Download this page in

બોલકા વિષયની અભિનયક્ષમ રજૂઆત : ‘અંગુલિમાલ’

ચિરકાલીન અંગુલિમાલ દ્વારા સમકાલીન અંગુલિમાલોનું યથાર્થ પ્રસ્તુતિકરણ કરતું અભિનય અને દિગ્દર્શનની અવનવીન શક્યતાવાળું ‘અંગુલિમાલ’ નાટક શ્રી સતીશ વ્યાસનું જૂન- ૨૦૦૬માં પ્રકાશિત થયેલું મૌલિક નાટક છે. અહીં ૨૬૦૦ વર્ષ પૂર્વેની બૌદ્ધકાલીન અંગુલિમાલની આંગળીઓ કાપવાની ઘટનાને કથા તરીકે પસંદ કરીને તેમાંથી સાંપ્રત અંગુલિમાલોનું ચિત્ર પ્રગટ કરી તેને નૂતનરૂપ આપવાનો પ્રયાસ સતીશભાઈએ કર્યો છે. પૌરાણિક કથાનું સાદ્યંત આધુનિક સંવેદનામાં રૂપાંતર કરી તેમાંથી નાટ્યાત્મક ક્ષણો ઊભી કરવામાં ‘અંગુલિમાલ’ નાટક ગુજરાતી પુરાકલ્પિત નાટકોની પરંપરામાં અગ્ર હરોળમાં મૂકી શકાય એવી ક્ષમતા ધરાવે છે. અહીં સતીશ વ્યાસ સાંપ્રત સામાજિક અને રાજકીય વ્યવસ્થા સામે પડકાર ફેંકવામાં સંપૂર્ણ નિર્ભય રહ્યાં છે. આ નાટકનો વિષય બોલકો છે. વાચાળ છે. મુખર છે. નાટકમાં આ પ્રકારના વિષયની જો યોગ્ય માવજત ના થાય તો નાટક નિષ્ફળ જવાની પૂરી સંભાવના રહે છે. નાટ્યકારે મુખર થઈને, સ્હેજ પણ વાચાળ થઈને કશું જ કહેવાનું નથી. મુખરતા – વાચાળતા હંમેશાં નાટકની કલાત્મકતા માટે હાનિકારક બને છે. સતીશ વ્યાસ ‘અંગુલિમાલ’ નાટકમાં એ રીતે સભાન રહ્યાં છે. ક્યાંક વધુ મુખર પણ થયાં છે...સ્વાભાવિકતા પણ હણાઈ છે... પરંતુ નાટકની અભિનયક્ષમ રજૂઆત અને વૈવિધ્યસભર મંચીય પ્રયુક્તિઓ દ્વારા એમણે નાટકને બચાવી પણ લીધું છે. પોતાનો ‘મંચધર્મ’ તેઓએ બરાબર નીભાવ્યો છે. આટલાં બોલકા વિષયને આટલી હળવી રીતે મૂકી આપવો અને પાછું સ્હેજ પણ કૃત્રિમતા કે અતિશયોક્તિ વગર, એ આધુનિક ગુજરાતી નાટક માટે નાની ઘટના નથી. સતીશભાઈએ પોતાનો રંગભૂમિનો અનુભવ અહીં બરાબર કામે લગાડ્યો છે. એમણે ક્યાંય કલાકાર અને દિગ્દર્શકને બાંધ્યા નથી, મુક્ત રાખ્યાં છે. કુશળ નાટ્યકાર ક્યારેય કલાકાર અને દિગ્દર્શકને બાંધતો નથી. પણ મનની મોજથી તખ્તા પર રમી શકે એવી ગોઠવણ કરી આપતો હોય છે. એ દ્રષ્ટિએ ‘અંગુલિમાલ’ નાટક નોખું-અનોખું નાટક છે. સતીશભાઈ નાટ્યાત્મક ક્ષણની પસંદગી, અભિનેય ભાષા, દ્રશ્યયોજના તથા ગીત-સંગીતની કાવ્યાત્મક અને દ્રશ્યાત્મક પ્રયુક્તિઓ દ્વારા ગુજરાતી રંગભૂમિને ‘અંગુલિમાલ’ નામનું એક સ્વતંત્ર અને મૌલિક નાટક આપવામાં સફળ રહ્યાં છે.

નાટક બે અંકનું છે. નાટ્યકારે બંને અંકોને ‘પૂર્વાર્ધ’ અને ‘ઉત્તરાર્ધ’ એમ નામ આપ્યા છે. પૂર્વાર્ધમાં ત્રણ દ્રશ્યો છે અને ઉત્તરાર્ધમાં નવ દ્રશ્યો છે. ક્યાંક ગીત-સંગીતની મદદથી વૃંદગાનનો ઉપયોગ કરી પ્રયુક્તિ દ્વારા પણ દ્રશ્યો બદલ્યાં છે. એમ મળીને સમગ્ર નાટક પંદર દ્રશ્યોમાં વિભાજિત થયું છે.

પૂર્વાર્ધમાં ભાતભાતના લોકોથી ભરેલાં ‘ગયા’ નામનાં દેશમાં આવેલ. ‘ગયા’ નામનાં ગામમાં રહેતાં, મજૂરી કરી ગુજરાન ચલાવતાં, એક ગરીબ પરિવારની કથાથી નાટકનો વૃંદગાન દ્વારા કાવ્યાત્મક પ્રારંભ થાય છે. અંગીરામ અહીં મુખ્ય નાયક છે. જેને કશું જ કામ કર્યા વગર હરામનું ખાવાની ટેવ પડી ગઈ છે. એના જીવનનાં બે જ કામ છે – ખાવું અને ઘોરવું. પત્ની સવિતા આસપાસના ઘરનાં ઠામ ઉટકીને અને પિતા હરિરામ લાકડા કાપીકાપીને ઘર ચલાવે છે. પરંતુ અંગીરામને તો ‘નામે કામ હરામ’ છે. એટલે પત્ની સવિતા, માતા તારા અને પિતા હરિરામના તિરસ્કારનું પાત્ર અંગીરામ બને છે. ઘરમાં બધાં એનાં તરફ આંગળી ચીંધી તેને હડધૂત કરે છે. એ આંગળીઓ તેને શૂળની જેમ ખૂંચે છે. ચીંધાતી આંગળીઓ અંગીરામને અસહ્ય લાગે છે. તે ઘર છોડીને ચાલ્યો જાય છે. અને એ ક્રોધમાં તે ગામનાં છોકરાઓને મારતો ફરે છે. ગામમાંથી લોકોની રાવ આવવાની શરૂ થાય છે. ધીમેધીમે ગામનાં લોકો પણ આંગળી ચીંધવા લાગે છે. અંગીરામને આ ચીંધાતી આંગળીઓ તીરની જેમ ભોંકાય છે. આંગળીઓ જાણે એને પીસી રહી હોય એવું લાગે છે. તે કૂદકો મારી જનૂન સાથે ગામ લોકોના ‘હાથ ભાંગી નાખવા – તેને મૂળ સાથે ઉખેડી નાખવા’ દોડે છે.

એક તરફ ઘરમાં અસહ્ય ભૂખમરો છે. ઘરમાં અન્નનો એક દાણો નથી. હાલ્લાં કુસ્તી કરે છે. ભૂખે ટળવળતાં બાળકોને ન ખવડાવી શકવાની અસહ્ય વેદના અનુભવતી સવિતા અંગીરામ પ્રત્યે રોષે ભરાયેલી છે. ઘરમાં કારમો કકળાટ છે. રોજના આ તમાશા, બળાપા જોઈ લોકો હવે ‘દ્વાર પૂઠેથી’ હસી – મજાક કરવા લાગ્યાં છે. કામ એક પણ સધાતું નથી. બાર સાંધતા તેર તૂટે એવી ઘરની હાલત છે. ઘરની આ હાલતથી કંટાળીને અને ખાવા માટે ટળવળતાં પોતાનાં છોકરાઓને ન જોઈ શકતો અંગીરામ એક મંદિરમાં પહોંચે છે. ત્યાં ચાલતાં સદાવ્રતમાંથી દોઢ કલાક લાઇનમાં ઊભો રહીને સંતાનો માટે ઉત્સાહથી ખાવાનું લઈ આવે છે. પરંતુ મા, પત્ની અને પિતા હરિરામ એમનાં આ મહેનત વગરનાં અન્નનાં દાણાનો તિરસ્કાર કરે છે. પોતાનાં સંતાનોને હરામનું ખાવાની ટેવ ન પડવાં દેવા ઇચ્છતી સવિતા અંગીરામના ઉમંગ પર પાણી ફેરવી દે છે. તે અંગીરામને ખાવાનું પાછું આપવાં આગ્રહપૂર્વક કહે છે. પરંતુ અંગીરામ તે પાછું આપવા જતો નથી. અને પોતે ખાવા લાગે છે. હવે, છોકરાઓથી લઈને ઘરનાં તમામ સભ્યો ‘હરામનું ખાનાર’ એમ કહીં નફરતથી આંગળી ચીંધવા લાગે છે. આ આંગળીઓ જોઈ અંગીરામનુ માથું ફાટવા લાગે છે. તે બૂમો પાડવા લાગે છે. ચીસાચીસ કરી મૂકે છે. તેને આંગળીઓ ‘જાળા જેવી’ ભાસવા લાગે છે. ‘કોણે મને આ આંગળીઓનાં ઘેરામાં ઘાલ્યો?’ એવો પ્રશ્ન તેનાં મનમાં ઊઠે છે. આ જાળામાંથી બહાર નીકળવા કયો દાવ અજમાવવો કે કયા પાસા ફેંકવા એની વિમાસણમાં તે પડી જાય છે. પોતા સામે ઊઠેલી આ આંગળીઓને તે તોડી નાખવા મથે છે. પરંતુ તેનાં બધાં પ્રયત્નો નિષ્ફળ જાય છે.

ત્યારબાદ તેનો એક કથાકાર સાથે ભેટો થાય છે. તે ‘જે છે તે નથી ને નથી તે છે’નો ભેદ સાધુ બાવા પાસે ઉકેલવાનો પ્રયત્ન કરે છે. તેને હવે બરાબર સમજાવા લાગે છે કે આ બધી આંગળીઓની જ માયા છે. તે બાવા સાથે ઉદ્ધતાઈભર્યું વર્તન કરે છે. એટલે ગામનાં લોકો પણ ગાંડો કહી તેની તરફ આંગળીઓ ચીંધે છે. તે બધાને મારવા દોડે છે. કથાકાર ચીંધાયેલી આંગળીઓથી વ્યગ્ર અંગીરામને ખભે હાથ મૂકી શાંત કરે છે.

અંગીરામ પાછો ઘરે આવે છે. સવિતા પાસે પીવા પાણી માંગે છે. સવિતા પાણી ન આપતાં અંગીરામ ક્રોધે ભરાઈને પત્ની સાથે મારજૂડ કરે છે. કંટાળેલી સવિતા બાળકોને લઈને અંગીરામને અને ઘરને છોડીને ચાલી નીકળે છે. બાળકો વગરનું ઘર અંગીરામને સૂનમૂન લાગે છે. સવિતા વગરની ભીંતો તેને શૂન્ય ભાસે છે. તેને કશું સમજાતું નથી.

હવે સવિતા છોકરાઓનાં પોષણ માટે પંચાયતમાં જઈને એનાં વિરુદ્ધ ફરિયાદ લખાવે છે. પંચનો હુકમ થતાં જ ‘ગામ આખું ધૂમાડા બંધે, કીડિયારાની જેમ સાગમટે ઉભરાયું છે.’ ગામનાં ચોવટીયા, ચૌદશિયા, લપીયા, ચુગલીખોરો, નિંદારસિયા, કૂથલીખોરિયા, ચાપલૂસીય લોકો અંગીરામનો ન્યાય સાંભળવા પહોંચી ગયા છે. મુખી દ્વારા ન્યાય તોળાય છે. પંચમાં બેઠેલાં સૌ તેને અપરાધી, આળસુ, બેઠાડું જીવન જીવતો એમ કહી તેની સામે આંગળી ચીંધી તિરસ્કારે છે. આંગળીઓ જોતાં જ તેને અકળામણ થવા લાગે છે. તેને બધી આંગળીઓ કાપી નાખવાનું મન થાય છે. ‘નાનો હતો ત્યારથી આજ સુધી ઘરમાં અને ઘરબહાર’ ચીંધાતી આ આંગળીઓ હવે તેને અસહ્ય પીડા આપે છે. તે બાજુમાં ઊભેલાં એક ખડગધારી માણસની કમરમાંથી ખડગ ખેંચી લે છે, અને પંચમાં ઊઠેલી તમામ આંગળીઓ ધડાધડ કાપવા લાગે છે. અંગીરામ આંગળીઓનો ઢગલો કરી દે છે. પછી એ આંગળીઓ ભેગી કરે છે. એની માળા બનાવે છે. અને જોતજોતામાં અંગુલિમાલ બની જાય છે. આમ અંગીરામના પુનરઅવતાર સાથે પૂર્વાર્ધ પૂર્ણ થાય છે.

પૂર્વાર્ધમાં નાટ્યકાર આજની સામાજિક પરિસ્થિતિનું વાસ્તવિક ચિત્ર આપણને બતાવે છે. સમાજનું મોટામાં મોટું દૂષણ ગરીબી અને ભૂખમરો અહીં કેન્દ્રમાં છે. નાટ્યકારને કહેવું છે કે મનુષ્ય સંજોગોનું સંતાન છે. મનુષ્યના વર્તનનો આધાર સંજોગો ઉપર છે. આર્થિક સંકડામણ જ મનુષ્યને અંગુલિમાલ બનવા મજબૂર કરે છે.

ત્યારબાદ ઉત્તરાર્ધમાં નાટ્યકારે દેશની રાજકીય પરિસ્થિતિનું વાસ્તવિક ચિત્ર આપણને બતાવ્યું છે. ઉત્તરાર્ધનો પ્રારંભ સંઘગાનથી થાય છે. બુદ્ધના અનુયાયીઓ સંઘ ગાન કરતાં કરતાં નીકળે છે ને વચ્ચે અટ્ટહાસ્ય કરતો, ગર્જના કરતો, કૂદતો ‘અંગીરામનો પુનરાવતર’ અંગુલિમાલ પ્રવેશે છે. પોતાની જાતને અંગુલિમાલ માનતો તે સર્વત્ર છવાઈ જાય છે. ધીમેધીમે તે નિર્જન રસ્તા પર આવે છે. ત્યાં તેને એક વૃદ્ધનો ભેટો થાય છે. તેની આંગળી કાપીને ગળામાં પહેરી લે છે. ત્યારબાદ રસ્તામાં તે એક યુવાનને ઊભો રાખી એની પણ આંગળી કાપીને ગળામાં પહેરી લે છે. આ બંને આંગળી અહીં પ્રતીકાત્મક છે. વૃદ્ધની આંગળી એ પરંપરાનું - અનુભવનું પ્રતીક છે. જેની પાસેથી આપણે માર્ગદર્શન મેળવીએ છીએ. જ્યારે યુવાન એ શક્તિનું પ્રતીક છે. પરાક્રમ અને સાહસનું પ્રતીક છે. અંગુલિમાલ બરાબર જાણે છે કે નેતા બનવા માટે આ બંને આંગળીઓ પહેલાં કાપવી પડે. ત્યારબાદ એ ટચલી-વચલી, સીધી-વાંકી, ટૂંકી-લાંબી, અડધી-આખી, કાળી-ધોળી, સાચી-જુઠ્ઠી, કાચી-પાકી, નરની-નારીની એમ એક પછી એક સત્તાણુ આંગળીઓ કાપવા લાગે છે અને તેની માળા બનાવી પોતાનાં ગળામાં તે ધારણ કરી લે છે. હવે ત્રણ આંગળીઓ ખૂટે છે. પરંતુ આજના યુગમાં તે આંગળીઓ સીધી મળવી મુશ્કેલ છે. એટલે છળથી, કળથી, કોઈ પણ ભોગે આંગળીઓ મેળવવા તે મથે છે. એટલું જ નહીં એણે છાપામાં અને ન્યૂઝ ચેનલ પર પણ જાહેરાત આપી છે. ત્યારબાદ તેને રસ્તામાં અપરિચિત માણસોનું ટોળું મળી જાય છે. તેમાંથી એક વ્યક્તિ અંગુલિમાલને મદદ કરવા તૈયાર થાય છે. પણ નિ:સ્વાર્થ નહીં જો વચ્ચેથી કંઈક લાભ મળે તો.....! અંગુલિમાલ તેને પોતાના પક્ષમાં લઈ લે છે અને મહિલા અનામતની જગ્યા પર ચૂંટાયેલી પ્રતિનિધિ પર્વપવિત્રા મિસ ડોલી પાસે પહેલા તે જાય છે અને તેની આંગળી માંગે છે. મિસ ડોલી પહેલા તો ના પાડે છે. પરંતુ પછી મુખ્યમંત્રી બનવાની તેની મહત્વાકાંક્ષા યાદ આવતાં તે સો-બસો પેટીમાં આંગળી આપવા તૈયાર થઈ જાય છે. પરંતુ આટલા બધાં રૂપિયા આપવા અંગુલિમાલ માટે મુશ્કેલ હોઈ તે મિસ ડોલીને બ્લેકમેઇલ કરે છે, અને મજબૂરીનો ઉપયોગ કરી તે સિફતથી તેની આંગળી કાપી લે છે. અહીં સત્તાની ભૂખ મનુષ્યને કેવો હીન બનાવે છે તે ડોલીના ચરિત્ર દ્વારા સુંદર રીતે નાટ્યકારે ઉપસાવ્યું છે. અને ‘જ્યાં જુઓ ત્યાં આંગળીઓનાં જ માન છે, આંગળીઓનાં જ ખેલ છે, આંગળીઓનાં જ રાજ છે’, એ વાસ્તવિકતા ગીત-સંગીતનાં માધ્યમથી બતાવી દ્રશ્ય પૂરું કરે છે.

ત્યારબાદનાં દ્રશ્યમાં અંગુલિમાલનો ભેટો હરસુખ નામના બકાલી સાથે થાય છે. બકાલીના પાત્ર દ્વારા નાટયકારને કહેવું છે કે સામાન્ય બકાલી પણ પુરવઠાખાતાનાં મંત્રી બનવાની ઈચ્છા પ્રગટ કરે તો આપણા દેશમાં તે બની શકે છે. બસ, એમણે આવા અંગુલિમાલોને એક આંગળીનો ભોગ આપવો પડે છે. અંગુલિમાલ હરસુખને પુરવઠાખાતાનો મંત્રી બનાવવાની લાલચ આપીને નવ્વાણું આંગળી ભેગી કરી લે છે અને ગળામાં ધારણ કરી લે છે.

હવે, છેલ્લી આંગળી બાકી છે, જે મેળવવી ખૂબ દુષ્કર છે. એ આંગળી જ્ઞાની-પ્રબુદ્ધની છે. ખબરપત્રીઓનાં કહેવા પ્રમાણે જ્ઞાનીઓને મનાવવા ખૂબ અઘરા હોય છે. એની આંગળી ખાસ્સી અક્કડ હોય છે, જક્કડ હોય છે. એટલે અંગુલિમાલને ચિંતા થાય છે. ઊંઘ નથી આવતી, રાત જાતી નથી. તેની મદદે આવેલો વ્યક્તિ અંગુલિમાલની આ હાલત કળી જાય છે. તે લાભ લેવાનું ચૂકતો નથી. વ્યક્તિને ગુરુ નડતો હોય એની આંગળીમાં ગુરુનો નંગ કમિશનરૂપે જડાવી દેવાની શરત મૂકે છે. (મૂળ કથાનાં અંગુલિમાલને પણ ગુરુ જ નડેલાને....!) સમય પારખું અંગુલિમાલ વ્યક્તિની શરતને સ્વીકારી લે છે. ને જ્ઞાની પ્રબુદ્ધનાં ઘરે જવા નીકળી પડે છે. પ્રબુદ્ધને અનાકૂલા નામની પત્ની છે. પ્રથમ અંગુલિમાલને તેનો ભેટો થાય છે. અનાકૂલા અંગુલિમાલને તેની મજબૂરી કહે છે. પ્રબુદ્ધને દીકરો-દીકરી બે બાળકો છે. દીકરો મેડિકલમાં છે. પરંતુ વિધિવત પ્રવેશ ના મળતાં હવે સાત વર્ષનાં સાત લાખ રૂપિયા આપીને પ્રવેશ મેળવવો પડશે. અને સાધન-પુસ્તકનાં સાતેક લાખ અલગ, તથા વાહનવ્યવહારનો ખર્ચ પણ અલગ. દીકરી એમ.એ.માં છે. લગ્ન લીધાં છે. પણ વેવાઈ મોટાં માથાનાં હોઈ એનો પણ ખર્ચ આઠ – દસ લાખ થવાનો છે. અંગુલિમાલને પૂરી વાસ્તવિકતા સમજાય છે. હવે તેને માટે પ્રબુદ્ધની આંગળી લેવી સરળ થઈ પડે છે. તે પ્રબુદ્ધની આ મજબૂરીનો ફાયદો ઉઠાવે છે (સામાન્ય નેતાઓની જેમ). પ્રબુદ્ધની પાસે આંગળીનાં બદલામાં ૨૫ લાખની ઑફર મૂકે છે. પ્રબુદ્ધ પ્રથમ ના પાડે છે. પરંતુ પત્નીનાં કહેવાથી ૨૫ લાખમાં પોતાની આંગળી ‘ડન’ કરે છે. અને સો આંગળી ભેગી કરવાનાં પોતાના લક્ષ્યને અંગુલિમાલ સિદ્ધ કરે છે. આમ, ૨૬૦૦ વર્ષ પૂર્વે પ્રબુદ્ધે અંગુલિમાલને શરણે લઈ લીધેલો. જ્યારે આજે અંગુલિમાલે પ્રબુદ્ધને શરણે લઈ લીધાં. પ્રબુદ્ધ જેવા બુદ્ધિજીવીને પણ આવા અંગુલિમાલોનાં તાબે થઈ જવું પડે છે એવી સમાજની કરૂણ અવદશાનું અહીં હૃદયસ્પર્શી દ્રશ્ય નાટ્યકારે સુંદર રીતે ઊભું કર્યું છે.

હવે અંગુલિમાલે જ્ઞાન, બુદ્ધિ, મન, સ્વમાન, બધું જ ગીરવે મૂકીને પોચી પોચી ગાદી ઉપર બેસીને આંગળીઓથી સિક્કા મારવાનું શરૂ કરી દીધું છે. ચોતરફ અંગુલિમાલનો જયજયકાર બોલાવા લાગ્યો છે. વર્ષો વીતતાં જાય છે. પ્રજા ધીમેધીમે આ શાસનથી હવે કંટાળતી જાય છે. ચીજવસ્તુઓનાં ભાવ વધવા લાગ્યા છે. ચોરી લૂટફાટ થવાં લાગી છે. વિદેશી દેવું વધતું જાય છે. શેરબજાર ખાલી થઈ ગયું છે. પ્રજા ત્રાહિમામ પોકારી ઊઠી છે. તે ગમે ત્યારે વિદ્રોહ કરવાની તૈયારીમાં છે. અહીં આજનાં રાજકારણમાં પ્રજાની શોષિત દશાનું વરવું રૂપ નાટ્યકારે બતાવ્યું છે. કહેવાતા આ ભ્રષ્ટાચારી નેતાઓએ પ્રજાની આંગળીઓ કાપી લીધી છે. જેની સામે બાપડી-બિચારી પ્રજા કશું જ કરી શકે એમ નથી. દેશમાં ચાલતી ‘લચ્છાલચ્છી’થી તેઓ પાપ-પુણ્ય, સદ-અસદનાં ભેદ જ ભૂલી ગઈ છે. નૈતિકતાનાં સદંતર હ્રાસથી કંટાળેલી પ્રજા ખૂબ ક્રોધે ભરાય છે. આ પ્રજાનું એક જૂથ બને છે ને તે શાસક વર્ગ સામે બળવો કરે છે. શાસકોની કપાયેલી, લાચાર, મૃત આંગળીઓ અને પ્રજાની નરવી, સાબૂત, જીવંત, સ્વતંત્ર, આંગળીઓ સામે જંગ ખેડાય છે. શાષકોની સો આંગળીઓ સામે હવે અબજો આંગળીઓ ઊભી થઈ છે. તે આ સો આંગળીઓને ભાંગી – તોડી કચરા ટોપલીમાં ફેંકી દેવા સંકલ્પબદ્ધ છે. પ્રજા સ્વયં ભ્રષ્ટાચાર, દુરાચાર, અત્યાચાર દૂર કરવાં અંગુલિમાલો સામે અંગુલિમાલ બની જાય છે. પરંતુ આ અંગુલિમાલો સામે આજ સુધી ક્યાં કોઈનું ચાલ્યું છે. એમણે પ્રજાની આંગળીઓ એક થતી હતી એને જ એકબીજાની સામે ચીંધતી કરી દીધી. જેથી આ આંગળીઓ પોતા સામે ન ચીંધાય. નાટકનાં અંતમાં આખા રંગમંચ ઉપર હિન્દુ-મુસ્લિમ, ઉચ્ચ વર્ણ- અવર વર્ણ, ખ્રિસ્તી-ખોજા, હરિજન-બક્ષી, ગોરા-કાળા, ઊંચા- ઢીંચકા, બધાં લોકો એકબીજા સામે આંગળીઓ ચીંધે છે. જાણે આખા મંચ ઉપર આંગળીઓ ઉભરાય ના હોય..! આમ, વૃંદગાનની મદદથી સમાજમાં ફેલાયેલાં સ્વાર્થના ગંદા રાજકારણ સામે નાટયકાર ‘અંગુલિ’ ચીંધી નાટ્યાત્મક રીતે નાટક પૂર્ણ કરે છે.

અંતે ‘અંગુલિમાલ’ નાટક વાંચ્યા પછી, માફ કરજો ‘જોયા’ પછી એટલું ચોક્કસ કહીં શકાય કે સતીશભાઈને સાંપ્રત રાજકીય ઊથલપાથલોનો નથી કોઈ ભય કે નથી પોતાની ‘અંગુલિ’ કપાવાની પરવા...તેમને ‘સાહસ’ પ્રિય છે....આવાં સાહસો પોતાનાં દરેક નાટકોમાં તેઓ અવાર નવાર કરતાં આવ્યાં છે. પરંતુ મજાની વાત એ છે કે એમનાં સાહસોએ ક્યાંય ‘નાટક’ને હાનિ પહોંચાડી નથી. સાહસનાં આવેગમાં તેઓ ક્યાંય પોતાનો નાટ્યધર્મ કે સર્જકધર્મ ચૂક્યાં નથી. એટલે તેઓ સીધેસીધું જ કહી દે છે કે, “આંગળીઓની ભૂખ શાશ્વત છે.....જે ક્યારેય તૃપ્ત થવાની નથી......જ્યાં સુધી માનવ અસ્તિત્વ છે ત્યાં સુધી અંગુલિમાલો પણ હશે.....અને રેહવાના......

સંદર્ભ ગ્રંથ :

૧. અંગુલિમાલ - લે. સતીશ વ્યાસ (પ્રથમ આવૃત્તિ- જૂન- ૨૦૦૬)