ગુજરાતી સાહિત્યમાં નારીવાદી વિચારણા


પૂર્વમાં કે પશ્ચિમમાં સમાજ પુરુષ શાસિત રહ્યો છે. તેની અસરમાં પિતૃસત્તાક સમાજમાં સ્ત્રીનું સ્થાન બીજા દરજ્જાનું રહ્યું છે. સ્ત્રીનું કાર્યક્ષેત્ર ઘર, વર અને બાળક પૂરતું સીમિત રહ્યું છે. વિશ્વનું સમગ્ર નારી જગત પિતૃસત્તાક સમાજની આ જોહુકમી અને ઠોકી બેસાડેલા જડ, અન્યાયી નિયમો-રીતિઓને કારણે અનેકાનેક વેદનાઓ સહન કરતી આવી છે. સમસ્ત વિશ્વના ખૂણે-ખૂણામાં વસનારી સ્ત્રીની ભાષા, ધર્મ, સંસ્કૃતિ કે પછી ભૌગોલિક અને સામાજીક પરિસ્થિતિઓમાં ભિન્નતા હોઈ શકે છે. પણ પિતૃસત્તાક સમાજને કારણે જાણે-અજાણે થતા અન્યાયોની વેદનાનો સૂર એક જ છે. સદીઓથી એમ જ ચાલતુ રહ્યું છે. પુરુષોની આ સત્તા પ્રત્યે નારી સમાજ તરફથી છેલ્લા બે સૈકાથી વિરોધના સૂર ઊઠ્યા છે.

વિશ્વની પહેલી વ્યવસ્થિત નારીવાદી ચળવળની શરુઆત 1848 માં અમેરિકામાં એલિઝાબેથ સ્ટેન્ટને કરી. તેમણે કહ્યું કે સ્ત્રી પોતે જ પોતાની અવનતિની ઊંડાઈને બરાબર સમજી શકે છે અને તેને ઊંચાઈએ લઈ જવાનુ કામ પણ સ્ત્રીએ જ કરવાનું છે. એ જ અરસામાં 1865 થી 1868 ના સમયગાળામાં બ્રિટનમાં જ્હોન સ્ટુઅર્ટ મિલે સ્ત્રી કેળવણી, સ્ત્રીને મતદાન અને વારસાના હક્કના બિલ માટે મોટી લડત આપી હતી. તે વખતે જ 1869 માં મેરી વોલ્સ્ટોન ક્રાફ્ટની કૃતિ ‘અ વિન્ડીકેશન ઓફ ધ રાઈટ્સ’ અને 1869 માં જ જે.એસ.મીલની ‘ધ સબ્જેકશન ઓફ વિમેન’ જેવી કૃતિઓમાં સ્ત્રીનું સમાજમાં આર્થિક, સામાજીક, સંસ્કૃતિક અને વૈયક્તિક સ્વાતંત્ર્યના મુદ્દે શું સ્થાન છે તેની ઝીણવટપૂર્વકની ચર્ચા કરી. 1879માં નારીના બંધનોમાંથી મુક્તિની વાત નોર્વેમાં નાટ્યકાર ઈબ્સિને ‘A Doll’s House’ નાટકમાં કરી. ઘરનો ત્યાગ કરતી પત્ની નોરાને રોકવા પતિ તોરવાલ્ડ જુદા જુદા અનેક કારણો બતાવે છે. છેવટે તે નોરાને તેની પત્ની અને માતા તરીકેના કર્તવ્યની યાદ અપાવે છે. ત્યારે નોરા કહે છે – ‘મારી બીજી ફરજો પણ છે.’
‘કઈ ?’
‘મારી જાત પ્રત્યેની.’
નારી હવે પોતાની આત્મ ઓળખ માટે સજ્જ થવા લાગી.

આમ જોવા જઈએ તો 1920 પછી નારીવાદી આંદોલન થોડું નરમ પડી ગયું હતું. પણ પછી તરતના જ વર્ષોમાં 1929 માં વર્જિનિયા વુલ્ફે ‘અ રૂમ ઓફ વન્સ ઓન’ માં પુરુષપ્રધાન સમાજમાં સ્ત્રી સર્જનાત્મકતાની રૂંધામણ અને શોષણની અભિવ્યક્તિની મુદ્દાસર ચર્ચાઓ કરી. 1949 માં ફ્રાન્સમાં સિમોન દ બુવાની કૃતિ ‘ધ સેકન્ડ સેક્સ’ પ્રકાશિત થઈ. આ મહત્વના પુસ્તકમાં એ વાત પર પ્રકાશ પાડવામાં આવ્યો કે સ્ત્રી પુરુષનો ભેદ એ સામાજીકરણનું પરિણામ છે. અને તેથી સ્ત્રી-પુરુષને સમાન ગણી, સમાન હક્કની માંગણીનો અવાજ બુલંદ થયો. 1968 માં અમેરિકન લેખિકા મેરી એલમનું પુસ્તક ‘થિંકિંગ અબાઉટ વુમન’ પ્રકાશિત થયું. જેમાં પુરુષ રચિત કૃતિમાંના સ્ત્રીના હીન પાત્રોની વિગતે ચર્ચા કરવામાં આવી છે. 1969માં કેટ મલેટનું ‘સેક્સ્યુઅલ પોલિટિકલ્સ’ નામનું ખૂબ ક્રાંતિકારી પુસ્તક પ્રકાશિત થયું. આ પુસ્તક્માં મિલેટે વ્યવસ્થિત રીતે ઊભી કરાયેલી થયું. એવી સામાજીક સંસ્થાઓની ચર્ચા કરી છે જે પુરુષ પ્રાધાન્યને અને સ્ત્રીના ગૌણ દરજ્જાને ન્યાયી ઠેરવે છે.

સમગ્રપણે સદી-દોઢ સદીના નારીવાદી આંદોલનના અને નારીવાદી સર્જનના સમયગાળાને શો વોલ્ટરના પુસ્તક ‘(A Literature of their own)’ ‘અ લિટરેચર ઓફ ધેર ઓન’ માં નારી લેખનની પરંપરા અને ભિન્નતા સંદર્ભે ત્રણ મહત્વની સંજ્ઞાઓ પ્રયોજી છે.

(1) ફેમિનિન તબક્કો (1920 થી 1949)
પ્રારંભિક તબક્કામાં નારીલેખન પુરુષ લેખકની સમકક્ષ થવા મથે છે પણ દ્રષ્ટિકોણ લગભગ પુરુષનો જ રહે છે. આ તબક્કો એ લેખનના ક્ષેત્રમાં નારીને દિશા બતાવે છે. નવી સૂઝ આપે છે. વુલ્ફે પોતાના પુસ્તક ‘અ રૂમ ઓફ વન્સ’ માં નારીલેખન વિશેની લગભગ દરેક મુદ્દાની ચર્ચા કરી છે.

(2) ફેમિનિસ્ટ તબક્કો – (1960 થી 1975)
આ તબક્કામાં પુરુષ વિદ્રોહ – વિરોધનો સૂર તેની ચરમસીમાએ પહોંચ્યો હતો. આ તબક્કો નકારાત્મક હતો તે પુરુષ સત્તાનો વિરોધ એ જ મુખ્ય લક્ષ્ય હતું. સ્ત્રીના પુરુષથી અલગ અસ્તિત્વનો કે તેની આગવી ઓળખનો મહિમા કરવામાં આવ્યો અને તેથી પુરુષની સત્તા અને આધિપત્ય સામેનો વિરોધ અને આક્રોશ પ્રકટ કરતું નારી સાહિત્ય સર્જાય છે. પુરુષપ્રધાન સમાજે જેના ખૂબ ગુણગાન ગાયા હતા તેવા પત્નીવ્રતા કે માતૃત્વની ભૂમિકાને બાજુએ મૂકી પોતાના વ્યક્તિ તરીકેના સ્થાનને મહત્વ મળે એવું આંદોલન અસ્તિત્વમાં આવ્યું.

(3) ફિમેલ-ગાયનોસેન્ટ્રીક તબક્કો (1979) થી અત્યાર સુધી)
આ મહત્વના તબક્કામાં પોતાના જાતિગત ભેદનો અને સ્વ-અસ્તિત્વનો સ્વીકાર કરી, હવે તેનું સમગ્ર ધ્યાન પુરુષ પરથી હટીને સ્ત્રી અને સ્ત્રીએ રચેલ સાહિત્યના અભ્યાસ પર કેન્દ્રિત થયું. આ તબક્કામાં ભૂતકાળમાં પુરુષે કરેલ અન્યાયયોની ફરિયાદને બદલે સ્ત્રીને, તેના મનને, તેના સર્જક્તવને સમજવાનો પ્રયત્ન થયો અને તેવા સાહિત્યનું સર્જન થવા લાગ્યુ.
આ તો થઈ પશ્ચિમના નારી આંદોલનની વાત. પરંતુ ભારતમાં પણ નારી જાગરણની ઘટના (1914-41 વર્જિનિયા વુલ્ફના લેખનકાળ દરમ્યાન) ઘટી ચૂકી હતી.

મજાની વાત એ છે કે જેમ પશ્ચિમમાં નારીવિકાસ અને નારી ચેતના જે.એસ.મિલ જેવા પુરુષને કારણે અસ્તિત્વમાં આવી હતી તેમ ભારતમાં સ્ત્રી જાગૃતિ અને સ્ત્રી હક્ક માટે રાજા રામ મોહનરાય, ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર, દયાનંદ સરસ્વતી, મહાદેવ ગોવિંદ રાનડે, મહાત્મા ફૂલે, કેશવચંદ્ર સેન, સ્વામી વિવેકાનંદ, મહર્ષિ કેશવ કર્વે અને મહાત્મા ગાંધીજી જેવા પુરુષોના સઘન પ્રયાસોને પરિણામે સ્ત્રીમાં જાગૃતિ, આત્મવિશ્વાસ ઉત્પન્ન થવા લાગ્યો હતો. ભારતીય નારીવાદના પોતાના આગવા પ્રશ્નો હતા. પશ્ચિમ અને પૂર્વનો નારીવાદ, નારીશોષણ વિરુદ્ધની ઝુંબેશમાં અને નારી ઉત્કર્ષની વિચારણામાં સામ્ય ધરાવતો હોવા છતાં સામાજીક, સાંસ્કૃત્તિક, ભૌગોલિક અને ઐતિહાસિક સંદર્ભો ભિન્ન હોવાને લીધે ભારતીય નારીવાદની પોતાની એક આગવી છબિ છે.

ભારતમાં ધર્મનું પરિબળ દરેક ક્ષેત્રમાં અને દરેક તબક્કે પ્રભાવક રહ્યું છે. એ જોતાં ભારતીય નારીવાદને સમજવા માટે વૈદિક કાળથી આજ સુધી ધર્મએ જે ભાગ ભજવ્યો છે તેને નજરઅંદાજ કરી શકાય તેમ નથી.

વૈદિક કાળ દરમ્યાન નજર કરીએ તો સ્ત્રી-પુરુષ સમાનતાના ખ્યાલો પ્રચલિત હતા. સ્ત્રીનું સ્થાન પુરુષની સાથે કેન્દ્રમાં હતું. ભગવાન શિવનું અર્ધનારીશ્વરનું સ્વરુપ તેનું પ્રતીક છે. ગાર્ગી કે મૈત્રેયી જેવી જ્ઞાનનિષ્ઠ અને તેજસ્વી સ્ત્રીઓને સમાજમાં ગૌરવપૂર્ણ સ્થાન મળ્યું હતું. આપણી પૌરાણિક કથાઓમાં સીતા, સાવિત્રી, દમયંતી, ગાંધારી, કુંતી, દ્રૌપદી જેવી સ્ત્રીઓની પોતાની એક આગવી ઓળખ હતી. છતાં આ કથાઓમાં પુરુષસત્તા અને પુરુષ આધિપત્યનો પ્રભાવ સતત છવાયેલો દેખાય છે. વાલ્મીકિએ સીતાનું સર્જન કર્યું, વ્યાસે દ્રૌપદીનું અને કાલિદાસે શકુન્તલાનું સર્જન કર્યું. પરંતુ છેવટે તો એ એક પુરુષ ચેતનના મનોજગતનું પરિણામ હતુ.

આપણે અહલ્યા, શકુન્તલા, દમયંતી કે સીતાની પૌરાણિક કથાઓ જોઈએ તો ચારેય કથાઓના કેન્દ્રમાં પુરુષ દ્વારા એક યા બીજી રીતે સ્ત્રીનો પરિત્યાગ છે. પછી ભલેને એમાં સમાધાન માટે જુદાજુદા નુસ્ખાઓ ગોઠવાયા હોય. ગૌતમ સાથે વિશ્વાસભંગનો, દુષ્યંત સાથે સ્મૃતિભ્રંશનો, નળ સાથે કલિપ્રવેશનો અને રામ સાથે રાજધર્મનો પ્રપંચ છતાં પુરુષ સત્તાપૂર્વક સંપતિ હડસેલતા હોય એમ સ્ત્રીને હડસેલવાનો મુદ્દો ચારેય કથાના કેન્દ્રોમાં રહે છે. આમ પૌરાણિક અને ધર્મશાસ્ત્રોના સમયમાં સ્ત્રીનું સ્થાન નિમ્ન કક્ષાએ પહોંચી ગયું હતું. મનુસ્મૃતિના રચયિતા મનુએ સ્ત્રીઓ માટે અનેકાનેક નિયંત્રણો-નિયમો બનાવ્યા. મધ્યયુગમાં સ્ત્રી પોતાની શક્તિઓ અને સમાર્થ્યને ભૂલી જઈને સબળ અબળા બની ગઈ. મીરાં, લલ્લા, મુક્તા, આકા, જનાબાઈ જેવી આંગળીને વેઢે ગણાય એવી મહિલાઓએ સમાજના કુરિવાજોનો ખુલ્લો વિરોધ કરીને સ્ત્રી શક્તિનો પરિચય આપ્યો પણ તેની વ્યાપક સ્ત્રી સમાજ પર અસર નહિવત જેવી.

આમ ભારતીય સંસ્કૃતિની વાત કરીએ તો સ્ત્રીની કાર્યેષુ મંત્રી, કરણેસુ દાસી, ભોજનેષુ માતા, શયનેષુ રંભા એમ કહી તેના વિવિધ રૂપોની પ્રશંસા કરવામાં આવતી. તેને દેવી કે શક્તિ કહી નવાજવામાં આવતી. આથી સાહિત્યમાં આનો પડઘો સ્ત્રીના ચારિત્રલેખનમાં સતત પડઘાયા કરે છે. સાહિત્યમાં સ્ત્રી પતિવ્રતા, સતી, ગૃહલક્ષ્મી એટલે કે એક આદર્શમૂર્તિને અંકિત કરે છે.
પ્રસ્તુત પેપરમાં ગુજરાતી સાહિત્યમાં પુરુષ લેખક અને સ્ત્રી લેખકે સમાજમાં આવતા પરિવર્તનો સાથે નારી ચરિત્ર આલેખન કઈ રીતનું કર્યું છે તેનું અવલોકન કરવાનો પ્રયાસ કર્યો છે.

1866 માં ગુજરાતી સાહિત્યની પહેલી નવલકથા સાસુ-વહુની લડાઈમાં લેખક મહીપતરામ નીલકંઠે હિંદુ સમાજમાં વહુઓની અવદશાનું માર્મિક નિરૂપણ કર્યું છે. સાસુ દ્વારા વહુ પર અત્યાચાર થાય અને છેલ્લે તે મૃત્યુ પામે. એક સ્ત્રી જ સ્ત્રીની દુશ્મન બને અને બીજી સ્ત્રી એવી ડાહી-ગુણિયલ કે બધું મૂંગા મોઢે સહ્યા જ કરે, એ કરુણાંતિકાનું આલેખન એ વખતના સમાજમાં વહુઓની માઠી દશા ઉદ્ઘોષિત થાય છે.

ત્યાર પછી એ વખતે ખાસ્સી લોકપ્રિય એવી સરસ્વતીચંદ્ર નવલકથામાં ગોવર્ધનરામ ત્રિપાઠીએ કુમુદનું સર્જન કર્યું. આ પણ એક આદર્શ નારીપાત્ર – ચૂપચાપ વ્યથાને હૃદયમાં ભંડારી રાખતું, ત્યાગ, સેવા, સમર્પણના યજ્ઞમાં પોતાની ઈચ્છાઓ, લાગણીઓની બલિ ચઢાવતું પાત્ર. કુમુદ અને સરસ્વતીચંદ્રના લગ્નની સંભાવના છતાં વિધવા વિવાહને લેખકે ટાળ્યો. આમાં લેખકની પરાપૂર્વથી ચાલી આવતી પરંપરાગત માન્યતા પ્રતિબિંબિત થાય છે.

કનૈયાલાલ મુનશી આમ તો પોતાના સમય અને સમાજથી આગળ એવા આધુનિક વિચાર ધરાવનાર. તેથી તેમની નવલકથાના સ્ત્રીપાત્રો સ્વતંત્ર વિચાર ધરાવનાર, અવાજ ઉઠાવનાર, નિર્ભય, સ્વમાની બૌદ્ધિકક્ષમતા ધરાવનાર અને થોડાં ગર્વિષ્ઠ પણ ખરાં. છતાં આ સ્ત્રીપાત્રો કથાના અંતે નાયકને સમર્પિત થઈ જવામાં જ ધન્યતા અનુભવે છે. તેમની નવલકથાઓમાંની પૃથ્વીવલ્લભની મૃણાલ, ‘ગુજરાતનો નાથ’ ની મંજરીના પાત્રોમાં આ વાત સ્પષ્ટ દેખાય છે. મનુભાઈ પંચોળી, ‘દર્શક’ ની ખૂબ જાણીતી નવલકથા ‘ઝેર તો પીધા જાણી જાણી’ માં ‘રોહિણી’ નું નારીપાત્ર પણ આદર્શોને વરેલું છે.

પુરુષ સર્જકે કરેલું આ આલેખન સાચા અર્થમાં નારીને નિષ્ક્રીયતાની મૂર્તિમાં ફેરવી દે છે. સ્ત્રીની અસ્મિતાને આદર્શના અંચળા હેઠળ ઢાંકી, છેલ્લે તેને પરાધીનતા અર્પે છે. શક્ય છે કે લેખક પરંપરાગત સમાજના નિયમો, મૂલ્યોને ઉખેળવા માંગતો ન હોય. જે છે તે બધું બરાબર છે. એવી તેની પોતાની સમજણને વફાદાર રહે છે. ‘આવું જ હોય’ એવું તેણે સ્વીકારી લીધું છે અને તેના સ્ત્રીપાત્રો પણ તેને અનુસરે છે.

હા, ગોવર્ધનરામ ત્રિપાઠીએ કુમુદની સાથે કુસુમનું પાત્રાલેખન પણ કર્યું. જે નારીના વ્યક્તિત્વને ગૌરવ બક્ષતું સીમા ચિહ્નરૂપ ગણી શકાય. કુસુમના પાત્ર દ્વારા સ્ત્રીની પણ લગ્ન વિશેની પોતાની પસંદગી હોઈ શકે, તે વિશેના સ્વતંત્ર વિચાર હોઈ શકે, કુંવારા રહેવાનો નિર્ણય કરી શકે જેવો આધુનિક નારી મુક્તિનો સંદેશ સમાજમાં વહેતો થયો.

ત્યારપછી દ્વિરેફની ખેમી કે પન્નાલાલની જીવી પછાત સમાજમાંથી આવતા હોવા છતાં પોતાનું કૌવત પ્રકટ કરે છે. એ સમય દરમ્યાન જ જયંતિ દલાલની સવિતા, મેઘાણીની લાડકો રંડાપોવાળી ‘ભાભી’ અને અતિ આકરા, બીજાને ડારનારા નૃસિંહપ્રસાદની સામે માથું ઊંચકનારી શાંતિદા જેવી સ્ત્રીપાત્રોનું પણ સુંદર રીતે આલેખન થયું.

મોહન પરમારની વાર્તા થળી માં હરિજન કુટુંબની સ્ત્રી પોતાના શોષણનો વિરોધ કરે છે તે દર્શાવ્યું છે.

આ તો થઈ પુરુષ સર્જક દ્વારા રચાતા નારીપાત્રોની. પણ સ્ત્રી લેખિકાઓ દ્વારા પણ નારીપાત્રોનું આલેખન એક નવો ચીલો ચાતરે છે.

વીસમી સદીના પૂર્વાર્ધમાં વિનોદિની નીલકંઠ, લીલાવતી મુનશી, લાભુબેન મહેતાએ તેમની વાર્તાઓમાં સ્ત્રીને થતા અન્યાયો, શોષણ અને ઉપેક્ષાને શબ્દબદ્ધ કર્યા છે. પણ છતાં એમના સ્ત્રીપાત્રો પિતૃસત્તાક સમાજની પરંપરાગત માન્યતા ધરાવતા આદર્શ નારીના છે. પુરુષને પડકારવાની માનસિકતા નહીં પણ સમાધાનનું વલણ ધરાવતી સ્ત્રીપાત્રો ઉજાગર થાય છે. કદાચ આ લેખિકાઓને જે રુઢિવાદી માળખામાં ઉછેર થયો હોય તેની અસર હોઈ શકે.

1968 માં કુન્દનિકા કાપડિયાની ‘પરોઢ થતા પહેલાં’ નવલકથાની નાયિકા પણ જે આધુનિક અને શિક્ષિત હોવા છતાં જીવનમાં એક જ વાર પ્રેમ થઈ શકે એવી પરંપરાગત માન્યતાને તોડીને બહાર આવી શકતી નથી.

વર્ષા અડાલજાની નવલકથા ‘મારે પણ એક ઘર હોય’ માં નાયિકા લીનાની અંતિમ મંજીલ એટલે પિતૃ સમાજે ઊભા કરેલ આદર્શ મુજબનો પત્ની અને માતાની ભૂમિકામાં જ જીવન સાફલ્યનો અનુભવ. એક નવો ચીલો ચાતરી શકે તેમ હોવા છતાં વર્ષાબહેને પરંપરાગત વિચારોથી નાયિકાને વધુ સ્વતંત્ર થવાની છૂટ નથી આપી. વિનોદીની નીલકંઠની ‘કદલીવન’ માં સ્ત્રીજીવનની સમસ્યાઓ, પરાપૂર્વથી ઉતરી આવેલા કુરિવાજો સામે સુધારાવાદી પવનનું ચિત્રણ છે.

1984 માં ગુજરાતી સાહિત્યમાં નારીની વ્યક્તિગત અસ્મિતાને વાચા આપતી કુન્દનિકા કાપડિયાની ‘સાત પગલા આકાશમાં’ નવલકથાએ નારીવાદના वववવિચારને રજૂ કરવાની પહેલ કરી. આ પુસ્તક પ્રગટ થયું ત્યારે ખરેખર તો એક સામાન્ય, મધ્યમવર્ગીય ગૃહિણી સુધી નારીવાદનો ખ્યાલ પહોંચ્યો ન હતો. એવા સમયે આ લાક્ષણિક ગુજરાતી નારીપણાની પ્રતીકસમી વસુધાના પાત્રમાં, તેને પોતાનું પ્રતિબિંબ દેખાયું. આ ખૂબ ચર્ચાસ્પદ નાયિકાપ્રધાન નવલકથાએ સ્ત્રીના દ્રષ્ટિબિંદુને, લઈને અમાપ સામાજીક જાગૃતિ ઉભી કરી. વસુધાના નિવૃત્તિ વિશેના આદર્શો દરેક ભારતીય સ્ત્રીની ઘરના રોજિંદા, એકધારા યંત્રવત્ કામો અને એકધારી સામાજીક જવાબદારીઓમાંથી મુક્ત થવાની છૂપી ઈચ્છા પ્રગટ કરે છે. વસુધાના પ્રશ્નો એ ખરેખર તો દરેક સ્ત્રીના અવ્યક્ત પ્રશ્નોનો પડઘો છે. તેમની અંગત સમસ્યાઓ, વેદનાને વૈશ્વિક સ્વરૂપે વસુધાના પાત્ર દ્વારા વાચા મળે છે. અને તેથી જ સ્ત્રી વાચકોને વસુધાનું પાત્ર પરિચિત જ નહિ પણ આશ્વાસનરૂપ લાગે છે. આ નવલકથાએ કુટુંબને સ્ત્રી-પુરુષના લગ્નજીવનને નવી દ્રષ્ટિથી જોવાની ફરજ પાડી. સ્ત્રીને પણ પોતાની રીતે જીવવા કુટુંબમાં space આપવી પડે ! આ નવલકથાથી પરંપરાગત સમાજને એક જબરદસ્ત ધક્કો લાગ્યો. સ્ત્રી માટે સ્વતંત્રતાની જે વાતો અહીં રજૂ કરવામાં આવી તે કદાચ બધી જ વ્યવહારમાં શક્ય ન બને. પણ એક વાત ચોક્કસ કે સ્ત્રી પોતાની જાત માટે વધુ સચેત અને જાગૃત થઈ.

1982 માં પ્રગટ થયેલી ઈલા આરબ મહેતાની બત્રીસ પૂતળીની વેદનામાં સ્ત્રીમુક્તિની ઝંખનાને અત્યંત કલાત્મકતાથી વ્યક્ત કરાઈ છે. પુરુષપ્રધાન સમાજ વ્યવસ્થામાં સ્ત્રીનો એક મનુષ્ય તરીકે સ્વીકાર થતો નથી. અસ્વીકારની આ વેદનાને લેખિકાએ પચ્ચીસ જેટલા સ્ત્રીપાત્રો દ્વારા આકારિત કરેલી છે. નારી સુધારણાના વિવિધ સંકેતો લેખિકાએ અસરકારક રીતે રજૂ કર્યા છે. તેમની બીજી વાર્તા ‘પાંખ’ પણ આ વાતને ઉદ્ઘોષિત કરે છે.

1988 માં ધીરુબહેન પટેલની નવલકથા ‘કાદમ્બરીની માં’ ‘સાસુ’ ની નવી વ્યાખ્યા લઈને આવે છે. પરંપરાગત સામાજીક માળખામાં સાસુને શંકાની નજરે જ જોવાય. પણ આ નવલકથા બે સ્ત્રી વચ્ચે જો લાગણી અને સમજણના સંબંધ વિકસે તો કેટલાય પ્રશ્નનું સમાધાન મળી જાય તેની રજૂઆત સુંદર રીતે થઈ છે. તેમની બીજી નવલકથા ‘શીમળાના ફૂલ’ ની રન્ના અન્યાય સામે આક્રોશ વ્યક્ત કરે છે. વાત છેક ગૃહત્યાગ સુધી પહોંચે છે. પણ અંતમાં તેને ઘરે પાછી ફરતી બતાવી છે. પરંપરાગત સમાજની સ્ત્રી પોતાનું નહિ પરંતુ સમગ્ર કુટુંબને ધ્યાનમાં રાખી નિર્ણયો લે છે. કુટુંબનું હિત તેની પ્રાથમિકતા બને છે.

સરોજ પાઠકની ‘સારિકા પિંજરસ્થા’ વાર્તામાં પોતાના વ્યક્તિત્વના અનાદરનું અને જન્મથી મૃત્યુ સુધી પરોક્ષ રીતે પિંજરામાં પૂરાયેલી નારીનું કરુણ આલેખન છે. જે નારીમુક્તિના ઘોષ તરફ દિશા ચીંધે છે. હિમાંશી શેલતની વાર્તા ‘બળતરીના બીજ’, ‘અંધારી ગલીમાં સફેદ ટપકાં’, ‘અકબંધ’, ‘સુવર્ણ ફળ’ માં નારીવાદી દ્રષ્ટિ ઘોષણારૂપે નહિ પણ સૂક્ષ્મ રીતે નિરુપિત થાય છે.

બિંદુબેન ભટ્ટની લઘુનવલ ‘મીરાં યાજ્ઞિકની ડાયરી’ અને સુવર્ણાની વાર્તા ‘તો તો કેવું સારું’ માં લેસ્બિયન સંબંધોનું વિષયવસ્તુ ખૂબ હિંમતભેર લઈ આવ્યા છે.

વીસમી સદીના ઉત્તરાર્ધમાં ધીરુબેન પટેલ, કુન્દનિકા કાપડિયા, વર્ષા અડાલજા, ઈલા આરબ મહેતા, સરોજ પાઠક, હિમાંશી શેલત, સ્ત્રી સર્જકોના લેખનમાં હવે કેન્દ્ર બદલાયું છે. પુરુષ તરફનો આક્રોશ અને આક્રમકતા સ્પષ્ટપણે અથવા તો ગર્ભિત રીતે આલેખાયા છે.

આટલી નવલકથામાં સ્ત્રીઓનું ચિત્રણ જોયા પછી એવું કહી શકાય કે આધુનિક એકવીસમી સદીના પ્રશ્નો, સમસ્યા થોડાં જુદા છે. સતીપ્રથા, બાળલગ્નો, વિધવાની અવદશા અંતરિયાળ વિસ્તારોમાં આજે પણ છે જ. પણ હવે ભ્રૂણહત્યા, બળાત્કાર, મારપીટ, દહેજપ્રથા વગેરેની સાથે સ્ત્રીના આર્થિક સ્વાતંત્ર્ય અને સમાનતા માટે સ્ત્રી ઝઝૂમે છે. ઉચ્ચ-મધ્યમવર્ગની શહેરી શિક્ષિત સ્ત્રીઓની સમસ્યા, સંઘર્ષ, અવગણના હવે છાના રહ્યા નથી. આ બધાને લીધે તાણ અને દ્વિધા અનુભવતી સ્ત્રીનું સર્જકો દ્વારા સાહિત્યકૃતિમાં આલેખન થાય તે જરૂરી છે. સ્ત્રીની જેમ બોલવું અને સ્રી હોઈને બોલવું એ બે વચ્ચે મોટો ભેદ છે. તેથી જ સ્ત્રી લેખિકા દ્વારા લખાયેલી નવલકથામાં સ્ત્રી ને તેના મૂળ સ્વરૂપમાં રજૂ કરાઈ છે. આ સ્ત્રીચરિત્રો સજાગ અને સચેત છે. કોઈ તેનો લાભ ન ઉઠાવી જાય તે માટે સાવધ છે. પુરુષશાસિત સમાજ સામે વિદ્રોહ છે છતાં પરંપરા સાથે અનુબંધ પણ છે.

અત્યાર સુધી રચાયેલા સાહિત્ય પર નજર ફેરવતા એટલું તો સ્પષ્ટ થાય છે કે સ્ત્રી માટે ત્યાગ, સહનશીલતા, સમર્પણ જેવા શબ્દો જૂના થઈ ગયા છે. સ્ત્રીને આદર્શ કે કલ્પનામૂર્તિ તરીકે નહિ પણ એક સ્ત્રી તરીકે જ જોવી ઘટે.

નારીચેતના અને નારી જાગૃતિના પરિણામો સાહિત્યમાં હવે દેખાવા લાગ્યા છે. આવનારો સમય ઘણી બધી રીતે નીર-ક્ષીરનો વિવેક કરીને યોગ્ય સંદર્ભમાં નારીનું ખરું સ્વરૂપ અને તેનું સામાજીક સ્થાન પ્રગટાવી રહેશે તેમાં કોઈ શંકા નથી. એટલે કે આપણને શ્રદ્ધા રાખવાના ભરપૂર કારણો છે.

સંદર્ભ સૂચિ :

  1. 1. ફેમિનિઝમ, નારીવાદની સુસ્પષ્ટ વિભાવના – રંજના હરીશ, ઉદ્દેશ – 1999.
  2. 2. પોતાનો ઓરડો – રંજના હરીશ, ગુર્જર ગ્રંથરત્ન – 1999
  3. 3. સાત પગલા આકાશમાં – કુન્દનિકા કાપડિયા, અશોક પ્રકાશન
  4. 4. અસ્મિતા પર્વ – અનિલા દલાલ, બિંદુ ભટ્ટ – આદ્યકવિ નરસિંહ મહેતા સાહિત્યનિધિ (જૂનાગઢ)
  5. 5. બત્રીસ પૂતળીની વેદના – મહેતા ઈલા આરબ – આર.શેઠ એન્ડ કંપની – 1992
  6. 6. સાચી ઓળખ – મીરા ભટ્ટ – પ્રરમ પ્રકાશન ભાવનગર
  7. 7. નિજી આકાશ – રંજના હરીશ – ગુર્જર પ્રકાશન 1998

પ્રા સ્મિતા મહેતા, માનસશાસ્ત્ર વિભાગ, ગુજરાત આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ, અમદાવાદ