‘એક ગોપીનું ગીત’ અને‘હોઈ શકે’


‘એક ગોપીનું ગીત’

આમ કહો તો રાધા છું ને આમ કહો તો મીરાં,
મહિયારણ થઈ હાલી નીકળું હું મન મસ્ત ફકીરાં.

મારે ફળિયે યમુના ક્યાં ને ક્યાં છે વ્રજ વનવાસી ?
હું જ યમુના, હું જ વૃંદાવન, હુ જ ગોકુળવાસી
ભલે તમે નવ જાણો મુજને હું ગિરિધરની ગિરા.
આમ કહો તો રાધા છું ને આમ કહો તો મીરાં.

મારે તો નહીં મોંરપીંછ કે નહીં હૃદયની સખિયો,
એક જ વેણુનાદ સાથ અંતરનો કાગળ લખિયો
‘મોહન મોહન’ કરતી હાલું પનઘટ પનઘટ તીરા.
આમ કહો તો રાધા છું ને આમ કહો તો મીરાં.


‘હોઈ શકે’ (ગઝલ)

ચાંદનીનો ક્રેજ પણ અંગારક હોઈ શકે,
લાગણીનો ભેજ પણ સુવાહક હોઈ શકે.

કોણ કે’ છે ફૂલને ચાહે જ પતંગિયા !
ફૂલને ય કંટક તણો કો’ ચાહક હોઈ શકે.

પી ગયો છે નૂર આખી રાતનું સુરજ,
ને પ્રભાતે ચાંદ પાછો ગ્રાહક હોઈ શકે.

બહુ ઘવાયા સંબંધો શબ્દોની રમતમાં,
શબ્દ પણ કૂણો કે પછી દાહક હોઈ શકે.

બે હૃદય વચ્ચે અટકતો જાય છે સંવાદ,
આંખનો એક જ ઈશારો વાહક હોઈ શકે.

પ્રેમ જેને ‘પ્રેમ’ કહીએ, ‘પ્રેમ’ ના પણ હોય,
પ્રેમના પર્યાય બધાયે નાહક હોઈ શકે.

‘બહુ ગમો છો’ એમ તો લખાય પત્રમાં,
કાં એ ઉત્તમ સર્જક કાં ભાવક હોઈ શકે.

ડૉ. વર્ષા એલ. પ્રજાપતિ, ગુજરાતી વિભાગ,(ઝરમર), એસ.એલ.યુ. આર્ટસ એન્ડ એચ. એન્ડ પી. ઠાકોર કોમર્સ કોલેજ ફોર વિમેન, અમદાવાદ.