Download this page in

ગુજરાતી દલિત સાહિત્યનો ઉદ્દભવ

‘દલિત સાહિત્ય’ શબ્દ પ્રચલિત થયો ત્યારે તેનો ખુબ વિરોધ થયેલો. કહેવાતા વિદ્વાનોએ તો એમ પણ કહેલું કે સાહિત્યને કોઈ વિશેષણની જરૂર નથી. એટલે કે, સાહિત્ય શબ્દની આગળ જે ‘દલિત’ શબ્દ આવે છે તે એક વિશેષણ છે. આમ, ખાસ કરીને તો તેમણે તેમના મનની દલિતો પ્રત્યેની ધૃણાને જ વ્યક્ત કરી હતી. એવું એટલાં માટે કહી શકાય કે, આ પહેલાં પણ સાહિત્યને અનેક વિશેષણો લગાડવામાં આવી ચુક્યા છે. જેમ કે, –‘જૈન સાહિત્ય’, ‘ચારણી સાહિત્ય’, ‘સ્વામિનારાયણ સંપ્રદાયનું સાહિત્ય’, ‘સંત સાહિત્ય’ વગેરે... સ્વાભાવિક છે કે, દલિત સાહિત્ય પણ એક સાહિત્ય વિશેષ છે જેનું સાહિત્ય દલિત જીવન, સમસ્યા, પ્રશ્ન, પરિવર્તન, વિદ્રોહ, નવરચના, જાગૃતિ, માનવતાનું સાહિત્ય છે. પરંતુ અહીં મૂળ વાત કરવાની છે ગુજરાતી દલિત સાહિત્યના ઉદ્દ્ભવની જેની અહીં વિશેષ ચર્ચા કરીએ.

આપણે સૌ જાણીએ છીએ કે દલિત સાહિત્યનું મૂળ તો ડૉ.બાબા સાહેબ આંબેડકરની વિચારધારા છે. દલિત સાહિત્ય સદીઓથી ચાલી આવતી દલિતોનું શોષણ કરવાની, તેમને કચડવાની, તેમને પશુની જેમ રાખવાની પ્રથામાંથી એક પ્રકારની દયનીય તેમજ દુર્દશા ભરી સ્થિતિનો ખ્યાલ આપનાર તેમજ તેનું ભાન કરાવનાર ડૉ. આંબેડકરને આભારી છે. તેમને દલિતો પર થતા અત્યાચાર અને અન્યાયને નાબુદ કરવા માટે અને દેશમાં સમાનતાની ભાવના જગાડવા માટે અનેક લેખો લખ્યા. તેઓ સાહિત્યકાર કે કવિ નહોતા છતાં તેમની અભિવ્યકિમાં કાવ્યાત્મકતા જોવા મળે છે. ‘તો ધર્મ બદલો’ તેમની રચનામાં તેઓ લખે છે-
‘મેળવવું હોય સ્વમાન,
રચવો હોય સહકારી સમાજ,
પ્રાપ્ત કરવો હોય અધિકાર,
જોઈતી હોય સમાનતા
અને સ્વતંત્રતા તો ધર્મ બદલો.
જીવી શકો સુખ શાંતિથી એવા વિશ્વનું કરવું હોય નિર્માણ
તો ધર્મ બદલો’[1] (અનુવાદ – સાહિલ પરમાર)

મરાઠી સાહિત્યકાર અર્જુન ડાંગળેએ નોંધ્યું છે કે-
‘ડૉ. આંબેડકરે દલિતોની એક સમગ્ર પેઢીની ક્રાંતિકારી વૈચારિક પરંપરાનું ઘડતર કર્યું હતું. આજે એ દલિતો તેમના મસ્તક ઊંચાં કરી શકે છે એનું શ્રેય ડૉ. આંબેડકરને ફાળે જાય છે. આ સામાજિક જાગૃતિની સાહિત્યિક અભિવ્યક્તિ એટલે દલિત સાહિત્ય’[2]

ઈ.સ. ૧૯૫૬માં દલિતોના તારણહાર અને પ્રેરણામૂર્તિ એવા ડૉ. આંબેડકરના અવસાને સમગ્ર ભારતને આઘાત પહોચાડ્યો હતો. ખાસ કરીને દલિત વર્ગ પર એની ઘેરી અસર થઇ. તેમણે આંબેડકરને અંજલી આપવા માટે અનેક ‘અંજલિ’ કાવ્યો રચ્યાને આ કાવ્યો રચનારા કોઈ સિદ્ધહસ્ત કવિઓ નહોતા ! પ્રસ્તુત અંજલિ કાવ્યોનું સંપાદન ડૉ. રમેશચંદ્ર પરમારે ‘અંજલિ’ નામે કર્યું છે. અહીંથી જ દલિત કવિતાઓનો પ્રારંભ થયો એમ કહી શકાય. આ ઉપરાંત મરાઠી દલિત સાહિત્યના આંદોલનની અસર ગુજરાતી ભાષા પર પડી જેને કારણે ગુજરાતી દલિત સાહિત્ય અંગેની સભાનતા આવી. ઈ.સ. ૧૯૨૯માં મનોર ગાંગેરા નામના એક દલિત યુવાને ‘આંતર વેદના’ કાવ્યમાં પોતાની સંવેદના વ્યક્ત કરી છે ને લખ્યુ છે-
‘હડધૂત થઇ હળવો પડ્યો, જીવન પશુના તુલ્ય છે;
અવતાર લીધો હિંદમાં, એ શુ અમારી ભૂલ છે ?’[3]

અહીં દલિત યુવાનની વેદના વ્યક્ત થાય છે. પોતે હિંદુ હોવા છતાં પણ હિંદુઓથી અલગ છે તેનું ભાન થતા જ અનાયાસે જ તેની લાગણીઓ કવિતા દ્વારા વહેવા લાગે છે. જેમ કે, દલિતો હિંદુ છે કે નહિ તે પ્રશ્ન પણ ઉપસ્થિત થાય છે. દલિતને ડૉ. આંબેડકરે ‘પંચમ વર્ણ’ કહ્યો છે, તો મહાત્મા ફૂલેએ ‘શૂદ્રાતિશૂદ્ર’ કહ્યા છે. અમ પણ, હિંદુ ધર્મમાં રહેવા માત્રથી તે ભેદનો ભોગ બને છે, માટે જાગૃતિ દ્વારા જ દલિતોને ફરી ધર્મ પરિવર્તન તરફ વાળી શકાય. આવી તો કેટલીયે કાવ્ય રચનાઓએ દલિત સાહિત્યને એક આગવી ઓળખ આપી. જેમાં દલિત યુવાનોએ પોતાના સ્વાનુભવોને વ્યક્ત કર્યાં છે. આ ઉપરાંત ગુજરાતના કેટલાક સામયિકોએ દલિત સાહિત્યને એક નવી દિશા આપી જેમાં નાગજી ભાઈ આર્યના ‘દલિત ગુજરાત’ અને જેઠાલાલ જાદવના ‘આર્તનાદ’ જેવા સામયિકોમાં દલિતોના દુઃખ,દર્દ વિષે કવિતાઓ પ્રગટ થતી હતી. ગુજરાતી દલિત સાહિત્યમાં ‘દલિત પેન્થર’ના પ્રમુખ ડૉ. રમેશચંદ્ર પરમારે ઈ.સ. ૧૯૭૫માં ‘પેન્થર’ નામનું સામયિક શરું કર્યું. જેને ગુજરાતી દલિત સાહિત્યનું ઉદ્દ્ભવ બિંદુ કહી શકાય. જેમાં આંબેડકરવાદી વિચારધારાને વિશેષ મહત્વ આપવામાં આવ્યું અને તેમની એ વિચારધારાને વેગવંતી બનાવી. દલિત સાહિત્યનો ખરેખરો પ્રાદુર્ભાવ તો ૧૪ એપ્રિલ, ૧૯૭૮માં કવિતાના સામયિક ‘આક્રોશ’ દ્વારા થાય છે, જેના તંત્રી સ્થાને દલિત લેખક અને અગ્રણી કર્મશીલ ડૉ. રમેશચંદ્ર પરમાર છે અને તેનું સંપાદન કરનાર દલિત કવિઓ નીરવ પટેલ, દલપત ચૌહાણ, પ્રવીણ ગઢવી અને યોગેશ દવે વગેરે સંકળાયેલા હતા. પ્રસ્તુત સામયિકની કવિતાઓમાં મુખ્યત્વે દલિતોના દુઃખ, દર્દ, અપમાન, અન્યાય, અત્યાચાર, ધૃણા, અનાચાર, તિરસ્કાર, વેઠ-વૈતરું, વ્યવસાયપણું, અસ્પૃશ્યતા, હિંસા, ગરીબી, નિરાશા, લાચારી, શોષણ, ભેદભાવ, ઓરમાયાપણું વગેરે સામેના આક્રંદને વાચા મળે છે. ‘આક્રોશ’ના સંપાદક કવિઓ નોંધે છે કે –
‘અમારે સાળ, સાવરણો કે આરી-છરી ફગાવીને કવિ બનવું પડ્યું છે. અમારા શબ્દોમાં પ્રગટતો પ્રકોપ આખરે તો વેદનાનું જ બીજું નામ છે.’[4]

‘આક્રોશ’માં દલિત કવિતાને સ્થાન મળ્યું જેમાં અનેક યુવા કવિઓએ દલિતોની દુર્દશા અને ભારતીય સમાજ વ્યવસ્થા જે ભેદકારી છે પર આક્રોશ વ્યક્ત કર્યો છે. સમગ્ર દલિત સમાજને અને તેમની દુર્દશાને નિરુપતું સાહિત્ય વિકસ્યુ અને આવી રીતે આગળ વધતું ગયું. ૧ ડિસેમ્બર, ઈ.સ. ૧૯૭૯માં કવિ દલપત ચૌહાણે પિનાકીન દવેની પ્રસ્તાવના સાથે ‘કાળો સૂરજ’ સામયિક શરું કર્યું. જેમાં ઘણા બધા યુવા દલિત કવિઓની રચનાઓને સ્થાન મળ્યું હતું. તેમજ તેનો વ્યાપક પ્રમાણમાં પ્રચાર અને પ્રસાર થયો હતો. દલિત કવિતા સાહિત્યને આગળ વધારવામાં ‘કાળો સૂરજ’નું મુખ્ય યોગદાન રહ્યું છે. ‘આક્રોશ’ અને ‘કાળો સૂરજ’ પછી અન્ય દલિત સામયિકોમાં દલિત કવિતાઓ પ્રગટ થતી રહે છે, જેમાં ‘ગરુડ’, ‘દલિત બંધુ’, ‘અજંપો’, ‘મુક્તિ નાયક’, ‘દલિત મિત્ર’, ‘નયા માર્ગ’, ‘તમન્ના’, ‘અભ્યુદય’, ‘પ્રગતિ જ્યોત’, ‘તરસ’, ‘અક્ષય’, ‘સ્વમાન’, ‘પરિષદ સંદેશ’, ‘લગામ’, ‘દલિત મુક્તિ’, ‘એક્સપ્રેસ’, ‘હયાતી’, ‘દલિત ચેતના’, ‘સંઘર્ષ-ઈ જર્નલ’ વગેરે છે, જેમાં દલિત કવિતાઓ તથા સાહિત્ય પ્રગટ થતું રહ્યું છે તેમજ આજે પણ પ્રકાશિત થાય છે. આ ઉપરાંત ‘ચાંદની’, ‘તાદર્થ્ય’, ‘બહુજન સાહિત્ય’, ‘પરબ’, ‘નયામાર્ગ’, ‘વિ’, ‘સમાજ મિત્ર’, ‘શબ્દસૃષ્ટિ’, ‘હયાતી’ વગેરેના દલિત સાહિત્ય વિશેષાંકોએ દલિત સાહિત્યના ઉદ્દભવ અને વિકાસમાં મહત્વનું યોગદાન આપ્યું છે. આવી રીતે દલિત સાહિત્યનો ઉદ્દભવ પદ્યમાં થયો અને વિસ્તરતો રહ્યો જેના ફળ રૂપે અનેક કાવ્ય સંગ્રહો પ્રગટ થયાં. જેમાં મધુકાન્ત કલ્પિતનો ‘કેશરિયા ટશરનું આકાશ’ (૧૯૭૯), સુરેશ બારિયાનો ‘બળાત્કાર’(૧૯૮૦), જયંત પરમારનો ‘તળેટી’(૧૯૮૧), શ્યામ સાધુનો ‘યાયાવરી’(૧૯૮૧), નરેશ પટ્ટણીનો ‘તારા ઘર સુધી’(૧૯૮૧), પથિક પરમારનો ‘ઝંખના પથિકની’(૧૯૭૩), ‘દ્વિદલ’(૧૯૭૮), ‘વત્તા’(૧૯૮૧) વિશેષ ધ્યાન પાત્ર છે.

ઈ.સ. ૧૯૮૧માં જ્યારે અનામત વિરોધી રમખાણો ફાટી નીકળ્યા ત્યારે ગુજરાતનાં દલિતો તરફની ઉપલા વર્ગની ખોખલી સહાનુભૂતિ ખુલ્લી પડી ગઈ અને દલિતોના આક્રોશમાંથી વધુ પ્રબળ સાહિત્ય રચાયું જેમાં ગુજરાતના ‘લોકાયન’ દ્વારા ગણપત પરમાર અને મનીષી જાનીએ સંપાદિત કરેલો ‘દલિત કવિતા’નો પ્રથમ સંગ્રહ સને ૧૯૮૧માં પ્રગટ થયો. બાલકૃષ્ણ આનંદ અને ચંદુ મહેરિયા સંપાદિત ‘વિસ્ફોટ’(૧૯૮૪) કાવ્યસંગ્રહમાં ૧૪ કવિઓની ૬૪ રચનાઓનો સમાવેશ કર્યો છે. ઈ.સ. ૧૯૮૪માં ‘નયામાર્ગ’ સામયિક દ્વારા ‘અસ્મિતા’ નામનો અંક ચંદુ મહેરિયા દ્વારા સંપાદિત થાય છે. દલિત કવિતા ક્ષેત્રે દલપત ચૌહાણ, હરીશ મંગલમ, નીરવ પટેલ, પ્રવીણ ગઢવી, સાહિલ પરમાર, કિસન સોસા, ભી.ન. વણકર વગેરે તેમની સર્જનાત્મકતાથી ઉત્તમ દલિત કવિતાઓનું સર્જન કરે છે. આ ઉપરાંત બિન દલિત સર્જકોએ પણ તેમાં મહત્વની ભૂમિકા ભજવી છે. જો કે દલિત યુવાનો અને સર્જકોએ એવો વિરોધ કરેલો કે દલિત સિવાય કોઈ દલિત સાહિત્ય રચી જ ન શકે એટલે દલિત સાહિત્યની રચના માત્ર દલિત સર્જક જ રચી શકે. પરન્તુ એ અંગે કેટલાયે અલગ અલગ મતો જોવા મળે છે. તેમ છતા દલિત સાહિત્યના વિકાસમાં બિન દલિત સર્જકોનો ફાળો મહત્વનો રહ્યો છે. જોસેફ મેકવાનના રેખા ચિત્રો દલિત સાહિત્યના વિકાસમાં મહત્વની ભૂમિકા ભજવે છે. જેમાં ‘વ્યથાના વીતક’(૧૯૮૫) અને ‘આંગળિયાત’ નવલકથા નોંધપાત્ર છે. આ રચનાઓ દ્વારા ગુજરાતી દલિત સાહિત્યમાં ગદ્યનો પ્રારંભ થાય છે, જેના દ્વારા દલિત સાહિત્યને સમૃદ્ધ થયું છે.

આમ, ગુજરાતી દલિત સાહિત્યમાં પહેલીવાર ગદ્યનો પ્રયોગ કરનાર જોસેફ મેકવાને દલિત સાહિત્યના વિકાસમાં મહત્વની ભૂમિકા ભજવી ત્યાર બાદ ઘણું સાહિત્ય રચાયું જેમાં દલિતોના શોષણ અને તેમના પર અન્યાયની વાત કહેવામાં આવી. દલિતોએ પોતાના સ્વમાનની રક્ષા કરવા માટેની મથામણમાંથી જન્મેલ આક્રોશ તેમણે અનેક રીતે વ્યક્ત કર્યો જે દલિત સાહિત્યના નામે ઓળખાયું.

આજે ગુજરાતી દલિત સાહિત્ય અનેક સાહિત્ય સ્વરૂપોમાં રચાવા લાગ્યું છે. તેમની કલમ કવિતાથી વિસ્તરી વાર્તા, રેખાચિત્ર, નવલકથા, નિબંધ, વિવેચન, લઘુકથા, જીવનચરિત્ર તેમજ આત્મકથા વગેરે. ગુજરાતી દલિત સાહિત્ય સંદર્ભે આત્મકથા સાહિત્ય મોડેથી શરું થયું. પરંતુ તેમની આવશ્યકતા હતી, માટે તે આવકારને પાત્ર છે. બી. કેશરશિવમ્ ‘પૂર્ણ સત્ય’ લખે છે, ત્યારે તેમની આત્મકથા અનુવાદ દ્વારા વિદેશોમાં પહોંચે છે, વંચાય છે અને અભ્યાસક્રમોમાં પણ સ્થાન પામે છે. જે દલિત સાહિત્યની આવશ્યકતા તેમજ માનવ જીવન માટે ઉપયોગીતા સિદ્ધ કરે છે. ગુજરાતી દલિત નવલકથા પહેલેથી જ વિશેષ રહી છે. જોશેફ મેકવાન, હરીશ મંગલમ્, બી. કેશરશિવમ્, દલપત ચૌહાણ, મોહન પરમાર વગેરે લેખકોએ દલિત સાહિત્યમાં વિશેષ રીતે ઉલ્લેખનીય નવલકથાઓ આપી છે. દલિત સાહિત્ય ભવિષ્યમાં પણ માનવ મુક્તિ માટે કાર્ય કરતું રહેશે અને તેની ક્ષિતિજો વિકસતી રહેશે.

સંદર્ભ :

1. ‘નયા માર્ગ’ તા.૧-૧૨-૯૮ અને ‘સમાજ મિત્ર’ ડો.બાબાસાહેબ આંબેડકર કાવ્ય વિશેષાંક એપ્રિલ-૨૦૦૧, પૃ.૧
2. ‘સમાજ મિત્ર’ : મરાઠી દલિત સાહિત્ય વિશેષાંક, ૧૪ એપ્રિલ ૨૦૦૦. પૃ.૧૧૪
3. ‘હિંદુ વર્ણવ્યવસ્થા, સમાજ પરિવર્તન અને ગુજરાતના દલિતો’: મકરન્દ મહેતા, પૃ.૨૭૮
4. ‘આક્રોશ’: તંત્રી ડૉ.રમેશચંદ્ર પરમાર, ૧૪ એપ્રિલ ૧૯૭૮, પૃ.૨