममे तारा है, मेरा बस चलता तो उनके किये हुवे किरदार की वजह से अवकाश में एक तारे के नाम उनके नाम पर रख देता...
रहमान ने म्यूजिक को जैसे फिल्म की कहानी से टांको की तरह संजोया है... और इरशाद ने हमेशा की तरह बेहतरीन शब्द लिखे है....
बहोत कम होता है की फिल्म खत्म होने के बाद मैं सिट पे ही शून्यमनस्क बैठा रहता हू...आज करीबन दस मिनट बैठा रहा...और फिर सिनेमा की बहार नवम्बर की सर्द रात ने फिर से वहाँ रख दिया जहा हम सब जिंदगी नाम की भेड़ के पीछे दौड रहे है .! ”

અનવરના આ પહેલમપહેલ્લા પણ પરફેક્ટ ફિલ્મ રીવ્યુની વાત સાથે સંપૂર્ણ સહમત...કારણ કે આ સામાન્ય કોટિની ફિલ્મ નથી પરંતુ આપણે સૌ સામાન્યતઃ જીવીએ છીએ તેવા જીવનની ફેક્ટ ફ્રેમ છે, જેમાં આપણે બધાં લગભગ ગોઠવાઈ જતાં હોઈએ છે. ગોઠવાઈ ગયાં પછીનું જીવવાનું એ જીવન છે કે કેમ ? એ બાબતે પણ આપણે વિચારી શકતા નથી, એટલે જ પેલી ફ્રેમ તોડીને કોર્સિકામાં ભરપુર જીવેલો વેદ પાછો પોતાના દેશ આવીને ઘર-કુટુંબ –સમાજે નક્કી કરેલી ફ્રેમમાં ફીટ થઈને જીવવા લાગ્યો હોવાથી જ ડોનની ડીફરન્ટ અદા હવે તેનામાંથી ગાયબ થઇ ગયેલી છે. અને તારા તો હકીકતમાં તારા સમાન છે એટલે તે આવા વેદને તો ન જ સ્વીકારે. વેદની પોતાની અસલિયતનો વેદ પોતે જ અસ્વીકાર કરે એ બાબતને લઈને જ તારા વેદને સ્વીકારી શકતી નથી, કારણ કે આ તારા તો જમીન ઉપરનું હોલીસ્ટીક વર્લ્ડ જોઈ શકે છે, એનાથી ક્યાં કંઈ છુપું રહી શકે? પરિણામે પોતાની અસલિયત સૌથી છુપાવી ચુકેલો દેવ આ તારાની ફેક્ટ ફીલસુફીની આગળ હારી જતો, નિર્ણય લેવામાં અટવાતો, પોતાના અસ્તિત્વની ઓળખ માટે સભ્ય સમાજમાં ગોથા ખાતો-Identity crisis અનુભવતો અહીં તહી ભટકે છે. મગજમાં જાણે વિશ્વયુદ્ધોનો મારો ચાલતો હોય તેમ કહેવાતા સભ્ય-સ્થિર સમાજમાં અસ્થિર પ્રકારનું વર્તન કરવા માંડે છે.રીક્ષા ચાલકના ગીત ગણગણવા માત્રથી ચિડાય જતાં વેદને રીક્ષા ચાલક કહે છે- “ સર યહાં તો હમ રીક્ષાવાલે હૈ, યહાં કોઈ માઈ કા લાલ હંમે પહચાન નહી પાયેંગા સર. અંદર સે કુછ ઓર હી હૈ હમ ઔર બહાર સે મજબૂર.” રીક્ષા ચાલક(ઇસ્તેયાક ખાન)નો આ ધારદાર સંવાદ જ આ વાર્તાના પ્લોટની પરમ ગહનતા છે. રિક્ષાચાલકના સંવાદ વેદના મગજને પણ ઝણઝણાવી જાય છે કારણ કે ડોન અને ઇન્ટરપોલ અફસરના રૂપમાં જોયેલા વેદને તારાએ પણ કહેલું કે- “ મુજે મિલા એક પ્રોડક્ટ મેનેજર જો શહરમે રહતા હે, જો બહોત વેલ બીહેવ્ડ હે, પોલાઇટ, ડીસન્ટ...” સામે પક્ષે વેદે પોતાનો લુલો બચાવ કરતા કહેલું- “ તો મે હું પ્રોડક્ટ મેનેજર, મે વો ડોન થોડી હું? વો તો એક્ટિંગ થી ના ? એક રોલ પ્લે કર રહા થા.” વળતા જવાબમાં તારાએ માસ્ટરસ્ટ્રોક ફટકારતા કહેલું-
“ તુમ રીયલ મે ડોન હો ઓર ઇન્ટરપોલ અફસર ભી. તુમ યહાં એક્ટિંગ કર રહે હો, એક રેગ્યુલર આદમી કા રોલ. યે સબ નકલી હૈ, તુમ તો નદી મે મુહ ડાલકર પાની પીતે હો યાર જાનવર કી તરહ, તુમ તો પહાડો સે બાતે કરતે હો. તુમ વો હો વેદ. ક્યાં હો ગયા હૈ તુમકો?”

પણ પેલી જીવનનું સૂરસુરીયું કરી નાખતી ફ્રેમમાં ફીટ થવાની આદતમાં ઢળવા લાગેલો વેદ તારાની આ વાતને નકારતા પોતાના વિશેનો અભિપ્રાય આપતા કહે છે- “ અરે કૌન વો? વો કોઈ નહી હૈ, મે યે હું તારા, સામને ખડા હૈ, મે સિર્ફ યે હું” તારા સ્પષ્ટ કહી દે છે- “ ફિર તો મે કિસી ઓર કે સાથ હું વેદ,યે તો મુજે નહી ચાહિયે” અને તારાએ કહેલી આ વાત જ રીક્ષાચાલક કરી રહ્યો હોવાનું અનુભવતો વેદ પોતાની આંતરિક ઓળખ અને દુનિયામાં સ્થાપિત તેની ઓળખ વચ્ચે બરાબરનો ફસાય છે....વળી તારાએ તેને છોડી નથી દીધો, તે વેદને મળીને તેને સાંભળવાના-સમજાવવાના અને સાચવવાના ભરપુર પ્રયત્ન કરે છે. પણ દિલ અને દુનિયાની વચ્ચે ગોથા ખાતો આ વેદ કોઈ બીજી જ દુનિયાનો માણસ બનવા તરફ ગતિ કરતો જોવા મળે છે કારણ કે પોતાની સામાજિક ઓળખ પણ તેને સાચી લાગે છે અને તારાએ આપેલી ઓળખ પણ સાચી લાગે છે.આ સ્થિતિમાં તે કરે તો શું કરે? એક જાનદાર સિનમાં તારાને રાત્રે એના ઘરે મળવા ગયેલો વેદ ગુસ્સો ઠાલવતા કહે છે- “ તું જાનતી હે મે કૌન હું,ઓર કોઈ નહી જાનતા, મેરે ઘરવાલે, મેરે દોસ્ત, મે ખુદ નહી જાનતા મગર તું, સાત દિનોમે કોર્સિકામે તું પક્કા જાન ગઈ કી મે કૌન હું” અને ત્યારબાદ વેદના વર્તન ઉપરથી તેની કરુણ સ્થિતિને પામી ગયેલી,તેને ચાર વર્ષથી દિલથી ચાહતી તારા તેને સાથ આપવા ચાહે છે- “ મેને જો ભી ઉસ દિન કહા થા, વો વાપસ લેતી હું, તુમ સે દૂર હી તો નહી રહ શકતી, મે સબ ઠીક કર દુંગી,વેદ યે ક્યાં કર દિયા મેને, આઈ એમ સોરી” પણ વિચારોની વિવશ સ્થિતિને પામેલો વેદ તેને સંભળાવી દે છે- “ તુજે તો પ્યાર હો ગયાં પગલી, પર કિસી ઓર સે”.બાળપણમાં જે વ્યક્તિને પૈસા ચૂકવીને અઢળક વાર્તાઓ સાંભળી હતી તેની પાસે વેદ પોતાની વાર્તા પૂરી કરવાની દિશા શોધવા પહોચે છે અને એ વાર્તાકથક(પિયુષ મિશ્રા) વેદની સમસ્યા જાણી ગયો હોય તેમ વેદને કહે છે-
“ નહી હે યહાં કોઈ સંજીવની બુટી,યા કોહીનુર યા ખુદા....ડર લગતા હૈ? અપની કહાની મુજસે પૂછ રહા હૈ? કિસસે ડરતા હૈ? તું બતા, બોલ અપની કહાની, ક્યાં હે તેરે દિલ મે?....દિલ મે હીર લીયે ઔર હીર ખોજે વીરાને મે ?...ફરેબી , ધોખેબાજ..બહાર નિકલ....”

અને કન્ફ્યુઝ્ડ વેદને દિશા મળી જાય છે, પોતાના પિતા પાસે પહોચીને જે નકામી રેસમાં તેને મજબૂરીમાં દોડાવવામાં આવી રહ્યો છે તે રેસમાં તે આનંદ પામ્યા વિના જ એક દિવસ કઈ રીતે પોતે મરી જશે એ આખો કિસ્સો એક વાર્તાના સ્વરૂપમાં અભિનય સહીત રજૂ કરે છે એક છોકરીએ તેની ખરી ઓળખ કરાવી આપી અને તે રોબોટ,મીડીયોકાર,આમ આદમી, કે રેગ્યુલર આદમી નથી તેનું ભાન કરાવ્યું,તેમ છતાં તે સામાન્ય માણસની જેમ જ નકામી દોડ દોડીને એક દીવસ મરી જવાનો છે તેવા કરુણ અંત ધરાવતી આ વાર્તા સાંભળી વેદના માતા-પિતા,દાદી સ્તબ્ધ રહી જાય છે, વેદ કહે છે- “ એન્ડીંગ સહી નહિ હૈ...તો કોઈ બાત નહી અપની કહાની હૈ, એન્ડીંગ ચેન્જ કર લેંગે” વિસ્મયથી વેદને તાકી રહેલા પિતાને વેદ કહે છે “ ધીસ ઇસ હું આઈ એમ પાપા, મે મેથ્સ મે અચ્છા નહીં હું , આઈ એમ સોરી” અને પિતાને આ અભિનેતાના રૂપમાં જોયેલો વેદ બેહતરીન લાગે છે....અને થોડી મીનીટોમાં ફિલ્મ પૂરી થાય છે.એ છેલ્લી મિનીટોમા વેદનું કોર્સિકાના ડોન તરફનું માર્વેલસ મૂવ છે.

આ ફિલ્મમા જે રીતે કથા આપણી સમક્ષ રજૂ થાય છે એ ફ્લેશબેક ટેકનિક પણ અભિનંદનીય છે. થીમ અને પ્લોટ કંસ્ટ્રક્શન જે સભાનતાપૂર્વક અહી સુંદર રીતે આકાર પામે છે. શરૂઆતનું દ્રશ્ય જ અંતમાં પૂરું થાય અને એ બન્નેની વચમાં વિચારમંથનનો મહાસાગર એ જ ફિલ્મનો મુખ્ય ભાગ છે. શરૂઆતની પંદર મિનીટ અને ત્રીસ સેકંડ એ આ ફિલ્મની કથાનો પ્રાણ કહી શકાય જેમાં આપણે ભવાઈ,આખ્યાન , નાટકના દૃશ્યો જોતા હોઈએ એવો અનુભવ થાય છે,વેદનું બાળપણ,ભણવામાં મન ન લાગવું, પૈસા ભેગા કરીને વાર્તા સાંભળવા જવું,રાજા,રાજકુમાર,રાજકુમારી,રામાયણ,કૃષ્ણ,લૈલા મજનું, સંયુક્તા-પૃથ્વીરાજ,અલાદીન-જીનની વાર્તા સાંભળીને એના દૃશ્યો જોઈ શકતો-વિઝ્યુલાઇઝડ કરીને એ જ દૃશ્યો પોતે ભજવતો વેદ......આ વેદની ખરી એબીલીટી અને તેના જીવનની સમૃદ્ધિ છે. પછી આપણને મળે છે કોર્સિકાનો મસ્તીભર્યો અને હકીકતમાં મસ્ત એવો વેદ અને તારા. ત્યારબાદ મળે છે એક રોબોટ જેવો વેદ જેને તારાની સાથે સાથે દર્શકો પણ સ્વીકારી ન શકે.આ વેદના પોતાની જાત સાથેના સંઘર્ષના અંતમાં પોતાની રેસ પોતે નક્કી કરીને દોડવાની તેની ઈચ્છા પિતાએ પણ સ્વીકારવી પડેલી એ વાત દર્શકોને ફિલ્મના અંતમાં ખબર પડે છે.શરૂઆતના દ્રશ્યમા તારાના સહકારથી તખ્તા ઉપર રોબોટનો અભિનય કરતો વેદ પોતે જ પાતાનો તમાશા દર્શકો આગળ રજૂ કરે છે અને એ આખો તમાશા સિનેમામા આપણી સામે રજૂ થઇ રહ્યો હોય છે, દિગ્દર્શક ઈમ્તિયાઝ અલીનું આ બ્રિલિયન્ટ વર્ક છે. શરૂઆતમાં તારાના આ રોબોટ અને પ્રેક્ષકને ઉદ્દેશીને કહેવાયેલાઆ સંવાદો પણ મહત્વના છે-“ તું વહી હૈ જો સુબહ કો ઓફીસ જાતા હે ઓર શામ કો ઘર આતા હે. બોસ કી ડાટ ખાતા હે ઓર કિસીકો નહિ બતાતા હે, બયાલીસ સીટ કી બસ મે જો એકસો બયાલીસ લોગ ચઢતે હે ઉન મે સે એક તું ભી તો હે.....માફ કર દેના બેચારે કો , દિલ કા અચ્છા હે આપ હી કી તરહ, પર દિલ ઓર દુનિયા કે બીચ કહી ફસ ગયા હે આપ હી કી તરહ.....તો ઓડિયન્સ યાર ઐસા હે કી ઇસને તમાશા બનાયા હે તુમ્હારે લીયે, દિલ સે બનાયા હે, તો અચ્છા લગે તો તાલી-બાલી બજા દેના...તો આરામ સે બેઠે હો?, શુરુ કરે?..” અને પછી જે તમાશા શરુ થાય છે તે ખરેખર ડીફરન્ટ છે...અંતના દ્રશ્યમા ફિલ્મની અંદરના પ્રેક્ષક વેદ માટે તાળીઓનો જે ગડગડાટ કરે એવો જ ગડગડાટ રીયલ પ્રેક્ષક કરવા લાગે જ, એ વાતમાં કોઈ બે મત હોઈ ન શકે. રણબીર-દીપિકાના અભિનયને શબ્દોમાં રજૂ કરવું અઘરું થઇ પડે એવો દાદુ અભિનય કર્યો છે. વળી પેલો રીક્ષાડ્રાઈવર – ઇસ્તેયાક ખાન અને વાર્તા કહેનારો બુઢ્ઢો- પિયુષ મિશ્રા પણ માશાલ્લાહ.....

ગીત-સંગીત આ ફિલ્મને ઔર એક ઊંચાઈ બક્ષે છે. વેદ પોતાનો તમાશા પ્રેક્ષકો આગળ રજૂ કરે ત્યારનું સુખવિંદરના સ્વરમાં ગવાયેલું “ ચલી કહાની, અનગીન સાલ સે હે વહી પુરાની, તેરે મેરે ઈશ્ક કી યે નઈ કહાની, આતી કહા સે યે જાતી કહા?” ગીત ફિલ્મની - why always the same story? ટેગ લાઈનને દર્શકોના મનમાં બરાબર ઠસાવે છે. તો કોર્સિકામા જેનું ફિલ્માંકન થયેલું છે તે મોહિત ચૌહાણના અવાજમાં ગવાયેલું,વેદની સાચી છબી દર્શાવતું “ મટરગસ્તી” ગીત ઓલ ટાઈમ હીટ રહેવા માટે જ સર્જાયું હોય એમ લાગે છે થ. “ હીર તો બડી સેડ હે” નાયિકાની ચાર વર્ષની સેડનેસ- વાસ્તવિક સ્થિતિને દર્શાવી આપતું ગીત છે. “ છમક છોરીયા સે નયનવા,લડાવત, વત્ત,વત્ત” પણ સુંદર ગીત, લકી અલીના સ્વરમાં મળતું “સફરનામા” ગીત વેદને દિશાનો ખ્યાલ આવી જતા તેની સ્પષ્ટ માનસિકતાને રજૂ કરે છે, તો અંતમાં એ આર રેહમાનના જાદુઈ સ્વરમાં આવતું “ તું કોઈ ઓર હે” ફિલ્મના હાર્દને રજૂ કરીને દર્શકોને વિચારવા માટે મજબૂર કરનારું ગીત છે......અને મારુ પસંદીદા ગીત એટલે “ અગર તુમ સાથ હો” બધાં જ ગીત સારા પણ આ ગીત જે સ્થિતિ ઉપર ફિલ્માવવામા આવ્યું એ સ્થિતિ દર્શકોના હૃદયને ભીંજવી નાખે છે, વેદને ચાલી જતો રોકવા માટે તારાનું વેદને ચોંટી જવું,તૂટીને વેદને ચાહવુ એ આમ પણ ફિલ્મનું યાદગાર દ્રશ્ય છે.અને એમાં અરીજીત અને અલકાનો સ્વર.....વધારે તો શું કહીએ આ મનને ભીંજવતા ગીત વિશે પણ ‘પલ પલ ઠહર જાઓ’ શબ્દોથી શરુ થતું આ ગીત એક પળમાં પલકથી લઈને ફલક સુધી પ્રેમની લાગણીને વિસ્તારતું અદભુત ગીત છે....ઈર્શાદ કામીલના શબ્દોને દિલ સુધી પહોચવામાં ઝાઝી વાર નથી લાગતી એ ફરી એકવાર સાબિત થઇ ગયું....ફિલ્મના ગીત-સંગીત વિશે એક આખો અલગ લેખ થઇ શકે એમ છે.થેન્ક્સ ઈર્શાદ લાગણીના લયને લોકો સુધી પહોચાડવા બદલ...

ઈમ્તિયાઝ અલીના આ ફિલ્મ દ્વારા આર્ટીસ્ટીકલી પુછાયેલા પ્રશ્નો રેગ્યુલર કહેવાતા માણસ માટે વેધક છે. લોકોની-સમાજની ખાસ ચિંતા કરનારા આપણે આપણા માટે ક્યારેય કંઇક નક્કર કરીએ છીએ ખરા? જે રીતે જીવીએ છીએ એ જ રીતે same wayમા –મજબુરીમાં જીવવાનું કારણ શું? મનને ગમતું,ભાવતું,મઝા આવતું જીવવા માટેનો વટ અને ગટ્સ બન્ને છે કે કેમ? એક જ જીવન મળ્યું છે, તો જીવવાનો નકશો મારો જ હોવો જોઈએ એવી ગંભીરતા કેટલા લોકો પાસે હશે?સામાન્યતઃ દુનિયામાં સંઘર્ષ કરીને નક્કર નિર્ણયો લેવાની વાતને બદલે અનુકુલન-સમાધાન સાધવાના પાઠ જ ભણાવવામા આવતા હોય છે,જેના પરિણામે કંઈ કેટલીય સર્જનાત્મકતા કુમળી વયે જ હૃદયના ઊંડાણમા ધરબાઈ જાય છે. અને આ same way છોડી-તરછોડીને પોતાનો એક અલાયદો-આગવો high way લેવાની તાકાત લાખોમાં એક પાસે જ હોય...જીવનમાં સમાધાનકારી વલણ અપનાવવાનું શરુ કર્યું એટલે તેજસ્વીતાને તિલાંજલિ આપી એમ જ સમજવું, અને બધાને કંઈ કોર્સિકામા તારા નથી મળતી.......બાકી સમાધાન એ સર્જનાત્મકતાનું-પોતાપણાનું મોત છે અને માંહ્યલાને દુઃખી દુઃખી કરવાની વાત છે એ વાત આ ફિલ્મ ફેન્ટાસટીક રીતે કરે છે. ફેન્ટાસટીક એટલે બને છે કારણ કે અહીં તારા છે,આ તારા સ્ત્રી કે પુરુષ કોઈ પણ હોઈ શકે પણ એક તારાનું હોવું જરૂરી છે જેને તમારા હનુમાન હોવાનું માત્ર અનુમાન નહીં પણ નક્કર ભાન અને જ્ઞાન હોય, અને તો જ સર્જનાત્મકતાનો સમુદ્ર તમે ઓળંગી શકો....મે અહીં મૂળ સંવાદો સાથે વિસ્તારથી વાત કરી છે એનું મહત્વનું કારણ એ જ છે કે સંવાદોની સેન્સીટીવીટી આ ફિલ્મમાં હાઈ વોલ્ટેજની છે અને એટલે જ ફિલ્મ એટલી બધી ફિલોસોફીકલ બની છે કે વાત પૂરી જ ન થાય.આ આપણા સૌના જીવનનો સાચો તમાશો છે. ફિલ્મને જે લોકો માત્ર ફન માને છે એ લોકો માટે આ ફિલ્મ નથી, માણસ માત્રના જીવનનો પડછાયો દર્શાવતી- બધા લોકોની વાત કરતી હોવા છતાં એ બધાં લોકો માટેની ફિલ્મ નથી.એક ચોક્કસ વૈચારિકતાથી સજ્જ વર્ગ આ ફિલ્મના ફિઝીક્સને પામી શકે તેમ છે. ફિલ્મ જોવા ગયેલા ત્યારે શરૂઆતની મીનીટોમા જ બાજુમા બેઠેલા અધ્યાપક મિત્ર નીતિને કહેલું ‘ સાલું અઘરું પિક્ચર લાગે છે’, મને અગાઉથી પ્રોમો જોઈને આ ફિલ્મના અઘરાપણાનો ખ્યાલ હતો જ,અને એટલે જ એ જોવા હું ખાસ્સો એવો આતુર પણ હતો. કારણ કે સાલું આપણને તો અઘરામા આમેય વધારે જ મઝા આવે. સીમિત વિચારોના છીછરા ખાબોચિયામા છબછબીયા કરવાને બદલે દરિયાના અગાધ ઊંડાણને માપવાના પ્રયત્ન માત્રમા પણ મઝા લેવા માગતા લોકોની યાદીમાં પોતાનું નામ જે લોકો ગર્વભેર માનીને ચાલતા હોય તેઓ માટે આ તમાશા છે, ખરેખર જોઈ લેવા જેવો છે. વિચારોના દરિયામાંથી એકાદ મહામુલું મોતી તો લઈને જ આવશો એની સંપૂર્ણ ખાતરી.....અનંત વાત થઇ શકે એ ફિલ્મ વિશે અત્યારે તો આટલું જ કહીને અટકું...ખરેખર દિલ અને દુનિયા વચ્ચેની મથામણને ડિફરન્ટ,ડેલીકેટ અને દમદાર રીતે વ્યક્ત કરતી આ સ્ટોરી સુપર્બ આઉટ ઓફ સુપર્બ્સ છે.

સંદર્ભ-

  1. ૧- “તમાશા” હિન્દી ફિલ્મ,૨૭ નવેમ્બર-૨૦૧૫
  2. ૨-http//m.facebook.com/anwar.patel.186/posts/10153594959595860

ડૉ. મનોજ માહ્યાવંશી, આસી.પ્રોફેસર, ગુજરાતી વિભાગ, ડૉ.એપીજે અબ્દુલ કલામ ગવર્મેન્ટ કૉલેજ, સિલવાસા-૩૯૬૨૩૦, યુનિયન ટેરેટરી ઓફ દાદરા એન્ડ નગરહવેલી. મોબાઈલ-૯૮૯૮૬૮૪૬૦૧ mahyavanshimanoj@yahoo.co.in